Yog-Viyog - 30 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 30

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

યોગ-વિયોગ - 30

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૩૦

શ્રીજી વિલાની બહાર નીકળીને અંજલિએ તરત ટેક્સી પકડી, ‘‘જે. ડબલ્યુ. મેરિયટ...’’

એની આંખો બંધ હતી અને એનો મોબાઇલ રણક્યો. એણે ફોન ઉપાડ્યો અને જોયા વગર જ ધારી લઈને કહ્યું, ‘‘નીકળી ગઈ છું, પહોંચું છું.’’

એક ક્ષણ માટે સામેથી કોઈ કશું ના બોલ્યું, પછી રાજેશનો અવાજ સંભળાયો, ‘‘બેબી, હું છું. આર યુ ઓ. કે....’’

‘‘ઓહ, હા.. હા...’’ અંજલિ થોથવાઈ ગઈ, ‘‘પહેલા મા, પછી ભાભી અને હવે રાજેશ... શફ્ફાકને મળવાનું મારા નસીબમાં જ નથી. હમણાં જ પૂછશે ક્યાં જાય છે ?’’

‘‘પછી ફોન કરું ? બિઝી છે ?’’ રાજેશના અવાજમાં એક અચકાટ હતો.

‘‘ના, ના, બોલોને...’’ બંનેના અવાજમાં એક ન સમજાય એવી ઠંડક હતી. હાડકાની આરપાર નીકળી જાય અને શરીરનો સાંધેસાંધો દુખાડે એવી ઠંડક.

‘‘બહાર જાય છે ?’’ રાજેશે પૂછ્‌યું, ખૂબ અચકાતા.

‘‘અ...હા...’’ અંજલિએ કહ્યું અને પછી હિંમત કરીને ઉમેર્યું, ‘‘હું થોડી વારમાં ફોન કરું ?’’

‘‘હા, હા... નો પ્રોબ્લેમ.’’ અને રાજેશે ફોન મૂકી દીધો. અંજલિએ નિરાંતનો શ્વાસ લીધો. ત્યાં સુધીમાં ટેક્સી મેરિયટના કંપાઉન્ડમાં પ્રવેશી ચૂકી હતી. પૈસા ચૂકવીને એકી શ્વાસે દોડતી અંજલિ લિફ્ટ સુધી પહોંચી...

એણે શફ્ફાકના રૂમનો બેલ માર્યો. બારણું ખૂલ્યું.

શોર્ટસ અને ટી-શર્ટમાં શફ્ફાક હેન્ડસમ દેખાતો હતો.

અંજલિ અંદર દાખલ થઈ.

‘‘બહુ વાર થઈ ?’’

‘‘મને જ ખબર છે હું કઈ રીતે આવી છુંં...’’

‘‘મને હતું જ કે રાજેશ તને સો સવાલો પૂછશે. કદાચ નય આવવા દે.’’

‘‘રાજેશે તો કંઈ નથી પૂછ્‌યું, હું તો શ્રીજી વિલાથી આવી છું.’’

‘‘ઓહ ! યોર મોમ !’’

‘‘શફ્ફી, મારી પાસે બહુ લાંબો સમય નથી.’’ એ હજી વાક્ય પૂરું કરે એ પહેલાં શફ્ફાકે એના બે ગાલ પર હાથ મૂકીને એને નજીક ખેંચી. વશીકરણ થયું હોય એમ અંજલિ નજીક ખેંચાઈ આવી. શફ્ફાકે એની કમરમાં હાથ લપેટી બીજો હાથ ખભા પર મૂકીને એના હોઠની નજીક પોતાના હોઠ..., ‘‘નહીં શફ્ફી, આ ખોટું છે.’’ અંજલિ ધ્રૂજતી હતી. એના શ્વાસ ધમણની જેમ ચાલતા હતા. શફ્ફીને ધક્કો મારીને એ સોફા પર બેસી ગઈ હતી.

‘‘પ્રેમ ક્યારેય ખોટો હોઈ શકે જ નહીં. મોડો હોઈ શકે... ખોટો નહીં. હું તને ચાહું છું અંજલિ આજે પણ...’’

‘‘હું કોઈની પત્ની છું શફ્ફી.’’

‘‘એ એક અકસ્માત છે. મારો અને તારો સમય એક સાથે ન ચાલી શક્યો અંજલિ, હું તને પરણવા તૈયાર છું. જે કંઈ થયું એ પછી પણ. ડિવોર્સ લઈ લે તારા પતિ સાથે.’’

‘‘બહુ મોડું થઈ ગયું છે શફ્ફી.’’

‘‘પણ હું તારા વગર નહીં જીવી શકુંં અંજલિ, તું મારો પહેલો પ્રેમ છે અને ઇચ્છું છું કે તું જ મારો આખરી પ્રેમ બની રહે.’’

‘‘શફ્ફી, હું આજે તને છેલ્લી વાર મળવા આવી છું અને એ પણ કહેવા કે હવે ક્યારેય મારી જિંદગીમાં નહીં આવતો. માંડ માંડ ગોઠવાયેલી મારી આખી દુનિયા તારા પહેલા જ ડગલાથી હચમચી ઊઠી છે.’’

શફ્ફાક એના પગ પાસે બેસી ગયો. એની કમરમાં હાથ મૂકીને એણે અંજલિને નજીક ખેંચી, ‘‘એનો અર્થ સમજે છે ? તું આજે પણ મને ચાહે છે અંજલિ. તું ભૂલી નથી મને. ભૂલી શકીશ પણ નહીં.

બૂમ પાડીને તેં બોલાવ્યો ને હું આવ્યો સજનવા,

બાકી રહેવા દઈ અધૂરાં બધાં કામો સજનવા.

ડર નિકટતાનો જ હો તો ના જશો આઘા સજનવા,

બર્ફના થોડા પડે હિમાલય પર ડાઘા સજનવા.

મુકુલ ચોક્સીનો શેર છે. મને પણ આવું જ થાય છે.’’ પછી અંજલિની ચીબુક પકડીને એની આંખોમાં આંખો નાખી, ‘‘તને નથી થતું ?’’

‘‘શફ્ફાક, જા... પાછો જા મારી દુનિયામાંથી... મેં માંડ માંડ બધું ગોઠવ્યું છે. તારો અવાજ, તારા મેસેજિસ મને આજે પણ વિચલિત કરી નાખે છે. તારી સાથે ગાળેલા દિવસો આજેય તાજા છે.’’ ઊંડો શ્વાસ લઈને ઉમેર્યું, ‘‘ઘા જેવા તાજા. જરા અમથી ઠેસ વાગે તોય લોહી વહેવા માંડે છે. મારા તૂટેલા સપનાની કરચો આજે પણ મરીન ડ્રાઈવના રસ્તા પર મારા પગમાં પેસી જાય છે.’’ એનું ગળું ભરાઈ આવ્યું હતું. બે પાંપણની વચ્ચે જાણે આંસુ તોળાઈ રહ્યાં હતાં, ‘‘સપના ખૂંચે છે બે આંખોની વચ્ચે...’’ અને એની આંખોમાંથી આંસુ વહી નીકળ્યાં.

‘‘કેમ સમજાવું તને, મને સમજાતું નથી. તને મારામાં વિશ્વાસ નથી? આવી જા બધું છોડીને. હું તારી રાહ જોઉં છું.’’ એ અંજલિને ચુંબન કરવા આગળ વધ્યો, ‘‘આવી જા અંજલિ.’’

‘‘શફ્ફી...’’ અંજલિની બંધ આંખોમાંથી આંસુ વહેતાં હતાં. શફ્ફીએ એના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા. પોતાની આંગળીઓ એના વાળમાં પરોવી દીધી.

વિવશ થઈ ગયેલી અંજલિએ શફ્ફીના મોહ સામે પોતાનાં હથિયાર નાખી દીધાં...

પાંચ વર્ષની તરસ બુઝાવતો હોય એમ શફ્ફાક અખ્તર અંજલિને વહાલ કરી રહ્યો હતો. અંજલિ પણ એના ચુંબનના, એની હથેળીઓના નશામાં સરાબોર ભીંજાઈ રહી હતી કે અચાનક અંજલિનો મોબાઇલ રણક્યો.

સપનામાંથી જાગી હોય એમ ચોંકીને અંજલિએ શફ્ફીને ધક્કો માર્યો અને પોતાનો ફોન ઉપાડ્યો, ‘‘હા... હા... રાજેશ...’’

‘‘કંઈ નહીં, બસ એમ જ ફોન કર્યો.’’ રાજેશના અવાજમાં જાણે સૂકા-ખાલી કૂવાનું અંધારું હતું, ‘‘તું બહુ યાદ આવે છે અંજલિ, પાછી આવી જા. હું રાત્રે લેવા આવું તને ?’’

‘‘રાજેશ...’’ આગળ શું કહેવું એ અંજલિને સૂયું નહીં. એણે એક પણ શબ્દ બોલ્યા વિના ફોન એમ જ પકડી રાખ્યો. બંને તરફ થોડીક ક્ષણો વજનદાર મૌનમાં પસાર થઈ ગઈ. પછી રાજેશે ચૂપકિદી તોડતા કહ્યું, ‘‘મેં તને દુઃખ પહોંચાડ્યું હોય તો મને માફ કરજે અંજલિ. તારા વિનાનું ઘર ખાવા ધાય છે. રાત્રે લઈ જાઉં તને ?’’

શફ્ફીએ અંજલિને કમરમાંથી પકડી. એના ખભા પર પોતાની હડપચી ગોઠવી અને ગળામાં હોઠ ફેરવવા માંડ્યો. અંજલિની આંખો બંધ થઈ ગઈ. ફરી એક વાર એના પર નશો છવાવા લાગ્યો. એણે ફોનમાં કહ્યું, ‘‘ના રાજેશ, હું આજે રાત્રે તો નહીં જ આવું.’’

‘‘કાલે ? કાલે લઈ જાઉં તને ?’’

‘‘હું ફોન કરીશ.’’ અને આગળ વાત કર્યા વિના ફોન કાપી નાખ્યો. પછી ફોન સ્વીચઓફ કરી નાખ્યો અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.

‘‘મને અહીંથી બહાર લઈ જા શફફી, મારો શ્વાસ ગૂંગળાય છે. મને અકળામણ થાય છે.’’

‘‘ચાલ, અહીં નજીકમાં જ દરિયાકિનારે એક બહુ રેસ્ટોરન્ટ છે, ત્યાં જઈને બેસીએ. ખુલ્લી હવામાં તને સારું લાગશે.’’

શફ્ફાક અંદર ફ્રેશ થવા ગયો અને અંજલિ બે હથેળીમાં મોઢું છુપાવીને સોફામાં બેઠી બેઠી પોતાની વિવશતા ઉપર કાબૂ મેળવવા પ્રયાસ કરવા લાગી.

શૈલેષ સાવલિયા અને અનુપમા બેસીને કેલેન્ડર જોઈ રહ્યાં હતાં. સામે અનુપમાની ડાયરી ખુલ્લી પડી હતી. કન્ફ્યુઝ થઈ ગયેલો સંજીવ શર્મા વારે વારે ચશ્મા સંભાળતો હતો અને રૂમાલ કાઢીને પરસેવો લૂછતો હતો. અનુપમાએ ધડાધડ ડેટ્‌સ કેન્સલ કરી હતી. પ્રોડ્યુસર્સ બૂમાબૂમ કરી રહ્યા હતા. એમને જવાબ આપતા આપતા સંજીવને પગે પાણી ઊતર્યા હતા. અનુપમા કોઈનું સાંભળતી નહોતી ! એણે એનું સમગ્ર ધ્યાન જાણે અલયની ફિલ્મમાં પરોવી દીધું હતું. એ કોઈ દિવસ કોઈ સ્ટારને ફોન નહોતી કરતી, પણઅભિષેકને જાતે ફોન કરીને રિકવેસ્ટ કરી હતી...

સંજીવને સમજાતું નહોતું કે આ બેફિકર દેખાતા સાવ નવાસવા છોકરાની ફિલમમાં અનુપમાને શું દેખાતું હતું ? મોટાં મોટાં બેનર્સને નારાજ કરીને અનુપમા આ છોકરાની પાછળ એની આખી કરિયર દાવ પર કેમ લગાડવા બેઠી હતી ?

‘‘મેડમ... ચોપરાને છ ડેટ્‌સ જોઈશે જ. એની ફિલ્મ પૂરી થવાની તૈયારીમાં છે મેડમ, અને ક્લાઈમેક્સની કોમ્બિનેશન ડેટ્‌સ એમણે ક્યારની લીધી છે. કેન્સલ થાય એમ નથી.’’ એણે ડરતા ડરતા કહ્યું.

‘‘અલયને પૂછી લેજો. એને ના જોઈતી હોય તો એ પછી મને ડેટ્‌સ ચોપરાને આપવામાં વાંધો નથી.’’

‘‘પણ મેડમ...’’ શર્માને કહેવું હતું પણ એ બોલ્યો નહીં. એ છેલ્લા કેટલાય સમયથી અનુપમાનું કામ કરતો હતો. હવે એ એને પૂરેપૂરી ઓળખી ગયો હતો. કોઈ કંઈ પણ કહે, અનુપમા એ જ કરવાની હતી જે એના મનમાં આવશે. ખૂબ જિદ્દી પણ પ્રેમાળ અને લાગણીશીલ હતી અનુપમા. ઘણા લોકો એની સારાઈનો ગેરફાયદો ઉઠાવતા. સંજીવને આ છોકરી માટે સાચેસાચ લાગણી થઈ ગઈ હતી. છ-સાત સેક્રેટરી બદલ્યા પછી એક આ સંજીવ ટક્યો હતો અનુપમા સાથે, અને એ પણ સંજીવની પોતાની લાગણી હતી, આ છોકરીનું ધ્યાન રાખવાની એટલે ટક્યો હતો ! પૈસા માગવામાં મોઢું મોટું હતું આ છોકરીનું પણ એ પૈસા આવ્યા છે કે નહીં એ જોવાનીયે તમા નહોતી એને. પોતાની મરજીની માલિક હતી. ગમે તેની સાથે એક જ ક્ષણમાં સંબંધ બગાડી નાખતી. દિલની એટલી સારી કે લાખો રૂપિયાનું દાન કરી દેતા એનું રૂંવાડુંયે ના ફરકે, પણ જો મગજ છટકે તો એને સમજાવવી સાવ મુશ્કેલ થઈ જતી.

સંજીવ એનો મિજાજ સમજતો હતો. એટલે હમણાં ચૂપ જ રહ્યો. અલય આવે ત્યારે એને પૂછીને નક્કી કરવું વધારે ડહાપણભર્યું રહેશે એમ માનીને.

શૈલેશ સાવલિયા અનુપમાનો લગભગ ભક્ત હતો. ઉપરા ઉપરી એની લગભગ ત્રણ ફિલ્મો ફ્લોપ ગયા પછી છાતીનાં પાટિયાં બેસી જાય એવા દેવા સાથે એ અનુપમા પાસે આવ્યો હતો. એની પાસે એકેય પૈસો નહોતો. બજારમાંથી ફાઇનાન્સ ઊભું કરવાનું હતું. એ આવીને અનુપમા પાસે રડી પડ્યો હતો, એવા સમયે અનુપમાએ શૈલેષને કહ્યું હતું, ‘‘શૈલેષભાઈ, તમે પિક્ચર બનાવો, તમે કમાવ તો મારા પૈસા આપજો.’’ શૈલેષભાઈએ લગભગ અનુપમાના પગ પકડવાના જ બાકી રાખ્યા હતા.

કહેવાની જરૂર નથી કે અનુપમાની એક સિગ્નેચરથી શૈલેષને બજારમાંથી ફાઈનાન્સ મળ્યું હતું. બેસ્ટ સ્ટારકાસ્ટ, બેસ્ટ સેટ-અપ મળ્યો હતો. શૈલેષની ફિલ્મ રિલીઝ થઈ હતી અને હિટ પણ ! એ પછી આખું વર્ષ શૈલેષ રાહ જોઈને બેઠો હતો, પણ અનુપમા સિવાય કોઈ સાથે કામ કરવા નહોતો માગતો. આજે પણ એ અનુપમાના એક બોલ પર અલયને પૈસા આપવાનો હતો...

‘‘હાય...’’ અલય દાખલ થયો.

અનુપમાના ચહેરાનો રંગ જ બદલાઈ ગયો, ‘‘હાય ! અમે ક્યારના રાહ જોઈએ છીએ.’’

‘‘મેં કહ્યું રિક્ષાવાળાને કે જલદી ચલાવ, અનુપમા ઘોષ મારી રાહ જુએ છે... તો મને કહે છે- સાહેબ રિક્ષા પૂના નહીં જાય.’’

‘‘પૂના ?’’

‘‘મેન્ટલ હોસ્પિટલમાં...’’ બધા હસી પડ્યા.

‘‘અલયભાઈ, પૈસા તો રેડી છે. તમને ક્યારે કેટલા જોઈશે એ મને કહી દો.’’

‘‘કેમેરો બુક કરાવવો પડશે, રો-સ્ટોક જોઈશે, લાઇટ, રિફલેક્ટર્સ, ટ્રાન્સપોર્ટ... પ્રોડકશનની ટીમ કરવી પડશે. શિડ્યૂઅલ પ્લાન કરવું પડશે. મરીન ડ્રાઈવના રસ્તા પર શૂટિંગ કરવું હશે તો પરમિશન જોઈશે. આવતી કાલે શૂટ છે અલય... એમ બેઠા બેઠા કંઈ નહીં થાય.’’

‘‘પરમિશન મેં ગઈ કાલે જ લઈ લીધી છે. ટીમ પ્લાન થઈ ગઈ છે. કેમેરો લોકેશન પર પહોંચી જશે અને કેમેરામેન પણ... રો-સ્ટોકની સાથે.’’

‘‘ઓહ !’’ અનુપમા અલયનો એક નવો પહેલુ જોતી હતી. એના મનમાં અત્યાર સુધી હતું કે આ નવોસવો છોકરો છે. ફિલ્મ બનાવવાનું સપનું તો હોય, પણ ફિલ્મ બનાવવી એટલી સરળ નથી. સો જફા કરવી પડે... પણ, અલયની તૈયારી જોઈને એને વધુ આશ્ચર્ય થયું. એણે ગર્વથી સંજીવ અને શૈલેષ સાવલિયા સામે જોયું. જાણે કહેતી હોય, ‘‘જોઈ લો, મારી પસંદગી ક્યારેય ખોટી ના હોય.’’

‘‘તો હમણાં...’’ સાવલિયાએ બેગ ટેબલ પર મૂકી, ‘‘બે ખોખા છે.’’

‘‘હું પૈસાનો વ્યવહાર ડાયરેક્ટ મારા હાથમાં લેવા નથી માગતો. તમારો માણસ રાખો. હું જ્યારે જરૂર પડશે ત્યારે કહેતો રહીશ.’’

અનુપમા જોઈ રહી આ માણસ સામે. કેટલો સ્પષ્ટ વક્તા અને કેટલો સરળ હતો આ ! આ ઇન્ડસ્ટ્રીમાં બનતી ફિલ્મે કરોડ રૂપિયા ઘરભેગા કરનારા લોકોની ખોટ નહોતી એની ખબર હતી અનુપમાને. જેમ જેમ એ એને ઓળખતી જતી હતી તેમ તેમ એક અદમ્ય આકર્ષણથી ખેંચાતી જતી હતી. અનુપમાને પોતાને તો સમજાતું જ હતું એ આકર્ષણ, પણ સંજીવ અને શૈલેષ સાવલિયા પણ એના ચહેરાનો બદલાયેલો રંગ જોઈને ઘણું બધું સમજી શકતા હતા.

એ પછીના ત્રણેક કલાક અનુપમાએ જે અલય જોયો એ એની કલ્પનામાં નહોતો. કયા દિવસે કયો સીન થશે, કેટલાથી કેટલા વાગ્યા સુધીનું શૂટ અને એનું લોકેશન શું રહેશે એ બધી જ ઝીણામાં ઝીણી વિગતો એની પાસે રેડી હતી ! દરેક લોકેશન પણ એ જાતે જઈ આવ્યો હતો. કેટલી લાઇટ્‌સ જોઈશે અને કયા એન્ગલથી સિકવન્સ શૂટ થશે એના સીન ડિવિઝન સુધીનું કામ કાગળ પર તૈયાર હતું !

આવતી કાલે સોમવારે શૂટિંગ શરૂ થાય અને બધું સામાન્ય રીતે નિર્ધારિત શિડ્યુઅલમાં ચાલે તો સાડત્રીસ દિવસમાં ફિલ્મ પૂરી થઈ જાય એવી ગણતરી હતી. જેમાં પ્રવાસના દિવસો પણ ગણી લેવાયા હતા !

હિન્દી અને બંગાળી ફિલ્મનાં કેટલાય મોટા મોટા દિગ્દર્શકો સાથે કામ કર્યા પછી આવી ચોકસાઈ અને આવું પરફેકશન ક્યારેય નહોતું જોયું. એની વિસ્ફારિત આંખો જોઈને અલય હસી પડ્યો, ‘‘ આ ફિલ્મ ક્યારેક બનશે એવો મને વિશ્વાસ હતો અને બનશે ત્યારે આવી જ રીતે બનશે એવો પણ... મેં બધી તૈયારી એટલા માટે જ કરી રાખી હતી કે દિવસે અનુપમા ઘોષ નામની લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા નહીં જવાનું !’’

‘‘હવે કંઈ કહેવું છે શૈલેષભાઈ ?’’ અનુપમા જાણે પોતાની જ જીત ઉપર ખુશ હતી.

‘‘ના રે... કાલે સવારે કેટલા પૈસા જોઈશે એટલું જ કહી દો.’’

‘‘તમે આ સિવાય કોઈ વાત જ નથી કરી શકતા શૈલેષભાઈ?’’ અલયથી ના રહેવાયું.

‘‘પ્રોડ્યુસરનું કામ જ પૈસા આપવાનું અને નોટો ગણવાનું છે અલય !’’ શૈલેષભાઈએ સહેજ હસીને કહ્યું, ‘‘મારા દીકરા જેવડો છે તું... હું તો અલય જ કહીશ.’’

‘‘હા, હા...’’

‘‘ત્રણ કલાક પહેલાં તું અહીંયા દાખલ થયોને ત્યાં સુધી મને લાગતું હતું કે અનુપમાજી એની અંગત લાગણીને કારણે એક માણસને ચાન્સ આપવા માગે છે. હું એમની પાસેથી કમાયો છું, એમના બોલ પર પૈસા ચૂકવવાનો વાંધો નથી, પણ હવે લાગે છે કે એમની વાત સાચી છે. અલય, તારું નામ ટોપ ટેન ડિરેક્ટર્સમાં લેવાશે આવતા વર્ષે... તારી બીજી ફિલ્મ પણ હું જ પ્રોડ્યુસ કરીશ...’’ પછી એણે કોન્ટ્રેક્ટના પેપર્સ કાઢ્યા અને પેન કાઢીને અલયને પૂછ્‌યું, ‘‘આખું નામ શું લખું ?’’

‘‘અલય વસુંધરા મહેતા.’’

‘‘શું ?’’ શૈલેષ સાવલિયાની આંખો ગોળ થઈ ગઈ.

‘‘અલય વસુંધરા મહેતા.’’

ધ્યાનથી કોન્ટ્રેક્ટ જોઈ રહેલા શૈલેષ સાવલિયાએ અલયના ચહેરા પર નજર નોંધી, ‘‘વિલે પાર્લેમાં રહે છે ? શ્રીજી વિલામાં ?’’

‘‘હા.’’ અલયને હવે આવનારા સવાલની જાણે ખબર પડી ગઈ હતી અને છતાંય એના ચહેરાની એકેય રેખા બદલાઈ નહીં.

‘‘તારા બાપનું નામ સૂર્યકાંત તો નહીં ?’’

‘‘આપણે એ વિશે વાત કરવી જરૂરી છે ?’’

‘‘ના બેટા, હું સમજી શકુંં છું તારી તકલીફ. દેવી જેવી છે તારી મા. એને પણ છેતરી. તારા દાદા બહુ રિબાઈને મર્યા.’’ શૈલેષ સાવલિયા દેવશંકર મહેતાની સાત પેઢીનો ઇતિહાસ ખોલવા બેઠા હતા. એના એક એક વાક્યે અલયના ચહેરાનો રંગ બદલાતો જતો હતો, પણ અલયનું બેકગ્રાઉન્ડ અચાનક જ એના હાથમાં આવી ગયાના ઉત્સાહમાં શૈલેષ સાવલિયાને એ ખબર નહોતી પડતી. એણે ચલાવ્યે રાખ્યું, ‘‘તારો બાપ આખા ગામનું કરીને ભાગી ગયેલો. એક નાટકની પાંચ પૈસાની બાઈ જોડે. હરામખોર...’’

શૈલેષ સાવલિયા આગળ એક પણ વાક્ય બોલે એ પહેલાં એના ગાલ પર અલયનાં પાંચ આંગળાં ઊઠી આવ્યાં હતાં. ઝન્નાટેદાર થપ્પડનો અવાજ એર કન્ડિશન ઓરડામાં ગૂંજી ઊઠ્યો હતો. એના ચશ્મા ઊડીને દૂર પડ્યા હતા. એનો હાથ પોતાના ગાલને પંપાળવા લાગ્યો હતો.

‘‘શ...શ...શું થયું ?’’ શૈલેષ સાવલિયા ઘડીભર થોથવાઈ ગયા. એમને એમ હતું કે સૂર્યકાંતની વિરુદ્ધ બોલીને એ અલયના વહાલા થઈ જશે. એમને સ્વપ્નેય કલ્પના નહોતી કે બાપનું નામ પણ પોતાની પાછળ ન લખનાર અલય સૂર્યકાંત મહેતાની વિરુદ્ધ બોલવાથી આમ એમને થપ્પડ મારી બેસશે, ‘‘હું પ્રોડ્યુસર છું તારો... હજી તો પિક્ચર શરૂ નથી થયું અને આ તેવર છે ? ફેંકાઈ જઈશ.’’

‘‘વાંધો નથી મને.’’

‘‘હું જે બોલ્યો એમાં ખોટું શું છે ? નહોતો ભાગી ગયો તારો બાપ? અને તુંય ક્યાં એનું નામ લખે છે તારી પાછળ ?’’

‘‘મેં ક્યાં કહ્યું ખોટું છે ? પણ હું જે કરું એ મારું અંગત વેર છે મિસ્ટર સાવલિયા... કોઈ ત્રીજો માણસ સૂર્યકાંત મહેતાને ગાળ દે એ હું ન જ સાંભળી લઉં.’’

‘‘જે માણસે તમને બધાને આટલાં વર્ષ રસ્તા પર ફેંકી દીધા અને હજીયે મોઢું નથી બતાવ્યું એ માણસ માટે આટલો પ્રેમ...’’

‘‘હું અહીં ઊભો છું, કારણ એ માણસ હતો ! એ મારા અસ્તિત્વનું કારણ છે મિસ્ટર સાવલિયા...અને વસુંધરા મહેતાને ન ગમે એવું કંઈ પણ હું નહીં જ થવા દઉં.’’ એનો ગોરો ચહેરો લાલ થઈ ગયો હતો. એની આંખોમાં લાલ લાલ દોરા ઉપસી આવ્યા હતા. એના ખભા તંગ થઈને વધુ પહોળા લાગતા હતા. અનુપમા મુગ્ધ થઈને આ માણસનું એક સાવ વધારાનું અને અનાયાસે ખૂલી ગયેલું પાસું જોઈ રહી હતી.

‘‘શૈલેષભાઈ, તમારે આવુંં નહોતું કહેવું જોઈતું. ’’ અનુપમાને લાગ્યું કે હવે એ વચ્ચે નહીં પડે તો વાત વધી જશે.

‘‘સોરી...’’ શૈલેષ સાવલિયા હજી ગાલ પંપાળી રહ્યા હતા. એમણે પૈસાની બેગ સંજીવને આપી, ‘‘આ કોન્ટ્રેક્ટના પેપર છે. અલયભાઈને બતાવી દેજો. સહી લઈ લેજો... આ બે ખોખા છે. મેડમ, હું નીકળું ? કાલે લોકેશન પર મળીએ.’’ પછી કોઈ જવાબની રાહ જોયા વિના શૈલેષ સાવલિયા રૂમની બહાર નીકળી ગયા. સંજીવ અને અનુપમા હજી ડઘાયેલાં અલયની સામે જોઈ રહ્યાં હતાં.

થોડી વાર કોઈ કશું બોલ્યું નહીં. પછી સંજીવે સમય વર્તીને અનુપમાને કહ્યું, ‘‘હું જરા બીજી બધી વ્યવસ્થા જોઈ લઉં...’’ અને ઓરડાની બહાર નીકળી ગયો.

ખાસ્સી વાર સુધી અલય અને અનુપમા ચૂપચાપ બેસી રહ્યાં. પહેલી વાત કોણ શરૂ કરે એનો ઓથાર જાણે બંને વચ્ચે તોળાતો રહ્યો. પછી હળવેથી અનુપમાએ અલયનો હાથ પકડ્યો, ‘‘મને ખબર છે આ અંગત પ્રશ્ન છે, જવાબ ન આપવો હોય તો નહીં આપતો, પણ...’’

‘‘મારો બાપ અમને મૂકીને પચીસ વરસ ચાલી ગયેલો. હું ગયા પછી જન્મ્યો છું.બીજું કંઈ પૂછવું છે ?’’ અલયનો અવાજ તલવારની ધાર જેવો ઠંડો અને કાતિલ હતો.

‘‘મારે એ નથી પૂછવું.’’ અનુપમાએ એનો હાથ પકડીને એને નજીક ખેંચ્યો, અલય પથ્થરની જેમ સ્થિર ત્યાં જ બેસી રહ્યો. એના ચહેરા પર કોઈ ભાવ નહોતા, ‘‘જે માણસનું નામ પણ તું તારા નામની પાછળ લગાડતો નથી... એને માટે...’’

‘‘મારે માટે એનું કોઈ અસ્તિત્વ નથી.’’

હસી પડી અનુપમા. ઊભી થઈ અને અલયની સામે આવી. એણે પોતાના બંને હાથ અલયના બે ગાલ પર મૂક્યા. એના અવાજમાં લાડ છલકાતું હતું, ‘‘જેનું કોઈ અસ્તિત્વ જ નથી એને માટે આટલો ધિક્કાર અને આટલો પ્રેમ કેવી રીતે હોઈ શકે અલય ?’’

અત્યાર સુધી દીવાલ સામે કોરી નજરે જોઈ રહેલા અલયે અચાનક અનુપમા સામે જોયું, ‘‘એટલે ?’’

‘‘જેનું અસ્તિત્વ નકારે છે તું એ નકારવા માટે અસ્તિત્વ છે એટલું તો સ્વીકારવું પડે ને ?’’ અનુપમાએ અલયના વાળમાં હાથ ફેરવ્યો, ‘‘ઈશ્વર નથી એવું કહીને દલીલ કરતા લોકો કશુંક છે એને નકારે છે. જેનું અસ્તિત્વ જ નથી એને તો નકારવાની જરૂરત જ નથી ને ?’’

‘‘અનુપમા, તું જાણતી નથી...’’

‘‘જાણું છું. બલકે સમજું છું. મારી મા મારા બાપની રખેલ હતી. શુક્રવારની એક જ સાંજ એ માણસ અમારા ઘરમાં ગાળતો અને એ પણ મારી મા સાથે. મારા માટે એક રમકડું લઈ આવતો, થોડું ખાવાનું... હું એ લઈને બાજુના ઘરમાં રમવા ચાલી જતી.’’ એણે જાણે થૂંકનો એક કડવો ઘૂંટડો ગળાની નીચે ઉતાર્યો. એક ક્ષણ આંખ બંધ કરીને ચૂપચાપ ઊભી રહી, પછી ઉમેયુર્ં, ‘‘અથવા મને મોકલી આપવામાં આવતી.’’ અનુપમાના અવાજમાં એક એવી ચુભન હતી, જે અલયની છાતીમાં ઊંડે સુધી ઊતરી ગઈ, ‘‘તારી પાસે એક બાપ તો હતો ને ? ભાગી ગયેલો, પણ બાપ ! જે ક્યાંક કશેક જીવે છે, જીવતો હશે એમ માને છે તું... મારી પાસે તો બાપ જ નહોતો.’’

અલય ચૂપચાપ અનુપમાને જોતો રહ્યો. એની આંખોમાં, એના ચહેરા પર આવી ઉદાસી અલયે ક્યારેય નહોતી જોઈ. સામાન્ય રીતે હસતી-રમતી, તોફાન કરતી આ માથાની ફરેલી છોકરી અત્યારે બાર-ચૌદ વર્ષની કિશોરી દેખાતી હતી, ‘‘એ માણસે મને... છી !’’ અનુપમાનું ગળું ભરાઈ આવ્યું હતું. એ કોઈ પણ ક્ષણે રડી પડે એવી એની આંખો ગોરંભાઈ ગઈ હતી, ‘‘હું ઘર છોડીને ભાગી આવી. સત્તર વર્ષની હતી... રૂપ સિવાય કશું હતું જ નહીં મારી પાસે. એ જ વેચવાનું હતું અને એ પણ સન્માનથી. નસીબે સાથ આપ્યો અને પહેલું મોડેલિંગ કર્યું... ફિલ્મ મળી...’’ એની આંખમાંથી આંસુ સરકી પડ્યાં, ‘‘ક્યારેક વિચારું છું કે કોલકાતા છોડી જ ના શકી હોત તો હું પણ...’’ એણે અલયના વાળમાંથી હાથ લઈ લીધો અને સામે જમીન પર ભીતને અઢેલીને બેસી ગઈ. ઘૂંટણ વાળીને બંને હાથ એણે ઘૂંટણની આસપાસ લપેટી લીધા. ચીબુક ઘૂંટણ પર ટેકવી... એની આંખમાંથી આંસુ સડસડાટ વહી રહ્યાં હતાં.

અલય ઊભો થયો. એની બાજુમાં આવીને બેઠો. અનુપમાને પોતાનું માથું અલયના ખભા પર મૂકી દીધું. ‘‘સમજી શકું છું.’’ અલયે એના આંસુ લૂંછવાનો પ્રયત્ન કર્યો. અનુપમાએ ડોકું ફેરવી લીધું, ‘‘રડી લેવા દે અલય, કોણ જાણે કેટલાંયે વર્ષોથી આ આંસુ હું છાતીમાં લઈને ફરું છું. આજ સુધી એવો કોઈ માણસ જ નહોતો મળ્યો, જેના ખભે માથું મૂકીને રડી શકાય.’’

અલય એક શબ્દ ના બોલ્યો. રવિવારની એ સવાર અનુપમાનાં આંસુમાં ડૂબેલી અલયના ખભે વહેતી રહી. અલયે એક પણ શબ્દ બોલ્યા વિના એને કલાકો રડવા દીધી.

વચ્ચે વચ્ચે અલયના મોબાઇલની ઘંટડી રણકતી રહી. અલયે એક પણ ફોન ન ઉપાડ્યો. જેમાં નીરવ, શ્રેયા, શૈલેષ સાવલિયા અને એના કેમેરામેન, પ્રોડકશનના માણસો સહિત બીજા લગભગ વીસ જેટલા મિસ્ડ કોલ ભેગા થઈ ગયા.

જાનકી દર મહિનાના બીજા કે ચોથા રવિવારે એના અનાથ આશ્રમની બહેનપણીઓ સાથે કોફી પીવા જતી. આ એનાં લગ્ન થયાં ત્યારનો નિયમ હતો. સાથે ઊછરેલી એ પાંચ બહેનપણીઓ મહિનામાં એક વાર અચૂક મળતી. હવે સૌ પોતપોતાની દુનિયામાં ગોઠવાઈ ગયા હતા. પાંચમાંથી ત્રણનાં લગ્ન થઈ ગયાં હતાં. એક પૂના સેટલ થઈ ગઈ હતી અને એક સાઉથ મુંબઈમાં, એક કરોડપતિની પત્ની બની ગઈ હતી. જાનકી અજય સાથે પરણી હતી. બીજી બે પરણવા માગતી નહોતી. બધા પાસે પોતાના વ્યવસાય હતા અને બાળપણમાં ગાળેલા અભાવના દિવસોએ એમને આજે પણ બાંધી રાખ્યા હતા. જૂહુમાં આવેલા એક કોફીશોપમાં મળવાની જગ્યા નિશ્ચિત હતી, જાનકી ત્યાં પહોંચી ત્યારે બપોરના સાડા ત્રણ થયા હશે. કોફી શોપ ખાલી હતી. એક યુગલ ખૂણામાં બેસીને પ્રેમાલાપ કરી રહ્યું હતું. એક બીજો આર્ટિસ્ટ જેવો દેખાતો માણસ સિગરેટ પીતો છાપું વાંચી રહ્યો હતો. જાનકીએ આમતેમ નજર દોડાવી. પછી સાવ ખૂણાનું ટેબલ પસંદ કરીને બેઠી. આ ટેબલ એવી જગ્યાએ હતું જ્યાંથી એને આખું કોફીશોપ દેખાય, પણ કોફી શોપના બે જ ટેબલ પરથી આ જગ્યા જોઈ શકાય એવી હતી.

એક મેગેઝિન લઈને ઉથલાવતી જાનકી એની બહેનપણીઓની રાહ જોવા લાગી. બરાબર એ જ વખતે કોફી શોપનું બારણું ખૂલ્યું અને અંજલિ શફ્ફાક સાથે દાખલ થઈ. શફ્ફાકે અંજલિના ખભાની આસપાસ હાથ વીંટાળ્યો હતો. અંજલિ એકદમ ઓતપ્રોત થઈને એને કશું કહી રહી હતી... બંને દાખલ થઈને કોફી શોપના એક ટેબલ પર ગોઠવાયા. જાનકી એમને જોઈ શકતી હતી. અંજલિએ ટેબલ પર હાથ મૂક્યા. શફ્ફાકે એ હાથ ઉપર પોતાના બંને હાથ મૂકીને અંજલિની નજીક ઝૂકીને કશુંક કહ્યું. અંજલિના ેચહેરો લાલ થઈ ગયો...

જાનકી એકદમ વિચલિત થઈ ગઈ.

આખા ઘરમાં એકલી જાનકીને જ ખબર હતી કે અંજલિ શફ્ફાકને પ્રેમ કરતી હતી. પ્રયાગરાજજી પાસે સંગીત શીખતી અંજલિએ રાજેશનું માગું આવ્યું ત્યારે જાનકીને શફ્ફાકની વાત કહી હતી.

જાનકીને એ આખોય પ્રસંગ લગભગ નજર સામે તરવરી ઊઠ્યો.

રડી રડીને લાલ થયેલી અંજલિની આંખો, રાજેશના ઘરવાળાનું દબાણ, વૈભવીનાં વાગ્બાણ, અભયની લાચારી અને વસુમાનો વ્યવહારિક અભિગમ...

જાનકી મળી હતી શફીને એક વાર અંજલિની વાત કરવા. જાનકીને શફી માટીપગો અને તકસાધુ લાગ્યો હતો. એણે સમજાવી હતી અંજલિને, એની સાથે સીધી સ્પષ્ટ વાત કરવા...

અને અંજલિ ધ્રૂસકે ધ્રૂસકે આખી રાત રડી હતી, જ્યારે એ શફીને થપ્પડ મારીને આવી હતી. બીજા દિવસે રાજેશના ઘરવાળાને બોલાવાયા હતા અને...

અંજલિ અસહાય થઈ ગઈ હતી અને એમાંય જ્યારે શફીએ એને કારકિદર્ી બનાવવાના બહાના હેઠળ પરણી જવાનું કહ્યું ત્યારે એને સંભાળતા જાનકીને ભયાનક મુશ્કેલી પડી હતી. છેક છેલ્લી ઘડી સુધી એને મનાવી-મનાવીને લગ્ન કરાવ્યાં હતાં અને આ દર્દનાક, સંવેદનશીલ ક્ષણોની સાક્ષી એક માત્ર જાનકી હતી.

આજે અંજલિને શફી સાથે જોઈને જાનકીનું મગજ ચકરાવે ચડી ગયું. એક વાર તો એણે ઊભા થઈને ત્યાં જવાનું લગભગ નક્કી કરી લીધું. પછી મન પર કાબૂ મેળવીને ચૂપચાપ ત્યાં બેસી રહી, પણ એણે ઘરેથી નીકળતા વાળેલી ગાંઠ મજબૂત કરી નાખી, ‘‘આજે અંજલિબેન સાથે વાત કરવી જ પડે... આ તો બરબાદ કરી નાખશે !’’

રડી રડીને થાકેલી અનુપમા હવે અલયના ખોળામાં સૂતી હતી. અલયનો હાથ હળવે હળવે એના વાળમાં ફરી રહ્યો હતો. એરકન્ડિશન કમરામાં મશીનની હળવી ઘરઘરાટી સિવાય કોઈ અવાજ નહોતો. પડદા ખેંચીને કરેલું આછું અંધારું, વોલ ટુ વોલ કાર્પેટ અને ઓરડામાં ફેલાયેલી રૂમ ફ્રેશનરની સુગંધ...

બંને જણા કેટલાય સમયથી નિઃશબ્દ બેઠા હતા.

‘‘ટક... ટક...’’દરવાજાની બહાર અવાજ આવ્યો.

‘‘કમ ઇન...’’ અનુપમાએ અલયના ખોળામાંથી ઊઠ્યા વિના કહ્યું. એની બાઈ દરવાજો ખોલીને અંદર આવી બંગાળીમાં કહ્યું, ‘‘કેઉ આપના શોંગે દેખા કોરતે એશ છે... મેડમ, સાહેબને કોઈ મળવા આવ્યું છે. ’’

‘‘મને ?’’ અલયે પૂછ્‌યું.

‘‘હા, નામ તો તમારું જ લીધું સાહેબ, અલયભાઈને...?’’

‘‘અ... હા...’’

‘‘પાઠીએ દીન... મોકલો...’’ અનુપમાએ કહ્યું.

‘‘ભાલો... અચ્છા.’’ બાઈ બહાર ગઈ.

‘‘કોણ હશે ?’’ અલય જરાક અનકમ્ફર્ટેબલ થઈ ગયો.

‘‘શૈલેષ સાવલિયા...’’ અનુપમાએ કોન્ફીડન્સથી કહ્યું. એટલામાં બારણું ખૂલ્યું અને દાખલ થયેલી વ્યક્તિને જોઈને અનુપમા ફટાક કરતી બેઠી થઈ ગઈ. અલયે દાખલ થયેલી શ્રેયાને જોઈને બહુ જ સ્વાભાવિક અવાજમાં કહ્યું, ‘‘આવ !’’

(ક્રમશઃ)