Yog-Viyog - 6 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 6

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

યોગ-વિયોગ - 6

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ - ૬

સૂર્યકાંતને મનોમન લક્ષ્મીની વાત ફરી સંભળાઈ, “વિચાર નહીં બદલતા, કામનું બહાનું પણ નહીં કાઢતા, આપણે ઇન્ડિયા જઇએ છીએ.” અને એમનું ઢચુપચુ થઈ રહેલું મન ફરી એક વાર દૃઢ થઈ ગયું.

એમણે સામે લગાડેલા સ્મિતા અને લક્ષ્મીના ફોટા તરફ જોયું. આ ખરેખર સ્મિતાની જ દીકરી હતી. સ્મિતા જેટલી જ મજબૂત, સ્મિતા જેટલી જ સાચી અને ઇમાનદાર. જિંદગી સાથે સ્મિતાની જેમ જ જોડાયેલી... પળપળને જીવી લેવામાં માનતી સ્મિતા સાવ મૃત્યુના બિછાને હતી ત્યારે પણ એનું સ્મિત ઝંખવાયું નહોતું. એણે સૂર્યકાંતને પાસે બોલાવ્યો હતો. એનો હાથ પકડીને થોડી વાર એની આંખોમાં જોઈ રહી હતી. બોલતાં બોલતાં ખાંસી ચડી આવતી સ્મિતાને.શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થવા લાગી હતી, પરંતુ એણે મનોબળ ભેગું કરીને પૂરેપૂરો શ્વાસ ભરી લીધો...

ત્યાં ઊભેલા બધાને હાથના ઇશારાથી જવાનું કહ્યું. મધુકાંતભાઈ, સ્મિતાના પિતા કૃષ્ણપ્રસાદ, નાનકડો રોહન અને લક્ષ્મીને હાથમાં લઈને ઊભેલી આયા- બધા જ જાણે વાત સમજ્યા હોય એમ બહાર નીકળી ગયા. સ્મિતાએ ઇશારતથી સૂર્યકાંતને નીચા વળવાનું કહ્યું... સૂર્યકાંત પોતાનો કાન સ્મિતાના હોઠ પાસે લઈ આવ્યો... સ્મિતાએ એનો હાથ પકડી લીધો.

સાવ ક્ષીણ અને મ્લાન અવાજે સ્મિતાએ કહ્યું, “કાન્ત ! તું મને વહેલો કેમ ના મળ્યો ? જિંદગીની સાંજ આમ ઢળી જશે એવું મેં નહોતું વિચાર્યું.” આટલું બોલતાં તો એને ખાંસી ચડી આવી.

સૂર્યકાંતે ખૂબ લાગણીવશ થઈને એને કહ્યું, “નહીં બોલ સ્મિતા, ખૂબ તકલીફ થાય છે તને...”

સ્મિતાના ચહેરા પર સ્મિત આવી ગયું... “આજે નહીં બોલું તો ક્યારેય નહીં બોલી શકું ખબર છે તને ? સાંભળ... ખૂબ અન્યાય કર્યો છે મેં તારી સાથે. કશુંયે નથી આપ્યું ને બદલામાં જિંદગીભરનું વચન લખાવી લીધું છે. ઈશ્વર માફ નહીં કરે મને.”

“રિલેક્સ સ્મિતા, શા માટે વિચારે છે આ બધું ?” સૂર્યકાંતની આંખોમાં ભીનાશ તરવરી ઊઠી હતી.

“ખરી વાત છે, હવે આ બધું વિચારીને શું ફાયદો ? લક્ષ્મી એટલી નાની છે કે એને પિતાના નામે તારો જ ચહેરો દેખાશે... પણ રોહિત વિચિત્ર ઉંમરમાં છે, એ આલ્બર્ટને જાણે છે, મારા અને આલ્બર્ટના ઝઘડા જોયા છે એણે...એને લગ્નની ખૂબ કડવી, ખૂબ દુઃખદાયી સ્મૃતિ છે ! પણ શું કરું ? આલ્બર્ટ સૂર્યકાંત નહોતો.’’

સૂતેલી સ્મિતાની આંખોની બંને તરફથી આંસુની ધાર વહેતી હતી. સૂર્યકાંતે ખૂબ માર્દવથી એ આંસુ લૂછી કાઢ્યાં. એના માથે હાથ ફેરવ્યો.

સ્મિતા હજી બોલી રહી હતી, “કાન્ત, હું તને એ બે બાળકો સોંપીને જાઉં છું, જેની સાથે તારે કોઈ સંબંધ નથી- ન લોહીનો, ન લાગણીનો... પણ છતાંય કોણ જાણે કેમ મારું મન કહે છે કે મારા લોહી-માંસમાંથી જન્મેલાં મારાં સંતાનોને હું તારા સિવાય બીજા કોઈના હાથમાં નહીં સોંપી શકું. લક્ષ્મીની પ્રેગનન્સી કન્સીવ કરી ત્યારે એક ભૂલ કર્યાની લાગણી થઈ હતી મને. રોહિતને પહેલી વાર હાથમાં લીધો ત્યારે કોઈ રોમાંચ નહોતો થયો મને... મા થવાની લાગણી હજી પૂરી અનુભવી શકું એ પહેલાં તો ગુડબાય કહેવાનો સમય આવી ગયો. કાન્ત, આ બે બાળકોમાંથી એક તો તને પોતાનો પિતા માનશે અને બીજાને તારે પિતા થઈને સંભાળી લેવાનો છે. તું કરીશને આટલું ?”

સ્મિતાના જે હાથમાં પોતાનો હાથ હતો એ હાથને ખૂબ વહાલ અને વિશ્વાસથી પંપાળ્યો. પછી પૂછ્‌યું, “તને મારામાં વિશ્વાસ છે ને ?”

“મારી જાતથીયે વધારે.” સ્મિતાએ કહ્યું. એને શ્વાસ લેવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી.

“બસ તો, શાંત થઈ જા.” સૂર્યકાંતે કહ્યું અને ફરી સ્મિતાના માથે હાથ ફેરવ્યો. સ્મિતાએ આંખો મીંચી દીધી. શાંતિથી, સંતોષથી, કોઈ અજબ શ્રદ્ધાથી... સૂર્યકાંતનો હાથ એમ જ સ્મિતાના માથે ફરતો રહ્યો અને સ્મિતા બંધ આંખે એ સ્પર્શ માણતી રહી. એણે હળવેકથી આંખો ખોલી. સૂર્યકાંતની આંખોમાં જોયું અને જાણે એનું સર્વસ્વ માગતી હોય એવા અવાજે પૂછ્‌યું, “પણ કાન્ત, હજી એક વચન માગવું છે, આપીશ ?”

“તું જે માગીશ એ આપીશ.”

ફરી એક વાર આંસુ આવી ગયાં સ્મિતાની આંખોમાં. “માત્ર માગ્યું જ છે, આપી શકી નહીં કશું તને... અને હવે છેલ્લી ઘડીએ પણ માગું જ છું તારી પાસે, આપીશ ?”

“બોલ, મારો જીવ આપીને પણ તને બચાવી શકાતી હોય તો તને બચાવી લઉં...” સૂર્યકાંતનો અવાજ અને આંખો બંને તર-બ-તર થઈ ગયા.

“કાન્ત, તને મળ્યા પછી જાણે જીવવાની ઇચ્છા જાગી ઊઠી. રોજેરોજ ઈશ્વરને પ્રાર્થના કરતી કે હજી બે-ચાર દિવસ વધારે તારી સાથે જીવી શકાય, પણ એટલાં પાપ કર્યાં છે મેં કે ઈશ્વર મારી પ્રાર્થના ક્યાંથી સાંભળે ?” ભીની આંખે પણ એક સ્મિત આવી ગયું સ્મિતાના ચહેરા પર. ધોધમાર વરસાદ પડ્યા પછી જેમ સૂરજનાં કૂણાં કિરણો નીકળે એવો ઉજાસ હતો એના ચહેરા પર, “અને એટલે જ તારી પાસે માગું છું, જે ભગવાને નથી આપ્યું એ તેં આપ્યું છે...”

“માગ, શું જોઈએ છે ? મારાથી જે અપાશે તે આપીશ.”

“આવતા જન્મે મને પરણજે...” સ્મિતાની આંખોમાંથી ઓશિકું ભીંજવતી આંસુની ધાર વહી રહી હતી, “બહુ મોડો મળ્યો મને આ જન્મે. ભટકી ભટકીને થાકી ગઈ જેની શોધમાં એ મળ્યું ત્યારે માણવાનો સમય ના રહ્યો... કાન્ત, મેં તારા જેવો જ પ્રેમાળ, સાચો અને સરળ પતિ ઝંખ્યો હતો...” સ્મિતા બંધ આંખે આંસુથી ભીના અવાજે સૂર્યકાંતને કહી રહી હતી, “બોલ, આપે છે ને વચન ?”

“હા.” સૂર્યકાંતને પોતાનો અવાજ જાણે બીજી ધરતી પરથી આવતો હોય એવો લાગ્યો...

સ્મિતાના હાથમાં પકડેલો સૂર્યકાંતનો હાથ ઘડીભર દબાયો અને સ્મિતાનો હાથ લસ્ત થઈને પથારીમાં પડી ગયો. એનાં આંસુ હજી એમ જ વહી રહ્યાં હતાં, પણ શ્વાસ બંધ થઈ ગયો હતો. ધમણની જેમ ઊંચી-નીચી થતી એની છાતી હવે શાંત થઈ ગઈ હતી. એના હોઠ પર પરમ સંતોષનું, સુખનું સ્મિત સ્થિર થઈ ગયું હતું...

સૂર્યકાંત સ્મિતા સામે જોઈ રહ્યો ઘડીભર. પછી એના બંને હાથ છાતી પર મૂક્યા, પગ સરખા કર્યા, એના વાળ ચહેરા પરથી હટાવીને સરખા ગોઠવ્યા અને પોતાની બે હથેળીઓ વચ્ચે એના બંને ગાલ પકડીને એના કપાળ પર એક ચુંબન કર્યું- હળવું, વાદળ જેવું...

સૂર્યકાંત સ્મિતાના ફોટાની સામે ઊભો ઊભો જાણે ભૂતકાળમાં એક આંટો મારી આવ્યો.

સામે મૂકેલો સ્મિતા અને એક મહિનાની લક્ષ્મીનો ફોટો સૂર્યકાંત સામે જોઈને સ્મિત કરી રહ્યો હતો. જીવનથી ભરપૂર એ સ્મિત સૂર્યકાંતને કહી રહ્યું હતું, “મારી સાથે જિંદગીનો જે ગાળો તું જીવ્યો એમાં માત્ર એક જ વાત શીખવી મેં તને... જિંદગીની આંખોમાં આંખો નાખીને જો, કાન્ત ! જિંદગીથી ભાગીશ તો જિંદગી તારી પાછળ ભાગશે. દોડાવશે તને ! હંફાવી નાખશે ! થકવી દેશે... દોડતો જ રહીશ તું જિંદગીની આગળ... તને ઘડીભર ઊભો રહીને પોરોય નહીં ખાવા દે એટલી ક્રૂર હોય છે જિંદગી... પણ જો એનો હાથ પકડીને, એની આંખોમાં આંખો નાખીને જોઈશ તો મીણની જેમ પીગળી જશે... દરેક વળાંકે તારી સાથે રહેશે. તને રસ્તો દેખાડશે અને તને જીવતા શીખવાડતી જશે જિંદગી પોતે...”

“ખરીવાત છે સ્મિતા. ભાગીને જઈશ પણ ક્યાં ? જ્યાં જઈશ ત્યાં છાતીમાં ઘેરાયેલો ડૂમો અને આંખોમાં સંગ્રહાયેલાં સ્મરણો તો સાથે જ આવવાનાં ને ? એના કરતાં હું જ જઈને ઊભો રહું સ્મરણોના દરવાજે, ને બારણાં ઠોકીને ઉઘડાવું ભૂતકાળના દરવાજા...” સૂર્યકાંતે ભીની આંખો લૂછી કાઢી. ફોટાની નજીક ગયો. એક હાથ ફેરવ્યો સ્મિતાના ગાલ પર અને કહ્યું, “થેન્કસ ! થેન્ક્સ દોસ્ત !”

શ્રીજી વિલાની આજની રાત ઘરમાં રહેતાં સૌ પર ભારે હતી. સૌ પોતપોતાની રીતે આવનારી સવાર વિશે વિચારી રહ્યા હતા. આવતી કાલે સવારે વસુમાએ આપેલી અડતાલીસ કલાકની મુદત પૂરી થતી હતી અને જે રીતે સૌ વસુમાને ઓળખતા હતા, એ રીતે એમણે જે વિચાર્યું હતું એમ જ એ વર્તશે, એમાં કોઈનેય શંકા નહોતી.

પોતાના ઓરડામાં ઠાકોરજીની સામે બેઠેલા વસુમાની આંખોમાં પાણી હતું. ગઈકાલને જાણે ફિલ્મની પટ્ટીની જેમ એ પોતાની નજર સામે જોઈ રહ્યા હતા...

...તેત્રીસ વરસની વસુંધરા શ્રીજી વિલાના દરવાજે ઊભી હતી. રાતનો દોઢ વાગ્યો હતો. છોકરાઓને એણે માંડ-માંડ ઢબુરીને સુવડાવ્યા હતા. બાર વરસનો અભય, આઠ વરસનો અજય, ત્રણ વરસની અંજલિ, બે દિવસથી ઘેર નહીં આવેલા પિતાની રાહ જોતા હતા. વસુંધરાને ખબર નહોતી કે છેલ્લા બે દિવસથી ઘેર નહીં આવેલા પતિને ક્યાં શોધવો?

અત્યારે રાતનો દોઢ વાગ્યો હતો. વસુંધરાએ એ તમામ જગ્યાઓએ ફોન કર્યા હતા, એ તમામ સ્થળોએ તપાસ કરી હતી, જ્યાં એના પતિ સૂર્યકાન્ત મહેતાના હોવાની સંભાવના હતી પરંતુ એમને સૂર્યકાન્ત મહેતા ક્યાંય નહોતા મળ્યા. આજ સુધી તો સસરાની ઓથ હતી એેમને. પરંતુ સસરાના ગુજરી ગયા પછી સૂર્યકાન્તને કહેનારું કોઈ રહ્યું નહોતું અને સૂર્યકાન્ત ધાર્યું કરવા લાગ્યો હતો...

ગામદેવીના મહેલ જેવા વિશાળ બંગલામાંથી અહીં શ્રીજી વિલાના ચાર બેડરૂમના ઘરમાં મોકલતી વખતે સસરાએ કહ્યું હતું, “જુદા નથી કરતો તમને. તારો અને છોકરાઓનો આ ઘર ઉપર, મારી મિલકત ઉપર પૂરેપૂરો અધિકાર છે, પરંતુ દેવશંકર મહેતાના પરિવારમાં હવે સૂર્યકાન્ત મહેતા સમાઈ શકે એમ નથી. મેં મારાથી થાય એટલું કર્યું બેટા. મને લાગે છે કે, હવે થોડો સમય સૂર્યકાન્ત પોતાની રીતે જીવે તો જ એને સમજાશે કે કેટલા વીસે સો થાય?”

સૂર્યકાન્તને તો સમજાયું હતું કે નહીં, રામ જાણે! પણ વસુંધરાને ચોક્કસ સમજાઈ ગયું હતું કે કેટલા વીસે સો થાય? ત્રણ-ત્રણ સંતાનોની જવાબદારી હોવા છતાં જ્યારે વસુંધરાનું માસિક ચૂક્યું, ત્યારે એણે સૂર્યકાન્તને કહ્યું હતું, “આ ત્રણની જવાબદારી પણ ભારે પડે છે આપણને. મારી નોકરી ન હોત તો આ લોકોનું ભણતર પણ અઘરું પડી જાત. ચોથું સંતાન નથી જોઈતું આ ઘરમાં.” ત્યારે હંમેશની જેમ સૂર્યકાન્ત મહેતાએ હસીને કહ્યું હતું, “ઈશ્વરે આપ્યું છે, તો સંભાળ પણ એ જ લેશે.”

વસુંધરા જાણતી હતી કે ઈશ્વરે ન એના ત્રણ સંતાનોની સંભાળ લીધી હતી, ન એ લેવા આવવાનો હતો. એમની ફી, એમના ભણતરની રોજેરોજની જરૂરિયાતો, પાંચ જણના અનાજ, પાણી, મસાલા અને શાકભાજી ક્યાંથી આવતા હતા, એ વસુંધરાને જ ખબર હતી, ઈશ્વરને ખબર નહોતી!

રોજ સવારના છાપામાં વસુંધરા નોકરીની જાહેરાતો જોતી. લાલ પેનથી ચકરડા કરતી. અરજીઓ કરતી અને રોજ બપોરની ટપાલમાં એ અરજીઓના જવાબ આવવાની રાહ જોતી.

દેવશંકર મહેતાના કુટુંબની પુત્રવધૂને ક્યારેક નોકરી કરવી પડશે એવું કોઈ પ્રખર જ્યોતિષે પણ આજથી છ મહિના પહેલાં કહ્યું હોત તો એને પોતાની જોધપુરી મોજડી કાઢીને ધબેડી નાખ્યો હોત દેવશંકર મહેતાએ ! આજે વસુંધરા સૂર્યકાંત મહેતા રોજ સવારે ઈશ્વરને એક નોકરી શોધી આપવાની પ્રાર્થના કરતી હતી.

જે વસુંધરા ગુલાબનાં ફૂલોની પાંદડીઓ પર ચાલીને દેવશંકર મહેતાની હવેલીમાં દાખલ થઈ હતી એ વસુંધરા બબ્બે-ત્રણ-ત્રણ કલાક રેશનની લાઈનમાં ઊભી રહેતી. દેવશંકર મહેતાની પેઢીનો પાટવી વારસ કહેવાતો કિશોર અવસ્થામાં માંડ પ્રવેશેલો અભય સ્કૂલેથી આવીને એક કરિયાણાની દુકાનમાં બપોરની નોકરી કરતો... અજય વહેલો ઊઠીને દૂધના બૂથ પર હિસાબ રાખતો અને તોય માંડ માંડ બે છેડા ભેગા થતા...

ગોદાવરી જ્યારે આવતી ત્યારે ગાડી ભરીને વસ્તુઓ લઈ આવતી. વસુંધરાના સ્વમાનને એક વધુ ઠોકર વાગતી, પણ બાળકોના ભૂખ્યા ચહેરા અને તરસી આંખો સામે જોઈને એ વસ્તુઓ સ્વીકારી લેતી.

રોજેરોજ એના ઠાકોરજીને હાથ જોડીને વિનંતી કરતી, “પ્રભુ, હવે બહુ થયું... કેટલી પરીક્ષા કરશો ? મારી ઇમાનદારીથી અને મારા જ્ઞાનમાંથી મારાં બાળકોને ખવડાવી શકું એટલું તો તમારે કરવું જ પડશે...”

અને એક દિવસ વસુંધરાની અરજીનો ઠાકોરજીની સહીવાળો જવાબ આવ્યો હતો !

વિલે પાર્લાની મોટામાં મોટી ગુજરાતી સ્કૂલ ચંદુલાલ નાણાવટી કન્યા વિનય મંદિર નામની શાળામાં વસુંધરાનો ઇન્ટર્વ્યૂ હતો. ચોથા ધોરણ સુધી છોકરા-છોકરીઓની ભેગી, અને પાંચમા ધોરણથી માત્ર કન્યાશાળા બની જતી આ સ્કૂલ મુંબઈની સન્માનનીય શાળાઓમાંની એક હતી.

વસુંધરા ઇન્ટર્વ્યૂના સમયે શાળામાં પહોંચી હતી. શાળા જોઈને જ વસુંધરાને એક પ્રકારની હાશ થઈ હતી. મોટું કંપાઉન્ડ, ઢગલાબંધ ઝાડ, કંપાઉન્ડમાં પેસતા જ ડાબી તરફ પ્રાથમિક વિભાગ અને સામે માધ્યમિક વિભાગનું મોટું બિલ્ડિંગ. સિમેન્ટના થાંભલાઓથી ઘેરાયેલી પરસાળ વટાવીને એ આચાર્યની કેબિન પાસે પહોંચી હતી. હૃદય ધડકી રહ્યું હતું. “શું પૂછશે ? શું જવાબ આપીશ ? અનુભવ પૂછશે તો ? મારી પાસે તો એવી મોટી ડિગ્રીયે નથી... આ નોકરી નહીં મળે તો...” પટાવાળાએ બોલાવી ત્યારે ઠાકોરજીનું નામ લઈને વસુંધરા મહેતા આચાર્યની કેબિનમાં દાખલ થઈ હતી.

મધુરીબહેન નામના કડક સાડી પહેરેલાં પણ ખૂબ મમતાળું ચહેરો ધરાવતાં સન્નારીએ એનો ઇન્ટર્વ્યૂ કર્યો હતો.

“બહેન, માત્ર ગ્રેજ્યુએશનની ડિગ્રી પર તો આ નોકરી કઈ રીતે આપી દઉં ? તમારાથી ઘણી મોટી ડિગ્રીવાળા બહાર બેઠા છે. એમને અન્યાય થાય... ગાંધીજીના સિદ્ધાંતોને અનુસરતી શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધાય માટે ફરજિયાત ખાદીનો નિયમ ધરાવતી આ શાળામાં ગેરરીતિ તો...”

“તમને જેમ યોગ્ય લાગે તેમ, પણ શિક્ષણ અને ડિગ્રીને કોઈ સંબંધ નથી બહેન...” વસુંધરાએ કહ્યું. એની આંખોમાં આત્મવિશ્વાસની ચમક હતી અને પિતાએ આપેલા સંસ્કાર એના ચહેરા પર ઝગારા મારતા હતા.

“સમજું છું. શિક્ષણને મારી અડધા ઉપરની જિંદગી આપી છે મેં. શિક્ષણ સાથે જોડાયેલા રહેવા માટે તો લગ્ન પણ નથી કર્યાં.” કોણ જાણે કેમ આ સાવ અજાણી સ્ત્રી મધુરીબહેનને સાવ પોતાની લાગી હતી.

લાલ ચટક ચાંદલો, બે તેજસ્વી આંખો, દૂધથી ધોઈ હોય એવી સાફ ચમકતી ત્વચા, બધા વાળ વ્યવસ્થિત રીતે પાછળ ઓળીને બાંધેલો અંબોડો, ગુજરાતી સાડી અને ચહેરા પર એક આત્મવિશ્વાસનું, સત્યનું, તેજનું સ્મિત...

“મધુરીબહેન, તમને ઓળખતી નથી, પણ એક વાત કહી દઉં- શિક્ષણને જો કોઈ વાત સાથે સંબંધ હોય તો એ માણસના સંસ્કાર સાથે છે. ભણાવવાનાં પુસ્તકો તો હું વાંચીનેય શીખી લઈશ. કેમ ભણાવવું એ અનુભવે આવડી જશે કદાચ... પરંતુ એક સાવ કૂમળા છોડને સાચો માણસ અને સંસ્કારી નાગરિક કઈ રીતે બનાવવો એને માટેનાં કોઈ પુસ્તકો તૈયાર નથી મળતાં કે નથી કોઈ ડિગ્રી એ શીખવતી... બાકી તો તમારી ઇચ્છા !” વસુંધરા ટેબલ પર હાથ મૂકી, ખુરશી ધકેલીને ઊભી થઈ. પછી ક્ષણાર્ધ માટે મધુરીબહેનની આંખોમાં જોયું અને જાણે જાતને કહેતી હોય એમ સ્વગત જ બોલી, “એક શિક્ષકમાં સૌથી પહેલાં તો એક મા હોવી જોઈએ, કારણ કે એક મા સો શિક્ષક બરાબર છે અને બહેન, હું તો માત્ર મા જ છું. એક એવી મા, જેનું સ્ત્રીત્વ, જેનું અસ્તિત્વ બધુંયે એના માતૃત્વમાં ખોવાઈને રહી ગયું છે...” પછી હાથ જોડીને નમસ્તે કર્યા, “માત્ર કહેવા ખાતર નથી કહેતી, પણ તમને મળીને ખરેખર આનંદ થયો.” અને પીઠ ફેરવીને સડસડાટ બહાર નીકળી ગઈ હતી.

મધુરીબહેનને આ સ્ત્રીમાં રહેલું કશુંક એવું તો તીવ્રતાથી સ્પર્શ્યું હતું કે એમણે મેનેજમેન્ટની સામે પિસ્તાળીસ મિનિટ દલીલો કરીને વસુંધરાને આ નોકરી આપી હતી.

નોકરીનો અપોઇન્ટમેન્ટ લેટર જ્યારે ‘શ્રીજી વિલા’ના સરનામે આવ્યો ત્યારે એને ઠાકોરજીની મૂર્તિ સામે મૂકીને વસુંધરા ધ્રુસકે ધ્રુસકે રડી હતી...

ઠાકોરજીની સામે બેઠેલાં વસુમા જાણે છવ્વીસ વરસ પહેલાંના ભૂતકાળમાં સરી પડ્યા હતા. જીવેલી જિંદગીને જાણે ફરી એક વખત પાછું વળીને જોઈ રહ્યા હતા. એમને સમજાતું નહોતું કે એ ક્યાં ખોટા પડ્યા હતા? શું ભૂલ હતી એમની, જે માટે સૂર્યકાન્ત મહેતા એમને આમ છોડીને ચાલ્યા ગયા હતા. એ ગયા, એ રાતથી તેત્રીસ વરસની વસુંધરા રોજ રાત્રે દરવાજે જઈને ઊભી રહેતી હતી... તે છેક આજે, અઠ્ઠાવન વરસના વસુમા આજે પણ મનોમન જાણે એ જ સ્થિતિમાં, એ જ દરવાજે, ત્યાં જ જઈને ઊભા હતા!

એમનાથી ઠાકોરજીને પ્રાર્થના થઈ ગઈ, “મારા આટલાં વરસની તપશ્ચર્યા, મારી આટલા વરસની જોયેલી રાહ ને મારા વિશ્વાસને ખોટો નહીં પાડતો. મારાં સંતાનો સામે, મારી શ્રદ્ધાને તૂટવા નહીં દેતા, મારા વ્હાલા!” અને એમણે હાથ જોડ્યા, મંદિરનાં દ્વારને આડાં કર્યાં અને પથારીમાં પડ્યા.

કોકટેલ પાર્ટીમાં ગયેલી વૈભવી હજુ પાછી નહોતી આવી. આદિત એનું અસાઈન્મેન્ટ લખી રહ્યો હતો. લજ્જા કાન પર હેડફોન લગાવીને ટેલિવિઝન જોતી હતી. અભય લેપટોપ પર સોલીટેર રમી રહ્યો હતો પણ એનું મન દસ જાતના વિચારો કરતું હતું. આવતી કાલની સવારે જો ખરેખર વસુમા મંગળસૂત્ર ઉતારી નાખે તો એનાં પરિણામો શું આવશે, એની કલ્પના અભય કરી જ શકતો નહોતો. એણે આજ સુધી માને લાલ ચાંલ્લા અને ગળામાં મંગળસૂત્ર સાથે જ કલ્પી હતી. પિતાની ગેરહાજરી એને માએ ક્યારેય સાલવા દીધી હતી જ નહીં. પૈસાના અભાવને છોડીને બીજો કોઈ અભાવ ચારે ભાઈ-બહેનોને કદીય સાલ્યો નહોતો. માએ ખરા અર્થમાં મા અને પિતા બંને બનીને એમને ઉછેર્યા હતા. એમના કુટુંબની યાદીમાંથી પિતાનું નામ લગભગ ભૂંસાઈ ગયું હતું. હવે અચાનક એ નામ ઉમેરાય તો શું થાય? એની કલ્પના અભયને આવતી નહોતી...

લજ્જાએ ટકોર કરી. “ડેડી, તમારું ધ્યાન જ નથી. તમે હાર્ટના અઠ્ઠા પર સ્પેડનો સત્તો મુક્યો છે...”

“ઓહ!” અભયે કહ્યું અને ભૂલ સુધારી પછી અચાનક જ ઊભો થઈ ગયો અને બેડરૂમ સાથે જોડાયેલી નાનકડી ગેલેરીમાં આવીને ઊભો. એના બાળપણથી જ એને ધીમે ધીમે એવી ટેવ પડતી ગઈ હતી કે પોતાના મનની વાત કોઈને ન કહેવી. પિતાના ચાલ્યા જવાને કારણે એ અચાનક જ ઘરનો સૌથી મોટો પુરુષ થઈ ગયો હતો. માની સાથે રોજે રોજના પ્રોબ્લેમ ડિસ્કસ કરતા-કરતા એનું બાળપણ ક્યાં ખોવાઈ ગયું, એનો એને તો ખ્યાલ નહોતો જ રહ્યો!

અભય ગેલેરીમાં ઊભો-ઊભો બહારના રસ્તા પર જોઈ રહ્યો હતો. વાહનોની અવર-જવર, આવતાં-જતાં વાહનોના હૉર્નના અવાજ અને એના મનમાં ચાલી રહેલું ધમાસાણ યુદ્ધ...

એણે ઊંડો શ્વાસ લીધો જાણે એ વિચારોને ખંખેરી નાખવા માગતો હોય પછી આંખો મીંચી અને ઘડીભર ત્યાં જ ઊભો રહ્યો. આવતીકાલ સવાર આખા ય ઘરના બધા સભ્યોની કુંડળીમાં કંઈ જુદું જ લખવાની હતી. એ ભાવિ શું હતું, એ વિશે અભયનું મન ગૂંચવાઈ રહ્યું હતું. એને અહીં ગેલેરીમાં ઊભા-ઊભા પણ ગુંગળામણ થતી હતી...

અભયને હંમેશાં એમ લાગતું કે એ જ્યાં જીવે છે ત્યાં રહેતો નથી અને જ્યાં રહેવા માગે છે ત્યાં જીવી શકતો નથી. વૈભવીની સ્વચ્છંદતા, એનો સ્વભાવ, એનું બોલવું, એનું કડવું સ્મિત- જાણે એક એક સેકન્ડના ફ્‌લેશ-કટની જેમ અભયની આંખો સામે ઝબકી ગયું... એને વિચાર આવ્યો, “શા માટે, શા માટે સહે છે એ આ બધું ? કઈ મજબૂરી બાંધે છે એને ? વૈભવી પત્ની છે એની. એક ઝાપટ મારીને ધાર્યું કેમ નથી કરાવી શકતો પોતે ? શું કોઈ ઊણપ રહી ગઈ છે એના વ્યક્તિત્વમાં ? એના પુરુષત્વમાં ?” એણે જોરથી માથું ધુણાવીને વિચારોને ખંખેરી કાઢ્યા... અને રસ્તા પરથી આવતી-જતી ગાડીઓ જોઈ રહ્યો.

ઘડિયાળમાં બારના ડંકા પડ્યા...

લજ્જા ઊઠીને ગેલેરીમાં ઊભેલા પિતાની પાસે આવી. એમના ખભે હાથ મૂક્યો.

અભયે પાછળ જોવાની પણ તસદી ના લીધી.

“ડેડી...” લજ્જાએ કહ્યું.

“હં...” અભયે કહ્યું.

“શું વિચારો છો ?”

“ખાસ કશું નહીં.”

“મને ખબર છે, તમે દાદી વિશે વિચારો છો.”

“કદાચ.” અભયે કહ્યું.

“ડેડી, એક વાત કહું ? હું પણ એમના વિશે વિચારતી હતી અને મને એવો વિચાર આવ્યો કે હું એમની જગ્યાએ હોત તો શું કરત ?”

“શું કરત ?” અભયે હવે લજ્જાની સામે જોયું.

“જે મિનિટે એ માણસ ગયોને એ મિનિટે હું મારો ચાંદલો ભૂંસી નાખત. સાત વર્ષે કોર્ટમાં અરજી કરીને કાયદેસર છૂટાછેડા લેત... અને મારા ઘરમાં એનું નામ પણ ના લેવાય એવું નક્કી કરત...”

“એમ ?” અભયના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. એ પેઢીના અંતરને જોઈ રહ્યો. એક એની મા હતી અને એક એની દીકરી. જિંદગીના બે ધ્રુવોની બરાબર મધ્યમાં ઊભેલો અભય જાણે પોતે જ પોતાને નહોતો ઓળખી શકતો.

“આવી રીતે જાય એટલે સમજે છે શું એના મનમાં ? ખરેખર તો આવો માણસ મને છોડી જાય એ પહેલાં મેં છોડ્યો હોત એને...” લજ્જાના અવાજમાં ગજબનો આવેશ અને ગજબનો ગુસ્સો હતો. “સ્ત્રી રમકડું નથી કે જ્યાં સુધી ગમે ત્યાં સુધી રમ્યા અને પછી છોડીને ચાલતી પકડી... બાળકો પેદા કરવા એ કોઈ બાયોલોજિકલ એક્સિડન્ટ નથી. એકાદ વાર ભૂલ થાય, ચાર ચાર સંતાનો થયાં ત્યાં સુધી શું જખ મારતો હતો એ માણસ ?”

“એ મારો બાપ છે.” અભયે કહ્યું.

“ડૉન્ટ ટેલ મી ધેટ. એ માત્ર તમારી માનો પતિ બનીને રહ્યો, એને ફાવ્યું ત્યાં સુધી... અને આ ઘરમાં મારો મત પુછાયો નથી, બાકી મારું ચાલે તો હું એને આ ઘરમાં દાખલ ન થવા દઉં... લાત મારીને...”

“બસ લજ્જા !” અભય વચ્ચે જ બોલી પડ્યો.

એક ક્ષણ પિતાની સામે જોઈ રહી લજ્જા... એની આંખોમાં સેંકડો સવાલ હતા અને દઝાડી નાખે એવો આક્રોશ !

પછી એ પીઠ ફેરવીને અંદર રૂમ તરફ જતી રહી.

અભય ત્યાં જ ઊભો રહ્યો- એકલો !

વિચારોનાં ઝાળામાં સપડાયેલો, ગૂંચવાયેલો...

શ્રેયાની ગાડીમાંથી ઉતરતી વખતે અલયે એની સામે જોયું, “ગુડ નાઈટ.” એણે કહ્યું અને એ ઉતરવા જતો હતો. શ્રેયાએ એનો જમણો હાથ પકડીને નજીક ખેંચ્યો. “એય... કંઈ ભૂલી જાય છે?”

અલયે કહ્યું, “ના. કશું નહીં.” અને ફરી ઉતરવાનો પ્રયત્ન કર્યો. શ્રેયાએ સેન્ટ્રલ લોકીંગથી ગાડી બંધ કરી દીધી. પછી અલયની સામે જોઈને સેન્શ્યુઅસ સ્મિત કર્યું. પછી કહ્યું, “તને જમાડ્યો, ગાડીમાં અહીં સુધી છોડ્યો એનો કંઈક તો બદલો મળે!”

“શ્રેયા, મારું મગજ ઠેકાણે નથી, પ્લીઝ!” અલયે કહ્યું.

“ઠેકાણે આવી જશે.” કહીને શ્રેયાએ એના માથાના પાછળના ભાગમાં હાથ નાખ્યો અને એને નજીક ખેંચ્યો. અલયના થોડાક વિરોધ પછી અલય ખેંચાઈ આવ્યો. શ્રેયાએ એના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા અને એક પ્રગાઢ ચુંબન શરૂ થયું.

અલયના હાથ આપોઆપ શ્રેયાના ગળા પર, એની પીઠ પર, એના બાવડા પર અને એનાં સ્તનો સુધી ફરવા લાગ્યા...

એ જ વખતે વૈભવીની ગાડી ‘શ્રીજી વિલા’ના ગેટ પાસે આવીને ઊભી રહી. એણે કોણ જાણે કેમ આજે જાતે ઉતરીને ગેટ ખોલ્યો અને ગાડી લઈને અંદર દાખલ થઈ...

જ્યારે જ્યારે વૈભવી કોકટેલ પાર્ટીમાંથી આવતી ત્યારે બને ત્યાં સુધી કોઈને ગેટ ખોલવા ન બોલાવતી. વસુમાને પોતાના આલ્કોહોલ પ્રત્યેના પ્રેમની જાણ ન થાય, ત્યાં સુધી સારું, એમ માનીને જ કદાચ આજે પણ એણે જાતે ગેટ ખોલી લીધો !

વૈભવીની ગાડીના આવવાથી આ ચુંબનમાં વ્યસ્ત યુગલને સ્થળ-કાળનું ભાન થયું એટલે શ્રેયા હળવેથી અલગ થઈ. “આવી ગયું મગજ ઠેકાણે?” શ્રેયાએ પૂછ્‌યું અને અલયનું નાક પકડી એનો ચહેરો હલાવ્યો. અલયે શ્રેયાના ખભા પર એનું માથું મૂક્યું, “મને ઘરે જવાનું મન જ નથી થતું.”

“ન જા.” શ્રેયાએ કહ્યું. “ચાલ મારા ઘરે.”

“જા, જા...” અલયે કહ્યું, “તારો બાપ લાકડી લઈને દોડે મારી પાછળ. અમથોય હું એને ગમતો તો નથી જ...”

“તેં તારે એને ક્યાં પરણવું છે?” શ્રેયાએ કહ્યું અને પછી હસ્કી અવાજમાં અલયની છાતીના વાળમાં માથું ઘસતાં કહ્યું, “ને મને તું બહુ ગમે છે... આઈ કાન્ટ લિવ વિધાઉટ યુ. હું તારા વિના જીવી નહીં શકું, અલય.”

“એવું લાગે! મારી મા જીવી જ ગઈને મારા બાપ વિના.” અલયના અવાજમાં ફરી એક વાર તિખાશ અને કડવાશ બેઉ ઉભરાયા અને એ દરવાજો ખોલવા લાગ્યો. આ વખતે શ્રેયાએ એને રોક્યો નહીં. સેન્ટ્રલ લોકીંગ ખોલી નાખ્યું. અલય ગાડીનો દરવાજો ખોલીને ‘ગુડ નાઈટ’ કે ‘આવજો’ પણ કહ્યા વિના પોતાના ઘર તરફ આગળ વધી ગયો.

શ્રીજી વિલાનો ગેટ ખોલીને ઘરમાં દાખલ થતાં અલયના આખા શરીરમાંથી એની બેચેની, એની તકલીફ અને પરિસ્થિતિ સાથે સમજૂતી નહીં કરવાનો એનો વિદ્રોહ પ્રગટ થતો હતો. એણે ‘ધડામ્‌’ અવાજ સાથે ગેટ બંધ કર્યો અને એવું જાણતો હતો કે શ્રેયા ગાડીમાં બેઠી છે છતાં, પાછળ જોયા વિના ઓટલાનાં પગથિયાં ચડી ગયો. શ્રેયા ઘડીભર એમ જ બેઠી રહી. પછી ગાડી ચાલુ કરીને પોતાના ઘર તરફ આગળ વધી ગઈ.

પથારીમાં પડેલાં વસુમાએ ગેટનો અવાજ સાંભળ્યો.

“એ હશે ?” મનમાં રહી રહીને એક જ વિચાર આવતો હતો!

એક વાર ઉઠવા ગયા પણ પછી આંખો મીંચીને એમ જ પડી રહ્યા. એમનું મન એમના કહ્યામાં નહોતું, એ ખરું. પણ એમણે મનને એટલું છૂટું ય નહોતું મૂક્યું કે, એમના આટલાં વરસો સુધી સંચિત માન-સ્વમાન અને ગૌરવને નેવે મૂકીને કશું પણ કરે.

વસુમાની બંધ આંખોમાંથી બે આંસુ સરીને ઓશિકાના રૂમાં ગર્ત થઈ ગયાં. એમણે આવતી કાલ સવારનો નિર્ણય ઈશ્વર પર છોડીને ઊંઘવાનો પ્રયત્ન કરવા માંડ્યો.

(ક્રમશઃ)