Josh - 15 - Last Part in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | જોશ - ભાગ 15 (છેલ્લો ભાગ)

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

જોશ - ભાગ 15 (છેલ્લો ભાગ)

૧૫ : કબૂલાત

બીજે દિવસે ફાધર જોસેફ વિશે વામનરાવને જે માહિતી મળી એણે તેને એકદમ આશ્ચર્યચકિત કરી મૂક્યો.

એણે તાબડતોબ નાગપાલને પોલીસ હેડક્વાર્ટરે બેસાડીને ફાધર જોસેફ વિશે મળેલી માહિતી વિશે જણાવી દીધું. એટલું જ નહીં, પ્રોફેસર વિનાયકનાં આંગળાંની છાપના ફોટોગ્રાફ્સ પણ તેને આપી દીધા.

નાગપાલે ગજવામાંથી એક કવર કાઢ્યું અને કવરમાંથી અમુક આંગળાંની છાપના ફોટાઓ સાથે વામનરાવે આપેલ ફોટાને સરખાવી જોયા.

વળતી જ પળે એની આંખોમાં ચમક પથરાઈ ગઈ. ત્યારબાદ એણે રઘુવીર તથા સુનિતાને લોકઅપમાંથી બહાર કાઢીને વામનરાવની ઑફિસમાં બોલાવીને પોતાની સામે બેસાડયા.

'મૅડમ...!' નાગપાલે સુનિતા સામે જોતાં ગંભીર અવાજે કહ્યું, 'મારી વાતનો સાચો જવાબ આપજો. શું ખરેખર તમે દિવ્યાનું ખૂન કર્યું છે?'

'હા...'

“ખૂનીને ફાંસીની સજા થાય છે, એની તમને ખબર છે ને?'

'હા, પરંતુ દિવ્યાના ખૂનમાં મને તો માત્ર હાથો જ બનાવવામાં આવી હતી. બાકી બધી યોજના તો મિસ્ટર રઘુવીરની જ હતી.'

'મૅડમ...” નાગપાલ એક એક શબ્દ પર ભાર મૂકતાં ગંભીર અવાજે બોલ્યો, 'તમે ફાધર જોસેફના કહેવાથી ખોટી જુબાની આપી છે, એ હું જાણું છું. પરંતુ હવે તમારે જરા પણ ડરવાની જરૂર નથી, કારણ કે અહીં ફાધર જોસેફ તરીકે જે શખ્સ રહે છે, એનું સાચું નામ ડેવિડ છે અને તે એક આંતરરાષ્ટ્રીય દાણચોર છે, એની અમને ખબર પડી ગઈ છે. અમને આજે જ મુંબઈથી રિપોર્ટ મળ્યો છે કે અસલી ફાધર જોસેફ કે જેમનું અપહરણ કરવામાં આવ્યું હતું, તેઓ અમુક અજાણ્યા શખ્સોની કેદમાંથી નાસી છૂટ્યા છે અને તેમની સાથે રાહુલ નામનો એક સત્તર-અઢાર વર્ષનો છોકરો પણ હતો. રાહુલને એ લોકોએ એટલા માટે કેદ કર્યો હતો કે એને મારી નાંખવાની ધમકી આપીને તેઓ તેની બહેન અર્થાત્ તમારી પાસેથી કોઈક કામ કઢાવવા માંગતા હતા. તમારી જાણ માટે સાંભળી લો કે અસલી ફાધર જોસેફ તથા રાહુલ અત્યારે પોલીસના રક્ષણમાં છે.'

'જે શખ્સ ફાધર જોસેફ બનીને અહીં આવ્યો હતો, તે પકડાઈ ગયો છે?' સુનિતાએ પૂછ્યું.

'ના...' વામનરાવે નકારમાં માથું હલાવતાં જવાબ આપ્યો, ‘મુંબઈ પોલીસનો રિપોર્ટ મળતાં જ મેં તાડબતોબ પુરાતત્ત્વ ખાતાની ઈમારતમાં એની તપાસ કરાવી હતી, પરંતુ આજે સવારથી જ કોઈએ તેને ત્યાં નથી જોયો.'

'ઇન્સ્પેક્ટર સાહેબ !' નાગપાલ પોતાનું મંતવ્ય વ્યક્ત કરતાં બોલ્યો, 'પોતાના માલની સાથે સાથે રૂસ્તમ પણ પોલીસના કબજામાં આવી ગયો છે એની ફાધર જોસેફ ઉર્ફે ડેવિડને ખબર પડી ગઈ હશે અને આ વાતની ખબર પડતાં જ તે રાતોરાત નાસી છૂટ્યો હશે.'

'આપની વાત સાચી છે નાગપાલ સાહેબ!' રઘુવીરે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું, 'ચોક્કસ એમ જ બન્યું હશે.'

'મૅડમ... !' નાગપાલ સુનિતા સામે જોઈને એકદમ શાંત અવાજે બોલ્યો, 'હવે તમે જે હોય તે સાચેસાચું કહી નાંખો.' 'નાગપાલ સાહેબ !' સુનિતા ધીમેથી બોલી, ‘ગઈકાલે ફાધર જોસેફે મને ચર્ચમાં બોલાવી હતી. હું ચર્ચમાં પહોંચી ત્યારે તેમણે મને જણાવ્યું કે તેમના હુકમથી મારા નાના ભાઈ રાહુલનું અપહરણ કરી લેવાયું છે. જો હું તેમના આદેશનું પાલન નહીં કરું તો રાહુલને મારી નાંખવામાં આવશે. પહેલા તો મને ભરોસો ન બેઠો. પરંતુ પછી જ્યારે તેમણે મોબાઈલ પર રાહુલ સાથે મારી વાત કરાવી ત્યારે મને ખાતરી થઈ ગઈ. મારી પાસે એના આદેશનું પાલન કરવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. પરિણામે ફાધર જોસેફની સૂચના પ્રમાણે જુબાની આપી દીધી. મારા માધ્યમથી આવી જુબાની અપાવવા પાછળ તેમનો મુખ્ય ધ્યેય એક રાત પૂરતો મિસ્ટર રઘુવીરને ઈમારતથી દૂર કરવાનો હતો. રાત્રે તેઓ પોતાનો માલ કાઢ્યા પછી રાહુલને છોડી મૂકવાના હતા, બાકી સાચી હકીકત તો એ છે કે દિવ્યાના ખૂનમાં મારો કે મિસ્ટર રઘુવીરનો કોઈ જ હાથ નથી.'

'ઠીક છે... તમે નવેસરથી લેખિત જુબાની આપી દો.’ સુનિતાએ નવેસરથી જુબાની આપી દીધી. ત્યારબાદ નાગપાલ બોલ્યો, ‘હવે તમે બીજા રૂમમાં બેસો. થોડીવાર પછી મિસ્ટર રઘુવીર પણ અહીંથી રવાના થશે. તમે એની સાથે જતાં રહેજો.'

'ઠીક છે.' કહીને સુનિતા બીજા રૂમમાં ચાલી ગઈ.

નાગપાલે રાત્રે રૂસ્તમ વગેરે પકડાયા એ બનાવની વિગતો રઘુવીરને જણાવી દીધી અને પછી વામનરાવને ઉદ્દેશીને પૂછ્યું, ‘ડેવિડને પકડવાની બાબતમાં બધી વ્યવસ્થા થઈ ગઈ છે ને ?'

'હા... એ કોઈ માર્ગેથી છટકી શકે તેમ નથી.'

'ઠીક છે...' કહીને નાગપાલે રઘુવીરને સંબોધ્યો, ‘મિસ્ટર રઘુવીર, તમારે આજે રાત્રે ડોક્ટર શરદકુમારના રૂમમાં પ્રવેશી, તેને બેભાન કરીને રૂમની તલાશી લેવાની છે. જો તમને ત્યાં કોઈ ખાસ વાત જાણવા મળે તો તરત જ મને જાણ કરજો.'

‘તો શું આપને ડૉક્ટર શરદકુમાર પર શંકા છે ?' વામનરાવે આશ્ચર્યસહ પૂછ્યું.

'હા... ડૉક્ટર શરદકુમાર જ કેપ્ટન ભાસ્કરનો નાનો ભાઈ રાજેશ હોવાની મને શંકા છે.'

'તો શું ડૉક્ટર શરદકુમારે જ?'

‘થોડી ધીરજ રાખ...' નાગપાલ વચ્ચેથી જ એની વાતને કાપીને સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘જે હશે તે ટૂંક સમયમાં જ સામે આવી જશે. હજુ મારે કેપ્ટન આનંદની મુલાકાત લેવાની પણ બાકી છે. એ કેપ્ટન આનંદ કે જે ભાસ્કર પછી મમતાની જિંદગીમાં આવ્યો હતો અને પછી ધમકીભર્યા પત્રોને કારણે મમતાએ એની સાથે સંબંધ તોડી નાંખ્યો હતો.’

ત્યારબાદ નાગપાલે રઘુવીરને જરૂરી વાત સમજાવીને સુનિતાની સાથે રવાના કરી દીધો.

બીજે દિવસે સાંજે -

પુરાતત્ત્વ ખાતાના વિશાળ ડાઇનિંગ હોલમાં બધાને એકઠા કરવામાં આવ્યા.

દરેક દરવાજા પર એક એક સશસ્ત્ર સિપાહી ગોઠવાઈ ગયા હતા. જો કોઈ નાસવાનો પ્રયાસ કરે તો બેધડક તેને ગોળી ઝીંકી દેવાની સ્પષ્ટ સૂચના તેઓને આપી દેવામાં આવી હતી.

ડાઇનિંગ ટેબલની એક ખુરશી પર નાગપાલ બેઠો હતો જયારે અન્ય ખુરશીઓ પર પુરાતત્ત્વ વિભાગ સાથે સંકળાયેલા તમામ લોકો બેઠા હતા.

આ લોકોમાં પ્રોફેસર વિનાયક, પ્રભાકર, શશીકાંત, રજનીકાંત, પ્રતાપસિંહ, ડૉક્ટર શરદકુમાર, કર્નલ ઈન્દ્રમોહન, દેવયાની, સુનિતા, માધવી, રીમા, રજની વગેરેનો સમાવેશ થઈ જતો હતો.

ઇન્સ્પેક્ટર વામનરાવ તથા રઘુવીર ચૌધરી એકદમ તત્પર મુદ્રામાં ટેબલની ડાબી જમણી તરફ ઊભા હતા.

નાગપાલે ત્યાં ઉપસ્થિત બધા લોકો સામે વારાફરતી નજર દોડાવી અને પછી ગંભીર અવાજે બોલ્યો, ‘મમતા તથા દિવ્યાનાં ખૂનો એક જ શખ્સે કર્યા છે અને એ શખ્સ અત્યારે પણ અહીં મોજૂદ છે. તમે લોકો એ શખ્સને બહુ સારી રીતે ઓળખો છો. પરંતુ એના પર ખૂની હોવાની તો કોઈનેય સહેજ પણ શંકા ઊપજે તેમ નહોતું.'

બધા ચમકીને શંકાભરી નજરે એકબીજાની સામે જોવા લાગ્યા.

'હું ખૂનીને પાંચ મિનિટનો સમય આપું છું.’ નાગપાલે ફરીથી કહ્યું, ‘એ પોતે જ આગળ આવીને પોતાનો ગુનો કબૂલી લે. આ સંજોગોમાં તેની સાથે નરમાશથી કામ લઈને એને ઓછામાં ઓછી સજા થાય, એવી ગોઠવણ હું કરીશ. જો તે પાંચ મિનિટમાં ઊભો નહીં થાય તો પછી નછૂટકે મારે પોતે જ એને બેનકાબ કરવો પડશે.'

નાગપાલની વાત પૂરી થતા જ ડાઈનિંગ હોલમાં સન્નાટો ફરી વળ્યો. સૌ ધબકતા હૃદયે કોઈકનાં ઊભા થવાની રાહ જોતા હતા.

પરંતુ કોઈ જ ઊભું ન થયું.

'વામનરાવ... !' પાંચ મિનિટ પૂરી થતાં જ નાગપાલ બોલ્યો, 'તું ડૉક્ટર શરદકુમાર ઉર્ફે રાજેશને અટકમાં લઈ લે અને મિસ્ટર રાજેશ... તમે પણ બરાબર કાન ખોલીને સાંભળી લો. જો તમે નાસી છૂટવાનો પ્રયાસ કરશો તો તમારા મોત માટે તમે પોતે જ જવાબદાર ગણાશો.'

સૌ ચમકીને નર્યા અચરજથી ડૉક્ટર શરદકુમાર ઉર્ફે રાજેશને કવર કરી લીધો. વામનરાવે આગળ વધીને ડોક્ટર શરદકુમાર ઉર્ફે રાજેશને કવર કરી લીધો.

'તો શું ડૉક્ટર શરદકુમાર જ ખૂની છે?' પ્રતાપસિંહે પૂછ્યું.

“હું તમને સૌને બધી વિગતો જણાવું છું.' નાગપાલ બોલ્યો, 'રાજેશ, કેપ્ટન ભાસ્કરનો નાનો ભાઈ છે. રાજેશ પોતાના મોટાભાઈ કેપ્ટન ભાસ્કરને અનહદ ચાહતો હતો અને ભગવાનની જેમ તેને પૂજતો હતો. ભાસ્કરના લગ્નની પહેલી રાત્રે જ જ્યારે તેને ગિરફતાર કરવામાં આવ્યો, ત્યારે પોતાનો ભાઈ વિદેશી એજન્ટ પણ હોઈ શકે છે, એ વાત પર ભરોસો જ ન બેઠો.. ઊલટું તેને એમ લાગ્યું કે કર્નલ ઈન્દ્રમોહને પોતાના ભાઈને ફસાવ્યો છે. એણે ઘણા પ્રયાસો કર્યા, પણ વ્યર્થ... ! કેપ્ટન ભાસ્કરને મોતની સજા ફરમાવવામાં આવી. પરંતુ ભાસ્કર પોતાના સાથીદારોની મદદથી નાસી છૂટયો અને બોર્ડર સિક્યોરિટી ફોર્સના હાથેથી ઘાયલ થઈને નદીમાં ઊથલી પડ્યો. ત્યારે એમ માની લેવાયું કે તે માર્યો ગયો છે. આ વાતની જાણ થતાં જ રાજેશે પોતાના ભાઈના મોતનું વેર લેવાનું તથા પોતે મમતાને કોઈની નહીં બનવા દે, એવું નક્કી કર્યું. એટલે એણે પોતાનું નામ રાજેશમાંથી બદલીને રાજેશકુમાર કરી નાંખ્યું અને ભૂલથી નામ બદલ્યાની જાહેરાત અખબારમાં આપીને અખબારની એક કોપી પોતાની પાસે સાચવીને રાખી લીધી. કાલે રાત્રે શરદકુમારના સામાનની તલાશીમાં એ અખબાર મિસ્ટર રઘુવીરને મળ્યું છે. રાજેશે નામની સાથેસાથે કોન્ટેક્ટ લેન્સ તથા ફ્રેંચકટ દાઢી તથા ચશ્માંની મદદથી પોતાનો દેખાવ પણ બદલી નાંખ્યો જેથી ક્યારેક મમતા સાથે ભેટો થાય, તો મમતા તેને રાજેશ તરીકે ન ઓળખી શકે. ત્યારબાદ એણે મમતાને ધમકીભરેલા પત્રો લખવાનું શરૂ કર્યું. આમ કરવા પાછળ એનાં મુખ્ય બે ધ્યેય હતાં. એક તો મમતાને ભયભીત કરવાનો અને બીજો ધ્યેય મમતા ક્યારેય કોઈની પત્ની બને, એવું તે નહોતો ઈચ્છતો, પરંતુ મમતાએ પ્રોફેસર વિનાયક સાથે લગ્ન કર્યા ત્યારે રાજેશે વિચાર્યું કે હવે મમતાને મોતને ઘાટ ઊતારી દેવી જોઈએ એટલે એણે હોસ્પિટલની નોકરી છોડીને અહીં નોકરી મેળવી લીધી અને અનુકૂળ તકની રાહ જોવા લાગ્યો. એક દિવસ તેને તક મળી પણ ગઈ. બપોરે બે ને પાંત્રીસથી ચાલીસ મિનિટે એણે મમતાના રૂમમાં જઈને તેને મોતને ઘાટ ઉતારી દીધી. અને જાહેર એમ જ કર્યું કે પોતે બહાર નીકળ્યો ત્યારે મમતા જીવતી હતી જેથી કોઈને તેના પર શંકા ન ઊપજે.' કહીને નાગપાલ અટક્યો. થોડી પળો બાદ એક ઊંડો શ્વાસ લઈને એણે પોતાની વાત આગળ લંબાવી.

'હવે હું દિવ્યાના ખૂનની વાત પર આવું છું. દિવ્યાને અવારનવાર બીજાઓના રૂમમાં ચોરીછૂપીથી ડોકિયાં કરવાની આદત હતી, બસ આ આદત જ દિવ્યાના મોતનું કારણ બની ગઈ. પહેલાં તો દિવ્યાને એ વાતની ખબર પડી કે મમતાને ધમકીભર્યા પત્રો લખવામાં આવતા હતા. અને પછી એવો જ એક પત્ર તેને ડૉક્ટર શરદકુમારના રૂમમાંથી મળતાં એ તરત જ સમજી ગઈ કે શરદકુમાર જ મમતાનો ખૂની છે, પરિણામે મમતાના ખૂન પછી તે ગભરાયેલી રહેવા લાગી. બીજી તરફ દિવ્યા પોતાને વિશે કંઈક જાણી ચૂકી છે, એવી શંકા શરદકુમારને પણ ઊપજી. એટલે એણે એક એવો દાવો ગોઠવ્યો કે જેને કારણે દિવ્યાનો કાંટો પણ નીકળી જાય અને મમતાના ખૂનની તપાસ પણ બંધ થઈ જાય. એણે ચાલાકીપૂર્વક દિવ્યાનું ખૂન કરી નાંખ્યું અને તેના રૂમમાં મમતાને લખવામાં આવેલ ધમકીપત્રો તથા જે પથ્થર વડે મમતાનું ખૂન થયું હતું, એ પથ્થર મૂકી દીધો. જેથી એમ માની લેવામાં આવે કે એ પત્રો દિવ્યા જ લખતી હતી. એણે જ મમતાનું ખૂન કર્યું છે, પરંતુ ખૂન કર્યા પછી પશ્ચાત્તાપ થતાં આપઘાત કરીને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. પણ મિસ્ટર શરદ... દિવ્યાના રૂમમાં ક્યાંયથી સ્યુસાઈડ નોટ નહોતી મળી. ઉપરાંત આપઘાત કરવાનું વિચારનાર દરેક જણ તાત્કાલિક પોતાનો જીવ નીકળી જાય, એવો જ ઉપાય વિચારે, આ રીતે રિબાઈ રિબાઈને મરવાનું બિલકુલ ન જ વિચારે.'

'તમે આ બધી વાતોને પુરવાર નહીં કરી શકો નાગપાલ સાહેબ.' ડૉક્ટર શરદકુમાર ઉર્ફે રાજેશ સ્મિત ફરકાવતાં બોલ્યો.

'અમુક વાતો તો નજર સામે જ છે.' નાગપાલે પૂર્વવત્ અવાજે કહ્યું, ‘તમે જ એ શખ્સ છો કે જે છેલ્લીવાર મમતાને મળ્યા હતા. તમારા પછી કોઈએ પણ મમતાને જીવિત હાલતમાં નથી જોઈ. બીજું, તમારી મુલાકાત તથા ખૂનનો સમય પણ એક જ છે. એ સમય છે - બે ને પાંત્રીસ મિનિટથી બે ને ચાલીસ વાગ્યા સુધીનો. ત્રીજું જયારે કોઈનું ખૂન થાય છે ત્યારે ખૂની પાસે ખૂન કરવા માટેનું કોઈક ને કોઈક કારણ ચોક્કસ હોય છે. તમારી પાસે કારણ પણ હતું. એ કારણ છે તમે તમારા ભાઈની બરબાદીનું વેર લેવા માંગતા હતા.' 'જો મેં આ ખૂન કર્યું છે તો પછી મમી તથા કપાયેલો હાથે મમતા પર કરેલા હુમલાનો શું બખેડો હતો ?'

'એ બખેડો વાસ્તવમાં મમતાએ દીનુનો સાથ લઈને ભજવેલું એક નાટક માત્ર જ હતું.'

'કેવું નાટક ?'

નાગપાલે તેને મમતાએ ભજવેલા નાટકની વિગતો જણાવી દીધી અને ત્યારબાદ ઉમેર્યું, 'આ રીતે આ ઈમારતમાં રહેનારાઓમાંથી માત્ર તમે જ એક શખ્સ એવા છો કે જેની પાસે ખૂન માટેનો ધ્યેય પણ હતો અને તક પણ હતી. વામનરાવ...' એણે વામનરાવને સંબોધ્યો, 'ડોક્ટર શરદકુમાર ઉર્ફે રાજેશને ગિરફતાર કરી લે...'

'નાગપાલ સાહેબ !' ડોક્ટર શરદકુમાર ગંભીર અવાજે બોલ્યો, 'હું જ રાજેશ છું, એ વાત બિલકુલ સાચી છે, પરંતુ મેં મમતાનું ખૂન કર્યું નથી. હું મમતાનું ખૂન જરૂર કરવા માંગતો હતો અને અનુકૂળ તકની રાહ પણ જોતો હતો. તે દિવસે હું મમતાનું ખૂન કરવાના ઇરાદાથી જ રૂમમાં ગયો હતો, પરંતુ હું ખૂન કરી નહોતો શક્યો, કારણ કે મારી પહેલાં જ કોઈક એનું ખૂન કરી ચૂક્યું હતું.'

'તો પછી બહાર નીકળીને તમે આ વાત જાહેર શા માટે ન કરી ?'

'એટલા માટે કે જો હું આ વાત જાહેર કરું તો સૌ કોઈને સૌથી પહેલાં મારી ઉપર જ શંકા ઊપજે. બસ, આ કારણસર હું ચૂપ જ રહ્યો.’

'રાજેશ સાચું કહે છે નાગપાલ સાહેબ !' સહસા પ્રોફેસર વિનાયક ઊભો થતાં બોલ્યો, 'મમતા અને દિવ્યાના ખૂન એણે નથી કર્યાં.' બધા ચમકીને વિનાયક સામે જોવા લાગ્યા.

‘એ બંનેનાં ખૂનો રાજેશે નથી કર્યાં તો પછી કોણે કર્યાં છે?' નાગપાલે પૂછ્યું. “મેં કર્યાં છે.' પ્રોફેસર વિનાયકે અંગૂઠા વડે પોતાની છાતી ટપટપાવતાં કહ્યું. ડાઇનિંગ હૉલમાં મોજૂદ સૌ કોઈ નર્યા અચરજ અને અવિશ્વાસથી વિનાયક સામે જોવા લાગ્યા. કોઈનેય જાણે કે તેની વાત પર ભરોસો નહોતો બેસતો.

'તમે... તમે ખોટું બોલો છો પ્રોફેસર સાહેબ !' નાગપાલે કહ્યું.

'હું સાચું જ કહું છું.'

'તમે વળી શા માટે ખૂનો કર્યા? તમે ડૉક્ટર શરદકુમાર ઉર્ફે રાજેશને બચાવવાનો પ્રયાસ શા માટે કરો છો ?'

'એટલા માટે કે એ મારો નાનો ભાઈ છે !'

'તો શું તમે જ કેપ્ટન ભાસ્કર છો ?'

'હા... હું જ કેપ્ટન ભાસ્કર છું.'

'મોટાભાઈ...!' ડૉક્ટર શરદકુમાર ઉર્ફે રાજેશ બબડયો..

'નાગપાલ સાહેબ !' કેપ્ટન ભાસ્કર ઉર્ફે પ્રોફેસર વિનાયક એક ઊંડો શ્વાસ લેતાં બોલ્યો, 'હું મમતાને અનહદ ચાહતો હતો. એની સાથે મારાં લગ્ન પણ થયાં, પરંતુ લગ્નની પહેલી જ રાત્રે મારા પર વિદેશી એજન્ટ હોવાનો ખોટો આરોપ મૂકીને મને પકડી લેવાયો. મેં એ જ પળે વાસ્તવિકતાનો પત્તો લગાવવાનું મનોમન નક્કી કરી લીધું હતું. એટલે તક મળતાં જ હું નાસી છૂટ્યો, પરંતુ પછી બોર્ડર સિક્યોરિટી ફોર્સની ગોળીઓનો ભોગ બનીને હું નદીમાં ઊથલી પડ્યો અને ભાન ગુમાવી બેઠો. મને ચહેરા પર પણ ઠેકઠેકાણે ઈજાઓ પહોંચી હતી. અધૂરામાં પૂરું કરવું હોય તો તેમ માછલીઓએ પણ મારા ચહેરાને થોડો કોતરી ખાધો હતો. પરંતુ મારા સદ્દનસીબે હું બચી ગયો અને તબિયત સુધર્યા પછી મેં મારા ચહેરા પર પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી લીધી. ત્યારબાદ તપાસ કરતાં મને જાણવા મળ્યું કે વિદેશી એજન્ટોની એક ગેંગ ખરેખર સક્રિય હતી અને તેમણે જ મને ફસાવ્યો હતો, પરંતુ એ લોકોએ એકાએક જ પોતાની કાર્યવાહી સ્થગિત કરી નાંખી હતી એટલે તેમના સુધી પહોંચવું મુશ્કેલ હતું. ત્યારબાદ મેં પ્રોફેસર વિનાયકના નામના ડુપ્લિકેટ પ્રમાણપત્રો બનાવ્યાં અને આ રીતે હું કેપ્ટન ભાસ્કરમાંથી પ્રોફેસર વિનાયક બની ગયો. મમતા પ્રત્યે અનહદ ચાહના હોવાથી હું તેને બીજા કોઈની પત્ની બનતી જોઈ શકું તેમ નહોતો.

એટલે મેં તેને ધમકીભર્યા પત્રો લખવા શરૂ કર્યા. પત્રના અક્ષરો હું મમતા જેવા જ કરતો જેથી લોકોને એમ જ લાગે કે એ પત્રો મમતાએ પોતે જ લખ્યા છે. આ રીતે પત્રોના માધ્યમથી હું મમતાના જીવનમાં બીજા પુરુષોને આવતા અટકાવતો રહ્યો. પછી સંપૂર્ણ રીતે પ્રોફેસર વિનાયકનું રૂપ ધારણ કર્યા બાદ હું મમતા સાથે આત્મીયતા કેળવવા લાગ્યો. સાથે જ પત્ર લખીને તેને લગ્ન ન કરવા માટેની ધમકી પણ આપી જેથી તે એવું ન વિચારે કે મારી સાથે સંપર્ક કેળવાયા પછી તેને ધમકીપત્ર શા માટે ન મળ્યો ? પરંતુ આ વખતે પિતાના ભરપૂર આશ્વાસન અને હિંમતને કારણે મમતાએ એ પત્ર પ્રત્યે ધ્યાન ન આપ્યું અને મારી સાથે લગ્ન કરી લીધા. લગ્નના એક અઠવાડિયાં બાદ મમતાને ક્યારેય મારા પર કેપ્ટન ભાસ્કર હોવાની શંકા ન ઊપજે એટલા માટે એક પત્ર લખ્યો ત્યાર પછી બે વર્ષ સુધી મેં કોઈ પત્ર ન લખ્યો. અમારું લગ્નજીવન આરામથી ચાલતું રહ્યું. પછી બદલી થતાં અમે લોકો અહીં આવી ગયા અને વધુ એક વર્ષ વીતી ગયું. અચાનક એક દિવસે મને મમતાના કબાટમાંથી એક પત્ર મળ્યો એ પત્ર વાંચીને હું સ્તબ્ધ બની ગયો.'

'એવું તે શું હતું એ પત્રમાં ?' નાગપાલે ઉત્સુક અવાજે પૂછ્યું. 'એ પત્ર કેપ્ટન આનંદનો હતો !' પ્રોફેસર વિનાયક બોલ્યો, 'પત્રમાં આનંદના લખવા મુજબ એ તથા મમતા એકદમ નિકટ આવી ગયા હોવા છતાં ય મમતાએ શા માટે તેની સાથે સંબંધ તોડી નાંખ્યો હતો ? સાથે જ આજે પણ પોતાના હૃદયમાં મમતા પ્રત્યે પહેલાં જેટલી જ ચાહના હોવાની વાત પણ એણે લખી હતી. બસ, એ પત્ર વાંચતા જ મારા ક્રોધનો પાર ન રહ્યો. કોઈ મમતાને સ્પર્શ સુધ્ધાં કરે, એ પણ મારાથી સહન ન થતું હોય એટલે આ પત્ર વાંચીને હું ગુસ્સે થઈ જઉં, એ સ્વાભાવિક જ છે. મેં તરત જ મમતાને મારી નાંખવાનો નિર્ણય કર્યો અને ફરીથી તેને ધમકી પત્રો લખવાનું શરૂ કરી દીધું. આ ક્રમ મેં માત્ર મમતાને ગભરાવવા માટે જ નહીં, બલ્કે એના ખૂન પછી પોલીસને મારા પર શંકા ન ઊપજે એટલા માટે જ પણ શરૂ કર્યો હતો. પત્રો લખનારે જ મમતાનું ખૂન કર્યું છે એવું સૌના મગજમાં ઠસી જાય એમ હું ઇચ્છતો હતો.”

'બસ પ્રોફેસર સાહેબ !' નાગપાલે તેને વચ્ચેથી જ અટકાવીને સ્મિત ફરકાવતાં કહ્યું, 'ત્યાર પછીની વાત હું જણાવું છું. આ બનાવ પછી તમે મમતાને મોતને ઘાટ ઉતારવા માટે એક અદ્ભુત યોજના ઘડી કાઢી. યોજના મુજબ તમે છત પર જઈને બેસી ગયા. બપોરે જયારે મિસ્ટર પ્રભાકર નીચે ગયા ત્યારે તમે પાછળના રેઇન વોટર પાઇપ દ્વારા નીચે ઊતરીને બારી પાસે પહોંચ્યા અને બારી ખટખટાવી. બપોરે જમ્યા પછી મમતાએ સૂવાની ઇચ્છા વ્યક્ત કરી હતી એ તો તમે જાણતા જ હતા. મમતાએ બારી ઉઘાડી, સળિયા વચ્ચેથી મોઢું બહાર કાઢીને કોણ છે એ જાણવાનો પ્રયાસ કર્યો. પછી તમને જોતાં જ એના આશ્ચર્યનો પાર ન રહ્યો, પરંતુ તે કશુંય કહે એ પહેલાં જ તમે પૂરી તાકાતથી એના લમણાં પર પથ્થરનો પ્રહાર ઝીંકી દીધો. પ્રહાર એટલો જોરદાર હતો કે તરત જ એના રામ રમી ગયા અને તે ત્યાં જ ઢળી પડી. તમે તરત જ પાઈપ દ્વારા ઉપર પહોંચીને જાણે કશુંય ન બન્યું હોય, એ રીતે કામે વળગી ગયા. બરાબર ચાર વાગ્યે તમે નીચે આવ્યા અને રજની ઉર્ફે આરતી સાથે ઔપચારિક વાત કરીને તમારા રૂમમાં પ્રવેશ્યા અને મમતાના મૃતદેહને બારી પાસેથી ખસેડીને ખૂનીએ જાણે દરવાજેથી આવીને તેનું ખૂન કર્યું હોય, એ રીતે પલંગ પાસે, જમીન પર ગોઠવી દીધો. તમારી યોજના ફુલપ્રૂફ હતી. અને આ કારણસર જ કોઈને તમારા પર શંકા ન ઊપજી, પરંતુ દિવ્યાએ ઇન્સ્પેક્ટર વામનરાવને આપેલી જુબાનીએ મને વિમાસણમાં મૂકી દીધો. પોતાને બપોરે બે ને પાંત્રીસથી બે ને ચાલીસ મિનિટ દરમિયાન કોઈક સ્ત્રીની ચીસનો અવાજ સંભળાયો હતો, પરંતુ પોતે તેને ભ્રમ માનીને ચીસ કોની છે, એ જાણવાનો પ્રયાસ નહોતો કર્યો એવું દિવ્યાએ પોતાની જુબાનીમાં જણાવ્યું હતું, પરંતુ દિવ્યાએ ખોટી જુબાની આપી છે એવું મને લાગ્યું. એણે ચોક્કસ જ ચીસના અવાજ વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો અને આ પ્રયાસમાં ખૂની કોણ છે એની તેને ખબર પડી ગઈ હતી, પરંતુ ખૂની વિશે એ કશું જણાવવા નહોતી માંગતી. આ કારણસર મમતાના ખૂન પછી એ ખૂબ ગભરાયેલી રહેતી હતી. પછી જ્યારે એણે છત પર ઊભા રહીને રજનીને જણાવ્યું કે કોઈ કેવી રીતે મમતાનું ખૂન કરીને પોતાની જાતને શંકાની પરિધિમાંથી બચાવી શકે તેમ છે તથા ખૂનીએ ક્યારે ને કઈ રીતે ખૂન કર્યું હશે, એ પોતે જાણી ચૂકી છે, ત્યારે આ વાત સ્પષ્ટ થઈ ગઈ કે દિવ્યા ખૂનીને ઓળખી ચૂકી હતી. રજની સાથે વાત કરતી વખતે દિવ્યાનું મોં ઇમારતના પાછલા ભાગ તરફ હતું. પછી જયારે મિસ્ટર રઘુવીર એ જ સ્થળે ઊભા રહીને ઈમારતના પાછલા ભાગનું નિરીક્ષણ કરતા હતા, ત્યારે હું પણ ત્યાં જ ઊભો હતો. એ વખતે મેં જોયું તો પ્રોફેસર સાહેબના રૂમની બારી સ્પષ્ટ રીતે નજરે ચડતી હતી. પછી એકાએક દિવ્યાએ ઉચ્ચારેલા અંતિમ શબ્દો 'બ... બારી... બારીમાંથી.' યાદ આવતા મેં ધ્યાનથી પ્રોફેસર સાહેબના રૂમની બારી તરફ જોયું. પછી મેં જયારે દિવ્યાના બેડરૂમનું નિરીક્ષણ કર્યું ત્યારે આખું ચિત્ર મારી નજર સામે સ્પષ્ટ થઈ ગયું. દિવ્યાના રૂમની એક બારી, પ્રોફેસર સાહેબના રૂમની બારી તરફ પણ ઊઘડતી હતી. મમતાનું ખૂન થયું, ત્યારે પોતે બારી પાસે બેસીને નવલકથા વાંચતી હતી એ તો દિવ્યાએ પોતાની જુબાનીમાં જણાવ્યું હતું.' કહીને નાગપાલ અટક્યો. થોડી પળો બાદ એણે પોતાની વાત આગળ લંબાવી.

'આ બધી વાતો પરથી મારી માન્યતા વધુ દૃઢ બની છે કે દિવ્યાએ ચીસ સાંભળીને ચોક્કસ બારીમાંથી કંઈક એવું જોયું હતું કે જેને કારણે તેને ખૂની કોણ છે એ વાતની ખબર પડી ગઈ હતી. ત્યારબાદ મેં તમારા બેડરૂમની બારીનું નિરીક્ષણ કર્યું તો મને બારીના સળિયા પર લોહીનો ડાઘ દેખાયો. પછી એવો જ એક ડાઘ મેં ત્યાં પાથરેલી ચટાઈ પર પણ જોયો. હું તરત જ સમજી ગયો કે ખૂનીએ મમતાના ખૂન માટે બારીવાળો માર્ગ અપનાવ્યો હતો. પછી કોઈની નજરે ચડયાં વગર આ રીતે કોણ ખૂન કરી શકે તેમ છે, એ વિશે વિચારતાં જ મારું ધ્યાન તમારા પ્રત્યે કેન્દ્રિત થયું. પરંતુ મમતાનું ખૂન તમે શા માટે કર્યું હશે, એ મને નહોતું સમજાતું. ત્યારબાદ કૅપ્ટન ભાસ્કર જીવતો હોવાની વાત ઉજાગર થઈ. ભાસ્કર પોતાની પત્ની મમતાને અનહદ ચાહતો. એ જ રીતે તમે પણ મમતા પ્રત્યે એટલી જ ચાહના ધરાવતા હતા. આ ચાહનાને કારણે જ તમે દિવ્યા જેવી અત્યંત સ્વરૂપવાન યુવતીના આમંત્રણને પણ ઠોકર મારી દીધી હતી. પછી મેં ભાસ્કર તથા પ્રોફેસર વિનાયક એક જ શખસ હોવા જોઈએ એવા દૃષ્ટિકોણથી તપાસ શરૂ કરી. મારી સૂચનાથી વામનરાવે તમારાં આંગળાની છાપ મેળવી લીધી. કેપ્ટન ભાસ્કરનાં આંગળાની છાપ તો મને મિલિટરીના રેકોર્ડમાંથી મળી જ ગઈ હતી. બંને છાપની સરખામણીથી કૅપ્ટન ભાસ્કર તથા પ્રોફેસર વિનાયક એક જ છે એવું પુરવાર થઈ ગયું. હું કેપ્ટન આનંદને પણ મળ્યો હતો. એણે પણ પોતાની તથા મમતાની વચ્ચે અત્યંત ગાઢ સંબંધ હોવાનું સ્વીકાર્ય હતું. સાથે જ પોતે આ સંબંધનો હવાલો આપતા ત્રણ વર્ષ પછી મમતાને ફરીથી શા માટે ધમકીપત્રો મળવા લાગ્યા હતા એ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

એક દિવસ રાત્રે તમે દિવ્યાના રૂમમાં ગયા. વાતચીત દરમિયાન તક જોઈને પલંગ પાસેની બારી ઉઘાડી નાંખી. રાત્રે દિવ્યાને ઊંઘમાંથી ઊઠીને પાણી પીવાની ટેવ છે, એ તમે જાણી ચૂક્યા હતા. એની આ ટેવનો તમે આબાદ લાભ ઉઠાવીને પાણીને બદલે તેજાબ ભરીને એને મોતને ઘાટ ઉતારી દીધી. તમે હાથ મોજા ચડાવીને આ કામ કર્યું હોવાથી બારી કે ગ્લાસ પરથી તમારા આંગળાની છાપ નથી મળતી, પરંતુ મારી પાસે તમારી વિરુદ્ધ કોઈ પુરાવો નહોતો. પછી ડોક્ટર શરદકુમાર જ રાજેશ હોવાનું મારી તપાસ દરિમાયન પુરવાર થતાં તમને સામે લાવવા માટે અત્યારે મેં બધાને અહીં ભેગા કરીને બધો આરોપ ડૉક્ટર શરદકુમાર ઉર્ફે રાજેશ પર ઓઢાડયો. મારી યોજના સફળ થઈ. રાજેશ અર્થાત્ નાના ભાઈને ફસાતો જોઈને તમે સામે આવી ગયા અને ગુનો કબૂલી લીધો. તમારી જાણ માટે સાંભળી લો કે અત્યારે અહીં જે વાતચીત ચાલી રહી છે. એનું વીડિયો શૂટિંગ પણ થાય છે. તમારી વિરુદ્ધ જડબેસલાક પુરાવાઓ છે અને હવે તમે બચી શકો તેમ નથી.'

પ્રોફેસર વિનાયક ઉર્ફે કેપ્ટન ભાસ્કર એક ઊંડો શ્વાસ લઈને રહી ગયો. 'વામનરાવ...!' સહસા નાગપાલ વામનરાવ સામે જોઈને નાટકીય ઢબે બોલ્યો, 'તું જે શખ્સને નથી શોધી શક્યો એને મિલિટરી સિક્રેટ સર્વિસે શોધી કાઢ્યો છે. એ શખસ છે કર્નલ ઇન્દ્રમોહન.'

'આ તમે શું બકો છો?’ ઈન્દ્રમોહન જોરથી તાડૂક્યો. નાગપાલના સંકેતથી રઘુવીરે આગળ વધીને ઈન્દ્રમોહનને પોતાની રિવૉલ્વરના નિશાન પર લઈ લીધો.

‘સાંભળો, મિસ્ટર ઇન્દ્રમોહન !' નાગપાલ બોલ્યો, 'વાસ્તવમાં કેપ્ટન ભાસ્કર સાથે મમતાનાં લગ્ન કરવાની તમારી બિલકુલ ઇચ્છા નહોતી. તમે વિદેશી એજન્ટ હતા અને મિલિટરી ઈન્ટેલિજેન્સને બાતમી મળી ગઈ હતી કે અહીંથી લશ્કરની ગુપ્ત માહિતી દુશ્મન રાષ્ટ્રને મોકલવામાં આવે છે. એટલે મમતાના મનમાં તિરસ્કાર ભરવા તથા મિલિટરી ઇન્ટેલિજન્સને પોતાનો ગુનેગાર પણ મળી જાય, એ યોજના પાર પાડવા માટે ભાસ્કરને ફસાવ્યા બાદ તમારી ગતિવિધિ બંધ કરી દીધી. જેથી પુરવાર થાય કે કેપ્ટન ભાસ્કર જ ગુનેગાર છે. તેના પકડાયા પછી અહીંથી માહિતી મોકલવાનું બંધ થઈ ગયું છે, પરંતુ નિવૃત્ત થયાં પછી તમે ફરીથી દુશ્મન રાષ્ટ્ર માટે જાસૂસી શરૂ કરી દીધી. આ વાતની ગંધ આવતાં જ મિલિટરી ઇન્ટેલિજન્સે ફરીથી તપાસ શરૂ કરી દીધી. બીજી તરફ મમતાને પુનઃ ધમકીપત્રો મળવાની શરૂઆત થતાં એના રક્ષણ માટે તમે મેજર રણવીરને દીનુકાકાના રૂપમાં અહીં મોકલ્યો, દીનુકાકા ઉર્ફે મેજર રણવીર જ રાતના સમયે ઈમારતની અંદર બહાર આંટા મારીને અહીં થતી હિલચાલ પર નજર રાખતો હતો. મેજર રણવીર આ બધી વાતો કબૂલી ચૂક્યો છે. અહીંની ચીજવસ્તુઓ બદલીને તફડાવી લેનાર આંતરરાષ્ટ્રીય દાણચોર ડેવિડ પણ આજે સવારે ઝડપાઈ ગયો છે. વામનરાવ...' એણે વામનરાવ સામે જોયું, ‘તારા બધા જ ગુનેગારો પુરાવા સહિત હાજર છે. હવે આગળની કાર્યવાહી તારે જ કરવાની છે. મારું કામ પૂરું થયું છે.'

'નાગપાલ સાહેબ !' સહસા પ્રોફેસર વિનાયકે કહ્યું, 'તમારી બુદ્ધિને ખરેખર દાદ આપવી પડશે. ક્રોધાવેશમાં આવીને મેં મમતાનું ખૂન કરતાં તો કરી નાખ્યું, પણ થોડા સમયમાં જ મને એ વાતનું ભાન થઈ ગયું કે હું એના વગર બિલકુલ રહી શકું તેમ નથી. આટલો સમય પણ મેં કેવી રીતે વિતાવ્યો છે, એ મારું મન જ જાણે છે. અહીં તો હવે મમતા મને મળી શકે તેમ નથી એટલે એને મળવા માટે મારે પણ આ ફાની દુનિયાનો ત્યાગ કરવો જ પડશે.'

વાત પૂરી કરતાંની સાથે જ એણે અનહદ સ્ફૂર્તિથી ગજવામાંથી રિવૉલ્વર કાઢી, તેની નળી પોતાના લમણાં પર ગોઠવીને ટ્રીગર દબાવી દીધું.

વાતાવરણમાં એકએક સેકંડના અંતરે બે અવાજ ગુંજી ઊઠ્યા. પહેલો અવાજ હતો ગોળી છૂટવાનો.

બીજો અવાજ હતો પ્રોફેસર વિનાયકના કંઠમાંથી નીકળેલી અંતિમ ચીસનો.

નાગપાલ સહિત સૌ ફાટી આંખે પ્રોફેસર વિનાયક ઉર્ફે કેપ્ટન ભાસ્કરના મૃતદેહ સામે તાકી રહ્યા.

શરદકુમાર ઉર્ફે રાજેશ દોડીને પોતાના મોટાભાઈને વળગી પડ્યો અને એની આંખોમાંથી શ્રદ્ધાંજલિરૂપે આંસુ નીકળીને તેના મૃતદેહ પર ટપકવા લાગ્યાં.

 

(સમાપ્ત)