Talash 3 - 2 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 2

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

તલાશ 3 - ભાગ 2

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

 

કુંભનગઢ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી - કુંભનગઢ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી રાજસ્થાનમાં આવેલ આ વિસ્તારને રાજસ્થાન સરકાર તરફથી 13 જુલાઈ 1971ના રોજ અભયારણ્ય તરીકે માન્યતા મળી છે. આ પશુ-પક્ષી માટેનું અભ્યારણ્ય જાણે રાજસ્થાનના જુના 2 મુખ્ય રાજ્ય મેવાડ અને મારવાડ એટલે કે જોધપુરને જોડતું હોય એમ એ 2ની બરાબર વચ્ચે આવેલું છે. જેનો મુખ્ય ભાગ રાજસમંદ જિલ્લામાં છે. આ ઉપરાંત ઉદયપુરમાં અને થોડો ભાગ પાલી જિલ્લામાં પણ છે. જે 610 કિલોમીટરમાં ફેલાયેલું છે. જેમાંથી એકંદરે 225 ચોરસ કિલોમીટર મુખ્ય વાઇલ્ડલાઇફ જંગલ છે. તો પોણા ચારસો કિલોમીટરના જંગલ બફર તરીકે ચારે બાજુ છે. આ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં અરાવલીની ચાર પર્વતીય શૃંખલાઓ, કુંભનગઢ, સદરી રેન્જ, દશેરી રેન્જ અને બોખડા રેન્જ સામેલ છે. એમાં બાવીસ જેટલા ગામો આવેલા છે. આ 610 કિલોમીટર રેન્જમાં પથરાયેલુ અભયારણ્ય ખટીયાર-ગીરના સૂકા જંગલોનો એક ભાગ ગણાય છે.પણ મુખ્યતઃ પહાડીઓથી ઘેરાયેલા આ અભ્યારણ્યમાં કેટલાક મેદાનો પણ છે જેનો ઉપયોગ ખેતી માટે થાય છે. બાકી રેતાળ પ્રદેશ. પાંચેક મહિના પુષ્કળ વરસાદ અને બાકીના સમયમાં સખત ઠંડી કે સખત ગરમ આબોહવા ધરાવતા આ એરિયામાં અનેક સરકારી કર્મચારીઓ અને પર્યટકો આવતા રહેતા હોય છે. ખાસ તો કુંભનગઢ બાજુથી આ સિવાય અરાવલીની પહાડીઓમાંથી કે ઉદયપુરથી કે પછી છેક પાલી જિલ્લામાં સાદડી કે ફાલનાથી પણ અહીં પ્રવાસીઓ આવતા રહેતા હોય છે. આવા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીના પ્રવેશદ્વાર એવા કુંભનગઢના સરકારી ટુરિસ્ટ ઓફિસની બહાર એક નવો ચકચકિત ટાટા સુમો ઉભો રહ્યો અને એમાંથી ડ્રાઈવર અને 2 ચપરાસી જેવા લાગતા માણસો સાથે એક પ્રભાવશાળી આધેડે એમાંથી ઉતર્યા.

xxx

જીતુભા એ પથ્થર પરનું રબરને દૂર કર્યું અને એ પથ્થર પર લપેટાયેલો કાગળ સાવધાનીપૂર્વક હાથમાં લીધો અત્યાર સુધીમાં એને એટલું તો સમજાઈ જ ગયું હતું કે આ કોઈ નવી મુસીબતના એંધાણ છે. એનું જાસૂસી દિમાગ દોડવા માંડ્યું હતું કે આ કાગળમાં નવી શી મુસીબત હશે. ઘરમાં હાજર રહેલા બધાનું ધ્યાન બારીબહાર એક્સિડન્ટના કારણે જમા થયેલા ટોળા પર હતું. કોઈનું ધ્યાન ન પડે એમ એણે કાગળ ખિસ્સામાં રાખવા પ્રયાસ કર્યો એજ વખતે મોહિનીએ એ જોયું.

"આ શું છે જીતુ?" એણે મોટા અવાજે પૂછ્યું અને બધાનું ધ્યાન એ તરફ ખેંચાયું .

"કઈ નથી," ખિસ્સામાંથી હાથ કાઢતા સહજ અવાજે જીતુભા એ કહ્યું.

"શું કઈ નથી ? આ તે હમણા ખિસ્સામાં મૂક્યું એ શું છે?"

"અરે એ તો ..."

"જીતુડા, શું છુપાવવાનો પ્રયાસ કરે છે." સોનલે એની આંખના ડોળા મોટા કરીને પૂછ્યું.

"અરે કઈ નથી. અમસ્તું..." જીતુભાનું વાક્ય અધૂરું રહ્યું અને સોનલે એના પેન્ટના ખિસ્સામાં અડધો લટકતો કાગળ ખેંચી લીધો.

"ઓહ, તો એ ટીખળી કે જેણે આપણી બારીનો કાચ ફોડ્યા એણે કોઈ સંદેશો મોકલ્યો છે." કહેતા સોનલે એ કાગળ ખોલવા માંડ્યો. કાગળની ગડી ખોલીને એણે એમાં નજર કરી. જેમજેમ એ વાંચતી ગઈ એમએમ એના ચહેરાના ભાવ બદલાતા ગયા અને એના કપાળ પર પરસેવો વળવા માંડ્યો 

xxx  

ભારતમાં સરકારી ઓફિસોમાં કામ કરાવવાનો જેને પનારો પડ્યો હોય એમને ખબર જ હશે કે કેવો માહોલ હોય છે. એમાંય અત્યારની પરિસ્થિતિમાં તો જાણે વેકેશન જેવો માહોલ હતો. કેમકે કેન્દ્રની સરકાર એક મતે પડી ભાંગી હતી. નવી ચૂંટણીની તારીખો હજી દેશ આખામાં મતદાર યાદી અપડેટ ન થઈ હોવાથી જાહેર થઇ ન હતી. વળી રાજ્ય સરકાર અલગ પક્ષની હતી. પણ ઉપરથી (કેન્દ્ર તરફથી) ટોકવા વાળું કોઈન હોવાથી કર્મચારીઓ અને ઓફિસર કાળઝાળ ગરમીની શરૂઆતના દિવસો હોવાથી રડ્યા ખડ્યા ટુરિસ્ટોને પોતાની મનમરજીથી ગાઈડ કરી રહ્યા હતા. એ વખતે સુમોમાંથી ઉતરેલા પ્રભાવશાળી આધેડ અને એના સાથીઓએ ઓફિસમાં પ્રવેશ કર્યો અને એ સાથે જ એમણે લગાવેલા લીબું અને ચંદન મિશ્રિત પરફ્યુમની સુવાસથી આખી ઓફિસ મઘમઘી ઉઠી.

xxx 

બેલ્જીયમના એક ભવ્ય એપાર્ટમેન્ટના એક ફ્લેટના આલીશાન બેડરૂમમાં પૃથ્વી વ્યગ્ર ચહેરે આટા મારી રહ્યો હતો. હમણાં 10 મિનિટ પહેલા ખડક સિંહ બાપુના ફોનથી એની નીંદર ઉડી હતી. અને એમણે જે સમાચાર કહ્યા. એનાથી રહીસહી નીંદર પણ ઉડી ગઈ હતી. શું કરવું એ એને સમજાતું ન હતું એ દિલના આદેશને અનુસરનાર માણસ હતો. "સુરેન્દ્રસિંહ આવી જાહેરાત શુ કામ આપે? એની અને સોનલ વચ્ચે બધું બરાબર હતું. ઘરના બધા પણ ખુશ હતા. કોઈ પ્રોબ્લેમ ન હતો અને ધારો કે કઈ તકલીફ હોય તો પણ એમણે ખડકસિંહ બાપુને કહેવું જોઈએ. અથવા જીતુભા થ્રુ મારી સાથે વાત કરવી જોઈએ. પણ આમ અચાનક....' એનું મગંજ કામ કરતું ના હતું. છેવટે કંટાળીને એને કાંડા ઘડિયાળમાં જોયું. વહેલી સવારના પાંચ વાગવામાં 3-4 મિનિટ બાકી હતી. એણે કંઈક નિર્ણય લીધો અને પોતાના મોબાઈલથી એક નંબર ડાયલ કર્યો.  

xxx 

"પપ્પા. ઉદયપુર ભંવરલાલ જી સાથે હમણાં જ વાત થઈ એમનું કહેવું છે કે અહીંનું સિક્યુરિટી સિસ્ટમના ચેકીંગનું કામ ગઈ સાંજે જ પૂરું થયું હતું. સુરેન્દ્ર સિંહે. ત્યાંની લોકલ માર્કેટમાંથી લગ્નની તૈયારી રૂપે સોનલ માટે અને મોહિની માટે 6-7 સાડી ખરીદી હતી અને પછી લગભગ સાંજે 6 વાગ્યે તેઓ શ્રીનાથદ્વારા જવા રવાના થયા ત્યાં સવારે મંગલા શ્રીંગાર ગ્વાલ અને રાજભોગના દર્શન કરીને પછી બપોરે બાય રોડ ફ્લોદી જવાના હતા." સુમિતે ઉદયપુરથી મળેલી માહિતી અનોપચંદને આપી.  

"એનો મતલબ કે 6 વાગ્યા સુધી સુરેન્દ્ર સિંહ સલામત આપણી ઓફિસમાં હતા અને ત્યાંથી શ્રીનાથદ્વારા જવા રવાના થયા બરાબર."

"હા. પપ્પા મેં ઉદયપુર અને રાજસમંદના આપણા કોન્ટેકને સૂચના આપી દીધી છે. ઉદયપુરના પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી આપણા માણસો અર્ધા કલાકમાં રિપોર્ટ આપશે."

"ઓકે. જીતુભા સાથે કઈ વાત થઇ? સુભાષના કોઈ માણસનો રિપોર્ટ?"

"ના હજી સુધી તો કઈ નહિ."

"ઠીક છે, જીતુભાએ હેડ ઓફિસમાં ક્લાર્ક તરીકે રાખેલ સુભાસના માણસ પવારને અહીં બોલાવીને મળ. અને એની ડ્યુટી આજથી જ જીતુભાનાં ઘરે લગાવી દે. એને કહે જે એના એક 2 મિત્રોને પણ ગોઠવે."

 "મેં સુભાસ અંકલ સાથે એ વાત કરી જ લીધી છે પવાર પાંચ મિનિટમાં આવશે." 

"ગુડ, હવે વિચાર જીતુભા પોતે જાહેરાત આપવા નહિ ગયો હોય. જાહેરાત મોડામાં મોડું કોઈ પણ અખબાર ઓળખાણ હોય તોય 10 વાગ્યા સુધી સ્વીકારે. કોઈ વકીલ થ્રુ જાહેરાત અપાઈ છે. અને મને લાગે છે કે જીતુભાએ  આ માટે એના સસરાની મદદ લીધી હશે."

"પણ જીતુભાનાં લગ્ન પણ મુલતવી રાખવાના છે. આ કિસ્સામાં પ્રદીપભાઈ જીતુભાની શું કામ મદદ કરે. એનો મતલબ..."

"યસ, સુમિત એનો મતલબકે પ્રદીપભાઈને જાણ છે કે શું થયું છે. અને પોતાના થનારા જમાઈને મદદ કરી છે એમને. અને શું થયું હશે એ તને સમજાયું કે નહિ?"

"સુરેન્દ્રસિંહ નું અપહરણ..?"

"હા એ જ વાત છે અપહરણકર્તા એ એમનું અપહરણ કરીને જીતુભાને ફોન કર્યો હશે અને લગ્ન કેન્સલ કરવાની જાહેરાત આપવા ફોર્સ કર્યો હશે. જીતુભાએ  પોતાની રીતે સુરેન્દ્રસિંહનો કોન્ટેક કરવાની કોશિશ કરી હશે આપણા અગાઉથી નક્કી શેડ્યૂલને કારણે એને આપણી મદદ લેવાનું ટાળ્યું હશે એમ સમજીને કે હું સવાર સુધીમાં હેન્ડલ કરી લઈશ એટલે જ એણે તારો ફોન સવારે કટ કર્યો. " 

"હા પણ પપ્પા.."

"હવે પાણી માથા સુધી પહોંચ્યું  છે. જીતુભાએ ધાર્યું હતું એથી વધુ સંખ્યામાં અને વધુ ચાલાક લોકો સાથે એનો પનારો પડ્યો છે. જોયુંને સુભાષના માણસોની હાલત."

"તો હવે? અત્યાર સુધી ચુપચાપ પોતાના પતિ અને સસરાની ચર્ચા સાંભળી રહેલી સ્નેહાએ અનોપચંદને પૂછ્યું. "

"જીતુભા અત્યારે ટેન્શનમાં છે એને આપણી જરૂર છે માત્ર ઓફિસના જ નહીં આપણા પર્સનલ પ્રોબ્લેમ દૂર કરવામાં પણ એને આપણી મદદ કરી છે. એ આપણી પાસે મદદ માંગવા ન આવે તો આપણી ફરજ છે કે એને મદદ કરવા જવું." 

xxx 

"હવે આ કોણ છે?" જીતુભાએ સહેજ ગુસ્સાથી સોનલને પૂછ્યું. 

"મને શું ખબર? સોનલે ખભા ઉંચકતા કહ્યું. એટલા સમયમાં બધાએ એ ચિઢ્ઢી વાંચી લીધી હતી. એક સફેદ કાગળમાં ટાઈપ કર્યું હતું કે "પ્રિય સોનલ, તારા પપ્પાને શોધવામાં હું મદદ કરી શકું છું, હું કોણ છું અને આપણે ક્યાં મળવાનું છે. એ બપોરે 12 વાગ્યે તને મેસેજ મળી જશે." 

વાંચીને જીતુભાનું મગજ ભમી ગ્યુ. પ્રદીપભાઈ અવાચક થઇ ગયા. હેમાબહેન અને જ્યાબા ક્ષોભ ભરી નજરે એકમેકને તાકી રહ્યા. મોહિની કૈક વિચારતી હતી. 

"તું મને કહીશ કે આ કોણ છે તો આપણે કૈક રસ્તો કાઢી શકીશું. મારા માટે પહેલું કામ મામાને સલામત ઘરે લાવવાનું છે. આ જે હોય એને આપણે પછી જોઈ લઈશું. સોનુ, તું યાદ કર, કદાચ આ એજ હોય જેણે મામાને કિડનેપ કર્યા હોય." જીતુભાનું આ વાક્ય પૂરું થયું એ સાથેજ સોનલ અને મોહિની ચોંકી ઉઠ્યા.  

xxx 

"સાહેબ, તમારા રિસર્ચ માટે તમારે જે લોકેશન જોઈએ છે એ માટે અમારું કુંભનગઢ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન પરફેક્ટ છે. અને માનવું પડશે તમે છેક કેન્દ્રીય ફોરેસ્ટ અને ફોરેન મીનીસ્ટ્રીના સેક્રેટરીની ભલામણ ચિઢ્ઢી લઈને આવ્યા છો. એટલે જ અમે તમને હવા મહેલમાં 15 દિવસ રહેવાની પરમિશન આપીયે છીએ. તમારે ભારતીય રૂપિયામાં 18 લાખ રૂપિયાનું પેમેન્ટ હમણાં જ કરવું પડશે તમે 6 થી આઠ માણસનો સ્ટાફ રાખી શકશો. વાઈલ્ડ લાઈફ એરિયામાં શિકાર કરવાની તદ્દન મનાઈ છે. જો એવું કોઈ કૃત્ય તમારા સ્ટાફનું કોઈ કરશે તો એના માટે તમે જવાબદાર રહેશો અને તમને પણ એ ગુનામાં સહભાગી માનવામાં આવશે. હવા મહેલમા રહેલો કુક (રસોયો), મેડ (નોકરાણી) અને માળી ઉપરાંત પરચુરણ કામ માટે એક છોકરો છે. 15 દિવસ પછી તમારે એમને બક્ષિસ આપીને રાજી કરી દેવાના." કુંભલગઢનો સરકારી ટુરિસ્ટ ઓફિસ ઇન્ચાર્જ એવા શિવપાલ સિંહ શેખાવત પોતાની સામે બેઠેલા પ્રભાવશાળી આધેડને કહી રહ્યો હતો. 

"જગદીશ ગુપ્તા, મારું નામ જગદીશ ગુપ્તા છે. શિવપાલ સિંહ સર, અને હું સાઉથ આફ્રિકાથી અહીં વાઈલ્ડ લાઈફના રિસર્ચ કરવા આવ્યો છું. મારા દાદા અહીં રાજસ્થાનના હતા જેસલમેરના. અને, મને ત્યાંની સરકાર તરફથી ભંડોળ આપવામાં આવ્યું છે અને આ રિસર્ચમાં ત્યાંની સરકારની ભાગીદારી છે. મારા રિસર્ચના પરિણામોથી બંને દેશ વચ્ચે વાઈલ્ડ એનિમલનું આદાન પ્રદાન વિશે પણ આગળનો ફેંસલો લેવાશે. હું અહીં ભારતમાં કોઈ પણ પ્રકારનો કાનૂન તોડવા નથી આવ્યો અને ભૂલથીય મારા દ્વારા કે મારા કોઈ સ્ટાફ દ્વારા કોઈ પણ પ્રકારનો કાનૂનનો  ભંગ નહિ થાય એની હું ખાતરી આપું છું. 2 દિવસ પછી મારી ટીમ અહીં આવી પહોંચશે. તો અમને હવા મહેલ પહોંચાડવાની વ્યવસ્થા કઈ રીતે..?

xxx 

જે વખતે રાજસ્થાનના સરકારી ટુરિસ્ટ ઓફિસર સાઉથ આફ્રિકાથી આવેલા રિસર્ચર પ્રોફેસર જગદીશ ગુપ્તા સાથે વાત કરી રહ્યો હતો એ જ વખતે સ્નેહા અને સુમિત જીતુભાનાં ઘરે એને મળવા આવવા નીકળ્યા હતા. તો એજ વખતે બેલ્જિયમમાં સવારે સાડા આઠ વાગ્યે (બેલ્જીયમ ટાઈમ અને ભારતીય સમય માં સાડા ત્રણ કલાકનો તફાવત છે. ભારતનો સમય બેલ્જીયમથી સાડા ત્રણ કલાક આગળ છે.) પૃથ્વી કોઈકને ફોન કરીને પોતાના ફ્લેટ પર બોલાવી રહ્યો હતો. એ જ વખતે મોહનલાલ અનોપચંદ સાથે કૈક અગત્યની વાત ફોન દ્વારા કરી રહ્યો હતો. એ વખતે જીતુભાની ડોરબેલ વાગી. જીતુભાએ બારણું ખોલ્યું તો સામે એક દુબળો પાતળો યુવાન ઊભો હતો. એણે કહ્યું કે "સોનલ મેડમ માટે એક પાર્સલ છે."

"લાવ આપી દે" જીતુભા એ કહ્યું.  

"સોરી પણ પાર્સલ એમનાજ હાથમાં આપવાની સૂચના છે. શું એ હાજર નથી?"  

"પણ હું એનો ભાઈ છે. એ બીઝી છે."

"કઈ નહિ હું પાર્સલ પાછું લઇ જાઉં છું." કહી એણે ચાલતી પકડી. 

"ઉભા રહો ભાઈ." કહેતા સોનલે એના બેડરૂમમાંથી ડોકિયું કર્યું અને કુરિયરવાળો ઉભો રહી ગયો. સોનલે એના હાથમાંથી પેકેટ પોતાના હાથમાં લીધું.. 

"મેમ તમારું આઈડી ચેક કરવા આપશો?" સાભળીને જીતુભા એ મોં બગાડયુ. એ સમજી ચુક્યો હતો કે સવારે બારીમાંથી પથ્થર સાથે ચિઢ્ઢી નખાવનાર કાચો ખેલાડી નથી. 

 

ક્રમશ:

 

કોણ છે આ પ્રોફેસર ગુપ્તા કે જેને રાજસ્થાનના વાઇલ્ડલાઇફ અભ્યારણમાં એકદમ અંદર આવેલ હવા મહેલમાં  રિસર્ચના નામે 15 દિવસ સુધી ધામા નાખવા છે.?  પૃથ્વી કોને ફોન કરે છે? મોહનલાલ અનોપચંદ સાથે શું વાત કરે છે? કોણ છે આ પાર્સલ લાવનાર? એને કોને મોકલ્યો છે. સોનલને 'પ્રિય સોનલ' કહેનાર આ મદદગાર છે કે દુશમન? આ બધા સવાલોના જવાબ માટે વાંચતા રહો તલાશ 3 ના આગળના પ્રકરણ

 

 

આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.