મારો શું વાંક ?
પ્રકરણ - 2
સવારનો ફૂલગુલાબી તડકો જાણેકે હુસેનાબાનુંનાં ઘરમાં આવનારા સમયનો ઉજાસ પાથરી રહ્યો હોય તેવો ભાસી રહ્યો તો. હુસેનાબાનું કડક શબ્દોમાં બોલ્યા.. ”જો રાશીદ ! આજથી ક્યાંય બાર જાતો નહીં, આસિફાનાં છેલ્લા દિવસો જઈ રહ્યા છે અને મારી એકલી બાઈમાણસથી કાઇં જાજુ થાય નહીં”. ભલે અમ્મા ! હું ઘરેજ છું. રાશીદ બોલ્યો... ત્યાંતો અંદરના ઓરડામાથી આસિફાનો જોર થી અવાજ આવ્યો. અમ્મા ! બોવ દુખાવો થાય છે.... હવે નથી સહેવાતું અમ્મા કાઇંક કરો...
ત્યાંતો રાશીદ અને હુસેનાબાનું દોડતા ઓરડામાં ગયા. જટ દાયણને બોલાવવા રાશીદને કહ્યું. ભાગતે પગલે રાશીદ દાયણ ને લઈ આવ્યો અને આડોશ-પાડોશની સ્ત્રીઓ પણ મદદે આવી ગઈ. લગભગ એક કલાકની પારાવાર પીડા પછી આસિફાએ નાનકડી ઢીંગલીને જન્મ આપ્યો. હુસેનાબાનું તો બરણીમાથી ખાંડ કાઢી દાયણ અને પાડોશી સ્ત્રીઓને મોઢું મીઠું કરાવતા બોલ્યા કે હમણાં આનાથી કામ ચલાવી લો પછી મીઠાઇ મોકલીશ મીઠાઇ.... રાશીદના મોઢામાં ખાંડ નાખી બોલ્યા ભઇલા ! મારા દીકરા તારી રહેમત આવી ગઈ તું બાપ બની ગયો. રાશીદ પણ છલકાતા સ્વરે બોલી ઉઠ્યો.... હા અમ્મા! હું અને આસિફા રહેમતનાં માં-બાપ બની ગયા. અંદર ઓરડામાથી આ બધું સાંભળી રહેલી આસિફાનાં હરખનો પાર નહોતા, પહેલીવાર પોતે સંપૂર્ણતાનો અહેસાસ કરી રહી હતી.
આછા ગુલાબી રંગનું ઝાલર વાળું ફ્રોક, ગરદન સુધી પહોંચેલા લીસા વાળ, ગોરો વર્ણ અને ખંજન પડતાં ભરાવદાર ગાલ અને એ ગાલ ઉપર પડતાં સૂરજના સોનેરી કિરણો ગાલને વધુ રતુંબળા બનાવી રહ્યા હતા. જોત-જોતામાં આસિફાની નાની રહેમત પાંચ વરસની થઈ ચૂકી હતી. બહાર ફળિયામાં છોડમાં આવેલા રસદાર ફૂલોનું રસપાન કરવા પતંગિયુ એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર દોડા-દોડ કરી રહ્યું હતું અને તેની પાછળ પતંગિયાને પકડવા નાની રહેમત ઝાંઝરવાળા ખુલ્લા પગે છમછમ કરતી દોડી રહી હતી. તેનાં ઝાંઝરના રણકારે જાણેકે આખી સંગીતની સૂરાવલિ રેલાવી દીધી હોય તેવો આભાસ થતો હતો. તે દોડતા-દોડતા બબડતી જાતી હતી કે... અમ્મા ! આ પતંગાને તો હું પકડી જ લઇશ.
એ રાતે જ આસિફાએ રાશીદને કહ્યું... એય સાંભળો છો... આપણી રહેમત પાંચ વરસની થઈ ગઈ છે અને નણંદબા એમના મોટા છોકરાના લગન કરવા જઈ રહ્યા છે તો આપણી રહેમત અને ઇરફાનનાં ય હારોહાર લગન કરી નાખવાનું કહેણ મોકલ્યું છે.
અત્યારે મોટાનાં લગન થાય છે તો આ બેયનું હારોહાર પતી જાય અને પછી આપણી રહેમત તેર-ચૌદ વરસની થાય પછી સાદાઈથી નિકાહ પઢાવી દઈશું. રાશીદે પણ પોતાની બેનને આ રીતે જ લગન કરવાનો વાયદો કર્યો હતો પણ હવે તેનું મન કચવાતું તું કે આટલી જલ્દી રહેમતના લગન શું કામ? એ બોલી ઉઠ્યો એને મોટી થવા દે પછી લગનની વાત... ત્યાં આસિફા રાશીદને વચ્ચે અટકાવતાં બોલી આ શું બોલો છો? આપણે ત્યાં વડવાઓથી આ પરંપરા ચાલી આવી છે અને આપણાં લગનેય તો આવી રીતે જ તો થયા હતા. આપણાં માં-બાપે ક્યાં આપણી મરજી જાણીતી? તો હવે કેમ આવું બોલો છો? છોકરીનો મોહ ઓછો રાખો. ॥એ પારકી થાપણ છે અને નણંદબાને લગન માટે હા કેવડાવી દો.
પંદર દાડામાં તો ઇરફાનના મોટા ભાઈ અને ઇરફાન-રહેમતનાં લગન લેવાઈ ગયા. ઇરફાનનો ભાઈ જાવેદ માંડ સત્તરેક વરસનો હશે અને ઇરફાન માંડ આઠ વરસનો. જાવેદના તેર વરસની શબાના સાથે નિકાહ પઢાવવાના હતા જ્યારે ઇરફાન-રહેમતના લગનની મહોર મારવાની હતી અને નિકાહ પછીથી પઢાવવાના હતા.
આ બધાથી સાવ અજાણ તૈયાર થયેલા નાનકડા દુલ્હો અને દુલ્હન તો પોતાની મસ્તીમાં મસ્ત હતા. બાજુ-બાજુમાં જમવા બેઠેલા ઇરફાને રહેમતની થાળીમાંથી લાડુ લઈ લીધું. જેનાથી ગુસ્સે થયેલી રહેમતે લાલ ચટક મહેંદીવાળા હાથેથી ઇરફાનનાં ગાલે થપાટ મારી દીધી અને લગનમાં આવેલા બધા મહેમાનો આ જોઈને હસી પડ્યા. બંને પક્ષ તરફથી નાતનાં રીતિ-રિવાજ અને જમણવાર સંપન્ન થયો. નવરાશ મળતાં રાશીદની બેન જિન્નત તેનાં ભાઈ-ભાભી પાસે આવી અને કહેવા લાગી.. ”ભાઈ-ભાભી તમારી દીકરી આજથી મારી વહુ બની ગઈ છે. તો બેય જણાં મારી વહુનું ધ્યાન રાખજો. બોવ જલ્દી એને લેવા આવીશ”. એટલું કહીને જિન્નત અને બધા મહેમાનો અલવિદા થયા.
એ જ રાતે રાશીદ પલંગમાં પોતાની બાજુમાં થાકીને ઘસઘસાટ ઊંઘી રહેલી પાંચ વરસની નાનકડી દીકરીને જોઈ રહ્યો હતો. અચાનક તેનું ધ્યાન મહેંદીથી લાલ રંગાયેલા રહેમતના બંને હાથ પર ગયું. રાશિદે રહેમતનો હાથ પોતાનાં હાથમાં લીધો અને જાણેકે સૂનમૂન થઈ ગયો.
જાણેકે મહેંદીવાળા હાથ એને ઝંઝોળીને પૂછી રહ્યા હોય કે... ”અબ્બા! મારા લગનની આટલી શું જલ્દી હતી? એ પણ મને પૂછ્યા વગર કે મારી મરજી જાણ્યા વગર અને એ પણ આટલી નાની ઉમરમાં? આપણાં ગામમાં વડવાઓથી આ પરંપરા ચાલી આવતી હોય એમાં મારો શું વાંક? મને કેમ તમે આટલી નાની ઉંમરે શૂળી પર ચડાવી રહ્યા છો? તોડી ડો ને આ રિવાજ.... આ રિવાજ મેં તો નથી બનાવ્યો... એમાં મારો શું વાંક?” એ પ્રશ્ન સતત રાશીદના મનમાં ચકડોળે ચડ્યો હતો.
રાશીદ મનોમન વિચારવા લાગ્યો કે જે મહેંદીનો રંગ જોઈને મારી ઢીંગલી આટલી ખુશ થઈ રહી છે એ મહેંદી કયા મકસદથી લગાડવામાં આવી છે એની પણ એને ગતાગમ નથી. ત્યાંજ આસિફા ઓરડામાં આવતા રાશીદ એને પણ પૂછવા લાગ્યો... આસિફા! આપની રહેમતનો શું વાંક? કેમ આપણે આટલી નાની ઉંમરમાં એની મરજી જાણ્યા વગર લગન કરવી દીધા? ત્યાંજ થાકેલી પાકેલી આસિફા છણકા સાથે બોલી કે તમારું છટકી તો નથી ગયું ને?કેવી વાત કરો છો? આપણાં લગનેય નાની ઉંમરમાં જ થયા તાં ને?તો આપણે નભાવીએ છીએ ને, તો આપની દીકરીય નભાવશે.
આપણી દીકરી તમારી બેનના ઘરે જાવાની, ક્યાં કોઈ પારકાંને યાં જાશે? તો તમે નાહકની ચિંતા મેલી દો... અને મારો ઇરફાન તો લાખોમાં એક જમાઈ નીકળશે. એ આપણી છોકરીની હારોહાર આપણનેય સાચવશે અને આપણાં ઘડપણનો ટેકો બનશે. હવે સૂઈ જાઓ... નાહકની ચિંતા કરો છો. આસિફાની આ વાત સાંભળીને રાશીદને થોડોક હાશકારો થયો
***