Angarpath - 29 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | અંગારપથ. - ૨૯

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

અંગારપથ. - ૨૯

અંગારપથ.

પ્રકરણ-૨૯.

પ્રવીણ પીઠડીયા.

અકલ્પનિય, હૈરતઅંગેજ અને દિલ દહેલાવી નાંખનારું એ દ્રશ્ય હતું. ત્યાં ઉભેલી છોકરી તો એ દ્રશ્ય જોઇને રીતસરની કાંપી ઉઠી હતી અને તેના હાથ-પગ ઠંડા પડી જતાં બેહોશ થઇને ગાર્ડનની લોન ઉપર ઢળી પડી હતી. ડગ્લાસે એક ઝટકે કાંબલેની ગરદન મરોડી નાંખી હતી. તેના તાકાતવર હાથોમાં કાંબલેની પાછળ ફરી ગયેલી મૂંડી હતી. તેની ગરદન અને કરોડરજ્જૂને જોડતું હાડકું એક કડાકા સાથે તૂટયું હતું અને એ ક્ષણે જ તે મૃત્યું પામ્યો હતો. પોતાની સાથે શું થયું એ પણ તે સમજી નહોતો શકયો. તેની આંખોમાં આશ્વર્ય ઉદભવે એ પહેલાં તો તેનું પ્રાણ-પંખેરું ઊડી ગયું હતું. ડગ્લાસે તેનું માથું છોડયું ત્યારે હવા વગરનાં કોઇ કોથળાની જેમ કાંબલેનું શરીર લોન ઉપર ફસડાઇને ઊગલો થઇ ગયું હતું.

“ઉઠાવ સાલાને… અને ફેંકી આવ જંગલમાં.” ડગ્લાસનો ક્રોધથી કાંપતો સત્તાવાહી હુકમ ત્યાં ઉભેલા પહેલવાનનાં કાને અફળાયો. પહલવાન તુરંત હરકતમાં આવ્યો અને તેણે કાંબલેની બોડીને બન્ને હાથોમાં ઉઠાવી, ખભે નાંખી ત્યાંથી બહાર નીકળી ગયો. “હરામખોર, મને બ્લેકમેઇલ કરવાં નીકળ્યો હતો. હાક…થૂં…!” ડગ્લાસ જોરથી જમીન ઉપર થુંકયો અને થોડીવાર પહેલા તે જે ખુરશી ઉપર બેઠો હતો એ તરફ ચાલ્યો. ભયાનક ગુસ્સાથી તેનું માથું ધમધમતું હતું. તેના જેવા અપાર શક્તિશાળી વ્યક્તિને જે પછડાટ મળી હતી એ સહન થતી નહોતી. જેનો સૌ પ્રથમ ભોગ અત્યારે કાંબલે બન્યો હતો. કાંબલેએ તેને બ્લેકમેઇલ કરવાની કોશિશ કરી હતી. તેનાં હાથમાં અનાયાસે જ ડગ્લાસની ચોટલી આવી હતી અને તેણે એ મોકાનો લાભ ઉઠાવવાનું મન બનાવ્યું હતું. પરંતુ એ તેના જીવનની સૌથી મોટી અને સૌથી ભયાનક ભૂલ હતી જેનું પરીણામ તેના મોત સ્વરૂપે તેને મળ્યું હતું.

ડગ્લાસને બ્લેકમેઇલ કરવો એટલો સહેલો નહોતો. અને… હવે તો બિલકુલ નહી. અત્યારે તે ખતરનાક અંદાજમાં રિસોર્ટની લોન ઉપર ટહેલવા લાગ્યો હતો અને તેનું મગજ ભયાનક ઝડપે વિચારતું હતું.

@@@

કમિશ્નર પવારનું ઘેન ધીરે-ધીરે ઓસરવા લાગ્યું હતું. તેણે આંખો ખોલવાની કોશિશ કરી. આંખોનાં પોપચાઓમાં જાણે મણ-મણનાં વજનિયા કોઇકે બાંધી દીધા હોય એમ મહા મહેનતે તે આંખો ઉઘાડવામાં સફળ થયો. તેની નજરો સામે ધૂંધળાશ તરવરતી હતી. તેને યાદ આવ્યું કે તે અહી શું કામ છે. અનાયાસે તેનો હાથ પોતાના કાન તરફ વળ્યો. હાથની આંગળીઓનાં ટેરવે ખરબચડા કોટનનાં પાટાનો સ્પર્શ થયો જે તેના માથે બંધાયેલો હતો. અચાનક તેને સંજય બંડુએ છોડેલી ગોળી અને હવામાં ઉડતો પોતાનો લોહી-લુહાણ કાન દેખાયો. તે થથરી ઉઠયો. એકાદ ઈંચ માટે તે બચ્યો હતો. જો એ ગોળી સહેજ ઓર નજીકથી પસાર થઇ હોત તો અત્યારે તે જીવિત બચ્યો ન હોત. પણ તે બચ્યો હતો અને અત્યારે હોસ્પિટલનાં બેડ ઉપર સૂતો હતો.

તે જાણતો નહોતો કે તેના કાન સાથે શું કરવામાં આવ્યું છે! કિલ્લામાં તેણે શેટ્ટીને પોતાના કાનને રૂમાલમાં વિંટાળતાં જોયો હતો. જો એ કાન સલામત રીતે હોસ્પિટલ સુધી પહોંચ્યો હશે તો ચોક્કસ ડોકટરોએ ઓપરેશન કરીને તેને સાંધી દીધો હશે એવી એક ધૂંધળી આશા તેના મનમાં જાગતી હતી. સાથોસાથ એક અન્ય ફિકર પણ તેના જહેનમાં ઉદભવતી હતી. સંજય બંડુનું એન્કાઉન્ટર થયું એ એક રીતે તેના ફાયદાની વાત હતી પરંતુ... જો ઉચ્ચ લેવલેથી તેની ઈન્કવાયરી બેઠી તો? તો તેઓ મરી જવાનાં હતા. તેમની કારકિર્દી ખતમ થઇ જવાની હતી.

ગોવાનો ઈતીહાસ ડ્રગ્સની રેલમછેલ વગર લખી શકવો અશક્ય હતો. વર્ષોથી આ બિઝનેસ બેરોકટોક અને આસાનીથી થતો આવ્યો હતો. તેનું એક મુખ્ય અને સૌથી મોટું કારણ હતું ગોવાનાં રાજકારણીઓ, પોલીસ ખાતું અને ડ્રગ્સ ડિલરો વચ્ચેની અંદરો-અંદરની જબરજસ્ત સાંઠગાંઠ. ડ્રગ્સની દરેક ડિલમાં વધતે-ઓછે અંશે બધાનો ભાગ રહેતો જેથી મોટેભાગે તો ક્યારેય કોઇ પ્રોબ્લેમ સર્જાતો નહી. પરંતુ ઘણી વખત ધંધામાં વર્ચસ્વ જમાવવાની હોડમાં ગોવાની ધરતી નાના મોટા ધમાકાઓથી ગુંજી ઉઠતી હતી.

આ વખતે પણ એવું જ થયું હતું. કમિશ્નર પવાર હોસ્પિટલનાં આઇ.સી.યું.ની સુંવાળી પથારી ઉપર પડયો પડયો વિચારી રહ્યો હતો કે તેને અને શેટ્ટીને… ઘણી વખત ડગ્લાસ આંખોમાં કોઇ કણાની જેમ ખૂંચતો હતો. ડગ્લાસની જાહોજલાલી અને વર્ચસ્વ જોઇને તેમનાં અરમાનો પણ સળવળી ઉઠતાં હતા. તેઓ ઘણું કમાતાં હતા છતાં લોભનો ક્યારેય અંત હોતો નથી એ ન્યાયે હજું વધું મેળવવાની લાલસા તેમનાં મનમાં હંમેશા ઘોળાતી રહેતી અને ડગ્લાસ ક્યારે તેમનાં હાથ હેઠળ આવે એવો મોકો તલાશતાં રહેતા હતા. આ વખતે અચાનક જ એવો મોકો મળ્યો હતો.

અભિમન્યુ નામનાં એક આર્મી અફસરે એકાએક જ ગોવાનાં અંડરવલ્ડમાં પલિતો ચાંપ્યો હતો જેમાં સંજય બંડુ તેમની ઝડપે ચઢી ગયો હતો. સંજય બંડુએ પોલીસ ક્વાટર પર હુમલો કરીને પોતાનું મોત નિશ્વિત કરી નાંખ્યું હતું જેનો લાભ લેવાનું તેઓ ચૂકયા નહોતા. તેણે અને શેટ્ટીએ ભેગા મળીને બંડુનો કાંટો હંમેશના માટે કાઢી નાંખ્યો હતો અને… હવે ડગ્લાસનો વારો હતો. એક વખત ડગ્લાસ ખતમ થઇ જાય પછી ડગ્લાસની જગ્યાએ તેઓ પોતાનો કોઇ અંગત માણસ ગોઠવીને સમગ્ર બિઝનસ ઉપર કબ્જો જમાવવાનાં મનસૂબા ધરાવતા હતા. તેમની પાસે એવો એક અંગત, ભરોસાપાત્ર માણસ ઓલરેડી ધ્યાનમાં પણ હતો. જે તેમનો પડયો બોલ સ્વિકારવા ક્યારનો થનગની રહ્યો હતો.

વિચારોના બોજ તળે અને દવાઓના હેવી ઓવરડોઝમાં વળી ક્યારે કમિશ્નરની આંખો મિંચાઇ ગઇ એ પણ તેને ખબર રહી નહોતી. તે ફરીથી ઉંઘ ભરી તંન્દ્રામાં સરી પડયો હતો.

કશોક સળવળાટ થયો અને કોઇક કમરામાં આવ્યું હોય એવું લાગ્યું ત્યારે ફરીવાર તેમની આંખો ખૂલી. પલંગ પાસે કોઇક બેઠું હતું. આંખોની ધૂંધળાશ હટવામાં થોડો સમય લાગ્યો. તેમણે આંખો પટપટાવી ધૂંધળાશ હટાવાની કોશિશ કરી ફોકસ એ દિશામાં કર્યું. અને… ટેબલ ઉપર બેઠેલા વ્યક્તિને જોઇને તેમને ઝટકો લાગ્યો. એકાએક તેમના મગજનાં ચેતાતંત્રમાં કશોક સળવળાટ ઉદભવ્યો. તેમનું ઘેન પળવારમાં ઉતરી ગયું.

“અભિમન્યુ… તુ?” તેમના મોં માંથી શબ્દો સર્યા અને આશ્વર્યભરી નજરે તેઓ ખુરશી ઉપર બેસેલા અભિમન્યુનાં રૂઆબદાર છતાં કઠોર ચહેરાને તાકી રહ્યા. અભિમન્યુ એકાએક અહી આવી ચડશે એ તેમની કલ્પના બહાર હતું એટલે ઝટકો લાગવો સ્વાભાવિક હતો.

“રીલેક્ષ કમિશ્નર સાહેબ. હું તો જસ્ટ એમ જ તમને મળવા આવી ચડયો હતો. તમને તો ખ્યાલ જ હશે ને કે રક્ષા પણ આ જ ફ્લોર પર એડમિટ છે. રક્ષા… મારી બહેન.” અભિમન્યુએ પૂછયું.

“ઓહ યસ!” કમિશ્નરનાં ચહેરા ઉપર ફિક્કું હાસ્ય ઉભર્યું. હમણાં તેઓ અભિમન્યુને જ યાદ કરી રહ્યા હતા અને એકાએક તે એમના કમરામાં આવી ચડયો એટલે સ્વસ્થ થતા થોડો સમય લાગ્યો. પરંતુ… તેમનું મગજ બહું તેજીથી વિચારતું હતું. અભિમન્યુનું અહી હોવું કોઇક અલગ જ દિશામાં વિચારવા તેમને પ્રોત્સાહિત કરતું હતું. જો અભિમન્યુને જ ડગ્લાસ સામે ખડો કરી દેવામાં આવે તો…? કેટલો ભયાનક, પરંતુ કારગત ઉપાય હતો. એ વિચારે જ તેમનામાં ઉત્તેજના ભરી દીધી અને ઉઠીને નાંચવાનું મન થયું. જો બીજો કોઇ સમય હોત તો તેમણે એવું કર્યું પણ હોત પરંતુ અત્યારે સંયમથી કામ લઇને પોતાના આઇડિયાને કેમ અમલમાં મુકવો એ વિચારવાનું હતું. જો કે તેમાં તેમણે વધું મહેનત કરવી પડશે એવું લાગતું નહોતું કારણ કે અભિમન્યુ ઓલરેડી ભૂરાયો થઇને તેની બહેનનાં અપરાધીઓને જ શોધી રહ્યો હતો. તેમણે તો ફક્ત આંગળી ચિંધવાની હતી અને એક દિશા દેખાડવાની હતી. પવાર મલકી ઉઠયો. બહું આસાનીથી તેનું કામ પાર પડશે એવું લાગ્યું તેને.

“રક્ષાને હું ઓળખું છું. ઇનફેક્ટ તને પણ હું જાણું છું. હું જો અત્યારે અહીં, આ હોસ્પિટલમાં ભરતી ન હોત તો ચોક્કસ મેં મારી ચેમ્બરમાં તને જોવાનું પસંદ કર્યું હોત.” કમિશ્નર જાણી જોઇને અટકયા. અભિમન્યુનું શું રિએકશન આવે છે એ તેમણે જોવું હતું. પોલીસ ક્વાટર્સ પર હુમલા વખતે અભિમન્યુએ જે કારનામા કર્યા હતા તેનો જવાબ દેવા તેને પોલીસ સ્ટેશન તલબ કરવો પડે એમ જ હતો. એક રીતે તો આવું બોલીને તેઓ અભિમન્યુને એ જતાવવા માંગતા હતા કે તે પોલીસની નજરોમાં જ છે અને ગમે ત્યારે તેને પોલીસ સ્ટેશનથી બોલાવો આવી શકે તેમ છે. તેઓ અભિમન્યુ ઉપર માનસિક પ્રેશર ઉભું કરવા માંગતા હતા જેથી તેમના અસલ મકસદની વાત આવે ત્યારે તે નાં ન પાડી શકે.

“કમિશ્નર સાહેબ, હું દરેક ઈન્ક્વાયરી માટે હંમેશા તૈયાર જ રહું છું. તમે બેશક મને પોલીસ સ્ટેશને તલબ કરી શકો છો પરંતુ એ પહેલા મારે એ જાણવું છે કે રક્ષાનાં કેસમાં અત્યાર સુધી તમારા પોલીસ ડિપાર્ટમેન્ટે શું પ્રગતી કરી? શું તેના હુમલાખોર તમને મળ્યા? તેની આવી હાલત કેમ કરવામાં આવી એનું કારણ જાણવા મળ્યું? જો આ સવાલોનાં જવાબ તમે આપી શકો તેમ હોવ તો હું પણ તમને દરેક પ્રકારે સહાય આપવા બંધાવ છું. નહિતર જે શબ્દો મેં મારા મિત્ર ડેરન લોબોને કહ્યા છે એ જ શબ્દો તમને પણ કહું છું કે જ્યાં સુધી મારી બહેન રક્ષાનાં ગુનેહગારો પકડાશે નહી ત્યાં સુધી હું કોઇને બક્ષિશ નહી. તમારે અને તમારા પોલીસ ડિપાર્ટમેન્ટે જે કરવું હોય એ કરી લેજો.” અભિમન્યુનાં સ્વરમાં એક આહ્વાહન હતું, એક આગ સળગતી હતી. તે આવ્યો હતો તો કોઇ અન્ય મકસદે પરંતુ કમિશ્નરે તેને ઉશ્કેરી મુકયો હતો. એ જોઇને કમિશ્નર પવાર મુસ્કુરાઇ ઉઠયો. તેનું તીર બરાબર નિશાને લાગ્યું હતું. લોઢું ગરમ હતું અને હવે ફક્ત તેઓ હથોડો મારે એટલી વાર હતી.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.