Badlo - 7 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | બદલો - ભાગ 7

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

બદલો - ભાગ 7

૭. ધમકી

અમિત તથા સુધા અત્યારે થ્રી સ્ટાર હોટલના એક રૂમમાં બેઠા હતા. સુધાના ચહેરા પર ભય અને ગભરાટના હાવભવ છવાયેલા હતા.

'અ.. અમિત મને ખૂબ જ ડર લાગે છે.'

'કેમ?' અમિતે તેની પીઠ પર હાથ ફેરવતા પૂછ્યું. 'કઈ વાતનો ડર? તે જોયું નહીં? નાગપાલ જેવો નાગપાલ પણ મારી ચાલમાં ફસાઈને કેવો ફસાઈ ગયો છે?'

'ના અમિત.. પોલીસ ભલે કશું ન સમજી શકી હોય પરંતુ તું એ માણસને શા માટે ભૂલી જાય છે કે જેણે આપણા મગજનો કબજો લઈ લીધો છે. હવે તો મને પૂરી ખાતરી થઈ ગઈ છે કે એ માણસ જરૂર અમારો કોઈક દુશ્મન છે અને અમને ભયભીત કરીને મારી નાખવા માંગે છે.'

'પરંતુ અંકલ તો એમ કહેતા હતા કે તેમનો આવો કોઈ દુશ્મન નથી. તો પછી તું નાહક જ શા માટે ગભરાય છે? કોઈ વગર કારણે કંઈ કોઈની સાથે દુશ્મનાવટ નથી રાખતું.'

'એ જ તો મને નથી સમજાતું. જો અમારો આવો કોઈ દુશ્મન હોય તો પણ ડેડી અને રાકેશ કહેતા શા માટે નથી? પેલો મદદગાર અમારો દુશ્મન છે કે નહીં એ બાબતમાં તો હું ખાતરીપૂર્વક કશું કહી શકું તેમ નથી. પરંતુ એટલું તો ચોક્કસ જ કહીશ કે ડેડી તથા રાકેશ જરૂર કોઈક વાત છુપાવે છે.'

'હા..' અમિત સહમતિ સૂચક ઢબે માથું ધુણાવતા બોલ્યો. 'જ્યારે મેં એ મદદગારને દુશ્મન કહીને સંબોધ્યો હતો ત્યારે મને પણ કંઈક એવું જ લાગ્યું હતું.'

'હવે તું પોતે જ વિચાર.' સુધા આવેશભર્યા અવાજે બોલી. 'જો આવી કોઈ વાત નહોતી તો પછી ડેડી તથા રાકેશે તારી વાતનો તીવ્ર વિરોધ શા માટે ન કર્યો? કોઈ પણ માણસ પોતાના પર મૂકવામાં આવેલો ખોટો આરોપ હરગીઝ સહન નથી કરી શકતો.'

'પરંતુ મેં આરોપ ક્યાં મૂક્યો હતો? મેં તો માત્ર એક શક્યતા જ વ્યક્ત કરી હતી. અને દરેક શક્યતા સાચી જ નીકળે એ કંઈ જરૂરી નથી.'

'જરૂરી નથી એ વાત હું કબુલ કરું છું.'

'તો પછી?'

'પરંતુ કોઈક દુશ્મન હોવાની શક્યતા વ્યક્ત કર્યા પછી રાકેશનું ચુપ રહેવું અને ડેડીના ગોળ ગોળ જવાબથી પુરવાર નથી થતું કે આ વાત સાચી છે? ઉપરાંત એ મદદગાર આપણી સાથે ઉંદર બિલાડીની જે રમત રમે છે એને ધ્યાનમાં રાખીને તું પોતે જ વિચાર કે આવું નાટક કરીને સામા માણસને ભયભીત કરવાની કોઈ બ્લેક મેલરને વળી શું જરૂર હોય? એને તો માત્ર શિકાર પાસેથી મળનારા પૈસા સાથે જ નિસ્બત હોવી જોઈએ.'

'તારી વાત કદાચ સાચી હોય એ બનવા જોગ છે. પરંતુ જ્યાં સુધી બ્લેકમેલરની માગણી સામે ન આવે ત્યાં સુધી કઈ શક્યતાને સાચી માનવી ને કઈ શક્યતાને ખોટી એ નક્કી કરી શકાય તેમ નથી. આપણી સામે સૌથી મોટી મુશ્કેલી રાકેશને બચાવવાની હતી અને આ મુશ્કેલી દૂર કરવામાં આપણને સફળતા મળી ગઈ છે. રહી વાત મદદગારની. તો એનો સામનો કરવા માટે પણ કોઈકને કોઈક યોજના બનાવવી પડશે.

'તો શું, એ આ રીતે ભયભીત કરીને અમારા પ્રાણ હરી લે ત્યારે તું યોજના બનાવીશ?'

'ના.'

'તો?'

'પહેલા તેને પોતાની માંગણી તો રજૂ કરવા દે.' સુધાના ખૂબસૂરત ચહેરા સામે તાકી રહીને તેને આશ્વાસન આપતા અમિતે કહ્યું. 'જ્યાં સુધી તે પોતાના તરફથી કોઈ પગલું નહીં ભરે ત્યાં સુધી એ કોણ છે એની આપણને કેવી રીતે ખબર પડશે? અને જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી કયા આધારે યોજના બનાવવી? યોજના બનાવવા માટે કોઈક આધાર તો હોવો જોઈએ ને! એની પહેલી ચાલ વિશે તો આપણે જાણી જ ચૂક્યા છીએ કે તે જાતજાતની તિકડામો ભીડાવીને આપણને વધુમાં વધુ ગભરાવવાનો પ્રયાસ કરે છે. આ બધું જાણતી ને સમજતી હોવા છતાં પણ તું એ નાલાયકની ચાલબાજીમાં ફસાય છે!'

'પ.. પણ અમિત...'

'ના.. હવે હું તારી કોઈ વાત નહીં સાંભળું. હાલતુરત તો આપણે જે હેતુસર અહીં આવ્યા છીએ તે પૂરો થઈ જવા દે.' કહીને અમિતે તેને પોતાના આલિંગનમાં જકડી લીધી. સુધાએ તેનો વિરોધ કર્યો. પરંતુ આ વિરોધ એટલો કમજોર હતો કે એ તો તે પોતે જ જાણતી હતી.

**********

નાગપાલને આમ તો કોઈ પણ કેસને તપાસ કરવાની સરકાર તરફથી ખાસ પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાંય તેણે ડી.એસ.પી. વિક્રમસિંહ સાથે ઔપચારિકતા ખાતર વાત કરીને તેની મંજૂરી મેળવી લીધી હતી. ગુનેગારની ચાલાકી જોઈને આ કેસમાં તેને ખૂબ જ રસ પડ્યો હતો. ઉપરાંત હાલમાં તે વિશાળગઢમાં એકલો જ હતો. શાંતા, દિલીપ, સમ્ફિયા વગેરે મુંબઈ ગયા હતા. અત્યારે તે પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્પેશ્યલ ઓફિસર માટે ફાળવવામાં આવેલા રૂમમાં બેઠો હતો. એના મોંમાં પાઇપ દબાયેલી હતી, જેમાંથી તે ક્યારેક ક્યારેક ખેંચી લેતો હતો. નાગપાલની સામે બેઠેલો અમરજી અવિશ્વાસ ભરી નજરે તેની સામે તાકી રહ્યો હતો.

'નાગપાલ સાહેબ.. એક વાત મને નથી સમજાતી.' સહસા તે વ્યાકુળ અવાજે બોલ્યો. 'બોલ..' નાગપાલે મોંમાંથી પાઇપ કાઢીને ટેબલ પર મુકતા કહ્યું.

'આટલા બધા પુરાવાઓ મળ્યા હોવા છતાં આપે તેમને શા માટે છોડી દીધા એ મને નથી સમજાતું.'

'અમરજી..' નાગપાલ સ્મિત ફરકાવતા બોલ્યો. 'અત્યાર સુધીમાં આપણને જે પુરાવા મળ્યા છે તેમને પુરાવા સમજવા નરી મૂર્ખાઈ જ છે. જો આ પુરાવાઓના આધારે આપણે તેમને પકડીને કોર્ટમાં રજૂ કરી દેશું તો શું થશે એની તને ખબર છે? તેઓ શંકાનો લાભ લઈને સહેલાઈથી છૂટી જશે. અને આ વાત મારાથી સહન નહીં થાય. આજ સુધીમાં મેં જે જે ગુનેગારોને પકડ્યા છે તેમાંથી કોઈ જ આ રીતે શંકાનો લાભ મેળવીને નથી છૂટી શક્યું. જ્યાં સુધી મેં જે પુરાવાઓ મેળવ્યા છે તેને બાહોશમાં બાહોશ વકીલ પણ ખોટા પુરવાર કરી શકે તેમ નથી એ વાતને મને પૂરી ખાતરી ન થઈ જાય ત્યાં સુધી હું કોઈ ગુનેગારની ગરદન પર પંજો ઉગામવાની મૂર્ખાઈ નથી કરતો.'

'પરંતુ નાગપાલ સાહેબ.. ગીતાનું ઝાંઝર તેના રૂમમાંથી મળ્યું છે શું આના પરથી જ પુરવાર નથી થઈ જતું કે ખૂન એ લોકોમાંથી જ કોઈકે કર્યું છે?'

'અમરજી, આ કોઈ એવો પુરાવો નથી કે જેને તોડી ન શકાય. આ પુરાવાનો તો શિખાઉ વકીલ પણ છોતરા ઉડાવી દેશે. અલબત્ત જો એ લોકો પાસેથી બાકીના ઘરેણાઓ પણ મળી આવે તો આ પુરાવો જરૂર મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. પરંતુ એના કરતાંય એક બીજો સવાલ વધું અગત્યનો છે.'

'શું?'

'ગીતાના એક પગનું ઝાંઝર આપણને જે સંજોગોમાં મળ્યું છે એનો શું અર્થ થાય છે?'

'આનો તો એક જ અર્થ કાઢી શકાય તેમ છે.' નાગપાલ જેવા માણસના મોંએથી આવો મામુલી સવાલ સાંભળીને અમરજી મનોમન આશ્ચર્ય અનુભવતા બોલ્યો. 'અને તે એ કે ગીતાનું ખુન કરતી વખતે અથવા તો મૃતદેહને ત્યાંથી ખસેડતી વખતે આ ઝાંઝર ટેબલ અથવા તો બીજી કોઈ વસ્તુ સાથે અથડાઈને ત્યાં જ પડી ગયું હશે.'

'એમ?'

'હા..'

'તો એક વાતનો જવાબ આપ.'

'શું?'

'જો ખરેખર તે કહ્યું એમ જ બન્યું હોય તો પછી શું ઝાંઝર આપમેળે જ સરકીને ટેબલના પાયા નીચે પહોંચી ગયું હતું?'

'એટલે?'

'એટલે એમ કે આ ઝાંઝર ત્યાં પડ્યું નહોતું, પણ એને જાણી જોઈને જ મૂકવામાં આવ્યું હતું.' નાગપાલ એક એક શબ્દ પર ભાર મુકતા બોલ્યો.

'મૂકવામાં આવ્યું હતું? પરંતુ આવું કોણ કરે?' અમરજીએ આશ્ચર્ય સહ પૂછ્યું. જવાબ આપતા પહેલા નાગપાલે બુઝાઈ ગયેલી પાઇપ પેટાવીને ઉપરાઉપરી ત્રણ ચાર કસ ખેંચ્યા. પછી સંતોષથી માથું હલાવીને એ બોલ્યો.

'આ સવાલ મને પણ ખૂબ જ મૂંઝવે છે. ટેબલના ખાનામાંથી મળેલા પ્રાઇવેટ ડિટેક્ટિવ શ્રીકાંતનો રિપોર્ટ વાંચ્યા પછી હું એટલું તો જરૂર સમજી ગયો છું કે ગીતા ચારિત્રહીન છે. એ વાત જાણ્યા પછી ક્રોધાવેશમાં આવી જઈને રાકેશે તેને ગોળી ઝીંકી દીધી હશે. રાકેશ જ ખુની છે એ તો હું તેનો ચહેરો જોતા જ સમજી ગયો હતો. અને તારી જાણ માટે એક બીજી વાત પણ સાંભળી લે કે કાલિદાસ, સુધા અને અમિત તેને બચાવવાના પ્રયાસો કરે છે. પરંતુ તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માંગતો માણસ કોણ છે એ મને નથી સમજાતું. એટલા માટે મારે આમ કહેવું પડે છે. ઝાંઝર બે જ સંજોગોમાં ટેબલના પાયા નીચે દબાઈ શકે તેમ છે. કાં તો ટેબલને બીજા સ્થાનેથી ઊંચકીને ભૂલથી ત્યાં પડેલા ઝાંઝર મૂકી દેવામાં આવ્યું હશે અથવા તો પછી કોઈકે જાણી જોઈને સહેલાઈથી કોઈને ન દેખાય એ રીતે ઝાંઝરને ટેબલના પાયા નીચે મૂકી દીધું હશે. આ રીતે મુકનારે પોલીસની નજરથી છૂપું ન રહી શકે એટલા ખાતર જાણી જોઈને ઝાંઝરમાં થોડો ભાગ બહાર દેખાય એ રીતે તેને મૂક્યું હતું. આ સંજોગોમાં ઘડીભર માટે આપણે એમ માનીને આગળ વધીએ કે આ ખૂનની ખબર કોઈ એવા માણસને પણ છે કે જે તેમને ફસાવવા માંગે છે. તો પછી એ બીજો માણસ કોણ છે કે જે તેમની સામે આવ્યા વગર જ તેમને બચાવવા માંગે છે?'

'બ..બીજો માણસ?' અમરજીનું દિમાગ ચકરાવે ચડી ગયું.

'હા, બીજો માણસ. આવું હું એટલા માટે કહું છું કારણ કે ગુલાબના કુંડામાં કંઈક છૂપાવ્યુ હોવાના ચિહ્નો મોજૂદ હોવા છતાં પણ એમાંથી કશું જ નહોતું મળ્યું.'

'આપે એ કુંડામાં એવું તે શું જોયું હતું કે જેના કારણે એમાં કંઈક છુપાવવામાં આવ્યું છેએમ આપને લાગ્યું હતું?'

'અમરજી..' નાગપાલે પાઇપમાંથી એક ઊંડો કસ ખેંચીને કહ્યું. 'એટલું તો તું પણ સમજતો હોઈશ કે જો કોઈ માણસને પોતાની કોઈક વસ્તુ છુપાવવી હોય તો છુપાવવા માટે સહેલાઈથી કોઈનું ધ્યાન ન જાય એવું સ્થળ પસંદ કરે છે. આ કારણસર પહેલા તો મેં કાલિદાસના બંગલામાં જે સ્થાનેથી કશુંય મળવાની આશા નહોતી એવા જ સ્થાનોમાં તપાસ કરી. સામાન્ય રીતે જો કોઈને કંઈ છુપાવવું હોય તો એને તે જમીનમાં દાટવાનું જ વધું સલામતી ભર્યું સમજે છે. બંગલાની અંદર મને મારી ઈચ્છિત વસ્તુ ન મળી એટલે અનાયાસે જ મારૂં ધ્યાન બંગલાના પાછળના ભાગમાં આવેલા બગીચા પર ગયું. ત્યાં પહોંચીને મેં સૌથી પહેલા તાજેતરમાં જ ખોદવામાં આવ્યું હોય એવા કોઈક સ્થાનની શોધ કરી. પરંતુ બગીચામાં આવું કોઈ સ્થાન ન દેખાતા છેવટે મારી નજર કુંડાઓ પર પડી. એક કુંડાની માટી મને બીજા કુંડાઓ કરતાં ઘણી અલગ લાગી. આ અલગતા એટલા માટે હતી કારણ કે એ કુંડામાંથી તાજેતરમાં જ માટીને બહાર કાઢીને તેને પુનઃ અંદર ભરવામાં આવી હતી. આ વાત હું આટલા દાવાથી એટલા માટે કહું છું કે માણસ કુંડામાંથી એક વખત બહાર કાઢીને પુનઃ અંદર ભરેલી માટેને ભલે ગમે તેટલી દબાવીને તેને કઠોર બનાવવાનો પ્રયાસ કરે તો પણ એ માટે પાણી સુકાઈ જવાથી અને સૂરજના તાપને કારણે કઠોર બનેલી માટીથી જુદી જ તરી આવે છે. ઉપરાંત મેં જ્યારે કુંડુ ઊંધું વાળ્યું ત્યારે જે રીતે કાલિદાસ તથા અમિતના ચહેરાના રંગ ઉડી ગયા હતા તે જોતા એ કુંડામાં જરૂર કંઈક છૂપાવવામાં આવ્યું હતું એમાં શંકાને કોઈ સ્થાન નહોતું રહેતું.

'તો પછી આપણને કુંડામાંથી કશું મળ્યું કેમ નહીં?' સવાલ પૂછતી વખતે અમરજીને પોતાનું માથું છત પર ફૂલ સ્પીડે ચાલતાં પંખાની જેમ ફરતુ લાગતું હતું.

'આનું કારણ માત્ર એક જ હોઈ શકે છે.'

'શું?'

'એ જ કે ગીતાના ખૂનનો કોઈક નજરે જોયાનો સાક્ષી છે અને તે આ પરિસ્થિતિનો લાભ લઈને કાલિદાસ વિગેરેને બ્લેકમેલ કરવા માંગે છે. આ માણસ જે કોઈ હોય તે પરંતુ એ ખૂબ ચાલાક અને બુદ્ધિશાળી છે. એની ચાલાકીનું અનુમાન આપણે એક વાત પરથી કરી શકીએ તેમ છીએ કે કાલિદાસ કોઈક વસ્તુ છુપાવવા માટે જે સ્થળને સૌથી વધુ સલામત સમજતો હતો એ સ્થળ સુધી સહેલાઈથી પોલીસ પહોંચી શકે તેમ છે એની તેને ખબર હતી. અને પોતાનો શિકાર પોલીસની ચુંગાલમાં ફસાઈ એવું તો કોઈ બ્લેકમેલર હરગીઝ ન જ ઇચ્છે. જો શિકાર ફસાઈ જાય તો પછી એ કોને બ્લેકમેલ કરે? એટલે તક જોઈને એણે કુંડામાં છૂપાવેલી વસ્તુ કાઢીને પોતાના કબજામાં લઈ લીધી. જો આ વસ્તુ રિવોલ્વર કે ગીતાના ઘરેણા અથવા બંને હોય તો પછી એ જિંદગીભર કાલિદાસને બ્લેકમેલ કરી શકે તેમ છે. મારી વાત સમજે છે ને તું?' કહીને અભિપ્રાય જાણવાના હેતુથી નાગપાલે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

'હા..' અમરજીએ હકારમાં માથું હલાવતા કહ્યું. પછી મૂંઝવણ કર્યા અવાજે બોલ્યો. 'પરંતુ આનો અર્થ તો એ થયો કે ઝાંઝરને ટેબલ નીચે આ બ્લેકમેલરે નહીં પણ કોઈક બીજા જ માણસને મૂક્યું હતું.'

'પહેલા હું પણ એમ જ માનતો હતો પરંતુ હવે મને લાગે છે કે આ કામ એનું જ છે. ચાલાક હોવાને કારણે તે એ વાત બહુ સારી રીતે જાણતો હશે કે સહેજ જેટલા દેખાતા ઝાંઝર પર ગુનેગારોનું ધ્યાન હરગીઝ પડી શકે તેમ નથી. કારણકે તેઓ એ વખતે ગભરાયેલા હશે. આ કારણસર ઝાંઝર એટલામાં જ ક્યાંક પડ્યું હશે એમ માનીને તેઓ એની શોધ ચલાવશે. જો ઝાંઝર પર કોઈની નજર પડશે તો એ પોલીસને જ પડશે. એની તેને પૂરી ખાતરી હતી. એણે શા માટે પોલીસ અર્થાત આપણા મારફત ઝાંઝર કબજે કરાવ્યું એ વાત પણ હું હવે સમજી ચૂક્યો છું. આ એક માત્ર ઝાંઝરથી પોલીસ ભલે શંકા કરે પરંતુ એ આ વાતના આધારે ગુનેગારોને સજા આપી શકે તેમ નથી એ વાત તે બરાબર જાણતો ને સમજતો હતો. પોલીસ ભલે શંકા કરે પણ ગુનેગારોને ન પકડે એમ તે ઇચ્છે છે.'

'કેમ? આમ ઈચ્છવાથી તેને શું લાભ થાય તેમ છે?'

'લાભ તો બહુ મોટો થઈ શકે તેમ છે. એ લોકો કશીયે ચૂ ચા કર્યા વગર એની માંગણી પૂરી કરવા માટે લાચાર બની જશે.' કહેતા કહેતા અચાનક જ નાગપાલની મુખમુદ્રા એકદમ કઠોર બની ગઈ. પરંતુ હવે તે વધુ સમય સુધી મારી નજરથી નહીં બચી શકે. પરંતુ એની ગરદન પર પંજો ઉગામતા પહેલા તારે બે ત્રણ જરૂરી કામો કરવા પડશે.'

'બોલો નાગપાલ સાહેબ.. હું તૈયાર જ છું.' અમરજી તત્પર અવાજે બોલ્યો.

નાગપાલે તેને પાંચેક મિનિટ સુધી ધીમે ધીમે કશુંક સમજાવ્યું.

'ઓકે... હું હમણાં જ એની વ્યવસ્થા કરું છું.' કહીને અમરજી તરત જ બહાર નીકળી ગયો. નાગપાલ ધીમેથી માથું હલાવીને પાઇપના કસ ખેંચવા લાગ્યો. એના ચહેરા પર વિચારના હાવભાવ છવાઈ ગયા હતા.

*************

કાલિદાસ અત્યારે બંને હાથ પીઠ પાછળ વાળીને વ્યાકુળતાથી ડ્રોઈંગ રૂમમાં આંટા મારતો હતો. જ્યારે રાકેશ ચિંતાતુર ચહેરે સોફા પર બેઠો હતો. સહસા ટેલીફોનની ઘંટડી રણકી. કાલિદાસે આગળ વધી રીસીવર ઉંચકીને કાને મુક્યો.

'હલ્લો, કાલિદાસ સ્પીકિંગ..' એ બોલ્યો.

'હી.. હી.. હી..' જવાબમાં સામે છેડેથી બરફ જેવું ઠંડું હાસ્ય તેના કારણે અથડાયું.

'ક.. કોણ છો તમે?' કાલિદાસે થોથવાતા અવાજે પૂછ્યું. ફરીથી એવું જ હાસ્ય ગુંજ્યુ.

'ત.. તમે કોણ બોલો છો?' કાલિદાસે ચીસ જેવા અવાજે પૂછ્યું.

'ચ.. ચ.. ચ..' સામે છેડેથી બનાવટી દિલગીરી સાથે કહેવાયું. 'તમે ખૂબ જ પરેશાન હો એવું લાગે છે.'

'હું પૂછું છું કોણ છો તું?' કાલિદાસે ધૂંધવાઈને તેને એકવચનમાં સંબોધતાં પૂછ્યું.

'તમારો શુભેચ્છક અર્થાત મદદગાર.'

'ત...તું?' કાલિદાસનો ચહેરો રોષથી તમતમી ઉઠ્યો.

'તો આ કરતૂત જ પાછળ પણ તારો જ હતો એમ ને?'

'મારા કરતુતોનું મને પોતાને જ ભાન નથી હોતું. તો પછી તમે કયા કરતૂતોની વાત કરો છો, એની મને કેવી રીતે ખબર પડે?'

'જો ભાઈ.. તું જે હોય તે.. પરંતુ હવે તારો હેતુ સ્પષ્ટ કરી નાખ. મૃતદેહ ગુમ કરીને પછી વિચિત્ર ઢબે શોધાવીને જો તું એમ માનતો હો કે અમે ભયભીત થઈ જશું તો એ તારી મોટામાં મોટી ભૂલ છે. જો રિવોલ્વર અને ગીતાના ઘરેણા તારા કબજામાં ન હોત તો હું તને બતાવી દઈશ કે કોની સાથે તારો પનારો પડ્યો છે.'

ઓહ.. હવે સમજયો.' સામે છેડેથી હળવા હાસ્ય સાથે કહેવાયું. 'ગુલાબના કુંડામાંથી ઘરેણા વાળી પોટલી કાઢી લેવાના કારણે તમે મારાથી નારાજ છો ખરું ને? પરંતુ તમે જ વિચારો કે જો મેં આમ ન કર્યું હોત તો તમારી શી હાલત થાત? અને એ ઘરેણાં પોલીસના હાથમાં પહોંચવાનો અર્થ તો તમે બરાબર સમજતા જ હશો. મારે એ તમને સમજાવવું પડે તેમ નથી. અરે.. તમારે તો ઉલ્ટું મારા આ કામથી ખુશ થઈને મને શાબાશી આપવી જોઈતી હતી.'

'ઠીક છે.. ઠીક છે.. હવે આ મદદના બદલામાં અમારી પાસેથી શું ઈચ્છે છે એ પણ કહી નાખ.'

'હું ક્યારેય મદદની કિંમત નથી લેતો. અલ્બત્ત, જો વસ્તુનો સોદો કરવો હોય તો જુદી વાત છે.'

'સોદો?'

'હા..'

'તું શું કહેવા માંગે છે?'

'મારી વાતનો અર્થ તમે બરાબર સમજો છો. પણ ન સમજવાનો ડોળ કરો છો મિસ્ટર કાલિદાસ. મારી પાસે તમારી લાઇસન્સ યુક્ત રિવોલ્વર અને ઘરેણા આ બે વસ્તુઓ છે. આ બંને વસ્તુઓ પોલીસ પાસે પહોંચે એવું તો તમે કોઈ પણ ભોગે હરગીઝ નહીં ઈચ્છતા હો. જો તમારે આ બંને વસ્તુઓ પાછી જોઈતી હોય તો એની કિંમત જણાવી દઉં.'

'બોલ..'

'પંદર લાખ રૂપિયા..'

'પંદર લાખ?' કાલિદાસનો અવાજ ફાટેલા વાંસની જેમ તરડાઈ ગયો.

'હા, પંદર લાખ. તમે બરાબર જ સાંભળ્યું છે.'

'આ તું શું કહે છે? આટલા બધા પૈસા એક સાથે મારે ક્યાંથી લાવવા?'

'ક્યાંથી લાવવા એ તમારા માથાનો દુઃખાવો છે.'

'ના, હું આટલા પૈસા આપી શકું તેમ નથી.'

'એમ?'

'હા, ખરેખર આપી શકો તેમ નથી?'

'ના..'

'ઠીક છે, તો તમે પણ કાન ખોલીને સાંભળી લો.' સહસા સામે છેડેથી આવતો અવાજ એકદમ કઠોર બની ગયો. જો 10 દિવસમાં મને 15 લાખ રૂપિયા નહીં મળે તો હું આ બંને વસ્તુઓ બિલકુલ મફતમાં એક પૈસો લીધા વગર આપી દઈશ.'

'ક.. કોને?'

'પોલીસને બીજા કોને? 15 લાખ ન મળે તો આ બંને વસ્તુ મફતમાં આપી શકાય એવું પોલીસ સિવાય બીજું કોઈ યોગ્ય પાત્ર મને નથી દેખાતું. પોલીસ આ બંને વસ્તુનો જરૂર સદુપયોગ કરશે એની મને પૂરી ખાતરી છે.' સામે છેડેથી આવતા અવાજમાં કટાક્ષની સાથે સાથે ધમકી પણ હતી.

'ન.. ના.. ત.. તું.. એવું કરીશ નહીં.' કાલિદાસ હેબતાઈને બોલી ઉઠ્યો.

'જો મને પંદર લાખ મળી જશે તો હું એવું નહીં કરું. પોલીસ કંઈ મારી સગી નથી થતી કે પૈસા મળતા હોય તો પણ હું તેમને મફતમાં બંને વસ્તુઓ સોંપી દઉં. જો પૈસા ન મળે તો જ મારે બળતું ઘર કૃષ્ણાર્પણની જેમ એ બંને વસ્તુઓ તેને આપી દેવાની છે.'

કાલિદાસ તાબડતોબ તેની વાતનો કોઈ જવાબ ન આપી શક્યો. એ વિચારમાં પડી ગયો.

'તો તમારો શું જવાબ છે?' કાલિદાસ વિચારધારા માંથી બહાર આવ્યો.

'રકમની વ્યવસ્થા થઈ ગયા પછી મારે તારો સંપર્ક ક્યાં સાધવો?' જવાબ આપવાને બદલે એણે સામો સવાલ કર્યો.

'ક્યાંય નહીં.'

'કેમ?'

'પાંચ દિવસ પછી હું તમને ફોન કરીશ અને તમે હા પાડશો તો તમને મળી લઈશ. પરંતુ એક વાતની ચોખવટ કરી લઉં. પહેલા તમારે રકમ મને સોંપવી પડશે. રકમ સહિત સલામત સ્થળે પહોંચ્યા પછી હું તમને તમારી વસ્તુઓ વિશે જણાવી દઈશ.'

'પરંતુ આ રીતે તો તું મારી સાથે દગો પણ કરી શકે તેમ છે.' કાલિદાસે વિરોધ ભર્યા અવાજે કહ્યું.

'તમારે જેમ માનવું હોય તેમ માનો. પરંતુ મેં જણાવેલી શરતે જ આ સોદો થઈ શકશે. તમારી ઈચ્છા હોય તો ઠીક છે નહીં તો પછી ન છૂટકે હું બળતું ઘર કૃષ્ણાર્પણ કરી દઈશ.' વળતી જ પળે સામેથી છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો. કાલિદાસે પણ રીસીવર મૂકી દીધું. સૌના ચહેરા પર નિરાશા ફરી વળી હતી. રાકેશે તેને કશું જ પૂછવાનો પ્રયાસ ન કર્યો. કારણ કે કાલિદાસના મોંમાંથી નીકળેલા શબ્દો પરથી જ પોતાની જાતને મદદગાર તરીકે ઓળખાવતો માણસ વાસ્તવમાં માત્ર એક બ્લેક મેલર જ છે એ વાત તો તે સમજી ચૂક્યો હતો.

*************

નાગપાલ અત્યારે ગીતાના કેસની ફાઈલના પાના ઉથલાવતો હતો. એના ચહેરા પર ગહન વિચારના હાવભાવ છવાયેલા હતા. સહસા ઓફિસનો દરવાજો ઉઘાડીને એક સિપાહી અંદર આવ્યો.

'સર.. એણે સેલ્યુટ કર્યા પછી ગજવામાંથી એક કેસેટ કાઢીને તેની સામે લંબાવતા આદર સૂચક અવાજે કહ્યું, 'આ કેસેટ અમરજી સાહેબે મોકલી છે. આ કેસેટમાં મિસ્ટર કાલિદાસના ટેલીફોન પર આખા દિવસ દરમિયાન થયેલી વાતચીત ટેપ કરેલી છે. અમરજી સાહેબ હવે આપના આદેશની રાહ જુએ છે.'

નાગપાલે તેના હાથમાંથી કેસેટ લઈને તેનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ તેને ટેપ રેકોર્ડર મંગાવીને કેસેટમાં ટેપ કરેલી કાલિદાસ તથા બ્લેકમેલર વચ્ચે થયેલી વાતચીતનો એક એક શબ્દ ધ્યાનથી સાંભળ્યો. અને સાંભળ્યા પછી એના ચહેરા પર ચમક પથરાઈ ગઈ.

'વેરી ગુડ..' એ પ્રશંસા ભર્યા અવાજે બોલ્યો. પછી થોડી પળો સુધી વિચાર્યા બાદ સિપાહીને ઉદ્દેશીને કહ્યું, 'અમરજીને કહેજે કે ટેલિફોન પર થતી વાતચીતનું રેકોર્ડિંગ કરવાનું કામ ચાલુ જ રાખવાનું છે. હજુ બીજી કોઈ વધુ ઉપયોગી વાત જાણવા મળે તે બનવા જોગ છે.'

'યસ સર..' કહીને સિપાહી દરવાજા તરફ આગળ વધી ગયો. 'અને સાંભળ..' દરવાજા પાસે પહોંચી ચૂકેલા સિપાહીએ પીઠ ફેરવીને પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

'કાલિદાસના બંગલા પર નજર રાખતા માણસો તરફથી કોઈ રિપોર્ટ આવ્યો છે?'

'ના સર.. અલબત્ત અત્યાર સુધી તેમને ત્યાં ન તો કોઈ બહારનો માણસ આવ્યો છે કે નથી તેમનામાંથી કોઈ કોઈને મળવા ગયું.'

'ઠીક છે.. આ બંને કામ પૂરી સાવચેતીથી ચાલુ જ રાખવાના છે અને હા, અમરજીને જરા મારી પાસે મોકલજે.'

'ઓકે સર..' કહીને સિપાહી બહાર નીકળી ગયો. નાગપાલ અમરજીના આગમનની રાહ જોતો પાઇપ પેટાવીને ધીમે ધીમે તેના કસ ખેંચવા લાગ્યો.

***********

કાલિદાસ વ્યાકુળ અને ચિંતાતુર ચહેરે આમથી તેમ આંટા મારતો હતો.

'પંદર લાખ!' એ ક્રોધ મિશ્રિત લાચારીથી ધુંધવાતા અવાજે બોલ્યો. 'એ કમજાત રીવોલ્વર અને ઘરેણા પાછા સોંપવાના બદલામાં 15 લાખ રૂપિયા માંગે છે.'

'પંદર લાખ?' રાકેશનું મોં નર્યા અચરજથી પહોળું થઈ ગયું.

'હા, પંદર લાખ.' બંને હાથે માથું પકડીને જાણે પોતાની જાતને કહેતો હોય એવા અવાજે કાલિદાસ બોલ્યો.

'શું કરવું અને શું નહીં એ જ મને તો કશું સમજાતું નથી. એ નાલાયક 15 લાખમાં એક રૂપિયો પણ ઓછો કરવા તૈયાર નથી અને બેંકમાં માંડ બે ત્રણ લાખ હશે. બેંકમાં પણ સાત આઠ લાખથી વધુ નથી અને..'

'ડેડી..' સહસા રાકેશે વચ્ચેથી જ તેની વાતને કાપી નાખતા ઉત્સાહ ભર્યા અવાજે કહ્યું. 'એક રીતે આપણે તેની પાસેથી રિવોલ્વર તથા ઘરેણા વગર પૈસે જ મેળવી શકીએ તેમ છીએ.'

'વગર પૈસે?'

'હા..'

'કેવી રીતે?'

'દગાથી..' જાણે રાકેશ પાગલ ખાનામાંથી નાસી છૂટેલો કોઈક પાગલ હોય એ રીતે કાલિદાસ તેની સામે તાકી રહ્યો. 'પૈસા આપતા પહેલા..' એની નજરની પરવા કર્યા વગર જ રાકેશ બોલ્યો. 'આપણે બ્લેકમેલરની સામે આપણને ખાતરી થઈ જાય એટલા માટે રિવોલ્વર તથા ઘરેણા જોવાની શરત તો મૂકી જ શકીએ તેમ છીએ. અને તે આ બંને વસ્તુઓ આપણને બતાવે કે તરત જ આપણે બળજબરીથી તેને કબજે કરી લેશું. ત્યારબાદ તે આપણું શું બગાડી લેવાનું હતો? તે પોલીસને જાણ કરી દેશે કે બંને વસ્તુઓ આપણી પાસે છે પરંતુ પોલીસ અહીં પહોંચશે તે પહેલા જ આપણે આ બંને વસ્તુઓને ઠેકાણે પાડી ચૂક્યા હશું.'

'તારા સડેલા મગજમાં આવા સડેલા વિચારો સિવાય બીજું કશું આવી પણ શકે તેમ છે?' કાલિદાસે તેને વડકું ભરતા કહ્યું. અરે બેવકૂફ.. એ બ્લેક મેલર છે બ્લેકમેલર. કંઈ તારા જેવો મૂરખ નથી કે વસ્તુઓને આંચકવાનો પ્રયાસ પણ થઈ શકે તેમ છે, એનો વિચાર કર્યા વગર આપણને બતાવવા માટે અહીં દોડી આવે! કદાચ આપણી હઠ સામે નમતું જોખીને તેણે આમ કરવું પડશે તો પણ તે કોઈ એવી વ્યવસ્થા કરીને આવશે કે આપણે ઈચ્છતા હોવા છતાં તેની પાસેથી આ બંને વસ્તુઓ નહીં આંચકી શકીએ.'

'ત...તો પછી?'

'હવે તો એક જ ઉપાય છે.' કહેતા કહેતા કાલિદાસ ના હોઠ પર ક્રૂર સ્મિત ફરક્યું.

'શું?'

'મારા આ ઉપાયનો આધાર એણે આ બંને વસ્તુઓ વિશે કોઈને કંઈ જણાવ્યું છે કે નહીં તેના પર જ છે. જો એણે કોઈને કંઈ ન જણાવ્યું હોય તો પછી આપણે તેને એક પૈસો પણ નહીં આપવો પડે.'

'કેવી રીતે? રાકેશે નર્યા અચરજથી તેની સામે તાકી રહેતા પૂછ્યું.

'એટલું તો ચોક્કસ જ છે ને કે એણે આ બંને વસ્તુઓને જ્યાં પણ મૂકી હશે ત્યાં ખૂબ જ સાવચેતી અને સહેલાઈથી કોઈને ન મળે એ રીતે મૂકી હશે.'

'હા..'

'હવે જો આ સ્થળ વિશે કોઈ જાણતું જ ન હોય અને તે બ્લેકમેલર પણ આ સંસારમાંથી વિદાય થઈ જાય તો પછી આ બંને વસ્તુ આપણે માટે મહત્વ હિન બની જશે કે નહીં?'

'ક્યાંક તમારો વિચાર એનું ખૂન કરવાનો તો નથી ને?' રાકેશે થોથવાતા અવાજે પૂછ્યું.

'હા.. પૈસા બચાવવાનો હવે આ માત્ર એક જ ઉપાય છે. રાકેશ, ૧૫ લાખ કંઈ નાની રકમ નથી. આવી રકમ માટે આપણે એકને બદલે બે ખુન કરવા પડે તો પણ નુકસાનનો સોદો નથી.'

'પણ ડેડી..' રાકેશ ભયથી કંપતા અવાજે બોલ્યો.

'હજુ આપણા માથા પર એક ખૂનના જોખમની તલવાર તો લટકે છે અને તમને બીજા ખૂનની..'

જોખમની એ તલવાર તો તારી મુર્ખાઈને કારણે લટકે છે.' કાલિદાસે વચ્ચેથી જ તેની વાતને કાપી નાખતા કહ્યું. 'જો તે મારી સલાહ લઈને ગીતાનું ખૂન કર્યું હોત તો આવો વખત ન આવત. ખેર, જે થવાનું હતું તે થઈ ગયું. હવે દાટેલા મર્દા ઉખેડવાથી કોઈ લાભ નથી થવાનો. હવે તો આવી પડેલી ઉપાધિનો સામનો કરીને આપણે જાતને બચાવવાની છે. એને આ સંસારમાંથી વિદાય કરવા માટે મેં એક એવી યોજના બનાવી છે જેમાં આપણા ફસાવાની કોઈ શક્યતા જ નથી રહેતી. સાંભળ..' કહેતા કહેતા એનો અવાજ એકદમ ધીમો બની ગયો. આપણે બ્લેકમેલરને દરિયા કિનારે અથવા તો કોઈક એવા ઉજ્જડસ્થાને લઈ જશુ કે જ્યાં એનું ખૂન કરતા આપણને કોઈ નહીં જોઈ શકે. અને મૃતદેહ ઠેકાણે પાડવામાં પણ આપણને કોઈ મુશ્કેલી નહીં પડે. આપણે તેની લાશને વજનદાર પથ્થર સાથે બાંધીને ડુબાડી દેશું. પરંતુ એણે આ બંને વસ્તુઓ વિશે કોઈને કશું નથી જણાવ્યું એની ખાતરી થયા પછી જ આપણે આમ કરવાનું છે.' રાકેશને કશું ન સૂઝતા એ આંખો પટપટાવતા તેની સામે તાકી રહ્યો. જ્યારે કાલિદાસના હોઠ પર પૂર્વવત રીતે ક્રૂરતા ભર્યું સ્મિત ફરકતું હતું.