Yog-Viyog - 29 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 29

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

યોગ-વિયોગ - 29

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૨૯

કોઈ કંઈ સમજે એ પહેલાં વસુમા આગળ વધ્યાં, ‘‘બસ, બહુ થયું.’’ એમણે અલયનો હાથ પકડ્યો, ઘસડીને સૂર્યકાંત મહેતાની સામે લઈ ગયાં અને શાંત, સંયત છતાં સત્તાવાહી અવાજમાં કહ્યું, ‘‘માફી માગ તારા પિતાની...’’

સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

સૌથી વધારે અલય.

એને સમજાતું નહોતું કે એણે તો એની મા માટે જ દલીલ કરી હતી. માની આટલાં વર્ષોની પીડા સમજીને એણે પિતાને આ વાત કહી હતી અને હવે એની મા જેણે આટલાં વર્ષોમાં આ બધું જ સહ્યું, જેની આંખોમાં એણે આ બધી ફરિયાદો છેલ્લા કેટલાય દિવસોમાં અનેક વાર વાંચી હતી એ મા, એને એક એવા માણસની માફી માગવાનું કહેતી હતી જેણે આખા કુટુંબને પ્રશ્નો અને પીડા સિવાય કશું જ આપ્યું નહોતું. જતી વખતે પણ અને આટલાં વર્ષો પછી આવીને પણ... અલયે મોઢામોઢા એને થોડી વાતો કહી દીધી એમાં કયો મોટો ગુનો કરી નાખ્યો ? એ સૂર્યકાંત મહેતાની સામે ઊભો હતો. વસુમા એને હાથ પકડીને લઈ આવ્યાં હતાં, પણ અલયની આંખોમાં ન માની શકવાનો ભાવ હતો. એણે વસુમા તરફ જોયું. એની આંખોમાં જાણે સવાલ હતો, ‘‘શા માટે મા? શા માટે મારી પાસે આ માણસની માફી મગાવે છે ?’’

‘‘બેટા, તારા પિતા છે એ !’’ વસુમાએ ખૂબ મમતાભર્યા અવાજે, છતાં મક્કમતા સાથે કહ્યું, ‘‘આ ઘરના વડીલ છે. આ ઘર એમનું છે. એમને અહીંથી જવાનું તારાથી ન જ કહેવાય.’’

‘‘પણ મા, એ જે દિવસથી આવ્યા છે એ દિવસથી...’’

‘‘એ દિવસથી, શું બેટા ? આપણે બોલાવ્યા છે તો આવ્યા છે એ... અને આમંત્રણ આપીને બોલાવેલા માણસને જવાનું કહેવાના સંસ્કાર દેવશંકર મહેતાના ઘરમાં ન જ હોય બેટા.’’

અભય પોતાની જગ્યાએથી ઊભો થયો. હળવેથી અલયની બાજુમાં આવીને એના ખભે હાથ મૂકીને ઊભો રહ્યો. પછી અવાજમાં જાણે અપરાધભાવ ઊભરી આવ્યો, એણે ખૂબ ધીમા અવાજે કહ્યું, ‘‘નાનો છે એ, ઘણી વાતો સમજી નથી શકતો. એનું ખરાબ નહીં લગાડતા.’’ થોડી વાર આખા ઓરડામાં નિઃશબ્દતા પથરાઈ ગઈ. કોઈ કશું જ ના બોલ્યું, સૂર્યકાંત મહેતા પણ ચૂપચાપ નીચું જોઈને બેસી રહ્યા. લક્ષ્મીના મનમાં ફફડાટ થઈ ગયો. કોણ જાણે આ બધું બન્યા પછી ડેડી શું નક્કી કરશે? આજે પહેલી વાર એણે એના પિતા અક્કડ લાગ્યા. ડેડી જવાનું ના કરી કરે તો સારું. લક્ષ્મીએ મનોમન પ્રાર્થના કરી. માંડ માંડ ભેગું થયેલું આ કુટુંબ ફરી એક વખત આટલી નાનકડી વાતમાં વિખરાઈ જશે ? એનું મન વિચલિત થઈ ગયું.

‘‘માફી માગ અલય...’’ અભયે પણ કહ્યું.

‘‘હું માફી નહીં માગું.’’ અલયના અવાજમાં બે-ત્રણ વર્ષના બાળકના જીદ ઊતરી આવી હતી.

‘‘અલયભાઈ, પપ્પાજી આટલા વર્ષે આવ્યા, એ આપણા સૌ માટે આવ્યા છે અને તમે...’’ વૈભવીની હાજરી જાણે કોઈએ નોંધી જ નહીં.

‘‘જુઓ ભાભી, આ અમારો અંગત પ્રશ્ન છે.’’ પછી અભયની સામે જોઈને ઉમેર્યું, ‘‘મારી મા સિવાય આ બાબતમાં બોલવાનો અધિકાર હું કોઈને નથી આપતો.’’ પછી એ સૂર્યકાંત મહેતાની સામે ઘડીભર જોઈ રહ્યો, જાણે નિર્ણય કરવાનો પ્રયત્ન કરતો હોય તેમ. પછી એકદમ જ લાગણીવશ થઈ ગયો એનો અવાજ, ‘‘મારી માએ તમને બોલાવ્યા છે. એની જરૂરિયાત હતી એટલે. એ કહે છે એટલે હું તમારી માફી માગું છું. મારે કદાચ તમારી સાથે આવી રીતે નહોતું બોલવું જોઈતું... મારી વાત ખોટી નથી. કહેવાની રીત ખોટી હોય કદાચ અને એ પણ તમારી પત્નીને લાગે છે એટલે ! ’’

‘‘અલય દીકરા, કોઈ પણ કડવાશ જે આપણી અંદર સંઘરાય એ આપણને વધારે પીડા આપે છે.’’

‘‘તો ?’’ અલયનો અવાજ આહત હતો ને છતાં બેફિકર ! ‘‘મારે એ પીડા સાથે જ જીવવું હોય તો ? આ પીડા મારી એનર્જી છે, મારી ઊર્જા, મારી શક્તિ છે મા. જે દિવસે આ પીડા નહીં હોય એ દિવસે અલય, અલય નહીં હોય મા.’’

‘‘બેટા, કોણ જાણે કેમ, હું તમને- ખાસ કરીને તને- આ સતત બળતી આગમાંથી બચાવી નથી શકી. મેં બહુ ઇચ્છ્‌યું હતું કે તમારા સૌનો- ખાસ કરીને તારો ઉછેર કોઈ પ્રકારના પૂર્વગ્રહોથી બહાર રહીને કરું, પણ આ પીડા, આ આગ તને ગર્ભમાં જ મળી હશે.’’

‘‘મને ખબર નથી મા, પણ એક વાત કહી દઉં. આ દુનિયામાં જો કોઈ એક વ્યક્તિની લાગણીની, શબ્દની મારા માટે કિંમત છે, તો એ તું છે...’’ પછી સૂર્યકાંત મહેતા સામે જોઈને કહ્યું, ‘‘કોઈ શું માને છે અથવા કોઈને શું લાગશે એની હવે મને ચિંતા નથી રહી.’’ ઊંડો શ્વાસ લીધો, સૌની સામે જોયું. વૈભવીની સામે નજર નોંધી, ‘‘જોકે એવી ચિંતા મને ક્યારેય હતી જ નહીં.’’

‘‘સવાલ આપણા સંસ્કારોનો છે અલય.’’ અભયે ધીમેથી કહ્યું, ‘‘આપણે આપણા આટલાં વર્ષો પછી પાછા ફરેલા પિતાને ખૂબ સન્માન અને સ્નેહપૂર્વક જેટલું રહેવું હોય એટલું રહ્યા પછી એટલા જ સન્માન અને સ્નેહપૂર્વક વિદાય આપી શકીએ, એટલું તો આપણી માએ શીખવ્યું છે આપણને.’’ પછી એક નજર વસુમા સામે નાખીને ફરી અલયને પૂછ્‌યું, ‘‘ખરું ને ?’’

વસુમાની આંખોમાં જાણે અભય માટે એક દુલાર ઊતરી આવ્યો. જે વાત એ આટલી સરસ રીતે પોતાના મોઢે ન કહી શક્યા હોત એ વાત અભયે ખૂબ જ સરળતાથી અને છતાં સ્પષ્ટતાથી કહી હતી.

અલય પાસે જવાબ નહોતો. એ ચૂપચાપ ઊભો રહ્યો થોડી વાર અને પછી એણે લગભગ જવાની તૈયારી કરતા ઊભડક અવાજે કહ્યું, ‘‘એને માટે આવ્યા છો તમે. એટલે જવું કે રહેવું એનો નિર્ણય તમે બે જણા મળીને જ કરો.’’ પછી સહેજ અટક્યો અને જાણે આ ચર્ચાનું છેલ્લું વાક્ય બોલતો હોય એમ ખૂંચી જાય એવી રીતે કહ્યું, ‘‘પણ આ વખતે જતા પહેલાં એને કહીને જજો.’’ અલય સડસડાટ ઘરની બહાર જવા લાગ્યો. ત્યાં બેઠેલા સૌ આગળ શું બોલવું એ ન સમજાતા ચૂપ હતા.

અલય હજી દરવાજા પાસે જ પહોંચ્યો હતો ને એણે સૂર્યકાંત મહેતાનો અવાજ સાંભળ્યો, ‘‘તારી ફિલ્મ શરૂ થાય એ પહેલાં નહીં જાઉં હું. આમ પણ હવે ચોવીસ જ કલાક છે.’’

‘‘મને એવી જરૂર નથી.’’ અલયે દરવાજા પાસેથી જ કહ્યું અને ઓટલો ઊતરી ગયો.

ઘરમાં બેઠેલા બધા જ સાવ સ્તબ્ધ ચૂપચાપ થઈ ગયા.

‘‘ખોટો નથી એ.’’ સૂર્યકાંત મહેતાએ વાતાવરણ હળવું કરવાના ઇરાદાથી કહ્યું, ‘‘ને આમેય મારો દીકરો છે. જીદ્દી તો હોય જ ને ?’’

‘‘પણ પપ્પાજી, એમણે આવી રીતે તો ન જ વરતવું જોઈએ.’’

‘‘એ આમ જ વર્તે વૈભવી બેટા ! એની જગ્યાએ એનો બાપ અને મારી જગ્યાએ મારો બાપ હતો ત્યારે હું પણ આમ જ વરતેલો... ઇતિહાસ એની કથાને દોહરાવે છે. વિદ્રોહ, જીદ, અણસમજ અને બરડતા અમારા લોહીમાં છે બેટા.’’ સૂર્યકાંત મહેતાના ચહેરા પર સ્મિત હતું. એમણે વસુમાની સામે એકદમ પ્રેમાળ નજરે જોયું, ‘‘તમારાં સાસુ જેવી પત્નીને મૂકીને ચાલી જવાનો વિચાર તો જ આવે ને ?’’

વસુમાના ચહેરા પર પહેલા ક્યારેય નહોતો જોયો એવો ભાવ ધસી આવ્યો. એમણે નીચું જોયું અને વાત બદલવા માટે કહ્યું, ‘‘કાન્ત, જમવાનું શું બનાવે ?’’

અભય અને અજય બંને ઊભા થયા. અજય પોતાના ઓરડા તરફ અને અભય બહાર જવા લાગ્યો.

‘‘ક્યાં જાવ છો?’’ વૈભવીએ પૂછ્‌યું.

‘‘બહાર.’’ પછી એક ક્ષણ રહીને ઉમેર્યું, ‘‘કામે...’’

‘‘રવિવારે ?’’

‘‘રવિવારે કામ ન થાય એવો નિયમ છે ?’’ અભય લગભગ દરવાજે પહોંચી ગયો હતો. વૈભવી પાછળ દોડી. અજય પોતાના ઓરડાના દરવાજે ક્ષણેક ઊભો રહ્યો. પછી આ બે જણા વચ્ચે આવું તો રોજ થયા જ કરે છે એમ વિચારીને પોતાના રૂમમાં ચાલી ગયો. વસુમા હજી ત્યાં જ ડ્રોઇંગરૂમમાં ઊભાં હતાં. વૈભવીએ એમની તરફ ફરીને ફરિયાદના સૂરે કહ્યું, ‘‘મા, તમે એમને કશું કહેતાં નથી.’’

‘‘શું કહું ? કઈ બાબતે ?’’

‘‘આખો દિવસ ઘરની બહાર રહે છે. રવિવારે પણ બહાર જતા રહે છે.’’

‘‘બેટા, માણસને ઘરમાં રહેવાની ઇચ્છા થાય એવું વાતાવરણ આપવાની ફરજ એની પત્નીની છે.’’

વૈભવીને આ વાક્ય જાણે સમસમતા તમાચા જેવું લાગ્યું. સૂર્યકાંત મહેતા જેને ઇમ્પ્રેસ કરવા માટે એ ઝઝૂમી રહી હતી એની સામે એની સાસુએ એક જ વાક્યમાં એને ઉઘાડી પાડી દીધી હતી. વૈભવી સમસમી ગઈ. જાનકી, સૂર્યકાંત મહેતા, લક્ષ્મી અને અભયની હાજરીમાં આ વાક્ય વૈભવી માટે ભયાનક અપમાનજનક હતું.

‘‘ઓહ ! સારું થયું તમે કહી દીધું, મને હવે સમજાયું કે પપ્પાજી કાયમ માટે ઘર છોડીને કેમ ચાલી ગયા ?’’ પછી વિજયના ગર્વથી ભરપૂર એક સરસરી નજર બધા પર નાખીને અભયના ચહેરા પર અટકાવી, ‘‘અભય એટલિસ્ટ રાતે તો પાછા આવે છે... એટલે મારે બહુ ડરવા જેવું નથી, નહીં ?’’

‘‘વૈભવીઈઈઈઈ....’’ અભય ચાર જ ડગલાંમાં મુખ્ય દરવાજાથી વૈભવી સુધી ધસી આવ્યો. એણે હાથ ઉગામ્યો. વૈભવીએ પહેલી વાર કર્યું હતું એમ જ એનો હાથ વચ્ચેથી જ પકડી લીધો. પછી ઝટકો મારીને હાથ ફેંકતા ખૂબ ઠંડકથી અને એક એક શબ્દ ચાવીને ઉમેર્યું, ‘‘પત્નીને મારઝૂડ કરવી એ પણ તમારા લોહીમાં છે પપ્પાજી ?’’ વૈભવીએ સીડી ચડીને ઉપર જવા માંડ્યું.

ડ્રોઇંગરૂમમાં દરેક માણસની જીભ સિવાઈ ગઈ હતી. પહેલાં અલય અને હવે આ તાયફાને કારણે.

‘‘બેટા વૈભવી, સવાલ પૂછ્‌યો છે તો હવે જવાબ સાંભળીને જ જાવ.’’ સૂર્યકાંત મહેતાનો અવાજ ડ્રોઇંગરૂમમાં ગૂંજી રહ્યો. એ પહેલી વાર અહીં આવ્યા ત્યારથી આજ સુધી એમના અવાજની આ ઊંચાઈ અને આ ટંકાર કોઈએ નહોતો સાંભળ્યો. વૈભવીના વાક્યથી ખૂબ પીડાયેલાં વસુમા નીચું જોઈને ઊભાં હતાં. એમણે પણ ખૂબ હળવેથી પણ સન્માનપૂર્વક નજર ઊંચકીને સૂર્યકાંત તરફ જોયું.

‘‘પત્ની જ્યાં સુધી પોતાના પત્નીત્વમાં રહેને ત્યાં સુધી કોઈ સમસ્યા જ નથી હોતી ! સ્ત્રીનું સ્ત્રીત્વ એના સંયત અને સંવેદનશીલ વર્તનમાંથી જ પ્રગટ થાય છે, થવું જોઈએ ! દેવશંકર મહેતાના ઘરમાં આજ સુધી સ્ત્રીનું સન્માન થયું છે. એ દીકરી હોય કે પુત્રવધૂ, ઘરની લક્ષ્મી જ ગણાય છે.’’ પછી ક્ષણેક આંખો મીંચી ઊંડો શ્વાસ લીધો. શબ્દો ગોઠવતા હોય એમ થોડી પળો નિઃશબ્દ જવા દીધી અને ફરી એ જ ટંકાર સાથે કહ્યું, ‘‘તમારાં સાસુ જેવી પત્ની હોય તો પચીસ વર્ષ દૂર રહ્યા પછી પણ નતમસ્તકે ભૂલ સ્વીકારીને એને સ્નેહ કરવાનું મન થાય...’’ પછી અવાજમાં વૈભવીનીજેમ જ એક ડંખ ઉમેરાયો, ‘‘બાકી તો તમે સમજદાર છો... બધી વાત શબ્દોમાં કહેવાની જરૂર નથી હોતી.’’

‘‘કાન્ત !’’ વસુમાના હોઠમાંથી અનાયાસ જ સરી પડ્યું.

‘‘વાહ ! મારાં સાસુમા એમના લાડકા દીકરા પાસે તમારી માફી મગાવે છે, તમે એમનો પક્ષ લઈને મને બે વાત સંભળાવો છો. આટલો બધો પ્રેમ હોય તો...’’ પછી આગળ બોલવાના બદલે વસુમા જોઈને જાણે સૂર્યકાંતનાં વાક્યોનો બદલો લેતી હોય એમ હળવેથી કહ્યું, ‘‘બીજી વાર પરણ્યા અને સંતાન પણ થઈ ગયું ?’’ પછી એ સીડીનાં પગથિયાં ચડવા લાગી.

લક્ષ્મી સામાન્ય રીતે કોઈ દિવસ કોઈ ઝઘડામાં ના પડતી. બે માણસો જ્યાં સુધી પોતાનો મુદ્દો પોતાની રીતે ચર્ચી લેતા હોય ત્યાં સુધી એમાં માથું ન જ મારવું એવો ટિપિકલ અમેરિકન સ્વભાવ હતો લક્ષ્મીનો. એ પિતા અને રોહિતની વચ્ચે પણ ભાગ્યે જ બોલતી. આજે વૈભવીની વાત સાંભળીને કોણ જાણે કેમ એનાથી ન રહેવાયું. અત્યાર સુધી ચૂપચાપ બેઠેલી લક્ષ્મી ઊભી થઈ. સીડીની નજીક ગઈ. સીડી ચડી રહેલી વૈભવીનો હાથ કઠેડા ઉપર હતો. લક્ષ્મીએ નીચે ઊભા ઊભા એના હાથ ઉપર હાથ મૂકીને એને રોકાવાની ફરજ પાડી.

‘‘ભાભી, બીજાં લગ્ન અને સંતાન હોવા છતાંય પહેલી પત્નીના એક સાદે દોડી આવ્યા છે મારા પિતા.’’

‘‘હા, દોડી તો આવ્યા છે, પણ પાછા જવાય તૈયાર થઈ ગયા છે અને એકેય વાર પહેલી પત્નીને સાથે લઈ જવાની વાત નથી કરી એમણે. જો એટલો જ પ્રેમ જાગી હોય પચીસ વર્ષે તો મારાં સાસુમા કેમ એમને રોકતા નથી ? ને કેમ તમારા પિતા મારાં સાસુમાને સાથે લઈ જવાનો આગ્રહ નથી કરતા ?’’

એક સોપો પડી ગયો.

લક્ષ્મી પણ જરા ઝંખવાઈ ગઈ. એણે હળવેથી પિતા સામે જોયું. જાણે જવાબ હવે પિતાએ આપવાનો હતો. સૂર્યકાંત પણ જરા વિમાસણમાં પડી ગયા. આ વાત એ સમજી શકતા હતા, સ્પષ્ટ રીતે ! પણ...

‘‘વૈભવી બેટા, આ વાત તમારી સમજની બહાર છે. કોઈ એક વ્યક્તિ માટે પ્રેમ હોય ખાસ કરીને પતિ માટે, એટલે એની સાથે જ જીવવું અથવા એ આપણા કાબૂમાં રહે એવો પ્રયાસ કરવો એ દરેકની વ્યાખ્યા ન પણ હોય ! પતિ ઇચ્છાપૂર્તિનું સાધન નથી કે નથી આપણી સાથે હાર-જીતની બાજી રમવા માટેનું કોઈ રમકડું. કમાવા માટે, ઘર ચલાવવા માટે, સમાજમાં સ્ટેટસ સાચવી રાખવા માટે પતિ નથી હોતો.’’ વસુમા બોલી રહ્યાં હતાં અને ઓરડામાં હાજર સૌ થોડા ડઘાયેલા, થોડા પ્રભાવિત થઈને સાંભળી રહ્યા હતા. વસુમાએ સૂર્યકાંતની સામે જોયું અને જાણે એમને કહેતાં હોય એમ વાત આગળ વધારી, ‘‘પતિ સાથી છે. પતિ એક એવી જરૂરિયાત છે સ્ત્રીના જીવનની, જે એના અપૂર્ણ સ્ત્રીત્વને પૂરું કરે છે. સુખમાં-દુઃખમાં પકડી શકાય એવો એક હાથ અને જેની આંખોમાં જોઈને સંતાપ શમી જાય એવો એક માણસ... એટલે પતિ !’’

‘‘મા...’’ ક્યારની દરવાજે ઊભી રહીને સાંભળતી અંજલિ દોડીને વસુમાને વળગી પડી. એની આંખમાં પાણી આવી ગયા હતાં.

એ ક્યારની દરવાજે ઊભી રહીને આ સંવાદ સાંભળતી હતી. વૈભવીનું ધ્યાન પડ્યું હતું, પણ એણે સ્વભાવ મુજબ ચર્ચા ચાલુ જ રાખી. આ ચર્ચા દરમિયાન અંજલિ ચૂપચાપ દરવાજે ઊભી રહી ગઈ અને વસુમાની વાત સાંભળીને જાતને રોકી ના શકી.

‘‘અંજલિ બેટા...’’ વસુમા એના માથે હાથ ફેરવી રહ્યાં હતાં.

‘‘મા, હું રહેવા આવી છું.’’

‘‘બહુ જ સરસ બેટા, કાલે અલયની ફિલ્મનું મુહૂર્ત છે. કાન્ત પણ બે-ચાર દિવસમાં જવાની વાત કરે છે અને જરા તારી તબિયત પણ સચવાશે. જા, મારા રૂમમાં તારો સામાન મૂકી દે.’’ વસુમા પોતાના ઓરડામાં ભાગ્યે જ કોઈની હાજરી પસંદ કરતાં. જોકે એવો વારો પણ ન જ આવતો. ઉપરના બે ગેસ્ટરૂમ ભાગ્યે જ ભરાતા. અંજલિ તો લગ્ન પછી રાત રોકાતી નહીં અને આ ઘરમાં મહેમાનોની અવરજવર પણ નહોતી જ.

‘‘તારા રૂમમાં મા ?’’ અંજલિના અવાજમાં આશ્ચર્ય હતું.

‘‘હા બેટા, ઉપરના બંને ગેસ્ટરૂમ...’’

‘‘અંજલિ મારી સાથે રહેશે.’’ લક્ષ્મીએ કહ્યું અને આગળ વધીને એનો સામાન ઉપાડી લીધો. એ સીડી ચડવા લાગી. અંજલિ કંઈ નક્કી કરે એ પહેલાં તો લક્ષ્મી અડધા પગથિયા ચડી ચૂકી હતી. એ લગભગ વૈભવીની સામે આવી ગઈ હતી.

‘‘ભાભી, માણસ સાત લગ્ન કરેને, તોયે પ્રેમ કદાચ એક જ હોય એવું બને... અને એ પ્રેમ એની પત્ની હોય એવું જરૂરી નથી... અથવા પતિ ન હોય અને તોય પ્રેમ અકબંધ હોય એવુંયે બને !’’ પછી હળવેથી જગ્યા કરતા સ્ટાઇલમાં કહ્યું, ‘‘મને જવા દેશો, પ્લીઝ ?’’

અકળાયેલી વૈભવી ખસી તો ગઈ, પણ એના મનમાં આજની વાત બરાબર બેસી ગઈ. છેલ્લા થોડા દિવસથી એને વારંવાર હારવું પડતું હતું. પતિ સામે બેડરૂમમાં હારવા સામે તો બહુ વિરોધ કરી શકે એમ નહોતું રહ્યું, પણ આજે તો જાહેરમાં, સૌની સામે એની સાસુ સામે હારવું પડ્યું હતું. એ સાસુ, જેનું વર્ચસ્વ નકારવાની શરૂઆત એણે લગ્નના પહેલા દિવસથી કરી હતી અને છતાંય એમના ચણેલા કિલ્લામાંથી એક કાંકરીયે ખરતી નહોતી !

અંજલિને શ્રીજી વિલાના ગેટની બહાર ઉતારતી વખતે રાજેશને જાણે કોઈકે એનું હૃદય મુઠ્ઠીમાં લઈને ભીંસી નાખ્યું હોય એવું લાગ્યું. ઘરેથ નીકળ્યા અને અહીં પહોંચ્યા ત્યાં સુધી અંજલિ એક અક્ષર નહોતી બોલી. રાજેશે એને મૂકવા આવવાનું કહ્યું એ પછી અંજલિની આંખોમાં એક વાર ઝળઝળિયાં આવ્યાં હતાં. જાણે કંઈ બોલવા જતી હોય એમ હોઠ ઉઘાડ્યા અને એક પણ શબ્દ બોલ્યા વિના હોઠ ભીંસી દીધા.

એ પછી ઘરેથી નીકળીને બંને જણા છેક અહીં પહોંચ્યાં ત્યાં સુધી અંજલિ ડાબી બાજુ બારીની બહાર જોતી રહી, એક શબ્દ બોલ્યા વિના...

રાજેશે એક-બે સવાલો પૂછ્‌યા એના જવાબ માત્ર ડોકું ધુણાવીને આપ્યા અંજલિએ.

રાજેશને અકળામણ થઈ ગઈ. એનો સ્વભાવ જ નહોતો કે આમ વજનદાર વાતાવરણમાં વધુ સમય શ્વાસ લઈ શકે. પાંચ વર્ષના લગ્નજીવન દરમિયાન અંજલિ ક્યારેય ગુસ્સે થતી, પણ એ તો લેપટોપ ચાલુ રહી જાય, કે ભીનો ટુવાલ પલંગ પર રહી જાય, પૈસા ખોવાઈ જાય કે ઘરે મહેમાન જમવા આવવાના હોય અને કહેવાનું ભુલાઈ જાય એવી બધી વાતો માટે.

અને, એવા સમયે રાજેશ એની સેન્સ ઓફ હ્યુમર વાપરીને કે વહાલ કરીને મનાવી લેતો. એમને ઝઘડો કદી પંદર મિનિટથી વધુ લાંબો નથી ચાલ્યો. આજે બબ્બે દિવસથી ઘુમરાતું ધુમ્મસ રાજેશના શ્વાસ રૂંધી રહ્યું હતું. એને ઘણું કહેવું હતું,પરંતુ અંજલિનો ચહેરો જોઈને એણે માંડી વાળ્યું.

એન.સી.પી.એ.ના કેમ્પસમાં જોયેલું એ દૃશ્ય કેમે કર્યું એનો પીછો નહોતું છોડતું. એને અંજલિને એ વિશે પૂછવું હતું સીધેસીધું, પણ ડરતો હતો... જે જવાબ મળે એ સ્વીકારવાની એની તૈયારી નહોતી.

અંજલિ અચાનક શ્રીજી વિલા જવા તૈયાર થઈ એ વાતની પણ એને નવાઈ લાગી હતી. એને રોકવા માટે બે-ત્રણ વાર વાક્ય ગોઠવી જોયું એણે. પણ કોઈ રીતે એની જીભ પર શબ્દો આવ્યા જ નહીં. આ ગડમથલમાં બંને જણા શ્રીજી વિલા પહોંચી ગયા અને ગાડી ગેટ સામે ઊભી રહી ગઈ.

નાનકડી ઓવરનાઇટર પર્સ અને એક બીજી શોપિંગ બેગ લઈને ઊતરતાં અંજલિએ રાજેશ સામે જોયું, ‘‘અંદર નહીં આવો ?’’

‘‘અ... ના, મોડું થાય છે.’’ પછી અંજલિની આંખોમાં જોયું. સહેજ ઝંખવાઈ ગયો એનો અવાજ, ‘‘લેવા ક્યારે આવું ?’’

‘‘હું ફોન કરીશ.’’ અંજલિ ઊતરવા લાગી. હવે રાજેશથી ના રહેવાયું. એણે અંજલિનું કાંડુ પકડી લીધું. એની આંખોમાં જોઈ રહ્યો. એની આંખમાં ભીનાશ તરવરી ઊઠી.

‘‘બેબી, ટેક કેર ઓફ યોર સેલ્ફ !’’ પછી એક એક શબ્દ મુશ્કેલીએ હોઠ પર આવતો ગયો, ‘‘આઈ લવ યુ... તને ખબર છે ને?’’

‘‘રાજેશ, આઈ લવ યુ ટુ...’’ આવું કહેશે અંજલિ એમ ધાર્યું હતું રાજેશે, પણ અંજલિ કશું જ ના બોલી. માત્ર રાજેશની આંખોમાં જોતી રહી. પછી ઓવરનાઇટર છોડી અને રાજેશના ગાલ પર હાથ થપથપાવ્યો, ‘‘મને ફોન કરતા રહેજો અને મહારાજને ટિફિનનું મેનુ બરાબર આપજો. એને હજી સમજ નથી પડતી.’’ પછી ઓવરનાઇટર હાથમાં પકડી એક પગ ગાડીની બહાર મૂક્યો. હળવેકથી કાંડુ છોડાવ્યું. રાજેશની સામે માર્દવથી જોયું અને ઉમેર્યું, ‘‘ડોન્ટ ડ્રીન્ક ટુ મચ, પ્લીઝ...’’ અને ઊતરીને શ્રીજી વિલાનો ગેટ ખોલીને અંદર ચાલી ગઈ.

‘‘શું થઈ ગયું અચાનક ? કોઈ પ્રોબ્લેમ નથી થયો અને જાણે અમે બંને માઇલો દૂર ફેંકાઈ ગયા છીએ.’’ રાજેશને જાણે ગભરામણ થઈ ગઈ. એને સમજાતું નહોતું કે પ્રશ્ન શું હતો ? ક્યાં હતો ?

અંજલિ આમ કેમ વરતતી હતી એ સમજવાનો એ જેટલો પ્રયત્ન કરતો એટલો વધુ ગૂંચવાતો જતો હતો. ક્યારેક ગુસ્સો આવતો અને ક્યારેક પોતાની નિઃસહાયતા પર રડી પડવાનું મન થતું. અંજલિ એનો શ્વાસ-પ્રાણ હતી. એનું લગ્ન એના હાથમાંથી સરકી રહ્યું હતું અને એ કશું જ કરી શકતો નહોતો એ વાતે રાજેશ છિન્નભિન્ન થઈ ગયો હતો.

આજે તો ઓફિસમાં પણ કામ નહોતું. રવિવારની રજાના દિવસે અંજલિ આમ સવારના પહોરમાં ચાલી જશે એની રાજેશને કલ્પના માત્ર નહોતી... હવે આખો દિવસ એને ફોલી ખાવાનો હતો, એની એને જાણ હતી.

ક્યાં જવું એ સમજ્યા વિના રાજેશે ગાડી શ્રીજી વિલા પાસેથી આગળ લીધી.

ઘરની બહાર નીકળીને અલય મોટાં મોટાં પગલાં ભરતો વીલે પાર્લે સ્ટેશન તરફ જવા લાગ્યો. કેટલાં બધાં કામ હતાં આજનાં. આ શ્રેયાના એક ફોને મગજની સ્થિતિ બદલી નાખી. ‘‘કેટલી બધી અપેક્ષા હતી. ખભેખભો મિલાવીને એ મારી સાથે રહેશે, મારી જિંદગી આખી પંપાળેલું સપનું પૂરું થશે અને હું તરત જ એને પરણી જઈશ, પણ એના મગજે તો સાવ જુદી જ દિશા પકડી છે.’’ અલય ખરેખર ગુસ્સે થયો હતો આજના ફોન પછી. એ જાણતો હતો કે શ્રેયા પઝેસિવ હતી, પણ આટલી ખરાબ રીતે વર્તશે એવી એને ક્યારેય કલ્પના નહોતી. એ વીલે પાર્લે સ્ટેશન તરફ ચાલતો જઈ રહ્યો હતો. નીરવને ફોન કરવો કે નહીં એમ વિચારતો હતો ત્યાં જ એનો મોબાઇલ રણક્યો. શર્ટ અને પેન્ટનાં ખિસ્સાં ફંફોસીને એણે મોબાઇલ શોધી કાઢ્યો.

‘‘હલ્લો...’’

‘‘સોરી ટુ ડિસ્ટર્બ યુ... પણ થોડી વાર મળી શકાય ? શૈલેષભાઈ આવ્યા છે અને કેટલા ફેઇઝમાં, ક્યારે ક્યારે પૈસા જોઈશે, કેટલા જોઈશે એનું થોડુંં શિડ્યુઅલ પ્લાન કરવું છે.’’ સંજીવ શર્માના અવાજમાં એક સેક્રેટરીની નમ્રતા હતી, ‘‘મેડમ પણ રાહ જુએ છે.’’

‘‘હું આવું. દસ મિનિટમાં.’’ અલયે ફોન કાપ્યો, જતી રિક્ષાને હાથ કર્યો અને અંદર બેસીને કહ્યું, ‘‘જૂહુ...’’

વસુમા પોતાના ઓરડામાં બેસીને કંઈક વાંચી રહ્યાં હતાં, પણ એમનું મન પુસ્તકમાં નહોતું. અંજલિ અચાનક રહેવા આવી, જે રીતે આવીને એમને વળગી અને આંખમાં પાણી ધસી આવ્યાં એ બધા પરથી એમના મને કંઈક માપ કાઢ્યું હતું. આટલા બધાની હાજરીમાં ક્યારે અને કઈ રીતે વાત કરવી એ વિચારી રહ્યાં હતાં વસુમા. અંજલિ લક્ષ્મી સાથે સામાન લઈને ઉપર ગઈ. એ પછી નીચે ઊતરી જ નહોતી. જમવાના સમયે નીચે આવી, જમીને પાછી પોતાના ઓરડામાં ચાલી ગઈ હતી. આટલા જ કલાકોમાં વસુમાએ એક વસ્તુ નોંધી હતી. અંજલિ પોતાનો ફોન એક ક્ષણ માટે પણ રેઢો નહોતી મૂકતી. આ પહેલાં એ જેટલી વાર આવતી ત્યારે એની વસ્તુઓ વીખરાયેલી રહેતી. ફોનની રીંગ વાગતી હોય તો આખા ઘરમાં દોડાદોડી થઈ જતી. અંજલિને જ ખબર નહોતી રહેતી કે એનો ફોન એણે ક્યાં મૂક્યો છે. જ્યારે આ વખતે એનો ફોન સતત એના હાથમાં હતો એટલું જ નહીં, જમતાં જમતાં કે કોઈની સાથે વાત કરતા પણ એ વારે વારે પોતાના ફોન તરફ જોયા કરતી. જમીને દસ-પંદર મિનિટ બધા નીચે બેઠા એ દરમિયાન પણ અંજલિ ફોનના મેસેજ ટાઇપ કરતી રહી. જાનકીએ પૂછ્‌યુંયે ખરું, ‘‘તમારું ધ્યાન નથી અંજલિબેન, મૂકોને ફોન બાજુએ...’’ ત્યારે ચોંકીને અંજલિએ ફોન બાજુએ તો મૂક્યો, પણ એનું ધ્યાન ફોનમાં જ રહ્યું.

વસુમાની આંખોથી આ છાનું નહોતું રહ્યું. અંજલિ આ વખતે જે રીતે આવી હતી અને જે રીતે વર્તી રહી હતી એ સાવ જુદું જ હતું. વસુમાની નજર પુસ્તકમાં હતી, પણ એમનું મન આ વિચારમાં જ ગૂંચવાયેલું હતું. એમણે એક વાર વિચાર્યું કે ઉપર જઈને અંજલિ સાથે વાત કરું, પછી લાગ્યું કે સહેજ વહેલું છે. બે-ત્રણ દિવસ રોકાવાની છે અંજલિ. દરમિયાનમાં જે હશે એ એની મેળે જ બહાર આવશે. જોકે શફ્ફાક કે એવો કોઈ બીજો વિચાર વસુમાના મનમાં નહોતો આવ્યો, પણ છતાંય એક મા દીકરીની જેટલી ચિંતા કરે એટલી ચિંતા થઈ હતી એમને. વસુમા બેસીને વાંચવામાં મન પરોવવાનો પ્રયાસ કરવા લાગ્યાં. બરાબર એ જ વખતે અંજલિ એમના રૂમમાં આવી, ‘‘મા, હું થોડી વાર બહાર જાઉં છું.’’

‘‘અત્યારે ? બપોરે ?’’ વસુમાને નવાઈ લાગી. અંજલિનાં કપડાં પણ આજે જરા જુદાં, હમણાં ઘણા વખતથી નહોતી પહેરતી એવા હતાં. સ્કાય બ્લૂ કલરનું ટોપ અને સાથે રપઅરાઉન્ડ સ્કર્ટ, કમર પર ચાંદીનો કંદોરો, હાથમાં ઢગલાબંધ ચાંદીની બંગડીઓ, વાળ છૂટ્ટા અને કાનમાં લાંબા ચાંદીના બ્લૂ કલરના પથર જડેલા ઇયરિંગ...

‘‘ક્યાં જાય છે ?’’ સામાન્ય રીતે વસુમા ક્યારેય કોઈનેય આ સવાલ ન પૂછતાં, પણ આજે એમનાથી અનાયાસે પુછાઈ ગયું.

‘‘મારી એક ફ્રેન્ડને મળવા જાઉં છું.’’

‘‘કોણ છે એ ?’’ વસુમાએ પૂછ્‌યું. વસુમા સામાન્ય રીતે ક્યારેય ક્યારેય આટલા બધા સવાલો ન પૂછતાં. શ્રીજી વિલામાંથી બહાર જનારી દરેક વ્યક્તિ કઈ તરફ જાય છે અને ક્યારે આવશે એ કહેવાનો આ ઘરમાં વણલખ્યો નિયમ હતો.

‘‘તું નથી ઓળખતી, મારી કોલેજની ફ્રેન્ડ છે.’’ અને આગળ સવાલ-જવાબ થાય એ પહેલાં જ રૂમની બહાર નીકળી ગઈ. એ નીકળી જ રહી હતી કે જાનકી દાખલ થઈ. બંને જણા વસુમાના ઓરડાના દરવાજા ઉપર જ ભેગાં થઈ ગયાં,

‘‘અરે અંજલિબેન, બહાર જાવ છો ?’’ જાનકીએ પૂછ્‌યું. જાનકી પણ સાડી પહેરીને તૈયાર થઈને આવી હતી.

‘‘હં... ?હા...’’ અંજલિએ બેધ્યાનપણે કહ્યું.

‘‘કઈ તરફ ?’’ જાનકીએ પૂછ્‌યું.

‘‘ઉફ !’’ અંજલિનો અવાજ અચાનક જ ઊંચો થઈ ગયો, ‘‘મારી એક ફ્રેન્ડ આવી છે અમેરિકાથી, એને મળવા જાઉં છું. તમે એને નથી ઓળખતા... સાંજ સુધીમાં આવી જઈશ.’’ અને એ સડસડાટ ડ્રોઇંગરૂમ વટાવીને, મુખ્ય દરવાજો ખોલીને ઘરની બહાર નીકળી ગઈ.

જાનકી અને વસુમા બંને થોડી વાર ચૂપચાપ એકબીજાની સામે જોતાં રહ્યાં. પછી જાનકીએ ધીમેથી વસુમાની બાજુમાં બેસીને પૂછ્‌યું, ‘‘કંઈ થયું છે મા ?’’

‘‘મને નથી ખબર... એ કંઈ બોલી નથી, પણ હું એને જે રીતે ઓળખું છું એ રીતે કંઈ થયું એ નક્કી છે.’’

‘‘હું પૂછું ?’’

‘‘પૂછી જો, પણ કહેશે નહીં. હું ઓળખું છું એને. બાળપણથી જાણું છું. ખૂલીને વાત કરવાનો એનો સ્વભાવ નથી.’’

‘‘મને ચિંતા થાય છે, એક તો પ્રેગનન્ટ છે અને...’’

‘‘જોઈશું... એક-બે દિવસ જવા દે, પછી વાત કરીશું.’’

‘‘મા, હું...’’

‘‘હા, હા, મને ખ્યાલ છે. તું તારી બહેનપણીઓ સાથે કોફી પીવા જાય છે ને ? હૃદયને અહીં સૂવડાવી જા...’’

‘‘હું બેએક કલાકમાં આવી જઈશ.’’ જાનકી વસુમાના ઓરડામાંથી બહાર નીકળી. વસુમાએ ભલે ના પાડી, પણ જાનકીના મનમાં અંજલિના ચિંતા પેઠી હતી. પાંચ વર્ષે માંડ માંડ પ્રેગનન્ટ રહેલી નણંદની તબિયત અને મૂડ બંને જાનકીને બરાબર નહોતા લાગ્યા. એણે મનોમન નક્કી કયુર્ં કે એ સાંજે અથવા રાત્રે અંજલિ સાથે આ અંગે વાત કરશે.

શ્રીજી વિલાની બહાર નીકળીને અંજલિએ તરત ટેક્સી પકડી, ‘‘જે. ડબલ્યુ. મેરિયટ...’’ ટેક્સીવાળાને કહ્યું અને પોતે સીટ પર માથું ઢાળીને આંખો મીંચી ગઈ. આજે પહેલી વાર એ મા સાથે જૂઠ્ઠું બોલી હતી. અને જ્યાં સુધી એ પોતાની માને ઓળખતી હતી ત્યાં સુધી એને ખાતરી હતી કે એની મા સમજી જ ગઈ હશે. એનું એક મન એને પાછી ફરવાનું કહી રહ્યું હતું અને બીજું મન એણે હજુ ગઈ કાલે રાત્રે જ માણેલા અનુભવમાં તરબોળ, શફ્ફાકના તેજ વર્તુળમાં ઘેરાયેલું એને જે. ડબલ્યુ. મેરિયટના આઠમા માળે શફ્ફાકના રૂમ તરફ ધકેલી રહ્યું હતું. એની આંખો બંધ હતી અને એનો મોબાઇલ રણક્યો. એણે ફોન ઉપાડ્યો અને જોયા વગર જ ધારી લઈને કહ્યું, ‘‘નીકળી ગઈ છું, પહોંચું છું.’’

એક ક્ષણ માટે સામેથી કોઈ કશું ના બોલ્યું, પછી રાજેશનો અવાજ સંભળાયો, ‘‘બેબી, હું છું. આર યુ ઓ. કે....’’

(ક્રમશઃ)