TASMAI SHRI GURUVE NAMAH in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

Featured Books
Categories
Share

તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

ગુરુપૂર્ણિમા

જીવમાત્ર અવિદ્યાની ગ્રંથિમાં જકડાયેલો છે ત્યારે આદ્ય ગુરુ શંકરાચાર્યના શબ્દોમાં ‘ગુરુ’ શબ્દનો અર્થ જીવના હૃદયમાંથી અવિદ્યાની ગ્રંથિઓ ઉકેલી શકે તે જ સાચા ગુરુ.તે સક્ષાત બ્રહ્મરૂપહોય છે.નિર્ગુણ,નિરાકાર પરમેશ્વર પોતે સગુણ સાકાર સ્વરૂપે ગુરુમાં રહેલા હોય છે.એમ માનવામાં આવે છે.જે આપણી અવિદ્યાને દુર કરી અંધકારમાંથી ઉજાશ તરફ લઇ જાય છે. પુરાણોમાં નજર કરીએ તો ગુરુશિષ્ય પરંપરાના અજોડ અને અનન્ય ઉદાહરણો આજે પણ પ્રેરણાદાયી છે.આજની દુનિયામાં સામાન્ય માનવી,એક સાચા,નિ:સ્વાર્થી,વિકારરહિત ગુરુ કેમ અને ક્યાથી મેળવા એવું વિચારતો હોય છે.ત્યારે પુરાણમાં ગુરુ દાતાત્રેયએ સામાન્યમાંથી અસામાન્ય જોવાની અનોખી રીત દાખવી હતી.એક,બે,નહિ પણ પુરા ચોવીસ ગુરુઓની શ્રુખલા બનાવી અદ્વિતીય મિશાલ ખડી કરી દીધી છે.જે દર્શાવે છે કે જેની પાસેથી આપણને કઈ પણ નવું જ્ઞાન કે પ્રેરણા મળે તે દરેકેદરેકને તમે ગુરુ માની શકો.

પ્રાચીન સમયમાં વિદ્યાર્થી ગુરુના આશ્રમમાં રહીને નિશુલ્ક શિક્ષા મેળવતા હતા ત્યારે આ દિવસે શિષ્ય શ્રધ્ધા ભાવથી પ્રેરિત થઈને પોતાના ગુરૂનું પૂજન કરી તેમને શક્તિ મુજબ દક્ષિણા આપીને ધન્ય થતા હતા. આમ તો ઘણા ગુરુ થઇ ગયા, પણ મહર્ષિ વ્યાસ ઋષિ 4 વેદોના પ્રથમ વ્યાખ્યાતા છે,તેથી અષાઢ મહિનાની પુર્ણિમાએ વેદવ્યાસની પૂજા થાય છે. જ્ઞાન આપનારા વ્યાસજી છે આથી તેઓ આદિ ગુરુ કહેવામાં આવે છે. અને માટે જ ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહેવામાં આવે છે. તેમની યાદ તાજી રાખવા માટે તમામ ગુરુઓને વ્યાસજીના અંશ માની તેમની ભક્તિથી પૂજા-અર્ચના કરવામાં આવે છે.

મહાગુરુ દ્રોણાચાર્ય, તેમનો પ્રત્યક્ષ શિષ્ય મહાયશસ્વી અર્જુન,અને તેમનો વંદનીય પરોક્ષ શિષ્ય એકલવ્ય આજના દિવસે કેમ ભૂલાય?ગુરુએ શિક્ષણ આપવાની ના પડતા તેમની પ્રતિમા બનાવી પરોક્ષ રીતે ગુરુપદે સ્થાપી,જાતે ધનુર્વિધામાં માહિર થનાર એકલવ્યને અર્જુનપ્રેમી ગુરુ દ્રોણએ એકલવ્યના જમણા હાથનો અંગુઠો ગુરુદક્ષિણામાં માંગ્યો ત્યારે જરા પણ ખચકાટ વગર પોતાની જિંદગીભરની મહેનત ગુરુના ચરણે ધરી દેનાર એકલવ્ય તો અજોડ ગુરુપ્રેમી શિષ્યનું ઉતમ ઉદાહરણ છે.તો માત્ર અર્જુન પ્રત્યે પક્ષપાત રાખનાર દ્રોણાચાર્ય અજોડ શિષ્યપ્રેમી ગુરુનું ઉતમ ઉદાહરણ છેને ?તો મહાભારતના યુદ્ધમાં યુધિષ્ઠિરના વાક્ય ‘નરો વા કુંજરો વા’ થી ગુરુ દ્રોણએ શસ્ત્રો ત્યજ્યા,ત્યારે ગુરુઘાતી ધૃષ્ટધ્યુમન સામે તે પોતાનો ગુરુભાઈ અને સાળો હોવા છતાં ગુરુપ્રેમી અર્જુને તલવાર ઉગામી હતી! શ્રીકૃષ્ણ પરમપિતા હોવા છતાં ભક્તના ભગવાન ન બનતા સખા બનીને રહે છે.

આમ તો આ દિવસે ફક્ત ગુરુ એટલે શાળામાં ભણાવતા શિક્ષક જ નહીં, પરંતુ માતા-પિતા, મોટા ભાઈ બેન અથવા જેની પાસે આપણને કંઈક નવું શીખવા મળ્યું છે તેમને ગુરુ માની તેની પૂજા કરવી જોઈએ તેમના વિચારો મુજબ ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગુરુના આશીર્વાદ વિદ્યાર્થી માટે કલ્યાણકારી અને જ્ઞાનવર્ધક હોય છે. આ દિવસે અને જીવનમાં કાયમ વ્યાસ દ્વારા રચિત ગ્રંથનું અધ્યન અને મનન કરી તેમના ઉપદેશોનું પાલન કરવું જોઈએ. આ તહેવાર શ્રદ્ધાથી બનાવવો જોઈએ નહીં કે અંધવિશ્વાસના આધાર પર!! ગુરુ એવું પ્રવેશ દ્વાર છે કે જ્યાં પ્રવેશ્યા પછી આપણે સંસારને ભૂલીને તેમાં રહ્યા છતાં જળકમળવત કઈ રીતે જીવવું તે શીખી શકીએ છીએ. ગુરૂ સાથે ભાવનાત્મક રૂપથી જોડાઈ, તેના સાનિધ્યનો અનુભવ કરી આપણા મનની ધારણા અને અહંકારથી દૂર રહીને સાચી દિશામાં માનવ બની, સંસાર સાગર પાર ઉતરી શકીએ છીએ. અનેક એવા શિષ્યો છે જે પોતાનું જીવન ગુરુ ની સેવા માં સમર્પિત કરી દેતા હતા. શ્રીરામ પોતાના ગુરુ વિશ્વામિત્ર પાસે સંયમ વિનય અને વિવેકથી રહેતા હતાતો આરૂણીને ગુરુની કૃપાથી બધા વેદ શાસ્ત્ર પુરાણ વગેરે વાંચ્યા વગર જ આવડી ગયા હતા! જે વિદ્યા ગુરુની સેવા અને કૃપાથી આવડે તે જ વિદ્યા સફળ થાય છે. તો એકલવ્ય દ્રોણાચાર્યને ગુરુ માન્યા, પણ ગુરુએ શિક્ષા આપવાની ના પાડતાં માટીની મૂર્તિ બનાવીને, સાચી શ્રધ્ધાથી શિક્ષા ગ્રહણ કરી તો તેઓ ધનુર્વિદ્યામાં નિપુર્ણ ગયા! સંત કબીરજીએ રામાનંદજીને ગુરુ માન્યા, રામાનંદજી કદી પણ વણકરના છોકરાને શિષ્ય બનાવતા નહીં માટે કબીરજી ગંગાઘાટ ની સીડીઓ પર જ સૂઈ ગયા રોજ સવારે સ્વામી રામાનંદજી સ્નાન કરવા આવે ત્યારે તેમનો પગ સીડી પર પડેલા કબીરજીની છાતી પર પડ્યો અને તેઓ રામ-રામ બોલી ઉઠ્યા. કબીરજી એ તેને ગુરુમંત્ર માની ભવસાગર પાર કર્યો!! આવા ઘણા ગુરુભક્તો કે જેમણે પોતાની ગુરુની સેવા માં જે સાચું સુખ માન્યું અને ગુરુના આશીર્વાદથી અમર થયા.

ગુરુદક્ષિણા નો મતલબ પૈસા જ આપવા એવું જરૂરી નથી ગુરુદક્ષિણા વ્યાપક અર્થમાં છે સાચી ગુરુ દક્ષિણા એ છે કે ગુરૂ દ્વારા મેળવેલી વિદ્યા અને જ્ઞાનને જીવનમાં ઉતાર્યા પછી તેનો પ્રચાર કરવો, સાચો ઉપયોગ કરી અને લોકોનું ભલું કરવું. ગુરૂદક્ષિણા ગુરૂ પ્રત્યે સમ્માન અને સમર્પણ ભાવ છે ગુરુ શિષ્ય પાસેથી ગુરુદક્ષિણા લે છે. જે શિષ્ય ની સંપૂર્ણ કથા માં આવી જાય છે, અર્થાત જ્યારે શિષ્ય ખુદ ગુરુ બનવાને લાયક બની જાય છે. ગુરુ નું સંપૂર્ણ જીવન શિષ્યને યોગ્ય બનાવવામાં લાગી જાય છે

પોતાના વખાણ,પ્રચાર કે પ્રસાર ગુરુએ જાતે ન કરવા પડે પણ તેના વાણી,વર્તન,આચરણમાં એકસુત્રત્વ,સાચા મુલ્યો અને સાચી નીતિ,આંતરિક સુંદરતા જ વ્યક્તિને આપોઆપ ગુરુ બનવા તરફ પ્રેરે છે.અહી કોઈ ગુરુનો વિરોધ નથી.. પણ કહેવાતા કે આપોઆપ બની બેઠેલા ગુરુના નામે ચાલતા વ્યવહાર અંગે સહુએ વિચારવું રહ્યું.કોઇપણ વ્યક્તિને ઉદ્ધાર કે પતન તરફ દોરનાર તેના પોતાના કર્મો જ છે.કોઈ અન્ય વ્યક્તિ તેમાંથી છોડાવી શકતી નથી.પણ હા,એટલું ચોક્કસ કે સાચા ગુરુ યોગ્ય દિશા તરફ લઇ જાય છે.સદગુરુ મળવા એ સફળ જીવન માટે સૌથી અગત્યની બાબત છે.માત્ર ગુરુપૂનમના દિવસે જ નહિ પણ કાયમ સદગુરૂએ બતાવેલ માર્ગે ચાલી,જીવનપથ ઉજ્જવળ બનાવીએ.સારાસારની વિવેકબુદ્ધિ રાખી,સાચા ગુરુને ઓળખીએ અને તેની આજ્ઞાનું પાલન કરી ભવસાગર પાર ઉતરીએ.એ જ સૌથી મોટી ગુરુદક્ષિણા કે ગુરુવંદના છે.

આજના દિવસે દરેક સજીવમાં રહેલા પરમાત્માને મિત્ર ગુરુ માની,સાચા જીવનનું જ્ઞાન મળે તેવી શુભેચ્છાઓ સહ તમામ ગુરુઓને શત શત વંદન.....