Tezaab - 9 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | તેજાબ - 9

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

તેજાબ - 9

૯ હવે શું થશે...?

 ફોજીચોકીના વિશાળ હોલમાં અત્યારે લશ્કરના ઉચ્ચાધિકારીઓની મિટિંગ ચાલતી હતી.

 હોલમાં દિલીપનો ગંભીર અવાજ ગુંજતો હતો.

 ‘સંજોગો પળે પળે વિકટ થતાં જાય છે ! પરવેઝ આપણા કબજામાં છે એની આઈ.એસ.આઈ. ના ચીફ અબ્દુલ વહીદ કુરેશીને ખબર પડી ગઈ હોય એવું મને લાગે છે. એટલા માટે જ એણે હથિયારોની ખેપ ક્યારે ને કેવી રીતે આવવાની છે એ બાબાતમાં પરવેઝને ટ્રાન્સમીટર પર કશુંય જણાવ્યા વગર જ સંપર્ક કાપી નાખ્યો છે.’

 અત્યારે બધા ઓફિસરોના ચહેરા પર ચિંતાનાં વાદળો ઘેરાયેલાં હતાં.

 ‘મિસ્ટર દિલીપ !’ બ્રિગેડિયર જશપાલસિંઘ બોલ્યો, ‘જો આ વાતની કુરેશીને ખબર પડી ગઈ હોય તો આપણા માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે.’

 ‘હા...’ દિલીપે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું, ‘સૌથી મોટી ઉપાધિ તો એ છે કે હવે હથિયારોની ખેપ વિશે આપણને કશુંય જાણવા નહીં મળે. એક માત્ર પરવેઝ પાસેથી જ આપણને આ વાતની માહિતી મળી શકે તેમ હતી. પરંતુ હથિયારોની ખેપ ક્યાં અને કેવી રીતે આવવાની છે એની હજુ સુધી પરવેઝને પણ ખબર નથી.’

 ‘ક્યાંક એ તમારી પાસે ખોટું તો નથી બોલતો ને, મિસ્ટર દિલીપ ?’ કર્નલ સુરેન્દ્ર ત્યાગીએ પૂછ્યું.

 ‘નાં...!’ દિલીપે આત્મવિશ્વાસથી ભરપુર અને મક્કમ અવાજે જવાબ આપ્યો, ‘ત્યાગીસાહેબ, મેં મારી જિંદગીમાં અનેક જાસૂસોને ભયંકર રીતે ટોર્ચર કર્યા છે. તોબા પોકારી જાય એવી યાતનાઓ આપી છે.યાતના આપતી વખતે મારી નજર સતત અપરાધીના ચહેરાનું અવલોકન કરતી હોય છે. એના ચહેરાના હાવભાવ પરથી હું તરત જ સમજી જાઉં છું કે તે ક્યારે સાચું બોલે છે ને ક્યારે ખોટું. પરવેઝ વિશે એક વાત હું પૂરી ખાતરીથી કહી શકું છું કે હથિયારોની ખેપ ક્યારે ને કેવી રોતે આવવાની છે એની તેને કંઈ જ ખબર નથી.’ 

 ‘તો પછી આ વાતની આપણને કેવી રીતે ખબર પડશે ?’

 ‘એ જ તો કંઈ નથી સમજાતું.’

 હોલમાં સન્નાટો છવાઈ ગયો.

 કોઈને કંઈ નહોતું સૂઝતું.

 બધાનાં દિમાગ જાણે કે કામ કરતાં અટકી ગયાં હતાં.

 ‘મિસ્ટર દિલીપ....!’ એક ઓફિસર બોલ્યો, ‘જો આપણે કમાન્ડોઝની ઘૂસણખોરી અટકાવવી હોય તો કોઈ પણ સંજોગોમાં હથિયારોની ખેપ ત્રાસવાદીઓ સુધી નહીં પહોંચવા દેવી જોઈએ. હથિયાર જ તેમની સૌથી મોટી તાકાત છે. શસ્ત્રોના જોરે જ તેઓ આ યોજના પાર પાડવાના છે.’

 ‘એ તો સ્પષ્ટ જ છે.’ દિલીપે ધીમેથી હકારમાં માથું હલાવ્યું.

 હોલમાં ફરીથી એક વાર ચુપકીદી પ્રસરી ગઈ.

 સૌકોઈ પોતપોતાનાં દિમાગના ઘોડાને દોડાવતા હતા.

 એ જ વખતે એક એવો બનાવ બન્યો કે જેણે ચપટી વગાડતાં જ તેમની મુશ્કેલીનો અંત લાવી દીધો.

 અચાનક એક લાન્સનાયક રેન્કનો સૈનિક દોડતો દોડતો ત્યાં આવી પહોંચ્યો. જાણે કોઈક પહાડી ઊતરીને આવ્યો હોય એમ તેને સખત હાંફ ચડી ગઈ હતી. એણે માથા પર જંગલમાં સૈનિકો પહેરે છે એવી હેટ પહેરી હતી. પગમાં હોલ બૂટ હતા. એના ખભા પર એસ.એલ.આર. લટકતી હતી.

 ‘શું વાત છે ?’ બ્રિગેડિયર જશપાલસિંઘે આશ્ચર્યથી તેની સામે જોતાં પૂછ્યું, ‘તું હાંફે છે શા માટે ?’

 ‘બ્લેક ટાઈગરનો સંદેશો આવ્યો છે, બ્રિગેડિયરસાહેબ !’ આગંતુક સૈનિકે જવાબ આપ્યો.

 સૈનિકની વાત મિટિંગમાં મોજૂદ સૌકોઈને માટે બોમ્બવિસ્ફોટની ગરજ સારી ગઈ.

 સૈનિકે એક તિરંગો ટેબલ પર મૂકી દીધો.

 દિલીપે જોયું તો એ તિરંગા ધ્વજમાં ગાંઠ વળેલી હતી. તેમાં કંઈક બાંધેલું છે એ સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું 

 ‘પરંતુ ‘બ્લેક ટાઈગર ‘તો હંમેશા ટ્રાન્સમીટર પર જ સંદેશો આપે છે.’ એ શંકાભર્યા અવાજે બબડ્યો.

 ‘ના, મિસ્ટર દિલીપ...!’ કર્નલ સુરેન્દ્ર ત્યાગીએ કહ્યું, ‘સંદેશો આપવા માટે ‘બ્લેક ટાઈગર’ ની એક રીત આ પણ છે. ટ્રાન્સમીટર પર સંદેશો આપવાની અનુકુળતા ન હોય અથવા તો એમાં તેને કંઈ જોખમ જેવું લાગતું હોય તો તે પોતાની સંદેશો આ રીતે ભારતના તિરંગા ધ્વજમાં બાંધીને સહેલાઈથી સૈનિકોની નજરે ચડી જાય એ રીતે ધ્વજને આજુબાજુની કોઈક પહાડીમાં ખુંચાડી દે છે.’

 ‘ઓહ...તો આ ધ્વજમાં ‘બ્લેક ટાઇગર’ નો સંદેશો બાંધેલો છે, ખરું ને ?’ દિલીપે પૂછ્યું.

 ‘હા..’

 દિલીપે ઝપાટાબંધ ધ્વજ ઊંચકીને તેની ગાંઠ છોડી.

 ગાંઠ ખુલતાં જ ધ્વજમાંથી એક કાગળ નીકળ્યો.

 દિલીપે કાગળની ગડી ઉકેલીને જોયું ઓ તેમાં આડાઅવળા અક્ષરે અંગ્રેજીમાં થોડું લખાણ લખેલું હતું. બ્લેક ટાઈગરે જાણી જોઈને પોતાની ઓળખ છુપાવવામાટે ખરાબ અક્ષરો કર્યા હતા તે સ્પષ્ટ રીતે જણાઈ આવતું હતું.

 ‘બ્લેક ટાઈગર’ ખરેખર ખૂબ જ બુદ્ધિશાળી અને ચાલાક હતો.

 એણે લખેલા સંદેશાનો અર્થ આ પ્રમાણે થતો હતો.

 મિસ્ટર દિલીપ,

 અત્યારે હું ખૂબ જ ઇમરજન્સીમાં તમને આ સંદેશો મોકલું છું. હથિયારોની ખેપ પરમ દિવસે ત્રાસવાદીઓ સુધી પહોંચવાની છે.હથિયારો ‘સમજોતા એક્સપ્રેસ’ ટ્રેન મારફત ઘાટીમાં આવશે.ટ્રેનમાં હથિયારો કઈ જગ્યાએ રાખ્યાં છે એ વાત માત્ર જલાલુદ્દીન જ જાણે છે.જલાલુદ્દીન પાકિસ્તાનનો એક જાસૂસ છે. પરમ દિવસે તે પણ ‘સમજોતા એક્સપ્રેસ’ માં મુસાફરી કરતો હશે. જલાલુદ્દીનને ઓળખવો સહેલો છે. એ હંમેશાં ચટ્ટાપટ્ટાવાળું પેન્ટ અને એવી જ ડીઝાઇનનો શર્ટ પહેરે છે. એના માથા પર ટાલ છે.એનો દેખાવ જોકર જેવો છે. બસ, અત્યારે તો મારે તમને આટલી જ માહિતી આપવાની છે. જરૂર પડશે તો હું ટ્રાન્સમીટર પર તમારો સંપર્ક સાધીશ.

 ઈશ્વર તમને તમારા કાર્યમાં સફળતા અપાવે એવી પ્રાર્થના.

      બ્લેક ટાઈગરના જયહિન્દ...!

 સંદેશો વાંચીને દિલીપના ચહેરા પર હજાર વોલ્ટના બલ્બ જેવી ચમક પથરાઈ ગઈ.

 ત્યાર બાદ વારાફરતી બધા ઓફિસરોએ પણ ‘બ્લેક ટાઈગર’ નો સંદેશો વાંચ્યો.

 એક ઝાટકે તેમની બધી મુશ્કેલી દૂર થઈ ગઈ હતી.

 ‘પરમ દિવસે સમજોતા એક્સપ્રેસમાં હથિયારોની ખેપ આવવાની છે.’ દિલીપ ઉત્તેજિત અવાજે બોલ્યો.

 ‘હા, મિસ્ટર દિલીપ...!’ બ્રિગેડિયર જશપાલસિંઘના અવાજમાં ભરપૂર ઉત્સાહ હતો.

 ‘પણ એક વાત મને નથી સમજાતી.’ એક અન્ય ઓફિસર વચ્ચેથી બોલી ઊઠ્યો. ‘શું?’ દિલીપે સવાલ પૂછનાર ઓફિસર સામે પ્રશ્નાર્થ દ્રષ્ટીએ જોયું.

 ‘ટ્રેનમાં વળી હથિયારો કઈ જગ્યાએ હશે?’

 ‘આ સવાલનો જવાબ આપણને પાકિસ્તાનના જાસૂસ જલાલુદ્દીન પાસેથી મળી જશે.’ દિલીપ બોલ્યો, ‘પરંતુ એક વાત તો નક્કી જ છે.’

 ‘શું ?’

 ‘હથિયારો ટ્રેનમાં આવવાનાં છે એટલે તેમણે એણે ટ્રેનમાં છુપાવવા માટેની કોઈક અત્યંત સલામત જગ્યા પસંદ કરી હશે. આપણા દુશ્મનો કંઈ મૂરખ નથી કે જલદીથી નજરે ચડી જાય એવી કોઈ જગ્યાએ હથિયારો છુપાવે.’

 ‘હા, એ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે.’

હવે એ બધી વાતોને પડતી મૂકીને આપણે શું પગલાં ભરવાનાં છે એનો વિચાર કરો.’ કર્નલ સુરેન્દ્ર ત્યાગીએ કહ્યું.

 ‘પગલાં તો નક્કી જ છે.’ દિલીપ બોલ્યો, ‘હથિયારો સહીસલામત ભારત સુધી આવશે, પરંતુ ત્યાર પછી તે ત્રાસવાદીઓ સુધી પહોંચવાને બદલે આપણા સુધી પહોંચશે’

 ‘કેવી રીતે..?’

 ‘વખત આવ્યે તમને યોજનાની બધી વિગતો જણાવી દઈશ કે આપણે શું કરવાનું છે.’ દિલીપનો અવાજ એકદમ શાંત હતો, ‘તમે લોકો બસ, થોડી ધીરજ રાખો ‘

 ત્યાર બાદ તેમની મિટિંગ પૂરી થઈ.

 પરંતુ દિલીપના મનમાં શું છે એની કોઈનેય ખબર નહોતી.

 સાચી વાત તો એ હતી કે ‘બ્લેક ટાઈગર’ નો સંદેશો વાંચ્યા પછી તરત જ હથિયારો કબજે કરવાની યોજના દિલીપે મનોમન વિચારી લીધી હતી.

 પરંતુ હાલતુરત તે પોતાની યોજના વિશે કોઈને કશુંય જણાવવા નહોતો માગતો.

 અને એનું કારણ એક જ હતું.

 દગાબાજ ઓફિસર...!

 ઓફીસરોમાંથી કોઈક દગાબાજ છે એ હકીકતથી તે વાકેફ હતો અને એટલા માટે જ તે ખૂબ સમજી-વિચારીને પૂરેપૂરી સાવચેતીથી એક એક ડગલું ભરવા માગતો હતો.

 એ જ દિવસે એણે ટ્રાન્સમીટર પર નાગપાલનો સંપર્ક પણ સાધ્યો.

 ‘હું દિલીપ બોલું છું, અંકલ !’ 

 ‘ઓહ, દિલીપ... !’ સામેથી નાગપાલનો ઉત્સાહભર્યો અવાજ ગુંજ્યો, ‘શું રીપોર્ટ છે પુત્તર ? કાશ્મીર પહોંચ્યા પછી તારા તરફથી તો કોઈ સમાચાર જ નથી.’

 ‘અંકલ, હું ઘાટીમાં પહોંચ્યો ત્યારથી અહીં એક પછી એક નવા નવા બનાવો બનતા જાય છે. અહીં આવ્યા પછી જ મને ખબર પડી કે મામલો ખૂબ જ ગૂંચવાડાભર્યો હતો. પાકિસ્તાન કાશ્મીર ઘાટીમાં ત્રાસવાદીઓ માટે તાલીમકેન્દ્ર શરૂ કરવાની યોજના નહોતું બનાવતું બલકે તાલીમકેન્દ્ર શરૂ પણ કરી ચૂક્યું હતું.’

 ‘શું વાત કરે છે ?’ નાગપાલે ચમકીને પૂછ્યું.

 ‘હું સાચું જ કહું છું અંકલ....’

 ‘પછી ? તેં એની સામે શું પગલાં ભર્યા ?’

 ‘અંકલ, તાલીમકેન્દ્ર એક વિશાળ બંકરમાં હતું. અમે લોકોએ કાલે આખા બંકરને નેસ્તનાબૂદ કરી નાખ્યું છે. એટલું જ નહીં, ત્યાં જેટલા ત્રાસવાદીઓ હતા એ બધા લગભગ માર્યા ગયા છે.’ 

 ‘વેરી ગુડ...’ સામે છેડેથી ગુંજતા નાગપાલના અવાજમાં પ્રશંસાનો સૂર હતો, ‘બીજા કંઈ સમાચાર ?’

 ‘એક સારા સમાચાર છે, અંકલ.’

 ‘શું ?’

 ‘પરમ દિવસે ‘સમજોતા એક્સપ્રેસ’ ટ્રેનમાં પાકિસ્તાનથી હથિયારોની ખેપ આવવાની છે.’ દિલીપ ઉત્સાહભર્યા અવાજે બોલ્યો, ‘હથિયારોની આ ખેપ વિશ અમને અગાઉથી બાતમી મળી ગઈ છે. હવે એ હથિયારો ત્રાસવાદીઓ સુધી પહોંચે એ પહેલાં જ અમારા કબજામાં આવી ગયા હશે.’

 ‘ગુડ....આનો અર્થ એ થયો કે ઘાટીમાં અત્યારે વાતાવરણ ખૂબ જ ગરમ છે, ખરું ને ?’

 ‘હા, એમાં તો શંકાને કોઈ સ્થાન નથી.’ દિલીપે પોતાની હેટ સરખી કરતાં કહ્યું, ‘અલબત્ત, ઘૂસણખોરો વિરુદ્ધ હું એક અગત્યનું પગલું ભરવા માંગું છું અને તેમાં મને તમારી મદદની થોડી જરૂર પડશે.’

 ‘બોલ....તું શું પગલું ભરવા માગે છે ? તારે કઈ જાતની મદદની જરૂર છે ?’

 ‘અંકલ....!’ દિલીપ ગંભીર અવાજે બોલ્યો, ‘કમાન્ડોઝ જેમ બને તેમ જલદીથી અહીં ઘૂસીને ત્રાસવાદીઓને તાલીમ આપવાનું શરૂ કરી દે એમ પાકિસ્તાન ઈચ્છે છે. સરહદની પેલે પાર ઘૂસણખોરી માટે કમાન્ડોઝ તૈયાર છે. પણ.....’

 ‘પણ, શું ?’

 ‘અંકલ, પાકિસ્તાની કમાન્ડોઝ સરહદની મશ્કોહ ઘાટીમાંથી, કૂપવાડા સેક્ટરની ગુલામ રીઝ પહાડી તરફથી, ડોડા સેક્ટરથી કે પછી ‘ટાઈગર હિલ’ આમાંથી ક્યાં સ્થળેથી ઘૂસણખોરી કરશે એની હજુ સુધી અમને કંઈ ખબર નથી. કમાન્ડોઝ સરહદની પેલી તરફ કયા વિસ્તારમાં છે એની જો અમને ખબર પડે તોપણ અમારું કામ ઘણું સરળ થઈ જશે.’

 જવાબમાં સામે છેડે થોડી પળો માટે ચુપકીદી છવાઈ ગઈ.

 ‘તારી વાત મુદ્દાની છે, દિલીપ..!’ છેવટે નાગપાલનો મૂંજવણભર્યો અવાજ ગુંજ્યો, ‘પરંતુ કમાન્ડોઝ સરહદની પેલી તરફ ક્યાં વિસ્તારમાં છે એની કેવી રીતે ખબર પડી શકે તેમ છે ?’ 

 ‘એનો પણ એક ઉપાય મને સૂઝે છે.’

 ‘શું ?’

 ‘જો આપણે આપણા ઉપગ્રહ ‘આઈ.આર.એસ.’ની દિશા સરહદનાં આ બધાં સેક્ટરો પર કેન્દ્રિત કરીએ તો ઉપગ્રહથી સરહદની પ્રાપ્ત તસ્વીરોના માધ્યમથી આપણને જાણવા મળી જશે કે કમાન્ડોઝ કયા વિસ્તારમાં છે.’

 ‘વેલ ડન, દિલીપ.’ સામે છેડેથી હર્ષભર્યો અવાજ ગુંજ્યો, ‘ખરેખર તારી બુદ્ધિમત્તાનાં વખાણ કરું તેટલાં ઓછાં છે. અલબત્ત, આપણો ઉપગ્રહ ‘આઈ.આર.એસ.’ અત્યારે પાકિસ્તાનના મિસાઈલ સેન્ટર પર નજર રાખે છે. પરંતુ હું હમણાં જ રક્ષામંત્રી સાથે વાત કરીને થોડા સમય માટે ઉપગ્રહને મિસાઈલ સેન્ટરની દિશામાંથી ખસેડીને સરહદ તરફ કેન્દ્રિત કરવા માટે પ્રયાસ કરું છું.’

 ‘થેંક યૂ, અંકલ....!’ દિલીપ ગંભીર અવાજે બોલ્યો, ‘જો આં કામ પાર પડી જશે તો ઉપગ્રહ દ્વારા પ્રાપ્ત થનાર તસ્વીરો પરથી આપણને ઘૂસણખોરી વિશે ઘણી માહિતીઓ મળશે.’

 ‘હું સમજુ છું. ખેર, મિશન અંગે તારે બીજી કંઈ મદદની જરૂર હોય તો કહી નાખ.’

 ‘ના, બાકી બધું તો હું સંભાળી લઈશ.’

 ‘ઓ.કે. વિશ યુ ઓલ ધ બેસ્ટ ! ગુડ બાય....!’ 

 ‘ગુડ બાય....!’ 

 દિલીપે ટ્રાન્સમીટરનો સંપર્ક કાપી નાખ્યો.

* * *

 અને પછી જે દિવસે ‘સમજોતા એક્સપ્રેસ’ દ્વારા હથિયારોની ખેપ આવવાની હતી એ દિવસ પણ આવી પહોંચ્યો.

 ભારત-પાકિસ્તાન વચ્ચે દોડતી આ ટ્રેનનું ભારત ખાતેનું છેલ્લું સ્ટેશન અટારી હતું. ટ્રેન લાહોરથી અટારી સુધી દોડતી હતી. સમજોતા એક્સપ્રેસ સવારે અટારીથી ઉપડતી અને સાંજે લાહોરથી પાછી ફરતી હતી. બંને દેશો વચ્ચે થયેલી સમજૂતીના ભાગરૂપે જ આ ટ્રેનનું નામ ‘સમજોતા એક્સપ્રેસ’ રાખવામાં આવ્યું હતું.

 અટારી તથા લાહોર વચ્ચે સરહદ હતી જે ભારત-પાકિસ્તાનની વાસ્તવિક અંકુશરેખા હતી.

 આ ટ્રેનની બીજી ઘણી ખાસિયતો હતી કે જે બીજી ટ્રેનોમાં જોવા નહોતી મળતી. જેમકે આ ટ્રેન અટારીથી રવાના થાય ત્યારે તેમાં ભારતીય સૈનિકો મોજૂદ રહેતાં, પરંતુ અંકુશરેખા પર પહોંચીને ટ્રેન થોભી જતી ત્યાં ભારતીય સૈનિકો નીચે ઊતરી જતા. ત્યાંથી સહેજ આગળ ગયા પછી પાકિસ્તાની સૈનિકો આ ટ્રેનમાં ચડી જતા.

 ટ્રેન લાહોરથી અટારી પાછી ફરતી ત્યારે પણ સૈનિકોનો ચડવા-ઉતરવાનો ક્રમ ચાલુ રહેતો હતો.

 સાંજના ચાર વાગ્યા હતા.

 ભારતીય લશ્કરની એક પીકઅપ વાન પૂરી રફતારથી અંકુશરેખાની જે જગ્યાએ સૈનિકોની અદલાબદલી થતી હતી એ સ્થળ તરફ દોડતી હતી.

 રસ્તો ઉબડખાબડ અને સાંકડો હોવાથી વાન ઊછળી-ઊછળીને ચાલતી હતી.

 વાનમાં અત્યારે દિલીપ, કર્નલ સુરેન્દ્ર ત્યાગી અને બ્રિગેડિયર જશપાલસિંઘ મોજૂદ હતા.

 થોડી વાર પછી વાન અંકુશરેખાથી એકાદ કિલોમીટર પહેલાં આવેલ કંટ્રોલરૂપ પાસે પહોંચીને ઊભી રહી.

 ત્યાં ઠેકઠેકાણે સીમાસુરક્ષાદળની છાવણીઓ હતી.

 એક તરફ પીકઅપ વાન તથા લશ્કરની જીપો પડી હતી જ્યારે બીજી તરફ એક એકથી ચડિયાતી ઉંચી ઓલાદના ઘોડા બાંધેલા હતા.

 અહીંથી આગળની મુસાફરી તેમણે ઘોડા પર જ કરવાની હતી.

 થોડી પળોમાં ત્રણેયને કાબુલી ઘોડા આપી દેવામાં આવ્યા.

 રેલવે લાઈનના આધારે અડધો કલાક સુધી ઘોડા પર મુસાફરી કર્યા બાદ તેઓ અંકુશરેખા પર પહોંચ્યા.

 ત્રણેયની આજુબાજુમાં લશ્કરના છ સૈનિકો પણ ચાલતા હતા.

 ‘મિસ્ટર દિલીપ !’ અંકુશરેખા પાસે પહોંચતાં જ એક સૈનિક બોલી ઊઠ્યો, ‘આપણે વાસ્તવિક અંકુશરેખા પાસે પહોંચી ગયા છીએ.’

 દિલીપે હવામાં લહેરાતા તિરંગા ધ્વજ સામે જોઈને ગૌરવભર્યું સ્મિત ફરકાવ્યું.

 રેલવે લાઈનની બંને તરફ આવેલી ચોકીઓ પર બી.એસ.એફ. ના સૈનિકો શસ્ત્રો સાથે પૂરી સજાગતા અને તત્પર મુદ્રામાં ઊભા હતા.

 ડાબી ચોકીથી સોએક મીટર અંદરના ભાગે આવેલ ‘મિની ક્વાટર ગાર્ડ’ની સામે વિશાળ આંગણામાં બનેલ ચબૂતરાની વચ્ચે ગોળાકાર લોખંડના પાઈપમાં લપેટાયેલો તિરંગો લહેરાતો હતો. 

 લાઈનની બંને તરફ લગભગ પચાસ જેટલા ઘોડેસ્વાર સૈનિકો સાવચેતીથી ઊભા હતા. ક્વાર્ટર ગાર્ડની પાછળ તથા સામે, લાઇનની બીજી તરફ લશ્કરી છાવણીઓ હતી.

 લોખંડી તારની વાડની બીજી તરફ થોડે દૂર પાકિસ્તાની ધ્વજ ફરકતો હતો. ત્યાં જ નજીકમાં આવેલ નાની નાની લશ્કરી ચોકીઓ પર પાકિસ્તાની સૈનિકો મોજૂદ હતા. લાઈનની બંને બાજુ દૂર દૂર સુધી પાકિસ્તાની ઘોડેસવારો નજરે ચડતા હતા.

 ખરેખર આ દૃશ્ય રોમાંચ પમાડે તેવું હતું.

 તેમના ઘોડા ક્વાર્ટર ગાર્ડની પાછળ આવેલ કેમ્પ પાસે પહોંચીને ઊભા રહ્યા.

 ‘ટ્રેન આવવાને હજી કેટલી વાર છે ?’ કર્નલ સુરેન્દ્ર ત્યાગીએ એક સૈનિકને પૂછ્યું.

 ‘દસ મિનિટ.’ સૈનિકે પોતાની કાંડાઘડિયાળમાં નજર કર્યા બાદ જવાબ આપ્યો.

 અર્થાત તેમને વધુ રાહ નહોતી જોવાની.

 વાતાવરણમાં ઘેરી ચુપકીદી છવાયેલી હતી જેનો ક્યારેક ક્યારેક ઘોડાની હણહણાટીના અવાજથી ભંગ થતો હતો.

 દિલીપ વગેરે કેમ્પના તંબૂમાં જઈને બેઠા.

 ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો.

 દસેક મિનિટ પછી દૂરથી ટ્રેનનો અવાજ સાંભળીને બધા એકદમ સજાગ થઈ ગયા.

 આ અવાજ ‘સમજોતા એક્સપ્રેસ’નો જ હતો.

 સૌ તાબડતોબ તંબૂમાંથી બહાર નીકળી આવ્યા. તેમણે જોયું તો ‘સમજોતા એક્સપ્રેસ’ ઘણી નજીક આવી ગઈ હતી અને હવે તે ધીમે ધીમે અંકુશરેખા તરફ આગળ વધતી હતી.

 ભારતીય સરહદ વિસ્તારમાં રેલવે લાઇનની બંને તરફ ઘોડેસવાર સૈનિકો ઉપરાંત જે સૈનિકોને ચેકિંગ તથા સુરક્ષા માટે ટ્રેનમાં ચડવાનું હતું, તેઓ પણ સજાગ ઊભા હતા.

 દરરોજ કરતાં આજે બમણી ફોર્સ હતી.

 અટારી સ્ટેશન પર પણ લશ્કરને એલર્ટ રહેવાનું જણાવી દેવામાં આવ્યું હતું.

 અંકુશરેખા સુધી પહોંચતાં પહોંચતાં ટ્રેનની ગતિ એકદમ ધીમી પડી ગઈ.

 ટ્રેન હજુ પાકિસ્તાનની સરહદમાં જ હતી.

 ટ્રેન થોભતાં જ તેમની લાહોરથી ચડેલા પાકિસ્તાની સૈનિકો ધીમે ધીમે નીચે ઉતારવા લાગ્યા.

 ભારતના લશ્કરી અધિકારીઓ સાથે ઉભેલો દિલીપ બેફિકરાઈથી ‘સમજોતા એક્સપ્રેસ’ની ભારતની સરહદમાં આવવાની રાહ જોતો હતો. પછી એકાએક એણે જોયું તો ઊતરેલા પાકિસ્તાની સૈનિકોમાંથી એક જણ ખૂબ જ ધ્યાનથી એની સામે તાકી રહ્યો હતો.

 દિલીપને જોઈને એના ચહેરા પર પળભર માટે ચમકવાના હાવભાવ ઉપસીને વિલીન થઈ ગયા.

 ત્યાર બાદ તે ટ્રેનથી થોડે દૂર જઈને વાયરલેસ પર કોઈકની સાથે વાત કરવા લાગ્યો.

 દિલીપે એના પ્રત્યેથી પોતાનું ધ્યાન ખસેડી લીધું.

 તે સૈનિક દિલીપને ઓળખી ચૂક્યો હતો એ એના ચહેરાના હાવભાવ પરથી સ્પષ્ટ રીતે જણાઈ આવતું હતું.

 દિલીપ મનોમન સાવચેત થઈ ગયો. 

 હવે તેને કોઈક ગરબડની ગંધ આવતી હતી.

 પાકિસ્તાની સૈનિકો ઊતરી ગયા પછી ‘સમજોતા એકસપ્રેસ’ ખૂબ જ ધીમી ગતિએ ભારતીય અંકુશરેખા તરફ આગળ વધી.

 સહસા એ જ વખતે એક ચમકાવી મૂકનારો બનાવ બન્યો. 

 અચાનક જ ચાલુ ટ્રેને ગાડીના ચોથા ડબ્બામાંથી એક યુવાન નીચે કૂદ્યો.

 એણે ખૂબ જ સ્ફૂર્તિથી છલાંગ લગાવી હતી.

 માત્ર પાકિસ્તાની જ નહીં, ભારતીય સૈનિકોએ પણ ચમકીને એ યુવાન સામે જોયું.

 જ્યારે દિલીપ તો પહેલી નજરે જ એ યુવાનને ઓળખી ગયો હતો. એણે પટ્ટાવાળું પેન્ટ તથા એવી જ ડીઝાઇનનો શર્ટ પહેર્યો હતો. એના માથા પર એક પણ વાળ નહોતો. આ પહેરવેશમાં તે જોકર જેવો લાગતો હતો. 

 ‘અરે !’ કર્નલ સુરેન્દ્ર ત્યાગી ચમકીને બોલી ઊઠ્યો, ‘આ તો જલાલુદ્દીન છે.’

 ‘હા...’ દિલીપે ધીમેથી માથું હલાવતાં કહ્યું, ‘આ પાકિસ્તાની જાસૂસ જલાલુદ્દીન જ છે.’

 ‘જલાલુદ્દીન ટ્રેનમાંથી કૂદી શા માટે પડ્યો ?’ બ્રિગેડિયર જશપાલસિંઘે ચમકીને પૂછ્યું.

 ‘આપણને હથિયારોની ખેપની ખબર પડી ગઈ છે એ વાતની તેને ગંધ આવી ગઈ લાગે છે.’ત્યાગીએ કહ્યું.

 ટ્રેન એ વખતે ખૂબ જ ધીમી રફતારથી ભારતીય સરહદ તરફ આગળ વધતી હતી.

 દિલીપ કંઈ કહે એ પહેલાં જ વધુ એક બનાવ બન્યો.

 જલાલુદ્દીન જેટલી સ્ફૂર્તિથી ચોથા ડબ્બામાંથી કુદ્યો હતો, એટલી જ સ્ફૂર્તિથી ટ્રેનની સાથે દોડતો દોડતો પાંચમા ડબ્બામાં પાછો ચડી ગયો.

 એના આ પગલાંથી દિલીપે રાહતનો ઊંડો શ્વાસ લોધો.

 વાત એમ હતી કે જલાલુદ્દીનનો જોકર જેવો દેખાવ જોઈને ચોથા ડબ્બામાં મોજૂદ અમુક ટીખળી યુવાનો હજી પણ બારી-દરવાજામાંથી બહાર ડોકાં કાઢીને તેની મશ્કરી કરતા હતા.જોરજોરથી હસતા હતા.

 તેમનાથી બચવા માટે જ જલાલુદ્દીન ચોથા ડબ્બામાંથી કૂદીને હવે પાંચમા ડબ્બામાં ચડી ગયો હતો.

 ટ્રેન ભારતીય અંકુશરેખામાં પહોંચીને ઉભી રહી.

 ત્યાં મોજૂદ ભારતીય સૈનિકો સ્ફૂર્તિથી ટ્રેનના બધા ડબ્બામાં ચડી ગયા.

 દિલીપ, સુરેન્દ્ર ત્યાગી તથા જશ્પકસિંઘ પાંચ નંબરના ડબ્બામાં ચડ્યા.

 થોડી વાર પહેલાં જલાલુદ્દીન આ જ ડબ્બામાં ચડ્યો હતો.

 દિલીપ વગેરે ઉપરાંત બીજા બે સૈનિકો પણ એ ડબ્બામાં ચડ્યા.

 ટ્રેન પુનઃ ધીમે ધીમે આગળ સરકવા લાગી.

 હવે તે સીધી અટારી સ્ટેશને પહોંચીને ઊભી રહેવાની હતી.

 પાંચ નંબરના ડબ્બામાં ચડેલા સૈનિકોની નજર મુસાફરોના સામાન પર ફરતી હતી કારણ કે હથિયારો ગમે ત્યાં હોઈ શકે તેમ હતું.

 જ્યાર દિલીપની વેધક નજર જલાલુદ્દીનને શોધતી હતી.

 ડબ્બામાં ખાસી ભીડ હતી. ઘણાં કુટુંબો ડબ્બામાં દેખાતાં હતાં.થોડાં રમતિયાળ બાળકો રમત કરતાં હતાં.

 સાંજ ઘેરાવા લાગી હોવાને કારણે ડબ્બામાં લાઈટો ચાલુ થઈ ગઈ હતી, પરિણામે અત્યારે ભરપૂર અજવાળું છવાયેલું હતું.

 ‘મિસ્ટર દિલીપ....!’ કર્નલ સુરેન્દ્રએ હળવેથી દિલીપને કોણી મારતાં કહ્યું, ‘આ રહ્યો જલાલુદ્દીન.’

 દિલીપની નજર તરત જ જલાલુદ્દીન પર સ્થિર થઈ ગઈ.

 પહેરવેશ પરથી એ ખરેખર જોકર જેવો જ લાગતો હતો. રહીસહી કસર એના સફાચટ માથા તથા જોની લીવર સાથે મળતા આવતા ચહેરાએ પૂરી કરી નાખી હતી.

 ખેર, ત્યાં પણ એની મજાક-મશ્કરી ચાલુ જ હતી.

 ‘હાય જોની..’ એક કિશોર વયના છોકરાએ તેની સામે જોઈને આંખ મિચકારતાં કહ્યું, ‘કેમ છો..?’

 ‘આ શું મશ્કરી માંડી છે ?’ જલાલુદ્દીન ધૂંધવાતા અવાજે બોલ્યો.

 ‘કેમ? મે કંઈ ખોટું કર્યું છે ?’ કહીને કિશોરે બીજી વખત આંખ મિચકારી.

 જલાલુદ્દીનના રોષનો પાર ન રહ્યો. કિશોરને મારવા માટે તે આગળ વધ્યો. પરંતુ એ જ વખતે પાછળથી એક અન્ય છોકરાએ એના શર્ટનો કોલર પકડી લીધો.

 ‘જોની, કોઈક સરસ ડાયલોગ તો સંભળાવો.’

 ‘છોડ મને....’ જલાલુદ્દીન પીઠ ફેરવીને કોલર પકડનાર છોકરા તરફ જોતાં જોરથી બરાડ્યો.

 ‘આ સાચું જ તો કહે છે, ડિયર.’ એક અન્ય છોકરો બોલ્યો, ‘તમારા આટલા બધા ચાહકો અહીં હાજર જ છે તો તેમના મનોરંજન માટે તમારે કંઈક ને કંઈક તો કરવું જ જોઈએ.’

 કહેવાની તાત્પર્ય એટલું જ કે જલાલુદ્દીન આખા ડબ્બામાં મનોરંજનનું સાધન બની ગયો હતો.

 ‘એય...’ દિલીપ એની મશ્કરી કરતા છોકરાઓને ઉદ્દેશીને જોરથી તાડૂક્યો, ‘શા માટે એને હેરાન કરો છો ?’

 દિલીપના વ્યક્તિત્વ અથવા તો અવાજમાં કંઈ એવું હતું કે બધા છોકરાઓ ચુપ થઈ ગયા.

 ‘મિસ્ટર...!’ દિલીપે જલાલુદ્દીનને સંબોધ્યો, ‘તમે અહીં આવી જાઓ.’

 જલાલુદ્દીન તરત જ આગળ વધીને દિલીપની સામેની સીટ પર બેસી ગયો.

 દિલીપની આજુબાજુમાં કર્નલ સુરેન્દ્ર ત્યાગી અને બ્રિગેડિયર જશપાલસિંઘ બેઠા હતા.

 ટ્રેન પૂરી રફતારથી અટારી સ્ટેશન તરફ ધસમસતી હતી.

 દિલીપ એક સિગારેટ પેટાવીને ધીમે ધીમે તેના કસ ખેંચવા લાગ્યો.

 ‘તમે ખૂબ સજ્જન છો, સાહેબ.’ જલાલુદ્દીન આભારવશ નજરે દિલીપ સામે જોતાં બોલ્યો, ‘તમે આ તોફાની બારકસોથી મને બચાવ્યો. બાકી તો તેઓ ક્યારનાય મને હેરાન કરતા હતા.’

 ‘તમારી હાલત હું સમજી શકું છું.’ દિલીપે સીગારેટનો કસ ખેંચતાં કહ્યું, ‘પણ તમારે આવાં જોકર જેવાં વસ્ત્રો પહેરવાની શું જરૂર હતી?’ 

 ‘મને..મને તો આવાં વસ્ત્રો પહેરવાનો શોખ છે.’

 ‘શોખ...?’ દિલીપની વેધક આંખો સીધી જ જલાલુદ્દીનની આંખોંમાં પરોવાઈ ગઈ, ‘શોખથી કે કોઈક ખાસ હેતુ પાર પાડવા માટે તમે આવાં વસ્ત્રો પહેર્યા છે ?’

 ‘ખ...ખાસ હેતુ ?’ જલાલુદ્દીન સહેજ હેબતાયો, ‘આ તમે શું કહો છો, સાહેબ ?’

 ‘જલાલુદ્દીન !’ એકાએક દિલીપ નાટકીય ઢબે કઠોર અવાજે બોલ્યો, ‘તારે હવે આ નાટકબાજી બંધ કરી દેવી જોઈએ. તેં હજુ સુધી મને ન ઓળખ્યો હોય એવું બને જ નહીં. આઈ.એસ.આઈ. ના તમામે તમામ એજન્ટો મારા દેખાવથી સંપૂર્ણ રીતે વાકેફ છે.’

 ‘અ...આઈ.એસ.આઈ.ના એજન્ટ જલાલુદ્દીને ડઘાઈને પૂછ્યું, ‘અ... અહીં વળી આઈ.એસ.આઈ. નો એજન્ટ કોણ છે ?’

 ‘તું....’ દિલીપે ખંજરની જેમ એની છાતી સામે આંગળી ચીંધતાં કઠોર અવાજે કહ્યું, ‘તું છો આઈ.એસ.આઈ. નો એજન્ટ. હથિયારોની ખેપ લેવા આવનાર ત્રાસવાદીઓ તને સરળતાથી ઓળખી શકે એટલા માટે તેં આવો જોકર જેવો વેશ ધારણ કર્યો છે એની પણ મને ખબર છે. જલાલુદ્દીન, આઈ.એસ.આઈ. નું કાવતરું ઉઘાડું પડી ગયું છે. હવે આ ટ્રેનમાં હથિયારો ક્યાં છુપાવ્યાં છે એ જણાવી દેવામાં જ તારું કલ્યાણ છે.’

 ‘હું આ બાબતમાં કશુંય નથી જાણતો.’

 વળતી જ પળે દિલીપના રાઠોડી હાથનો એક સણસણતો તમાચો પૂરી તાકાતથી જલાલુદ્દીનના ગાલ પર ઝીંકાયો. તમાચો એટલો જોરદાર હતો કે જલાલુદ્દીનના ગાલ પર દિલીપના આંગળાની છાપ ઊપસી આવી. એના મોંમાંથી તીણી ચીસ નીકળી ગઈ. તે સીટ પરથી પડતો પડતો રહી ગયો.

 ડબ્બામાં હવે બધા લોકો તેમની તરાફ જ જોતાં હતા. ખાસ કરીને થોડી વાર પહેલાં જલાલુદ્દીનને જોકર માનીને જે છોકરાઓ મશ્કરી કરતાં હતા તેઓ તો એની અસલિયત સાંભળીને એકદમ હેબતાઈ ગયા હતા.

 જોકર જેવો દેખાતો આ માણસ વાસ્તવમાં એક ખતરનાક જાસૂસ હશે એવી તો કોઈ કલ્પના પણ કરી શકે તેમ નહોતું.

 ‘જલાલુદ્દીન !’ દિલીપ આગળ નમી એનો કાંઠલો પકડીને દાંત કચકચાવતા બોલ્યો, ‘હું જે કઈં પૂછું એના સીધેસીધા જવાબ આપ. નહીં તો હું પરિણામની પરવાહ કર્યા વગર બેધડક તને ગોળી ઝીંકી દઈશ.’

 ‘મેં કહ્યું તો ખરું કે હથિયારોની મને કંઈ ખબર નથી.’ જલાલુદ્દીને વ્યાકુળ અવાજે કહ્યું.

 આ વખતે દિલીપે બેઠા બેઠા જ પોતાના ઘૂંટણનો પ્રહાર એના પેટ પર કર્યો તથા છાતી પર ડાબા હાથની કોણી ઝીંકી દીધી.

 ભય, ખોફ અને દહેશતથી જલાલુદ્દીનની આંખો ફાટી પડી. એના કંઠમાંથી દારુણ ચીસ નીકળી ગઈ.

 ‘મિસ્ટર દિલીપ...!’ સહસા કર્નલ સુરેન્દ્ર ત્યાગીએ કહ્યું, ‘હાલતુરત આ નંગને ટોર્ચર કરવાની મને જરૂર નથી લગતી. આપણા સૈનિકો જ હથિયારો શોધી કાઢે એ બનવાજોગ છે.’

 દિલીપને તેની વાત યોગ્ય લાગી. એ તરત જ ઊભો થઈ ગયો.

 જ્યારે બ્રિગેડિયર જશપાલસિંઘની ગીધ એવી આંખો જલાલુદ્દીનના ચહેરા સામે જ જકડાયેલી હતી.

 જેમ જેમ સમય પસાર થતો હતો તેમ તેમ બહાર અંધકારનું સામ્રાજ્ય વધતું જતું હતું.

 પછી અચાનક ટ્રેનની રફતાર ઓછી થવા લાગી જેના પરથી સ્પષ્ટ થતું હતું કે અટારી સ્ટેશન આવી ગયું હતું.

 જલાલુદ્દીન ચૂપચાપ પોતાના સ્થાને બેઠો હતો, જ્યારે ડબ્બામાં મોજૂદ સૈનિકો હથિયારો શોધવાના કામે વળગી ગયા હતા. પરંતુ ઘણી મહેનત પછી પણ તેમણે ક્યાંયથી હથિયાર ન મળ્યાં.

 છેવટે થાકીહારીને તેઓ દિલીપ પાસે પાછા ફર્યા.

 ‘શું થયું ?’ દિલીપે પૂછ્યું.

 ‘સર, અમે આખા ડબ્બામાં ફરી વળ્યા છીએ, પરંતુ અમને ક્યાંય હથિયારો નથી દેખાયાં.’ એક સૈનિક બોલ્યો.

 ત્યાર બાદ દિલીપના સંકેતથી જલાલુદ્દીનની તલાશી લેવામાં આવી.

 પરંતુ એની પાસેથી પાસપોર્ટ, વીઝા તથા રોકડ રકમ સિવાય કશુંય ન મળ્યું.

 ત્યાં જ ઉભેલો એક અન્ય સૈનિક હવે વોકીટોકી સેટ પર કંઈક વાતચીત કરતો હતો. ટ્રેનના બીજા ડબ્બાઓની શું ગતિવિધિ છે એ જાણવાનો તે કદાચ પ્રયાસ કરતો હતો.

 દિલીપે હાથનો સંકેત કરીને એ સૈનિકને પોતાની પાસે બોલાવ્યો.

 ‘શું રીપોર્ટ છે ?’ એણે પૂછ્યું.

 ‘રીપોર્ટ કંઈ સારો નથી સર....!’ સૈનિકે જવાબ આપતા કહ્યું, ‘હજુ સુધી હથિયારોનો કંઈ પત્તો નથી લાગ્યો.’

 ‘બધા ડબ્બામાં તપાસ થઈ ગઈ છે ?’

 ‘હા, સર..!’

 દિલીપના ચહેરા પર ગંભીરતા ફરી વળી. સંજોગો કંઈક નવો જ વળાંક લેશે એવું તેને લાગ્યું.

 પછી અચાનક એણે પોતે જ ડબ્બાની તલાશી લેવાનો નિર્ણય કર્યો.

 સૌથી પહેલાં એણે ટોઇલેટની બારીકાઇથી તલાશી લીધી પરંતુ ત્યાં એને કશુંય શંકાસ્પદ ન લાગ્યું.

 પછી એણે મુસાફરોની સૂટકેસો તથા અન્ય સરસમાન પર તપાસ્યા.

 પરંતુ ક્યાંયથી કોઈ હથિયાર ન મળ્યું.

 છેવટે દિલીપ જે સૈનિક પાસે વોકીટોકી સેટ હતો તેની પાસે પહોંચ્યો. તે એના હાથમાંથી વોકીટોકી સેટ લઈને ટ્રેનના બાકીના બધા ડબ્બાઓમાં સંદેશો આપવા લાગ્યો.

 ‘હલ્લો..કેપ્ટન દિલીપ હિયર.’

 ‘યસ સર...!’ તરત જ બીજી તરફથી એક તત્પર અવાજ ગુંજ્યો, ‘શું હુકમ છે ?’

 ‘બધા સૈનિકોને જાણ કરી દો કે કોઈ પણ મુસાફરને તલાશી લીધા વગર નીચે નથી ઉતરવા દેવાનો. જો કોઈ મુસાફર શંકાસ્પદ જણાય તો તરત જ તેને અટકમાં લઈ લેવો. અને હા...તાબડતોબ બધા ડબ્બાના બારીબારણાં બંધ કરાવી દો.’

 ‘ઓ.કે. સર !’

 ‘એક બીજી ખાસ વાત સાંભળો,’ દિલીપ ગંભીર અવાજે બોલ્યો.

 ‘જી...’

 ‘અટારી રેલવેસ્ટેશને મોજૂદ સલામતીરક્ષકદળને પણ સૂચના આપી દો કે જ્યારે ટ્રેન ત્યાં પહોચીને ઉભી રહે ત્યારે બહારનો કોઈ શખ્સ રેલવેસ્ટેશનની હદમાં ન હોવો જોઈએ. ટ્રેન પ્લેટફોર્મ પર થોભે કે તરત જ તેને ચારે તરફથી ઘેરી લેવાની છે.’

 ‘ઓ.કે. સર !’ બીજો કોઈ હુકમ ?’

 ‘ના...! આ કાર્યવાહી તાબડતોબ પૂરી કરો.’

 દિલીપે વોકીટોકી સેટ બંધ કર્યો.

 પોતાના તરફથી એણે સલામતીની જડબેસલાક વ્યવસ્થા કરી હતી.

 ટ્રેનની ગતિ હવે ઓછી થઈ ગઈ હતી. અટારી સ્ટેશનની કેબીન આવી ગઈ હતી.

 ‘મિસ્ટર દિલીપ !’ સહસા બ્રિગેડિયર જશપાલસિંઘ દિલીપ પાસે પહોંચીને બોલ્યો, ‘મને એક વાત સ્ફૂરી છે.’

 ‘શું ?’

 ‘જો ખરેખર આ ટ્રેનમાં હથિયારોની ખેપ હોય તો અટારી સ્ટેશનની આજુબાજુમાં કોઈક ને કોઈક રૂપમાં નાસીરખાન તથા તેના સાથીદારો પણ ચોક્કસ હજાર હોવા જોઈએ.’

 ‘હા...હું પણ એ જ વાતનો વિચાર કરું છું.’ દિલીપે જવાબ આપ્યો.

 ત્યાર બાદ તે એક નવી સિગારેટ પેટાવીને વિચારવશ તેના કસ ખેંચવા લાગ્યો.

**************