Savai Mata - 58 in Gujarati Moral Stories by Alpa Bhatt Purohit books and stories PDF | સવાઈ માતા - ભાગ 58

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

સવાઈ માતા - ભાગ 58

#નવલકથાસવાઈમાતા

સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા
લેખન તારીખ : ૨૮-૦૩-૨૦૨૪

થોડી જ વારમાં પલાણ સર બે ડિરેક્ટર્સ સાથે હોલમાં પ્રવેશ્યાં. રમીલા અને સૂરજ સર પોતપોતાની બેઠક ઉપરથી ઊભાં થઈ ગયાં. ત્રણ આસિસ્ટન્ટ મેનેજર તેઓને દોરીને મંચ સુધી લાવ્યાં. સૂરજ સરે ત્રણેય સાથે હસ્તધૂનન કરી, અદબથી સહેજ માથું ઝૂકાવી તેઓનું અભિવાદન કર્યું. બંને ડિરેક્ટર્સને પ્રણામની મુદ્રામાં આવકાર્યાં બાદ રમીલા પલાણ સરને પગે લાગી. સરે તેનાં માથે આશિર્વાદ ભરી, હેતાળ હથેળી મૂકી દીધી. તેમનાં ચહેરા ઉપર સંતોષનાં સૂરજની ઉજ્વળતા ઝળકી રહી. તેઓએ મંચ ઉપર રમીલા અને સૂરજ સર સાથે બેઠક લીધી. આજે આખાં કાર્યક્રમની સૂત્રધાર રમીલા હતી. ખંતથી કરેલ ભણતર, પોતાનો હાથ ઝાલી સાચો રસ્તો દેખાડનારની કરેલ કદર, કુશાગ્રતા, જવાબદારીની ભાવના અને નવાં શિખરો સર કરવાની આશા અને કોશિશોએ રમીલાને આજે કોઈનીયે આંખે ઊડીને વળગે એવી પ્રગતિને આંબી લીધી હતી.

રમીલાનું વક્તવ્ય શરૂ થયું અને આ તરફ મૈથિલીના વડપણ હેઠળ હોલમાં બેઠેલ તમામને જરૂરી બ્રોશર્સ અને ફ્રી ગિફ્ટની કીટસ મળી ગઈ. દરેક ટ્રેઈની આટલું મોટું ગિફ્ટ હેમ્પર જોઈ આભાં જ થઈ ગયાં હતાં. તેમને કાંઈક મળવાની આશા હતી પણ આખી લેટેસ્ટ મેઈક-અપ રેન્જ અને તે પણ પાર્લર સલૂનમાં વપરાતી બલ્ક સાઈઝમાં મળશે એવી તો આશા પણ ન હતી. લગભગ બધી જ વસ્તુઓ એકથી દોઢ લિટરનાં પેકેજિંગવાળી હતી. નાનાં સલૂનવાળાંને તો આ સામાન લગભગ ત્રણેક મહિના ચાલી જાય તેવો હતો. અને ગુણવત્તા ઊંચી હોવાથી માત્રા પણ ઓછી વપરાતી હતી.

મૈથિલીએ પોતાનું કાર્ય પૂર્ણ કરી સ્ટેજ પાસેની પોતાની બેઠક લીધી અને રમીલાનો મધુર, કેળવાયેલો અને મકકમ અવાજ માઈકમાં ગૂંજી ઊઠ્યો. તેણે દરેક ટ્રેઈનીને આવતીકાલથી પોતપોતાનાં પાર્લર અને સલૂન ફુલટાઈમ શરૂ કરવાનું સૂચન કર્યું. તેમને પડતી કોઈપણ મુશ્કેલી માટે ઓનલાઈન માર્ગદર્શન હેતુ એક હોટલાઈન જેવી વેબસાઈટ લોન્ચ કરાવી તેનો પરિચય આપ્યો જેથી તેમની પાર્લર અને પ્રોડક્ટ્સ બાબતની દરેક તકલીફ તાત્કાલિક ધોરણે દૂર કરી શકાય. તેઓને દરેક મહિનાનાં બીજાં શનિવારે એક્સપર્ટ સાથે સવારે બે કલાક એક ઓનલાઈન મિટિંગ આપવામાં આવી અને દરેક મહિનાનાં છેલ્લા સોમવારે પ્રત્યક્ષ કંપનીમાં આવી ચર્ચા માટેનું મેદાન ખોલી આપ્યું.

આ સોમવારની મિટીંગમાં તેઓ પોતપોતાનાં કસ્ટમર્સની લાક્ષણિકતા, જરૂરિયાતો અને તકલીફો લઈ આવી તેને અનુરૂપ સૂચનો મેળવી શકશે તેની રમીલાએ ખાતરી કરાવી. વળી, આ મિટીંગથી કંપનીને શો ફાયદો થશે તે વિશે ખાસ બ્રોશર્સ હતાં જે ડિરેક્ટર્સ અને કંપનીનાં ઉચ્ચ હોદ્દેદારોનાં હાથમાં હતાં. તે મુજબ કંપનીને પોતાનાં સાચા વપરાશકર્તાની જરુરિયાત વિશે સીધો ખ્યાલ આવનાર હતો. ભવિષ્યમાં કયા પ્રકારનાં પ્રસાધનો વધુ જોઈશે તે વિશે તેઓને અગાઉથી જ જાણકારી મળનાર હતી. આમ ભવિષ્યનાં બજાર માટે તમામ કાચી માહિતી હવે તેમને નક્કર પાયે મળનાર હતી. હવે આ બધું હેન્ડલ કરવા, રમીલાને પોતાની સાથે કેટલાંક સહાયકોની જરૂર હતી. તે માટેની મિટીંગ આ પછી થનાર હતી.

રમીલાની આ સ્ટ્રેટેજી અને પ્લાનિંગની ફાઈલ પહેલાંથી જ પલાણસર, અને અન્ય તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ઇ-મેઈલ કરી દેવાઈ હતી. ત્યાર બાદ શરૂઆત થઈ દરેક ટ્રેઈનીને આ બે મહિનાની તાલીમનું પ્રમાણપત્ર આપવાની. રમીલાએ પલાણ સર અને બંને ડિરેક્ટર્સનાં હાથે તમામને પ્રમાણપત્રો અપાવ્યાં. કેટલાંય ટ્રેઈની તેઓનાં હાથે પ્રમાણપત્રો સ્વીકારી તેમને પગે લાગ્યાં અને પોતાની જીંદગીને એક નવો જ આયામ આપવા બદલ તેઓનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. અંતે બહુ ઓછી મિટીંગમાં ભાષણ આપતાં પલાણસરે માઈક સંભાળ્યું અને તમામ ટ્રેઈનીને શુભેચ્છાઓ પાઠવી, રમીલાનાં બુદ્ધિકૌશલ્યનાં વખાણ કર્યાં, તેની પ્રતિભા બહુ જલદી ઓળખી જનાર સૂરજ સરને ખાસ અભિનંદન પાઠવ્યા અને પોતાનાં તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરફથી સુંદર પુષ્પગુચ્છ ભેટ ધર્યો.

રમીલાએ શરૂ કરેલ પ્રથા હવે ઓફિસમાં પરંપરા બનવા લાગી. સૂરજ સર પોતાનાંથી પંદરેક વર્ષ મોટાં અને કંપનીનાં ચેરમેન એવાં પલાણસરને પગે લાગ્યાં. પલાણસરે તેમનાં ખભાં પકડી ઊભાં કર્યાં અને પીઠ થાબડતાં આ જ રીતે કંપનીનાં સ્ટાફને સુદર માર્ગદર્શન કરતાં રહેવાનું સૂચવ્યું. પછી બાકીનાં બંને ડિરેક્ટર્સે ટૂંકમાં પોતપોતાનું ભાષણ આપ્યું જે સમયોચિત હતું. અંતે રમીલાએ સૌને કેન્ટિન તરફ વળવા જણાવ્યું. બધાંયનું ભોજન આજે ત્યાં જ હતું. બધાં જ ટ્રેઈની કેન્ટિન તરફ વળ્યાં. સર્વેએ ત્યાં લાઈનમાં ઊભાં રહી પોતપોતાની ડિશમાં ભાવતાં વ્યંજનો લીધાં. પછી આઠ-દસ વ્યક્તિઓને બેસવાની વ્યવસ્થા ધરાવતાં મેજ ઉપર બેઠક લીધી. ગરમાગરમ, સ્વાદિષ્ટ છતાંય સત્વગુણોથી ભરપુર ભોજન સર્વેએ માણ્યું. ભોજન પૂર્ણ કરી પોતપોતાનાં ગિફ્ટ કીટ્સ સાથે દરેક ટ્રેઈનીને બપોરે ત્રણ વાગ્યે કંપનીની બસોમાં બેસાડી તેમનાં રહેઠાણે પહોંચાડાયાં.

પોતપોતાની કેબિનમાં થોડો સમય આરામ કરી પલાણસર અને બંને ડિરેક્ટર્સને હવે આગામી કાર્યક્રમ પૂર્ણ કરવાની ઉતાવળ હતી. એટલામાં જ રમીલાનો ફોનકોલ પલાણ સર ઉપર આવ્યો. તેઓ બધાં લગભગ સવાચારે કંપનીનાં મિટીંગ રૂમમાં એકઠાં થયાં. મનનને પણ બોલાવાયો હતો. મિટીંગમાં આજનાં કાર્યક્રમની સફળતાનો બધો જ યશ રમીલા અને સૂરજ સરને અપાયો તો રમીલાએ પલાણ સર અને બોર્ડનો આભાર માન્યો કે તેનાં આ વિચારને વધાવીને તેઓએ ખૂબ મોટી તક પોતાને આપી.

હવે, મનનને જે કાર્ય સોંપણી થનાર હતી તેની વાત શરૂ થઈ. રમીલાએ સૂરજ સરની સંમતિથી વાત મૂકી, "આજથી મિ. મનન આપણાં છૂટક ગ્રાહકોનાં લિસ્ટને ફોલો કરશે. તેઓ આપણાં કયાં પ્રસાધનો નિયમિતપણે વાપરે છે એ ડેટા આપણી પાસે છે જ. તેઓને આ નવા બનાવાયેલ એપ થકી જોડી રાખી, તે ગ્રાહકોને નિયમિતપણે જે-તે પ્રસાધનો તેમનાં સમયે, તેમનાં ઘર આંગણે પહોંચાડવાની તમામ જવાબદારી મિ. મનનની રહેશે. મિ. મનનને તે માટે આખાંય શહેરમાં સમયસર ડિલીવરી થઈ શકે તે માટે છ ડ્રાઈવર્સની ટીમ, એપ ઓપરેટિંગ, સામાનનાં પેકિંગ અને અન્ય કામકાજ માટે અગિયાર વ્યક્તિઓની ટીમ આપવામાં આવશે. કોનું કામ શું રહેશે, તે તેઓની લાક્ષણિકતાઓ મુજબ મિ. મનને નક્કી કરવાનું રહેશે. અને મિ. મનનની પોસ્ટ 'લોકલ કસ્ટમર્સ ડિલીંગ મેનેજર' ની રહેશે. તેમની સેલરી આપે નક્કી કરી છે તે મુજબ રહેશે, સર." કહી તેણે પલાણ સર સામે જોયું.

પલાણ સરે હકારમાં માથું હલાવ્યું. મૈથિલીએ મનનની નવી પોસ્ટની જવાબદારી અને સેલરીની વિગતો ધરાવતાં કાગળની ફાઈલ તેની ડેસ્ક ઉપર મૂકી. સૂરજ સરે તેને ઓફર ચકાસી લેવા જણાવ્યું. મનન અવઢવમાં હતો, કે શું કરે? ના પાડવાનો તો પ્રશ્ન જ ન હતો પણ આટલાં મોટા ઉપકાર બદલ તે આ ઓફરનાં કાગળો ચકાસે કેમ, એ વાત તેનાં મનમાં ઘૂમરી ખાઈ રહી. પલાણ સરની અનુભવી આંખો આ સમજી ગઈ. તેઓએ મનનને આ ફાઈલ આજે સ્ટડી કરવા કહ્યું અને સાંજે સાત વાગ્યે ઘરે જતી વખતે યોગ્ય લાગે તો સહી કરી કે પછી, ફેરફારનાં સૂચનો સાથે રમીલાને સુપ્રદ કરવા જણાવ્યું.

મનનને પણ આ યોગ્ય લાગ્યું. આ રીતે તે રમીલાનો આભાર પણ માની જ શકશે. બાકી, ફાઈલમાં તેને ચકાસવાની કાંઈ જરૂર ન લાગી. જે કોઈનો ભરોસાપાત્ર ન હતો એવાં મનન ઉપર રમીલાએ જ નહીં, કંપનીએ ફરી એકવખત ખૂબ મોટો ભરોસો મૂક્યો હતો. કદાચ, દંડના બદલે ઈનામ, તેની આંતરિક શક્તિને ઓળખી, તેને યોગ્ય જવાબદારી આપવી, એ જ મનનને સુધારવા સર્વથા યોગ્ય હતું.

થોડી જ વારમાં મિટીંગનું સમાપન કરી ડિરેક્ટર્સ તેમજ ચેરમેન નીકળી ગયાં. સૂરજ સર અને રમીલા પોતપોતાનાં કાર્યમાં પરોવાયાં. મનન રમીલાને મળતાં પહેલાં શબ્દો ગોઠવી રહ્યો. મૈથિલીને થોડો ફાજલ સમય મળ્યો. તે પોતાની નાજુકડી પણ વિચક્ષણબુદ્ધિની માલિક એવી બોસનાં વખાણ કરતી ઓફિસનાં એ ફ્લોર ઉપર ફરી રહી.

ક્રમશઃ
અલ્પા ભટ્ટ પુરોહિત