મહાત્મા જ્યોતિબા ગોવિંદરાવ ફુલે
મહાન વિચારક, સમાજસુધારક, લેખક, તત્વચિંતક, દાર્શનિક, વિદ્વાન અને સંપાદક એવા મહાત્મા જ્યોતિબા ગોવિંદરાવ ફુલે નો જન્મ ૧૧ એપ્રિલ ૧૮૨૭ના પૂણેમાં થયો હતો. આજે ભારતમાં સ્વતંત્ર મહિલાઓ સદીઓ જૂની સાંસ્કૃતિક, સામાજિક અને પરંપરાગત બેડીઓ તોડી રહી છે, પરંતુ આવું પહેલાથી નહતું. આજે યુવતીઓ સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરી રહી છે, કોઈ સંસ્થામાં કામ કરી છે. પુરુષ સમાન તક પ્રાપ્ત કરી રહી છે. તેનો શ્રેય માત્ર મહાત્મા જ્યોતિરાવ ફૂલે ને જાય છે. મહાત્મા અને તેમના પત્ની સાવિત્રીબાઈ એ પોતાનું આખું જીવન મહિલાઓના ઉત્થાન, જાતીય સમાનતા તથા જાતિગત ભેદભાવ વિરુદ્ધ લડવામાં પસાર કર્યું.
જ્યોતિબા ફૂલે પિતા ગોવિંદરાવ અને માતા ચિમનાબાઈના બે સંતાનો પૈકી નાના પુત્ર હતા. તેમની ઉંમર એક વર્ષની હતી ત્યારે તેમના માતાનું અવસાન થયું હતું. તેમનો પરીવાર ઘણી પેઢીઓથી સતારાથી પુણે આવીને ફૂલોના ગજરા વેચવાનું કામ કરતો હતો. આથી માળી કામ કરતો તેમનો પરીવાર ફુલે તરીકે ઓળખાતો હતો.જ્યોતિબા પ્રાથમિક શાળામાં લેખન–વાંચન અને અંકગણિતની પાયાની બાબતો શીખી લીધા બાદ અભ્યાસ અધૂરો છોડી પરિવારના વ્યવસાયમાં જોડાઈ ગયા અને દુકાન તથા ખેતરના કામમાં મદદ કરવા લાગ્યા. માળીમાંથી ઇસાઇ ધર્મ અંગિકાર કરેલ એક વ્યક્તિએ ફુલેની બુદ્ધિમતા જોઈને ફુલેના વધુ અભ્યાસ માટે તેમના પિતાને સમજાવ્યા. જેથી ફુલેને સ્થાનિક સ્કોટીશ મિશન હાઈસ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા. તેમણે ૧૮૪૭માં તેમનો અંગ્રેજી અભ્યાસ પૂર્ણ કર્યો. સામાજીક પરંપરા અનુસાર માત્ર ૧૩ વર્ષની ઉંમરે ૧૮૪૦માં તેમના લગ્ન તેમના પિતા દ્વારા પસંદ કરવામાં આવેલ તેમની જ જ્ઞાતિની એક કન્યા માત્ર ૯ વર્ષના એવા સાવિત્રિબાઈ ફુલે સાથે કરવામાં આવ્યા.
૧૮૪૮નો એક બનાવ તેમના જીવનમાં સીમાચિહ્નરૂપ રહ્યો જ્યારે તેઓ તેમના એક બ્રાહ્મણ મિત્રના લગ્નમાં હાજરી આપવા ગયા. તેમણે લગ્ન સમારોહ દરમિયાન વિવાહ સરઘસમાં ભાગ લીધો. પાછળથી આ સંદર્ભે તેના મિત્રના માતાપિતા દ્વારા ઠપકો મળ્યો અને તેમનું અપમાન કરવામાં આવ્યું. તેમને કહેવામાં આવ્યું કે તેઓ નીચી જાતિના હોવાથી તેમણે આ સમારોહથી દૂર રહેવું જોઈતું હતું. આ ઘટનાથી ફુલે ખૂબ જ વ્યથિત થયા અને જાતિવ્યવસ્થાના અન્યાયની તેમના પર ખૂબ ઊંડી અસર પડી.
પ્રથમ એમણે તેમના પત્નીનેભણાવ્યા .૧૯૪૮માં તેઓ પ્રથમ મહિલા શિક્ષિક બન્યા, તેમણે પોતાની કવિતા દ્વારા શિક્ષણનું મહત્વ સમજાવ્યું. તેઓ અને તેમની પત્ની સાવિત્રિબાઈ ફુલેએ સ્ત્રી શિક્ષણની ચળવળનો પાયો નાખ્યો.આ પહેલને સમાજે સ્વીકારી,પણ આ માટે ફૂલે દંપતીને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. અને સમાજ વિરુદ્ધ જાવ માટે એમને ઘર છોડવું પડ્યું. શિક્ષણ, ખેતીવાડી, જ્ઞાતિપ્રથા, સ્ત્રીઓ અને વિધવાઓના ઉત્થાન અને અસ્પૃશ્યતા નિવારણનાં ક્ષેત્રોમાં પણ તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. તેમનું પ્રમુખ યોગદાન સ્ત્રીઓ અને નીચી જ્ઞાતિના મનાતા લોકોના શિક્ષણક્ષેત્રે હતું. પોતાની પત્નીને ભણાવ્યા પછી ૧૮૪૮માં તેમણે ભારતની બાલિકાઓ માટેની ભારતની પ્રથમ શાળા શરૂ કરી હતી. તેમણે ૨૪ સપ્ટેમ્બર ૧૮૭૩ના રોજ પુના ખાતે સત્યશોધક સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી હતી.
એ વખતે બાળલગ્નની પ્રથા હતી. નાની છોકરીઓના મોટા પુરુષો સાથે લગ્ન કરવામાં આવતા હતા. જેના કારણે યુવા વિધવાઓની સંખ્યામાં વધારો થતો હતો. ઉચ્ચ જાતિની વિધવાઓનું જીવન દયનીય હતું. જેમાં વિધવાનું મુંડન, ગર્ભપાત, રસોઈ કક્ષમાં પ્રવેશ નહીં, આ પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવતા હતા. આ સમસ્યા જોતા ફૂલે દંપતિએ ઉચ્ચ જાતિની વિધવાઓ માટે એક ઘર શરૂ કર્યું, જ્યાં તે પોતાનું જીવન પસાર કરી શકે. ફૂલે દંપતિએ દેશનુ પહેલું અનાથાશ્રમ પણ શરૂ કર્યું, જ્યાં તરછોડાયેલા છોકરાઓને સાચવવામાં આવતા. તેમણે એક બાળકને દત્તક પણ લીધો. વિધવા પુનર્વિવાહની પણ હિમાયત આ દંપતિએ કરી. આ પહેલ માટે તેમની ખૂબ આલોચના થઈ.
૧૮૪૮માં, ૨૩ વર્ષની ઉંમરે તેમણે ઇસાઇ મિશનરી દ્વારા સંચાલિત એક કન્યા શાળાની મુલાકાત લીધી. આ જ વર્ષે તેમણે થોમસ પેઇનેનું પુસ્તક મનુષ્યના અધિકાર (રાઇટ્સ ઓફ મેન) વાંચ્યું જેનાથી પ્રભાવિત થઈને તેમનામાં સામાજીક ન્યાયની ભાવના વિકસીત થઈ. તેમણે મહેસૂસ કર્યું કે ભારતીય સમાજમાં નીચલી જાતિઓ અને સ્ત્રીઓને ખૂબ જ નુકસાન થયું છે અને આ વર્ગોની મુક્તિ માટે શિક્ષણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ માટે સૌપ્રથમ તેમના પુસ્તક ગુલામગીરીમાં ફુલે જણાવે છે કે આ પ્રથમ શાળા બ્રાહ્મણ અને ઉચ્ચ જાતિઓ માટે હતી પરંતુ તેમના જીવનીકારના મત પ્રમાણે આ શાળા નીચલી જાતિની કન્યાઓ માટે હતી. તેમણે વિધવા પુનર્વિવાહનું સમર્થન કર્યું. અને ૧૮૬૩માં સગર્ભા વિધવાઓ સુરક્ષિત જગ્યાએ બાળકોને જન્મ આપી શકે તે માટે એક ઘરની શરૂઆત કરીફુલેએ નીચલી જાતિઓની સામાજીક અસ્પૃશ્યતાના કલંકને દૂર કરવા માટે પ્રયત્નો કર્યા.
૨૪ સપ્ટેમ્બર ૧૮૭૩ના રોજ ફુલેએ સ્ત્રીઓ, દલિતો અને ક્ષુદ્રો જેવા શોષિત સમૂહોના અધિકારો માટે સત્યશોધક સમાજની સ્થાપના કરી. તેના માધ્યમથી તેમણે મૂર્તિપૂજા અને જાતિવ્યવસ્થાનો વિરોધ કર્યો. સત્યશોધક સમાજે તર્કસંગત વિચારના પ્રસાર માટે અભિયાન ચલાવ્યું તેમજ પૂજારીઓની જરુરીયાતને નકારી દીધી. તેમણે સત્યશોધક સમાજની સ્થાપના માનવતા, સુખ, એકતા, સમાનતા અને સહજ ધાર્મિક સિદ્ધાંતોના આદર્શો સાથે કરી હતી.
28 નવેમ્બર, 1890ના રોજ મહાત્મા જ્યોતિરાવ ફૂલેનું નિધન થયું હતું. સાવિત્રીબાઈએ પોતાની પહેલ ચાલુ રાખી હતી. મહાત્માને મહારાષ્ટ્ર અને ભારતના અન્ય રાજ્યોમાં એકાધિક વખત સન્માનિત કરાયા છે. યૂનિવર્સિટી, મ્યુઝિયમ્સ તથા શાક માર્કેટ સહિત અઢળક જગ્યાઓના નામ આ મહાપુરુષ પર રાખવામાં આવ્યા છે. ફુલેના સન્માનમાં ઘણા સ્થાનો અને સ્મારકો આવેલા છે:મહારાષ્ટ્ર વિધાનસભા ભવનના પરિસરમાં પૂર્ણ કદની પ્રતિમા,મુંબઈમાં મહાત્મા જ્યોતિબા ફુલે બજાર,મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રાહુરીમાં મહાત્મા ફુલે કૃષિ વિદ્યાપીઠ (કૃષિ યુનિવર્સિટી),મહાત્મા જ્યોતિબા ફુલે રોહિલખંડ યુનિવર્સિટી.
૧૧ મે ૧૮૮૮ના રોજ મુંબઈના અન્ય એક સમાજ સુધારક વિઠ્ઠલરાવ કૃષ્ણાજી વંદેકરે તેમને મહાત્માની પદવીથી સન્માનિત કર્યા. ભારતના પ્રથમ કાયદા મંત્રી અને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરે ફુલેને તેમના ત્રણ ગુરુઓ પૈકી એક તરીકે સ્વીકાર્યા હતા.
આવા પ્રખર સમાજસુધારકને જન્મજયંતીએ શત શત વંદન.