Badlo - 10 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | બદલો - ભાગ 10

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

બદલો - ભાગ 10

૧૦. ફેસમાસ્ક

સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઉઠી.

'હલ્લો.. મેજર નાગપાલ સ્પીકિંગ..' નાગપાલે રીસીવર ઊંચકીને કાને મુકતા કહ્યું.

'નાગપાલ સાહેબ, હું અમરજી બોલું છું.' સામે છેડેથી અમરજીનો પ્રસન્ન અવાજ તેને સંભળાયો.

'બોલ..' કહેતા કહેતા નાગપાલનો દેહ ખુરશી પર ટટ્ટાર થયો. એની આંખોમાં આશાભરી ચમક પથરાઈ ગઈ. 'ચોકલેટી કલરની એમ્બેસેડરનો કંઈ પત્તો લાગ્યો?'

'હા, આ કાર અજય નામના એક યુવાનની છે. અજયને ભૈરવ ચોકમાં કાપડનો શોરૂમ છે. અજયના કહેવા મુજબ એની એમ્બેસેડર કાર છેલ્લા બે દિવસથી તેની રેખા નામની એક ગર્લફ્રેન્ડ પાસે છે. રેખાનું સરનામું મેળવીને હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે એના ફ્લેટ પર તાળું મારેલું હતું. પાડોશીઓને પૂછપરછ કરતા મને જાણવા મળ્યું કે રેખાનું ચરિત્ર સારું નથી. એને ત્યાં રોજ નવા નવા પુરુષો આવે છે અને..'

'તારી પાસે ગીતાનો જે ફોટો છે એને શું કોઈએ રેખાના રૂપમાં ઓળખ્યો છે?' નાગપાલે વચ્ચેથી જ તેની વાતને કાપી નાખતા પૂછ્યું.

'ના, ફોટો જોયા પછી દરેક જણે એમ જ કહ્યું છે કે આ ફોટો રેખાનો નથી.'

'તો આનો અર્થ એ થયો કે તું હજુ સુધી એને જ શોધે છે ખરું ને?'

'શોધતો નથી સર.. પણ શોધી ચૂક્યો છું.'

'એટલે?' નાગપાલે ચમકીને પૂછ્યું. પછી સહેજ નારાજગી ભર્યા અવાજે બોલ્યો.

'તો પછી પહેલાથી જ સ્પષ્ટ રીતે શા માટે ન જણાવી દીધું? આ રીતે ભૂમિકા બાંધવાની શું જરૂર હતી?'

'સોરી સર..' સામે છેડેથી અમરજીનો દિલગીરી ભર્યો અવાજ તેને સંભળાયો. 'મને એમ કે પાછળથી આપ એવું પૂછશો કે હું તેના સુધી કેવી રીતે પહોંચ્યો એટલે આ પૂછો એ પહેલા મેં સામેથી જણાવી દીધું.'

'ઠીક છે, ભવિષ્યમાં ધ્યાન રાખજે. વારું, આ રેખા અત્યારે ક્યાં છે?'

'હું એના ફ્લેટમાંથી જ બોલું છું સર.. હું તેની ધરપકડ કરીને આપની પાસે લાવું કે પછી આપ પોતે જ અહીં આવો છો એ જાણવા માટે જ મેં ફોન કર્યો છે.' નાગપાલ થોડી પળો માટે વિચારમાં ડૂબી ગયો.

'શું એનો ચહેરો જરા પણ ગીતાના ફોટા સાથે મળતો નથી આવતો?' છેવટે એણે પૂછ્યું.

'ના સર..'

'કાલે તે હોટલમાં ગયાની વાત કબુલ કરે છે કે નહીં?'

'ના..'

'કેમ?'

'એના કહેવા મુજબ હોટલમાં જવાની વાત તો એક તરફ રહી તે એ હોટલની નજીક પણ નહોતી ફરકી.'

'વારું, વીએમબી 324 નંબરની ચોકલેટી કલરની એમ્બેસેડર વિશે એ શું કહે છે?'

'સર એ કાર અહીં પાર્કિંગમાં જ મોજુદ છે. પરંતુ એના કહેવા મુજબ એણે ગઈકાલે તેનો ઉપયોગ જ નહોતો કર્યો.'

'ઓહ..'

'હવે મારે માટે શું હુકમ છે?'

'તું ત્યાં જ રહે.. હું આવું છું..'

'ઓકે સર.. આપ સરનામું લખી લો.' નાગપાલે એણે જણાવેલું સરનામું લખી લીધું. ત્યારબાદ રીસીવર મૂકીને તે ઊભો થયો. એક મિનિટ પછી એને જીપ પૂરપાટ વેગે સડક પર દોડતી હતી. 20 મિનિટ પછી તે રેખાના ફ્લેટમાં હતો. રેખા એક સોફા પર ભયભીત ચહેરે બેઠી હતી.

'મિસ રેખા..' નાગપાલે વેધક નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું. 'તમે ગઈ કાલે કોઈને ચોકલેટી એમ્બેસેડર આપી હતી?' રેખાએ નકારાત્મક ઢબે માથું હલાવ્યું.

'મિસ રેખા, તમારા કહેવા મુજબ નહોતા તમે એ હોટલમાં ગયા કે નહોતી કોઈને કાર આપી તો પછી એ કોઈના ચલાવ્યા વગર જ ચમત્કારિક રીતે ત્યાં કેવી રીતે પહોંચી ગઈ?' 'હા.. હું..' રેખા થોથવાઈ. 'આ ઉપરાંત.. નાગપાલે પૂર્વવત રીતે તેની સામે તાકી રહીને તેને એક વચનમાં સંબોધતા કહ્યું. જો તું જ ત્યાં ગઈ હતી તો પછી તારે ત્યાંથી નાસી છૂટીને આ રીતે છુપાવાની શું જરૂર પડી?'

'કારણ કે.. કારણ કે..'

'હા હા, કહી નાખ કે કોઈકના તરફથી તારો જીવ જોખમમાં છે એટલે નછૂટકે તારે અહીં છુપાવા માટે લાચાર બનવું પડ્યું છે.' નાગપાલના અવાજમાં કટાક્ષનો સૂર હતો. 'પરંતુ જે કંઈ બોલ એ સમજી વિચારીને બોલજે કે જ્યાં સુધી તારી વાત સાચી પુરવાર નહીં થઈ જાય ત્યાં સુધી તારે પોલીસના કબજામાં રહેવું પડશે.' અમરજીએ મનોમન નાગપાલની બુદ્ધિને દાદ આપી. અને ખરેખર જ નાગપાલના આ હથિયારથી રેખા હેબતાઈ ગઈ હતી.

પોતાના દ્વારા બોલવામાં આવેલું એક પણ જુઠ્ઠાણું સામે બેઠેલો ઓફિસર નહીં પચાવી શકે એનો વિચાર કરતી હોય એમ રેખા એકીટશે નાગપાલના ચહેરા સામે તાકી રહી હતી. ફ્લેટનો માલિક તથા અમરજીની સાથે આવેલા સિપાહીઓ મૂક પ્રેક્ષકની જેમ ચૂપચાપ એક ખૂણામાં બેઠા હતા.

'છોકરી..' છેવટે નાગપાલે જ ચુપકીદીનો ભંગ કરતા કર્કશ અવાજે કહ્યું. 'હું વધુ રાહ જોઈ શકું તેમ નથી. હજુ પણ સમય છે. જો તું તારું મોં નહીં ઉઘાડે તો પછી નાછૂટકે મારે તારી ધરપકડ કરવી પડશે.'

'ના ના.. રેખા ધ્રુજતા અવાજે બોલી.

'હું.. હું.. ત્યાં ગઈ હતી.'

'વેરી ગુડ.. ખરેખર તે સમજદારી દાખવી છે. વારું પછી?'

'હું ભૂલથી એ રૂમનો દરવાજો ઉઘાડી બેઠી હતી.' રેખા લાચારી ભર્યા અવાજે બોલી. 'અંદર એક યુવાન સ્ત્રી પુરુષ એકબીજાના આલિંગનમાં જકડાયેલા હતા. આ દ્રશ્ય જોઈને મેં તરત જ જવા માટે પીઠ ફેરવી. ત્યાં જ અંદર રહેલી સ્ત્રીની બૂમ મને સંભળાઈ. એ 'ગીતા.. ગીતા..'ની બૂમો પાડતી મારી પાછળ દોડી. એના પર કદાચ ગાંડપણનો હુમલો થયો છે. આ કારણસર તે મને ગીતા સમજી બેઠી છે એમ મેં માન્યું. એટલે કોઈ બખેડાથી બચવા માટે હું તાબડતોબ ત્યાંથી નાસી છૂટી.'

'વેરી ગુડ..' નાગપાલે તાળી પાડીને કટાક્ષ ભર્યું સ્મિત ફરકાવતા કહ્યું. 'વાહ રેખા.. તારી ખોટું બોલવાની પદ્ધતિ જોઈને મને ખૂબ જ આનંદ થયો છે. મારું ચાલે તેમ હોત તો હું તને સર્વશ્રેષ્ઠ અને સફળતા ભર્યું ખોટું બોલવા બદલ પહેલું ઇનામ જ આપત. તે તારી કલ્પનાના ઘોડા કેટલા જોરથી દોડાવ્યા છે કે ઉચ્ચકક્ષાનો લેખક પણ તારી કલ્પના જોઈને પોતાની હાર કબૂલી લે. વાહ શું વાત કહી છે..' કહેતા કહેતા અચાનક જ નાગપાલની આંખો ક્રોધથી લાલઘુમ અને અવાજ એકદમ કઠોર બની ગયો. 'રેખા, કદાચ તું એ સ્ત્રી નહીં હોય એમ માનીને અત્યાર સુધી હું તારી સાથે નર્માશથી વર્તતો હતો. પરંતુ હવે જ્યારે સ્પષ્ટ થઈ ગયું છે કે એ યુવતી તું જ હતી તો કોઈપણ જુઠ્ઠાણું ચલાવતા પહેલા તારે વિચારી લેવું જોઈતું હતું કે તારું આ જુઠ્ઠાણું સામા માણસને પ્રભાવિત કરી શકશે કે નહીં. હવે હું તારી પાસેથી માત્ર એટલું જ જાણવા માંગુ છું કે તારા એ વખતના ચહેરામાં અને અત્યારના ચહેરામાં આકાશ પાતાળનો ફરક કેવી રીતે આવી ગયો?'

'ચ.. ચહેરામાં ફરક?'

'તું સીધી રીતે નહીં જ માને એવું મને લાગે છે. પોતાનો ભાંડો ફૂટી ગયો છે એ વાત જાણ્યા પછી આ જાતનું અજાણ હોવાનું નાટક કરનારને મૂર્ખ જ કહેવાય છે. હું તને માત્ર બે મિનિટનો જ સમય આપું છું. ત્યાં સુધીમાં જો મારી વાત તારા મગજમાં ઉતરી જાય તો ઠીક છે નહીં તો પછી તારું મોં ઉઘડાવવા માટે મારે ન છૂટકે કોઈક કઠોર પગલું ભરવું પડશે.' નાગપાલની ધમકીની ધારી અસર થઈ.

'ક.. કહું છું.' રેખા ફરીથી કંપતા અવાજે બોલી. 'એ વખતે મારા ચહેરા પર ફેસ માસ્ક હતો.'

'ફેસ માસ્ક?' નાગપાલે ચમકીને પૂછ્યું.

'હા..'

'ક્યાં છે એ?'

'મારી હેન્ડબેગમાં.' રેખાએ ધ્રુજતી આંગળીથી ટેબલ પર પડેલી હેન્ડબેગ તરફ સંકેત કર્યો.

'એ ફેસ માસ્ક તારા ચહેરા પર પહેરીને બતાવ.' રેખા ઊભી થઈને ધ્રુજતા પગલે ટેબલ પાસે પહોંચી. તેણે હેન્ડબેગમાંથી એક ફેસ માસ્ક કાઢીને પહેરી લીધો. અને ત્યારબાદ નાગપાલને બાદ કરતા બાકીના બધાના મોંમાંથી સિસ્કારા નીકળી ગયા. હવે ટેબલ પાસે આબેહૂબ ગીતા જ ઉભેલી દેખાતી હતી.

'ચાલ, હવે અહીં આવીને બેસી જા.' નાગપાલે સોફા તરફ સંકેત કરતા કહ્યું. 'અને એક જ વારમાં જે હકીકત હોય તે સાચે સાચું કહી નાખ.'

'હું.. હું આ કાઢી નાખું?' રેખાએ સોફા પર બેસતા પૂછ્યું.

'કાઢી નાખ.'

'આ ફેસ માસ્ક વિશે..' એ ફેસ માસ્ક કાઢીને તેની સામે લંબાવતા બોલી. 'કશું કહેતા પહેલા આપને મારું અસલી નામ અને કામ વિશે જણાવવા માંગુ છું.'

'ઓહ..તો તારું રેખા નામ પણ નકલી છે એમ ને?'

'હા..'

'તો અસલી નામ શું છે?'

'મારું અસલી નામ દક્ષા છે.' રેખા ઉર્ફે દક્ષાએ કહ્યું. 'હું જ્યારે સમજણી થઈ ત્યારે મેં મારી જાતને એક અનાથાશ્રમમાં જોઈ હતી. મારો ઉત્સાહી સ્વભાવ ત્યાં કેદીઓ જેવું જીવન વિતાવવા માટે તૈયાર ન હતો. એટલે યુવાનીના ઉંબરમાં પગ મુકતા જ હું કેદમાંથી છુટકારો મેળવવાનો મક્કમ નિર્ણય કરી ચૂકી હતી. અને પછી મેં એક અનાથઆશ્રમના કર્મચારીને મારા મોહપાશમાં ફસાવ્યો. એ મને ત્યાંથી નાસી છૂટવા માટે દરેક જાતની મદદ કરવા માટે તૈયાર થઈ ગયો. ખેર હું ત્યાંથી નીકળવામાં તો સફળ થઈ ગઈ. પરંતુ એ કર્મચારીથી મારી આબરૂ નહોતી બચાવી શકી. એણે મારી લાચારીનો પૂરેપૂરો લાભ લીધો હતો. ત્યારબાદ વાસના ભૂખ્યા વરૂઓની સામે મારા દેહને પીરસવાની મને જાણે કે ટેવ પડી ગઈ. લગ્ન, પતિ, બાળકો અને સુખી જીવન જીવવાનું મારી સપનું છિન્નભિન્ન થઈ ગયું હતું. ત્યારે મને વિચાર આવ્યો કે આ દગાબાજ પુરુષોને મારી ખૂબસૂરતીના જોરે મૂરખ બનાવીને એશો આરામનું જીવન શા માટે ન વિતાવું? થોડા દિવસોમાં જ મારો ધંધો જામી ગયો. હું કારોમાં ફરવા લાગી. હું કોઈક પૈસાદાર આસામીને સામેથી જોઈને જ તેના સંપર્કમાં આવતી અને જ્યારે તે મારા મોહપાશમાં જકડાઈ જાય ત્યારે તે મને ગમે ત્યાં લઈ જઈ શકે એટલી છૂટ આપતી. પછી જ્યારે એ મારા દેહને પામવાનો પ્રયાસ કરે ત્યારે હું એને એવી ધમકી આપતી કે જો એ મને તાબડતોબ અમુક રકમ નહીં આપે તો હું બૂમો પાડીને તેનો ભાંડો ફોડી નાખીશ. અને તે દગાથી મારી આબરૂ લૂંટવા માંગે છે એમ લોકોને જણાવી દઈશ. ત્યારે પોતાની પ્રતિષ્ઠા જળવવા ખાતર એ આસામી એ મને રકમ આપવી પડતી હતી. અલબત્ત, શિકારની પસંદગી કરતી વખતે તે શરીફ અને આબરૂદાર હોય એ વાતનું મારે ખાસ ધ્યાન રાખવું પડતું હતું. પરંતુ તેમ છતાંય ક્યારેક શિકાર પારખવામાં મારી નજર થાપ ખાઈ જતી હતી. અને પરિણામે એને શિકાર બનાવવાની બદલે હું પોતે જ શિકાર બની જતી હતી. એક રાત્રે એક પૈસાદાર ડોકરાને 5000 નો ચૂનો લગાડ્યા પછી હું હોટેલ ગગન ખાતે મારા રૂમમાં પહોંચી ત્યારે..' કહેતા કહેતા રેખા ઉર્ફે દક્ષાની નજર સામે એ રાતનું દ્રશ્ય ચલચિત્રની માફક ઉપસી આવ્યું.

'એ રાત્રે..'

રૂમમાં પ્રવેશીને દક્ષાએ લાઈટ ચાલુ કરી. વળતી જ પળે તે એકદમ ચમકી ગઈ. એની ભયભીત આંખો સામે સોફા પર પગથી માથા સુધી કાળા વસ્ત્રોમાં સજ્જ થયેલા એક નકાબ પોશ પર જડાઈ ગઈ.

'બૂમો પાડવાનો પ્રયાસ કરીશ નહીં દક્ષા..' એ કશું સમજે તે પહેલા જ નકાબ પોશ કર્કશ અવાજે બોલ્યો.

'કદાચ તું બૂમો પાડવાનો પ્રયાસ કરીશ તો પણ કંઈ લાભ નહીં થાય. તારી બુમો સાંભળીને કોઈ અહીં આવશે એ પહેલા જ હું તને બેભાન કરીને જે રીતે આવ્યો હતો એ જ રીતે પાછો ચાલ્યો જઈશ. પરંતુ એ સંજોગોમાં તને જ નુકસાન થશે એટલું તું યાદ રાખજે.' 'નુકસાન?' દક્ષાએ પોતાની જાત પર કાબુ મેળવવાનો પ્રયાસ કરતા પૂછ્યું.

'હા..'

'કેવું નુકસાન?'

'હું જે કામસર તારી પાસે આવ્યો છું એ કરવા માટે જો તું તૈયાર થઈ જાય તો બદલામાં તને એક સાથે 50000 રૂપિયા મળી જશે.' '50,000?' દક્ષાએ આશ્ચર્ય સહ પુછ્યું.

'હા..'

'કામ શું છે?'

'કામ તો બહુ સહેલું છે. નકાબપોશ બોલ્યો. 'તારે એક માણસની નજરે તારી જાતને ચરિત્રહીન બતાવવાની છે.'

'એ તો હું છું જ. એમાં બતાવવા જેવું શું છે?'

'બરાબર છે, પરંતુ આ કામ એટલું સહેલું નથી કે પરસેવો પાડ્યા વગર થઈ શકે.'

'પછી?' દક્ષાએ ઉત્સુક અવાજે પૂછ્યું. એ હવે સ્વસ્થ થઈ ચૂકી હતી.

'પહેલા શાંતિથી બેસી જા. પછી તને સમજાવું છું કે તારે શું અને કેવી રીતે કરવાનું છે.' દક્ષા આગળ વધીને તેની સામે ખુરશી પર બેસી ગઈ. પછી તેણે પ્રશ્નાર્થ નજરે નકાબપોશ સામે જોયું.

'સાંભળ..' એની નજરનો અર્થ પારખીને નકાબપોશ બોલ્યો. 'જે માણસની સામે ત્યારે તારી ચારિત્રહીનતાનું પ્રદર્શન કરવાનું છે તે એક પ્રાઇવેટ ડિટેક્ટીવ છે. આ ડિટેક્ટીવની નિમણૂક શેઠ કાલિદાસના દીકરાએ પોતાની પત્નીના શંકાસ્પદ આચરણની તપાસ માટે કરી છે. હવે હું એમ ઈચ્છું છું કે તું કોઈ પણ પુરુષ સાથે એવું વર્તન કર કે જેના પરથી એમ લાગે કે એ પુરુષ તારો પ્રેમી છે અને તારે તેની સાથે અનૈતિક સંબંધ છે.'

'પણ શું મારો ચહેરો એ શેઠના દીકરાની પત્ની સાથે મળતો આવે છે?' દક્ષાએ આશ્ચર્ય સહ પૂછ્યું.

'એ હું તને પછી કહીશ. હાલતુરંત તો તું એટલું જાણી લે કે હું તારી પાસેથી બીજું શું શું ઈચ્છું છું. કોઈપણ પુરુષને તારી તરફ આકર્ષિત કરવામાં તો તને કોઈ ખાસ તકલીફ નહીં પડે પરંતુ એક વાતનું તારે ખાસ ધ્યાન રાખવાનું છે. તું જ્યારે પણ પેલા પ્રાઇવેટ ડિટેક્ટિવની નજરમાં આવી જાય ત્યારે તારી સાથેનો પૂરૂષ એ જ હોવો જોઈએ કે જે પહેલીવાર એની નજરે ચડી ગયો હોય. બીજું, એ પુરુષને મળતી વખતે તારો કોઈ પરિચિત તને જોતો તો નથી ને એ વાતની ચિંતા હોય એવો અભિનય કરવાનો છે. ઉપરાંત તું પેલા પ્રાઇવેટ ડીટેક્ટિટિવને ઓળખે છે એવી શંકા આ ડિટેક્ટિવના મનમાં ન ઉપજે એની તારે ખાસ સાવચેતી રાખવાની છે.'

'પરંતુ હું તેને ઓળખતી જ નથી તો આ બધું કેવી રીતે કરી શકીશ?' દક્ષાએ મૂંઝવણ ભર્યા અવાજે પૂછ્યું. જવાબમાં નકાબપોશે પોતાના ગજવામાંથી એક ફોટો કાઢીને તેને બતાવતા કહ્યું, 'આ ફોટો એ પ્રાઇવેટ ડિટેક્ટીવનો જ છે. આ ફોટો બરાબર જોઈ લે. આનું નાક એવું છે કે તને કદાચ ચહેરો યાદ ન રહે તો પણ નાકના આધારે તું એને જોતાવેંત જ ઓળખી જઈશ. એને દરરોજ સવારે તથા સાંજે પબ્લિક ગાર્ડનમાં ફરવા જવાનો શોખ છે. એટલે તું તે પસંદ કરેલા પુરુષ સાથે ત્યાં જઈને સહેલાઈથી એનું ધ્યાન તારા તરફ ખેંચી શકે તેમ છે. અને પછી તને પરપુરુષ સાથે જોઈને એ તરત જ તારી પાછળ પડી જશે.'

'તમારી વાત પૂરી થઈ ગઈ કે હજુ પણ કંઈ કહેવાનું બાકી છે?' દક્ષા બોલી. 'જો બાકી હોય તો પહેલા હું એક વાતની ચોખવટ કરી લેવા માંગુ છું.'

'બોલ..'

'પોલીસની દખલગીરી થવાની શક્યતા હોય એવું કોઈ કામ હું નહીં કરું.'

'મારા કામ વિશે તું બેફિકર રહે. પરંતુ તારા પોતાના કામ વિશે તું શું માને છે?'

'એટલે?'

'એટલે એમ કે લોકોને મૂરખ બનાવીને લૂંટી લેવાના તારા ધંધામાં શું પોલીસની દરમિયાનગીરી થવાની જરા પણ શક્યતા નથી?'

'શું?' દક્ષાએ હેબતાઈને પૂછ્યું.

'કેમ? મારી વાત ખોટી છે?'

'ના પણ..' દક્ષાનું આશ્ચર્ય હજુ પણ નહોતું શમ્યુ.

'મારી વાતનું આશ્ચર્ય વ્યક્ત કરવાને બદલે હવે તું ધ્યાનથી સાંભળ કે તારે શું કરવાનું છે.' નકાબપોશ વચ્ચેથી જ તેને અટકાવતા બોલ્યો. 'અને આ કામ તારે ખૂબ જ સાવચેતી કરવાનું છે. તારે તારા સાથીદાર પુરુષ સાથે ઘણા સ્થળે ફર્યા પછી તારે કોઈક ઉજ્જડ વિસ્તારમાં આવેલા કોઈક બંગલામાં જવાનું છે. આ બંગલો હું જ ભાડે રાખીને એનું સરનામું તને જણાવી દઈશ. આ બંગલામાં એકાદ-બે કલાક વિતાવ્યા પછી જ્યારે તું બહાર નીકળ ત્યારે તારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે.'

'કઈ વાતનું?'

'જો એ વખતે પ્રાઇવેટ ડિટેક્ટીવ તને દેખાય અથવા તો ન દેખાય તો પણ તારે એટલી ચાલાકીથી તારી સાથેના પુરુષ સાથે ગુમ થઈ જવાનું છે કે કદાચ જો એ ડિટેક્ટિવ તમારો પીછો કરવાનો પ્રયાસ કરે તો પણ તમે બંને ક્યાં ચાલ્યા ગયા છો એ વાતની તેને ગંધ સુદ્ધાં ન આવે. આ ક્રમ ત્રણ-ચાર દિવસ સુધી ચાલુ રાખવાનો છે. બસ, તારે માત્ર આટલું જ કરવાનું છે. ત્યારબાદ મારું કામ શરૂ થશે.'

'ત..તમારું કામ?'

'હા..'

'તમારું વળી કયું કામ?'

'એની સાથે તારે કોઈ નિસબત ન હોવી જોઈએ.' નકાબપોશ ભયંકર હાસ્ય કરતા બોલ્યો. 'જો તને આ સોદો મંજુર હોય તો ઠીક છે, નહીં તો પછી હું કોઈક બીજી છોકરીની વ્યવસ્થા કરું.'

'બીજી છોકરી?' દક્ષાનું દિમાગ ચકરાવે ચડી ગયું.

'હા..'

'તો શું મારે જે શેઠના દીકરાની પત્નીનો પાઠ ભજવવાનો છે, એના જેવો દેખાવ ધરાવતી બીજી યુવતીઓ પણ મોજૂદ છે?'

'આ જાતની યુવતીઓની સંખ્યા એક નહીં પણ હજારો હોઈ શકે છે.' નકાબપોશે ગજવામાંથી એક ફોટો કાઢીને તેને બતાવતા કહ્યું, 'આ એ જ યુવતીનો ફોટો છે જેની ભૂમિકા તારે ભજવવાની છે.'

દક્ષાએ ધીમેથી માથું હલાવ્યું. અચાનક એ વર્તમાનમાં પાછી ફરી.

'હમ્મ પછી?' નાગપાલે પૂછ્યું.

'અને એ ફોટો આ યુવતીનો જ હતો.' રેખા ઉર્ફે દક્ષાએ ફેસ માસ્ક તરફ સંકેત કરતા કહ્યું. 'ફેસમાસ્ક અને એડવાન્સ 20,000 રૂપિયા આપીને તે નકાબપોશ ચાલ્યો ગયો હતો. એની સૂચના મુજબ મેં બીજે જ દિવસે એક પુરુષને મારી તરફ આકર્ષી લીધો હતો. એનું નામ કૈલાશ હતું. અને તે ચંદનપુરથી અહીં ફરવા માટે આવ્યો હતો. કૈલાશ દરેક રીતે મને મારા કામ માટે યોગ્ય લાગ્યો હતો. ત્યારબાદ હું નકાબપોશના આદેશ મુજબ અભિનય કરવા લાગી. તે અમે બંને ત્રીજીવાર એ બંગલામાં ગયા હતા. બે જુવાન હૈયા એકાંતમાં મળે તો ક્યાં સુધી પોતાની જાત પર સંયમ રાખી શકે? એ જ અમારી સાથે બન્યું. સંયમના બંધનો તૂટી ગયા. લાજ અને સંકોચની દિવાલ તૂટી ગઈ. બે કલાક બેસીને કંટાળવા કરતા તો મનોરંજનમાં સમય પસાર કરીએ એ વધુ યોગ્ય હતું. પરંતુ હજી અમે પ્રેમમાં ડૂબેલા હતા ત્યાં જ અચાનક એક માણસ બારીમાંથી શયનખંડમાં કુદ્યો. એના અણધાર્યા આગમનથી અમે બંને એકદમ હેબતાઈ ગયા. પછી એ માણસ મારી સામે રિવોલ્વર તાકીને કોણ જાણે શું બકવા લાગ્યો? 50,000 રૂપિયાની લાલચમાં આજે હું મારા પ્રાણ ગુમાવી બેસીશ એમ મને લાગ્યું. મારી છાતી સામે કાળના દૂત જેવી રિવોલ્વર તકાયેલી હતી. પરંતુ મેં ધાર્યું હતું એવું કશું જ ન બન્યું. એ માણસ ટ્રિગર દબાવી શકે તે પહેલા જ પડદા પાછળથી ભૂતના ઓળાની જેમ પેલો નકાબ પોશ ફૂટી નીકળ્યો. એ પાજી કોણ જાણે ક્યારથી ત્યાં છુપાઈને બેઠો હતો!'

'હમ્મ.. પછી?'

'નકાબપોશના હાથમાં એક લોખંડનો નાનો પણ મજબૂત સળિયો જકડાયેલો હતો. પછી અચાનક તે ખૂબ જ સ્ફૂર્તિથી રૂમના સ્વીચ બોર્ડ પાસે પહોંચ્યો અને વળતી જ પળે રૂમમાં અંધકાર પથરાઈ ગયો. કદાચ એણે મેઇન સ્વીચ બંધ કરી દીધી હતી.'

'ત્યારબાદ?' જવાબ આપતા પહેલા દક્ષાએ એક ઊંડો શ્વાસ લીધો.

'ત્યારબાદ જાણે કોઈક જમીન પર ઉથલી પડ્યું હોય એવો અવાજ થયો. થોડીવાર પછી જ્યારે લાઈટ ચાલુ થઈ ત્યારે અમે જોયું તો એ માણસ જમીન પર બેભાન હાલતમાં પડ્યો હતો. પછી રિવોલ્વર કબજે કરીને એ નકાબ પોશ મને એક ખૂણામાં લઈ ગયો અને ખૂબ જ ધીમા અવાજ કહ્યું,

'તારું કામ પૂરું થઈ ગયું છે. તું તારા શિકારને લઈને તાબડતોબ અહીંથી રવાના થઈ જા. આનાથી પીછો છોડાવ્યા પછી ફેસ માસ્કનો નાશ કરી નાખજે. તારી બાકીની રકમ તને આજે જ મળી જ.'શે ત્યાંથી નીકળતી વખતે કૈલાશ એકદમ હેબતાયેલો હતો. એની આંખો કહેતી હતી કે તે મારાથી પણ ગભરાતો હતો. એટલે મારે તેનાથી પીછો છોડાવવાની જરૂર જ ન પડી. એ પોતે જ સામેથી મારો પીછો છોડાવીને વંજો માપી ગયો. ત્યારબાદ કેટલાય દિવસો સુધી રાહ જોયા પછી પણ એ નકાબ પોશ ન આવ્યો ત્યારે હું સમજી ગઈ કે કાં તો તે ક્યાંક ફસાઈ ગયો છે અથવા તો તે મને મૂરખ બનાવીને ચાલ્યો ગયો છે. થોડા દિવસો પછી આ બનાવને ભૂલીને મેં ફરીથી મારું જૂનો ધંધો શરૂ કરી દીધો. અલબત્ત, નકાબ પોશની એક મુલાકાતથી મને એક લાભ જરૂર થયો હતો.'

'શું?'

'એણે આપેલા ફેસ માસ્ક દ્વારા હવે હું બે ચહેરા સાથે લોકોને મૂરખ બનાવતી હતી. ગઈકાલે થ્રી સ્ટાર હોટલમાં પણ હું ફેસ માસ્ક પહેરીને જ ગઈ હતી. ત્યાં હું અગાઉ કેટલાય લોકોને મારા અસલી ચહેરા સાથે મૂરખ બનાવી ચૂકી હોવાને કારણે જ મારે ફેસમાસ્ક પહેરીને ત્યાં જવું પડ્યું હતું. જો મારો શિકાર બને ચૂકેલો કોઈ માણસ ત્યાં હાજર હોય તો પણ આ ફેસ માસ્કને કારણે તે મને ન ઓળખી શકે.'

'બસ.. હવે બીજું કંઈ કહેવાનું બાકી છે?'

'જી ના..'

'અમરજી..' સહસા નાગપાલ આદેશાત્મક અવાજે બોલ્યો.

'યસ સર..' અમરજીએ તત્પર અવાજે કહ્યું.

'આને હથકડી પહેરાવી દે.'

'સ...સાહેબ..' દક્ષા હેબતાઈને બોલી ઉઠી. 'મેં આ બધું કોઈકના કહેવાથી કર્યું હતું એ જાણ્યા પછી પણ આપ મારી ધરપકડ કરવા માંગો છો?'

'સાંભળ..' તારી ધરપકડ થાય એમાં જ તારું હિત છે.' વાત પૂરી કરીને નાગપાલ દરવાજા તરફ આગળ વધી ગયો. તેના ચહેરા પર ગહન વિચારના હાવ ભાવ છવાયેલા હતા.

***********

સુધાએ પારાવાર ક્રોધથી અખબારમાં છપાયેલ દક્ષાની ધરપકડના સમાચાર તથા તેની જુબાની વાંચીને જાણે પોતાના હાથમાં અખબાર નહીં પણ ગીતાની ગરદન હોય એ રીતે તેને મસળીને એક તરફ ફેંક્યું.

'ના આ ખોટું છે.' એ ક્રોધથી તમતમતા અવાજે બોલી. 'આ બધું એ ઝહેરીલી નાગણનું ષડયંત્ર છે. પોતાનો ભાંડો ફૂટી જતો જોઈને એણે આપણને તથા પોલીસને અવળે માર્ગે દોરવા માટે આ ચાલબાજી રમી છે.' એની બાજુમાં બેઠેલા કાલિદાસ તથા અમિતના ચહેરા પર આશ્ચર્યના હાવભાવ છવાયેલા હતા. અમિત કોઈક ઉંડા વિચારમાં ડૂબી ગયો.

'સુધા..' થોડી પળો સુધી વિચાર્યા બાદ એણે માથું ઊંચું કરતા કહ્યું. સુધાએ પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

'દક્ષાની જુબાની ખોટી છે અને આની પાછળ ગીતાની જ કોઈ ચાલબાજી છે એવું તું કયા આધારે કહે છે?'

'એના સિવાય આટલો મોટો બખેડો ઊભું કરવાની કોને જરૂર હતી? આપણે તેને જોઈ લીધી હતી એટલે તે હેબતાઈ જાય એ સ્વાભાવિક જ છે.'

'હા તો?'

'તો શું પોતે જીવતી છે એ ભેદ છુપાવી રાખવા માટે એને પોતાના ચહેરાનો ફેસ માસ્ક બનાવી દક્ષા નામની આ યુવતીને આપીને તેને બધું નાટક સમજાવી દીધું હશે.'

'ના સુધા.. તારી માન્યતા બિલકુલ ખોટી છે. એ હું દાવા સાથે કહું છું.' અમિત મક્કમ અવાજે બોલ્યો.

'કેવી રીતે?'

'ઘડીભર માટે આપણે માની લઈએ કે આપણને જોઈને નાસી છુટનારી યુવતી ગીતા પોતે જ હતી. તો આનો અર્થ એ થયો કે તેની મુલાકાત આપણી સાથે થઈ જશે એ વાત માટે તો તૈયાર નહોતી. ખરું ને?'

સુધાની સાથે સાથે કાલિદાસે પણ સહમતિ સુચક ઢબે માથું હલાવ્યું.

'હવે તું પોતે જ વિચારી લે કે તેને એ વખતે ફેસ માસ્કની જરૂર નહોતી તેમ પોતાના જીવતા હોવાનો ભાંડો ફૂટી જશે એવો ભય પણ નહોતો.'

'એટલે તું કહેવા શું માંગે છે?' સુધાએ વ્યાકુળ અવાજે પૂછ્યું.

'એ જ કે રાતોરાત ફેસમાસ્ક બની જ ન શકે.' 'કેમ?'

'એટલા માટે કે ફેસમાસ્ક બનાવનાર પણ આપણી જેમ માણસ જ હોય છે. કોઈ માણસના ચહેરાનો તાબડતોબ ફેસ માસ્ક બની જાય એવું કોઈ મશીન હજુ સુધી વિજ્ઞાને નથી શોધ્યું. એના કારીગરને એક ફેસ માસ્ક બનાવવા માટે કેટલા દિવસો કે મહિનાઓ પણ લાગી જાય છે. કારીગરે જે ચહેરાનો ફેસ માસ્ક બનાવવાનો હોય છે એનું પહેલા તો રેખાચિત્ર તૈયાર કરીને તેની ડાઈ બનાવે છે. ત્યારબાદ નરમ રબરના પડ પર ચહેરાનો આબેહૂબ ઘાટ બનાવવામાં પણ તેને સમય લાગે છે. ફેસ માસ્ક બનાવ્યા પછી તેને કોઈ મૂર્તિ કે ચહેરા પર લગાવીને અસલી ચહેરા સાથે સરખાવીને કોઈ ખામી તો નથી રહી જતી ને? એને ચકાસણી કરવામાં આવે છે. જો કોઈ ખામી હોય તો તેને દૂર કરીને પુનઃ ચકાસણી કરવામાં આવે છે. આ રીતે બધી પ્રક્રિયાઓ પૂરી કર્યા પછી જ ફેસ માસ્ક અસલી ચહેરા જેવો દેખાય છે. એટલે જ હું દાવા સાથે કહું છું કે ગીતા આટલી જલ્દી ફેસ માસ્ક બનાવી શકે તેમ નહોતી.'

'ઓહ તો ગીતા જીવતી નથી એમ તું કહેવા માંગે છે?' સુધાએ ચમકીને પૂછ્યું.

'જ્યાં સુધી દક્ષાની જુબાની મુજબ ખરેખર જ કોઈ નકાબ પોશનું અસ્તિત્વ છે કે નહીં તેની પૂરી ખાતરી ન થઈ જાય ત્યાં સુધી હું આવો કોઈ દાવો કરી શકું તેમ નથી. કારણકે આવા કોઈ સંજોગો ઉભા થશે અર્થાત પોતાના જીવતા હોવાનો ભાંડો ફૂટી જશે તો પોતાના બચાવ ખાતર ગીતા અગાઉથી જ ફેસ માસ્ક બનાવડાવી દીધો હોય એ પણ બનવા જોગ છે. પરંતુ તો પછી સવાલ એ ઉભો થાય છે કે એને આવું કરવાનું શું જરૂર હતી? ઘડીક વાર માટે આપણે માની લઈએ કે પોતાના પ્રેમી પાસે જવાના હેતુથી એણે રાકેશ વિરુદ્ધ આટલું મોટું ષડયંત્ર રચ્યું હતું. તો પણ આવું ષડયંત્ર રચવાની એને શું જરૂર હતી, તે મને નથી સમજાતું. ને રાકેશથી પીછો જ છોડાવવો હોય તો એ તેની સાથે છૂટાછેડા પણ લઈ શકે તેમ હતી. આમ જોવા જઈએ તો એનો કોઈ પ્રેમી હોવાની વાત માત્ર એક શક્યતા જ છે કારણ કે રાકેશે ગીતા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા એ તો આપણે જાણીએ જ છીએ. જો ગીતાએ પોતાના કુટુંબીજનોના દબાણને કારણે લગ્ન કર્યા હોય તો જ અગાઉ તેને કોઈ સાથે પ્રેમ સંબંધ હોવાની શક્યતા રહે છે. એટલે આ ષડયંત્ર પાછળ કોઈક બીજા જ માણસનું ભેજું કામ કરે છે એમ હું માનું છું.'

'પછી તારી પાસે મારી એ વાતનો જવાબ છે કે ગીતા સિવાય રાકેશનું એવું તે કોણ દુશ્મન હતું કે જેણે આવું ષડયંત્ર રચીને તેને ફાંસીના માંચડે પહોંચાડી દીધો?'

'તારા આ સવાલનો જવાબ તો અંકલ જ આપી શકે તેમ છે.' અમિતે કાલિદાસ સામે જોતાં કહ્યું.

'હું? હું વળી શું જવાબ આપી શકું તેમ છું?' કાલિદાસે થોથવાતા અવાજે પૂછ્યું.

'એ જ કે આવું ષડયંત્ર રચૈ એવો તમારો કયો દુશ્મન છે?'

'મેં કહ્યું તો ખરા..' કાલિદાસ પોતાનો ગભરાટ છુપાવતા બોલ્યો. 'કે મારો એવો કોઈ દુશ્મન નથી.'

'જુઓ અંકલ..' અમિતે તેની આંખોમાં પોતાની આંખો પરોવતા કહ્યું. 'અજ્ઞાત મદદગારના રૂપમાં આપણને ડગલે અને પગલે હરાવનાર શખ્સ પર મને પહેલાંથી જ શંકા હતી. તે કોઈ બ્લેકમેલર નહીં પણ તમને ભયભીત કરીને ગીતાના ખૂનના આરોપમાં રાકેશને ફાંસીના માંચડે પહોંચાડી દેવાની ઈચ્છા ધરાવતો તમારો કોઈ દુશ્મન હોય એ બનવા જોગ છે. મેં એ વખતે પણ આવા કોઈ દુશ્મન હોવાની શક્યાતા દર્શાવી હતી, ત્યારે તમે જાણી જોઈને જ મારા સવાલનો જવાબ આપવાનો ટાળી દીધું હતું. એટલે મારી માન્યતા મુજબ આ દુશ્મન અને દુશ્મનાવટ વિશે જાણ્યા પછી હું તમારે વિશે ખોટા વિચારો કરવા લાગીશ એ કારણસર તમે કદાચ મને નથી જણાવવા માંગતા. પરંતુ અંકલ આમ વિચારતી વખતે તમે શા માટે ભૂલી જાવ છો કે હું તમારો ભાવિ જમાઈ છું. એ નાતે તમે મારા પિતા સમાન છો. પરંતુ અફસોસ કે તમને મારા પર ભરોસો નથી. જો તમે મને બધું સ્પષ્ટ જણાવી દીધું હોત તો તમારા દુશ્મન વિશે જાણ્યા પછી હું તે ઉઘાડો પણ પડી જાત અને રાકેશને પણ બચાવી શકાત એવો કોઈક વ્યૂહ ઘડી કાઢત. હજુ પણ તમે એના વિશે જાણવી દેશો તો હું તમને વચન આપું છું કે ટૂંક સમયમાં જ એ કાયદાની ચુંગાલમાં જકડાઈ જશે.'

'ઓહ..' કાલિદાસ કપાળ કૂટીને ધૂંધવાતા અવાજે બોલ્યો. 'મેં એક વખત કહી દીધું કે મારે કોઈની સાથે આ જાતની દુશ્મનાવટ નથી તો પછી તું વારંવાર એક જ વાત લઈને શા માટે બેઠો છે એ મને નથી સમજાતું.'

જવાબમાં અમિત વિચિત્ર નજરે કાલિદાસ સામે જોઈને એના ચહેરા પર છવાયેલા હાવભાવનું અવલોકન કરતો રહ્યો.

પરંતુ કાલિદાસ એની નજરનો સામનો ન કરી શક્યો.

'મારા પર ભરોસો રાખ દીકરા..' એ નીચું જોઈ જતા વ્યાકુળ અવાજે બોલ્યો. 'અમે કોઈની સાથે એવું કશું નથી કર્યું કે જેના કારણે તે આ રીતે અમારી સાથે વેર લેવા પર ઉતરી આવે. રઘુએ પણ અમારા પર જે આરોપ મૂક્યો હતો તે માત્ર અમને અપમાનિત કરવાના હેતુથી જ મૂક્યો હતો. જ્યારે એની વૃદ્ધાવસ્થાથી કંટાળીને તેને જુવાન પત્ની ઘર છોડીને ચાલી ગઈ હતી. ત્યારે એને શોધવાની વિનંતી કરવા માટે એ મારી પાસે આવ્યો હતો. એ વખતે અમે રઘુને સમજાવ્યું હતું કે હવે ગાયત્રીને શોધવાથી કંઈ લાભ નહીં થાય. કારણ કે એ પોતાની મરજીથી ઘર છોડીને ગઈ હતી. એટલે જો કદાચ આપણે પોલીસની મદદથી ગાયત્રીને શોધી કાઢીશું તો પણ એ તેની સાથે રહેવા માટે તૈયાર નહીં થાય. અને પુખ્ત વયની હોવાને કારણે એ તેને બળજબરીથી પોતાની સાથે રહેવા માટે લાચાર પણ કરી શકે તેમ નથી. એ વખતે તો રઘુ કશું બોલ્યો ન હતો પરંતુ એક દિવસ તે કોઈને કશું જણાવ્યા વગર ચૂપચાપ નોકરી છોડીને ચાલ્યો ગયો હતો. કદાચ મારી સમજાવટની તેના પર અવળી અસર થઈ હતી. એની પત્નીને ભગાડવા પાછળ મારો હાથ છે એટલે હું તેને શોધવા નથી માંગતો એમ કદાચ એ માની બેઠો હતો.'

'ખેર..' અમિત એક ઊંડો શ્વાસ લેતા બોલ્યો. 'આવું ભયંકર ષડયંત્ર રચવું એ રઘુ જેવા ગમાર માણસની હેસિયત બહારની વાત છે. કોઈક તીવ્ર બુદ્ધિશાળી અને શિયાળ જેવા ચાલક માણસે જ આ ષડયંત્ર રચ્યું છે.'

'હું ફરીથી મારી વાતનું પુનરાવર્તન કરું છું.' સુધાએ ઉત્સાહભર્યા અવાજે કહ્યું.

'કઈ વાતનું?'

'એ જ કે આ બધું કરતૂત ગીતાનું જ છે.' સુધા પૂર્વવત અવાજે બોલી. 'એની સાથે વિતાવેલા દિવસો દરમિયાન હું સ્પષ્ટ રીતે જોઈ શકી હતી કે તેને બુદ્ધિ ખૂબ જ સતેજ હતી. આવું ષડયંત્ર રચનાર ગીતા સિવાય બીજું કોઈ જ ન હોઈ શકે. એ કદાચ એક કાંકરે બે પંખી મારવા માગતી હતી. પહેલું, તે રાકેશને ફાંસીના માંચડે પહોંચાડી ચૂકી છે. બીજું, પૈસા મેળવવા માટે હવે એ એમ પુરવાર કરવાનો પ્રયાસ કરશે કે આ ષડયંત્ર પાછળ કોઈ બીજાનો જ હાથ હતો. હવે તે પોલીસ તથા આપણને એવી ખાતરી થઈ જાય કે કોઈકે તેને કેદ કરી રાખી હતી એ રીતે બહાર આવશે. પરંતુ એ ઝેરીલી નાગણની વાત પર ભરોસો કરવો તો એક તરફ રહ્યો હું એને જોતાવેંત જ ગોળી ઝીંકી દઈશ. પછી ભલે મારે ફાંસીએ લટકી જવું પડે.'

આ વખતે કોઈ કંઈ ન બોલ્યું. બોલે પણ કોણ? અમિત તથા કાલિદાસ ઉંડા વિચારમાં ડૂબી ગયા હતા. સુધા ચૂપચાપ તેમની સામે તાકી રહી.