Udaan - 23 in Gujarati Anything by Mausam books and stories PDF | ઉડાન... એક સકારાત્મક વિચારોની - 23

The Author
Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 23


પૅચ લાગ્યો તારાં પ્રેમનો


31 st ડિસેમ્બરની એ વર્ષની આખરી રાત હતી. આખુંય શહેર નવા વર્ષના આગમનની ખુશીમાં રંગબેરંગી લાઈટોથી ઝગમગતું હતું. યુવાન હૈયાઓ ડીજે ના તાલે પાર્ટીમાં ઝૂમી રહ્યાં હતા. તે ટોળામાં મિત અને ગીત પણ હતા.

" મિત..! મારે તને કંઇક કહેવું છે. થોડીવાર માટે બહાર આવને !" ખચકાતા ખચકાતા ગીતે કહ્યું. બંને મિત્રો બહાર લોન અરીયામાં મુકેલ ટેબલ ખુરશીમાં બેઠાં.

ગીત આ શહેરની નહોતી. એન્જીનીયરીંગનું ભણવા માટે મામાના ઘરે રહેતી હતી. તેનાં મામાનું ઘર મિતનાં ઘરની બિલકુલ પડોશમાં જ હતું. ગીત એન્જીનીયરના લાસ્ટ યરમાં હતી જ્યારે મિત ફર્સ્ટ યરમાં હતો. એક જ કોલેજ અને એક જ કોર્ષ હોવાથી મિત અવારનવાર ગીતના ઘરે આવતો જતો રહેતો. થોડાં જ મહિનામાં બન્ને એકબીજાના સારાં મિત્રો બની ગયાં હતા. ગીત લાગણીશીલ અને ભાવુક સ્વભાવની હતી. જ્યારે મિત હોંશિયાર અને સ્માર્ટ સ્વભાવનો હતો.

" હા, તું શું કહેતી હતી ? " મોબાઈલમાં મેસેજ ચૅક કરતાં કરતાં મિતે પૂછ્યું.

" એ જ કે ન્યુ યર થવામાં હવે કેટલી વાર છે ? " વાતની શરૂઆત કરતાં ગીતે કહ્યું.

" બસ પાંચ જ મિનિટની વાર છે. બોલ તારે શુ કહેવું છે ? આ પૂછવા તો તું મને અંદરથી બહાર નહિ જ લાવી હોય."

" મિત..મિત..! મારે તને કંઈક કહેવું છે."

" તું આજ આટલી નર્વસ કેમ લાગે છે ? તારી તબિયત તો ઠીક છે ને..? જે કહેવું હોય તે કહી દે. તું મારી સાથે પહેલીવાર થોડી વાત કરે છે?" મિતે મોબાઈલ બાજુમાં મુકતા કહ્યું.

10...9...8...7...6...5...4...3...2...1...યે... Happy New Year... જોરથી બધાએ આતંશબાજી સાથે નવા વર્ષને વધાવ્યું. ગીતે ધીમેથી મિતનો હાથ પકડી લીધો. તેના સુંવાળા અને કોમળ હાથનાં સ્પર્શથી મિતના રૂંવાળા ઊભાં થઈ ગયાં.

" મિત..! આઈ લાઈક યુ..આઈ થિંક આઈ લવ યુ.. રિયલી..! ડુ યુ લવ મી...?" હિંમત કરી ગીત મિતનાં હાથને ચુમાતા બોલી. ગીતના પ્રપોઝલથી મિત તો ડઘાઇ ગયો.

" ગીત..! તું શું બોલે છે તને ભાન છે ? તું મારા કરતાં બે વર્ષ મોટી છે અને હમણાં હું કોઈ પ્રેમ બ્રેમના ચક્કરમાં બિલકુલ નથી પડવા માંગતો. સૉરી યાર..!" ગીતનાં હાથમાંથી પોતાનો હાથ છોડાવતાં મિતે કહ્યું. ગીત પહેલાં તો રડમસ થઈ ગઈ પણ પોતાના દર્દને તેણે બહાર દેખાવા ન દીધું.

" હા..હા..હા..મિત..! તું મારી વાતોને સાચી માની ગયો..! કેટલો ભોળો છે તું..! હું મજાક કરતી હતી બે..! કેવી લાગી મારી એક્ટિંગ ?" પેટ પકડીને હસવાનું નાટક કરતી ગીતે કહ્યું.

" ઓહ..માય ગોડ..! સાચ્ચે જ તું મજાક કરતી હતી ?"

" હાસ્તો..! ચલ કંઇક ખાઈએ. ભૂખ લાગી છે. પણ આજ હું તને ખવડાવીશ." બંન્ને મિત્રોએ સ્ટ્રીટ ફૂડની મજા માણીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી.

બે દિવસ બાદ..

" ગીતનો એક પણ મેસેજ કે કૉલ નથી. મારા ગુડ મૉર્નિંગનો મેસેજ પણ બે દિવસથી તેણે રીડ નથી કર્યો." આમ, વિચારી મિતે ગીતને ફોન લગાવ્યો. પણ તેનો મોબાઈલ નંબર બંધ આવતો હતો. તે દિવસે બે ત્રણ વખત તેણે ફોન ટ્રાય કર્યા. ટેક્સ મેસેજ પણ કર્યા. પણ કોઈ જ મેસેજ તેના સુધી પહોંચતો નહોતો.

અમથું જ આજ તેને ખાલી ખાલી લાગવા લાગ્યું. તેનું મન વ્યાકુળ થવા લાગ્યું. તેને 31સ્ટની તે રાત યાદ આવી. "ગીતે જ્યારે તેનાં કોમલ અને સુંવાળા હાથથી મારો હાથ પકડ્યો હતો ત્યારે..." એ પળ યાદ આવતાં જ મિતનાં રોમ રોમમાં એક અલગ જ ઊર્જાનો સંચાર થયો.

" નહિ..આ શું થઈ રહ્યું છે મને ? તેનો સ્પર્શ હું ભૂલી કેમ નથી શકતો ? તેની એ માંજરી આંખોમાં પ્રેમની પ્યાસ હતી. તેનાં એક એક શબ્દોમાં પ્રેમભરી સચ્ચાઈ હતી. તે દિવસે તે નાટક નહિ સાચ્ચેમાં તેણે તેનાં પ્રેમનો એકરાર કર્યો હતો. પણ મારું રિએક્શન જોઈ તેણે તેની ભાવનાઓને નાટકનું નામ આપ્યું. ઓહ..ગોડ..! હું કેટલો મૂર્ખ છું તેની લાગણીઓને સમજ્યા વગર જ તે મારાથી બે વર્ષ મોટી છે ને હું પ્રેમના ચક્કરમાં નથી પડવા માંગતો,એવું કહી દીધું." ગીત સાથે વિતાવેલ સમયને યાદ કરતાં મિત મનમાં જ વિચારવા લાગ્યો.

" હા, તેના એકરારને નાટક કહી તે કંઇક વધુ પડતું જ હસી રહી હતી. તે નોર્મલ હોવાનો ઢોંગ કરતી મને કેટલું ખવડાવ્યે જતી હતી. હું તે સમયે કેમ ન સમજી શક્યો તેના હાસ્ય પાછળના દર્દને..? કેમ..કેમ ન જાણી શક્યો તેના વ્યવહાર પાછળના મર્મને..? ગીત..ગીત..મને ખબર નથી પણ આજ મને તારી બહુ યાદ આવે છે."

બપોરના એક વાગે તે દોડતો ગીતનાં મામાને ઘેર ગયો. પણ ત્યાં જઈ જોયું તો ઘરને લૉક હતું. આ જોઈ મિત સાવ નિરાશ થઈ ગયો.

" ઓહ..ગીત ક્યાં છે તું..? મને કહ્યા વિના જ તું ક્યાં ચાલી ગઈ ? ના ફોન, ના મેસેજ. રિયલી આઈ મિસ યુ યાર.."

દિવસો વીતતાં ગયા. મિતનાં દિલમાં ગીત પ્રત્યેનો પ્રેમ દિવસેને દિવસે વધુ ખીલવા લાગ્યો. હા, આ તેનો નિઃસ્વાર્થ સ્નેહ હતો. જેમાં થોડો પછતાવો જરૂર હતો. તેને ખબર નહોતી કે ગીત હવે તેને ક્યારેય મળશે કે નહીં પણ તેણે સ્વીકારી લીધું હતું કે તે ગીતને અનહદ પ્રેમ કરતો થઈ ગયો હતો.

દિવસો વીતતાં ગયા ને સૌનો પ્રિય એવો ઉત્તરાયણનો તહેવાર આવી ગયો. ચારેય બાજુ ડીજે નો અવાજ હતો ને લપ્પેટ... કાઇપો છે..! જેવાં અવાજોનો શોર હતો. આખાય શહેરનાં ધાબા રંગબેરંગી પતંગો અને આકર્ષક વસ્ત્રોમાં સજ્જ માનુનીઓથી શોભતાં હતા. આજ આખુંય આકાશ મેઘધનુષ્યનાં રંગોથી રંગાયેલું હતું. બાળક, યુવાન, વૃદ્ધ, સૌના ખીલેલાં ચહેરા પર ઉત્તરાયણનો ઉલ્લાસ જાણે તોફાન મચાવતો હતો. ત્યારે મિત ગમગીન ચહેરે ઘરમાં બેઠો બેઠો ટીવી પર ન્યૂઝ જોતો હતો.

એવું નહોતું કે ઉત્તરાયણનો તહેવાર તેને નહોતો ગમતો. પણ એક ખાલીપો તેનાં દિલો દિમાગમાં ઘર કરી ગયો હતો. તે ખાલીપો હતો ગીતની મિત્રતાનો..તેના સ્નેહભર્યાં વ્યવહાર નો. તે ખાલીપો હતો ગીતની મુસ્કુરાહટનો..હા, તે ખાલીપો હતો ગીતની ગેરહાજરીનો. પરિવારના લોકો અને મિત્રો પણ તેની આ ઉદાસીનતાનું રહસ્ય જાણવામાં નિષ્ફળ રહ્યાં હતાં.

બસ તે એમ જ ટીવી સામે બેઠો હતો ને તેનો એક ખાસ મિત્ર તેને જબરદસ્તીથી ધાબે લઈ ગયો. ધાબે જઈ તે સૂનમૂન ધાબાના કઠેરા પર બેઠો.થોડીવાર તે એમ જ બેસી રહ્યો.

અચાનક તેને શું થયું કે તેના ચહેરા પર જાણે વર્ષોથી ખોવાયેલી મુસ્કાન આવી ને તે દોડતો નીચે ગયો. માર્કર પેન લઈ તે દોડતો ધાબે ચડ્યો. આજુબાજુ નજર કરી સફેદ રંગના બે પતંગ શોધ્યા ને ફટાફટ તેમાં મોટાં અક્ષરથી કંઇક લખ્યું. બન્ને લખેલાં પતંગ લઈ તે કઠેરા પાસે ઉભો રહ્યો.

ગીત દૂર, સોસાયટીના ગેટથી ચાલતી ચાલતી સોસાયટીની મધ્યમાં આવી ગઈ હતી. જેવું ગીતે મિત સામે જોયું તરત જ "આઈ એમ સો સૉરી" લખેલ પતંગ બે હાથથી ઊંચો કર્યો. આ વાંચીને ગીત થોડું મલકાઈ. મિતે બે હાથથી કાનની બૂટ પકડી. ધીમે ધીમે નજીક આવતી ગીત નીચેથી જ માથું હલાવી સૉરી કહેવાની ના પાડી રહી હતી. ત્યાં જ મિતે બન્ને હાથથી બીજો પતંગ ઊંચો કર્યો. જેમાં મિતે " આઈ લવ યુ માય ડિયર ફ્રેન્ડ " લખ્યું હતું. ગીતે જ્યારે આ વાંચ્યું તો તેની આંખોમાંથી સ્મિત વહેવા લાગ્યું. પ્રેમનો એકરાર કરતાં કરતાં મિત પણ લાગણીશીલ થઈ રડી પડ્યો. આખીય દુનિયાની ભીડમાં, દુનિયાથી સાવ અજાણ એવાં બે યુવાન હૈયાઓનાં લાગણીનાં પેચ લાગી ગયા.

નીચેથી ગીત મિતને એકીટશે જોઈ રહી હતીને ધાબેથી મિત ગીતને એકીટશે જોઈ રહ્યો હતો. ત્યારે મિતની બાજુમાં ઊભેલા મિત્રએ આ બન્નેને આમ જોઈ જોરથી બૂમ પાડી, " એ કા...ઈ...પો...પો..છે....!"

હંમેશા હસતાં રહો..🤣
હંમેશા ખુશ રહો..☺️
🤗 મૌસમ 🤗