Savai Mata - 5 in Gujarati Moral Stories by Alpa Bhatt Purohit books and stories PDF | સવાઈ માતા - ભાગ 5

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

સવાઈ માતા - ભાગ 5

મેઘનાબહેને રમીલાને હૂંફાળુ સ્મિત આપી તેનાં હાથમાં બે ખાલી થાળીઓ પકડાવી અને પોતે પણ એક થાળી હાથમાં લઈ કાઉન્ટર પાસેની હારમાં ઊભાં રહ્યાં. રમીલા પણ તેમની પાછળ ઢસડાઈ પણ, તેનાં મનમાં વિચારયુદ્ધ ચાલી રહ્યું હતું,'જે મોટી મા એ છેલ્લાં પાંચ વર્ષમાં મને મૂકીને ક્યારેય ચા પણ પીધી નથી, આજે તેમને મૂકીને હું કેવી રીતે જમી શકું?' ત્યાં તો રમીલાની માતા ખૂબ સંકોચથી તેની પાસે આવીને ઊભી રહી અને ખૂબ હળવેથી બોલી, "તું જ આ બુન જોડે ખાઈ લે. તારા બાપુને તો હવ ઘેરભેગાં થવું છે. બઉ મોટાં લોકો છે બધાં. અમને આંય ખાવાની મજા ની આવહે. તારાં ભાંડરડાં ય તે અમારી વાટ જોતાં અહે." બોલતાં બોલતાં તેનો હાથ રમીલાનાં ખભા સુધી પહોંચ્યો પણ, સંકોચાઈને પાછો પડી ગયો અને અચાનક તેનાં ખભા ઉપર મેઘનાબહેનનો હળવો પણ આશ્વસ્ત હાથ મૂકાયો, "બહેન, આજે તો ગર્વનો દિવસ છે આપણાં સૌ માટે. દીકરીની જોડે જ જમવાનું છે. ચાલો મારી સાથે જ ઊભાં રહો, આપણા જમવાનું લઈ પેલે દૂર, ટેબલ ઉપર બેસી જઈએ." રમીલાની માતાની આંખનાં ઝળઝળિયાંમાં તેનો મેઘનાબહેન પ્રત્યેનો કૃતાર્થભાવ, દીકરી માટેની ખુશી અને પોતાનો આ શહેરી, આધુનિક, શિક્ષિત વાતાવરણથી સંકોચ બધુંયે એકસાથે ઝળકી ગયું.

તે મેઘનાબહેનની સાથે જ ઊભી રહી પણ, થાળી પકડવાની તેની હિંમત ન હતી. રમીલા અને મેઘનાબહેને ત્રણેય થાળીઓમાં ગુલાબજાંબુ, કટલેટ્સ, રોટલી, બટાટા-ટામેટાં-વટાણાનું રસાદાર શાક, ભરેલાં ભીંડાંનું શાક, અસલ વરાની સુગંધીદાર દાળ, પાપડ અને કચુંબર પીરસાવ્યાં અને રમીલાનાં પિતા સાથે જ્યાં સમીરભાઈ બેઠાં હતાં તે તરફ ચાલવા માંડ્યાં. રમીલાએ એક થાળી તેનાં પિતા નજીક અને બીજી સમીરભાઈ પાસે મૂકી. સમીરભાઈએ તેને સ્મિત આપ્યું અને ઊભાં થઈ થોડે દૂર પડેલી બે ખુરશીઓ લઈ આવ્યાં. ત્યાં સુધીમાં મેઘનાબહેને હળવા હાથે રમીલાની માતાને બંને ખભાથી પકડી એક ખુરશીમાં બેસાડી દીધી. સમીરભાઈનાં ખુરશીઓ મૂકતાં જ એક ખુરશી રમીલાએ લઈ મેઘનાબહેન નજીક સરકાવી,"મોટી મા, બેસો." મેઘનાબહેનનાં બેસતાં જ રમીલા બીજી ખુરશી ખેંચી તેમની બાજુમાં બેસી ગઈ. સમીરભાઈ અને મેઘનાબહેન, પાલક માતા-પિતાથીયે સવાયાં એવાં બેય તેની બે તરફ બેઠાં હતાં અને તેનાં જનક - જનની તેની બરાબર સામે આવી ગયાં હતાં. તે માટી સાથે જોડાયેલા બેય જણને તો આ મઝાનાં ગોળ ટેબલ ઉપર બેસવાનો જ પ્રથમ અવસર હતો. બેય ક્ષોભનાં માર્યા હજી ભોજન શરૂ કરી શક્યાં ન હતાં.

મેઘનાબહેને ચમચીમાં ગુલાબજાંબુનો ટુકડો લઈ રમીલા તરફ ધરતાં કહ્યું, "લે દીકરા, મોં મીઠું કરવાનો પહેલો હક આજે તારો છે. તારાં લીધે તો આપણાં શહેરની જ નહીં, રાજ્યની સર્વોત્તમ કોલેજનાં આ પદવીદાન સમારંભમાં માનભેર આવવાનો અમને મોકો મળ્યો."

રમીલા અગિયારમાં ધોરણમાં મેઘનાબહેનના ઘરે પ્રથમવાર આવી હતી તેવી ત્યારે તેનાં ચહેરા ઉપર જે મુગ્ધતા હતી તે જ મુગ્ધતા તેનાં મોં ઉપર આજે પણ છવાઈ ગઈ. તેનું મોં ખુલી ગયું અને તેમનાં હાથમાંથી ધરાયેલ ચમચીનું ગુલાબજાંબુ પોતાનાં મોંમાં સરકાવી લીધું.

સમીરભાઈ રમીલાનાં માતાપિતાને પિતાને સંબોધી બોલ્યાં, "દીકરીને ઘરે પણ પહેલી મિઠાઈ તેની મોટી મા નાં હાથે જ ખાવી હોય. નિખિલની તો હિંમત જ નહીં કે રમીલા કરતાં પહેલાં તેની પાસેથી કે ડબ્બામાંથી પણ કોઈ મિઠાઈ એકલો ખાઈ શકે."

રમીલાની માતાનાં મોં ઉપર એ વાતથી સ્મિત આવી ગયું. તે ધીમેથી બોલી ઊઠી, "એનાં ભાયગ ઉઘડેલાં તે તમ જેવાં લોક મઈલાં બાકી, અમાર તો આજ બી રોટલો મલે એટલે એનો પાડ."

પિતા તેમાં મૂક સંમતિ આપતો રહ્યો. સમીરભાઈ અને મેઘનાબહેને બેયને આગ્રહ કરી જમવાની શરૂઆત કરાવી.

બેયનો સંકોચ દૂર કરવાં સમીરભાઈએ વાત માંડી, "બેટા, હવે તો નોકરી શરૂ થશે. તારે રહેવા માટે કંપની નજીક મકાન જોઈશે કારણ કે કંપનીથી પાંચ જ મિનિટનાં અંતરે આવેલ કૉલેજમાં અભ્યાસ માટે પણ જવું પડશે ને?"

મેઘનાબહેને સૂર પૂરાવ્યો," હા, વળી. નજીક હોય તો રાત્રે ઘરે વહેલાં આવી શકાય અને થોડો સમય પરિવારને પણ.. ."

રમીલા વચ્ચે બોલી ઊઠી, "હું ક્યાંય જવાની નથી. નિખિલને હજી અભ્યાસ બાકી છે અને મારે તમારી સાથે જ રહેવું છે."

મેઘનાબહેને ખૂબ પ્રેમથી કહ્યું, "તે તને કાઢી કોણ મૂકે છે!? આ તો નવું ઘર, ભાડેથી, તે જ તરફ લઈશું. તારાંયે ભાઈ-ભાંડું નવી દુનિયા તો જુએ."

સમીરભાઈ બોલી ઉઠ્યા, "હા, હમણાં જમી લે. ચિંતા ન કર. મોટા થઈએ એમ માળા તો નોખાં કરવા પડે ને, બેટા?"

રમીલાનાં માતાપિતા વાતો તો સાંભળતાં હતાં પણ સ્પષ્ટપણે સમજી નહોતાં શક્યાં. ત્યાં જ રમીલાની પાછળથી હંમેશનો એક સત્તાવાહી સૂર અનેકગણી મીઠાશ ભેળવી રેલાયો," રમીલા, માતાપિતાની બે જોડ લઈને આવી છે તો બે થાળીઓ કેમ ઓછી લીધી? કૉલેજનું નાક કપાવવું છે કે શું?"

રમીલા અને મેઘનાબહેન ખુરશીમાંથી ઊભાં થઈ ગયાં. પાછળ ફરીને જોયું તો પ્રિન્સીપાલ શ્રી નીલીમા શાહ કૉલેજનાં પટાવાળા લીલાબહેનની સાથે ઊભાં હતાં. લીલાબહેનનાં હાથમાં બે પીરસેલી થાળીઓ હતી તે તેમણે ટેબલ નજીક જઈને રમીલા અને મેઘનાબહેનની ખુરશીની સામેની તરફ મૂકી દીધી અને રમીલાની માતા તરફ હૂંફાળું, શહેરી સ્મિત આપ્યું.

રમીલાની માતા આંખોમાં ચમક સાથે બોલી ઊઠી, "ઓ લીલકી, તું આંઈ? માધીની જ છોડી ને? ને પાછી ઈનીફોમમાં? તું તો ચાર-પાંચ વરહ પે'લાં જ પયણી ગયલી ને પછી...", તે એક આંચકા સાથે અટકી ગઈ જાણે તેને સભાનતા આવી ગઈ હતી કે તે પોતાનાં ગામમાં ન હતી અને દીકરીની કૉલેજમાં હતી.

લીલાબહેન જરાય સંકોચ વગર તેનાં તરફ આગળ વધ્યાં અને તેને ભેટી પડ્યાં, "અરે ઓ, મારી સવલીમાસી, ચેટલાંય વરહે તને જોઈ. હા...હા, ઉં જ તારી લીલકી, તારી વા'લી મોટબેન માધીની જ છોડી. મારું લગન મેઘજી જોડે થૈ ગ્યું પછી ઉં આ જ કૉલેજનાં ક્વાટરમાં રે' વા આવી. મેઘજી આંય જ પટાવાળો ઉ'તો ને? પછી ગયા વરહે એને ગામ જતાં મોટા ટેનકર જોડે એક્સિડેન થયલો તે બચાડો રસ્તામાં જ... પાણી બી માગવા ની રેયલો, એમ તિયાં ભેગું થયલું લોક કેતું'તું. પછી કોઈએ એનાં ગજવા ફંફોળી જોયા કે મોબાઈલ ફોન મળે તો ઘેર ખબર પૂગાડે. પણ ફોન તો ફંગોળાઈને રસ્તા પર પડેલો મઈલો. હાવ જ તૂટી ગયલો. તે બીજાએ પછી એની થેલી ફંફોસી, તે એક પલાસ્ટિકની થેલીમાંથી એની નાલ્લી ડાયરી મલી. એને ટેવ તે પોતાનું નામ, સરનામું, મારું નામ, કોલેજનો ફોનનંબર બધ્ધું જ ઈમાં લખી રાખેલું. બીજાય બધ્ધાંનાં ફોનનંબર ને સરનામાં લખેલા પણ, એ લોકોએ કૉલેજમાં જ ફોન કયરો ને કલારક ભાઈ નીતિને ઉપાયડો.",લીલકીને ડૂમો ભરાઈ ગ્યો. સવલીએ તેને ખુરશીમાં બેસાડીને તેની તરફ પાણીનો ગ્લાસ ધર્યો.

પાણી પીતી લીલકીએ એ ગોઝારાં સમાચાર અને દિવસનેય ગળી જવાની કોશિશ કરી પણ મન ઉભરાઈને આંખોથી વરસી રહ્યું. આ બધુંય જોઈ રહેલાં પ્રિન્સીપાલે બીજાં પટાવાળા રામજીભાઈને બોલાવ્યાં અને કહ્યું, "લીલાબહેન અને તેમનાં મહેમાનોને લીલિબહેનનાં ક્વાર્ટર સુધી પહોંચાડી આવો. નાનજીભાઈને મોકલી તેમની આ થાળીઓ પણ ત્યાં જ મૂકાવી દો એટલે તેઓ શાંતિથી જમી શકે."

પછી નીલિમાબહેને રમીલાને સંબોધીને કહ્યું, "તિરી મમ્મી તેની ભાણેજને મળે ત્યાં સુધી તમે લોકો જમી લો. પછી ઘરે જતાં પહેલાં મને અચૂકપણે મળતી જજે." રમીલાએ સસ્મિત માથું હલાવ્યું પણ તે વિચારી રહી,"'હવે શું હશે ?'

પ્રિન્સીપાલનાં પીઠ ફેરવીને જતાં જ મેઘનાબહેને રમીલાને કહ્યું ," બેસી જા દીકરા, જમી લઈએ. પછી મેડમને મળી, તારાં માતા-પિતાને લઈ ઘરે પણ તો જવાનું છે."

થોડી અલપઝલપ વાતો કરતાં ત્રણેય જમી રહ્યાં રમીલા જમતાં-જમતાં વિચારી રહી,"આ લીલકી, લીલા તો મારી પોતાની જ માસિયાઈ બહેન. તે તો મારાંથીયે બે વર્ષ નાની. પણ, ગામમાં અને મજૂરોનાં વાસમાં રહી તે ક્યારેય ભણી નહીં. પહેલેથી મજૂરીએ જતી અને તેનું લગ્ન પણ સાવ કાચી ઉંમરે કરી દેવાયું. અને હજી વીસ વર્ષ વટાવે તે પહેલાં તો તેને વૈધવ્યે ઘેરી લીધી." ખૂબ જ ભાવુક થઈ તેણે પોતાનો ડાબો હાથ મેઘનાબહેનના ખભા ફરતો વીંટાળી, તેમનાં જમણા ખભે માથું ઢાળી દીધું.

મેઘનાબહેન તેની લાગણી સમજી ગયાં અને કહ્યું," બેટા, જીવ ન બાળીશ. બધું સમું થઈ જશે.

શું લીલાની જીંદગીમાં ખુશીઓ આવશે?
શું રમીલા તે માટે લીલાને મદદરૂપ થઈ શકશે?
પ્રિન્સીપાલને રમીલાનું શું કામ હશે?

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.
આભાર 🙏🏻

(જાણવા વાંચો ભાગ ૦૬)