૨૪ સપ્ટેંબર – રાષ્ટ્રીય સેવા યોજના દિવસ (એન.એસ.એસ.ડે )
રાષ્ટ્રીય સેવા યોજના એ વિદ્યાર્થીઓ કે જે ભાવિ નાગરિક છે તેમનામાં રાષ્ટ્રીય સેવા માટે અભિરુચિ કેળવાય અને સમાજસેવાના માધ્યમથી વ્યક્તિત્વ વિકાસ કરતી યોજના છે. શિક્ષા મંત્રાલય દ્વારા ૧૯૬૯-૭૦ થી સમગ્ર ભારતમાં આ દિવસે શાળા,કોલેજોના વિદ્યાર્થીઓ વિવિધ કેમ્પ કરી આરોગ્ય શિબિર,પ્રૌઢ શિક્ષણ,રક્તદાન,સામુહિક સફાઈ જેવા રચનાત્મક અને સામાજિક કર્યો કરે છે.તે ઉપરાંત આના સ્વયંસેવકો કુદરતી આપતિ-રેલસંકટ,દુકાળ,ભૂકંપ વગેરે સમયે તત્કાલીન સારી કામગીરી કરી સમાજ પ્રત્યેની ફરજ બજાવે છે.રાષ્ટ્રીય સેવા યોજનાની શરૂઆત ૨૪ સપ્ટેંબર ઈ.સ.૧૯૬૯માં મહાત્મા ગાંધીજીના જન્મ શતાબ્દી વર્ષથી થઇ છે. આ યોજના કેન્દ્રસરકારના માનવ સંશાધન મંત્રાલય હેઠળ આવેલી છે. આ મંત્રાલયના પ્રધાન મિનિસ્ટર એન.એસ.એસ.ના અધ્યક્ષ ગણાય છે. ગુજરાત રાજ્યમાં યુથ ઓફિસરના વડપણ હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના ચાલે છે.
રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત થતા કાર્યક્રમો માટે કેન્દ્રીય અને રાજ્ય સરકાર ૭:૫ ના પ્રમાણમાં ખર્ચ ઉઠાવે છે.અને એ રીતે દેશસેવાના આ ઉતમ કાર્ય માટે સરકાર દ્વારા દરેક શાળા કોલેજમાં ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાં સામાન્ય પ્રવૃત્તિ માટે વિદ્યાર્થી એટલે કે સ્વયંસેવક દીઠ ૧૬૦ રૂ.અને ૧૦ દિવસીય વિશિષ્ઠ સેવા કેમ્પ માટે કે જે ગામડાઓમાં રાખવામાં આવે છે તેમના માટે એક સ્વયં સેવક દીઠ ૩૦૦ રૂ. ચુકવવામાં આવે છે. એન.એસ.એસ.ની પ્રવૃત્તિ દરેક શાળા,કોલેજોમાં આખું વર્ષ ચાલે છે.જે અંતર્ગત સમાજસેવાના વિવિધ કર્યો કરવામાં આવે છે. વિશિષ્ઠ કેમ્પ ગામડાઓમાં 3,૭ કે ૧૦ દિવસના રાખવામાં આવે છે જેમાં સ્વાસ્થ્ય જાગૃતિ,ગ્રામ સફાઈ, ગરીબ બાળકોને ભણાવવા અને પ્રૌઢ શિક્ષણને લગતાકાર્યક્રમો સાથે તેને લગતા વિવિધ નાટકો,પ્રદર્શન,સ્પર્ધાઓ યોજવામાં આવે છે.સાથે જે તે સ્થળને અનુરૂપ સ્થાનિક લોકો અને સ્વયંસેવકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે.
આ યોજના યુવાનો આજના સમાજની વાસ્તવિકતા અને સમાજની ઊંડી સમજ નોંધપાત્ર રીતે મેળવે તે હેતુથી ખાસ શરુ કરવામાં આવી છે.આ યોજનાનો સિદ્ધાંત “મને નહિ,તમને”ની સેવાનો છે.તેનું પ્રતિક ચિહ્ન ઓરિસ્સાનું કોણાર્કનું સૂર્યમંદિરના રથનું ચક્ર છે.જે સર્જન,સરક્ષણ અને વિકાસનું પ્રતીક છે.
આ યોજનાના મુખ્ય હેતુઓ આ મુજબ છે:
*લોકો સાથે મળીને રચનાત્મક અને સામાજિક કાર્યો કરવા.
*શિક્ષીતો અને અભણ વચ્ચે અંતર ઘટાડવું,
*સમાજના નબળા વર્ગો માટે સેવા કાર્યો કરવા.
*કુદરતી આપતિ સમયે તાત્કાલિક સેવા કાર્યોં કરવા યુવાધન તૈયાર કરવું.
આ રાષ્ટ્રીય સેવા યોજના હેઠળ જોડાયેલા સ્વયંસેવકો માટે આચારસંહિતાઃ
(1)બધા જ સ્વયંસેવકો પ્રોગ્રામ ઓફિસર તથા ગ્રૃપલીડરનાં માર્ગદર્શન હેઠળ કામ કરશે.
(2) જે સ્થળે પ્રવૃત્તિ હાથ ધરાઈ હોય તે સંસ્થા અગર સ્થાનિક આગેવાન અથવા કાર્યકરને વિશ્વાસમાં લઈ સહકાર આપવાનો રહેશે.
(3) સ્વયંસેવકે રાજકીય કે વિવાદસ્પદ બાબતોથી દૂર રહી કાર્ય કરવાનું રહેશે.
(4) સ્વયંસેવકે પોતે દિવસ દરમિયાન કરેલી પ્રવૃત્તિનો અહેવાલ તેમના જૂથ નેતાને કે પ્રોગ્રામ ઓફિસરને આપવાનો રહેશે.
(5) એન.એસ.એસ. ના સ્વયંસેવકે જ્યારે સેવાકાર્ય માટે કે પ્રોજેકટ સ્થળે જાય ત્યારે એન.એસ.એસ.નો બેજ તેમજ સ્કાર્ફ પહેરેલો હોવો જોઈએ.
(6) પ્રવૃત્તિ-પ્રોજેકટોની જાણકારી માટે શાળા/કોલેજના એન.એસ.એસ.ના નોટિસ બોર્ડના સંપર્કમાં રહેવું.
આ યોજનાનો લોગો એટલે કે બેજમાં મુખ્ય બે કલર છે: લાલ અને બ્લુ.જેમનો લાલ કલર સૂચવે છે કે આ યોજના હેઠળ કામ કરતી વ્યક્તિ જીવંત,મહેનતુ અને શક્તિથી ભરપુર છે જયારે બ્લુ કલર સૂચવે છે કે માનવજાતના કલ્યાણ માટે ફાળો આપવા આ ઘટકના લોકો હમેશા તૈયાર છે.
આમ, રાષ્ટ્રને સારી રીતે સમજી શકે,લોકોની મુશ્કેલીને સમજી, જીવનની વાસ્તવિકતા અંગે જાગૃત રહી,દેશ માટે સારો ભાવિ નાગરિક તૈયાર કરવાનો સરકારનો ખુબ સારો પ્રયત્ન એટલે રાષ્ટ્રીય સેવા યોજના...દરેક શાળા અને કોલેજોના શિક્ષકોએ આ પ્રવૃતિમાં જોડાવવા યુવાનો યુવતીઓને પ્રોત્સાહન અને પ્રેરણા આપવી જોઈએ અને શાળાના વિદ્યાર્થી અને કોલેજીયન યુવાનોએ આમાં ઉત્સાહભેર જોડાઈ સમાજસેવાની ઉત્તમ તક ઝડપી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાની ફરજ બજાવવી જોઈએ....