Angarpath - 4 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | અંગારપથ - ૪

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

અંગારપથ - ૪

અંગારપથ

ભાગ-૪

હુમલાખોરનાં મોતિયા મરી ગયાં. તે બે ડગલાં પાછળ હટયો. એ દરમ્યાન કાઉન્ટર પાસે ઉભેલો બીજો યુવક અભિમન્યુ તરફ ધસી આવ્યો હતો અને તેણે ઓચિંતો જ હુમલો કરી દીધો. તેણે પોતાનાં હાથમાં પકડેલી બંદૂકને ઉંધી કરી તેનો કૂંદો અભિમન્યુનાં માથા ઉપર ફટકાર્યો. પણ અભિમન્યુ અસાવધ નહોતો, તેણે એ વાર ચૂકાવ્યો અને હુમલાખોર પાસેથી છિનવેલી લાંબા નળાની બંદૂકનું બટ એ યુવકનાં પેટમાં જોરથી માર્યું. પેલો બેવડ વળી ગયો. વાર એટલો જોરદાર હતો કે તેનાં હાથમાંથી બંદૂક છટકીને ફર્શ ઉપર પડી ગઇ. અભિમન્યુએ પગની ઠોકર મારી એ બંદૂકને દૂર હડસેલી દીધી.

“ બેવકૂફ... ઉભો છે શું...? માર સાલાને...! ? “ એ યુવકે પોતાનું પેટ દબાવતાં તેનાં સાથીદાર તરફ જોઇ ચિલ્લાઇને કહ્યું. તે એક જ વારમાં પરાસ્ત થઇ ગયો હતો. અભિમન્યુએ એટલું જોરથી બટ ઠપકાર્યું હતું કે તેનાથી સરખું ઉભું પણ રહી શકાતું નહોતું. બેવડ વળીને તે કાઉન્ટરનાં સહારે ઉભો રહી ગયો હતો. તેની રાડ સાંભળીને બીજો યુવક, જેનાં હાથમાંથી અભિમન્યુએ બંદૂક છીનવી હતી એ આગળ વધ્યો. અચાનક તેનાં હાથમાં ચાકું આવી ગયું હતું. એ ચાકુંનો વાર અભિમન્યુ ઉપર કર્યો. અભિમન્યુએ બંદૂક વચ્ચે ધરીને વાર ચૂકવ્યો. આવી તો કેટલીય લડાઇ તે લડી ચૂકયો હતો. તેનાં માટે તો આ પરિસ્થિતિ છોકરોઓની રમત સમાન હતી. બંદૂક મૂકીને, ઝપટ મારી તેણે એ યુવકનો ચાકુ વાળો હાથ પકડયો અને બળપૂર્વક મરડી નાંખ્યો. “ આઇઇઇઇઇ..... “ રાડ ફાટી પડી પેલાનાં મો માંથી. એવું લાગ્યું જાણે કોઇએ તેનો હાથ બળ પૂર્વક ખભેથી ઉખેડી નાંખ્યો હોય. તેનાં શરીરમાં દર્દનું ઘોડાપૂર ઉમડયું અને આંખોમાં આપોઆપ આંસુ ઉભરાઇ આવ્યાં. અભિમન્યુ એટલેથી અટકયો નહી. તેણે એ યુવકનાં ગોઠણે પોતાનાં ભારેખમ બૂટની કીક ઠપકારી. પેલો ફરીથી કરાહી ઉઠયો. આ વખતે તેનો ગોઠણ નકામો થઇ ગયો હતો. તે રીતસરનો આજીજી કરતો રડવા લાગ્યો. અભિમન્યુ તેને છોડીને બીજા તરફ લપકયો અને તેને ઠમઠોરવા લાગ્યો. અભિમન્યુ અટકયો ત્યારે એ બન્ને હુમલાખોર યુવકો પરાસ્ત થઇને ફર્શ પર આળોટતાં હતાં. બહું જલ્દી એ લડાઇ ખતમ થઇ હતી. અભિમન્યુએ પેલાનાં ખિસ્સામાંથી લૂંટનાં રૂપિયા કાઢયાં અને કાઉન્ટર તરફ ચાલ્યો. તેણે દુકાન માલીકને એ રૂપિયા પરત આપ્યાં.

“ તલીસ્કર એઇટીન... “ તે બોલ્યો. દુકાનદાર ફટાફટ દોડયો અને રેકમાંથી એક બ્લ્યૂ- બ્લેક કલરનું ખોખું ઉઠાવી લાવ્યો. એ ખોખાને એક બોક્સ જેવી થેલીમાં નાંખીને અભિમન્યુને આપ્યું. અભિમન્યુએ તલીસ્કર એઇટીન વ્હિસ્કીનું બોક્સ ઉઠાવ્યું અને બહાર તરફ ચાલતી પકડી. એ દરમ્યાન દુકાનદારે પોલીસ સ્ટેશને ફોન જોડયો હતો.

@@@@@@@@@@@

તેનો મૂડ ખરાબ થઇ ગયો. બહાર જમવાનાં બદલે એક રેસ્ટોરન્ટમાંથી પાર્સલ બંધાવીને ઘરે આવ્યો. પાર્સલ અને દારૂની બોતલ ટિપોઇ ઉપર મુકીને રસોડામાં જઇ પ્લેટ લઇ આવ્યો. હજું જમવાની શરૂઆત કરવાનો જ હતો કે એકાએક ઘરનાં ફોનની રીંગ વાગી. પોતાનો મોબાઇલ તેણે ઘણાં સમયથી બંધ રાખ્યો હતો અને ઘરનો નંબર બહું ઓછા લોકો પાસે હતો. જરૂર કોઇ અંગત વ્યક્તિનો ફોન હોવો જોઇએ. તે ઉઠયો અને ફોન રિસિવ કર્યો.

“ હેલ્લો... “

“ વોટ ધ હેલ મેન, તારો ફોન કેમ બંધ આવે છે...? “ સામા છેડે ખિજાયેલો એક પુરુષ સ્વર સંભળાયો.

“ હુ આર યુ...? અને આ નંબર તમને કોણે આપ્યો..? “ અભિમન્યુએ એકદમ શાંતીથી પુંછયું.

“ હુ એમ આઇ...? તું મને ભૂલી કેવી રીતે શકે...? અરે યાર... ડેરેન, ડેરેન લોબો...! અને તારો નંબર મને રક્ષાની ડાયરીમાંથી મળ્યો. ” ભારે હેરાનીથી અને કંઇક ચીડ સાથે કહેવાયું.

“ ડેરેન..! માય ગોડ, ક્યાં છે તું..? અને રક્ષાને ક્યાં મળ્યો..? “ ભયાનક આશ્વર્યથી અભિમન્યુ ચકીત થઇ ગયો. તે અને ડેરેન લોબો નાનપણમાં સાથે ભણ્યાં હતાં અને બન્ને વચ્ચે સારી એવી દોસ્તી હતી. ડેરેન ભણીને નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટમાં કામે લાગ્યો હતો અને તે સૈન્યમાં જોડાયો હતો. તેઓ સતત એકબીજાનાં સંપર્કમાં રહેતાં હતાં પરંતુ પાછલાં બે વર્ષથી એ સંપર્ક ઘણો ઓછો થઇ ગયો હતો. ખાસ કરીને અભિમન્યુનાં સૈન્યમાં જોડાયાં પછી.

“ રક્ષા મુસીબતમાં છે યાર, તું જલ્દી ગોવા આવી જા..” ડેરેને અભિમન્યુનાં સવાલો અધ્યાહાર રાખીને કહ્યું.

“ વોટ...? તું શું કહે છે...? શું થયું રક્ષાને...? “ અભિમન્યુ એકદમ જ ચોંકયો હતો.

“ તને બધું જ જણાવીશ, બસ.. તું પહેલાં અહી આવી જા. વધું રૂબરૂં વાત કરીએ. તું મારો નંબર નોંધી લે.. “

“ તારો નંબર છે મારી પાસે..! હું આવું છું.. “ કહીને અભિમન્યુએ ફોન કાપ્યો. ડેરેનનો અચાનક આવી રીતે ફોન આવવો મતલબ જરૂર કંઇક મોટી ગરબડ થઇ હોવી જોઇએ એ સમજતાં તેને વાર ન લાગી. ઉપરાંત રક્ષાનું નામ લઇને તેણે ચિંતા વધારી મુકી હતી.

જમવાનું છોડીને તે ફટાફટ તૈયાર થયો અને મુંબઇ એરપોર્ટ જવાં નિકળી પડયો.

@@@@@@@@@@@@@

બાગા બીચનો પાર્કિંગ એરીયા ઘણો વિશાળ છે. એ પાર્કિંગ વિસ્તાર પાછળ ત્યાનાં સ્થાનિક નિવાસીઓની મોટી બસ્તી આવેલી છે. એ બસ્તી અને તેની પછીનો આખો એરીયા વર્ષોથી ડ્રગ્સ અને વેશ્યાવૃતિનાં કારણોસર બદનામ થયેલો છે. હમણાં છેલ્લાં થોડા સમયથી... સરકારે જ્યારથી આવી બાબતો પ્રત્યે સખ્તાઇ ભર્યું વલણ અપનાવ્યું છે ત્યારથી એ ધંધામાં ઓટ જરૂર આવી છે છતાં, સાવ ખતમ થયું છે એમ કહી ન શકાય.

રક્ષા સૂર્યવંશી પોતાનાં એન.જી.ઓ.નાં કામ અર્થે ઘણી વખત અહી આવતી. બસ્તીમાં રહેતાં મોટાભાગનાં લોકો તેને ઓળખતાં એટલે જ્યારે રક્ષા વિશેનાં સમાચાર બસ્તીમાં ફેલાયાં ત્યારે જબરી ઉત્તેજનાં છવાઇ હતી. આ બસ્તીમાં ઘણાં માથાભારે તત્વો રહેતાં હતાં. ઇન્સ. કાંબલે મહા મુસીબતે તેમને હેંન્ડલ કરી શકતો હતો. તેણે એવાં ગુંન્ડા તત્વો સાથે સારો ધરોબો કેળવ્યો હતો એટલે કાંબલેનું કહ્યું એ લોકો થોડું ઘણું માનતાં પણ ખરાં.

ચારૂ દેશપાંડેએ શરૂઆત એ ઇલાકાથી જ કરી હતી. હજું આજે જ તેને ઓર્ડર મળ્યાં હતાં અને આજે જ તે ફિલ્ડમાં નિકળી પડી હતી. તેણે કોન્સ્ટેબલ ભીમરાવ કરાડેને સાથે લીધો હતો.

“ મેડમ, આ ઇલાકામાં આવી રીતે ફરવું સલામત નથી.. “ કરાડેએ બસ્તીની સાંકડી ગલીઓમાં ચાલતાં- ચાલતાં મેડમને ચેતવ્યાં. ચારૂએ પણ આ ઇલાકા વિશે ઘણું સાંભળ્યું હતું.

“ કરાડે, એક પોલીસવાળો શખ્શ આવું કહે ત્યારે મને શરમ ઉપજે છે.. “ ચારૂ દેશપાંડેએ ચાબખો માર્યો.

“ શું કરીએ મેડમ, વર્ષોથી આ ઇલાકાની ફિતરત આવી જ રહી છે. “ કરાડે બોલ્યો. તે સીધો આદમી હતો. હમણાં નવાં જ આવેલાં મેડમ ક્યાંય ભેખડે ભરાઇ ન પડે એ માટે એમને ચેતવવા જરૂરી હતાં. પછી એ માને કે ન માને એ તેમની મરજી.

“ આપણે થોડી કોશિશ કરીશું તો જરૂર કંઇક બદલાવ આવશે જ...! તું અહીનાં કોઇ નામચીન વ્યક્તિ પાસે મને લઇ જા..” તેણે હુકમ કર્યો. અહી તો બધાં જ નામચીન અને ખતરનાક માણસો હતાં. હવે કરાડે કોનાં- કોનાં નામ ગણાવે..! છતાં નીચી મુંડી કરીને તે આગળ વધ્યો અને બે મઝલાવાળા એક મકાન પાસે આવીને ઉભો રહયો. એ મકાન એક હિસ્ટ્રિશીટર રંગા ભાઉનું હતું. તેઓ મકાનની અંદર ગયાં.

અડધાં કલાક પછી મકાનમાંથી બહાર નિકળ્યાં ત્યારે સબ ઇન્સ. ચારૂ દેશપાંડેનાં ચહેરા પર આત્મવિશ્વાસ ભરી એક મુસ્કાન છવાયેલી હતી. તેણે બહું સારી રીતે રંગા ભાઉને સમજાવ્યાં હતાં કે તે આ બસ્તીને સુધારવામાં તેને સહકાર આપે. રંગા ભાઉએ શાંતીથી તેની વાતો સાંભળી હતી અને બધી વાતે હાં માં હાં ભણી હતી.

કરાડેને જબરજસ્ત આશ્વર્ય થતું હતું કે રંગા ભાઉ અચાનક કેમ બદલી ગયાં..? રંગા ભાઉને પોલીસ સાથે હંમેશાનો પંગો રહેતો. ક્યારેય કોઇ પોલીસવાળા સાથે તેણે સરખા મોં વાત પણ કરી નહી હોય, અને આજે નવાં જ જોઇન થયેલા ચારૂ મેડમની દરેક વાત શાંતીથી સાંભળીને તેણે સહકાર આપવા હકાર ભણ્યો હતો એ કેમેય કરીને તેનાં ગળે ઉતરતું નહોતું. તે ચારૂ મેડમથી પ્રભાવિત થઇ ગયો હતો.

પરંતુ... એ સમયે બે- માંથી કોઇ નહોતું જાણતું કે રંગા ભાઉ આજે કેમ આટલાં નરમ જણાતાં હતાં...! રંગા ભાઉ અચાનક તેને ત્યાં આવી ચડેલાં પોલીસ અફસરોને કંઇક કહેવાં માંગતો હતો, પણ તે ચૂપ રહ્યો હતો. તેની એ ચૂપ્પી ઘણી રહસ્યમય હતી. તે જ્યારે તેનું મોં ખોલશે ત્યારે ગોવાનાં ઇતિહાસમાં એક નવાં પ્રકરણનો ખૂલાસો થવાનો હતો.

અભિમન્યુ જે સાંજે ગોવાની ફ્લાઇટમાં બેઠો એ દિવસે સવારે આ ઘટનાં બની હતી.

@@@@@@@@@@@@@@

અભિમન્યુ ગોવાનાં દાબોલીમ એરપોર્ટ પર ઉતર્યો ત્યારે ઓલમોસ્ટ સવાર પડી ચૂકી હતી. મુંબઇથી લેટ ઉડેલું તેનું વિમાન દાબોલીમ એરપોર્ટે લેન્ડ થયું ત્યાં સુધી અભિમન્યુ ઉચક જીવે રક્ષાનું શું થયું હશે એ જ વિચારતો રહ્યો હતો. તે એરપોર્ટની બહાર આવ્યો. ડેરેન સાથે વાત થયાં મુજબ એ તેને લેવા આવ્યો હતો. આજે બે વર્ષ પછી તેઓ એકબીજાની સામે ઉભા હતાં. પછી... તેઓ ભેટી પડયાં. અભિમન્યુનાં કદાવર શરીર સામે ડેરેન નાનકડું બચ્ચું લાગતો હતો.

“ બે વર્ષમાં તો એકદમ ફિટ બોડી બનાવી નાંખી છે ને કંઇ...! ” ડેરેને અળગાં થતાં અભિમન્યુની તારીફ કરી.

“ અને તું હતો એ કરતાં પણ વધું સ્લીમ થઇ ગયો... “

“ સ્લીમ નહી, સૂકાઇ ગયો છે એમ ચોખ્ખું કહે ને સાલ્લા... ” ડેરેન હસી પડયો. અભિમન્યુ પણ હસ્યો અને ફરીવાર તેણે ડેરેનને બાહુમાં ભરી લીધો. એ ઘણી ઇમોશનલ ક્ષણ હતી. બે જીગરી મિત્રો આજે ઘણાં લાંબાં સમયે મળતાં હતાં.

“ રક્ષા ક્યાં છે...? “ ભાવુક ક્ષણો વિત્યાં પછી તેઓ વર્તમાનમાં પાછાં ફર્યા હતાં અને અભિમન્યુએ સીધો જ સવાલ કર્યો હતો.

“ હોસ્પિટલમાં છે.. આઇ.સી.યુ માં.. “ ખામોશ નજરે ડેરેને કહ્યું.

“ હંમમમ્... ચાલ, જઇએ..” અભિમન્યુ ફકત એટલું જ બોલ્યો. અને, તેઓ એરપોર્ટ છોડી શહેર તરફ નિકળી પડયાં.

@@@@@@@@@@@@

“ સાહેબ કેમ નથી આવ્યાં... ? “ પેટ્રિકે હવલદાર કરાડેને પુછયું. બાગા બીચ પોલીસ ચોકીમાં સવારની ચહેલ- પહેલ શરૂ થઇ હતી. ઇન્સ. કાંબલે નવ સાડા નવે ચોકીમાં હાજર થઇ જતો. એ તેનું કાયમીનો રૂટિન સમય હતો. આજે દસ વાગવાં છતાં કાંબલે સાહેબ ક્યાંય દેખાતાં નહોતાં એટલે સાહજીક રીતે જ પેટ્રિકને સવાલ થયો હતો.

પણ એ સાહજીક નહોતું. આજ પછી ક્યારેય કાંબલે દેખાવાનો નહોતો.

( ક્રમશઃ ) વધું આવતાં સોમવારે..

મિત્રો, આપનાં કિંમતી સૂચનો આવકાર્ય છે.

રેટિંગ અને કોમેન્ટ ચોક્કસ કરજો.

મારી સાથે જોડાવા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટસઅપ કરી શકો છો.

ફેસબુક અને ઇન્ટા. પર મને ફોલો પણ કરી શકો છો.

ઉપરાંત મારી અન્ય નોવેલ્સ જેવી કે

નો રીટર્ન-૧ અને ૨,

નસીબ,

નગર,

અંજામ,

આંધી. પણ વાંચજો. આ બધી બુક્સ તરીકે પણ બજારમાં અવેલેબલ છે.