ત્રણ વર્ષ પહેલાંની વાત છે. શહેર વડોદરા, નવરાત્રીનો સમય. રાત્રિનાં આઠ વાગ્યા છે. હીના પોતાના માતા-પિતા તેમજ ભાઈ-ભાભી સાથે પૂજાઘરમાં મા જગદંબાની આરતી કરી સ્તુતિ ગાઈ રહી છે. સ્તુતિ પૂરી થતાં જ મમ્મી બધાંને પ્રસાદ આપે છે તેમજ નવરાત્રિનો ઉપવાસ હોવાથી માત્ર ફળાહાર જ કરવાનો હોઈ બધાંને પહેલેથી તૈયાર રાખેલ સમારેલા ફળોની તાસકો પકડાવે છે. હીના પોતાની તાસક લઈ ટેલિવિઝન સામે બેસી ફળોનો સ્વાદ માણવો શરુ કરે છે. મમ્મી અને પપ્પા તૈયાર થઈ તેમના પ્રિય એવા ગરબા ગાયકના મેદાને ઘૂમવા નીકળી પડે છે. આ વડોદરા છે. પરિવાર બધે સાથે જ જાય, પણ ગરબે ઘૂમવા તો પોતાનાં મનપસંદ કલાકારનાં ગળાની મધુરપ કે મનના મોરલાને થનગનાટ કરાવે એવા ઢોલીના સાથની જ જરુર પડે.
હવે, ભાઈ-ભાભી લગભગ તૈયાર જ છે. ભાભી હીનાને સાદ કરે છે, "હીના, ઘર બંધ કરીને તું નીકળીશ કે અમે?" હીનાને આમેય ઘર બંધ કરવાનો કંટાળો એટલે તે તરત જ ફળના છેલ્લા બે ટુકડા મોંમાં સરકાવી તાસક સિંકમાં મૂકી પોતાના ઓરડામાં ભરાઈ ગઈ. અને પંદર મિનિટમાં તો કચ્છી ભરતના આભલાંથી શોભતાં ચણિયાચોળી, થોડાં ઘરેણાં પહેરી બહાર આવી ગઈ. પોતાની જરુરી ચીજ વસ્તુઓ લઈ જવા ભેગી કરતી હતી ત્યાંજ ભાઈએ મજાક કરી, "જો, આ તારી આળસુ નણંદ, ઘર બંધ ન કરવું પડે એટલે ફટાક કરતીકને તૈયાર થઈ ગઈ." ભાભીએ હીનાનું ઉપરાળું લેતાં કહ્યું, "હશે, નાની છે. આપણી જોડે નહીં તો કોની જોડે લાડ કરશે?"
એટલામાં બારણાની ઘંટડી વાગે છે. ભાઈ ફરી ટહુકે છે, "ખોલ બારણાં, તને જ તેડવા આવી હશે ત્રિપુટી. તું જા એટલે અમે તાળાં મારીને ઉપડીએ." હીના બારણું ખોલતાં તેવા જ મજાકિયા સૂરે જવાબ વાળે છે, "હા, તે જઈશ જ ને." બારણું ખૂલતામાં હીનાની ત્રણે સખીઓ તેને લગભગ ઘરબહાર ખેંચતા બોલે છે, "ચાલ, મોડું થશે." હીના ઘરની અંદર જવાનો પ્રયાસ કરે છે પણ તેમની પકડ ઢીલી નથી પડતી. ભાભી હસતાં હસતાં હીનાની જરૂરી વસ્તુઓ તેને પકડાવે છે. ચારેય "આવજો ભાભી, રાત્રે મળીશું પાછાં ફરીને." બોલતાં નીકળી જાય છે.
રાત્રિનાં નવ વાગ્યા છે. હીના કાર ચલાવી રહી છે. તેની બહેનપણી, સાધિકા તેની બાજુની સીટ ઉપર બેઠાં બેઠાં બહાર રસ્તા ઉપર નજર ફેરવતાં વાતો કરી રહી છે. પાછળની સીટમાં મંજરી અને શીતલ બેઠાં છે. અચાનક, બારી બહાર જોઈ રહેલી સાધિકાનાં મોંમાંથી ચીસ નીકળી જાય છે. હીના કારની ગતિ ધીમી કરે છે. ત્રણેય સાધિકા તરફ જુએ છે અને તેની આંખોનું અનુસંધાન કરતાં બારી બહાર જુએ છે. ત્યાં રસ્તાની બાજુએ એક મેલોઘેલો પુરુષ એક આઠ-નવ વર્ષની બાળકી અને સાવ એકવડિયા બાંધાની, ખાસ્સી રૂપાળી સ્ત્રીને હાથ અને લાતોથી મારી રહ્યો છે. તે બંને, "હવે નહીં જઈએને, માર નહીં, બહુ વાગે છે. અરે, આ નાનકીને તો છોડ." જેવાં ઉદ્ગારો સંભળાય છે. બંન્નેના હાથ, માથું અને મોઢાના ભાગથી લોહી નીકળી રહ્યું છે.
હીના આ જો દ્રવી ઊઠે છે. તે ત્રણેયને અંદર બેસી રહેવાની સૂચના આપી, પોતાની ડ્યૂટી પરની નાની સ્ટીક લઈ નીચે ઉતરે છે. પેલો માણસ જે બે સ્ત્રીઓને મારી રહ્યો છે તેનું હીનાનાં પોતાનાં તરફ વધવા તરફ કોઈ લક્ષ નથી. એટલામાં નજીક પહોંચી રહેલી હીના પોતાનાં કડક અવાજમાં તેને રોકાઈ જવાનો આદેશ આપે છે. તે સાંભળવાની દરકાર કર્યા વિના બંને સ્ત્રીઓને મારવાનું ચાલુ જ રાખે છે. હીના હવે સાવ પાંચ-છ ડગલાં દૂર છે. ફરી ચેતવે છે. હવે, આ વખતે તે માણસ હીના તરફ ફરીને કહે છે, "આ મારા ઘરનો મામલો છે. તમારે વચ્ચે પડવાની કોઈ જરૂર નથી. આ મારી દીકરી ને પત્ની છે." તો હીના વધુ નીડરતાથી થોડા સત્તાવાહી સૂરમાં તેને કહે છે, "તારા ઘરની વાત ત્યાં સુધી જ્યારે તું તારી પત્ની અને દીકરીને પ્રેમથી કશે લઈ જતો હોય, બાકી હાથ ઉઠાવનારને તો ઘરમાંથીયે લઈ જઈને પોલીસના હવાલે કરવાનો કાયદો છે." હવે પેલો માણસ હીના તરફ ખૂબ જ ગુસ્સામાં વળ્યો અને તેને ધમકાવવા લાગ્યો, "અહીંથી ચાલવા માંડ, નહીં તો એક-બે થપ્પડ તનેય પડી જશે." હીના તેને અવગણી એકદમ પેલી બાળકીની નજીક આવી તેને પોતાના હાથોમાં ઉંચકી લે છે. અને આ જોઈ પેલી સ્ત્રી ચપળતાથી હીનાની પાછળ લપાઈ તેના ડાબા ખભાને ભરોસાથી પકડી લે છે. હીના એક હાથે તેનો હાથ થોડો દબાવી સાંત્વના આપે છે. હજુ કાંઈ સમજાય તે પહેલાં પેલો વિફરેલો પુરુષ નજીક પડેલ એક ડાંગ ખેંચી હીના તરફ વીંઝે છે. હજી હીનાનું ધ્યાન જાય તે પહેલાં મંજરી ધસી જઈ હવામાં જ પોતાનો પગ ફંગોળી તે ડાંગને દૂર ઉડાડી દે છે.
ત્યાં ઉભેલા તેમના જ બીજાં સગાં આ રોજનો તમાશો જોતાં હોય છે. મંજરી તેમને પૂછે છે, "આ શું તમાશો જોયા કરો છો? કોઈ આ બંનેને બચાવવા આગળ કેમ ન આવ્યું?" બધાં કહે છે, "આવું તો અમારે રોજ કોઈક ને કોઈકના ઘરમાં જ ચાલતું હોય. એમાં કાંઈ ખોટું નથી. બાપ છે, ધણી છે. મારેય ખરો. સીધેસીધું ઘરમાં રહીને જીવતાં ન આવડે તો માર મારીને જ પાંસરા કરાય."
હવે તો દૂરથી ફોટા પાડી રહેલી સાધિકા પણ નજીક આવે છે. તેનો આક્રોશ પણ ટોળાં ઉપર નીકળે છે. તે ટોળાની પૂછપરછથી માહિતી કઢાવે છે કે આ સ્ત્રીની દીકરીને કોઈએ આપેલા ચણિયાચોળી પહેરી બાજુની શેરીમાં ચાલતાં ગરબા ગાવા જવું હતું અને પુરુષ એમ ઈચ્છતો હતો કે મા-દીકરી બંન્ને રોજની માફક પાણીની બોટલ્સ વેચે અને તે પોતે કોઈ ગરબા સ્થળની મુલાકાત લઈ આવે. તેની પાસે કાંઈ સારાં કપડાં કે રૂપિયા નહોતા કે નહોતો શોખ કે નહોતી શ્રદ્ધા ગરબે રમવાની. આતો બીજાં પુરુષમિત્રો સાથે ત્યાં જઈ આવતી-જતી સ્ત્રીઓને જોઈ રહેવી અને મનમાં મહેલ ચણતાં રહેવું હતું. સાદી ભાષામાં રોડસાઈડ રોમિયોગીરી કરવી હતી.
હજી તે ટાઢો નથી પડ્યો. તે ફરી હીના તરફ ધસી જાય છે. આ વખતે તેનાં મોઢામાંથી અતિશય ગંદા કહી શકાય તેવાં અપશબ્દો નીકળી રહ્યાં છે. તે હીનાને મારવા પોતાનો મુક્કો ઉગામી તેની ખૂબ જ નજીક પહોંચી ગયો છે. હીના હળવેકથી તેની દીકરીને નીચે સરકાવી એક હાથથી પોતાની પાછળ ખસેડી દે છે જ્યાંથી તેની મા તેને સજ્જડ પકડી લે છે. તેને થયું આ છોકરી તો હવે ગઈ જ. આ તો કેવડી નાજુક છે, તે તો જમીન પર જ પછડાઈ જશે. ત્યાં આ શું? પેલાના મુક્કા પર હીનાએ દીવાલની જેમ હાથ રાખી દીધો અને બીજા હાથે તેને જડબાતોડ મુક્કો લગાવી દીધો. અને તે ભૂકંપથી તૂટી પડતી ઇમારતની જેમ જમીન પર ફસડાઈ પડ્યો. હવે ફોન ઉપર વાત કરતાં કરતાં શીતલ આવી ગઈ. નવરાત્રિના પરંપરાગત પોષાક માં સજ્જ આ ચારેય દીકરીઓનું દુર્ગા સ્વરૂપ જોઈ પેલી સ્ત્રી પોતાના ઘૂંટણિયે પડી તેઓ તરફ બે હાથ જોડી નતમસ્તક થઈ ગઈ. "ઓ જગદંબા, આજે તેં મારા રક્ષણ કાજે આવી મને સાક્ષાત દર્શન દીધાં. મને હવે આ ત્રાસમાંથી છોડાવ." નીચે પડેલો માણસ પણ બે હાથ જોડી, "જગદંબા, માફી આપો" નું રટણ રડમસ અવાજે કરવા લાગ્યો.
એટલામાં ત્યાં પોલીસવાન આવી ગઈ, જે શીતલે ફોન કરીને બોલાવી હતી. વાનમાંથી હવાલદાર મોરે અને હવાલદાર શર્મા ઉતર્યા. અને ઈન્સપેક્ટર હીના પાસે જઈ સેલ્યૂટ કરી. ઊભેલાં બધાં જ ચોંકી ગયાં. પેલા પુરુષને પકડીને વાનમાં બેસાડ્યો જે હવે લગભગ હેબતાઈ ગયો હતો. સાધિકા જે એક મેગેઝિનની ફોટોગ્રાફર હતી તેણે મા-દીકરીને સાચવીને કારમાં બેસાડ્યા જેથી તેઓ પોલીસવાનથી ડરી ન જાય. મંજરી જે સબ-ઈન્સ્પેકટર હતી, તેણે તમાશો જોનારમાંથી ત્રણ જણને તેમની સાથે સાક્ષી પૂરવા લીધાં. અને શીતલ જે ન્યૂઝ રીપોર્ટર હતી તેણે કાર ચાલકની સીટ સંભાળી. બધાં પોલીસ સ્ટેશન પહોંચ્યા. સ્ત્રીના કહેવાથી તેના પતિને ચેતવણી અને બીજાં લોકોના મૌખિક જામીનથી છોડી દીધો. ઇન્સ્પેક્ટર હીનાએ માતા અને દીકરીને એક મહિલા હવાલદાર જોડે તેમની વસાહત નજીકની શેરીમાં ગરબા ફરવા મોકલ્યા અને તે સ્ત્રીના પતિને તેઓને આંગળી એ ન અડાડવાની તાકીદ કરી.
ચારેય ફરી ગાડીમાં બેઠાં અને હંકારી મૂક્યું એ ગરબા સ્થળ તરફ જ્યાં આજે હીના અને મંજરીની સામાન્ય વેશમાં ડ્યૂટી હતી જેથી અસામાજિક તત્વો જે ચોરી કે છેડતીના આશયથી મેદાનમાં પ્રવેશી ગયા હોય તેમને રંગેહાથ પકડી હવાલાતમાં મોકલી શકાય.
આ વાતને ત્રણ વર્ષ વીત્યા. પણ હજુ ચારેય સહેલીઓ આ સ્ત્રીની સૂધ લેવાનું ભૂલતી નથી. તેના પરિવારમાં એક નાના બાળકનો વધારો છ મહિના પહેલાં જ થયો છે. પુરુષને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે. તે ખૂબ જ પ્રેમથી પોતાના પરિવારને સંભાળે છે. પણ, તે આજેય આ સહેલીઓને બે હાથ જોડી, 'પધારો જગદંબા' કહીને જ આવકારે છે, પણ સસ્મિત. તેના મનમાં તેમના માટે માન છે, રંજ નહીં.
લિખિત બાંહેધરી: ઉપરોક્ત વાર્તા 'જગદંબાનું દર્શન', મારી એટલે કે અલ્પા મ. પુરોહિતની સ્વરચિત કૃતિ છે. આ કૃતિ સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેનું કથાનક કે પાત્રો સાથે કોઈપણ જીવંત કે મૃત વ્યક્તિ કે વ્યક્તિસમૂહને કોઈ સંબંધ નથી. અને જો આવું જણાય તો તે એક સંયોગમાત્ર હશે.