Rashtriy Granth Saptah in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ

Featured Books
Categories
Share

રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ

રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ :

આંતરચક્ષુ વડે જ્ઞાનના દિવ્ય પ્રકાશને પામવા માટે સાહિત્ય જ અસરકારક અને પ્રબળ માધ્યમ છે નારદ સ્મૃતિના શ્લોકમાં કહેવાયું છે કે જો બ્રહ્માએ લેખનકાર્ય દ્વારા ઉત્તમ નેત્રનો વિકાસ ન કર્યો હોત તો ત્રણેય લોકમાં શુભ ગતિ પ્રાપ્ત ન થઇ હોત.ભારતીય લેખનકલા વિશ્વની સૌથી પ્રાચીન લેખનકલા મનાય છે.ઋગ્વેદ વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ મનાય છે.

અરબી ભાષામાં કહેવત છે “પુસ્તક એ ખિસ્સામાં રાખેલો બગીચો છે” વાંચન પ્રત્યે લોકોમાં અભિરુચિ કેળવવા ૧૪ થી ૨૦ નવેમ્બર રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ સપ્તાહની ઉજવણી અંતર્ગત વાંચનપ્રવૃતિને અનુલક્ષીને ગ્રંથાલયો દ્વારા પુસ્તક પ્રદર્શન,ચિત્ર,નિબંધ સ્પર્ધા,સુલેખન,વાંચન શિબિરો,શૈક્ષણિક ફિલ્મ શો,શિષ્ટ વચન સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમો યોજાય છે. ૧૯મી સદીમાં ઈંગ્લેન્ડમાં ગ્રંથાલય ધારો અસ્તિત્વમાં આવ્યો અને ભારતમાં પણ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના 3 પ્રાંત કલકત્તા,મદ્રાસ,મુંબઈમાં આ પ્રવૃત્તિ શરુ થઇ.અમદાવાદમાં શ્રી ફાર્બસ દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્થાપના બાદ ૧૮૯૪મ નેટીવ લાઈબ્રેરીની પ્રવૃત્તિ શરુ કરવામાં આવી.સ્વતંત્રતા પછી ગ્રંથાલય પ્રવૃતિને વેગ મળ્યો.પ્રથમ પંચવર્ષીય યોજનામાં ઇન્ટીગ્રેટેડ લાઈબ્રેરી સર્વિસ પર ભાર મુકવામાં આવ્યો.ત્યારબાદ તો સરકારી અને ખાનગી અનેક ગ્રંથાલયો અસ્તિત્વમાં આવ્યા.

અનેક મહાનુભાવોએ જીવનમાં પુસ્તકોનું મહત્વ સમજાવ્યુ છે. રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં “ધનબળ,શક્તિબળ,આયુષ્યબળ કરતા પણ ચડિયાતું બળ પુસ્તક્બળ છે.”સ્વામી વિવેકાનંદના મતે “સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે.”તો સ્વામી રામતીર્થના મતે “પુસ્તકો એ કદી નિષ્ફળ ન જનારા દોસ્તોમાં સૌથી મોખરે છે.”તો સિસરોના મતે”વિચારોના યુદ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે.”

ખરેખર પુસ્તકો એ મનુષ્ય માટે સંકટ સમયની સાકળ સમાન મનાય છે.વડીલો કહી ગયા છે કે ગીતાજીમાં આપના દરેક પ્રશ્નોનો જવાબ છે.એનાથી આગળ વધીને એમ પણ મનાય છે કે “તમે જયારે ખુબ મૂંઝાયા હો ત્યારે કોઈ પણ પુસ્તકનું કોઈ પણ એક પાનું ખોલી વાચો એમાંથી તમારા મુંઝવતા પ્રશ્નનો ઉકેલ મળી જ જશે.!!” છે ને આશ્ચર્ય લાગે એવી વાત? પણ અનેક લોકોના સ્વાનુભવ પછી ઉદભવેલી આ ઉક્તિ છે.વર્તમાનપત્રોના વાંચનથી વર્તમાન સાથે,પુરાણ ગ્રંથોના વાંચનથી સંસ્કૃતિ સાથે તો સામયિકો અને અન્ય પુસ્તકોના વાંચનથી ભૂત,ભવિષ્ય અને વર્તમાન તથા દેશ વિદેશ સાથે સતત સંબંધમાં રહી શકાય છે. દરેક ગામ-શહેરમાં હવે તો અનેક પુસ્તકાલયો અસ્તિત્વમાં છે જ.તદુપરાંત ટેકનોલોજીના જમાનામાં તો આંગળીના એક ક્લિકથી મોબાઈલ કે કોમ્પ્યુટરમાં પણ વર્તમાનપત્રો સહીત સામયિકો અને અન્ય વાંચનનો અધધધ ખજાનો મળી રહે છે.

આ સપ્તાહ દરમિયાન સરકાર અને સ્વૈચ્છિક સંસ્થા દ્વારા તો પુસ્તક મેળા,ચર્ચાસભા,પુસ્તકવાંચન,રેલી વગેરે કાર્યક્રમો દ્વારા લોકોને વાચનાભિમુખ કરવા અનેક પ્રયાસો કરાય જ છે. ઉપરાંત દરેક નાગરિકે પણ આવાં અમુક નિયમો કાયમ અપનાવવા જોઈએ::જન્મદિવસ કે શુભ પ્રસંગોએ પુસ્તકો ભેટ આપવાની ટેવ કેળવવી, પોતાના વર્તુળમાં સમયાંતરે સામુહિક વાંચનની વ્યવસ્થા ગોઠવવી, ફરતું પુસ્તકાલય કે જેમાં ઘરબેઠા વાંચન પ્રેમી લોકોને રસના પુસ્તકો પહોચતા કરવા,વાંચીને પુસ્તકો કે સામયિકો પસ્તીમાં ન નાખતા અન્યને આપીએ.હવે તો દરેક તાલુકામાં પુસ્તક પરબ ખૂલ્યા છે,એમાં આપણે ઘરમાં વંચાઈ ગયેલા કે ઘરમાં પડેલા સામયિકો અને પુસ્તકો આપી દઈએ કે જેથી અન્યને વાંચનનો લાભ મળે.

તો ચાલો આજે જ સંકલ્પ કરીએ કે ઓછામાં ઓછું એક પુસ્તક આ સપ્તાહ દરમિયાન વાચીએ અને અન્ય એકને વંચાવી આ પરંપરા સદા ચાલુ રાખી વૈચારિક સમૃદ્ધ નાગરિકો દ્વારા દેશને આગળ વધારવામાં પોતાનો અમુલ્ય ફાળો આપીએ .....એ જ રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણીની સાર્થકતા...

આ સિવાય આ ગુજરાતી કારતક મહિનામાં ધનતેરસ,કાળી ચૌદશ, દિવાળી અને બેસતું વર્ષ સાથે ગુજરાતી નવા વર્ષનો પરમભ થશે.ગયેલા વર્ષને અલવિદા અને નવા વર્ષને આવકારવા આટલા સંકલ્પો લઇ અમલમાં મુકીએ:અન્યના અહિત કરવામાં લોભ કરીશું,પોતાના દુર્ગુણો પ્રત્યે ક્રોધ કરીશું,વધુ પડતું ને બિનજરૂરી બોલવામાં કરકસર,નીતિમય જીવન જીવી સાચો માનવધર્મ અપનાવીએ,સમયનો પૂરો સદુપયોગ અને સહુથી અગત્યની વાત દુર્લભ મનુષ્યજીવન આપ્યું છે એવા ઈશ્વરનો આભાર માની સદ્કર્મોરૂપી ફૂલોથી જીવનબાગ ઉજાળીએ...નુતન વર્ષનું નવલું પ્રભાત સહુના જીવનમાં પ્રેમ,કરુણા,સત્ય,માનવતારુપી અજવાળું પાથરે આવી મંગલકામનાઓ.......