અણબનાવ-8
તિલકનાં ગુરૂ ગંગાગીરીએ જાતે બનાવેલી ચા પીધા પછી આકાશ,રાજુ અને વિમલને જાણે બધા દ્રશ્યો સ્થિર થયા અને પછી બધુ વિસ્મૃત થયુ.જયાંરે ધીમે ધીમે ભાન આવ્યું ત્યાંરે આકાશને આ અંધારી જગ્યામાં સાથે બીજુ પણ કોઇ છે એવો અનુભવ થયો.આકાશે ઉંચા અવાજે પુછયું “રાજુ....વિમલ..તમે કયાં છો?”
“આકાશ, આ શું થયું? આપણે કયાં છીએ?” એ વિમલનો અવાજ હતો.
“રાજુ...ઓ રાજુ.આ રાજુ કયાં છે?” આકાશે ફરી પુછયું.રાજુનો કંઇ અવાજ ન આવ્યોં.પણ એક દિશા તરફથી કંઇક અવાજ આવ્યોં.એ દરવાજો ખુલવાનો અવાજ હતો.અંદર થોડો પ્રકાશ આવ્યોં.એટલે અંદર બધુ દેખાયું.આકાશે એ દરવાજા તરફ જોયું.ત્યાં જે માનવ આકૃતિ હતી એ કદાચ તિલક જ ઉભો છે એવું એને દેખાયું.વિમલે આ આછા પ્રકાશમાં ચારે તરફ નજર ફેરવી તો એને ચારે તરફ પથ્થરો દેખાયા.જાણે કોઇએ કોતરીને આ મોટી ગુફા તૈયાર કરી હોય એવું લાગ્યું.એક ખુણામાં રાજુ પણ નીચે પડેલો દેખાયો.એ હજુ અર્ધબેભાન અવસ્થાએ પડયો હોય એવું વિમલને વર્તાયું.
“તિલકભાઇ? આ શું થયું?” આકાશે પોતાના ઢીલા પડેલા અવાજથી પુછયું.તિલક તરફથી માત્ર હસવાનો અવાજ આવ્યોં.
“ઓ તિલક...અમને છોડ અહિંથી...આ હાથ સાંકળથી કેમ બાંધી રાખ્યાં છે ડરપોક?” વિમલનો અવાજ આવ્યોં અને પછી બીજા ઘણા અભદ્ર શબ્દો ગુસ્સાથી એણે તિલકને સંભળાવ્યાં.પણ તિલક તો માત્ર હસતો જ રહ્યોં.આકાશે પોતાના હાથ પગ તપાસ્યાં અને એને નવાઇ પણ લાગી કારણકે એના હાથ-પગ તો બંધનમુકત જ હતા.આ વિમલ કેમ આવી વાત કરે છે?
તિલકે ઠંડા સ્વરે કહ્યું “સાંજનાં સાત વાગ્યા છે.બહાર અંધકાર થવાની તૈયારી છે.સંધ્યા સમયે ગુસ્સો ન કરાય...વિમલ.” પછી તિલકે હાથથી ધકકો મારી દરવાજો બહાર તરફ પુરો ખોલી નાખ્યોં.
“બે કલાક પછી તમારા માટે જમવાનું લઇને આવીશ.જો તમારામાંથી કોઇ એક પણ ભાગી જશે તો બીજા બે જણને ભુખ્યા મરવું પડશે.” એટલું બોલીને તિલક ચાલતો થયો.આ બધા અવાજોથી રાજુને પણ પોતાનું ભાન થયું.વિમલે એને બધી વાત કરી એટલે રાજુએ પણ કહ્યું “મારા તો હાથ-પગ બંને સાંકળથી બાંધેલા છે.”
“બધાને સાંકળથી બાંધીને ગયો છે સાલો.અને ઉપરથી ભાગી જવાની વાત કરે છે.કોણ ભાગી જશે?” વિમલ મોટા અવાજે બોલ્યો જાણે તિલકને સંભળાવતો હોય.તિલકે તો સાંભળ્યું નહિ પણ આકાશે આ સાંભળીને કહ્યું “વિમલ તું થોડીવાર શાંતિ રાખીશ?”
વિમલને હવે આકાશ પર પણ ગુસ્સો આવ્યોં એટલે એણે ફરી બુમ પાડી “શું શાંતિ રાખે? આપણે રાકેશને ગુમાવ્યોં, સમીરને ગુમાવીશું અને એ પહેલા તો કદાચ આપણું જ મોત આપણને આંબી જશે.” વિમલની આવી વાત સાંભળી રાજુએ પોતાના હાથપગ પછાડયાં અને છુટવાનો પ્રયત્ન કર્યોં.સાંકળોનો ખડખડ અવાજ પણ આવ્યોં.
“રાજુ અવાજ નહિ કર.મને વિચારવા દે...બધુ જોઇ લેવા દે.” આકાશે ફરી કહ્યું.
“આ લોકો આપણને બાંધીને હવે શું કરશે? કોઇ તાંત્રિક વિધી કરશે કે? જે કરે તે પણ મને લાગે છે આપણું આવી બન્યું છે હવે.મને તો મોત સામે દેખાય છે.” રાજુએ ફરી કહ્યું.આખરે આકાશ ઉભો થઇ દરવાજા પાસે ગયો.ત્યાં દુર દુર સુધી કોઇ દેખાયું નહિ.આ એક પથ્થર કોતરીને બનાવેલી લાંબી ગુફા હતી.એનું મુખ બહું પહોળું હતુ અને અંદરનો ભાગ કે જયાં પોતે છે એ સાંકડો હતો.ફરી દરવાજાની અંદર આવીને એ બોલ્યોં “મને આ લોકોએ કેમ નહિ બાંધ્યો હોય? હું ખુલ્લો જ છું.એટલે તમે શાંતિ રાખો.હું બહાર જઇને તમને ખોલવાની કંઇક વ્યવસ્થા કરું.”
“હાશ! એ લોકો ભુલી ગયા હશે.” રાજુએ કહ્યું.પણ વિમલ તરત જ બોલ્યો “શું વ્યવસ્થા કરીશ? આ લોખંડની સાંકળો કેમ તુટશે?”
“હું પથ્થર લઇને આવું.”
“હવે તો અહિં કંઇ દેખાતું પણ નથી.આ ગુફામાં કોઇ પ્રકાશ જ નથી.” વિમલ બોલ્યોં.
પણ આકાશ હળવે પગલે એક તરફની દિવાલોનાં પથ્થર પર હાથ પસારતો આગળ વધ્યો.બહાર આકાશમાં પણ હવે અંધારા છવાતા દેખાયા.ગરમીની અસર ઓછી થઇ હતી.ચારે તરફ નાના-મોટા વૃક્ષોમાં છુપાયેલા તમરા એકસાથે અવાજ કરવા લાગ્યાં.ખુબ દુર દુરથી કોઇ પ્રાણીનાં બોલવાનો સતત અવાજ આવતો હતો.કદાચ એ પ્રાણીને સિંહ અને દિપડા જેવા હિંસક પ્રાણીઓનો ડર સતાવતો હશે.એની દુરથી આવતી ભેદી ચીસો વાતાવરણને ભયાવહ બનાવતી હતી.આકાશ ગુફાનાં મુખ પાસે જ થંભી ગયો.બહાર ચંદ્રનો આછો પ્રકાશ પથરાવા લાગ્યોં હતો.કદાચ થોડી કલાકો પછી ચંદ્ર આભમાં વધુ ઉંચે ચડે તો ગુફા થોડી દ્રશ્યમાન બને એવા વિચારે આકાશ થોડીવાર ત્યાં જ ઉભો રહ્યોં.ગુફાની બહાર નીકળવા એને બે મોટા પથ્થરો પાર કરવા પડે એમ હતા.પણ નીચે જમીન પર હજુ અંધારપટ પથરાયેલો હતો.સાંકળ તોડવા માટે નાના પથ્થર ઉપાડવા એ આવા અંધારામાં જોખમકારક જ છે એટલું તો આકાશ અહિં શીખેલો હતો.પથ્થરો નીચે છુંપાયેલા સાપ અને વીંછીનાં ડંખ વહેલા મરવાનું કારણ બની શકે.એણે થોડીવાર રાહ જોવાનું નકકી કર્યું.ચંદ્રની ચાંદની કદાચ મદદ કરશે એવી આશાએ આકાશ ગુફાનાં મુખ પાસે નીચે બેઠો.વિમલ અને રાજુ અંદર કંઇક વાતો કરતા હતા એ અવાજ આકાશનાં કાનમાં આછો આછો અથડાતો હતો.બહાર સુકા પાંદડાઓ કયાંરેક પવનથી સંચાલીત થઇને આમતેમ ફેકાતા હતા.એનો ખળખળ અવાજ પણ ભયાનક બનતો હતો.થોડીવારે પવન શાંત થયો ત્યાંરે સામેથી સુકા પાંદડાઓ પર કોઇ ચાલતું હોય એવો તાલબદ્ધ અવાજ આવ્યોં.આકાશ સાવધ થયો.ગુફાની અંદર ખુલ્લા દરવાજા તરફ નજર કરી લીધી.ત્યાં હજુ કંઇ દેખાતું ન હતુ.ધીમે ધીમે એ ફરી ગુફાની અંદર તરફ ચાલવા લાગ્યોં.કારણ કે બહાર તરફ તો એ એકલો જ હતો.ગુફાની અંદર વધુ સલામતી હતી.એ હાથની મદદથી અંદર આવ્યોં.વિમલ અને રાજુને પણ અનુભવાયું કે કોઇ અંદર આવ્યું છે એટલે વિમલે પુછયું “કોણ...આકાશ?”
“હા...શાંતિ રાખો.બહારથી કોઇ આવે છે.” આકાશનાં આ ડરામણા સ્વરથી વિમલ અને રાજુનાં મનમાં પણ ડર બેઠો.એ બંને ચુપ થઇ ગયા.પણ સતત ભયજનક પરિસ્થિતી વચ્ચે કોઇ આવ્યું નહિં.બહાર બધુ શાંત હતું.આકાશે ફરી દરવાજા બહાર નજર કરી તો ચંદ્રનો આછો પ્રકાશ ગુફાની બહાર ફેલાયેલો દેખાતો હતો.આકાશે હિંમત કરીને બહાર જવા માટે પગ ઉપાડયા.હવે ગુફાની અંદર પણ એટલો પ્રકાશ હતો કે એને હાથની મદદ લેવી ન પડી.હવે તો કોઇ પથ્થર લઇ વિમલ અને રાજુની સાંકળ તોડવાનો પ્રયત્ન કરું એવા વિચારે એ ગુફાની બહાર નીકળ્યોં.પણ કંઇક ઘુરરાટીએ એને રોકયો.એ શું અવાજ હતો? એ સમજવા એણે ચારેતરફ નજર કરી.ત્યાં જ એનાથી લગભગ વીસેક ફુટ દુર મોટા પથ્થર પર કોઇ બેઠું હોય એવું હલનચલન એને વર્તાયું.એણે ધારીને એ તરફ જોયું તો એના તન-મનમાં ભયથી એક કંપારી છુટી ગઇ.એ પથ્થર પર બે સિંહ આકાશ તરફ જોઇને જ બેઠા હતા.અને એનું વિશાળ ગુફા જેવું મુખ ખુલ્લુ હતુ.એમાં અંદર ચમકતા સફેદ દાંત પણ આકાશે જોયા.એણે તરત જ ગુફામાં દોટ મુકી.અંદર આવીને એણે ગુફાનો પેલો લાકડાનો દરવાજો પણ બંધ કરી દીધો.ગુફામાં ભયંકર અંધકાર છવાયો.
“શું થયું આકાશ?” રાજુએ પુછયું.
“બહાર....બહાર બે સિંહ બેઠા છે.” આકાશે ધ્રુજતા અવાજે કહ્યું.
“ઓહ! હવે?” બંને એકસાથે બોલ્યાં ત્યાંરે એમના બંનેનાં મનમાં ભયનાં વિચારો સળસળાટ દોડી ગયા.
“હવે શું?...હું બહાર કેમ જઇ શકું? એ સિંહે એક અવાજ કરીને મને ચેતવણી પણ આપી.હવે બહાર જવું એટલે જીવનું જોખમ.” આકાશે પોતાની હકીકત જણાવી.
વિમલ,રાજુ અને આકાશ હવે આ અંધારી ગુફાની બહાર નીકળી શકે એમ ન હતા.હવે તો એ ત્રણેયને કંઇ વિચાર પણ આવતો ન હતો.એટલે જ આ અંધારી ગુફામાં શાંતિ છવાઇ.લગભગ દસ-પંદર મીનીટ આમ જ સન્નાટામાં વીતી ગઇ.પરિસ્થિતીનો બહું ઝડપથી સ્વીકાર થયો હોય એવું વિમલનાં મનને લાગ્યું.એટલે એ બોલી પડયો “આકાશ, હવે કદાચ એ સિંહ જતા રહ્યાં લાગે છે.”
રાજુએ પણ થોડા સ્વસ્થ થતા કહ્યું “હા આકાશ, કદાચ એ સિંહનો હેતુ ફકત આપણને ડરાવવાનો જ હતો.”
આકાશે દરવાજો સહેજ ખોલ્યોં.પછી ધીમેથી આખો દરવાજો ખોલી નાખ્યો.ગુફાની અંદર ચંદ્રનો પ્રકાશ પ્રવેશ્યો.હવે બધા એકબીજાને જોઇ શકતા હતા.બહાર બધુ શાંત હતુ.પણ આટલે દુરથી એ પથ્થર પર બેસેલા સિંહને જોઇ શકાતા નહોતા.એના માટે આકાશે થોડું બહાર નીકળવું પડે.જે માટેની હિંમત એકઠી કરતા એને વાર લાગી.એટલે રાજુએ કહ્યું “જો આકાશ, તને બાંધેલો નથી એટલે તારે જ કંઇક કરવું પડશે.”
વિમલ પણ બોલ્યોં “હા આકાશ, હવે ફરી પ્રયત્ન કર.જે કંઇ કરવું હોય એ જલ્દી કર.”
આકાશ ફરી બહાર ગયો.અંદર હવે રાજુ અને વિમલ એકબીજા તરફ જોઇ રહ્યાં.વિમલે રાજુને ધીમા અવાજે પુછયું “આકાશને આ લોકોએ કેમ બાંધ્યો નહિ હોય?”
રાજુએ વિમલ તરફથી પોતાનો ચહેરો ફેરવી લઇને કહ્યું “મને શું ખબર?”
“મને તો આમાં કંઇ સમજાતું નથી, રાજુ.” વિમલે ફરી કહ્યું.
“તારા હાથ જ બાંધ્યા છે કે હાથ-પગ બંને?” રાજુએ પોતાના હાથ અને પગ બંનેને આંચકો આપી, સાંકળને ખખડાવીને પુછયું.
“મારા તો ફકત હાથ જ બાંધેલા છે.” વિમલે પોતાના બંને પગ થોડા ઉંચા કરતા કહ્યું.
“તો આવું કેમ?” રાજુએ પુછયું.
“આકાશને ખુલ્લો રાખી બહાર સિંહોનો પહેરો રાખ્યો છે.આ જબરી ચાલ છે.હવે તો આકાશ ઝડપથી કંઇક વ્યવસ્થા કરે તો સારું.” વિમલે આખરે કહ્યું.ફરી બંને મૌન થયા.
આ તરફ આકાશ ગુફાનાં પહોળા મુખ પાસે ઉભો રહ્યોં.પેલા બંને સિંહ હજુ ત્યાં જ બેઠા હતા.આકાશ એમને જોઇને શાંતિથી નીચે બેસી ગયો.એણે એકીટસે એ સિંહોનાં હલન-ચલન પર જોયા કર્યું.બંને સિંહો એકદમ સ્થિર હતા.એમના માથા પણ નીચે જમીન સાથે લાગેલા દેખાયા.હવે કદાચ એ ઊંઘી ગયા હશે એવા વિચારે આકાશ ફકત નજરથી આજુબાજુ કંઇક શોધવા લાગ્યોં.હવે એને ચંદ્રનાં પ્રકાશમાં બધુ ચોખ્ખુ દેખાતુ હતુ.એણે હજુ ગુફાની બહાર નીકળવાની હિંમત ન કરી.પણ સામે બેઠેલા સિંહોની ડાબી તરફ દુર એક પથ્થર પર નજર ચોંટી.એ અણીદાર પથ્થર કદાચ એકાદ સાંકળ તો તોડી જ શકશે એવું એને લાગ્યું.પણ આ ખુંખાર સિંહોની હાજરીમાં ત્યાં સુધી પહોચવું મુશ્કેલ હતુ.છતા એણે હિંમત કરી.એ ઉભો થયો, પોતાના બુટ ઉતાર્યાં.અને નજર સતત સિંહ તરફ રાખીને એક એક પગલુ ખુબ જ ધીમેથી ભરવા લાગ્યોં.એ જેવો ગુફાની બહાર નીકળ્યો કે તરત જ એક સિંહ ઉભો થઇ ગયો.એણે આકાશ તરફ સીધી એક છલાંગ મારી.આકાશનાં પગ તો જડ બની ગયા.ભયથી કંપતો આકાશ કશું જ કરી ન શકયો.એ ફકત હવે જાણે મોતની રાહ જોતો હોય એમ ઉભો રહી ગયો.સિંહ એનાથી ફકત ત્રણ-ચાર ફુટ દુર આવીને ઉભો રહી ગયો.એણે એક ત્રાડ નાંખી.આકાશથી અનાયાસે બે ડગલા પાછળ ખસી જવાયું.એને ઠેસ લાગી અને એ નીચે પડી ગયો.બસ હવે તો સિંહનો એક પંજો અને મારો ખેલ ખતમ એવા વિચારે એનું હૃદય જોરથી ધબકવા લાગ્યું.પણ એણે જોયું તો સિંહ પાછો વળી ગયો.અને એ જ પથ્થર પર બેસી ગયો જ્યાં એ પહેલા બેસેલો હતો.આકાશનો ડર હજુ એના શરીરને ધ્રુજાવતો હતો.ઉભા થવાની હવે એની હિંમત રહી ન હતી.એનું મગજ જાણે શુન્ય થઇ ગયું.કેટલી ક્ષણો વિતી એનો હિસાબ પણ એની પાસે ન હતો.ત્યાં તો એની નજર દુરથી આવી રહેલા એક પ્રકાશ પર પડી.એ કોઇ મસાલનો પ્રકાશ હતો, જેના પ્રકાશમાં બે માનવ આકૃતિઓ પણ આકાશને દેખાઇ આવી.
ક્રમશઃ
--ભરત મારૂ