મારો શું વાંક ?
પ્રકરણ - 22
રહેમતનાં ગયા પછી એનો બાળક જેવો માસુમિયત ભર્યો ચહેરો જ દાનીશની નજર સામે સતત તરવરતો હતો. એને સતત રહેમતનાં જ વિચારો આવતા હતા.
એક અરસા પછી શાયમા સિવાય બીજી કોઈ છોકરી વિશે દાનીશને ખ્યાલ આવ્યો હતો. દાનીશ ફરીથી શાયમાનું નામ આવતાં શાયમાનાં વિચારોમાં ખોવાઈ ગયો.... લગભગ તેર વર્ષ પહેલા કોલેજમાં શાયમા અને દાનીશ એકબીજાને મળ્યા હતા. બંને એક જ ક્લાસમાં હતા. બુક્સની આપલે કરતાં દોસ્તી થઈ અને એ ક્યારે પ્રેમમાં પરિણમી ગઈ એ એકબીજાને ખ્યાલ પણ ના રહ્યો.
બંને જણાંએ એકબીજા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું... શાયમા સૈયદ ઘરાનાની ખાતે-પીતે સુખી સંપન્ન પરિવારની અમીર બાપની દીકરી હતી. જ્યારે દાનીશ મન્સુરી ખાનદાનનો મધ્યમવર્ગીય પરિવારનો દીકરો હતો.
દાનીશનાં પિતા ખૂબ જ ઈમાનદાર વ્યક્તિ હતા... મહેનત સિવાયનો એકપણ રૂપિયો તેમણે ખપતો નહીં... પોતાના પિતાની ઈમાનદારીનાં ગુણ દાનીશની અંદર પણ સાંગોપાંગ ઉતર્યા હતા. દાનીશનાં પિતા શાળામાં શિક્ષક હતા અને તેમનો પરિવાર ખૂબ જ સાદગીપૂર્ણ અને સામાન્ય જીવન જીવતા હતા.
કોલેજ પૂરી થતાં શાયમાનાં ઘરમાં તેનાં લગન માટે છોકરાંઓ જોવાનું ચાલુ થઈ ગયું હતું ... અને એ પણ એમની જ જાતિનો સૈયદ અમીર છોકરો હોવો જોઈએ એવો સ્પષ્ટ આગ્રહ તેનાં પિતાનો હતો.
શાયમા આ વાત જાણીને ગભરાઈ ગઈ અને તેણે દાનીશને બધી વાત કરી. તેણે દાનીશને એનાં માતા-પિતાને લઈને પોતાના ઘરે એનું માંગુ લઈને આવવાની વાત કરી.
સૈયદ જાતિનો જ છોકરો હોવો જોઈએ એવી વાત સાંભળીને દાનીશને પરસેવો છૂટી ગયો. કારણકે પોતે તો મન્સુરી જાતિનો હતો અને પૈસે ટકે અમીર પણ નહોતો.
દાનીશ શાયમાનો હાથ પોતાનાં હાથમાં લઈને બોલ્યો.... શાયમા ! તું તો મારો સાથ દઈશને? કારણકે હું તારા વગર બીજી કોઈ છોકરી સાથે લગ્ન નહીં કરી શકું.... શાયમા સામે બોલી.... હું પણ ક્યાં તારા વગર રહી શકીશ... એટલે જ તો તને મારા ઘરે તારા માતા-પિતા સાથે આવીને મારો હાથ માંગવાનુ કહું છું.
દાનીશે શાયમાને કહ્યું... જો તારા ઘરવાળા માને નહીં તો તું બીજા કોઈ જોડે લગ્ન ના કરવાની હઠ લઈ લેજે.... કાં તો મારી સાથે લગ્ન નહીં થાય તો આજીવન કુંવારા રહેવાની હઠ લે જે... તું એમની એક જ લાડકી દીકરી છો... એ તારી વાત નહીં ટાળે.. પણ તું બીજા કોઈ જોડે લગ્ન ના કરતી.... હું એ સહન નહીં કરી શકું કહેતા હમેશાં અડીખમ રહેતો દાનીશ થોડો ઢીલો પડી ગયો અને તેની આંખો ભીની થઈ ગઈ.... એ જ પૂરવાર કરતું હતું કે એ શાયમાને કેટલો પ્રેમ કરતો હતો અને તેનાં વગર એનું જીવન અશક્ય હતું.
દાનીશે પોતાનાં માતા-પિતાને શાયમા વિશે વાત કરી. તેનાં માતા-પિતા તો તેમના એકનાં એક દીકરાનાં એની જ્યાં મરજી હોય ત્યાં લગ્ન કરાવી દેવા રાજી હતા.
આખરે ત્રણેય જણાં શાયમાનાં આલીશાન ઘરે શાયમાનો દાનીશ માટે હાથ માંગવા ગયા.... પહેલા તો શાયમાનાં પિતાએ કોઈ કામથી આવ્યા હશે એમ જાણીને સારી રીતે આવકાર આપ્યો.
હિમ્મત કરીને દાનીશનાં પિતાએ દાનીશ અને શાયમા એકબીજાને પસંદ કરે છે.... તેથી શાયમાનો પોતાના દીકરા માટે હાથ માંગવા આવ્યા છે તેવી વાત કરી.
દાનીશનાં પિતાએ પોતાનો પરિચય આપતા કહ્યું.... મારું નામ સુલેમાન મન્સુરી છે અને હું શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવું છું... દાનીશ આગળ એમબીએ કરવા માંગે છે અને સાથે-સાથે પાર્ટ ટાઈમ જોબ પણ શોધી લશે.. જેથી એ એનો ખર્ચો જાતે ઉપાડી શકે... ખૂબ જ સલૂકાઈથી સજ્જન પુરુષની જેમ દાનીશનાં પિતાએ શાયમાનાં પિતાને બંને બાળકોની સગાઈ કરી દેવાની વાત મૂકી.
શાયમાનાં પિતા ઝફર સૈયદ ગરમ ખળખળ ઉકળતા પાણીમાંથી જેમ પાણીનાં ફોરાં બહાર પડે એટલી ત્વરાથી ઊભા થયા અને લાલચોળ ઉકળતા ચહેરે પોતાના આલીશાન ઘરને ચીરતાં અવાજે બોલ્યા.... તમારી આટલી હિમ્મત? સૈયદ ઘરાનાની છોકરીનું માંગુ લઈને આવતા તમને શરમ ના આવી? મારી છોકરીનાં લગન ફક્ત સૈયદ અમીર ઘરાનામાં જ થશે. દરવાજો સામે છે તમે લોકો જઈ શકો છો.
શાયમાનાં પિતાની પોતાના પિતા સાથે આવી બદતમીઝી જોઈને દાનીશનું લોહી ઉકળવા માંડ્યુ પણ એણે પોતાની જાત ઉપર કાબુ રાખ્યો... કારણકે પોતે શાયમા વગર રહી શકે એમ નહોતો....
દાનીશ શાયમાનાં પિતા સમક્ષ ઊભો થઈને ખૂબ ઠાવકાઈપૂર્વક બોલ્યો... અંકલ ! હું અને શાયમા એકબીજાને પસંદ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ. વધારે સલૂકાઈપૂર્વક એ બોલ્યો.... અંકલ ! હું સૈયદ નથી તો હું શું નીચી જાતિનો થઈ ગયો? શું સૈયદની છોકરી અને મન્સુરીનાં છોકરાં વચ્ચે લગ્ન ના થઈ શકે? હદીસમાં એવું ક્યાં લખ્યું છે.... અલ્લાહે પોતાનાં બંદાઓમાં ભેદભાવ નથી રાખ્યો તો આપણે કોણ છીએ ભેદભાવ રાખવાવાળા... એટલું બોલીને દાનીશ શાયમાનાં પિતાને આ સંબંધ સ્વીકારી લેવાની વિનંતી કરી...
શાયમાનાં પિતા તાડૂકીને બોલ્યા.... મારી છોકરીનો સંબંધ કોઈ કાળે તારા સાથે થશે નહીં.... એટલે તું શાયમાને ભૂલી જા એમાં જ તારી ભલાઈ છે... એટલું બોલીને ઝફરે ત્રણેય જણાંને આંગળી ચીંધીને બહારનો રસ્તો દેખાડ્યો.
ત્યાં ઉપરથી દોડીને શાયમા નીચે આવીને ઝફરને કાકલૂદી કરીને કહેવા લાગી.... અબ્બા! હું દાનીશને પસંદ કરું છું અને તેની સાથે નિકાહ કરવા માંગુ છું.... હું બીજા કોઈ જોડે ખુશ નહીં રહી શકું.... આ સંબંધ માટે અબ્બા હામી ભરી દો. શાયમા એની માં શમાનો હાથ પકડીને કાકલૂદી કરવા લાગી... અમ્મા! તમે અબ્બાને સમજાવોને એ દાનીશને મારા માટે થઈને કબૂલ કરી લે... અને હા હું જિંદગીભર કુંવારી રહીશ પણ દાનિશ સિવાય બીજા કોઈ છોકરાં જોડે લગ્ન નહીં કરું.
ત્યાં તો ગુસ્સાથી ઉકળીને ઝફર તાડૂકીને શાયમાને બોલ્યો... કોલેજમાં તને ભણવા મોકલી તી કે આવા પ્રેમના કાંડ કરવા? તારી મારા આગળ એક નહીં ચાલે... શમા ! જલ્દી તારી આ છોકરીને ઉપર લઈ જા.. હવે જલ્દીથી કોક છોકરો શોધીને આના નિકાહ પઢાવી દેવા પડશે. શમાની એનાં પતિ આગળ એક નહોતી ચાલતી... વર્ષોથી એ પણ એનાં પતિની જોહુકમી સહન કર્યે જાતી તી... ઝફરનો ઓર્ડર થતાં જ એ આંખોમાં આંસુ સાથે રોતી-કકળતી શાયમાને ઉપર લઈ ગઈ.
સિક્યુરિટીવાળાને બોલાવીને ઝફર દાનીશ અને એનાં માં-બાપને બહાર કાઢવાનું કહે એ પહેલાં દાનીશનાં પિતા ખુમારીથી બોલી ઉઠ્યા... અમે ભલે સૈયદ અને પૈસાવાળા નથી પણ હમેશા અલ્લાહે બતાવેલા રસ્તા ઉપર ચાલનારા ઈમાનદાર માણસ છીએ... ઈમાન જ અમારું સાચું ધન છે... તમે ખરેખર ખૂબ બદનસીબ બાપ છો કે જે પોતાની સગી દીકરીને સમજી ના શક્યા... એટલું બોલીને સુલેમાન દાનીશનો હાથ પકડીને પોતાની પત્ની સાથે ઝફરનાં ઘરમાંથી નીકળી ગયો.
બહાર નીકળતા દાનીશને જોરથી બૂમ પાડીને ઝફર બોલ્યો... એ છોકરાં ! મારી દીકરીનાં બીજે લગન કરવામાં કોઈ અડચણ ઊભી કરતો નહીં.... હું મરવા અને મારવા વાળો માણસ છું એ કાન ખોલીને સાંભળી લેજે. ખૂનખરાબો કરવામાં પાછું વળીને નહીં જોવું કહીને એણે ધડામથી મેઈન હૉલનો દરવાજો બંધ કરી દીધો.
બે જ માહિનામાં બળજબરીથી શાયમાનાં લગન સૈયદ પરિવારનાં અમીર છોકરાં સાથે કરાવી દેવામાં આવ્યા. દાનીશનાં માતા-પિતાએ એને કસમ આપીને ચૂપ કરાવી દીધો તો કે જો ખૂનખરાબો થશે અને એને કાઇં થઈ જશે તો એ બંને જણાંનું શું થશે? પોતાનાં માં-બાપની સામું જોઈને પોતાનાં અંદર શાયમાનાં બાપને એકલે હાથે પહોંચવાની હિમ્મત હોવા છતાં દાનીશ સમસમીને બેસી રહ્યો..
ઊંચ-નીચની જાતિનાં ભેદભાવ અને અમીર-ગરીબીનાં ભેદભાવે દાનીશ અને શાયમાનાં એક થવાના સપનાને રગદોળી નાખ્યા અને તેમનાં જીવતરને ધૂળધાણી કરી નાખ્યું.
ત્યાં તો ઓફિસનાં પ્યુને કેબિનનો દરવાજો ખોલ્યો અને ચા નો કપ ટેબલ ઉપર મૂક્યો... અવાજ થતાં જ દાનીશ ઝબકી ઉઠ્યો અને શાયમા સાથેની વિતાવેલી રંગભરી યાદોમાંથી બેરંગી દુનિયામાં પાછો આવી ગયો.. તેની આંખોનાં બંને ખૂણા આંસુથી ભીના થઈ ગયા હતા... પ્યુનને જોઈને એ આંખોમાં કશાક કચરો પડ્યો હોવાનો ડોળ કરીને રૂમાલથી આંખો લૂછવા માંડ્યો... પ્યૂન આ જોઈને ફટાફટ કેબિનમાંથી બહાર નીકળી ગયો.
સાંજનાં છ વાગી ગયા હોવાથી એ ફટાફટ ઘરે જવા નીકળી ગયો.. દાનીશનાં પિતાને ગુજરી ગયે પાંચ વરસ થઈ ચૂક્યા હતા. મોટાં આલીશાન બંગલામાં ફક્ત એ અને એની માં રહેતા હતા.
દાનીશ ઘરે જઈને નાનું બાળક પોતાની માં ને ચોંટી જાય એ રીતે પોતાની માં નાં ગળે લાગી ગયો. એની માં પણ પ્રેમથી એનાં માથા ઉપર હાથ પસારવા લાગી અને બોલી... બેટા! હવે લગન કરી લે... હું ય તારા અબ્બાની જેમ જતી રહીશ પછી તારું ધ્યાન કોણ રાખશે?
હમેશાંની જેમ લગ્નની વાત આવતાં જ બેફિકરાઈથી જવાબ ટાળતો દાનીશ બોલ્યો... અમ્મી ! બોવ ભૂખ લાગી છે.. ચાલો જમવા બેસીએ અને હા કાલે મારે એક નજીકનાં ગામડે માલ લેવા જવાનો છે તો સવારે જલ્દી ઉઠાડજો.
મોટાંભાગે દાનીશ પોતે માલ લેવા નહોતો જાતો.. પોતાનાં માણસોને મોકલીને માલની ડિલિવરી કરાવી લેતો... પણ આ વખતે એને લગ્ન કરેલી અને બે છોકરાંવની માં એવી રહેમતને મળવાની અને એનાં વિશે વધુ જાણવાની ઇચ્છા થઈ હતી.
***