Helan Keller in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | હેલન કેલર

Featured Books
Categories
Share

હેલન કેલર

હેલન કેલર
દુનિયાભરનાં પ્રજ્ઞાચક્ષુ તથા વિકલાંગો માટે આશાનું કિરણ પ્રગટાવનાર અને તેમને માર્ગદર્શન આપનાર અમેરિકાની સેવાભાવી સન્નારી હેલેન એડમ્સ કેલારનો આજે ૨૭ જુને જન્મદિન છે.
એક અમેરીકી લેખક, રાજનૈતિક કાર્યકર્તા તથા વ્યાખ્યાતા તેવા હેલન કેલર પશ્ચિમ તુસ્કમ્બિયા, અલાબામામાં જન્મેલા. ૧૯ મહિનાની ઉંમરે મગજ અને હોજરીની માંદગીના હુમલા પછી તેમની દૃષ્ટિ અને શ્રવણશક્તિ ગુમાવી દીધી હતી. તેમણે છ વર્ષની ઉંમર સુધી ઘરે જ સાંકેતિક ભાષા શીખવાનો અભ્યાસ કર્યો હતો. સાત વર્ષની ઉંમરે તેઓ તેમના પ્રથમ શિક્ષિકા અને જીવનભરના સાથીદાર ઍની સુલિવાનને મળ્યા હતા, જેમણે તેમને વાંચન અને લેખન સહિતની ભાષા શીખવી હતી.
પિતા આર્થર આદમ સંયુક્ત સંસ્થાનના ધનાઢય અધિકારી હતા. માતાનું નામ કૅથરિન. 18 માસની વયે હેલને મગજ અને હોજરીની અસાધ્ય બીમારીથી ર્દષ્ટિ અને શ્રવણશક્તિ ગુમાવી. માત્ર હાવભાવ અને ઇશારાથી પ્રારંભમાં તે માબાપ અને નજીકના લોકોને સમજાવી શકતાં હતાં. ડૉક્ટર તથા પ્રખ્યાત વૈજ્ઞાનિક ઍલેક્ઝાન્ડર બેલની સલાહથી બૉસ્ટનનાં ઍન મેસફીલ્ડ સલિવાન(1866-1936)ને હેલનની સાત વર્ષની ઉંમરથી શિક્ષિકા તરીકે રોકવામાં આવ્યાં. આ શિક્ષિકા તેમને બ્રેલ લિપિની મદદથી શીખવતાં. તેમની દોરવણી નીચે અભ્યાસ કરીને વાંચતાં, લખતાં તથા બોલતાં શીખ્યાં. આ શિક્ષિકા પાસે તારીખ 2 માર્ચ 1807ના દિવસે હેલન કેલરે શિક્ષણ લેવાની શરૂઆત કરી હતી અને તેથી તે દિવસ કેલર ‘પોતાના આત્માનો જન્મદિવસ’ તરીકે ઊજવતા. માત્ર એક માસના ટૂંકા ગાળામાં તેઓ સ્પર્શસંવેદનથી ભાષા શીખી ગયાં હતાં. અગિયારમો પાઠ પૂરો થયો ત્યારે અચાનક હેલન બોલી ગયાં, ‘હું હવે મૂંગી નથી.’ સલિવાન દ્વારા અપાતું શિક્ષણ અને ‘હૅરિસમન સ્કૂલ ફૉર ધ ડેફ’ જેવી સંસ્થાઓના માર્ગદર્શનને કારણે હેલન કેલર લખવામાં, વાંચવામાં અને વક્તૃત્વમાં પારંગત થયાં, એટલું જ નહિ પરંતુ ઔપચારિક શિક્ષણમાં પણ તેમણે અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી. 1896માં તેમણે મૅસેચૂસેટ્સ રાજ્યમાંના ‘કૅમ્બ્રિજ સ્કૂલ ફૉર યંગ લેડીઝ’માં પ્રવેશ મેળવ્યો જ્યાં તેમણે અંગ્રેજી અને જર્મન ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું. અંધજન અને બધિરો માટેના વિશેષ શિક્ષણ અને મુખ્ય પ્રવાહની બંને શાળાઓમાં શિક્ષણ મેળવ્યા બાદ, વર્ષ 1900માં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીની રેડક્લિફ કોલેજમાં અભ્યાસ કર્યો અને કલા સ્નાતકની ઉપાધિ મેળવનાર તેઓ પ્રથમ મૂકબધિર અને દ્દષ્ટિહીન વ્યક્તિ બન્યા હતાં. તેમણે ૧૯૨૪ થી ૧૯૬૮ સુધી અમેરિકન ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડ (એએફબી) માટે કામ કર્યું હતું, તે દરમિયાન તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ સહિત વિશ્વભરના ૩૫ દેશોનો પ્રવાસ કર્યો હતો. ૪૯ વર્ષની વયે તેઓ સફળતાની ઉંચાઈએ પહોંચ્યા હતા.
સેલિવાનના અવસાન પછી હેલન કેલરને ઍગ્નેસ ઉર્ફે પૉલી હૉમ્પસનનું સાહચર્ય પ્રાપ્ત થયું જે છેક 1960 સુધી અકબંધ રહ્યું. ઉપરાંત, એચ. એચ. રૉજર્સ, માર્ક ટ્વેન, યૂજીન ડેબ્જ જેવા વિદ્વાનો પાસેથી પણ સહાય મળતી રહી. ચાર્લ્સ કોપલૅન્ડે તેમને લેખનપ્રવૃત્તિમાં જોડાવાની પ્રેરણા આપી.
વર્ષ 1923થી ન્યૂયૉર્ક શહેરના ‘અમેરિકન ફાઉન્ડેશન ફૉર બ્લાઇન્ડ્ઝ’ નામની સંસ્થામાં સેવાઓ આપવાની શરૂઆત કરી. બીજા વિશ્વયુદ્ધ(1939-45)ના ગાળામાં તેમણે મિત્રરાષ્ટ્રોનાં ઘવાયેલા સૈનિકોની સેવા કરી. અંધજનોની શૈક્ષણિક પ્રગતિને મદદરૂપ થવા માટે તેમણે ‘હેલન કેલર એન્ડાઉમેન્ટ ફંડ’ની શરૂઆત કરી અને તેમાં ધનપ્રાપ્તિ થાય તે હેતુથી તેમણે અમેરિકા, જાપાન અને યુરોપના કેટલાક દેશોમાં જાહેર વ્યાખ્યાનો આપ્યાં.
તેમણે લખેલાં ઘણાં પુસ્તકોનો વિશ્વની જુદી જુદી ભાષાઓમાં અનુવાદ થયેલો છે. 1904માં ઑનર્સ સાથે સ્નાતક થયાં, સાહિત્ય અને સંસ્કૃતિનો અભ્યાસ કર્યો અને લેખો અને પુસ્તકો લખી મૂંગા અને અંધજનોના શિક્ષણ માટે લોકમત જાગ્રત કર્યો. તે માટે તેમણે ભારત સહિત ઘણા દેશોનો પ્રવાસ ખેડ્યો હતો. અમેરિકન પ્રમુખ તથા યુરોપના વિવિધ દેશોની પ્રમુખ વ્યક્તિઓએ તથા અગ્રગણ્ય સંસ્થાઓએ તેમનું બહુમાન કર્યું હતું. દુનિયાના લાખો અપંગ લોકોને તે પ્રેરણારૂપ બન્યાં હતાં. તેમની આત્મકથાના બે ગ્રંથ ‘અપંગની પ્રતિભા’ અને ‘મઝધાર’ ગુજરાતીમાં અનૂદિત થયા છે. ‘ધ સ્ટોરી ઑફ માય લાઇફ’ (1902), ‘ધ વર્લ્ડ આઈ લિવ ઇન’ (1910), ‘માય રિલીજિયન’ (1927), ‘મિડ સ્ટ્રીમ’ (1929), ‘હેલન કેલર્સ જર્નલ’ (1938) વગેરે તેમનાં મુખ્ય પુસ્તકો છે.
કેલર એક પ્રખર લેખક હતા, તેમણે પ્રાણીઓથી લઈને મહાત્મા ગાંધીસુધીના વિષયો પર ૧૪ પુસ્તકો અને સેંકડો ભાષણો અને નિબંધો લખ્યા હતા. તેમણે શ્રમિકો અને મહિલાઓના મત અધિકાર, શ્રમ અધિકાર, સમાજવાદ અને કટ્ટરપંથી શક્તિઓની સામે ચળવળ ચલાવી હતી. તેઓ ૧૯૦૯માં સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકા સાથે જોડાયા હતા. ૧૯૩૩માં, જ્યારે તેમના પુસ્તક હાઉ આઇ બીકમ અ સોશિયાલિસ્ટને નાઝી યુવાનોએ બાળી નાખ્યું હતું, ત્યારે તેમણે જર્મનીની વિદ્યાર્થી પાંખને એક ખુલ્લો પત્ર લખીને સેન્સરશીપ અને પૂર્વગ્રહની નિંદા કરી હતી.
કેલર અને સુલિવાનની સિદ્ધિકથા કેલરની ૧૯૦૩ની આત્મકથા, ધ સ્ટોરી ઓફ માય લાઇફ તેમજ ફિલ્મ અને નાટક, ધ મિરેકલ વર્કર દ્વારા પ્રખ્યાત થઈ હતી. તેમનું જન્મસ્થળ હવે એક સંગ્રહાલય છે અને વાર્ષિક "હેલન કેલર ડે" પ્રાયોજિત કરે છે. તેમના ૨૭ જૂનના જન્મદિવસને પેન્સિલવેનિયામાં "હેલેન કેલર દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. યુ.એસ. પ્રમુખ જિમ્મી કાર્ટર દ્વારા તેમના જન્મના શતાબ્દી વર્ષની ઘોષણા કરવામાં આવી હતી.
તેમને ૧૯૭૧માં અલાબામા વિમેન્સ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા અને ૮ જૂન, ૨૦૧૫ના રોજ અલાબામા રાઇટર્સ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવેલા બાર મહાનુભાવોમાંના એક હતા.
હેલન કેલર અમેરિકાની પ્રથમ બહેરી-પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ હતી, જેણે યુનિવર્સિટીની બેચલર ડિગ્રી મેળવી હતી. તેમના વિશે ‘મિરેકલ વર્કર’ નામની ફિલ્મ ઉતરેલી. અમેરિકાના અલબામા ગામે આજે હેલન કેલરનું મ્યુઝિયમ પણ છે. તેમની મહાનતા છે કે તેમણે અંધાપાને જીવનની મર્યાદા ગણવાના બદલે સતત બીજાને મદદ કરવા અને પ્રેરણા આપવા તત્પર રહેતી. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરની મુલાકાત કરી હતી. હેલન કેલરનાં શિક્ષિકા એન સુલિવાન સાથેના તેના ફોટાવાળી પોસ્ટલ સ્ટેમ્પ ભારતમાં બહાર પડી હતી.
હેલન કેલર કહે છે કે મને દુનિયામાં સૌથી વધુ પ્રેમ અને આદર મળ્યા હોય તો તે ભારતમાં મળ્યા છે. મુંબઈમાં વાશી ખાતે 1993માં હેલન કેલરના નામની બહેરા-મૂંગાની સ્કૂલ સ્થાપવા વિશાળ જમીન પણ મળી હતી. આદિત્ય બીરલા સેન્ટરમા હેલન કેલર ઇન્સ્ટિટ્યુટ ઑફ ડેફ એન્ડ બ્લાઇન્ડ સ્થપાઈ હતી. સેન્ટરમાં પ્રજ્ઞા ચક્ષુ અને બહેરા બાળકોને જ્વેલરી બનાવતાં, મીણબત્તી, કાગળની થેલીઓ, સાબુ અને વિવિધ છોડ કેમ ઊછેરવા તે શીખવાતું હતું. 2002થી બાળકોને કોમ્પ્યૂટરની તાલીમ આપવામાં આવે છે.
આમ, પોતાની શારીરિક મર્યાદાને ઓળંગીને જીવનમાં અદ્ભૂત કાર્ય કરનાર દિવ્યાંગોના દીવાદાંડી સમાન હેલન કેલરને જન્મદિને શત શત વંદન.