Savai Mata - 57 in Gujarati Moral Stories by Alpa Bhatt Purohit books and stories PDF | સવાઈ માતા - ભાગ 57

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

સવાઈ માતા - ભાગ 57

રમીલાની કેબિનમાં એ આગંતુક મનન હતો. હંમેશા વેશભૂષા, વાળ અને દમામ પાછળ વધુ ધ્યાન આપતો, જાણે મોડેલ બનવાની ઈચ્છા ધરાવતો હોય એવું પ્રતિબિંબિત કરતો તે આજે નખશીખ કોર્પોરેટ જગતનો મેનેજમેન્ટ કક્ષાનો યુવક દેખાઈ રહ્યો હતો. તેનાં થોડું જેલ વાપરીને વ્યવસ્થિત રીતે સેટ કરેલ વાળ, કોરું, સ્પષ્ટ રીતે દેખાતું તેજસ્વી કપાળ, આછા આસમાની રંગના ફુલ સ્લીવ શર્ટ અને આછાં ખાખી-ગોલ્ડન વચ્ચેના શેડવાળા ફોર્મલ પેન્ટસમાં તે સોહી રહ્યો હતો.

તેની આંગળીઓમાં સુદર્શન ચક્રની જેમ ફરતી ચાવી ન હોતાં એક ફાઈલ સુઘડતાથી પકડેલ હતી. બીજા હાથમાં નાનકડી કેનવાસ બેગમાં પાણીની બોટલ અને કાંઈ બીજું પેકેટ મૂક્યું હોય એમ લાગતું હતું.

હંમેશની જેમ સૂરજ સરની કે બીજાં કોઈપણ ઉપરીની કેબિનમાં વિના પરવાનગી ધસી જનાર મનન બારણે થોભ્યો અને પૂછ્યું, "મેડમ, સર, શું હું અંદર આવી શકું?"

સૂરજ સર તેની વિનમ્રતાથી અચરજ પામ્યા જે તેમની આંખોમાં પ્રતિબિંબિત થયું પણ હોઠનું હળવું સ્મિત કહી ગયું કે તેમનાં મનમાં ટાઢક વળી છે કે ભત્રીજો આજે નોકરીમાં ઠરીઠામ થવાની વૃત્તિથી આવ્યો છે. તેમને રમીલાની મનનને સમજાવવાની શક્તિ ઉપર માન ઉપજ્યું. એ વાત તેમની જાણ બહાર ન હતી કે રમીલા આ હેતુથી જ મનન સાથે બે વખત વોઈસકોલ અને એક વખત વિડીયો કોલ ઉપર મનન સાથે વાત કરી ચૂકી હતી.

રમીલાએ મનનને અંદર પ્રવેશવાની પરવાનગી આપી અને સામેની બેઠક લેવા કહ્યું. મનન ખૂબ જ અદબથી બેઠો. રમીલાએ ઘડિયાળમાં જોતાં કહ્યું, "સર, આપણી મિટીંગ શરૂ થવાને પંદર મિનિટની વાર છે. મૈથિલીજીનો કૉલ આવે એટલે આપણે નીકળીએ. તે પહેલાં મેં આપને મિસ્ટર મનનની જે ફાઈલ આપી હતી તે વિશે તેમને જણાવી દઈએ?"

સૂરજ સર જાણે તંદ્રામાંથી બહાર આવ્યા હોય તેમ બોલ્યા, "હા, હા. કેમ નહીં? રમીલા, તમે જ જણાવો. કાંઈ ઉમેરવા જેવું લાગે તો હું બોલીશ."

મનન પોતાનાં વિશે શું નિર્ણય લેવાયો હતો એ જાણતો ન હતો. પણ એટલી જાણકારી તેને અવશ્ય હતી કે તેની નોકરી જેનાં કારણે જઈ રહી હતી તેણે જ બચાવી હતી. તેને આજ સુધી કેટલાંય સારાં મનેખ આ દુનિયામાં મળ્યાં હતાં પણ રમીલા જેવી અદ્ભુત વ્યક્તિ ક્યારેય મળી ન હતી કે જે પોતાનું કામ બગાડવાની કોશિશ કરનારને સરળતાથી માફ કરી ફરી તેની જ સાથે કામ કરવાની તૈયારી દર્શાવે અને એ પણ ત્યારે જ્યારે તેના પોતાનાં હાથમાં જ નિર્ણય લેવાનાં હક હોય.

તેને સંબોધતાં રમીલા બોલી, "જુઓ મિસ્ટર મનન, તમે છેલ્લાં દોઢ મહિનાથી આપણી માર્કેટિંગ ટીમને એક્ચ્યુઅલ ફિલ્ડ વર્કમાં ખૂબ જ સુંદર રીતે લીડ અને ગાઈડ કરી રહ્યા છો. તમામ ટીમ મેમ્બર્સનો તેમનાં આ ટેમ્પરરી હેડ વિશે ખૂબ જ સારો રિવ્યૂ આવ્યો છે. એ બદલ આજે સાંજે તમને એક સરપ્રાઈઝ મળશે.

મનન ખુશીથી બોલી ઊઠ્યો, "થેન્કયુ સો મચ, મેડમ."

વળતાં રમીલા બોલી, "ઈટ્સ ઓકે મિસ્ટર મનન. આજે આપણે અહીં આરંભેલા પ્રોજેક્ટનાં સમાપન સમારંભમાં જઈ રહ્યા છીએ. તમને તે પ્રોજેક્ટનો ખ્યાલ આ ફાઈલ દ્વારા મળી જશે."

મનન રમીલા તરફ કૃતજ્ઞ ભાવે જોતાં બોલ્યો, "મેડમ, ફોન ઉપર તો હું આપની માફી માંગી ચૂક્યો છું. પણ આજે આપને પ્રત્યક્ષ મળ્યો છું તો ફરી માફી માંગું છું. હું ઈર્ષ્યામાં ભાન ભૂલીને એ કરી બેઠો જે મારાં સંસ્કાર અને અભ્યાસને જરાય સુસંગત ન હતું." તેની નજર સૂરજ સર તરફ ફરી અને બેય હાથ જોડાઈ ગયાં. તેની પાણીદાર આંખોમાં બિલોરીકાચનાં પડળો ઉપસી આવ્યાં.

સૂરજ સરથી હવે રહેવાયું નહીં. તેઓએ પોતાનાં પદની ગરિમા જાળવતાં ઓછાં પણ સ્પષ્ટ શબ્દોમાં મનનને ચેતવણી આપી, "આ વખતની તારી અક્ષમ્ય ભૂલ, નહીં નહીં, અપરાધને મારાં સહિત બધાં જ ઉપરીઓએ જોયો છે. તને ટીમમાં ફરી લેવાની કોઈની પણ ઈચ્છા ન હતી પણ આ રમીલાની સરળતા કે તારાં ઉપર હજીય ભરોસાની મીટ માંડી છે. એ ભલે તને નિયુકત કરે પણ, જો હવે તારી કોઈપણ ભૂલ, અરે ના ના, તું ભૂલ નહીં, અપરાધ કરે છે. તારાં એકપણ અપરાધ બદલ તને આૅફિસ જ નહીં શહેરથી દૂર કરાવીશ. અને હવે મને મારાં બહેન-બનેવીની પણ શરમ નહીં નડે."

સૂરજ સરની વાત મનન નીચી, દયામણી નજરે સાંભળી રહ્યો. રમીલાને સરની વાત તો સાચી લાગી પણ તેની નજરોમાં મનન માટે અનુકંપા છલકી. તેને મોટોભાઈ મેવો યાદ આવી ગયો.

તેણે આજનાં અવસરનું અનુસંધાન કરતાં સૂરજ સરને સંબોધી કહ્યું," સર, જઈએ મિટિંગ માટે?"

" હા હા, ચાલો." કહેતાં સૂરજ સર ઊભાં થયાં.

રમીલાએ પોતાના ટેબલ ઉપર રહેલી ઘંટડી વગાડી પટાવાળાભાઈને બોલાવ્યાં અને કેબિન લોક કરવાનું કહ્યું. તે પોતાની ફાઈલ અને લેપટોપ લઈ સૂરજ સરની પાછળ ચાલવા લાગી. તેનો સૂચિત ઈશારો સમજી ગયેલ મનન પણ ઝડપભેર ઊભો થઈ રમીલાની પાછળ જ કેબિનમાંથી બહાર નીકળી ગયો. પટાવાળાભાઈએ તરત જ કેબિનને તાળું માર્યું અને પોતાની જગ્યાએ જઈને બેઠાં.

ચાલતાં ચાલતાં સૂરજ સર વિચારી રહ્યાં, "ખૂબ જ કુશાગ્ર બુદ્ધિ છે રમીલાની. મનન ઉપર કામ પૂરતો ભરોસો કરે છે જેથી તેનાં હાથમાંથી નોકરી ન જતી રહે અને બીજી તરફ પોતાની એક સમયે થયેલ ભૂલને સુધારી લેતાં મનનને પોતાની કેબિનમાં પણ છોડીને નથી આવી. આને જ કહેવાય બાહોશપણું. વાહ, રમીલા વાહ!' પોતાનાં મનોજગતમાં જ તેને બિરદાવી રહ્યાં.બધાં મિટિંગ રૂમમાં પહોંચ્યા.

રમીલા અને સૂરજ સરે પોતપોતાનું સ્થાન સંભાળ્યું અને ખુરશીઓમાં બેઠક લીધી. મનન તેઓની સામેની હારમાં, ડાબી તરફ કંપનીનાં બીજાં કર્મચારીઓ માટે ગોઠવેલી ખુરશીઓમાં પાસે બેઠો. તેમાં રમીલાનાં હાથ નીચે કામ કરતાં કર્મચારીઓ અને લૅવેન્ડર કૉસ્મેટિક્સનાં એ મેનેજર્સ હતાં જેઓએ રમીલાનાં આ નવલા સાહસમાં પોતપોતાનાં સ્ટાફ સાથે સક્રિય ભૂમિકા ભજવી હતી.

મનન કંપનીના સ્ટાફને સુપેરે જાણતો હતો. તેણે પોતે બેઠક લીધાં પછી બેય તરફ નજર ફેરવી એક સ્મિતથી બધાનું અભિવાદન કરી લીધું. વિચારી રહ્યો, "આવો સ્પર્ધામાં સપોર્ટ તો ક્યારેય મા એ પણ નથી કર્યો જેવો રમીલાએ, અરે રમીલા મેડમે કર્યો છે. તેમના માટે તો હું તેમનો કટ્ટર દુશ્મન ગણાવો જોઈએ પણ, મને જ આટલાં વિશ્વાસથી મોટી અને મહત્ત્વની જવાબદારી સોંપી. પાછી, એય એવી કે હું ઇચ્છું તો ગેરરીતિ કરી જ શકું. પણ, ના, ના. હવે એ મનને અહીંથી જવું જ પડશે. છેલ્લા બે મહિનામાં મારું આખુંય જીવન બદલાઈ ગયું છે અને તે પણ આ નવી યુવતી, રમીલા મેડમના કારણે. ઈશ્વરનો જેટલો આભાર માનું એટલો ઓછો છે આ માટે.

સ્ટેજની સામેની તરફ બેઠેલ તમામ ટ્રેઈનીની આંખો રમીલા મેડમ તરફ મંડાયેલ હતી.

ક્રમશઃ