dharna in Gujarati Moral Stories by Salima Rupani books and stories PDF | ધારણા

Featured Books
Categories
Share

ધારણા

માનસી ગેલેરીમાં ઉભા રહીને સામે આવેલા રો હાઉસમા હમેશા ઓટલે બેસી રહેતા, ઓટલા સભા ભરતા, મોટો લાલચટટક ચાંદલો કરતા માજી દેવ થયાં હતાં. ત્યાં જોઇ રહી હતી. કરડો ચહેરો અને સતત બધાનુ નિરીક્ષણ કરતી આંખો ને પેલો રૂપિયાના સિક્કા જેવો ચાંદલો, બધુ મળીને માનસીના મનમાં અણગમો જગાવતુ. પણ આજે એ નહોતા રહ્યા.

પોતે ત્યાંથી પસાર થાય તો પણ નીચી મુન્ડીએ નીકળી જતી. એને એવુ લાગતું હતુ કે એ બહુ પંચાતિયા હતા. માનસીને થોડુ પ્રાઇવસી વાળુ જીવન ગમતું. કોઈ ગમ્મે તે પૂછે.. દુઃખતી રગ દબાવે એ વાતની એને એલર્જી હતી. એક બે વાર એ માસીએ એના રજવાડામાંથી ( માની લીધેલા વળી ) કોઈ ઘૂસણખોર છટકી જતો હોય એમ એ એમના ઓટલા પાસેથી નીકળી ત્યારે બોલાવવાની કોશીષ કરેલી. સદભાગ્યે મોબાઇલની રિંગે બચાવી લીધેલ. પછી તો એ ત્યાંથી નીકળવાનુ જ ટાળતી.

માનસીને બાળક નહોતુ. પતિ રવિ ટીબીથી પીડાતો હતાં. એક વાર ઠીક થઈ ગયા પછી ફરીથી ઉથલો માર્યો હતો. જોકે એટલે જ બાળક થઈ શકે તેમ નહોતુ. વારે વારે બીમાર પડતો રવિ, હોસ્પિટલ, દવાના ખર્ચા, ખોરવાઈ ગયેલ બિઝનેસ, બધુ એટલું બધુ ઉલઝી ગયેલું. આમાં એણે એકાદ વાર બાળક દત્તક લેવાની વાત કરેલી પણ ત્યાંજ રવિને ટાઇફોઇડ થએલો અને એ વાત ત્યાંજ ઊડી ગયેલી. રવિ તો ઠીક એનાં કુટુંબમાંથી કોઈ ભૂલથીએ માનસી વિષે સારુ ન બોલાઈ જવાય એની તકેદારી રાખતાં. સમય આવ્યે, તક મળ્યે માનસીના દોષ મોટા કરીને રવિને બતાવ્યા કરતાં.

કોઈ વાઇરલ બીમારી ફેલાય ને એ ફફડી જતી. રવિની ઇમ્યુનીટી નબળી પડી ગયેલી ને. ક્યારેક બધુ જ છોડીને ક્યાંક જતી રહેવાનું મન થતું. પણ બીમારની હાય લઇને ક્યાં જવું..અને મન મારી દેતી. રવિનો સ્વભાવ પણ અતિશય બગડી ગએલો. વીકમાં ત્રણ ચાર વાર તો એને રડાવતો જ. પોતે શિક્ષિત હતી. લગ્ન પહેલા જોબ કરતી..પણ હવે રવિની જવાબદારીએ એને જાણે રૂન્ઘી નાખી હતી.

હવે આ બધા ખુલાસા કંઇ બધાને તો ન કરાય એટલે એણે આવા પંચાતિયા લોકોથી અંતર બનાવી લીધેલું.

એને ઘણી વાર એવી શંકા જતી કે એને ગેલેરીમાં જુએ ત્યારે એ માજી આસપાસ બેઠેલ બધાં સાથે એનાં વિષે જ વાત કરતા. એની વહુ પણ દોડી દોડીને માજી પાસે બહાર આવતી. માનસીને થતુ "બિચારી, કેવી તાબામાં રાખી છે."

સાંજે અડોશપડોશમાંથી બધાં મોઢે જતા હતાં. માનસીની તો ઇચ્છા જ નહોતી પણ વિચાર આવ્યો. એની વહુના ચહેરા પર કેવી હળવાશ હશે. ગમ્મે એટલુ છુપાવે પોતે પકડી જ પાડશે. એક દબાવેલા આનન્દ સાથે એ ગઇ. પણ, ત્યાં જઇને તો એ નવાઈ પામી ગઇ. એમની વહુ, ઓહ દિના નામ હતુ એનુ. એ પોતાને સંભાળી નહોતી શકતી. જાણે એના મમ્મી જ ગયા હોય એવી લાગણી આંસુઓમાં નીતરતી હતી.
માનસીએ બહુ ટ્રાય કરી એ આંસુઓ પાછળ ક્યાંક રાહતની લાગણી દેખાય. પણ ક્યાંય જરા પણ રાહત ન જ દેખાઈ. ઉલ્ટી ઊંડી વેદના જ હતી. એ ચૂપચાપ બેસી રહી. બધા જવા લાગ્યા પણ એને જાણે કંઇક રોકતુ હતુ.

અચાનક માનસીને જોઈને એ ઊભી થઈ અને હાથ પકડીને બેસી ગઇ. "તમે માનસી બહેન ને?" માનસીને અટપટુ લાગ્યું. એણે હકારમાં મોં હલાવ્યું. દિના લાગણી નીતરતા ચહેરે બોલવા લાગી " મમ્મી કાયમ તમારા વખાણ કરે. હું તો મા વગર મોટી થયેલી એટલે મને તો મમ્મીએ જ બધુ શીખવ્યું. મમ્મીને પગની તકલીફ હતી તો ઉભા તો રહી જ ન શકતા. વળી એમને આખો દિવસ અંદર બેસીને ગુન્ગણામણ થતી એટલે બહાર બેસતા. પણ બેઠા બેઠા થાય એ બધુ કામ એ જ કરતાં. પણ તમારા પ્રત્યે તો એમને કોઈ અહોભાવ હતો. તમારી વાત તો અલગ જ. ન સાસુ ન કોઈનો સપોર્ટ, તમારા જેઠ જેઠાણી તો વર્ષે એકાદ વાર ડોકું કાઢે. રવિભાઇ વારે વારે માંદા પડે, પણ તમે તો ઢાલ બનીને એની આસપાસ જ જીંદગી રચી દીધી. એવુ મમ્મીએ કહ્યુ ત્યારે જ મને સમજાયું કે પ્રેમ કોને કહેવાય!"


" સીધી સરળ કેડીએ એક બે ફૂલને લઇને જીવી જવું અલગ વાત છે અને તમારી જેમ સંઘર્ષ વેઠીને કોઈને આંગળીએ ચિંધવા ન દેવી. બધા દિવાળી ફટાકડા ફોડીને મનાવતા હોય અને તમે રવિ ભાઈ માટે દરવાજા બારી બધુ બન્ધ કરીને બેઠા હો." મમ્મી તો તમને "આજના યુગની સતી" જ કહેતા હતા." એ કહેતાં "બીજી કોઈ સ્ત્રી કદાચ છોડી ગઇ હોય અથવા બાળક માટે ગમ્મે તે કરી છૂટી હોય." એણે સૂચક નજરે જોયું.

માનસી અવાચક થઈ ગઇ. અચાનક એની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા અને એ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી.