Tezaab - 1 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | તેજાબ - 1

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

તેજાબ - 1

કનુ ભગદેવ

૧. સેન્ટ્રલ જેલનો કેદી...!

 સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડીપાર્ટમેન્ટના ચીફ ઇન્સ્પેક્ટર મેજર નાગપાલનો સહકારી કેપ્ટન દિલીપ અત્યારે મુંબઈની સેન્ટ્રલ જેલના જેલર સામે બેઠો હતો.

 જેલરના ચહેરા પર ચિંતામિશ્રિત વ્યાકુળતાના હાવભાવ સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા.

  એની આશાભરી નજર દિલીપના ચહેરા સામે જ મંડાયેલી હતી.

 ‘એનું નામ શું છે ?’ દિલીપે ગજવામાં સિગારેટનું પેકેટ તથા લાઈટર કાઢીને તેમાંથી એક સિગારેટ પેટાવ્યા બાદ પૂછ્યું.

 ‘અત્યારે તો એણે પોતાના વિશે કશું જ નથી જણાવ્યું મિસ્ટર દિલીપ....!’

 ‘તે કયા ત્રાસવાદી સંઘઠન સાથે સંકળાયેલો છે, એની પણ હજુ સુધી ખબર નથી પડી...? દિલીપે સીગારેટનો કસ ખેંચતાં ગંભીર અવાજે પૂછ્યું.

 ‘નાં....’ જેલરે નકારાત્મક ઢબે માથું હલાવતાં જવાબ આપ્યો.

 આજે મુંબઈની સેન્ટ્રલ જેલમાં ખૂબ જ ધમાચકડી જેવું વાતાવરણ હતું.

 બધા ચોકિયાતો એકદમ સજાગ અને સાવધાન હતા.

 આજે આ જેલમાં એક અત્યંત ખતરનાક ત્રાસવાદીને લાવવામાં આવતો હતો.

 ‘શું બન્યું હતું, એ જરા મને વિગતથી કહો.......!’ દિલીપ ખુરશી પર પાસું બદલતાં બોલ્યો.

 ‘આજથી ત્રણ દિવસ પહેલાં કોલાબા સ્થિત બસસ્ટોપ પર જે બોમ્બવિસ્ફોટ થયો હતો.....જેમાં આઠ નાગરિકો મૃત્યુ પામ્યા હતા અને ચૌદ જણને ઈજા પહોંચી હતી, એમાં પણ આ જ ત્રાસવાદીનો હાથ હતો પરંતુ એનો મુખ્ય ધ્યેય વી.ટી.સ્ટેશનને જ વિસ્ફોટથી ઉડાવી મુકવાનો હતો. એ મુંબઈ આવ્યો ત્યારથી એનું નિશાન વી.ટી સ્ટેશન જ હતું. એની ઇચ્છા વી.ટી. સ્ટેશનમાં બોમ્બવિસ્ફોટ કરીને અસંખ્ય લોકોને મોતના જડબામાં ધકેલી દેવાની હતી. આ નાપાક હેતુ પાર પાડવા માટે આજથી બે દિવસ પહેલાં એણે વી.ટી. સ્ટેશનના કલોકરૂમમાં ટાઈમબોમ્બ ફીટ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.’

 ‘પછી....? પછી શું થયું...?’ દિલીપે સીગારેટનો કસ ખેંચતા ઉત્સુક અવાજે પૂછ્યું.

 ‘કંઈ ન થયું...! બોમ્બ ચામડાની એક બ્રિફકેસમાં હતો અને બ્રીફ્કેસને તે ક્લોકરૂમમાં જમા કરાવતો હતો બરાબર એ જ વખતે કોણ જાણે કેમ એક પોલીસ કર્મચારીને એની હિલચાલ પર શંકા ઉપજી.....!ચોરને ચાર આંખો હોય છે તો પોલીસને આઠ, એ તો તમે જાણતા જ હશો. ખેર, શંકા ઉપજ્યા પછી એ ત્રાસવાદીને પણ જોખમની ગંધ આવી ગઈ. પોલીસ કર્મચારી તેને પકડવા માટે કોઈ નક્કર પગલું ભારે એ પહેલાં જ તે નાસી છૂટ્યો.’

 ‘શું એ એકલો જ હતો...?’

 ‘નાં, એની સાથે બીજાં પણ બે ત્રાસવાદીઓ હતા...!’

 ‘એ બંનેનું શું થયું...?’

 ‘તેઓ પણ સફળતાપૂર્વક નાસી છુટ્યા....!’ જેલરે જવાબ આપતાં કહ્યુ, ‘અલબત્ત, આ બનાવ પછી પોલીસ એકદમ સાવચેત થઈ ગઈ હતી અને એટલા માટે જ કાલે જ્યારે ફરીથી એ ત્રાસવાદીએ પોતાનો હેતુ પાર પાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તરત જ તેને પકડી લેવામાં આવ્યો ‘

 ‘અને એના બંને સાથીદારો....?’

 ‘પકડાયેલા ત્રાસવાદીને ગઈ કાલથી માંડીને આજ સુધીમાં પુષ્કળ યાતનાઓ આપવામાં આવી છે, પરંતુ અનેક જાતની પારાવાર યંત્રણાઓ આપ્યા પછી પણ એ મોં ઉઘાડવા તૈયાર નથી. બીજું બધું તો ઠીક, પોતાનું નામ સુદ્ધા એણે નથી જણાવ્યું. પોતાના બંને સાથીદારો કોણ છે ને ક્યાં છે એ બાબતમાં એક હરફ પણ નથી ઉચ્ચાર્યો....!માર ખાઈ ખાઈને એની એવી હાલત થઈ ગઈ છે કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો 

છે..!’

 ‘ઓહ...તો ખૂબ જ મીંઢો છે, એમ ને?’

 ‘હા...!’ જેલરે સહામતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું,’ મૂંગા માણસને પણ બે પાઠ ભણાવે એવો છે..! એ ખતરનાક ત્રાસવાદીનું મોં ઉઘાડવા માટે જ ખાસ તમને બોલાવવામાં આવ્યા છે. જોઈએ, હવે શું થાય છે...?’

 ‘ચિંતા ન કરો...!’ દિલીપના અવાજમાં ઠાંસી ઠાંસીને આત્મવિશ્વાસ ભર્યો હતો, ‘હવે એ માત્ર પોતાનું મોં જ ઉઘાડશે....!એને અહીં પહોંચવામાં હજુ કેટલી વાર છે....?

 ‘બસ,પહોંચવાની તૈયારીમાં જ છે. થોડી વાર પહેલાં જ મારા પર ઇન્સ્પેક્ટરનો ફોન આવ્યો હતો કે તેઓ એ ત્રાસવાદીને લઈને હોસ્પિટલેથી રવાના થઈ ગયા છે.’

 ‘આનો અર્થ એ થયો કે તેને અહીં આવવામાં બહુ વાર નથી, ખરું ને...?’

 ‘હા...’

 એ જ વખતે બહારના ભાગમાં સાયરનનો જોરદાર અવાજ ગુંજી ઊઠ્યો અને ત્યાર બાદ એક પછી એક કેટલાંય વાહનો ઉભાં રહેવાનો અવાજ સંભળાયો.

 ‘એ લોકો આવી ગયા લાગે છે...!’ જેલર સ્ફૂર્તિથી ઉભો થઈને દરવાજા તરફ આગળ વધતાં બોલ્યો.

 દિલીપ પણ એની પાછળ પાછળ ઓફિસમાંથી બહાર નીકળ્યો.

 બહાર જેલના કમ્પાઉન્ડમાં ખળભળાટ મચેલો હતો.

 એક પછી એક પાંચ ગાડીઓ ત્યાં આવીને ઉભી રહી હતી.

 એ બધી પોલીસની પેટ્રોલકાર હતી.

 તેમાં માત્ર એક સ્ટેશન વેગન હતી, જે પોલીસ પેટ્રોલકારની વચ્ચ્ચે ઘેરાયેલી હતી.

 ગાડીઓ ઉભી રહેતાં જ સૌથી પહેલાં પેટ્રોલકારના દરવાજા ઉઘાડીને કેટલાયે પોલીસ કર્મચારીઓ નીચે ઉતર્યા, જેમાં એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (આતંકવાદી વિરોધી સંગઠન) નાં ઉચ્ચાધિકારીઓનો પણ સમાવેશ થતો હતો.

 ‘તાળું ઉઘાડો....!’ એક અધિકારીએ સંદેશાત્મક અવાજે કહ્યું. 

 દિલીપે જોયું તો સ્ટેશન વેગન કોઈક પેટીની માફક બંધ હતી. અને તેના પાછલા દરવાજા પર તાળું મારેલું હતું.

 એક ઈન્સ્પેક્ટરે આગળ વધી ગજવામાંથી ચાવી કાઢીને તાળું ઉઘાડ્યું અને આગળિયો સરકાવ્યો.

 વળતી જ પળે એન્ટી ટેરરીસ્ટ સ્કવોર્ડના બે અધિકારીઓ ત્રાસવાદીને લઈને નીચે ઉતર્યા.

 એ ત્રાસવાદી માંડ ત્રીસ-બત્રીસ વર્ષનો એક યુવાન હતો.

 એણે ચેક્સની ડીઝાઇનવાળું શર્ટ અને સફેદ પેન્ટ પહેર્યાં હતાં. પગમાં સ્પોર્ટ્સ શૂઝ હતા.

 તે એકવડિયા બાંધાનો હતો અને પહેરવેશ તથા ચહેરા પરથી ત્રાસવાદી જેવો નહોતો લાગતો.

 એના ચહેરા પર છવાયેલ માસૂમિયત પરથી તો તે મીંઢો બિલકુલ નહોતો દેખાતો.

 અત્યારે એના હાથ-પગ લોખંડની મજબૂત અને વજનદાર બેડીઓથી જકડાયેલા હતા.

 એના શરીર પર ઠેકઠેકાણે ડ્રેસિંગપટ્ટીઓ ચોંટેલી હતી.

 આવી પરિસ્થિતિમાં પણ તેના ચહેરા પર ભય કે ગભરાટની આછી-પાતળી રેખાનાં દર્શન પણ નહોતાં થતાં.

 જોતજોતામાં જ જેલર લાંબા લાંબા ડગલાં ભરતો સ્ટેશન વેગન પાસે પહોંચ્યો.

 ‘જયહિન્દ સર....!’ ઇન્સ્પેક્ટરે તરત જ સલામ ભરીને તેનું અભિવાદન કર્યું.

 ‘જયહિન્દ...!’ જેલરે ધીમેથી માથું હલાવીને તેના અભિવાદનનો જવાબ આપ્યો.

 વેગનમાંથી ઉતર્યા પછી હવે ત્રાસવાદી યુવાન પણ જેલર સામે તાકી રહ્યો હતો.

 ‘આ નાલાયકની અક્કલ ઠેકાણે આવી કે નહીં....?’ જેલરે પૂછ્યું.

 ‘આ હરામખોરની અક્કલ એમ જલદી ઠેકાણે આવે તેમ નથી, જેલરસાહેબ...!’ ઇન્સ્પેક્ટર આગ્નેય નજરે ત્રાસવાદી યુવાન સામે જોતાં બોલ્યો, ‘એને હજુ ઘણો મેથીપાક જમાડવો પડશે...ત્યાર પછી જ એનું મોં ઊઘડશે....!’

 ‘તમે સાચું કહો છો....!’

 ‘આ પાજીને કઈ બેરેકમાં લઈ જવાનો છે ?’ ઈન્સ્પેક્ટરે પૂછ્યું.

 ‘સાત નંબરની બેરેકમાં લઈ જાઓ....! એ બેરેકમાં મેં ખાસ આ નાલાયક માટે જ ખાલી કરાવી રાખી છે.’

 ‘એ આપે બરાબર જ કર્યું છે....!’ ઈન્સ્પેક્ટરે મજબૂતીથી ત્રાસવાદીની બેડી પકડતાં કહ્યુ. 

 ત્યાર બાદ એને જોરથી ત્રાસવાદીને આગળ ધકેલ્યો.

 ‘ચાલ, નાલાયક..’ 

 ત્યાર બાદ તે ત્રાસવાદીને લગભગ ઘસડતો હોય એ રીતે સાત નંબરની બેરેક તરફ લઈ ગયો.

 એની સાથે બે સશસ્ત્ર સિપાહીઓ પણ હતા.

                     ************

 જેલરની ઓફિસમાં મિટિંગ ચાલતી હતી.

 આ મિટિંગમાં દિલીપ, જેલર ઉપરાંત એન્ટી ટેરરીસ્ટ સ્કવોર્ડના કેટલાય મોટા ઓફિસરો મોજૂદ હતા.

 સી.આઈ.ડી. ના ચીફ ઇન્સ્પેક્ટર મેજર નાગપાલના જમણા હાથ સમાન કેપ્ટન દિલીપથી આપ સૌ પરિચિત છો જ ! છ ફૂટથી વધુ ઉંચાઈ...! હમેંશા કાળો ઓવરકોટ તથા માથા પર ગોળ હેટ પહેરવાનો શોખીન....!

 આડત્રીસ કેલિબરની એક કોલ્ટ રિવોલ્વર એ હમેંશા પોતાની હેટની ક્લીપમાં છુપાવીને રાખે છે. કટોકટીની પળે હેટમાં છુપાવેલી આ રિવોલ્વર તેને ખૂબ જ કામમાં આવે છે. આ ઉપરાંત આવી જ એક વધુ રિવોલ્વર તેના ઓવરકોટના ગજવામાં પણ પડી રહે છે.

 આવા આ આંતરરાષ્ટ્રીય જાંબાઝ જાસૂસ દિલીપનું નામ હવે વધુ પરિચયનું મોહતાજ નથી રહ્યું.

 ‘મિસ્ટર દિલીપ..!’ મિટિંગમાં મોજૂદ એક ઓફિસર બોલ્યો, ‘અત્યાર સુધીમાં એ ત્રાસવાદી વિશે અમને માત્ર એક જ વાત જાણવા મળી છે અને તે પણ ફક્ત અમારું અનુમાન જ છે.’

 ‘શું ?’

 ‘એ જ કે તે એક કાશ્મીરી ત્રાસવાદી છે અને કોઈક મોટી ખૂનરેજીના ઈરાદાથી મુંબઈ આવ્યો હતો. પરંતુ આ જાનહાનિના ઈરાદામાં એને સફળતા મળે એ પહેલાં જ તે ઝડપાઈ ગયો.’

 ‘તે ક્યાં ત્રાસવાદી સંગઠન સાથે સંકળાયેલો છે ?’

 ‘મેં કહ્યું તો ખરું કે આ બાબતમાં હજુ સુધી અમને કશુંય જાણવા નથી મળ્યું.’

 ‘અને એ ત્રાસવાદી જે ટાઈમબોમ્બથી વી.ટી. સ્ટેશનમાં વિસ્ફોટ કરવાનો હતો, તે ટાઈમબોમ્બ ક્યાં છે ?’ દિલીપે પૂછ્યું.

 ‘એ ટાઈમબોમ્બ અહીં જ છે !’ આ વખતે જેલરે જવાબ આપ્યો.

 ‘અહીં એટલે કે આ જેલમાં ?’

 ‘હા...’

 ‘હું એ ટાઈમબોમ્બ પર એક નજર કરવા માંગુ છું.’

 ‘ચોક્કસ.’

 જેલરે ત્યાં જ ખુરશી પર બેઠેલા ઇન્સ્પેક્ટર દરજ્જાના એક અધિકારીને ટાઈમબોમ્બ લાવવાનું કહ્યું.

 આદેશ મળતાં જ ઇન્સ્પેક્ટર ઉભો થઈને ચાલ્યો ગયો. 

 પાંચેક મિનિટ પછી તે પાછો ફર્યો ત્યારે એના હાથમાં એક મજબૂત બ્રિફકેસ જકડાયેલી હતી.

 એણે બ્રિફકેસને દિલીપની સામે ટેબલ પર મૂકી દીધી.

 ‘આ જ બ્રિફકેસમાં ટાઈમબોમ્બ છે, મિસ્ટર દિલીપ....!’

 દિલીપે બ્રિફકેસ ઉઘાડી.

 બ્રીફકેસ ઉઘડતાં જ એની આંખો નર્યા અચરજથી વિસ્ફારિત બની ગઈ.

 આખી બ્રીફકેસમાં વાયરોની લાંબી-પહોળી જાળ હતી. બ્રીફકેસની બરાબર વચ્ચેના ભાગમાં એક નાનકડું ઘડિયાળ ફીટ કરેલું હતું. ઘડિયાળને ફરતા કેટલાય વાયરો જોડાયેલા હતા. આ ઉપરાંત બ્રીફકેસમાં વિસ્ફોટક પદાર્થની દસ અલગ અલગ થેલીઓ ગોઠવેલી હતી. આ થેલીઓના કનેક્શન વાયર સાથે જોડેલાં હતા.

 અત્યારે એ ટાઈમબોમ્બને સંપૂર્ણ રીતે નિષ્ક્રિય બનાવી દેવામાં આવ્યો હતો.

 દિલીપ થોડી પળો સુધી એકીટશે ટાઈમબોમ્બ સામે તાકી રહ્યો.

 પછી એણે ખાંચામાંથી વિસ્ફોટક પદાર્થની એક થેલી ખેંચીને બહાર કાઢી.

 ‘બધી થેલીઓમાં આર.ડી.એક્સ. ભરેલું છે, મિસ્ટર દિલીપ..!’

 ઉચ્ચ ઓફિસર સહજ ભાવે બોલ્યો, ‘આર.ડી.એક્સ. ની પણ ઘણી બધી ક્વોલિટી હોય છે, એ તો તમે જાણતા જ હશો. આ થેલીઓમાં ભરેલ આર.ડી.એક્સ. સુપર કવોલિટીનો અને અત્યંત વિનાશક છે!’

 ‘જો આ સુપર ક્વોલિટીનો આર.ડી.એક્સ. હોય તો...’ દિલીપે ચમકીને કહ્યું, ‘આટલા આર.ડી.એક્સ.થી તો આખું વી.ટી. સ્ટેશન જ ઊડી જાત...!’

 ‘ચોક્કસ ઊડી જાત...!’ ઓફિસરે સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું, ‘એમાં તો શંકાને તો કોઈ સ્થાન જ નથી.’.

 ‘ઓહ...!’ દિલીપ બબડ્યો.

 ઓફિસરની વાત સાંભળીને જ તેને ધ્રુજારી છૂટી ગઈ હતી.

 એનાં રોમેરોમ ઉભાં થઈ ગયાં હતાં.

 ખરેખર બહુ મોટી દુર્ઘટના બનતાં બનતાં રહી ગઈ હતી.

 જો આ ટાઈમબોમ્બ ફાટ્યો હોત તો અસંખ્ય નિર્દોષ લોકો મોતના જડબામાં ધકેલાઈ જવાના હતાં.

 ‘મિસ્ટર દિલીપ...!’ જેલર બોલ્યો, ‘આખું વી.ટી. સ્ટેશન ઊડી જાય એમ જ એ ત્રાસવાદી ઈચ્છતો હતો, પરંતુ આપણાં સદનસીબે અને એના કમનસીબે તેની આ ઈચ્છા ફળીભૂત ન થઈ.’

 દિલીપે આર.ડી.એક્સ. વાળી થેલી ખાંચામાં ગોઠવીને બ્રીફ્કેસને યથાવત્ રીતે બંધ કરી દીધી.

 ‘હવે તમે લોકો મારા એક અગત્યના સવાલનો જવાબ આપો...!’ એણે વારાફરતી ત્યાં ઉપસ્થિત સૌના ચહેરા સામે નજર દોડાવતાં કહ્યું.

 ‘પૂછો, મિસ્ટર દિલીપ...!’

 બધાના દેહ પોતપોતાની ખુરશી પર ટટ્ટાર થઈ ગયા હતા. 

 ‘તમે એ ત્રાસવાદીને કઈ કઈ રીતે ટોર્ચર કર્યો છે?’ દિલીપે ગંભીર અવાજે પૂછ્યું.

 ‘મિસ્ટર દિલીપ...!’ એક અન્ય ઓફિસર બોલ્યો, ‘ટોર્ચરિંગની એવી કોઈ રીત બાકી નથી રહી કે જે અમે એના પર ન અજમાવી હોય...! પરંતુ એકેય રીતથી કોઈ લાભ નથી થયો. એ કશુંય કહેવા માટે તૈયાર નથી.ભગવાન જાણે કઈ માટીથી ઘડાયેલો છે!’

 ‘ઓફિસર...!’ દિલીપે કહ્યું, ‘સૌથી પહેલાં તો તમારા મગજમાંથી એક માન્યતા કાઢી નાખો કે મોં ઉઘાડવા માટે તમે એના પર બધી રીતો અજમાવી ચૂક્યા છો. આ તમારી ગેરસમજ છે.’

 ‘ગેરસમજ...?’ ઓફિસરના અવાજમાં મુંઝવણનો સૂર હતો.

 ‘જી, હા...’ દિલીપ એક એક શબ્દ ઉપર ભાર મૂકતાં બોલ્યો, ‘સચ્ચાઈ એ છે એવરીબડી, કે ઉપાયોનો કોઈ અંત નથી...! જે રીતે માણસની સહનશક્તિ અનંત છે, એ જ રીતે તેને તોડવાની રીતો પણ અનંત છે.અલબત્ત, કોઈક એક ખાસ મુકામ પર પહોંચ્યા પછી જ્યારે માણસની સમજવા – વિચારવાની શક્તિ હણાઈ જાય...એની બુદ્ધિ કુંઠિત થઈ જાય, ત્યારે તે એમ વિચારે છે કે હવે કોઈ ઉપાય બાકી નથી રહ્યો. પરંતુ વાસ્તવમાં એવું નથી હોતું...ત્યારે પણ ઘણા બધા ઉપાયો બાકી જ હોય છે...’

 સૌ ચુપ રહ્યા.

 દિલીપની વાતમાં વજૂદ છે એ બધા સમજતા હતા.

 દિલીપ જેવા જાસૂસની વાત કદાપી ખોટી ન હોય એ હકીકતથી સૌ વાકેફ હતા.

 ‘તમે મને અડધા કલાકનો સમય આપો.’ દિલીપનો અવાજ એકદમ શાંત અને ગંભીર હતો, ‘હું હમણા જ એ ત્રાસવાદીને મળીને આવું છું.’

 ‘હું પણ તમારી સાથે આવું, મિસ્ટર દિલીપ....?’ જેલરે ઉભા થતાં પૂછ્યું.

 ‘ના...’ દિલીપે નકારાત્મક ઢબે માથું હલાવતાં કહ્યું,’ હું એકલો જ મારી રીતે એકાંતમાં તેને પૂછપરછ કરવા માગું છું. તમે માત્ર મને સાત નંબરની બેરેકનો રસ્તો બતાવી દો.’

 ‘ચાલો...’

 જેલર જરા પણ ભોંઠપ અનુભવ્યા વગર દિલીપને લઈને ઓફિસમાંથી બહાર નીકળ્યો.

 સાત નંબરની બેરેક જેલના ખૂબ જ અંદરના ભાગમાં બનેલી હતી.

 જેલ તોડીને નાસી છૂટશે એવી શંકા હોય એ જાતના ખતરનાક ગુનેગારોને જ આ બેરેકમાં રાખવામાં આવતા હતા.

 દિલીપ સાત નંબરની બેરેક સામે પહોંચીને ઊભો રહ્યો|.

 જેલરને એણે ત્યાંથી જ પાછા જવાનું જણાવ્યું.

 ‘પણ..પણ એ ખૂબ જ ખતરનાક ત્રાસવાદી છે, મિસ્ટર દિલીપ !’ જેલર વ્યાકુળ અવાજે બોલ્યો, ‘જો ક્યાંક...’

 ‘તમે બિલકુલ બેફિકર રહો...’ દિલીપે આરામથી કહ્યું, ‘એ મારું કશુંય નહીં બગાડી શકે.’

 ‘છતાં પણ...’

 ‘જેલર સાહેબ...!’ આ વખતે દિલીપનો અવાજ સહેજ કઠોર થયો, ‘મેં કહ્યું તો ખરું કે મારી ફિકર કરવાની જરૂર નથી...! મારું રક્ષણ કેવી રીતે કરવું એની મને ખબર છે.’

 ‘ઓ.કે. મિસ્ટર દિલીપ...!’ જેલર ત્યાંથી વિદાય થઈ ગયો.

 જતી વખતે પણ એના ચહેરા પર ઘેરાયેલાં ચિંતાનાં વાદળો સ્પષ્ટ રીતે જોઈ શકાતાં હતાં.

 એના વિદાય થયા પછી દિલીપ ધીમેથી બેરેકનો દરવાજો ઉઘાડીને અંદર પ્રવેશ્યો. બેરેકમાં એ વખતે હાથ પણ ન દેખાય એવો ગાઢ અંધકાર છવાયેલો હતો.

 આ બેરેક ખતરનાક કેદીઓ માટેની જ હોવાથી તેનો દરવાજો સળિયાવાળો નહીં, પણ મજબૂત લોખંડની પ્લેટનો બનેલો હતો. એટલે બહારનું અજવાળું અંદર પહોંચી શકે તેમ નહોતું.

 બેરેકમાં પ્રવેશતાં જ દિલીપને સામે ચબૂતરા પર બેઠેલો ત્રાસવાદી દેખાયો.

 દરવાજો ઉઘડતાં જ અંધારી બેરેકમાં બહારની લોબીનું અજવાળું ચારે તરફ ફેલાઈ ગયું જેને કારણે થોડી પળો માટે એ ત્રાસવાદીની આંખો અંજાઈ ગઈ.

 ‘ક...કોણ છો તમે..?’ એણે ધ્યાનથી દિલીપ સામે જોતાં પૂછ્યું.

 દિલીપે કશોય જવાબ આપ્યા વગર પુનઃ દરવાજો બંધ કરી દીધો.

 બેરેકમાં થોડી પળો માટે જે અજવાળું પથરાયું હતું, એનું સ્થાન ફરીથી અંધકારે લઈ લીધું.

 ત્યાર બાદ બેરેકમાં દિલીપના બૂટનો અવાજ ગુંજવા લાગ્યો.

 તે હવે ધીમે ધીમે ચબૂતરા પર બેઠેલા ત્રાસવાદી તરફ આગળ વધતો હતો.

 ‘તમે..તમે જવાબ ન આપ્યો..?’ ત્રાસવાદીના અવાજમાં ગભરાટની સહેજ છાંટ હતી, ‘ક...કોણ છો તમે અને શા માટે અહીં આવ્યા છો...?’

 દિલીપ અંધકારમાં જ એ ત્રાસવાદીની એકદમ નજીક પહોંચીને ઊભો રહ્યો.

 ત્રાસવાદીને પણ હવે એના નજીક હોવાની અનુભૂતિ થતી હતી.

 હજુ સુધી દિલીપ એક શબ્દ પણ નહોતો બોલ્યો.

 પછી એણે ઓવરકોટના ગજવામાંથી લાઈટર કાઢી ત્રાસવાદીના ચહેરાની એકદમ નજીક લઈ જઈને પેટાવ્યું

અને ત્યાર બાદ એકદમ શાંત અવાજે બોલ્યો, ‘મારું નામ દિલીપ છે...! કેપ્ટન દિલીપ..!’

 ‘ક...કેપ્ટન દિલીપ...!’ ત્રાસવાદીના દેહમાં ખોફ્ભરી ધ્રુજારી ફરી વળી. એ સૂકા પાંદડાની માફક થરથરી ગયો, ‘અ...આંતરરાષ્ટ્રીય જાસૂસ કેપ્ટન દિલીપ...?’

 ‘હા, એ જ હું છું...!’

 ત્રાસવાદી હવે સ્પષ્ટ રીતે ભયભીત દેખાતો હતો.

 દિલીપનાં નામ અને કામથી તે પૂરેપૂરો વાકેફ હતો.

 કડકડતી ઠંડી હોવા છતાંય એના કપાળ પરથી પરસેવાની ધાર નીતારવા લાગી.

 દિલીપે એક સિગારેટ પેટાવ્યા બાદ લાઈટર બંધ કરી દીધું.

 હવે ત્યાં માત્ર સળગતી સિગારેટનું જ અજવાળું પથરાયેલું હતું.

 ‘તું ખૂબ જ સહનશીલ છો, એવું મેં સાંભળ્યું છે.’ દિલીપ આછા અજવાળામાં ધ્યાનથી એના ચહેરા સામે તાકી રહેતાં બોલ્યો, ‘પુષ્કળ ટોર્ચર કર્યા પછી પણ તેં તારું મોં નથી ઉઘાડ્યું.....!’

 ‘શું તમે પણ મને ટોર્ચર કરવા આવ્યા છો...?’

 ‘નાં, બિલકુલ નહી....!’ દિલીપે સીગારેટનો કસ ખેંચીને નકારાત્મક ઢબે માથું હલાવતાં કહ્યું, ‘હું તને ટોર્ચર કરવા માટે નથી આવ્યો...’

 ‘તો પછી શા માટે આવ્યા છો...?’

 ‘હું તને સમજાવવા માટે આવ્યો છું,દોસ્ત..!’ દિલીપનો અવાજ એકદમ શાંત હતો. ત્રાસવાદી પ્રત્યે એનું વર્તન એકદમ સહાનુભૂતિભર્યું હતું. ‘જોકે તારા ચહેરા પરથી તો મારે તને કશુંય સમજાવવું પડે એવું મને જરા પણ નથી લાગતું.’

 ‘શ...શું સમજાવવું છે તમારે..?’

 ત્રાસવાદી ભયભીત નજરે એકીટશે દિલીપ સામે તાકી રહ્યો હતો.

 ‘જો તારામાં સહેજેય અક્કલ હોય તો તું એટલું તો જરૂર સમજી ગયો હોઈશ કે જ્યાં સુધી તું મોં નહીં ઉઘાડે...જ્યાં સુધી તું તારા વિશે અમને બધું જણાવી નહીં દે ત્યાં સુધી અમે તને ટોર્ચર કરતા રહીશું. અર્થાત એક વાત બિલકુલ નક્કી છે કે વહેલું –મોડું પણ તારે તૂટવું જ પડશે..તારે વિશે અમને બધું જ જણાવવું પડશે.’

 ત્રાસવાદી ચુપ રહ્યો.

 ‘હવે આ જ વાતનું બીજું પાસું જો.’

 ‘કયું પાસું..?’

 ‘તારે વહેલું-મોડું મોં ઉઘાડવું પડશે એ વાત નક્કી જ છે તો તું યાતનાઓ સહન કરે એમાં શું ડહાપણ છે...? શું બુદ્ધિમત્તા છે...? કોઈ પણ સમજદાર માણસને એ વાત મંજૂર ન હોય કે માર પણ ખાવો અને છેવટે મોં પણ ઉઘાડવું...! એના કરતાં તો તું પોતે જ તારી સમજદારીનો થોડો ઉપયોગ કરીને તારે વિશે બધું કહી નાખે એ વધુ યોગ્ય રહેશે.નહીં તો પછી નછુટકે અમારે ટોર્ચરિંગનો ઉપયોગ કરવો પડશે. જાતજાતની તિકડમો ભિડાવવી પડશે...અવનવી યુક્તિ –પ્રયુક્તિ અજમાવવી પડશે...અને ટોર્ચરિંગની આ બધી રીતો એવી હશે કે માણસ તો ઠીક સાક્ષાત શયતાનનું કાળજું પણ એ જોઈને એક વખત કંપી ઉઠે.તારા હાથ-પગ ભાંગીને તને જિંદગીભર માટે અપંગ બનાવી દેવામાં આવશે. પહેલાં પક્કડથી તારા દાંત ખેંચીને પછી હથોડીથી પાછા ફીટ કરવામાં આવશે. ટોર્ચરિંગની આવી તો અનેક રીતો છે. અ રીતો સામે તું વધુ વખત સુધી ટક્કર નહી ઝીલી શકે. તારે મોં ઉઘાડવું જ પડશે.’

 ત્રાસવાદી હવે વધુ ગભરાયેલો લાગતો હતો.

 ‘હવે નિર્ણય તારા હાથમાં છે દોસ્ત...!’ દિલીપ સીગારેટનો કસ ખેંચતા બોલ્યો, ‘તારે તારા હાથ-પગ ભંગાવ્યા પછી...બોખા બન્યા પછી મોં ઉઘાડવું છે કે સમજદારીથી કામ લઈને એ પહેલાં જ બધું જણાવવું છે....?’ એણે પોતાની કાંડાઘડિયાળમાં સમય જોયો. ‘તારી પાસે દસ મિનિટનો સમય છે. હું હજી દસ મિનિટ સુધી અહીં જ છું. આ દસ મિનિટ દરમિયાન તું મને તારા વિશે બધું જણાવી દેતો ઠીક છે નહીં તો તારા પર જુલમની એવી ઝડી વરસશે કે તારું રોમરોમ ત્રાહિમામ પોકારી ઉઠશે. તારા શરીરના એક એક ભાગ જુદા પડી જશે...!’

 ત્યાં જ બેરેકમાં એક સ્ટૂલ પડ્યું હતું.

 દિલીપે વાત પૂરી કર્યા બાદ આગળ વધીને સ્ટૂલ પર બેસી ગયો અને ચુપચાપ સિગારેટના કસ ખેંચવા લાગ્યો.

 દિલીપની વાત સાંભળ્યા બાદ ત્રાસવાદી મૂંઝવણમાં પડી ગયો હતો.

 દિલીપની વાતોથી એનું અડધું મનોબળ તૂટી ગયું હતું.

 ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો.

 બેરેકમાં એટલી ચુપકીદી હતી કે ઘડિયાળનો ટિક ટિક અવાજ પણ નગારા જેવો લાગતો હતો.

 દસ મિનિટ પસાર થઈ ગઈ.

 આ દરમિયાન દિલીપ બીજી સિગારેટ પેટાવી ચૂક્યો હતો.

 ‘તો તેં શું નિર્ણય કર્યો દોસ્ત...?’ એણે સીગારેટનો કસ ખેંચતા પૂછ્યું.

 ત્રાસવાદી પ્રત્યેનું એનું વર્તન ખૂબ જ નમ્રતાભર્યું હતું.

 --અને દિલીપની આ નમ્રતા જ એ ત્રાસવાદીને વધુ અકળાવતી અને ડરાવતી હતી.

 ‘જલદી નિર્ણય કર દોસ્ત...!’ દિલીપ પૂર્વવત અવાજે બોલ્યો, ‘મારી પાસે વધુ સમય નથી.’

 ‘પ...પૂછો.!’ છેવટે એ ત્રાસવાદી ભાંગી જ પડ્યો, ‘શું પૂછવું છે તમારે.?’

 દિલીપ તરત જ સ્ટૂલ પરથી ઊભો થઈ ગયો.

 ‘વૈરી ગુડ...! તેં સમજદારીથી કામ લીધું એનો મને આનંદ છે.’ એ પ્રશંસાભર્યા અવાજે બોલ્યો, ‘તારો નિર્ણય મને ખૂબ જ ગમ્યો છે’

 ત્રાસવાદીએ કોઈ પ્રતિક્રિયા વ્યક્ત ન કરી.

 એનો ચહેરો ભાવહીન જ રહ્યો.

 ‘સૌથી પહેલાં તો મને તારું નામ જનાવ..’

 ‘ન..નામ..!’

 ‘હા, નામ..!’

 ‘મ..મારું નામ...’ એ ખમચાટભર્યા અવાજે બોલ્યો, ‘મારું નામ સલીમ રઝા છે..’

 ‘ક્યાંનો રહેવાસી છો....?’

 ત્રાસવાદી ચુપ થઈ ગયો.

 એ હજુ પણ ગડમથલમાં લાગતો હતો.

 એના ચહેરા પર અનિચ્છાના હાવભાવ સ્પષ્ટ રીતે જોઈ શકાતાં હતા.

 ‘મેં હમણાં શું પૂછ્યું હતું એ તને યાદ છે..?’

 ‘શું?’

 ‘એ જ કે તારી પાસે બહુ ઓછો સમય છે...!’ દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતા કઠોર અવાજે બોલ્યો, ‘જલદીથી મારા સવાલોના જવાબ આપ...! જો મારી ધીરજ ખૂટશે અને મારા મગજની કમાન છટકશે તો એ તને ભારે પડી જશે. બોલ, તું ક્યાંનો વતની છે...?’

 ‘ક...કાશ્મીરનો...!’

 ‘કાશ્મીર તો બહુ મોટું છે. કાશ્મીરમાં ક્યાંનો...?’

 ‘બારામૂલાનો...’

 ‘બારામૂલાનું સરનામું જનાવ...!’

 સલીમે ખમચાતા અવાજે પોતાના ઘરનું સરનામું પણ જણાવી દીધું.

 ત્યાર બાદ દિલીપ ધીમે ધીમે સલીમને એક પછી એક સવાલ પૂછવા લાગ્યો અને સલીમ એના સવાલોના જવાબ આપતો ગયો.

      *****