Nayika Devi - 11 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | નાયિકાદેવી - ભાગ 11

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

નાયિકાદેવી - ભાગ 11

૧૧

પાટણનો સેનાપતિ

આમ્રભટ્ટને સ્થાને કુમારદેવ આવ્યો છે. એની જાણ ધારાવર્ષદેવને ચંદ્રાવતીમાં જ થઇ હતી. 

એણે પહેલવહેલો કુમારદેવને મેવાડના રણમેદાનમાં જોયો હતો. ત્યારે જ એને લાગ્યું હતું કે એ અણનમ જોદ્ધો હતો. એના કરતાં વધારે કુશળ સેનાપતિ હતો. રણમાં મરવા પડેલાને જિવાડવાની શક્તિ એના હાથમાં હતી. ચરક સુશ્રુતનો વારસો, એ એની પરંપરાગત એક સિદ્ધિ હતી. એ સિદ્ધિએ એને ખૂબ જાણીતો કર્યો હતો. મરવા પડેલો સૈનિક પણ એને જોતાં આશા ભરેલા હ્રદયે નાચી ઊઠતો. એના પ્રત્યે તમામ સૈનિકોને અગાધ પ્રેમ હતો. મહારાજને એના તરફ માન હતું. રણસુભટ મંડળેશ્વર માંડલિકોને એના માટે આદર અને ભય હતો. 

અત્યારે એ આંહીં સેનાપતિપદે હતો, એ વસ્તુ ધારાવર્ષદેવને પાટણ માટે ઘણી આશાભરેલી લાગી. 

પણ એ જેને બદલે આવ્યો હતો, એ આમ્રભટ્ટનું પણ લોકહ્રદયમાં જેવું તેવું સ્થાન ન હતું. 

આમ્રભટ્ટની નામના ઘરઘરની હતી. એની પોતાની એક પ્રકારની અનોખી જ રણછટા હતી. એ રણછટા લોકના અંતરમાં બેઠી હતી. રણવીર તો એ હતો જ, પણ એના અણનમ શીર્ષ ઉપર ધર્મવીરની ધજા પણ ફરફરતી! એ ધ્વજને નામે પાટણનું એક પાંચ વરસનું છોકરું પણ મરી ફીટે તેમ હતું. આમ્રભટ્ટની રણની શૂરવીરતાએ એને દરેકના હ્રદયમાં બેસાર્યો હતો, પણ એની મરણ સમયની ધર્મવીરતાએ તો એને દેવાધિદેવ બનાવ્યો હતો.

એ દેવાધિદેવને સ્થાને આવનારો માણસ, ભલેને ખુદ ભગવાન શંકર હોય, તો પણ એને પાટણમાં પોતાનું સ્થાન મેળવતાં નેવનાં પાણી મોભે ચડે તેમ હતું.

અને આમ્રભટ્ટને સ્થાને આવેલા કુમારદેવને તો જેવીતેવી મુશ્કેલીઓનો સામનો કરવાનો ન હતો. 

એને પોતાનું ગૌરવ જાળવવાનું હતું. એને લોકના હ્રદયને પણ સાચવવાનું હતું. તમામ જૈનોના હ્રદય આમ્રભટ્ટને નામે ઘણા જ આળાં થઇ ગયાં હતાં. મહારાજ જેવા મહારાજ ઉપર થયેલો મરણહુમલો એ પ્રત્યાઘાતમાંથી જ આડકતરી રીતે જન્મ પામ્યો હતો.

કુમારદેવને હવાની લેરખીએ લેરખીમાં આંતરવિગ્રહના ભણકારા સંભળાતા હતા અને એમાં એને પોતાનું નાવ હાંકવાનું હતું. 

એની ઉપર અત્યારે જેવીતેવી જવાબદારી ન હતી. એ કોઈ પક્ષને કાંઈ કહી શકતો ન હતો. તેમ કોઈને જરા જેટલી છૂટ પણ આપી શકતો ન હતો. રાજની સલામતી અને પ્રજાની શાંતિ વચ્ચે એક અણનમ ખડક તરીકે એને ઊભવાનું હતું. 

ધારાવર્ષદેવ, પાટણના સેનાપતિ બનેલા કુમારદેવને આવતો નિહાળી રહ્યો.

રજપૂતોની રણટેકીલી બંકી છટા, એના અંગેઅંગમાંથી ઊઠતી હતી. જે દિશામાં એ નજર કરે, એ દિશા સળગી ઊઠે એટલો ઉગ્ર તાપ એની આંખમાં બેઠો હતો. એના ભાલપ્રદેશમાં ભગવાન સોમનાથની ભક્તિનું કેસરી ત્રિપુંડ શોભતું હતું. એણે હાથમાં લાંબી તલવાર ધારણ કરી હતી.

ભગવાન ધૂર્જટીના ચરણે ઊભેલા જામદગ્ન્ય પરશુરામનો પ્રતાપ એની મુખમુદ્રા પર વસી રહ્યો હતો. 

એના આ અનોખા વ્યક્તિત્વે ધારાવર્ષદેવમાં વિશ્વાસ પ્રેર્યો: ગમે તેમ પણ આ એક  માણસ આંહીં હતો, જેને આધારે પાટણનો રાજવંશી પ્રતાપ હજી પણ ટકી શકે તેમ હતો. એને એ વિશ્વાસ બરાબર હતો, કારણકે કુમારદેવ એક રીતે રાજવંશ સાથે વર્ષોથી જોડાયેલો હતો.

રાજપુરોહિત પંડિત સર્વદેવનો એ નાનો ભાઈ હતો. સોલંકીવંશનું પુરોહિતપદ વંશપરંપરાથી એમના ફૂલમાં ઊતરતું આવ્યું હતું. આ પુરોહિતપદના પૂર્વપુરુષોએ સોલંકી રાજાઓને મુશ્કેલીમાં પણ માર્ગ બતાવ્યા હતા. રાજવંશ સાથે પુરોહિતપદને આવો નિકટનો સંબંધ હતો. મહારાજ કુમારપાલના ફૂલ ગંગા નદીમાં પધરાવવા માટે પંડિત સર્વદેવ પોતે ગયા હતા. જતી વખતે આંહીંની દશા જોઇને એમને ભારે આઘાત થયો હતો. 

એ વખતે જ એમણે નાના કુમારદેવને પુરોહિતપદ સોંપી પોતે રુદ્રમહાલય તટે બેસી જવાનો સંકલ્પ કરી લીધો હતો. એમનો પુત્ર હતો નહિ, પુત્ર કહો, પુત્રી કહો, ભાઈ કયો, એમનું સર્વસ્વ આ કુમારદેવ હતો. 

પણ બંને ભાઈઓ વચ્ચે સ્વભાવમાં આકાશપાતાળનું અંતર હતું. સર્વદેવને પુરોહિતપદમાં શ્રદ્ધા હતી. બ્રાહ્મણધર્મ વડે, રાજધર્મને રક્ષવાની પ્રણાલિકા પ્રત્યે એને અખૂટ ભક્તિ હતી. એ જ એનો માર્ગ હતો. કુમારદેવ પણ એ જ રસ્તે પરંપરા જાળવે એવી વૃદ્ધની તીવ્ર ઈચ્છા હતી. કુમારપાલ મહારાજના ફૂલ પધરાવવાનું છેલ્લું કામ પોતે પતાવી દે એટલે પછી એમનું સંસારજીવન સમાપ્તિ પામવાનું હતું. 

પણ એ ગંગાતટેથી પાછા આવ્યા, અને એમના હ્રદયમાં બીજો તીવ્ર આઘાત પડ્યો.

એમને ખબર મળ્યા, કુમાર ભાગી ગયો હતો! વૃદ્ધ પંડિત ઘા ખાઈ ગયો.

એ એનો ગુરુ પણ હતો. એને શાસ્ત્રોમાં પારંગત કર્યો હતો. આયુર્વેદનો એને જ્ઞાતા બનાવ્યો હતો. સુશ્રુતની ઘારૂઝાવણવિદ્યા એને કોઠે નાખી હતી. પોતાની સામવેદની અભિચારવિદ્યા પણ આપી હતી. 

પોતાની પછી પુરોહિત પદ એ સાચવશે એવી એને આશા હતી. સોલંકી રાજાઓની ને પુરોહિતોની અવિચ્છીન સાંકળનો અંકોડો આમ તૂટશે એવો એને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો. 

એણે જ રણક્ષેત્રમાં કુમારદેવને જવાની ના પાડી હતી, ને રણક્ષેત્રમાં જવા માટે જ એ ઊપડી ગયો હતો! એના ઉપર આભ તૂટી પડ્યું. 

પછી તો રાષ્ટ્રકૂટના પ્રતાપી પ્રતાપમલ્ય રાજને ત્યાં એ સેનાપતિપદે હતો એવા સમાચાર આવ્યા. 

સર્વદેવે એને બોલાવવા સાંઢણી મોકલી પણ કુમારદેવના અંતરમાં તો રણઘેલી રાજપૂતી મનોહર નારીનું રૂપ લઈને બેઠી હતી. એની આંખમાં પરશુરામનું, વિશ્વામિત્રનું, ત્રિભુવનપાલનું, જગદેવ પરમારનું, વિજયદેવ ચુડાલાનું એવા-એવા રણઘેલા શસ્ત્રપારંગત સેનાનીઓનાં સ્વપ્નાં હતાં! સોલંકી રાજનું ‘લ્યો હવે જમણા હાથમાં પાણી!’ એવું પુરોહિતપદ એને માટે હતું જ નહિ!

રાષ્ટ્રકૂટોનાં સૈન્યને તુરુક સામે દોરવાની એની મહેચ્છા હતી. તુરુકને શતદ્રુપાર મૂકી આવવાની રણઘેલી રજપૂતી એને રાત-દી સતાવી રહી હતી. 

જ્યારે મહારાજ અજયપાલ મેવાડના સમર સામે ગયા, ત્યારે કુમારદેવ ત્યાં આવેલા.

એ લડાઈ ભીષણ બની ગઈ. વિજય પાટણનો થયો, પણ છેવટે એ વિજય મોંઘો પડી ગયો, પરાજય કરતાં પણ આકરો લાગી જાય, એવી વાત એમાં પડી. ભયંકર શોકઘેરો પડછાયો આખા સૈન્ય ઉપર પડી ગયો હતો. વિજય વિજય ન રહે એવી એ વાત હતી.

મહારાજ અજયપાલને એ લડાઈમાં પહેલા ઘા, મૃત્યુઘા, નીવડવાની અમંગળ આશંકામાંથી, આખું સૈન્ય હતાશામાં પડી ગયું હતું. 

એ વખતે આ કુમારદેવે, ભિષગ્વરના કૌશલથી મહારાજ અજયપાલના પ્રાણ બચાવ્યા હતા અને સૌના જીવમાં જીવ આવ્યો હતો. પછી પોતાનું મહાસેનાપતિપદ સ્વીકારવાની પોતાના રાજપુરોહિત પાસે મહારાજે પોતે જ માગણી કરી. કુમારદેવ ના પાડી શક્યો નહિ. એ વખતે ધારાવર્ષદેવે એની ધીરતા જોઈ હતી. આજે આ આંતરવિગ્રહની ઘડીઓ ગણાતી હતી ત્યારે પણ, એ જ ધીરતા, એના ચહેરા ઉપર બેઠેલી એણે જોઈ, ધારાવર્ષદેવે ઊંડો આત્મસંતોષ અનુભવ્યો.

એના મનનું સમાધાન થયું. મહારાણીબાની પડખે ઊભેલો આ માણસ જ જીવંત પાટણ નગરી સમો હતો. થોડી વારમાં કુમારદેવ મહારાણીબાની પાસે આવી પહોંચ્યો. હાથ જોડીને ઊભો રહ્યો. મહારાણીબાએ ધીમેથી કહ્યું, ‘કુમારદેવ! રાજઝરૂખામાં હું કાંઈક કહેવા માટે આવું છું. તમે એની ઘોષણા લોકોમાં કરાવો. રાજહત્યારો હાથ આવી ગયો છે. હવે સૌ રાજશોક પાળે. પછી પોતપોતાને કામે વળગે.’

‘મહારાણીબા!’ કુમારદેવે શાંતિથી કહ્યું, ‘આપણી પાસે તમામ હકીકત...’

‘આવી ગઈ છે, એ હું જાણું છું.’ નાયિકાદેવીએ વચ્ચે જ કહ્યું. ‘અત્યારે આ શોભન આંહીં ઊભો છે એણે વાત પ્રત્યક્ષ દીઠી છે.’

‘ભીમદેવનું મન માનતું નથી. પણ તમે બધી રજેરજ હકીકત પછી ભેગી કરજો. અત્યારે શી સ્થિતિ છે?’

‘સૈનિકોએ બધે બંદોબસ્ત રાખ્યો છે. વાત આગળ વધવાની નથી. પણ લોકોને શાંત પાડી દેવા એ જરૂરી છે.’

કુમારદેવ સમજી ગયો. મહારાણીબા અત્યારે એક વખત શાંતિ સ્થાપી દેવા માગતાં હતાં. રાજકુમાર ભીમદેવ ને કેલ્હણજી વખતે આ વાતમાં જુદાં પડતા હશે. તેણે બે હાથ જોડ્યા. ‘મારી પાસે રજેરજ હકીકત બા! આવી ગઈ છે. અત્યારે આ શોભન ભલે વાત કરે – એક વખત લોકોનાં મનનું સમાધાન થઇ જાય.’

‘હું પણ એ વાત કરી રહી છું. શોભન ભલે વાત કરે. એને બોલવા દો. એ પ્રત્યક્ષ સાક્ષી છે. હું આવું છું આ સામેના ઝરૂખામાં. તમે શોભનને ત્યાં લાવજો... ઘોષણા કરો.’

કુમારદેવ નમન કરીને ગયો. બે પળમાં ચારેતરફથી થતી ઘોષણા કાન ઉપર આવી. મહારાણીબા પોતે પ્રજાજનોને મળવા આવી રહ્યાં હતાં, એ ઘોષણા થઈ. થોડી વાર ગઈ અને રાજભવન સામેના આખા મેદાનમાં શાંતિ છવાઈ ગઈ. કુમારદેવ પોતે મેદાનને છેડે એક ઘોડા પર ઘડી વાર દેખાયો. ચારેતરફ સૈનિકો ઊભા રહી ગયા હતા. 

મહારાણી નાયિકાદેવી પોતે, શાંત, ધીમા, શોકભર્યા પગલે ત્યાં ઝરૂખામાં આવીને ઊભી રહી. એની એક પડખે મૂલરાજદેવ હતો, બીજી તરફ ભીમદેવ હતો. કેલ્હણજી અને ધારાવર્ષદેવ એની પાછળ ઊભા હતા.

આખી મેદની મહારાણીબાના શોકપૂર્ણ ચહેરા તરફ જોઈ રહી. સૌની દ્રષ્ટિ આ શાંતિ શોકભરેલી રાજમંડળી ઉપર પડી. એક પ્રકારનું ગંભીર મૌન ત્યાં છવાઈ ગયું. દરેક જણ મહારાણીબાને શું કહેવાનું છે, તે સાંભળવા માટે આતુર દેખાયો. પોતાનો અભિપ્રાય ઘડીભર ભૂલી ગયો. 

મહારાણીબાનો શોકઘેરો મંદ, છતાં સ્પષ્ટ અવાજ આવ્યો, ‘પાટણના મહારાજનો! મહારાજના શોકસમાચાર આપણે સૌએ જાણ્યા છે. પાટણ આજે મહારાજવિહોણું બન્યું છે. મહારાજ હવે આ નગરીમાં નથી...’

‘હત્યારો વીજળીવેગે ઘા કરવામાં ફાવી ગયો. ઘા મારીને એ ભાગી ગયો હોત, પણ આ નગરી રત્નગર્ભા છે. એમાં એના એવા માણસો પડ્યાં છે કે જે નગરીની વિપત્તિ વખતે ભોગ દેવામાં કોઈ દિવસ પાછી પાની ન કરે! આમાં પણ એમ જ થયું છે. હત્યારાને ત્યાં ને ત્યાં હણનારો એનો જ સગો ભાઈ હતો એ વાત પાટણનગરી માટે ગૌરવ લેવા જેવી છે.’

‘કોણ છે એ? એને અમારે જોવો છે. એ મહાન નાગરિક કોણ છે?’

‘એણે જ પાટણનું નાક રાખ્યું છે. એ ખરો!’

‘એને આગળ કરો, મહારાણીબા! જેણે નગરી માટે, પોતાના સગા ભાઈને ન ગણ્યો એ વિરલો છે!’

લોકટોળાના અવાજને શમાવવા મહારાણીબાએ એક હાથ ઊંચો કર્યો.

ઘડીભર શાંતિ થઇ ગઈ. 

‘કુમારદેવજી હમણાં એને આંહીં લાવશે. એણે પ્રત્યક્ષ નિહાળેલી વાત એ કહેશે. પછી તમે સૌ રાજશોકમાં ભાગ લેવા સ્મશાન ભણી નીકળો. મહારાજની સ્મશાનયાત્રા હવે કાઢવી જોઈએ. વખત ઘણો જ બારીક છે. ધારાવર્ષદેવજી ચંદ્રાવતીથી એવા સમાચાર લાવ્યા છે. આ તમારા નાનકડા મહારાજને તમારે સૌએ હવે સાથ આપવો પડશે.’

મહારાણીબાએ મૂલરાજદેવના માથા ઉપર હાથ મૂક્યો. મૂલરાજદેવે લોક તરફ એક દ્રષ્ટિ કરી.

મહારાણીબાનો કંઠ શોકથી રૂંધાતો લાગ્યો. સેંકડો આંખો મહારાજ મૂલરાજદેવને જોઈ રહી હતી. 

એક તરફના ખૂણામાંથી અચાનક એક મહાન ઘોષણા ઊપડી: ‘મહારાજ મૂલરાજદેવનું રાજ અમર તપો!’

કુમારદેવ એ જ વખતે પાછળ આવીને ઊભો રહ્યો. એની સાથે શોભન હતો. કુમારદેવે શોભનને આગળ આણ્યો. ‘રાજહત્યારાને પ્રત્યક્ષ જોનારો આ માણસ છે.’ કુમારદેવે કહ્યું, ‘એણે એ વખતે સગા ભાઈનું સગપણ જાણ્યું નથી. રાજભક્તિને આગળ કરી છે. એણે સગા ભાઈને તરત ત્યાં ને ત્યાં હણી નાખ્યો છે. એની વાત તમે સાંભળો.’

શોભન વધુ આગળ આવ્યો. શોભને થડકતા અવાજે કહ્યું. ‘હત્યારાને ભાઈ માનું એવો હું મૂરખો નથી. મેં તો તેને ત્યાં જ જનોઈવઢ કાપી નાખ્યો. મહારાજનો વિશ્વાસુ પ્રતિહાર થઈને જે મહારાજને મધરાતે હણવા દોડે, એવો ચંડાળ મારો ભાઈ  હોય નહિ. એ વિજ્જ્લ પ્રતિહાર મારો ભાઈ ન હતો, એ તો ચાંડાળ હતો. મેં એને મારી નાખ્યો છે, ગુનો મેં કર્યો છે, મહારાજ. જે દંડ આપશે તે હું સહીશ. પણ લોકો મને હત્યારાનો ભાઈ ન માને એટલું જ બે હાથ જોડીને હું માગું છું! વિજ્જલ પ્રતિહારનો હું ભાઈ નથી, એટલું જ તમે મારે માટે બોલજો, એટલે બસ છે!’

‘વિજ્જલ પ્રતિહાર? વિજ્જલ પ્રતિહાર? શું હત્યારો એ હતો? ખરો વિશ્વાસઘાતી નીકળ્યો! એને હણી નાખો!’

લોકોમાં ચારેતરફથી વિજ્જલ વિશે પૃચ્છા ઊપડી. 

પણ એટલામાં નાયિકાદેવીનો સ્પષ્ટ અવાજ આવ્યો, ‘રાજહત્યારા વિશે હવે મહારાજ વિચાર કરશે, તમે સૌ રાજશોકમાં ભાગ લેવા નીકળો. મહારાજની સ્મશાનયાત્રા હમણાં નીકળે છે.’

‘કારણ કે આપણે એક પળ બગાડવી પોસાય તેમ નથી. મહારાજના શોકસમાચાર દેશવિદેશ ફેલાઈ ગયા હશે કે ફેલાઈ જશે. પાટણના નાગરીકો! મહારાજ મૂલરાજદેવને તમારે સાથ આપવાનો છે. મહારાજ નાના છે...’

નાયિકાદેવીનો કંઠ રૂંધાતો જણાયો. તેણે લોક તરફ બે હાથ જોડીને એક સાદું નમન કર્યું. કુમારદેવે તરત વાત ઉપાડી લીધી.

‘મહારાજ મૂલરાજદેવનું રાજ અમર રહો.’

અને લોકમાંથી સામે પડઘો આવ્યો: ‘મહારાજ મૂલરાજદેવનું રાજ અમર તપો!’