Anbanav - 5 in Gujarati Short Stories by bharat maru books and stories PDF | અણબનાવ - 5

Featured Books
Categories
Share

અણબનાવ - 5

અણબનાવ-5
રાજુનાં ઓળખીતા ઓમકાર મહારાજે ત્રણેયને લાલઢોરીમાં આવેલી એક ધર્મશાળામાં મોકલ્યાં.ત્યાં રસોઇયા તિલકને મળ્યાં.પણ તિલકનું અકળ વર્તન બધાને અકળાવતું હતુ.વળી તિલકે અમુક વાતો એવી કરી કે એના પર ભરોસો રાખી આગળ વધવું પડે એમ હતુ.રાજુ,વિમલ અને આકાશને ખબર પણ ન પડી કે તિલકે બધી વાત પોતાની તરફેણમાં રાખી.કોઇને જાણ કર્યાં વિના અને મોબાઇલ પણ મુકીને બધા જંગલ તરફ ચાલતા થઇ ગયા હતા.
તિલક આગળ ચાલતો હતો અને પાછળ આકાશ,રાજુ અને છેલ્લે વિમલ ચાલતો હતો.સુકાયેલા પાંદડા પર બધાનાં પગ વડે ખડ ખડ અવાજ નીકળતો હતો.તિલકનાં પગલે ખુબ ઓછો અવાજ આવતો હતો કારણ કે એ ખુલ્લા પગે હતો.દસેક મીનીટ ચાલ્યાં પછી મોટા વૃક્ષો અચાનક પાછળ રહી ગયા અને સુકા ઘાસનો નાનીમોટી ટેકરીનો વિસ્તાર ચાલુ થયો.ઘાસ પણ લગભગ કમરની ઉપર સુધીનું હતુ.પછી ચારે તરફ મોટી પહાડીઓ દેખાઇ.જેમાં એક તરફ ગીરનારની મુખ્ય અંબાજી મંદિરની ટુંક પણ દુર દેખાતી હતી.ઘાસમાં વચ્ચે એક મોટી ચાર ફુટ ઉંચી પથ્થરની શીલા આવી.તિલક એના ઉપર ચડયો અને ત્રણેયને નીચે જ ઉભા રહેવા કહ્યું.એ ચારે તરફ કંઇક શોધતો હોય એમ નજર ફેરવતો હતો.
“શું થયુ તિલકભાઇ?” આકાશે પુછયું.તિલકે જમણા હાથની આંગળી પોતાના નાક પર મુકી ચુપ રહેવા ઇશારો કર્યોં.એક તો ગીરનારનું જંગલ, લગભગ અજાણ્યોં વિસ્તાર અને ઉપરથી આ અજાણ્યોં પણ અજીબ માણસ સાથે...ત્રણેયનાં મન ચકડોળે ચડયા કે ‘આ શું શોધતો હશે? આ તિલકને પણ રસ્તો નથી મળતો કે શું?’ વિમલ તો ફકત એની આગળ ઉભેલા રાજુને જ સંભળાય એમ બબડયો ‘યાર રાજુ, ચાલો પાછા વળીએ.આને પણ રસ્તો મળતો નથી તો આપણને શું લઇ જશે.’ આકાશે પણ આ અવાજ સાંભળી પાછળ જોયું અને ફરી આગળ તરફ ચહેરો કર્યોં તો તિલક એની સામે આવીને ઉભો રહી ગયો હતો.આકાશ ભયથી કંપી ગયો.તિલક શુષ્ક હસ્યો અને પછી ધીમેથી કહ્યું
“હમણા આ મેદાનમાં એક દિપડી વ્યાણી છે.એના બચ્ચા નાના છે એટલે એનું ધ્યાન રાખવું પડે.અમારી ધર્મશાળામાં એક બાવાને હમણા અઠવાડીયા પહેલા જ વીંખી નાખ્યો હતો.જુનાગઢ સીવીલ હોસ્પીટલમાં છે અત્યાંરે.” આ સાંભળીને છુટા છુટા ઉભેલા ત્રણેય એકબીજાની એકદમ નજીક આવી ગયા.વિમલને યાદ આવ્યું કે એકવાર આકાશે ગીરનારનાં દિપડા વિશે વાત કરી હતી.આકાશે કહ્યું હતુ કે ‘છેલ્લા દસ વર્ષમાં ગીરનારમાં દિપડાની સંખ્યા ખુબ વધી છે.જંગલમાં અંદર ખોરાક ઓછો મળતો હોવાથી હવે ઘણાં દિપડા આદમખોર થયા છે.ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ પણ એવા માણસખાઉં દિપડાને પકડીને પાંજરે પુરે છે.’ પણ આપણો કોળીયો કરી જાય પછી પાંજરે પુરાય તોય શું?
“વિમલ તને યાદ છે?આકાશે એકવાર આપણને દિપડા વિશે વાત કરી હતી.” રાજુએ જાણે વિમલનાં મનની વાત જાણી લેતા કહ્યું.
“હા ભાઇ,ખબર છે હવે.તું એની વધારે ચર્ચા ન કર.” વિમલને પોતાના ડર પર જ ગુસ્સો આવ્યોં.તિલક તો આ સાંભળી ફરી હસ્યો.પછી ડાબી તરફ ચાલતો થયો અને બોલ્યોં “મારી પાછળ આવો, કદાચ એ દિપડીએ જગ્યા બદલી નાંખી છે.” આ કદાચ શબ્દનો કેટલો વિશ્વાસ કરવો એ ત્રણેયની સમજણ બહાર હતુ.એટલે તિલકની પાછળ ચાલતા થયા.થોડા આગળ જતા ઘાસ ગોઠણ સુધી નાનુ થતું ગયુ.અને આખરે એક કેડી આવી.બધા એના પર ચાલતા થયા.વિમલ અને રાજુ હવે તિલકની પાછળ અને આકાશની આગળ સાથે સાથે ચાલતા હતા.અને સતત ચારે તરફ આંખો અને કાન માંડીને ચાલ્યે જતા હતા.આકાશે રસ્તામાં પડેલી એક સુકી ડાળની લાકડી બનાવી.એ ડાળ તુટવાનો અવાજ આવ્યોં એટલે તિલકે તરત જ આકાશ તરફ જોયું.
“આ સામે દેખાઇ એ છિપ્પર છેને?” આકાશે તિલકનું ધ્યાન દોરવા પુછયું.
“હા આપણે એ છિપ્પરની નીચેનાં ભાગમાં જવાનું છે.” તિલક બોલીને ફરી ચાલતો થયો.છિપ્પર એટલે એક મોટી ટેકરી પર પથ્થરની મોટી ઢોળાવવાળી સપાટી.આખી ટેકરી પર ઘાસ અને ઝાડ વચ્ચે દેખાતી મોટી અને લાંબી પથ્થરની શીલા ધ્યાન ખેંચતી હતી.થોડીવાર એ તરફ જોવામાં તિલક અને આકાશ આગળ નીકળી ગયા એટલે વિમલ અને રાજુએ ઝડપી પગલે ચાલવા માંડયું.હજુ પણ આજુબાજુ ચારે તરફ જોઇ લેતા ત્રણે મિત્રોનાં મનમાં પેલી દિપડીનો ભય સાબુત હતો.હવે ચાલતા ચાલતા વિમલને થાક લાગતો હતો.એ હાંફતો હતો.એનું સ્થુળ શરીર આટલું કયાંરેય ચાલ્યું નહિ હોય.રાજુને પણ હવે એક તરફનાં ગોઠણમાં હળવો દુઃખાવો થતો હતો.આકાશ ચાલવામાં તિલકથી તો ધીમો હતો પણ એને હજુ થાક વર્તાતો નહોતો.આખરે વિમલે હાંફતા હાંફતા બુમ પાડી “અરે તિલકભાઇ....થોડીવાર આરામ કરી લઇએ તો?” વિમલનાં અવાજમાં થોડી ધ્રુજારી પણ હતી.તિલકે આ સાંભળ્યું,એણે પાછળ જોયું છતા પણ એ ચાલતો રહ્યોં.આખરે રાજુએ પણ પોતાનો જમણો ગોઠણ પકડીને બુમ પાડી “તિલકભાઇ, થોડી વાર ઉભા રહો.” તિલક હવે ઉભો રહ્યોં.બપોરનો બે વાગ્યાનો તડકો હવે તીરની જેમ લાગતો હતો.તિલક ઉભો રહ્યોં એટલે ત્રણેય એના સુધી પહોચ્યાં.
“તિલકભાઇ...ઉતાવળમાં પાણીની બોટલ પણ સાથે ન લીધી.તરસ લાગી છે.” વિમલ મોઢાથી સ્વાસ લેતો લેતો બોલ્યોં.રાજુ થોડે દુર એક પથ્થર પર બેસી ગયો.આકાશ એક ખાખરાનાં ઝાડનાં થડનો ટેકો લઇ ઉભો રહ્યોં.
“આપણે ચાલ્યા એટલું ચાલીશું એટલે મારા ગુરુની જગ્યા આવી જશે.ત્યાં પાણી મળશે.બાકી આ કાળા ઉનાળામાં અને આ પથ્થરોમાં પાણી કયાંથી?” તિલકે કહ્યું.
“ઓહો! એટલે હજુ કલાક ચાલવું પડશે? મારો ગોઠણ બહું દુઃખે છે એટલે થોડું ધીમે ચલાશે.” રાજુ બોલીને આકાશ તરફ જુએ છે.પણ આકાશને હજુ કંઇ તકલીફ વર્તાતી નથી.એટલે રાજુ ફરી તિલક તરફ મીટ માંડે છે.ત્યાં તો તરસ્યા થયેલા વિમલે કહ્યું “ના તિલકભાઇ...હવે પાણી વગર કલાક નહિ ચાલી શકાય.”
“હવે ચાલવાનું નથી.” તિલક એટલું બોલી બધા સામે જોવા લાગ્યોં.અને જોરથી હસીને ફરી બોલ્યોં “ચડવાનું છે...આ સામે દેખાય છે એ ટેકરી ચડવાની.” તિલકે ડાબા હાથે આગળની ટેકરી બતાવી.
આકાશે કહ્યું “તિલકભાઇ, પાણી માટે કંઇક કરવું પડશે.આટલામાં કોઇ કુવો પણ નથી?”
“હા...સારુ યાદ કરાવ્યું તે.એક જુનો કુવો છે.જંગલખાતા વાળા ત્યાંથી પાણી ભરી જતા હોય છે.ત્યાં બાજુમાં એક ટાંકો પણ બનેલો છે.પણ....”
તિલકની વાતમાં વળી આ ‘પણ’નું રહસ્ય આવ્યું.પણ આ વખતે કોઇએ સામે સવાલ ન કર્યોં.પાણી પીવું જરૂરી હતુ.હવે ત્યાં જે પણ હોય તે..એવું વિચારી વિમલે કહ્યું “ચાલો...એ કુવા પર જઇએ.”
“પણ શું?” આકાશે તિલકને પુછી લીધુ.
“પણ એ કુવા માટે ઘણો ઢોળાવ ઉતરવો પડશે.અને ત્યાંથી પાછા આવવામાં ચઢાણ ચડવું પડશે.” ગીરનારનો કાળો પથ્થર ઉનાળામાં જયાંરે તપે છે ત્યાંરે જુનાગઢ શહેર સુધી એની ગરમ હવાઓ ત્રસ્ત કરે છે.આવી ગરમીમાં આટલું ચાલ્યા પછી તરસ લાગે તો પાણી માટે ગમે તે કરવા કોઇ પણ સજીવ તૈયાર થઇ જાય.વિમલ અને રાજુએ એ કુવા તરફ જવા માટે પોતાની પુરી તૈયારી બતાવી.પણ તિલકે ફરી ચેતવ્યાં કે તમારો ખાસ્સો સમય પાણી પાછળ ખરાબ થશે.આકાશે પણ વિમલ અને રાજુને સમજાવાની કોશીષ કરી કે પાણી માટે આપણો સમય બગડશે.આખરે વિમલે આકાશને કહ્યું “યાર આકાશ, ખબર નહિ કેમ પણ મને આજે ખુબ તરસ લાગી છે.પાણી વગર હવે મને ચકકર આવે છે.પાણી પીધા પછી ગમે તેટલું ચાલવું પડશે તો ચાલી લઇશ.”
“તો ચાલો મારી પાછળ, કુવા તરફ જઇએ.” એમ કહી તિલક જમણી તરફ ચાલવા માંડયો.વિમલ એની પાછળ ચાલ્યો.રાજુ અને આકાશ પણ એ તરફ ચાલતા થયા.થોડું ચાલ્યાં એટલે ઢાળ આવ્યો.એના પર બધા ઉતરતા ગયા.પથ્થરો અને મોટા વૃક્ષો નીચે ઉતરવામાં બાધા બનતા હતા.આગળ વધતા નીચે એક આછા વૃક્ષોવાળો વિસ્તાર આવ્યોં ત્યાંથી નીચે જોઇ શકાયુ.એ ચારે તરફ ટેકરીઓ અને વચ્ચે ખીણ જેવો વિસ્તાર હતો.પણ બીજા વિસ્તાર કરતા ત્યાં નીચે રહેલા વૃક્ષો તાજા અને લીલા દેખાતા હતા.વૃક્ષોની લીલોતરી ત્યાં પાણીની હાજરી દર્શાવતી હતી.પણ કુવો કયાંય દેખાતો ન હતો.કદાચ એ વૃક્ષોની પાછળ હશે.આખરે એ લીલાછમ અને ઘટાદાર વૃક્ષો આવ્યાં.અહિં બધા ફળોવાળા વૃક્ષો હતા.કોઇ આંબા,કોઇ આંબળા,કોઇ ઉંબરા તો કોઇ રાયણનાં ઝાડ દેખાતા હતા.એટલે જ અહિં અલગ અલગ પક્ષીઓનો કલરવ વધારે હતો.થોડું ચાલ્યાં એટલે મોરનો ટેહું...ટેહું...અવાજ સતત વધતો ગયો.એ સાંભળી તિલક ઉભો રહી ગયો.વૃક્ષો એટલા ગાઢ હતા કે સો ડગલા આગળ શું છે એ પણ જોઇ શકાય એમ નહોતું.જયાંરે તિલક પાસે ત્રણેય મિત્રો આવીને ઉભા રહી ગયા ત્યાંરે એણે ફરી હાથથી ઇશારો કરી વાતચીત ન કરવા કહ્યું.અને પછી પોતે બહું ધીમેથી બોલ્યોં “આ મોરલા ખુબ બોલે છે.આગળ કંઇક ખતરો છે.એ આપણને ચેતવે છે.આગળ પેલું વડનું ઝાડ દેખાય છે ત્યાંથી દસેક ફુટ નીચે પેલો કુવો છે.તમે અહિં જ ઉભાર રહો હું જોઇને આવું કે શું છે?”
“પણ તિલકભાઇ....” આકાશ એટલું જ બોલ્યો કારણ કે ત્યાં તો તિલક સાંભળ્યાં વિના આગળ નીકળી ગયો.શું હશે? તિલકની વાતથી આ ત્રણેયને ફરી વાતાવરણ ગંભીર લાગ્યું.રાજુ તો નીચે બેસી ગયો.વિમલ અને આકાશ એકબીજાની સાવ નજીક ઉભા હતા.વિમલે ધીમા અવાજે આકાશને કહ્યું “યાર, મને આ માણસ બરાબર નથી લાગતો.તને પાછા જવાનો રસ્તો યાદ છે?”
“હા વિમલ, આ તિલક થોડો વિચીત્ર તો લાગે જ છે.પાછા જવાનો રસ્તો તો શોધી લઇશું.ગીરનાર તરફ જોઇને કદાચ અંદાજ લગાવી શકું કે ગેબીગુંજ ધર્મશાળા કંઇ દિશામાં છે?”
આકાશની વાતથી થોડો સ્વસ્થ થઇ વિમલ રાજુ પાસે ગયો અને એને ધીમેથી કહ્યું “રાજુ, હું તો કહું છું ચાલો પાછા વળી જઇએ.આ તિલક અંદર ગયો છે તો નીકળી જઇએ.” રાજુ તો મૌન જ રહ્યોં.એણે વિચારવા માટે સમય લીધો.પછી બોલ્યોં “પણ પાછા જતા રહેશું તો આપણને કંઇ જાણવા નહિ મળે.આ તિલક ભલે થોડો વિચીત્ર લાગે પણ એ બધુ જાણતો હોય એવું લાગે છે.આવી બધી બાબતોમાં થોડો ભરોસો અને ધીરજ રાખવા જ પડે.”
લીલાછમ વૃક્ષો નીચે છાંયડો અને ઠંડક હતી.અહિં કોઇપણને આરામ કરવાની ઇચ્છા થઇ આવે એવી જગ્યા હતી.એટલે જ કદાચ ગોઢણનાં દુઃખાવાથી કંટાળી આરામ કરવાનું રાજુને મન થઇ આવ્યું.અને હવે અહિંથી ઉભા થવાની એની ઇચ્છા ન થઇ.વિમલને એક તરફ પાણીની સખત તરસ હતી અને એક તરફ અહિંથી ભાગી જવાની ઇચ્છા.એ બંને વચ્ચે અટવાતો હતો.આકાશને વધુ જાણવાની ઇચ્છા તો હતી પણ તિલકનો થોડો ડર પણ હતો.એટલે જ આકાશ કોઇ પાકકા નિર્ણય પર સ્થિર નહોતો.આ બધી વાતોમાં થોડી મીનીટો પસાર થઇ.ત્યાં તો કોઇક પગરવ સંભળાયા.તિલક આવતો દેખાયો.એના હાથમાં એક લાકડી હતી.એકદમ નજીક આવી એ હસ્યો અને બોલ્યોં “તરસ કેવીક લાગી છે?”
રાજુએ આ બરાબર સાંભળયું નહિ.આકાશ ફકત મંદ મંદ હસ્યો.પણ વિમલે તરત જ કહ્યું “તરસ તો બહું જ લાગી છે....તિલકભાઇ.”
“પણ થોડી રાહ જોવી પડશે.જો તમને એવું લાગતું હોય કે તમારો સમય વધારે બગડે છે તો આપણે મારા ગુરુનાં ઠેકાણા તરફ ચાલતા થઇએ.” તિલકે જમીન પર લાકડી પછાડીને કહ્યું.
“કેમ?કુવો કેટલો દુર છે?એમાં પાણી તો છેને?” વિમલે પુછયું.
“મારી પાછળ ચાલો.શાંત રહેજો અને હું કહું એ પ્રમાણે જ કરજો.” એમ કહી તિલક થોડી વિપરીત દિશામાં આગળ વધ્યો.એની ગતિ ધીમી હતી.અને નજર સતત ચારે તરફ ફરી રહી હતી.ઘણાં વૃક્ષો પાર કર્યાં પછી અચાનક એણે કંઇ બોલ્યાં વિના ફકત સીધી દિશા તરફ આંગળી ચીંધી કશુંક બતાવ્યું.પહેલા આકાશે અને પછી વિમલ અને રાજુએ એ તરફ જોયું.પહેલા તો થોડે દુર આ વૃક્ષો વચ્ચે નાનુ અમથુ એક ખુલ્લુ મેદાન દેખાયું.એમાં કાળા પથ્થરોથી ગોળાકાર કુવો દેખાયો.એ કુવા ઉપર એક લાંબી લાકડી જોઇ અને એના પર કેસરી ધજા હતી.પણ પવન બીલકુલ શાંત હોવાથી ધજાનું હલનચલન બંધ હતુ.પણ છતા ત્યાં કંઇક હલનચલન થઇ રહ્યું હોય એવો ભાસ આ મિત્રોની છ એ આંખોને થયો.અને થોડું ધારીને જોયું તો બધાની આંખો પહોળી થઇ ગઇ....
ક્રમશઃ
--ભરત મારૂ