મારો શું વાંક ?
પ્રકરણ - 10
જાવેદ, શબાના અને રહેમત ફટાફટ બાજુની કરિયાણાની દુકાને પહોંચી ગયા. બપોરનાં બાર વાગ્યા હતા. જાવેદે ઈરફાન જે કેબિનમાં બેસતો તો એ નંબર ઉપર જ ફોન લગાડ્યો. ફોન જોડતાં જ ઇરફાને રિંગ વાગતા ફોન ઉપાડયો... હેલો.... સામે છેડેથી જાવેદ ગુસ્સામાં બોલ્યો... હેલો શું? તારો સગલો... તારો મોટો ભાઈ જાવેદ બોલું છું, ભૂલી ગ્યો કે શું?
આ અમિતકુમાર ઘરે આવીને કહેત તા કે તારે બીજી બયરી જોડે લફરું હાલે છે. ઇરફાનયા.... આ વાત સાચી છે? ભાઈ..... મારી વાત તો સાંભળો.... ઈરફાન બોલ્યો.... વાત શું સાંભળું? પૂયછું ઇનો જવાબ હાં કે ના માં દે.... જાવેદ હાકોટા સાથે બોલ્યો...
ઈરફાન હિમ્મત ભેગી કરીને બોલ્યો .... હાં ભાઈ ! હું મારી હારે કામ કરતી એક છોકરીને પ્રેમ કરું છું અને એની હારે લગન કરવા માંગુ છું. કપાતરનાં.... લગન કર તો ખરો... તારા ટાંટિયા નો ભાંગી નાખું? જાવેદ તાડૂકાઈને બોલ્યો.. જાવેદનો સાદ એટલો ઊંચો હતો કે દુકાન બહાર આવતાં-જતાં લોકો ઊભા રહી જતાં હતા.
ભાઈ! મને ફોન આપોને વાત કરવા... રહેમત રીતસરની કરગરી રહી હતી. રહેમતે જાવેદના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો અને બોલી... હેં આદમનાં બાપુ! આ અમિતભાઈ ખોટું બોલતા તા ને? મને ખબર હતી તમે કોઈ દી આવું કરો જ નહીં અને હાં.... મારી ટપાલનો જવાબ કેમ નોતા આપતા? હવે અમને જલ્દી મળવા ગામડે આવો.... આવશો ને? તમે કેમ કાઇં બોલતા નથી? એક વાર કહી દો કે આ બધું ખોટું છે..... રહેમત એક શ્વાસે બોલી ગઈ.
સામે છેડેથી ઇરફાનનો જવાબ આવ્યો... રહેમત હું મારી હારે નોકરી કરતી એક છોકરીને પ્રેમ કરું છું અને લગન કરવા માંગુ છું. હવે રહેમતનાં હાથ-પગ અને અવાજ ધ્રૂજવા માંડ્યા તા... ધ્રૂજતા અવાજે તે બોલી.... પ્રેમ થઈ ગ્યો છે? લગન કરવા માંગો છો? પણ તમારાં લગન તો મારી હારે થઈ ગ્યાં છે... આપણાં બે છોકરાંવ છે અને હું તમારી ઘરવાળી છું. મને આવું કેતા તમને એકવારેય શરમ ના આવી?
ઈરફાન બોલ્યો... અયાં મારે મારા સ્ટાફનાં અનેક પ્રસંગોમાં જવાનું હોય.... એમની હારે કઈ રીતે બોલવું, કેમ રહેવું એ બધું નસીમને આવડે છે. એ ભણેલી છે અને નોકરી કરે છે. મારી હારે એવી જ છોકરી અયાં શહેરમાં પોસાય.
આપણાં બેયનાં લગન નાનપણમાં થઈ ગ્યાં તા.. અને થોડાક મોટાં થતાં નિકાહ પઢાવી દેવામાં આવ્યા. એ વખતે હું મોટાંઓનો વિરોધ ના કરી શક્યો અને નિકાહ પઢી લીધા પણ હવે હું આ સંબંધ નહીં સાચવી શકું. મને માફ કરી દે રહેમત... અને હાં બેય છોકરાંઓનો ખરચ બધો હું ઉપાડીશ અને તું ય આપણાં ઘરે ગામડે રહી શકે છે, એ તારુંય ઘર છે અને નસીમને આ બધી વાતનો કોઈ વાંધો નથી.
ઇરફાનની વાત સાંભળીને રહેમત પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી. કોઈ કુહાડી મારીને એનાં બે કટકા કરી નાખે તોય એક ટીપું લોહી ના નીકળે એટલી સજ્જડ એ થઈ ગઈ હતી. ઇરફાને જાણે વગર અવાજનો સમસમતો તમાચો એનાં ગાલ ઉપર માર્યો હોય એવું એને ચચરી રહ્યું હતું.
આખા શરીરનું લોહી જાણે આંસુરૂપે આંખોમાંથી વહી રહ્યું હોય એવું લાગતું હતું. રહેમત રડમસ અવાજે બોલી.. સાચે જ તમે એ છોકરીને પ્રેમ કરો છો અને લગન કરવા માંગો છો? મારા સાટું તમારા હ્રદયમાં ક્યારેય પ્રેમ હતો જ નહીં? શું તમે મને કોઈ દી પ્રેમની નજરથી જોઈ જ નથી? સામે છેડે ધીમેકથી ઈરફાન બોલ્યો... ના રહેમત! મને ક્યારેય તારી સાથે પ્રેમ થયો નથી, આપણાં લગન ફક્ત મોટાંઓની મરજીથી થયા અને આપણે એને નિભાવતા ગયા અને હાં હું સાચે જ નસીમને પ્રેમ કરું છું અને લગન કરવા માંગુ છું. રહેમત.... તું મને સમજ.
ભલે ત્યારે, મક્કમ અવાજે સ્વમાનભેર રહેમત બોલી... ઈરફાન! તમે તમારાં પ્રેમ હારે લગન કરી શકો છો અને હાં.... બીજી એક વાત... મારા અલ્લાહે મને મારાં છોકરાંવની જિમ્મેદારી ઉપાડવાની તાકાત આપી છે એટલે મારાં છોકરાંવની ચિંતા તમારે નહીં કરવાની. આજથી રહેમતનું આયખું જીવન એનાં છોકરાંવને નામે...
એટલું બોલીને ફોન મૂકીને રહેમત ઢસડાતા પગલે હાલવા માંડી. જેવો દુકાનનો ઓટલો ઊતરવા ગઈ કે જોર-જોરથી પગ ધ્રૂજવાને કારણે એ પડી ગઈ. જાવેદ અને શબાના એને ઉઠાડવા ગયા ત્યાં તો નીચે બેઠેલી રહેમત પોક મૂકીને રડી પડી.
રહેમત રડતાં અવાજે બોલી ઉઠી... આપા... ભાઈ... હું તો બરબાદ થઈ ગઈ. હું લગન કરેલી બાયડી આજે નધણિયાતી થઈ ગઈ. હું ને મારાં છોકરાંવ એકલાં પડી ગયા. મારું કોઈ નથી... હું તો બરબાદ થઈ ગઈ ભાઈ.... હવે હું શું કરું? માં-બાપે વેલા લગન કરી દીધા... એમાં મારો શું વાંક? એમને મારા હારે પ્રેમ ના થયો.. એમાં મારો શું વાંક? એમના બેય છોકરાંવને નાની ઉંમરે નવ મહિના પેટમાં રાખીને જણ્યાં... એમાં મારો શું વાંક?
જાવેદ રહેમતને ઊભી કરતાં બોલ્યો... બેટા! તું એકલી નથી. અમે બધાંય તારા હારે છીએ, તું તો મારી નાની બેન... અરે મારી દીકરી છે. મારી દીકરી અને તારા વચ્ચે મેં ક્યાં કોઈ દી ફરક રાયખો છે. એકલો તો ઈ નાલાયક પડી ગ્યો છે. એટલું બોલીને રહેમતને પોતાનાં ગળે વળગાડીને જાવેદેય જોરથી રડી પડ્યો.
ત્રણેય જણાં ઘરે પહોચ્યાં ત્યાં તો જિન્નતબાનું રડમસ અવાજે પૂછવા મંડ્યા... એલ જાવલા! શું વાત થઈ? ત્યાં ભારેખમ અવાજે રહેમત બોલી... અબ્બા! અમ્મા! તમારાં દીકરાને બીજી બાયડી જોડે પ્રેમ થઈ ગ્યો છે અને એ એનાં હારે લગન કરવા માંગે છે. તમને બેય જણાંને મારાં સોગંધ છે તમે એમને લગન કરતાં રોકતા નહીં.
આજથી હું ફક્ત તમારી દીકરી છું અને મારાં છોકરાંવની માં છું. એમના હારે ઘરવાળી તરીકેનો મારો સંબંધ આજથી પૂરો... તમે બેય જણાં મારાં માં-બાપ છો અને જિંદગીનાં છેલ્લાં શ્વાસ સુધી હું તમારી સેવા કરીશ. હું મારી જિમ્મેવારીથી ક્યારેય પાછીપાની નહીં કરું એટલું કહીને રહેમત પોતાનાં ઓરડાં તરફ દોડી ગઈ.
રહેમતની વાત સાંભળીને શકુરમિયાંની આંખો ભરાઈ આવી અને બોલ્યા.... જાવેદ! શું કીધું ઇરફાને? જાવેદ બોલ્યો... અબ્બા એ સાચે જ બીજી હારે લગન કરવા માંગે છે. હવે એ કોઈ હિસાબે પાછો વળવાનો નથી. જિન્નતબાનું અને શકુરમિયાં કહેવા લાગ્યા કે હવે રાશીદ અને આસિફાને શું જવાબ આપીશું? અરેરેરે..... આ ફૂલ જેવી રહેમતની આવી હાલત કેમ થઈ? મારો ઇરફાનયો આટલો નપાવટ કેમ પાક્યો? જિન્નતબાનું પોતાનું માથું કૂટવા લાગી.
***