Savai Mata - 62 in Gujarati Moral Stories by Alpa Bhatt Purohit books and stories PDF | સવાઈ માતા - ભાગ 62

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સવાઈ માતા - ભાગ 62

સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા*
*લેખન તારીખ : ૨૭-૦૪-૨૦૨૪, શનિવાર*

જમતાં જમતાં રાજી અને રમીલા વાતો કરતાં રહ્યાં. આજે પહેલી વખત એમ બન્યું હતું કે મેવો જમતો હોય અને બાળકોનું ધ્યાન પણ રાખી રહ્યો હોય. સવલી પણ આજે મેવાને કોઈ શિખામણ ન આપવી એમ નક્કી કરી બેઠી હતી. તે પણ દીપ્તિ અને તુષારની ગમ્મત જોતાં જોતાં મેવા, માતી અને પારવતીનું બાળપણ યાદ કરતી હતી. મેવાને થોડુંઘણું યાદ હતું ત્યાં હોંકારા ભણતો જ્યારે કેટલુંક તેના માટેય નવું હતું, તે બધું તે નવાઈથી સાંભળતો.

મજૂરવાસમાં વીતાવેલ બાળપણ અને ક્યારેક ક્યારેક થતી ગામની મુલાકાતો, પણ એ સઘળા સમયમાં બે ટંકનું ભોજન કમાવા તનતોડ મહેનત કરતાં માતાપિતા, એ પ્રમુખ યાદો હતી જીવનની. એ વર્ષોમાં ક્યારેય માતાને આવો સુંદર સમય ન મળતો. અને કદાચ મળ્યો હોય તો યે તેનામાં બાળ ઉછેરનું આવું જ્ઞાન ન હતું. આ જ્ઞાન તો વીણાબહેન અને તેમની સંસ્થાની બહેનોનાં સાન્નિધ્યે મળેલ વરદાન હતું જે આજે દીપ્તિ અને તુષારને મળતાં લાડમાં મરક મરક હસતું હતું. રાજીને પોતાની સાસુ આજે ઓર વહાલી લાગી અને રમીલાને તેનામાં મેઘનાબહેનનો ઓછાયો દેખાયો. આજની રજામાં તેણે વધુ એક જરૂરી મુલાકાત ઉમેરી - પોતાની સવાઈમાતાની,પણ આજે તે એકલી જવાની ન હતી, સાથે મેવાને અને રાજીને તેમનાં બેય બાળકો સહિત લેતી જવાની હતી.

સવલી બેય બાળકો સાથે જમીન ઉપર જ બેઠી હતી જેથી તે તેઓને કોળિયા ભરાવી ખવડાવી શકે. અડધા કલાકે જમવાનું પૂરું થયું. તે ઝડપભેર ઊભી થઈ. બેય બાળકોનો ચાર્જ રમીલાએ સંભાળ્યો. તેણે માતાને સંસ્થા ઉપર જવા તૈયાર થવા જવાનું કહ્યું અને આજે પોતે તેને સાંજે લેતી આવશે એમ જણાવ્યું. એ બહાને બધાં સુશીલામાસીને પણ મળી લેશે એમ ગોઠવાયું.

સવલી તેના નિયત સમયે રીક્ષામાં ચાલી ગઈ. માની આ નવી પ્રવૃત્તિથી દીકરો-વહુ બેય નવાઈ પામ્યાં. જીવવની અડધી સદી પૂરી કરી ચૂકેલ આ સ્ત્રી જેણે મોટાભાગનું જીવન ગંદી વસાહતોમાં, અડધાં ખાલીપેટે, તનતોડ મજૂરીમાં, લોકોનાં મળેલ, ઘસાયેલાં કે ફાટેલ કપડાંમાં વીતાવ્યું હતું એ આજે આ સાદગીભર્યા શણગારમાં દીપી રહી હતી. લટકામાં આજકાલ તે મોગરાની વેણી પણ અંબોડા ફરતે વીંટતી. તે તો તેને ૬૦ના દસકાની જાજરમાન ચરિત્રકથાની હીરોઈન જેવી છટા બક્ષતી. રાજીને આ જોઈ વધુ ભરોસો બેઠો કે રમીલા તેનું જીવન બદલવા પણ કોશિશ જરૂરથી કરશે.

રમીલાએ પોતાનો સુંદર મઝાનો, એકપણ વખત પહેર્યાં વિનાનો બોકસમાં પડેલ લાલ રંગનો, ઊંચી કોટિનાં સુતરાઉ કાપડથી બનેલ સલવાર-કમીઝનો સૂટ રાજીને પહેરવા આપ્યો. છટાથી તેની ઓઢણી નાખી આપી અને જાતે તેને આછો મેક અપ કરી વાળ ઓળી લાંબો ચોટલો કરી દીધો. પોતાની સિંદૂરિયા રંગની લિપસ્ટિક વડે તેનો સેંથો ભરી તેને દર્પણ સામે ઊભી કરી દીધી. રાજીનાઃ માન્યામાં પણ ન આવ્યું કે થોડું વ્યવસ્થિતપણે તૈયાર થતાં તે પોતે પણ રમીલા જેટલી જ સુંદર દેખાઈ શકે છે. આખરે, રમીલાનું ઘડતર જ એવા હાથે કર્યું હતું જે સૂરજની આગળ ઢંકાયેલ વાદળોને દૂર કરી તેને ચમકાવી શકે.

એટલામાં તુષારે રડવાનું શરૂ કર્યું એટલે તેને તેડીને મેવો અંદર ઓરડામાં આવ્યો. રાજીને જોઈ તેય દંગ રહી ગયો.

તેનાથી અનાયાસ જ બોલાઈ ગયું, "તે હેં રમુ, આ રાજી જ છે? આવી રૂપાળી તો એ લગનના દિવસેય નો'તી!" રાજી શરમાઈ ગઈ.

રમીલા બોલી, "આ શણગાર તો ઉપરછલ્લો છે, મારા ભાઈ. બાકી આ રાજી દિલની તો બહુ જ રૂપાળી છે. બાકી કોઈ મનની કદરૂપી ભટકાણી હોત ને, તો તને ને તારાં બાળકોને છોડી ક્યારનીય પિયરવાટ પકડી લીધી હોત, બરાબર ને રાજી?"

રાજી થોડું અચકાતાં બોલી," રમુ, ભલે એનામં થોડાં અવગુણ રિયાં, કોપે તો હાથે ઊપાડે ને ક્યારેક લાતોય મારે પણ... પણ આપણે તો જન્મતાંવેંત જ દીકરીને સહન ખરવાનું હીખવાડિયે તે મનં આ બધાંથી કોઈ તકલીફ ની મલે. બસ એ કમાવા જાય ને ચોરી-ચપાટી ની કરે, પોલીસમાં ની ફસાય એટલું બોવ. બાકી તો પસી મારાં ન છોરાંનાં જેવાં નસીબ."

જેમ જેમ રાજી બોલતી ગઈ તેમ તેમ રમીલાનાં ચહેરા ઉપરની સૌમ્યતાની રેખાઓને હડસેલી થોડી કરડાઈએ સ્થાન લીધું પણ, મેવા સાથે કોઈ સલાહ સૂચન કે ગુસ્સામાં પ્રતિભાવને સ્થાન ન આપતાં તે માત્ર હળવું, દર્દસભર હસી. તેનો પ્રતિભાવ જોઈ મેવાને ખૂબ જ શરમ ઊપજી. તેણે મનોમન કાંઈ નક્કી કર્યું અને બોલ્યો, "રાજી, રમુ, આજે હું મનથી નક્કી કરું છું કે રમુ જે કામ અપાવશે એ ખંતથી કરીશ અને રાજી જેવી પત્નીને ક્યારેય નહીં દૂભવું. તું છે તો મને ઘર મળ્યું નંઈ તો મેં જેલને જ ઘર બનાવી લીધું હોત."

બંને યુવતીઓ તેની તરફ પ્રેમભાવે જોઈ રહી. મેવાએ દિપ્તીને પણ ઊંચકી લીધી. રમુએ બાળકો માટે રસ્તામાં ચાલે એટલું દૂધ, ફળો અને પાણી લીધાં. આજે સૌ પહેલાં મેવાનાં અને બાળકોનાં કપડાં લેવા જવાનું હતું. ઘરને બારણે તાળું મારી ત્રણેય નીચે પાર્કિંગમાં આવ્યાં. રમીલાએ કારનું લોક ખોલ્યું અને મેવા તરફ ચાવી ધરી. મેવો થોડો અચકાયો અને બોલ્યો, "અરે! આ તો નવી નકોર ગાડી. મન તો એનાં ઘણાં કામનીય ખબર નંઈ. તું જ ચલાવ."

વળતાં રમીલા બોલી, "ભાઈ, તારી પાસે તો હેવી વેહીકલનું ડ્રાઈવિંગ લાયસન્સ છે ને? આ તો એની આગળ રમકડું છે. વાત રહી લેટેસ્ટ ફીચર્સની, તો હું બાજુમાં જ બેઠી છું. તને સમજાવતી રહીશ. રમીલાના આ વર્તનથી રાજીનો રાજીપો ઓર વધી ગયો. તે બેય બાળકોનૂ લઈ પાછળની સીટમાં બેસવાની કોશિશ કરવા લાગી. રમીલાએ બેય બાળકોને સેફ્ટી બેલ્ટ બાંધી બેસાડ્વામાં મદદ કરી. રાજી અંદર બેઠી પછી રમીલા ડ્રાઈવિંગ સીટની બાજુમાં બેઠી એટલે મેવાને ડ્રાઈવિંગ સીટ સંભાળવી પડી. ગાડીનાં ફીચર્સની સમજણ લીધાં પછી મેવાએ ઈગ્નિશન ઓન કર્યું અને એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી રોડ ઉપર આવતાં સુધીમાં તો તેનો ડર ગાયબ થઈ ગયો. શહેરના રસ્તા ઉપર ૬૦-૭૦ કિમીની ઝડપ જાળવતા તે રમીલાની દોરવણી હેઠળ કપડાઃનાં મોલ સુધી પહોંચ્યો. મોલનાં પાર્કિંગમાં જવા માટે સ્લોપ હતો જેથી ગાડી બેઝમેન્ટમાં પાર્ક થાય. ઢાળ ઉતરતાં રાજીને ચગડોળમાં બેઠાંનો અહેસાસ થઈ આવ્યો અને બંને બાળકોને લસરપટ્ટીમાં સરકતાં હોય એમ લાગાયું. માતા ભયભીત હતી તો બાળકો ખડખડાટ હસી રહ્યાં. ગાડી પાર્ક કરી બધાં લિફ્ટ તરફ દોરાયાં. બીજે માળે પુરૂષોનાં કપડાંનો વિભાગ હતો ત્યાં તેઓ પ્રવેશ્યાં.

ક્રમશઃ