અણબનાવ-10
ગુફામાં આવેલા સેવકરામ નામનાં તાંત્રિકે આ ત્રણે મિત્રો સામે એક ઘટસ્ફોટ કર્યોં કે તમારામાંથી જ કોઇ એક મિત્રની ઇચ્છાથી મે આ તાંત્રિક-મારણવિદ્યા નો ઉપયોગ કર્યોં છે.વિમલને એક જ સવાલ સતાવતો હતો કે આકાશને આ બાવાઓએ કેમ બાંધી ન રાખ્યો? પણ આકાશ તો હવે ભોજન કરીને બેઠો હતો.વિમલ અને રાજુની તો આ વાતાવરણમાં ભુખ પણ મરી ગઇ હતી.કદાચ રોટલી અને દાળમાં પણ પેલી ચાની જેમ કંઇક ભેળસેળ હશે એવી શંકા બધાનાં મનમાં હતી.વિમલ અને રાજુ તો રાહ જોઇને જ બેઠા હતા કે આકાશને એની કંઇક અસર થશે જ.આખા દિવસનો થાક અને ભોજનપુર્તિથી આકાશની આંખો ઘેરાવા લાગી.એણે ગુફાની જમીન પર લંબાવ્યું.થોડી વારમાં તો એના નસકોરા બોલવા લાગ્યાં.એટલે વિમલે રાજુને કહ્યું
“જોયું... આ ટીફીનમાં ઉંઘની દવા ભેળવેલી હતી.”
“તો એનો મતલબ કે આ આકાશ પર શંકા કરવા જેવું કંઇ નથી.” રાજુએ કહ્યું.
“એટલે તું મારી ઉપર શંકા નથી કરતો ને? મારે કયાં કોઇ સાથે દુશ્મની છે?હા હું સ્કુલનાં કલાસમાં મોનિટર હતો...હોશીયાર હતો એટલે કોઇને મારા તરફ ઇર્ષા હોઇ શકે...”
“ના...હું તારા પર શંકા નથી કરતો.હું તો ફકત આકાશનો બચાવ કરું છું.” રાજુએ હળવેથી કહ્યું.
વિમલે ઉંચા અવાજે કહ્યું “આકાશનો બચાવ ન કર.આકાશ તો ઓલરેડી છુટો જ છે.એ હજુ ભાગી કેમ ન ગયો એ નથી સમજાતું?”
આકાશ ઉપર શંકાની સોય મંડાઇ ત્યાંરે એ તો ઘસઘસાટ ઉંઘતો હતો.રાત પણ અડધે પહોંચી ગઇ હતી.વિમલને આકાશ પર શંકા હતી.અને રાજુ તો હજુ ફકત આકાશનો બચાવ કરી રહ્યોં હતો.પણ અચાનક રાજુને કંઇક યાદ આવતા એણે પહેલા સળગતી અને ભભકતી મશાલ તરફ જોયું.મશાલનો પ્રકાશ હવે ઝાંખો પડતો દેખાયો.એને આવનારા અંધારાનો ભય લાગ્યોં એટલે એણે બુમ પાડી
“આકાશ....ઓ આકાશ.”
રાજુ અને વિમલની પહોંચથી તો આકાશ દુર સુતો હતો.એને અવાજથી જ જગાડવો પડે એમ હતો.વિમલે પણ કંઇ સમજયા વિના આકાશનાં નામની બુમ પાડી.પછી વિમલે પોતાના પગ પાસે પડેલી અડધી ભરેલી પાણીની બોટલને આકાશ તરફ લાત મારી.આકાશને બરાબર કાન પાસે એ બોટલ અથડાઇ.એ જાગી ગયો અને બેઠો થયો.એટલે રાજુએ તરત જ કહ્યું
“આકાશ, આ બીજી મશાલ સળગાવવી પડશે.જો પહેલી પુરી થવા આવી.”
આકાશે એ પ્રમાણે કર્યું.એટલે વિમલે ફરી હુકમ કરતા કહ્યું
“આકાશ, આ અમારી સાંકળ ખોલવાનું તો કંઇક કર.”
એક તો ઉંઘમાથી ઉઠેલો અને વિમલનો આ હુકમભર્યો અવાજ બંનેને લીધે આકાશે કહ્યું
“બહાર કોઇ એવી વસ્તુ નથી કે જેનાથી હું તમારી સાંકળ તોડી શકું.”
“રાજુ...જો.આપણી મદદ કરવા આકાશની દાનત જ નથી.પેલા બાવા સાથે આ જ મળેલો છે.” વિમલે કહ્યું.
“વિમલ હવે બસ.તું મારી ઉપર શંકા કરીને પોતાની જાત બચાવી લેવા માંગે છે.મને તો હવે વિચાર આવે છે કે જીંદગીમાં કયાંરેક થઇ ગયેલી નાની ભુલ પછી મોટું વિકરાળ રૂપ લઇને સામે આવે છે.” આકાશ બોલ્યોં.
રાજુએ તરત જ પુછયું “એટલે?”
“રાજુ તને યાદ છે? દસમા ધોરણમાં વિમલને પેલી નખરાળી શીતલ બહું જ પસંદ હતી.” આકાશે ઇતીહાસ ખોલ્યોં.
“અરે ડફોળ એ તો માત્ર મજાક હતી.” રાજુએ આકાશને કહ્યું.
“ના...એ શીતલ સાથે મારો સંસાર મંડાયો એટલે વિમલથી સહન નથી થયું.આજે આટલા વર્ષે એ બદલો લેવા માંગે છે.” આકાશે વિમલ તરફ જોઇને કહ્યું.વિમલે પોતાનો એક ખુલ્લો પગ જમીન પર પછાડયોં.
“સટ-અપ આકાશ.તું કેવી વાહીયાત વાત કરે છે? એ જુની વાત તો હું કયાંરનો ભુલી ગયો છું.તે મને યાદ કરાવી.મારા મનમાં કોઇ પાપ હોય તો આજ સુધી હું તારી ઘરે કેમ નથી આવ્યોં? અને જો મે જ આ બાવાનો સંપર્ક કર્યો હોય તો હું કેમ બંધાયેલો છું?”
“બંધાયેલો તો આ રાજુ પણ છે.એટલે શું મારે રાજુને પણ નિર્દોષ સમજવાનો?” આકાશે રાજુને પણ વચ્ચે લીધો.
રાજુ સમસમીને બોલ્યોં “જો આકાશ, હું અત્યાર સુધી તારો બચાવ કરતો હતો.હવે તો મને તારા પર જ શંકા જાય છે.તું કાયમ એવું ઇચ્છતો કે અમે જુનાગઢ શહેર છોડીને ન જઇએ.કદાચ અમારા બધાની આર્થીક પ્રગતી તારાથી સહન નથી થઇ.”
વિમલ પણ તરત જ બોલ્યોં “હા રાજુ, તારી વાત સાચી છે.આ આકાશ આપણા ચારે મિત્રોની પ્રગતીથી કાયમ દુઃખી જ રહેતો.આકાશે જ આપણને અહિં ફસાવી દીધા છે.”
“હા મને તમારી ઇર્ષા થયા કરે છે.પણ મુરખ લોકો....માત્ર એટલી વાતમાં હું આવો વિચીત્ર ખેલ ન પાડું.કંઇક તો સમજો?” થોડી વાર વિચારીને ફરી આકાશ બોલ્યોં
“વિમલ તને આ રાજુની એક વાત ખબર છે? તું એની વાત જાણે તો તને પણ થશે કે આ રાજુ દેખાય એટલો શાંત કે સીધો નથી.”
“શું વળી?” વિમલે પુછયું.
“આ રાજુને એના ભાગીદાર અને આપણા મિત્ર રાકેશ સાથે ધંધાની બાબતમાં થોડો મતભેદ હતો.” આકાશે કહ્યું.આ ઘટસ્ફોટ સાંભળીને રાજુને તરત જ જવાબ આપવો પડે એમ હતો.એટલે એ બોલ્યોં
“મારે રાકેશ સાથે ઘણાં વર્ષથી ભાગીદારી છે.અમારા બંને વચ્ચે કોઇ તકરાર નથી.આ આકાશ ખોટું કહે છે.”
વિમલે આકાશ તરફ જોઇને પુછયું
“તને એ લોકોની ભાગીદારીની વાત કેમ ખબર?”
“મને સમીરે એક વાર આ વાત કરેલી.સમીરને કદાચ રાકેશે કહ્યું હશે.એ બીચારો તો જતો રહ્યોં.અને સમીરનું પણ કંઇ ઠેકાણું નથી.હવે તો રાજુ કબુલ કરે તો જ થાય.” આકાશે કહ્યું.
“હું શું કબુલ કરું? ખોટી વાત હોય તો પણ મારે માની લેવી? બાકી આકાશ તારી સાથે સૌથી વધુ ખરાબ વર્તન તો સમીર નું હોય છે.તું વર્ષોથી અહિં જુનાગઢમાં રહે છે.તું તો ઘણી વાર ગીરનારમાં આવતો હોય છે.એટલે જો આ સેવકરામની વાત સાચી હોય તો તું જ અમારો દુશ્મન હોઇ શકે.”
રાજુની આવી વાત સાંભળી આકાશ ઉભો થઇ ગયો.અને ગુફાનાં એ લાકડાનાં દરવાજાની બહાર નીકળી ગયો.વિમલ અને રાજુ એને આછા પ્રકાશમાં જોઇ રહ્યાં.થોડી વારે એ દેખાતો બંધ થયો.
“હવે તો નકકી થઇ જ ગયું.આ આકાશ આપણો મિત્ર નહિ પણ દુશ્મન નીકળ્યોં.યાર વિમલ, હવે આપણે શું કરીશું?” રાજુએ કહ્યું એટલે વિમલ કંઇક વિચારવા લાગ્યોં.પછી એણે પણ કહ્યું
“હા રાજુ, આ છેલ્લા થોડા દિવસની ઘટનાઓ યાદ કરીએ એટલે એવું જ લાગે છે કે આકાશ જ આપણને અહિં લાવ્યોં.તને યાદ છે? સ્કુલમાં આપણને આકાશ ગીરનારમાં આવવાનો ખુબ આગ્રહ કરતો.આપણે નાનપણથી આકાશને નબળો માનતા.આકાશને આપણે ઢીલો કાચબો કહેતા.અત્યાંરે આપણા બધામાં આકાશ જ બધી રીતે પાછળ છે.ફકત એક જ વાતે સુખી છે.”
“કંઇ વાતે?” રાજુએ પુછયું.
“પત્નિ તરીકે સુંદર એવી શીતલ મળી એ જ વાતે સુખી છે.” વિમલનાં આ વાકયએ રાજુએ તરત જ પુછયું
“એટલે આકાશની પત્નિ શીતલ હજુ કયાંક તારા મનમાં તો છે જ.”
રાજુની વાતથી વિમલ થોડો અસ્વસ્થ થયો.એ કંઇ બોલ્યોં નહિ.રાજુને વિમલનું મૌન ખુંચયું.એણે ફરી કહ્યું
“સ્કુલમાં જે ગમતું પાત્ર હોય એ જીવનભર નથી ભુલી શકાતું.”
“રાજુ, આ તારે અને રાકેશને ધંધામાં શું પ્રોબ્લેમ હતો?” વિમલે સવાલ કર્યોં.
“ધંધામાં નાના-મોટી સમસ્યાઓ તો હોય જ.થોડો મતભેદ તો રહે જ.એટલે હું કંઇ રાકેશનો જીવ લઇ લેવાનું વિચારું?” રાજુએ ગુસ્સામાં કહ્યું.પછી ઘણી વાર સુધી બંને મૌન રહ્યાં.વાતનો છેડો દેખાતો નહોતો.કોણ ગુનેગાર છે એ પકડાતું નહોતું.શાંત વાતાવરણમાં વિમલ અને રાજુને વધુ ગભરાટ અનુભવાયો.એટલે રાજુએ વિમલને પુછયું
“યાર વિમલ, આકાશ કયાં ગયો હશે? ભાગી ગયો હશે? કે પછી કંઇક વધુ બદઇરાદાઓ સાથે આવશે?”
“જો એના મનમાં પાપ હશે તો એ નહિ આવે.” વિમલે કહ્યું.ફરી બંને મૌન રહ્યાં.ત્યાં જ બહાર સિંહની ફરી એક ત્રાડ સંભળાઇ.બંને ડરી ગયા.ગુફાની અંદર કોઇ દોડીને આવતું હોય એવું દેખાયું.દરવાજો પાર કરી એ અંદર આવ્યોં ત્યાંરે વિમલ અને રાજુ ઓળખી ગયા કે આ તો આકાશ છે.એનો ચહેરો પરસેવાથી લથબથ હતો.તીવ્ર શ્વાસોશ્વાસથી એની છાતી ફુલતી અને સંકોચાતી હતી.પણ એના જમણા હાથમાં એક મોટી કુહાડી દેખાઇ.આ કુહાડીને લીધે આકાશનું રૂપ ભયંકર ભાષતું હતું.વિમલ અને રાજુની આંખો પહોળી થઇ ગઇ.
ક્રમશઃ
--ભરત મારૂ