Josh - 11 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | જોશ - ભાગ 11

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

જોશ - ભાગ 11

૧૧ : વામનરાવની તપાસ

પ્રોફેસર વિનાયક પોતાના રૂમમાં જ હતો. આજે તે સાઈટ પર નહોતો ગયો. વામનરાવે વગાડેલી ડોરબેલના જવાબમાં એણે પોતે જ દરવાજો ઉઘાડયો. એનો ચહેરો ગંભીર અને આંખો ઉદાસ હતી. જાણે હમણાં જ એણે આંસુ લૂંછ્યાં હોય એવું તેની આંખો પરથી લાગતું હતું.

એણે ફિક્કું હાસ્ય કરીને બંનેને આવકાર્યા. ત્રણેયે સોફાચેર પર બેસી ગયા.

'ખૂની વિશે કંઈ જાણવા મળ્યું ઇન્સ્પેક્ટર સાહેબ?' વિનાયકે પૂછ્યું. 'હજુ સુધી તો એનો પત્તો નથી લાગ્યો પ્રોફેસર સાહેબ !' વામનરાવ એક ઊંડો શ્વાસ લેતાં બોલ્યો, 'પરંતુ એક ને એક દિવસ તો ચોક્કસ એના ચહેરા પરથી નકાબ ઊતરશે જ. ખેર, તમારા ડિપાર્ટમેન્ટમાં જે લોકો છેલ્લા ત્રણ ચાર મહિનાથી આવ્યા છે, તેમના વિશે મારે થોડી માહિતી જોઈએ છે.'

'અહીં તો એવા કુલ ત્રણ માણસો જ છે.' ડૉક્ટર વિનાયકે જવાબ આપ્યો, 'એક તો ડોક્ટર શરદકુમાર જોશી. તેઓ લગભગ ત્રણ મહિનાથી અહીં છે. ત્યારબાદ દીનુકાકા નામના એક નવા નોકરને રાખવામાં આવ્યો હતો. દીનુકાકાના સ્થાને પહેલાં અહીં જે રઘુ નામનો નોકર કામ કરતો હતો, તેના દીકરાને કેન્સર થવાથી દીકરાની સારવાર કરાવવાના હેતુથી એણે અહીંની નોકરી છોડી હતી. એણે જ દીનુકાકાને પોતાની જગ્યાએ કામ માટે ગોઠવ્યો હતો, કારણ કે એ અને દીનુકાકા, બંને એક જ ગામમાં રહેતા હતા. ત્રીજા માણસ છે - ફાધર જોસેફ ! તેઓ પૂરા ચાર મહિનાથી અહીં છે. તેમની પહેલા જે પાદરી હતા, તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન થતાં એમની જગ્યાએ ફાયર જોસેફને મોકલવામાં આવ્યા છે.!

'અહીં આવ્યા પહેલાં આ ત્રણેય ક્યાં કામ કરતા હતા, એની તમને કંઈ ખબર છે ?'

"ડૉક્ટર શરદકુમાર પહેલા એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ફરજ બજાવતા હતા, પરંતુ પછી તેઓ ત્યાંની નોકરી છોડીને અમારા ડિપાર્ટમેન્ટ સાથે જોડાઈ ગયા હતા. તેઓ વિશાળગઢની જ કોઈક હૉસ્પિટલમાં નોકરી કરતા હતા. દીનુકાકા જે લોકોને ઘેર કામ કરતા હતા, તેઓ ભરતપુર રહેતા હતા. પછી એ લોકો વિદેશ ચાલ્યા જતા દીનુકાકાની નોકરી છૂટી ગઈ હતી, પરંતુ અહીં અગાઉ કામ કરી રહેલા રઘુને કારણે જ અમે એને નોકરી પર રાખ્યો હતો. હવે રહી વાત ફાધર જોસેફની... તો તેઓ પહેલા મુંબઈના કોઈક ચર્ચમાં હતા.'

‘મુંબઈ ખાતે કયા ચર્ચમાં ?' વામનરાવે પૂછ્યું.

'અમારા રેકોર્ડમાં ડોક્ટર શરદકુમાર તથા દીનુકાકાના તો અગાઉના સરનામા મળી જશે. પરંતુ ફાધર જોસેફ વિશે તો તેમને પોતાને જ પૂછવું ૫ડશે. આ બાબતમાં તમારે વિશેષ માહિતી જોઈતી હોય તો તમે મિસ્ટર પ્રભાકર પાસે જાઓ. એમની પાસેથી તમને ડૉક્ટર શરદકુમાર તથા દીનુકાકાનાં જૂનાં સરનામાં પણ મળી જશે. ખેર, હવે મારા એક સવાલનો જવાબ આપશો ?'

'પૂછો...'

'પેલા ધમકીપત્રો વિશે હેન્ડરાઈટિંગ એકસ્પર્ટનો રિપોર્ટ આવી ગયો ?' 'હજી સુધી તો નથી આવ્યો, પણ સાંજ સુધીમાં આવી જશે.' વામનરાવે કહ્યું.

'ઇન્સ્પેક્ટર સાહેબ, મમતાના લખેલા નહીં હોય એની મને પૂરી ખાતરી છે. એ પત્રો ચોક્કસ મમતા જેવા જ અક્ષરોથી બીજા કોઈકે લખ્યા હશે. અને મને જે માણસ પર શંકા છે, તે કેપ્ટન ભાસ્કર સિવાય બીજું કોઈ જ ન હોઈ શકે.'

'તમારી શંકા સાચી હોય, એ બનવાજોગ છે, પરંતુ કૅપ્ટન ભાસ્કર મૃત્યુ નથી પામ્યો પણ જીવતો છે, એનો પાકો રિપોર્ટ મળ્યા પછી જ અમે આ મુદ્દા પર ધ્યાન આપીશું.'

“તમે આ બાબતની પણ તપાસ કરો છો?' પ્રોફેસર વિનાયકે પૂછ્યું. 'હા...' વામનરાવે હકારમાં માથું હલાવ્યું, 'જે સરહદી વિસ્તારની નદીમાં કેપ્ટન ભાસ્કર ઊથલી પડ્યો હતો. એ નદીની આસપાસનાં ગામોમાં તપાસ ચાલુ જ છે. જો કૅપ્ટન ભાસ્કર બચી ગયો હશે તો જરૂર કોઈકે તેને જોયો હશે. એણે કોઈકની મદદ લીધી હશે. જોકે આ બનાવ વરસો પહેલાં બન્યો હતો, પરંતુ તેમ છતાં ય તેના વિશે કંઈક ને કંઈક જરૂર જાણવા મળશે એવી અમને આશા છે !'

‘આનો અર્થ એવો થયો કે તમે ખૂનીને શોધવા માટે ચારે તરફથી તનતોડ પ્રયાસ કરો છો.'

'હા... અને ખૂની કાયદાના સકંજામાંથી નહીં બચી શકે એની મને પૂરી ખાતરી છે.'

‘ભગવાન કરે ને જલદી તમને સફળતા મળે.' ખૂનીને પકડવામાં હું તમને દરેક રીતે મદદરૂપ થવા તૈયાર છું.'

'થેંક યૂ પ્રોફેસર સાહેબ ! હવે તમે આરામ કરો. અમે મિસ્ટર પ્રભાકરનો સંપર્ક સાધીને તેમની પાસેથી ડોક્ટર શરદકુમાર તથા દીનુકાકા વિશે માહિતી મેળવી લઈએ છીએ.'

'તમે પહેલા પ્રભાકરની પત્ની દેવયાનીને મળી લો... ! કારણ કે મિસ્ટર પ્રભાકર ઘેર આવી ગયા હોય, એ બનવાજોગ છે. સાઈટ પર ખાસ કોઈ કામ ન હોય તો તેઓ વહેલા આવી જાય છે.’

'ઠીક છે...' કહીને વામનરાવ ઊભો થયો.

ત્યારબાદ બંને બહાર નીકળીને પ્રભાકરના ફલેટ પાસે પહોંચ્યા. વામનરાવે બંધ દરવાજા પર ટકોરા માર્યા.

થોડી પળો બાદ દેવયાનીએ જ દરવાજો ઉઘાડ્યો.

'મિસ્ટર પ્રભાકર છે?' વામનરાવે પૂછ્યું.

'ના, અત્યારે તો તેઓ ઑફિસે અથવા તો સાઈટ પર હશે...!' ‘તેઓ ઘેર ક્યારે આવશે ?'

'પાંચ વાગ્યા પછી...'

'ઠીક છે... તો પછી અમે તેમને ઑફિસે અગર તો સાઈટ પર જ મળી લઈએ છીએ.’

'તમારી તપાસ ક્યાં સુધી પહોંચી, ઇન્સ્પેક્ટર સાહેબ? કોઈ પરિણામ પર નથી પહોંચી શક્યો. હા, તમે અમને કોઈ નવી વાત જણાવી શકો તેમ છો ?'

"મમતા મેડમ અથવા તો દિવ્યા વિશે.'

'કઈ જાતની વાત?'

આ બંનેમાંથી કોઈનુંય વ્યક્તિત્વ સમજવામાં અમને ઉપયોગી નીવડે એવી કોઈ વાત. એ બંનેનું વ્યક્તિત્વ ઉજાગર થશે તો ખૂની વિશે અનુમાન કરવામાં મને સરળતા રહેશે.

'ઇન્સ્પેક્ટર સાહેબ, હું મમતા વિશે તો નહીં, પણ દિવ્યા વિશે એક એવી વાત જણાવી શકું તેમ છું કે જેનાથી દિવ્યાના વ્યક્તિત્વને સમજવામાં તમને ખૂબ જ મદદ મળશે. ઉપરાંત પ્રોફેસર સાહેબ સંયમી અને મજબૂત ચારિત્ર્યના સ્વામી છે તથા કેટલી હદ સુધી તેઓ પોતાની પત્નીને ચાહતા હતા, એની પણ તમને ખાતરી થઈ જશે.'

'એમ...?'

'હા..'

'ચાલો ચૌધરી સાહેબ! જોઈએ, દિવ્યા વિશે શું જાણવા મળે છે !' દેવયાનીએ બંનેને અંદર લઈ જઈને બેસાડ્યા અને પોતે પણ તેમની સામે બેસી ગઈ. 'હા, તો શું કહેતાં હતાં તમે?' કહીને વામનરાવ પ્રશ્નાર્થ દૃષ્ટિએ એની સામે તાકી રહ્યો. 'ઇન્સ્પેક્ટર સાહેબ !' દેવયાની ગંભીર અવાજે બોલી, 'દિવ્યાને મારી સાથે ખૂબ જ ભળતું હતું. એ મને આંટી કહીને જરૂર બોલાવતી હતી, પરંતુ અમારા સંબંધો બહેનપણી જેવા હતા. એ જરા પણ ખમચાયા વગર કોઈ પણ વિષય અંગે મારી સાથે વાતચીત કરતી હતી. એક દિવસ બેઠાં બેઠાં જ અમારી વચ્ચે ડિપાર્ટમેન્ટના લોકો વિશે વાતચીત થવા લાગી. દિવ્યાના કહેવા મુજબ મમતા પતિનું ધ્યાન પોતાના પ્રત્યે કેન્દ્રિત રાખવા માટે બધી નાટકબાજી કરતી હતી. જ્યારે હું એમ નહોતી માનતી. મારી માન્યતા મુજબ પ્રોફેસર સાહેબ મમતાને અનહદ ચાહતા હતા, પરંતુ કામકાજના હિસાબે એના પ્રત્યે પૂરતું ધ્યાન નહોતા આપી શકતા. પછી વાતવાતમાં જ પુરુષોના ચારિત્ર્યની ચર્ચાનો ઉલ્લેખ થયો. દિવ્યાની માન્યતા પ્રમાણે પુરુષ ભલે ગમે તેટલા મજબૂત ચારિત્ર્યનો હોય, પરંતુ જો પૂરતું એકાંત અને કોઈ રૂપગર્વિતાનો સંગ મળે તો એ પીગળી જ જાય છે. ત્યારબાદ એણે આ વાતને પોતે પુરવાર પણ કરી શકે એમ છે, એવું જણાવીને મારી સાથે માંગ્યો. એનો ઈરાદો પ્રોફેસર સાહેબને પોતાની રૂપજાળમાં ફસાવવાનો હતો. એની વાત સાંભળીને પહેલાં તો મને ખૂબ જ ગભરાટ છૂટ્યો, પરંતુ છેવટે એણે સાથ આપવા માટે મને મનાવી જ લીધી. દિવ્યાની યોજના મુજબ એક દિવસ હું એની મમ્મી સુનિતાને બજારમાં ખરીદીના બહાને લઈ ગઈ. માધવી અને રીમા તો ભાગ્યે જ પોતાના રૂમમાંથી બહાર નીકળતી હતી. અમારી ગેરહાજરીમાં દિવ્યા પ્રોફેસર સાહેબના સંયમની કસોટી કરવાની હતી. ઇન્સ્પેક્ટર સાહેબ, હું સુનિતાને લઈને નીકળી તો ગઈ, પરંતુ મારો ક્યાંય જીવ નહોતો ચૌંટતો. રહી રહીને મને દિવ્યા તથા પ્રોફેસર સાહેબના જ વિચારો આવતા હતા. છેવટે ખરીદી કરીને અમે સાંજે પાછા ફર્યા ત્યારે દિવ્યા વીલા મોંએ, નિરાશ ચહેરે પોતાના રૂમમાં બેઠી હતી. રાત્રે એ મારા રૂમમાં આવી અને પોતાની નિષ્ફળતાના સમાચાર મને આપ્યા. દિવ્યાના કહેવા મુજબ એણે અમારી ગેરહાજરીમાં પ્રોફેસર સાહેબને પોતાના રૂપની જાળમાં ફસાવવા માટે કોઈ કસર બાકી નહોતી રાખી, પરંતુ પ્રોફેસર સાહેબ સહેજ પણ ચલાયમાન નહોતા થયા. ઊલટું તેમણે દિવ્યાને મીઠો ઠપકો આપીને તેના આવા પ્રયાસ વિશે કોઈને ય ન જણાવવાનું કહ્યું હતું. સાથે જ તેને પોતાની દીકરી પણ ગણાવી હતી. આ બનાવ પછી દિવ્યાને ખાતરી થઈ ગઈ કે આ દુનિયામાં હજુ એવા મજબૂત ચારિત્ર્યના પ્રોફેસર સાહેબ જેવા માણસો પણ હયાત છે કે જેઓ પોતાની પત્ની સિવાય પરસ્ત્રીનો વિચાર કરવાને પણ પાપ સમજે છે. અને ગમે તેવી ખૂબસૂરત છોકરીને પણ ઠોકર મારી દે છે.' દેવયાનીએ પોતાની વાત પૂરી કરી.

'આ બનાવ પરથી તમે શું પરિણામ તારવો છો ચૌધરી સાહેબ?' વામનરાવે પૂછ્યું.

'આ બનાવથી બંનેનાં ચારિત્ર્ય સહેજ સ્પષ્ટ થઈ જાય છે ઇન્સ્પેક્ટર સાહેબ !' રઘુવીર બોલ્યો, 'હવે આપણે મમતા તથા દિવ્યાના ખૂન અંગે પ્રોફેસર વિનાયક પર કોઈ જાતની શંકા કરી શકીએ તેમ નથી.’

'કેમ?' વામનરાવે પૂછ્યું.

'પહેલાં આપણે મમતાના ખૂનની વાત કરીએ. જયારે કોઈ પરિણીતાનું ખૂન થાય ત્યારે સૌથી પહેલાં એનો પતિ જ શંકાની પરિધિમાં આવે. પરંતુ મમતાના મામલામાં એના પતિ અર્થાત્ પ્રોફેસર વિનાયક પર શંકા કરી શકાય તેમ નથી. કારણ કે મમતાના નામની વીમા પોલિસી કે અન્ય કોઈ મિલકત નથી. બીજું પ્રોફેસર સાહેબ મમતાને અનહદ ચાહતા હતા. આ પ્રેમને કારણે જ તેમણે દિવ્યા જેવી અત્યંત સ્વરૂપવાન યુવતીના આમંત્રણને પણ ઠોકર મારી દીધી હતી. એટલે પ્રત્યક્ષમાં પ્રોફેસર વિનાયકને મમતાનું ખૂન કરવું પડે એવું કોઈ કારણ નથી દેખાતું. અને સૌથી મોટી વાત તો એ કે જે વખતે મમતાનું ખૂન થયું, ત્યારે પ્રોફેસર વિનાયક છત પર હતા. બપોરે બેથી ચાર વાગ્યાની વચ્ચે તેઓ એક મિનિટ માટે પણ નીચે નહોતા ઊતર્યા એટલે શંકાસ્પદ વ્યક્તિઓના નામની યાદીમાંથી આપણે પ્રોફેસર વિનાયકનું નામ કેન્સલ કરી નાખવું જોઈએ.'

'અને દિવ્યાનું ખૂન?' વામનરાવે ઉત્સુક અવાજે પૂછ્યું.

'હવે એની વાત કરું !' રઘુવીર ચૌધરી એક એક શબ્દ પર ભાર મૂકીને ગંભીર અવાજે બોલ્યો, 'દિવ્યાની પચાસ લાખ રૂપિયાની વીમા પોલિસી છે. દિવ્યાના મોત પછી આ રકમની વારસદાર સુનિતા છે. એટલે સૌથી પહેલી શંકા સુનિતા પર જ ઊપજે એ સ્વાભાવિક છે. પરંતુ દિવ્યાનો જીવ જોખમમાં દેખાતાં જ સુનિતાએ મારો સંપર્ક સાધ્યો. જ્યાં સુધી પોલિસીધારકનું શંકાસ્પદ સંજોગોમાં મોત ન નીપજે, ત્યાં સુધી હું કાયદેસર રીતે એ કેસની તપાસ ન કરી શકું, પરંતુ મારી પાસે બીજો કોઈ કેસ હાથમાં નહોતો એટલે હું સુનિતાની વિનંતી માન્ય રાખીને તૈયાર થયો, પરંતુ તેમ છતાંય દિવ્યાનું ખૂન થઈ ગયું. જો સુનિતાનો ઇરાદો દિવ્યાનું ખૂન કરવાનો હોત તો એ ક્યારેય આ કેસ માટે મારી પાસે ન આવત.'

‘આનો અર્થ એ થયો કે શંકાસ્પદ વ્યક્તિઓની યાદીમાંથી સુનિતાના નામની પણ બાદબાકી થઈ જાય છે ખરું ને ?'

'હા...” કહીને રઘુવીરે દેવયાનીને સંબોધતાં પૂછ્યું, 'મૅડમ, તમારી માન્યતા મુજબ મમતા તથા દિવ્યાના ખૂન પાછળ કોનો હાથ હોઈ શકે છે ?'

'મને તો માફ જ કરો ચૌધરી સાહેબ!' દેવયાની બોલી, 'મારો હમણાં મરવાનો કોઈ ઇરાદો નથી એટલે આ બાબતમાં હું તમને કંઈ મદદરૂપ નહીં થઈ શકું.’

‘પણ આમાં જોખમ જેવું શું છે?'

‘આમાં જોખમ સિવાય બીજું છે પણ શું?' દેવયાનીએ કહ્યું, 'સોરી... આ બાબતમાં હું તમને કંઈ જ મદદ કરી શકું તેમ નથી. તમે માઠું લગાડશો નહીં.'

ત્યારબાદ બંને દેવયાનીનો આભાર માનીને તેના રૂમમાંથી બહાર નીકળી ગયા. વામનરાવ રઘુવીરને તેના રૂમમાં મૂકી પોતે એકલો જ રજની પાસે પહોંચ્યો.

'રજની...!' ઔપચારિક અભિવાદન પછી એ ગંભીર અવાજે બોલ્યો, 'નાગપાલ સાહેબે તને આંખ-કાન ખુલ્લા રાખવાનું જણાવ્યું છે. સાથે જ ખૂની ન પકડાય, ત્યાં સુધી આ ઈમારતમાં જ રોકાવાની સૂચના પણ આપી છે.'

‘હું એકદમ સાવચેત અને સજાગ જ છું.'

‘બીજી કોઈ નવી માહિતી મળી છે?'

'એક મિનિટ...' કહીને રજનીએ આજુબાજુમાં પોતાની વાત સાંભળનારું કોઈ નથી એની ખાતરી કરી. ત્યારબાદ એણે દિવ્યા સાથે થયેલી વાતચીતની વિગતો વામનરાવને જણાવી દીધી.

'તે મને પહેલાંથી જ આ વાત શા માટે ન જણાવી ?' વામનરાવે પૂછ્યું

'વામનરાવ સાહેબ, દીવાલોને પણ કાન હોય છે!' રજની બોલી, “એ વખતે કોઈકના સાંભળી જવાના ભયથી હું ચૂપ રહી હતી, પરંતુ આ વાત નાગપાલ અંકલ સુધી પહોંચાડવી જરૂરી છે. હું ફોનથી પણ તેમનો સંપર્ક સાધી શકું તેમ નથી ઉપરાંત મારે અહીં હાજર રહેવું અનિવાર્ય છે. એટલે મેં અત્યારે તમને જણાવ્યું છે. હવે તમે આ વાત નાગપાલ અંકલને જણાવી દેજો.'

‘ખેર, જે સ્થળે ઊભા રહીને દિવ્યાએ તારી સાથે વાત કરી હતી, એ સ્થળ હું જોવા માંગું છું.' વામનરાવે ધીમેથી માથું હલાવતાં પૂછ્યું.

'ચાલો...' કહીને રજની ઊભી થઈ.

એ વામનરાવને લઈને છત પર પહોંચી અને એક જગ્યાએ આંગળી ચીંધતાં બોલી, 'એ વખતે દિવ્યા ત્યાં ઊભી હતી અને ઈમારતના પાછળના ભાગ સામે જોતી હતી.”

વામનરાવ એ સ્થળે જઈને ઊભો રહ્યો. પછી એણે દિવ્યાની વાતને ધ્યાનમાં રાખીને ઈમારતના પાછળનાં ભાગનું નિરીક્ષણ કર્યું. પરંતુ આ કેસ ઉકેલવામાં મદદરૂપ થાય એવી કોઈ વાત એને ત્યાં ન દેખાઈ.

પછી એણે ત્યાં ઊભા ઊભા જ ચારેય દિશામાં નજર કરી, પણ એ કોઈ પરિણામ પર ન પહોંચી શક્યો. ત્યારબાદ બંને પગથિયાં તરફ આગળ વધી ગયા. પછી એણે પુરાતત્ત્વ ભવનમાંથી વિદાય લીધી. એ આખો દિવસ એને ઑફિસ તથા બહારની દોડાદોડીમાં જ વીત્યો. બપોર પછી એ નાગપાલ પાસે પહોંચ્યો.

નાગપાલે એને માટે કોફી મંગાવી અને પછી કહ્યું, 'બોલ, શું નવું જાણવા મળ્યું છે ?'

'સૌથી પહેલાં તો હું આપને કેપ્ટન ભાસ્કર વિશે જણાવું છું.’ કૉફી પીધા બાદ વામનરાવ એક સિગારેટ પેટાવતાં બોલ્યો, 'સરહદ વિસ્તારના એક ગામમાંથી માહિતી મળી છે કે કેપ્ટન ભાસ્કર બચી ગયો હતો. જે વખતે તેને ઈજાગ્રસ્ત હાલતમાં નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો, ત્યારે તે બેભાન હતો. એના ચહેરા પર ઠેકઠેકાણે ગંભીર ઈજાઓ પહોંચી હતી. થોડા દિવસો સુધી એણે ગામમાં જ રોકાઈને સારવાર લીધી હતી અને પછી એક દિવસ અચાનક જ તે કોણ જાણે ક્યાં અદૃશ્ય થઈ ગયો.'

'ખેર, મમતાને લખવામાં આવેલા ને દિવ્યાના રૂમમાંથી મળેલા ધમકીપત્રો વિશે હેન્ડ રાઇટિંગ એકસ્પર્ટનો રિપોર્ટ આવી ગયો?'

'હા...' કહીને વામનરાવે એના હાથમાં એક ફાઈલ મૂકી દીધી, 'આ ફાઈલમાં એ પત્રો તથા હેન્ડ રાઇટિંગ એક્સપર્ટનો રિપોર્ટ પણ છે. આપ પોતે જ વાંચી લો.’

નાગપાલે રિપોર્ટ વાંચ્યા બાદ ફાઈલ બંધ કરીને ટેબલ પર મૂકી દીધી અને પછી બોલ્યો, ‘મેં જે લોકો છેલ્લા ત્રણ ચાર મહિનાથી પુરાતત્ત્વ વિભાગમાં આવ્યા છે, તેમના વિશે માહિતી મેળવવાની સૂચના તને આપી હતી, એનું શું થયું ?'

'એની તપાસ પણ મેં કરી લીધી છે. આવા કુલ ત્રણ માણસો છે. ફાધર જોસેફ, ડૉક્ટર શરદકુમાર તથા દીનુ નામનો નોકર. ફાધર જોસેફ અહીં આવતાં પહેલાં મુંબઈ રહેતા હતા. પરંતુ કયા ચર્ચમાં હતા, એની તપાસ ચાલુ છે. મેં મુંબઈની પોલીસને તેમના વિશે તમામ માહિતી મેળવીને તાત્કાલિક જાણ કરવાની સૂચના આપી દીધી છે. આવતીકાલે એનો રિપોર્ટ આવી જશે. હવે ડોક્ટર શરદકુમાર વિશે જણાવું. એનું આખું નામ શરદકુમાર જોશી છે. પહેલાં તે વિશાળગઢ ખાતે જ મહેતા નર્સિંગ હોમમાં નોકરી કરતો હતો. મહેતા નર્સિંગ હોમમાંથી મળેલી માહિતી મુજબ શરદકુમારનું આ દુનિયામાં કોઈ નથી. એણે રાતદિવસ મહેનત કરીને ડૉક્ટરની ડિગ્રી મેળવી છે. હજુ સુધી એણે લગ્ન નથી કર્યા. એ હંમેશાં ચૂપ અને ઉદાસ રહે છે.

ક્યારેય કોઈની સાથે બહુ વાત નથી કરતો. આવા માણસો વિશે વધુ માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ હોય છે.'

‘આનો અર્થ એ થયો કે ડૉક્ટર શરદકુમાર પર શંકા કરી શકાય છે.! 'કેવી શંકા?' વામનરાવ વિચારવશ અવાજે બોલ્યો, ‘મને યાદ છે ત્યાં સુધી તો કૅપ્ટન ભાસ્કરના નાના ભાઈનું નામ રાજેશ હતું.'

'નામ તો બદલી પણ શકાય છે વામનરાવ !' નાગપાલે સ્મિત ફરકાવતાં કહ્યું, ‘ઉપરાંત બપોરે બે ને પાંત્રીસ મિનિટે શરદકુમાર મમતાના રૂમમાં હાજર પણ હતો.'

'બરાબર છે, પરંતુ એ વખતે તો મમતા જીવતી હતી.”

'આવું તને કોણે કહ્યું છે?'

‘ડૉક્ટર શરદકુમારે પોતે જ.'

'તો ડૉક્ટર શરદકુમાર આ બાબતમાં ખોટું બોલ્યો હોય અને વાસ્તવમાં એણે પોતે જ મમતાનું ખૂન કરી નાખ્યું હોય, એવું ન બને?'

‘જરૂર બની શકે તેમ છે.' વામનરાવે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું.

‘ખેર, દીનુ વિશે શું જાણવા મળ્યું છે?' નાગપાલે પૂછ્યું.

દીનુએ જે કંઈ જણાવ્યું છે, એ સાચું જ છે.'

'વામનરાવ...!' નાગપાલ પોતાની પાઈપ પેટાવીને બે-ત્રણ કસ ખેંચ્યા બાદ ગંભીર અવાજે બોલ્યો, 'ક્યારેક ક્યારેક આપણને મળેલી માહિતી સાચી હોય છે પણ માણસ બદલાઈ ગયો હોય છે. આપણે જે રીતે રજનીને બદલી નાંખી બિલકુલ એવી જ રીતે... !'

'એટલે?' વામનરાવે ચમકીને પૂછ્યું.

‘રજનીનો દાખલો તો તારી નજર સામે જ છે.' નાગપાલે કહ્યું, 'આપણે રજનીને આરતી નામની નર્સ તરીકે એ ઈમારતમાં ગોઠવી છે. આરતીના રૂપમાં એનો જે પરિચય આપવામાં આવ્યો છે, તે પણ બિલકુલ સાચો જ છે અર્થાત કોઈ હોસ્પિટલમાં જઈને આરતી વિશે પૂછપરછ કરશે તો તેને રજનીએ જણાવેલી જ માહિતી મળશે, પરંતુ જો તે રજનીનો ફોટો બતાવીને નારંગ હોસ્પિટલમાં પૂછપરછ કરશે તો રજની વાસ્તવમાં આરતી નામની નર્સ નથી એ વાતનો ભાંડો ફૂટી જશે.’

"સમજ્યો !' વામનરાવ ધીમેથી માથું હલાવતાં બોલ્યો, 'હું દીનુ તથા ફાધર જોસેફે આપેલી માહિતી સાચી છે કે પછી તેઓ બદલાઈ ગયા છે, એ ચેક કરી લઈશ.'

'રજની સાથે કંઈ વાતચીત થઈ હતી?'

'જી, પણ...'

'પણ શું ?'

'રજનીએ જણાવેલી વાતોથી તો આ કેસ ઉકેલવાને બદલે ઊલટું વધુ ગૂંચવાઈ ગયો છે.' વામનરાવ મૂંઝવણભર્યા અવાજે બોલ્યો.

'એની વાતો જ એવી છે.’

'રજની સાથે તારે જે કંઈ વાતચીત હોય, એ વિસ્તારથી મને જણાવ.' કશુંક વિચારીને નાગપાલે કહ્યું.

વામનરાવે રજની સાથે થયેલી વાતચીત અક્ષરશઃ તેને કહી સંભળાવી. અને પછી ઉમેર્યું, ‘જે સ્થળે ઊભા રહીને દિવ્યાએ રજની સાથે વાતો કરી હતી અને તે જે તરફ જોતી હતી, મેં એ જ સ્થળે, એ જ પોઝિશનમાં અને એ જ દિશામાં જોયું હતું, પરંતુ દિવ્યાએ જણાવેલી વાતનો કોઈ અર્થ મને નહોતો સમજાયો.'

“દિવ્યાની વાતોનો અર્થ સમજવો ખૂબ જ જરૂરી છે વામનરાવ.' નાગપાલ એક એક શબ્દ પર ભાર મૂકતાં ગંભીર અવાજે બોલ્યો, 'આ અર્થમાંથી જ ખૂની કોણ છે, તે આપણને જાણવા મળી શકે તેમ છે. ખૂની વિશેનો કોઈક ને કોઈક સંકેત આ અર્થમાં જ છુપાયેલો છે.'

'બરાબર છે, પરંતુ આ વાતોનો અર્થ શું હશે ?'

'આ વાતનો પત્તો તો એ સ્થળે ગયા પછી જ લાગશે. ખેર, તે પુરાતત્ત્વ ભવન પાસે આવેલી વસતિમાં રહેતા અને અપરાધી આલમ સાથે સંકળાયેલા શખ્સ વિશે તપાસ કરી હતી?'

'હા... બાતમીદાર પાસેથી રૂસ્તમ નામના એક શખ્સ વિશે મને માહિતી મળી હતી. રૂસ્તમની પત્ની ટીના એ વસતિમાં રહે છે. હું પોતે જઈને ટીનાને મળ્યો હતો.' કહીને વામનરાવે ટીના સાથે થયેલી વાતચીતની વિગતો તેને જણાવી દીધી અને પછી બોલ્યો, ‘મેં રૂસ્તમ વિશે માહિતી મેળવવાનું કામ સોંપી દીધું છે. રૂસ્તમ વિશાળગઢ ખાતે કોના, દારૂના અડામાં નોકરી કરે છે, તથા તે કોઈ ગેરકાયદેસર કામમાં સંડોવાયેલો છે કે નહીં, એની માહિતી પણ ટૂંક સમયમાં જ મળી જશે.'

‘રૂસ્તમ વિશે માહિતી મળતાં જ તેની પ્રત્યેક હિલચાલ પર નજર રાખવા માટે કોઈકને ગોઠવી દેજે.' નાગપાલે કહ્યું.

'ભલે...'

'આ સિવાય પુરાતત્ત્વ વિભાગની ઇમારતમાં બીજું કંઈ અવનવું કે અજુગતું બન્યું છે ?'

'હા..'

'શું ?'

વામનરાવે તેને રઘુવીર ચૌધરી સાથે બનેલા બનાવની વિગતો જણાવી દીધી.

આ એ બનાવ હતો કે જેમાં બહારથી કોઈકે ટોર્ચ ચાલુ-બંધ કરીને ઇમારતમાં રહેતા કોઈ શખ્સને કંઈક સંકેત કર્યો હતો.

વામનરાવની આ વાત સાંભળીને નાગપાલ એકદમ ગંભીર થઈ ગયો. એની આંખો વિચારવશ હાલતમાં સંકોચાઈને ઝીણી બની. રૂમમાં થોડી પળો માટે ભારે ભરખમ ચુપકીદી છવાઈ ગઈ.

'વામનરાવ !' છેવટે નાગપાલે ચુપકીદીનો ભંગ કરતાં કહ્યું, ‘પહેલાં તો હું એમ જ માનતો હતો કે ખૂની એકલો જ છે, પરંતુ આ બનાવ પરથી કોઈક બીજો મામલો પણ હોય એવું મને લાગે છે.'

'આ બનાવને પણ શું મમતા તથા દિવ્યાના ખૂન સાથે કોઈ સંબંધ હશે ?' વામનરાવે મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું.

‘જરૂર હોઈ શકે છે!' નાગપાલ સહમતિસૂચક ઢબે માથું હલાવતાં બોલ્યો, 'અલબત્ત, આ બનાવથી કેસ વધુ જટિલ બની ગયો છે.'

'કેવી રીતે?' વામનરાવે આશ્ચર્યમિશ્રિત મૂંઝવણથી પૂછ્યું.

'પુરાતત્ત્વ વિભાગની ઈમારતમાં કોઈક મોટી રાજરમત રમાય છે. કોઈક ઊંડું ષડયંત્ર રચાયું છે, એવું આ બનાવ પરથી મને લાગે છે. મમતાને કોઈ પણ રીતે ષડયંત્રની ગંધ આવી ગઈ હોય, અને પોતાનો ભાંડો ફૂટી જવાના ભયથી અપરાધીઓએ હંમેશને માટે મમતાનું મોં બંધ કરી દીધું હોય એ બનવાજોગ છે.'

'તો પછી દિવ્યાનું ખૂન શા માટે થયું ?'

“એના ખૂનનું પણ એક કારણ સૂઝે છે કે મને... !' નાગપાલ બોલ્યો, દિવ્યાને બીજાઓના રૂમમાં ડોકિયા કરવાની તથા લોકોના અંગત જીવનમાં ચંચુપાત કરવાની ટેવ હતી. આ ટેવને કારણે તેને પણ કાવતરાંખોર વિશે કોઈક વાત જાણવા મળી ગઈ હોય અને એ કારણસર તે જોખમરૂપ બની જતાં અપરાધીએ એને પણ મોતને ઘાટ ઉતારી દીધી હોય, એવું બની શકે છે.'

'પણ એક વાત મને નથી સમજાતી કે પુરાતત્ત્વની ઇમારતમાં એવું તે કયું ષડયંત્ર ચાલી રહ્યું છે ને અપરાધીઓને ત્યાંથી શું મળી શકે તેમ છે ?'

'વામનરાવ, ત્યાં ખોદકામ દરમિયાન મળેલી દુર્લભ ચીજવસ્તુઓ રાખવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં એની કિંમત કરોડો રૂપિયા મળી શકે તેમ છે, એ વાત તારા મગજમાંથી નીકળી ગઈ લાગે છે.'

નાગપાલની વાત સાંભળીને વામનરાવની આંખોમાં ચમક પથરાઈ અને પછી તરત જ વિલીન પણ થઈ ગઈ.

“હું માનું છું ત્યાં સુધી એવી કોઈ વાત નથી નાગપાલ સાહેબ !' એણે સિગારેટનો અંતિમ કસ ખેંચીને તેનું ઠૂંઠું એશ-ટ્રેમાં પધરાવતાં કહ્યું.

'કેમ? તું આવું શા માટે નથી માનતો ?' 'નાગપાલ સાહેબ, મમતા જ્યારે જીવતી હતી ત્યારની આ વાત છે !'

વામનરાવ ગંભીર અવાજે બોલ્યો, 'એક રાત્રે અચાનક મ્યુઝિયમમાં કોઈકનાં પગલાંનો અવાજ સાંભળીને એની ઊંઘ ઊડી ગઈ. એણે પ્રોફેસર સાહેબને ઉઠાડીને આ વાતથી વાકેફ કર્યા. જાગ્યા પછી તેમણે પણ મ્યુઝિયમમાં કોઈક વસ્તુના પડવાનો અવાજ સાંભળ્યો હતો. પછી તેઓ મ્યુઝિયમમાં તપાસ કરવા માટે બહાર નીકળ્યા ત્યારે તેમણે પ્રભાકરને જોયા. પ્રભાકરના કહેવા મુજબ એણે પણ મ્યુઝિયમની બારીમાંથી પ્રકાશ રેલાતો જોયો હતો. ત્યારબાદ મ્યુઝિયમ ઉઘાડીને તપાસ કરવામાં આવી. મ્યુઝિયમમાં એક ફૂલદાની જરૂર પોતાના સ્થાનેથી ઊથલીને જમીન પર પડી હતી, પરંતુ બાકીની બધી વસ્તુઓ યથાવત હતી. પ્રભાકરે ફૂલદાની ઊંચકીને તેની જગ્યાએ મૂકી. પછી બીજે દિવસે યાદી મુજબ મ્યુઝિયમની એક એક ચીજવસ્તુઓને ચેક કરવામાં આવી હતી, પરંતુ ત્યાંથી કોઈ વસ્તુ ગુમ નહોતી થઈ એટલે આ બનાવને કોઈ મહત્વ આપવામાં નહોતું આવ્યું.'

'હૂ...' નાગપાલના ગળામાંથી હૂંકાર નીકળ્યો. પછી કશુંક વિચારીને એણે કહ્યું, 'વામનરાવ, સંજોગો એવા ઊભા થયા છે કે આ કેસ ઉકેલવાને બદલે દિવસે દિવસે વધુ ને વધુ ગૂંચવાતો જાય છે. ઘણીબધી વાતો એવી છે કે જેના વિશે અહીં બેઠાં બેઠાં કશુંય કહી શકાય તેમ નથી. અનુમાનના ઘોડા દોડાવવાથી હવે કશુંય નહીં વળે. મારે એક વખત રૂબરૂ જ ત્યાં મુલાકાત લેવી પડશે.'

‘તો પછી આપ ક્યારે આવો છો ત્યાં?'

'ટૂંક સમયમાં જ... ત્યાં સુધી તું તારી તપાસ પૂરી કરી લે. ખેર, દિવ્યાના રૂમમાંથી જે પથ્થર મળ્યો હતો, એનો રિપોર્ટ લેબોરેટરીમાંથી આવી ગયો છે?'

'હા... રિપોર્ટ મુજબ એ પથ્થર વડે જ મમતાનું ખૂન કરવામાં આવ્યું હતું.'

'અસલી ખૂનીએ દિવ્યાને મમતાની ખૂની અને દિવ્યાના મોતને આપઘાત પુરવાર કરવાનો પ્રયાસ કર્યો છે જેથી પોલીસની તપાસ બંધ થઈ જાય.!'

'નાગપાલ સાહેબ, આ કેસથી તો મારું દિમાગ ચકરાવે ચડી ગયું છે. ખૂની કોણ છે ને એણે શા માટે મમતા તથા દિવ્યાનાં ખૂન કર્યાં, એ મને કંઈ નથી સમજાતું.'

‘થોડી ધીરજ રાખ વામનરાવ.' નાગપાલ સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘જે કંઈ હશે તે સામે આવી જશે.'

ત્યારબાદ નાગપાલનું અભિવાદન કરીને વામનરાવ વિદાય થઈ ગયો.