કાર્ટૂનજગતના પિતામહ  વોલ્ટ ડિઝની
              ન્યૂયોર્કથી કેન્સાસ સિટી જઇ રહેલી ટ્રેનમાં અનેક મુસાફરો પૈકી ૨૭ વર્ષનો એક યુવાન પણ હતો. નિષ્ફળતા-દગો-હતાશા અને ક્રોધે આ યુવાનના હૃદયમાં જાણે કબ્જો જમાવીને બેઠા હતા અને આંખો શૂન્યમનસ્ક હતી. 'હવે મારા ભવિષ્યનું શું? છેલ્લા કેટલાય વર્ષોથી જે સ્વપ્ન જ મારા જીવવાનું કારણ છે તે શું ક્યારેય પૂરા નહીં થાય?'. 'મારી જ સાથે શા માટે આ રીતે દગો થયો?' શું મારે વારંવાર સફળતા હાથતાળી આપીને જતી રહેશે?' આવા અનેક સવાલો આ યુવાનના મનમાં સવાર હતા. અચાનક જ કોઇ અંતઃસ્ફુરણા થઇ અને ગજવામાંથી પેન કાઢીને પોતાના હાથમાં જે કાગળ આવ્યો તેને લઇને એક ચિત્ર દોરવા લાગ્યો. ૧૮ કલાકની આ મુસાફરીમાંથી સતત ૧૧ કલાક ભૂખ-તરસ બધું જ ભૂલાવીને માત્ર ચિત્ર દોર્યું. કેન્સાસ સિટી આવતા સુધીમાં આ ચિત્ર તૈયાર થયું અને ત્યારે બાળકને જન્મ આપ્યા બાદ માતાના ચહેરા પર જેવો સંતોષ જોવા મળે તેવો જ  સંતોષ  આ યુવાનના ચહેરા પર હતો. આ યુવાન એટલે વોલ્ટ ડિઝની અને ટ્રેનની મુસાફરીમાં તેમણે જે ચિત્ર બનાવ્યું તેને આપણે મિકી માઉસ તરીકે ઓળખીએ છીએ.         
                વાત એમ છે કે, કાર્ટૂનજગતના પિતામહ એવા વોલ્ટ ડિઝનીની  વર્ષગાંઠ છે. ડિસેમ્બર માસમાં આવતા પ્રથમ સોમવારની ઉજવણી 'વોલ્ટ ડિઝની' તરીકે કરવામાં આવે છે. વોલ્ટ ડિઝનીએ મિકી માઉસ, મિની માઉસ, ડોનાલ્ડ ડક, ગૂફી જેવા અનેક કાર્ટૂન કેરેક્ટર્સની ભેટ આપણને આપેલી છે. પરંતુ આજે વોલ્ટ ડિઝનીના વિવિધ સર્જનની નહીં પણ તેમના પ્રેરણાત્મક સંઘર્ષની વાત કરવાની છે. સાધારણ પરિવારમાં જન્મેલા વોલ્ટ ડિઝની કિશોર વયમાં પ્રવેશ્યા ત્યારથી જ  અસાધારણ પડકારનો સામનો કરવો એ જ જાણે તેમના જીવનનું લક્ષ્ય બની ગયું. પ્રથમ વિશ્વયુદ્ધ લડવા માટે ૧૬ વર્ષની ઉંમરે સ્કૂલમાંથી ડ્રોપઆઉટ થયા પરંતુ ઓછી ઉંમરને કારણે આર્મીમાં તેમની પસંદગી થઇ નહીં. યુદ્ધ વખતે કોઇને કોઇ રીતે દેશસેવા કરવી જ છે તેવા નિર્ધાર સાથે તેમણે રેડ ક્રોસમાં એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે ફરજ બજાવી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ તેમણે ન્યૂઝ પેપર કાર્ટૂનિસ્ટ તરીકે કારકિર્દી ઘડવાનો નિર્ણય લીધો. અલબત્ત, વોલ્ટ ડિઝનીને કાર્ટૂનિસ્ટને સ્થાને મેગેઝિન્સ-મૂવી થિયટર્સ માટે જાહેરખબર બનાવવાનું કામ મળવા લાગ્યું અને આ જ બાબત તેમની કારકિર્દી માટે નિર્ણાયક પુરવાર થઇ. માત્ર ૨૧ વર્ષની ઉંમરે 'લાફ-ઓ-ગ્રામ' નામનો સ્ટુડિયો શરૂ કર્યો હતો. પરંતુ આથક સંકડામણને પગલે માત્ર બે જ વર્ષમાં તાળા લગાવવા પડયા હતા. આ નિષ્ફળતાની હતાશાને હાવી થયા દીધા વિના વોલ્ટ ડિઝની પોતાના મોટા ભાઇ રોય સાથે હોલિવૂડમાં સ્થાયી થયા અને જ્યાં તેમણે 'ડિઝની બ્રધર્સ સ્ટુડિયો' શરૂ કર્યો હતો. ૧૯૨૭માં વોલ્ટે આ સ્ટુડિયોમાં બનાવેલી 'ઓસ્વાલ્ડ ધ લકી રેબિટ' નામની એનિમેટેડ શોર્ટ ફિલ્મને ખાસ્સી લોકપ્રિયતા મળી. સફળતાના એક્સપ્રેસ હાઇવે પર પોતાની ગાડી પૂરપાટ દોડવા લાગશે તેમ વોલ્ટ ડિઝની વિચારી જ રહ્યા ત્યાં વધુ એક સ્પિડબ્રેકર આવ્યું. હરીફ કંપની એ ના કેવળ 'ઓસ્વાલ્ડ ધ રેબિટ' ના અધિકાર ખરીદ્યા બલ્કે વોલ્ટ ડિઝનીના તમામ કર્મચારીઓને પણ પોતાની સાથે સામેલ કરી લીધા.આ વખતે વોલ્ટ ડિઝનીને ઝાટકો ચોક્કસ લાગ્યો પણ હતાશાને ફરી એકવાર પોતાના પર હાવી થવા દીધી નહીં અને મિકી માઉસના અમર પાત્રનું ટ્રેનમાં બેસીને સર્જન કરી દીધું. ૧૯૨૮માં આવેલી ફિલ્મ 'સ્ટિમબોટ વિલે' સાથે મિકી માઉસે ડેબ્યુ કર્યું. ૧૯૨૯થી ૧૯૪૭ સુધી મિકી માઉસની જેટલી પણ ફિલ્મ આવી તેમાં વોલ્ટ ડિઝની જ તેમનો અવાજ બન્યા હતા. એકવાર સફળતા મળ્યા બાદ પણ તેને ટકાવવા માટે પણ વોલ્ટ ડિઝનીએ કોઇ કસર બાકી રાખી નહોતી. વોલ્ટ ડિઝનીની બાયોગ્રાફીમાં બોબ થોમસે લખ્યું છે કે, 'રાત્રે ગમે તેટલા સમયે ઉંઘવાનું થયું હોય તેઓ સવારે ૫ઃ૩૦ વાગે જાગીને ગોલ્ફ રમવા પહોંચી જતા. ગોલ્ફ રમતી વખતે વોલ્ટ ડિઝની નવા સર્જન, નવા સ્ટોરી આઇડિયાઝને જન્મ આપતા. વોલ્ટ ડિઝની બપોરનું લંચ લેવાનું ટાળતા. તેમનું માનવું હતું કે વધારે પડતું ખાવાથી મગજમાં સર્જનાત્મક વિચારો આવતા બંધ થઇ જાય છે.જેના કારણે તેઓ ગજવામાં ડ્રાયફ્ટ્સ જ વધારે રાખતા અને એ જ તેમનું લંચ રહેતું. ' વોલ્ટ ડિઝની ક્યારેય તેમના સ્ટાફની પ્રશંસા કરતા નહીં. સ્ક્રિપ્ટ વાંચતી વખતે વોલ્ટ ડિઝનીની આંખમાં આંસુ આવી જાય તો સ્ક્રિપટરાઇટર્સ સમજી લેતા કે તેમના બોસને કામ ખૂબ જ પસંદ પડયું છે. આત્મિયતા વધે માટે વોલ્ટ ડિઝની તેમની સાથે કામ કરતા હોય તેવા દરેક કર્મચારીનું નામ યાદ રાખતા હતા. ૧૯૬૬માં ફેફસાના કેન્સરને કારણે અવસાન થયું ત્યાં સુધી નિષ્ફળતાથી હતાશ થયા વિના સતત કામ કરવું એ તેમનો એકમાત્ર ધ્યેય હતો. આ જ કારણ છે કે ૧૯૩૧થી ૧૯૬૮ સુધી તેમણે કુલ ૩૨ એકેડમી એવોર્ડ્સ જીત્યા હતા.
 ૧૯૫૯માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન વોલ્ટ ડિઝનીને પૂછવામાં આવ્યું કે, 'તમારી સફળતાનો મંત્ર શું છ?' ,'તમારી જેમ સ્વપ્ન સાકાર કરવા માટે યુવાનોએ શું કરવું જોઇએ?' વોલ્ટ ડિઝની ત્યારે માત્ર એક જ શબ્દમાં જવાબ આપ્યો હતો, 'સતત કામ કરતા રહો...'