Savai Mata - 63 in Gujarati Moral Stories by Alpa Bhatt Purohit books and stories PDF | સવાઈ માતા - ભાગ 63

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

સવાઈ માતા - ભાગ 63

સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા
લેખન તારીખ :૨૮-૦૪-૨૦૨૪,રવિવાર

મેવાએ તેનાં રખડુ ભાઈબંધો સાથે ફરતાં આ મોલ બહારથી જરૂર જોયો હતો પણ તેનો વેશ તેને અહીં પ્રવેશવા દે તેવો જરાય ન હતો. માટે તેણે પગથિયાં ચઢવાની હિંમત પણ કરી ન હતી. આજે તો રમીલાની ઈચ્છાવશ અને રાજીની ખુશીના લીધે તે કૌતુહલભર્યા મનથી મોલમાં પ્રવેશ્યો. તેણે કપડાંની ટ્રાયલ લેવાની હોઈ રમીલાએ ત્યાં ઉપસ્થિત સ્ટાફ પાસે બાળકોને બેસાડવાની પ્રૈમ (બાબાગાડી) માંગી. એક સૌહાર્દપૂર્ણ યુવક તુરત જ એક પ્રૈમ લઈ આવ્યો. રમીલાએ તુષારને તેમાં બેસાડી પોતે તેને દોરી રહી. દીપ્તિ રાજીનાં હાથમાં હતી. હવે રમીલાએ મેવાને શોભે અલબત્ત શોભાવે એવાં કપડાં માટે ચોતરફ નજર ફેરવી. તે બાબત પેલા યુવકનાં ધ્યાનમાં આવી. તે તુરત જ ફરી હાજર થયો.

ખૂબ જ સલૂકાઈથી તે પૂછી રહ્યો, "મેડમ, સાહેબ માટે ક્યા ઓકેઝનનાં કપડાં લેવાં છે? જણાવશો તો હું મદદ કરી શકીશ."

રમીલા બોલી, "પહેલાં તો આરામદાયક કોટનમાં ટી-શર્ટસ અને પેન્ટસ બતાવશો. રોજબરોજ પહેરી શકાય તેવાં."

સેલ્સમેન યુવકે મેવાના શરીર તરફ થોડું ધ્યાનથી જોયું અને ટી-શર્ટસનાં વિવિધ રેકસ તરફ વળ્યો. દસેક મિનિટમાં તો હાથમાં ટી-શર્ટ્સ લટકાવેલાં સાત-આઠ હેંગર્સ સાથે ઊપસ્થિત થયો. તેનાં હાથમાં રહેલ દરેક ટી-શર્ટસનાં રંગો અને ડિઝાઈન સુંદર હતાં.

તેણે તે બધાંને બતાવી પછી મેવાને વિનંતી કરી, "સર, આ તરફ ટ્રાયલ રૂમ છે. આપ ત્યાં પહેરી જુઓ. જે ગમે તે મને અલગ આપતાં જાઓ. અને હા મેડમ, તમે ત્યાં બહાર સોફા ગોઠવેલ છે. બાળકોને લઈને ત્યાં બેસો તો સરને કાંઈ પૂછવું હોય તો આપને શોધવાં ન પડે."

મેવો તેની પાછળ દોરાયો અને રાજી તથા રમીલા પણ બાળકોને લઈને ટ્રાયલરૂમની બહાર સોફા ઉપર બેઠાં. મેવાએ બધી જ ટી-શર્ટ્સ ટ્રાય કરી તેમાંથી ચાર તો બધાંને ગમી. હવે તે ચાર અલગ રાખવા કહી રમીલાએ તેને મેચિંગ જીન્સપેન્ટસ લાવવા સેલ્સમેનને કહ્યું.

ફરીથી તે યુવક કપડાંના રેક્સ પાછળ અદૃશ્ય થયો અને દસ-બાર મિનિટમાં છ-સાત પેન્ટસ લઈ આવી પહોંચ્યો. મેવાએ તે પણ ટ્રાય કર્યાં. તેઓને બધાંને કુલ ત્રણ પેન્ટસ પસંદ પડ્યાં. પછી રમીલાએ મેવા માટે થોડાં ફોર્મલ શર્ટસ અને પેન્ટસ મંગાવ્યાં. બે જોડ તેમાંથી રાખી. ઘરમાં પહેરવાનાં કપડાંની પણ ખરીદી થઈ ગઈ. એક મઝાની કેપ રમીલાને તેના માટે ગમી ગઈ તો વળી રાજી તેનાં માટે મઝાનું ખિસ્સામાં રાખવાનું વોલેટ લઈ આવી. વધારામાં હાથરૂમાલ અને મોજાં તો ખરાં જ. અહીં જ એક વિભાગમાં જેન્ટસ શૂઝનો વિભાગ પણ હતો. ત્યાંથી મેવાની પસંદનાં સ્પોર્ટસ શૂઝ, પાર્ટી શૂઝ અને ચપ્પલ પણ લેવાઈ ગયાં. બધું લઈ સેલ્સમેન તેમને બિલીંગની લાઈનમાં લઈ ગયો. ત્યાં રમીલાએ તુષારને પ્રૈમમાંથી ઊંચકી મેવાનાં હાથમાં આપ્યો અને પોતે બિલ ચૂકવવા માટે પર્સમાંથી કાર્ડ કાઢ્યું.

મેવા અને રાજીએ કૂતુહલવશ સ્ક્રીન ઉપર ઝળકતો બિલનો આંક જોયો. તે ૨૮,૦૦૦ બતાવતો હતો. મેવો ચોંકીને રમીલાને રોકવા ગયો પણ રમીલાએ સસમિત તેને જણાવ્યું, "આટલું તો થાય ભાઈ. ચિંતા ન કર."

રાજી અને મેવા, બેયનાં કપાળે ચિંતાની રેખાઅઓ ખેંચાઈ ગઈ. તેમને અફસોસ થયો કે એક જ ઝાટકે તેઓના કારણા રમીલાને કેટલોય ખર્ચ થઈ ગયો. પપણ રમીલાએ ખૂબ જ સાહજિકતાથી તેમને સામાનની બેગ્સ લઈ લેવા કહ્યું.

સેલ્સમેન પાછળ જ ઊભો હતો તેણે બેગ્સ ઊંચકતાં પૂછ્યું," મેડમ આપ બંને માટે અને બાળકો માટે કાંઈ લેવાનું નથી?"

રમીલા બોલી, "હા, હવે બાળકોનાં ડિપાર્ટમેન્ટમાં જ જઈએ છીએ."

એટલે, સેલ્સમેને તે સામાન કાઉન્ટર ઉપર મૂકાવી તેમને કાઉન્ટર કોઈન અપાવી દીધો જેથી બધો સામાન સાથે લઈ ફરવું ન પડે. પછી તો બાળકોનાં વિભાગમાંથી દીપ્તિ અને તુષાર માટે ઘણાં કપડાં, રમકડાં, જમવા બેસવાનાં ખુરશી-ટેબલ, નહાવાનાં ટબ, સૂવા માટેની નાનકડી પથારીઓ અને એવું ઘણુંય લેવાયું. રાજી અને મેવાએ તો જીંદગીમાં ક્યારેય વિચાર્યું ન હતું કે તેમનાં બાળકોને આવી જાહોજલાલી ભોગવવાય મળશે. મેવો રમીલાની સાલસતા અને ઔદાર્યને મનોમન વંદી રહ્યો. આજે પહેલીવખત તેને રમીલાની ઈર્ષ્યા ન થઈ.

બધું ખરીદતાં ખાસાં અઢી કલાક થઈ ગયાં. બાળકો ભૂખ્યાં થયાં હશે એ ધ્યાનમાં આવતાં તેઓ બિલ ચૂકવી બધો સામાન લઈ ગાડીમાં બેઠાં. રાજી માટે કપડાં લેવાં તેઓ બેત્રણ દિવસ પછી આવશે એમ નક્કી થયું. હવે નજીકની રેસ્ટોરાંમાં જઈ તેમણે હળવું ભોજન લીધું અને બાળકોને સાથે લાવેલ દૂધ પીવડાવ્યું. તુષારને ઊંઘ ચઢી હતી એટલે તે તો દૂધ પીતાંવેંત જ મેવાનાં હાથમાં સૂઈ ગયો. ગાડીમાં રમીલાએ તેને રાજીનાં હાથમાં આપી દીધો. દીપ્તિને તો પોતાની સીટ આગળ મૂકેલાં નાનકડાં સ્લીમ ટસ્ક્રીન ઉપર દેખાતાં કાર્ટૂનને માણવાની મઝા આવી રહી હતી. પણ થોડે દૂર જતાં સુધીમાં તે પણ સૂઈ ગઈ. હવે સવારે ફોન કરી દીધો હોઈ, મેઘનાબહેન તેઓની રાહ જોઈ રહ્યાં હતાં.

જેવું તેમનું ઘર આવ્યું, હમણાં સુધી મોટીબહેન જેવું વર્તન કરી રહેલ રમીલા સાવ જ નાદાન બાળકી બની ગઈ. મેવાને ગાડી પાર્ક કરવાની જગ્યા બતાવી તે ઊતરી ગઈ અને મેઘનાબહેનના દરવાજે સતત ઘંટડી વગાડી રહી. મેઘનાબહેને અતિઊમળકાથી બારણું ખોલ્યું. તે હરણનાં વિખૂટા પડી ગયેલ બચ્ચાની પેઠે તેમને બાઝી પડી. નિખિલ કોલેજથી આવી ગયો હતો. તે આ મિલન જોઈ થોડો ઢીલો પડી ગયો. તેનેય તે રમુ વિના ગમતું ન હતું પણ તેણે અચાનક ગંભીર થવા આવેલ વાતાવરણને હળવું કરતાં કહ્યું, "અરે! રમુદી, તને ત્યાં સુધી મમ્મીના હાથની સુખડીની સુગંધ આવી ગઈ તે ઓફિસમાં રજા પાડીને અહીં આવી ગઈ?"

બધાંનાં મોં ઉપર હળવું હાસ્ય ફેલાઈ ગયું.

ક્રમશઃ

આ નવલકથા કે તેના કોઈપણ ભાગને ઓડિયો - વિડીયો કે અન્ય કોઈપણ ફોર્મમાં ફેરવવાનાં, અનુવાદનાં તમામ હક્ક લેખક અલ્પા ભટ્ટ પુરોહિતનાં જ છે.