Tezaab - 5 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | તેજાબ - 5

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

તેજાબ - 5

૫.  દિલીપની ચાલ...!

 ફોજીચોકીના કેદખાનાના એક ખૂણામાં બેડીથી જકડાયેલો સલીમ રઝા બેઠો હતો. ઠંડીને કારણે એનો દેહ કંપતો હતો.

 કેદખાનાની દીવાલો લાલ ઈંટોની બનેલી હતી અને જમીન પથરાળ હતી. કોઈક પહાડીને ચીરીને આ ફોજીચોકી બનાવવામાં આવી છે તે સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું.

 દિલીપ કેદખાનામાં પ્રવેશ્યો ત્યારે એના હાથમાં ગરમાગરમ ચાનો એક મોટો કપ જકડાયેલો હતો.

 ‘હલ્લો, જેન્ટલમેન !’ એણે સલીમ પાસે પહોંચીને કહ્યું. 

 સલીમે કંઈ જવાબ ન આપ્યો.

 કડકડતી ઠંડીને કારણે એની હાલત એકદમ ખરાબ થઈ ગઈ હતી.

 ‘ચા પીવી છે ?’ દિલીપે ચાનો કપ એની સામે લંબાવતા પૂછ્યું.

 સલીમ રઝાએ સહેજ ખમચાઈને દિલીપ સામે જોયું. પહેલાં તો તેને એમ જ લાગ્યું કે દિલીપ પોતાની ઠેકડી ઉડાડવા માગે છે. પરંતુ પછી જ્યારે એણે જોયું કે દિલીપ ખરેખર તેને ચા આપે છે ત્યારે એણે એના હાથમાંથી કપ લઈને ઉપરાઉપરી બે ઘૂંટડા ભરી લીધા.

 ગરમાગરમ ચાના ઘૂંટડા ગળા નીચે ઉતરતાં જ એણે થોડી રાહત અનુભવી.

 ‘થેંક યૂ મિસ્ટર દિલીપ..’ એણે આભારવશ નજરે દિલીપ સામે જોયું.

 દિલીપ કંઈ ન બોલ્યો.

 એને પણ ઠંડી લાગતી હતી એટલે એણે ઓવરકોટનું ઉપરનું બટન સુધ્ધાં બીડેલું હતું અને માથા પર હેટ મજબૂતીથી નમાવી રાખી હતી.

 સલીમ રઝાએ જલદી જલદી ઘૂંટડા ભરીને ચાનો કપ ખાલી કરી નાખ્યો.

 ‘શું હજુ કઈં પૂછવાનું બાકી રહી ગયું છે, મિસ્ટર દિલીપ ?’

 ‘ના. કશુંય પૂછવાનું બાકી નથી રહ્યું.’ દિલીપ બોલ્યો, ‘બલ્કે, તું મને કદાચ કહેતાં ભૂલી ગયો હતો એ વાતો હું તને જણાવવા માટે આવ્યો છું.’

 ‘હું તમને કહેતાં ભૂલી ગયો હતો ?’ સલીમે કંપતા અવાજે પૂછ્યું.

 ‘હા, દોસ્ત !’

 ‘કંઈ વાત ?’

 ‘દોસ્ત...પાકિસ્તાન હવે ભારતની ધરતી પર જ તાલીમકેન્દ્ર શરૂ કરવાની યોજના બનાવે છે એવું તેં મને કહ્યું હતું, ખરું ને ?’

 ‘હા, બરાબર છે.’ સલીમે હકારમાં માથું હલાવ્યું.

 ‘પરંતુ પાકિસ્તાને અહીં એક તાલીમકેન્દ્ર શરૂ પણ કરી દીધું છે અને આ તાલીમકેન્દ્રમાં ત્રાસવાદીઓને તાલીમ આપવાનું કામ શરૂ પણ થઈ ચૂક્યું છે, એવું મને તો જાણવા મળ્યું છે.’

 દિલીપનું કથન સાંભળીને સલીમ એકદમ ચમક્યો.

 એના ચહેરા પર દુનિયાભરનું અચરજ ઊતરી આવ્યું.

 ‘કેમ ? મારી વાત ખોટી છે ?’ દિલીપે એની આંખોમાં પોતાની આંખો પરોવતાં પૂછ્યું.

 ‘અ..આ વાત તમને ક્યાંથી જાણવા મળી ?’

 ‘ગમે ત્યાંથી મળી હોય; એની સાથે તારે કશીયે લેવાદેવા નથી. તું માત્ર એટલું જ જણાવ કે આ વાત સાચી છે કે ખોટી ?’ 

 જવાબમાં સલીમ નીચું જોઈ ગયો.

 અપરાધબોધના હાવભાવ સ્પષ્ટ રીતે એના ચહેરા પર ઊપસી આવ્યા.

 ‘આનો અર્થ એ થયો કે મને જાણવા મળેલી આ વાત બિલકુલ સાચી છે, ખરું ને ?’

 સલીમ આ વખતે પણ કઈં ના બોલ્યો.

 ‘મારી વાતનો જવાબ આપ સલીમ.’ દિલીપે રોષથી તમતમતા અવાજે કહ્યું, ‘શું ખરેખર ઘાટીમાં એક તાલીમકેંદ્ર શરૂ થઈ ગયું છે ?’

 ‘હ.હા...આ વાત સાચી છે.’

 ‘જો સાચી છે તો પછી તેં પહેલેથી જ એ તાલીમકેન્દ્ર વિશે મને શા માટે ન જણાવ્યું ?’ દિલીપે એક એક શબ્દ પર ભાર મૂકતાં કઠોર અવાજે પૂછ્યું.

 સલીમના હોઠ ફરીથી બીડાઈ ગયા.

 ‘હું જે કંઈ પૂછું એના ફટાફટ જવાબ આપ, સલીમ.’ દિલીપ જોરથી તાડૂક્યો, ‘અત્યારે હું તારી સાથે જીભથી જ વાત કરું છું. બાકી જવાબ મેળવવા માટે હાથ –પગનો ઉપયોગ કરતાં પણ મને આવડે છે. બોલ....ઘાટીમાં તાલીમકેન્દ્ર કઈ જગ્યાએ શરૂ કરવામાં આવ્યું છે.?’

 સલીમે ડરતાં ડરતાં જે બંકરમાં તાલીમકેન્દ્ર ચાલતું હતું એ સ્થળ ઉપરાંત સુરદાસ દોશીની ઝૂંપડી વિશે પણ બધું જ જણાવી દીધું.

 ‘ઓહ...તો એ તો ઝૂંપડીમાંથી જ બંકરમાં જવાનો માર્ગ છે, એમ ને..?’

 ‘હા...’

 ‘શું તારો રીંગલીડર પરવેઝ સિકંદર પણ ત્યાં જ રહે છે ?’

 ‘હા...એ પણ ત્યાં જ રહે છે. એ જ ત્યાં ત્રાસવાદીઓને તાલીમ આપે છે’

 ‘ગુડ.’

 ત્યાર બાદ દિલીપે એક સિગારેટ પેટાવી.

 બહાર હળવી બરફવર્ષા શરૂ થઈ ચૂકી હોવાને કારણે વાતાવરણમાં ઠંડક એકદમ વધી ગઈ હતી. ઠંડી હવાના સપાટા કેદખાના સુધી આવતા હતા. પરિણામે સલીમનો દેહ રહી રહીને ધ્રૂજી ઊઠતો હતો.

 અલબત્ત,દિલીપે ઓવરકોટ પહેર્યો હોવાથી તેને ઘણી રાહત હતી.

 ‘મ...મને પણ એક સિગારેટ આપશો...?’ સલીમે તરસી નજરે દિલીપના હાથમાં જકડાયેલી સિગારેટ તરફ તાકી રહેતાં પૂછ્યું.

 ‘જરૂર...’

 દિલીપે તરત જ એક બીજી સિગારેટ પેટાવીને સલીમને આપી દીધી.

 સલીમ સિગારેટના ઊંડા ઊંડા કસ ખેંચવા લાગ્યો. પોતાના શરીરને ગરમી આપવાના તે ભરચક પ્રયાસ કરતો હતો.

 અચનાક દિલીપને એક યુક્તિ સૂઝી આવતાં એણે તાબડતોબ એનો અમલ કરી નાખ્યો.

 ‘સલીમ,...!’ તે સલીમ સામે જોતાં બોલ્યો, ‘તેં અમને ખૂબ જ મદદ કરી છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. તારી પાસેથી અમને ઘણું જાણવા મળ્યું છે. પરંતુ તારે હજુ પણ મારું એક કામ કરવું પડશે’

 ‘કયું કામ ?’

 ‘આ જો.તારું ટ્રાન્સમીટર મારી પાસે છે.’ દિલીપે ગજવામાંથી ટ્રાન્સમીટર કાઢીને તેને બતાવ્યું. 

 સલીમે સિગારેટનો એક વધુ કસ ખેંચીને પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

 ‘મેં ચેક કર્યું છે દોસ્ત.’ દિલીપ સિગારેટનો કસ ખેંચતાં સહેજ નરમ અવાજે બોલ્યો, ‘આ ટ્રાન્સમીટરની રેંજ પણ ખૂબ જ વધુ છે. હવે તારે આ ટ્રાન્સમીટર દ્વારા તારા રીંગલીડર પરવેઝનો સંપર્ક સાધીને તેની પાસેથી અમુક વાતોની માહિતી મેળવવાનો પ્રયાસ કરવાનો છે.’

 ‘કઈ જાતની માહિતી?’

 ‘એ જ કે કમાન્ડોઝની ઘૂસણખોરી કઈ તારીખે અને સીમારેખાના કયા સ્થળેથી થવાની છે ?’

 ‘ન...ના...’ સલીમ તરત જ બોલી ઊઠ્યો, ‘આ કામ હું કરી શકું તેમ નથી.’

 વળતી જ પાળે દિલીપના વજનદાર બૂટની લાત પૂરી તાકાતથી એના પેટ પર ઝીંકાઈ.

 સલીમના મોંમાંથી ભયપૂર્ણ ચીસ સરી પડી.

 તે સ્વસ્થ થાય એ પહેલાં જ દિલીપે એના જડબા પર પ્રચંડ મુક્કો ઝીંકી દીધો.

 સલીમનું જડબું હચમચી ઊઠ્યું. પોતાના જડબા પર મુક્કાનો નહીં પણ વજનદાર હથોડાનો પ્રહાર થયો છે એમ તેને લાગ્યું. તે ચીસ નાખતો પાછળના ભાગે ઊથલી પડ્યો.

 એના હાથ –પગમાં બાંધેલી લોખંડની બેડીઓ રણકી ઉઠી.

 એની આંગળીઓ વચ્ચે જકડાયેલી સિગારેટ દૂર ફેંકાઈ ગઈ.

 ભય, ખોફ અને દહેશતથી એની આંખોના ડોળા ફાટી પડ્યા.

 ‘ન...નાં...મિ....મિસ્ટર દિલીપ...!’ એ કંપતા-કરગરતા અવાજે બોલી ઊઠ્યો, ‘મ...મને મારશો નહીં.’

 ઠંડીમાં માર પડવાથી તેને સખત પીડા થતી હતી.

 ‘તું એક વાત બરાબર સમજી લે સલીમ.’ દિલીપે ચાબુકના ફટકા જેવા અવાજે કહ્યું, ‘હું કહું એ બધું કામ તારે કરવું પડશે. હવે સીધી રીતે કરવું છે કે માર ખાઈને કરવું છે એનો નિર્ણય તારા હાથમાં છે.મારે કોઈ પણ ભોગે કમાન્ડોઝની ઘૂસણખોરી વિશે માહિતી જોઈએ છે, સમજ્યો...?’

 સલીમ વેદનાથી કણસતી હાલતમાં ઊભો થયો.

 લોખંડની બેડીઓ ફરીથી એક વાર રણકી ઊઠી.

 ‘આ લે....!’ દિલીપે એની સામે ટ્રાન્સમીટર લંબાવતાં કહ્યું, ‘આની ફ્રિકવન્સી મેળવ અને તારા રીંગલીડર પરવેઝ સાથે વાત કર.’

 સલીમે કંપતા હાથે ટ્રાન્સમીટર પકડ્યું.

 ‘આ સિવાય મારી એક બીજી વાત પણ બરાબર કાં ક્જોલીને સાંભળી લે.’

 ‘શું?’

 ‘ટ્રાન્સમીટર પર પરવેઝ સાથે વાત કરતી વેળાએ જો તું કોઈ પણ જાતની ચાલ રમવાનો અથવા તો સાંકેતિક ભાષામાં વાત કરવાનો પ્રયાસ કરીશ તો એ જ પળે મારી રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી તારા લમણાની આરપાર નીકળી જશે.’ કહેતાં કહેતાં દિલીપે ઓવેરકોટના ગજવામાંથી પોતાની રિવોલ્વર કાઢીને તેનો સેફ્ટી કેચ ખસેડી નાખ્યો, ‘તારે એકદમ સામાન્ય ઢબે અને જાણે મુંબઈથી જ વાત કરતો હો એવું જ દર્શાવવાનું છે, સમજ્યો...? જો આમાં ક્યાંક ભૂલ કરીશ તો એ તારી જિંદગીની છેલ્લી ભૂલ બની જશે એટલું યાદ રાખજે.’

 ‘પણ...પણ જો પરવેઝ મને પૂછશે કે હું મારું કામ પતાવીને મુંબઈથી શા માટે પાછો નથી ફર્યો તો મારે તેને શું જવાબ આપવો?’

 દિલીપે એણે પરવેઝને શું જવાબ આપવો તે અંગે પણ સમજાવી દીધું.

 સલીમની આંગળીઓ ટ્રાન્સમીટરનાં બટનો પર ફરવા લાગી.

******

 વિશાળ બંકરમાં ત્રાસવાદીઓને તાલીમ આપવાનું કામ પૂર્વવત રીતે ચાલુ હતું.

 બંકરમાં પહેલાંની માફક જ ગોળીઓ છૂટવાના ધડાકા ગુંજતા હતા.

 અનવર અને રમજાનના આગમનથી થોડી વાર માટે સ્થગિત થયેલું તાલીમનું કામ પુનઃ શરુ થઈ ગયું હતું. અલબત્ત, સલીમના ન આવવાને કારણે બધા ચિંતાતુર હતા. ખાસ કરીને નાસીરખાન વધુ પડતો ચિંતાતુર અને વ્યાકુળ દેખાતો હતો.સલીમ કરતાં પણ સલીમના પોલીસની ચુંગાલમાં સપડાઈ જવાની ફિકર તેને વધુ સતાવતી હતી. જો સલીમ પકડાઈ ગયો હશે તો તેને કારણે તાલીમકેંદ્ર બંધ થઈ જશે એવો ભય એને લાગતો હતો.

 પરવેઝ હજુ પણ ત્રાસવાદીઓને તાલીમ આપતો હતો.

 પરંતુ હવે એનું ધ્યાન તાલીમ આપવામાં ઓછું ને રેશમા પ્રત્યે વધુ હતું.

 રેશમા એની પાસે જ હતી.

 પરવેઝ પાકિસ્તાનથી પંદર દિવસ પહેલાં જ આવ્યો હતો અને પહેલી નજરે જ રેશમા તેને ગમી ગઈ હતી. રેશમા પણ તેના પ્રત્યે આકર્ષાઈ હતી. અત્યાર સુધીમાં બંન્ને કેટલીય વાર ચોરીછૂપીથી મળી ચૂક્યાં હતાં.

 ‘રેશમા...’ પરવેઝ ચમકતી આંખે રેશમા સામે જોતાં બોલ્યો, ‘તું કહેતી હો તો તને પણ બંદૂક ચલાવતાં શિખવાડી દઉં.’

 ‘પરવેઝ સાહેબ...’ રેશમાએ માદક સ્મિત રેલાવતાં કહ્યું, ‘તમે હજુ મારું નિશાન નથી જોયું લગતું. મારું નિશાન જોઈને તમે પણ મોંમાં આંગળાં નાખી જશો.’

 ‘એમ ?’

 ‘હા’

 ‘તારી આંખોનું નિશાન જ કોઈને પણ ધૂળ ચાટતો કરવા માટે કાફી છે.’ પરવેઝ અર્થસૂચક અવાજે બોલ્યો.

 ‘તમે ખરેખર બેશરમ છો.’ રેશમા નીચું જોઈ જતાં બોલી.

 ‘કેમ ? હજુ તો મેં કંઈ કર્યું પણ નથી.’ કહેતાં કહેતાં પરવેઝે ધીમેથી તેનો હાથ પકડી લીધો.

 ‘મારો હાથ છોડો.’ રેશમા ગભરાઈને બોલી.

 ‘ના..’ પરવેઝે એના હાથને મજબૂતીથી દબાવ્યો.

 ‘મેં કહ્યું ને કે મારો હાથ છોડો.’

 ‘કેમ ?’ પરવેઝે હસીને પૂછ્યું.

 ‘કોઈ જોઈ જશે તો શું સમજશે ?’

 ‘જે સમજવું હોય તે સમજે.’

 રેશમાએ બળજબરીથી એની પકડમાંથી પોતાનો હાથ છોડાવી લીધો.

 એ જ વખતે પરવેઝના ગજવામાં પડેલા ટ્રાન્સમીટરમાંથી બીપ....બીપ..નો અવાજ ગુંજતાં એનું ધ્યાન રેશમા પરથી ખસીને તેના પ્રત્યે કેન્દ્રિત થઈ ગયું.

 એણે તરત જ ટ્રાન્સમીટર કાઢીને ચાલુ કર્યું.

 ‘હલ્લો...હલ્લો...પરવેઝ સ્પીકિંગ.’

 ‘પરવેઝસાહેબ...!’ સામે છેડેથી એક પરિચિત સ્વર તેને સંભળાયો, ‘હું સલીમ રઝા બોલું છું.’

 સલીમનું નામ સાંભળતાં જ પરવેઝના સમગ્ર દેહમાં રોમાંચ ફરી વળ્યો.

 બાજુમાં ઊભેલી રેશમા પણ આ નામ સાંભળીને ચમકી ગઈ.

 ‘સલીમ..!’ પરવેઝે ઊંચા અવાજે કહ્યું, ‘તું ક્યાંથી બોલે છે ?’

 ‘હું મુંબઈથી બોલું છું, પરવેઝસાહેબ !’ સલીમનો ઉંચો અવાજ તેને સંભળાયો, ‘હું અહીં અટવાઈ ગયો છું. મુંબઈની પોલીસ હાથ ધોઈને મારી પાછળ પડી ગઈ છે.’

 ‘શું વાત કરે છે ? મુંબઈની પોલીસ તારી પાછળ પડી છે ? પણ અનવર અને રમજાન તો એકદમ સહીસલામત અહીં પહોંચી ગયા છે.’

 ‘એ બંને પોલીસની નજરે નહોતા ચડ્યા, પરવેઝસાહેબ. વી.ટી. સ્ટેશનના કલોકરૂમમાં બોમ્બવાળી બ્રીફકેસ મૂકવા માટે હું ગયો હતો એટલે મારા પર પોલીસની નજર પડી ગઈ છે. આ કારણસર મારે તાબડતોબ ત્યાંથી નાસી છૂટવું પડ્યું.’

 ‘પરંતુ એ દિવસે વી.ટી. સ્ટેશન પરથી એક ત્રાસવાદી પકડાયો હતો. શું એ તું નહોતો ?’

 ‘ના, એ હું નહોતો પરવેઝસાહેબ.’ પોલીસે કોઈક બીજા જ ત્રાસવાદીને પકડ્યો હતો.’ ટ્રાન્સમીટરમાંથી સલીમનો અવાજ ગુંજતો હતો, ‘એ પણ બોમ્બ મૂકવાના ઈરાદાથી જ વી.ટી. સ્ટેશનમાં ગયો હતો, પરંતુ પોલીસે તેને પકડી લીધો. એના જ કારણે મારે પણ મારો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગવું પડ્યું. પરતું તેમ છતાંય હું પોલીસની નજરે ચડી ગયો.’

 ‘ઓહ...’

 પરવેઝ સન્નાટામાં આવી ગયો.

 એના ચહેરા પર ચિંતાની રેખાઓ ફરી વળી.

 ‘ખેર, અત્યારે તું મુંબઈમાં ક્યાં છે ?’ એણે પૂછ્યું.

 ‘મેં અહીં એક હેરકટિંગ સલૂનવાળા સાથે દોસ્તી કરી લીધી છે અને અત્યારે હું એના જ સલૂનમાં છુપાયો છું. આજે મને તમારી સાથે ટ્રાન્સમીટર પર વાત કરવાની તક પણ માંડ માંડ મળી છે કારણ કે એ સલૂનવાળો મોટે ભાગે મારી સાથે જ રહે છે.’

 ‘આનો અર્થ એ થયો કે તું ખૂબ જ મુશ્કેલીમાં છું, ખરું ને ?’

 ‘હા, પરવેઝસાહેબ ! પોલીસ અહીં શિકારી કૂતરાની જેમ મને શોધે છે પરંતુ તમે મારી ફિકર કરશો નહીં. મને અહીંથી નીકળવાની તક મળશે કે તરત જ હું તમારી પાસે પહોંચી જઈશ. ખેર, પાકિસ્તાની કમાન્ડોઝની ઘૂસણખોરી ક્યારે થવાની છે ?’

 દિલીપની યોજના મુજબ થોડી ઔપચારિક વાત કર્યા પછી જ સલીમે મુદ્દાનો સવાલ પૂછ્યો હતો.

 ‘ઘૂસણખોરીનો દિવસ નક્કી નથી થયો.’ પરવેઝ બોલ્યો, ‘આમેય ઘૂસણખોરીની પહેલાં એક બીજી મુશ્કેલી નિવારવાની છે.’

 ‘બીજી કઈ મુશ્કેલી ?’

 ‘ભારતીય ફોજ પર ગોળીઓનો વરસાદ વરસાવી શકાય એટલી ભરપૂર માત્રામાં અહીંના જેહાદીઓ પાસે શસ્ત્રો નથી. ઘૂસણખોરી વખતે ભારતીય ફોજ પર બંને તરફથી ગોળીબાર કરવામાં આવશે એ તો તું જાણે જ છે. સીમારેખાની બીજી તરફથી પાકિસ્તાની ફોજ અને આ તરફથી જેહાદીઓ ગોળીબાર કરશે. જેને કારણે ભારતીય ફોજનું ધ્યાન એ બંનેમાં જ અટવાઈ જશે અને આ તકનો લાભ લઈને કમાન્ડોઝ ઘૂસી જશે. પરંતુ ઘૂસણખોરીનું આ કામ પાર પાડતાં પહેલાં હથિયારોની ખેપ આવશે.’

 ‘હથિયારોની ખેપ ક્યારે આવશે ?’

 ‘એ બાબતમાં હજુ સુધી મને કોઈ સમાચાર નથી મળ્યા. હવે તું એ બધી વાતોને પડતી મૂક અને જેમ બને તેમ જલ્દીથી અહીં આવવાનો પ્રયાસ કર. તારે કારણે અમે બધા ખૂબ જ ચિંતામાં મુકાઇ ગયા છીએ.’

 ‘ભલે, પરવેઝસાહેબ ! હું બનતી ત્વરાએ ત્યાં પહોંચવાનો પ્રયાસ કરું છું.’

 ‘બીજી કોઈ મુશ્કેલી પડે તો તરત જ મને જાણ કરજે.’

 ‘જરૂર.’

 વળતી જ પળે સામેથી સંપર્ક કપાઈ ગયો.

 પરવેઝે પણ ટ્રાન્સમીટર ઓફ કરીને એક તરફ મૂક્યું.

 ત્યારબાદ તે થોડે દૂર બેસીને રાઈફલ સાફ કરી રહેલા નાસીરખાન તરફ આગળ વધ્યો. 

 પરવેઝ થોડી પળો પહેલાં સલીમ સાથે ટ્રાન્સમીટર પર થયેલી વાતચીતની વિગત અક્ષરશ: તેને કહી સંભળાવી. એની વાત સાંભળીને નાસીરખાન વિચારમાં પડી ગયો.

 ‘પરવેઝ...!’ થોડી વાર સુધી વિચાર કર્યા બાદ છેવટે એ ગંભીર અવાજે બોલ્યો, ‘તું ગમે તે કહે...પરંતુ મને તારી વાતમાં સ્પષ્ટ રીતે ગડબડ દેખાય છે.’ આટલું કહ્યા બાદ એણે રાઈફલની નળીમાં જોયું તથા બે-ત્રણ વખત તેનું ટ્રિગર દબાવ્યું.

 ટ્રિગર હજુ પણ સહેજ અટકી અટકીને ચાલતું હતું.

 ‘કેવી ગડબડ ?’ પરવેઝે આશ્ચર્યથી પૂછ્યું.

 ‘કોણ જાણે કેમ મને એવું લાગે છે કે સલીમે તને જે કંઈ કહ્યું, એ સાચું નથી.’ નાસીરખાનનો અવાજ એકદમ ગંભીર હતો.

 ‘શું...?’

 ‘હા...એણે તારી પાસે નર્યું જુઠાણું જ ચલાવ્યું છે.’

 ‘કેવું જુઠાણું.?’

 જવાબ આપતાં પહેલાં નાસીરખાને રાઈફલમાં થોડું ગનઓઈલ નાખ્યું અને પછી ટ્રિગરને જોરથી આગળ-પાછળ ખેંચ્યું.

 ‘પરવેઝ, તું જરા તરી અક્કલના ઘોડા દોડાવ એટલે બધી વાત દીવાની માફક સ્પષ્ટ થઈ જશે. મુંબઈની પોલીસ શિકારી કૂતરાની જેમ પોતાને શોધે છે એવું સલીમે તને જણાવ્યું છે, ખરું ને...?’

 ‘હા...’

 ‘હવે જરા વિચાર....જો ખરેખર એમ જ હોય તો સલીમે આ વાત આપણને જણાવવામાં આટલું મોડું શા માટે કર્યું?’

 ‘આ વાતની ચોખવટ પણ એણે કરી જ છે, બાબા.’

 ‘શું?’

 ‘સલીમના કહેવા મુજબ તે એક હેરકટિંગ સલૂનમાં છુપાયો છે અને સલૂનવાળો મોટા ભાગે તેની સાથે જ રહે છે.’

 ‘આ વાત બિલકુલ ખોટી છે.’ નાસીરખાને પોતાના સફેદ વાળની લટને આંગળીથી પાછળ સરકાવતાં કહ્યું, ‘મારે ગળે કમસે કમ તેનું આ જુઠાણું ઊતરે તેમ નથી.’

 ‘કેમ...?’

 ‘એટલા માટે કે કોઈ પણ માણસ ભલે ગમે તેટલો કોઈની સાથે રહે, પરંતુ તેમ છતાંય ઘણી જગ્યાઓ એવી હોય છે કે જ્યાં માણસને પુરતું એકાંત મળી રહે છે.’

 ‘કેવી જગ્યા..?’

 ‘જેમ કે ટોઇલેટ તથા બાથરૂમ ! આ બંને જગ્યાઓ એવી હોય છે કે જ્યાં કોઈ માણસની સાથે બીજું કોઈ નથી હોતું. સલીમ આ બંને જગ્યાએથી આપણી સાથે ટ્રાન્સમીટર પર વાત કરી શકે તેમ હતો. સલૂનવાળો કંઈ એની સાથે સાથે જ બાથરૂમ કે ટોઇલેટમાં નહોતો જવાનો.’

 પરવેઝ ચુપ થઈ ગયો. નાસીરખાનના તર્કમાં વજન હતું.

 હવે પરવેઝને પણ ફિકર થવા લાગી.

 ‘ઓહ...તો સલીમ આપણી પાસે જુઠું બોલ્યો છે એમ આપ કહેવા માગો છો ?’

 ‘હા..’

 ‘પરંતુ આપણી સામે આવું જૂઠાણું ચલાવવાથી એણે શું લાભ...?’

 ‘એ તો હાલતુરત મને પણ કંઈ નથી સમજાતું.,’ નાસીરખાને ફરીથી એક વાર રાઈફલના ટ્રીગરને આગળ-પાછળ ખેંચ્યું, ‘પરંતુ ક્યાંક ચોક્કસ જ કંઈક ગડબડ છે, પરવેઝ.’

 પરવેઝ ચુપ થઈ ગયો.

 તે આ બાબતમાં જેમ જેમ વિચારતો હતો તેમ તેમ એની ચિંતા વધતી જતી હતી.

 આવનારા સંજોગો તેને સારા નહોતા લાગતા.

*******

 રાતના દસ વાગ્યા હતા.

 પરવેઝ બંકરમાં જ આવેલા એક રૂમમાં પલંગ પર સૂતો હતો. મગજમાંથી બધી ચિંતાઓ ખંખેરીને અત્યારે તે વ્યાકુળતાથી રેશમાની રાહ જોતો હતો.

 રેશમાના માદક સૌંદર્યની કલ્પના માત્રથી જ એની બેચેની વધી ગઈ હતી.

 ‘ખુદા જાણે ક્યાં ફસાઈ ગઈ...?’ તે દીવાલ પર લટકતી ઘડિયાળ તરફ નજર કરતાં સ્વગત બબડ્યો, ‘અત્યાર સુધીમાં તો તે આવી જવી જોઈતી હતી.’

 વાસનાની આગથી એની આંખ અંગારાની જેમ ભભૂકતી હતી.

 એના હ્રદયના ધબકારા એકદમ વધી ગયા હતા.

 ઘાટીમાં આવ્યા પછી પહેલાં દીવસથી જ એની નજર રેશમા પર હતી. તે રેશમાના અનુપમ સૌંદર્યનું પાન કરવા માંગતો હતો, પરંતુ હજુ સુધી તેને એવી કોઈ યોગ્ય તક નહોતી મળી.

 પરંતુ હવે એક ઝાટકે એની બધી મુશ્કેલીઓ દૂરથઈ ગઈ હતી કારણ કે રેશમા બંકરમાં જ રહેવા લાગી હતી. એટલું જ નહીં, એ પણ પરવેઝને એકાંતમાં મળવાની તક શોધતી હતી. પરંતુ નાસીરખાન જેવા અનુશાસનપ્રિય નેતાની હાજરીમાં ખુલ્લેઆમ તેઓ કશુંય કરી શકે તેમ નહોતાં.

 સાંજે તક મળતાં જ પોતે રાત્રે દસ વાગ્યે તેના રૂમમાં આવશે એવું રેશમાએ પરવેઝે જણાવ્યું હતું.

 એ જ વખતે દરવાજા પર ટકોરા પડ્યા.

 ‘રેશમા આવી લાગે છે.’

 મનોમન આમ વિચારીને પરવેઝ પલંગ પર બેઠો થઈ ગયો.

 રેશમાના આગમનની કલ્પનાથી એના દેહમાં મીઠી ધ્રુજારી ફરી વળી.

 દરવાજો ફરીથી ખટખટાવવામાં આવ્યો.

 ‘દરવાજો ઉઘાડો જ છે.’ પરવેઝ ઉતાવળા અવાજે બોલ્યો. 

 તરત જ ચીં....ઈ...ઈ ના અવાજ સાથે દરવાજો ઉઘડ્યો અને ત્યાર પછી બગલઘોડીનો ઠક ઠક અવાજ ગુંજી ઊઠ્યો.

 પરવેઝ એકદમ ચમક્યો 

 વળતી જ પ ળે બગલઘોડી ઠકઠકાવતો નાસીરખાન અંદર પ્રવેશ્યો.

 ‘બાબા, આપ...?’ 

 ‘કેમ..?’ નાસીરખાને શંકાભરી નજરે એની સામે જોયું, ‘શું તું બીજા કોઈની રાહ જોતો હતો...?’

 ‘ના, બિલકુલ નહીં. આવો...આટલી મોડી રાત્રે આપને શા માટે આવવું પડ્યું ?’

 ‘તું ખૂબ જ બેદરકાર થઈ ગયો છે, પરવેઝ..!’ નાસીરખાન તેની પાસે આવીને ઊભો રહેતાં બોલ્યો, ‘આ જો...તું તારું ટ્રાન્સમીટર બહાર જ ભૂલી આવ્યો હતો. આ ટ્રાન્સમીટર પર આઈ.એસ.આઈ. ના ચીફ અબ્દુલ વહીદ કુરેશીસાહેબ ક્યારનાય તારો સંપર્ક સાધવા માંગતા હતા. પછી થોડી વાર પહેલાં તેમણે મારી સાથે વાત કરી.’

 ‘કુરેશીસાહેબ વળી મારે સાથે શું વાત કરવા માગતા હતા ?’પરવેઝે ડઘાઈને કહ્યું.

 ‘તું અગિયાર વાગ્યે મારા રૂમમાં આવ, ત્યાં હું વિગતવાર બધું જણાવી દઈશ. કુરેશીસાહેબ સાથે થયેલી વાતચીતના અનુસંધાનમાં જ મેં અગિયાર વાગ્યે એક અરજન્ટ મિટિંગ બોલાવી છે.’

 ‘ભલે...હું પહોંચી જઈશ.’

 ‘અને આ તારી પાસે રાખ.’ નાસીરખાને તેને ટ્રાન્સમીટર પાછું આપતાં કહ્યું, ‘હવે પછી ક્યારેય આવી ભૂલ કરીશ નહીં.’

 પરવેઝના ચહેરા પર શરમ અને ભોંઠપના હાવભાવ ઊપસી આવ્યા. ખરેખર આ તેની બહુ મોટી ભૂલ હતી અને રેશમાના ચક્કરમાં જ તેનાથી આ ભૂલ થઈ હતી. બાકી ટ્રાન્સમીટર જેવી અગત્યની ચીજ ક્યાંય ભૂલી જાય એવો માણસ એ બિલકુલ નહોતો.

 નાસીરખાન આવ્યો હતો એ જ રીતે ઘોડી ઠકઠકાવતો પાછો ચાલ્યો ગયો.

 એના ગયા પછી દસેક મિનિટ બાદ રેશમા આવી પહોંચી.

 ‘સોરી, પરવેઝસાહેબ !’ આવતાંવેંત એણે શરારતભર્યા અવાજે કહ્યું, ‘મને સહેજ મોડું થઈ ગયું.’

 ‘મોડાની બચ્ચી...! તારે કારણે આજે હું મોટી આફતમાં આવતો બચ્યો છું.’

 ‘કેવી આફત ?’

 જવાબમાં પરવેઝે તેને ટ્રાન્સમીટર ભુલાઈ જવાની તથા નાસીરખાનના આગમનની વાત જણાવી દીધી.

 ‘ક્યાંક બાબાને આપણી ઉપર શંકા તો નથી ઊપજી ને ?’ રેશમાના અવાજમાં ગભરાટનો સૂર હતો.

 ‘ના, મને તો એવું નથી લાગતું.’

 ‘હું જાઉં છું.’ રેશમા જવા માટે પીઠ ફેરવતાં બોલી, ‘બાબા આવશે તો ઉપાધિ થશે.’

 ‘બાબા નહીં આવે.’ પરવેઝે આગળ વધીને તેનો હાથ પકડતાં કહ્યું, ‘તેઓ મિટિંગની તૈયારીમાં પડ્યા છે.’

 ‘છતાંય મને ડર લાગે છે.’

 ‘એ બધી વાતોને હવે પડતી મૂક.’

 વાર પૂરી કર્યા બાદ પરવેઝ રેશમાને પોતાના આલિંગનમાં જકડીને પલંગ તરફ આગળ વધી ગયો.

*****************