U turn in Gujarati Moral Stories by Salima Rupani books and stories PDF | યુ ટર્ન

Featured Books
Categories
Share

યુ ટર્ન

મીનાબેન ઠાકોરજીની સેવા કરતા કરતા ભૂતકાળમા સરી ગયા, એમને બળવંતરાયનો ગરમાગરમ મગજ યાદ આવ્યો, હા, બળવંત રાયનો ગુસ્સો આખા પરિવારમા અળખામણો હતો.

એવુ નહોતુ કે બાકીના સભ્યો બરફના બનેલા હતા, સમયાંતરે ગુસ્સો તો માણસને આવે એવુ માની નાના મોટા કારણો મળે ત્યારે એમના બન્ને દીકરાઓ પણ ગુસ્સો કરી લેતા. પરંતુ પિતાજીની સરખામણીમાં એ કાંઇ ના કહેવાય

મીના બેન, બળવંત રાયના પત્ની આટલા વર્ષે પણ તેમના ગુસ્સાથી સહેમી જતા, રડી પડતા અને ક્યારેક એક બે દિવસ નીમાણૂ મોં લઇને ફરતા. ખાસ કરી ને બબ્બે વહુ આવ્યા પછી આ ફજેતો તેમને અસહ્ય લાગતો.

ક્યારેક થતુ કે એ બધુ છોડીને જતા રહે. પણ, જાય તો ક્યાં જાય. પીયરના નામે કાઈ હતુ નહી. માતાપિતા ગયા પછી. એક બહેન હતી પણ એ તો છેક અમેરિકા અને જીંદગીમા કોઈ નિર્ણય જાતે નહોતો કર્યો. તો એકલા રહેવાની કલ્પના જ રાશ નહોતી આવતી.

ક્યારેક એ વિચારતા કે હૂં પણ બન્ને વહુઓ કરે છે એમ રવિવારે આરામથી ઊઠુ, બહાર નીકળી પડુ. શોપિંગ, મોલ, પિક્ચર, બહાર જમવાનુ, પણ એમને ખબર હતી કે દુર્વાસા મુની જેવા પતિ પાસે આવી કોઇ અપેક્ષા રાખવી એ ય મૂર્ખામી હતી. ઊલટુ કાઈ છમકલું ના થાય અને શાંતિથી દિવસો નીકળી જાય એ ફીકરમાં ફર્યા કરતા.

એમની પોતાની કોઈ પસંદગી હોય કે ઇચ્છા હોય એવુ તો આટલા વર્ષોમા એ પણ ભૂલી ગયા હતા.

પણ હમણા હમણા નાની વહુ હેતલ આવ્યા પછી કંઇક અટપટુ લાગે એવું બની જતું. ધર્મેશ એમનો મોટો દિકરો , એની વહુ મીરા અને નાના જયેશની વહુ હેતલ. છોકરાઓના નામ પાડવામાંએે બળવંત રાયે કોઈનુ સાંભળ્યું નહોતુ અને જ઼ે પોતાને ગમ્યા એ જ નામ રાખ્યા હતાં.

એમાં આ હેતલ વાત વાતમાં પોતાની પસંદ, નાપસંદ, અભિપ્રાયો અને સપનાઓ જાહેર કરતી તો એ આશ્ચર્યથી જોઇ રહેતા. જયેશ બધાની વચ્ચે એને હેતુ કહેતો અને પોતાની એમનાં મોઢે મીનુ સાંભળવાની ઇચ્છા યાદ આવી જતી જે ક્યારેય પુરી ના થઈ. એમના માટે આ બધુ અવનવુ અને અતરંગી પણ હતુ. સાથે સાથે ડર પણ લાગતો કે ક્યાંક બળવંત રાયની હાજરીમાં હેતલ કંઇ બોલી ના જાય. પણ સાથે ખુશ પણ થતા કે ધર્મેશ અને જયેશ પપ્પા પર નથી ગયા.

એક દિવસ રવિવારે સવારે રાબેતા મુજબ ઊઠીને ચા અને નાસ્તો બનાવતા હતા. હા બળવંતરાયને બરાબર 6ના ટકોરે ચા અને નાસ્તો જોઈતો, ચા તો પાછી એના સિવાય કોઇના હાથની નહી, દુનિયા આમથી તેમ થાય પણ એમની ચામા કઈજ આમતેમ ન થવુ જોઈએ. 6 ને 5 થઈ જાય તો ચા વગર એ રઘવાયા થઈ જતા. એમના કુટુંબમાં વર્ષોથી આવતા નકોરડા ઉપવાસનો સિલસિલો પણ એમણેે ચાની આદત ને લીધે તોડ્યો હતો. વહુ કોઈ બહાર ડોકાઈ નહોતી, કે પછી સૂતી હતી. અચાનક સીલિન્ડર ગયો. હવે ખેંચીને ભરેલો સિલિન્ડર લાવવા જતા પગ લપસ્યો અને માથુ પ્લેટફોર્મની ધાર સાથે અફળાયૂ.


ચારે તરફ અંધારુ છવાતુ ગયું અને કંઇક ભીનુ કદાચ લોહી અનુભવાયું, લાંબી ઉંઘ પછી આંખો ખુલી ત્યારે પતિને માથે ખુશ ખુશાલ ઝળૂમ્બતા જોઈને કશુ સમજાયુ નહી.

એમને દોડી જતા જોઈને ગીતાબેન વધારે ગુંચવાયા. ત્યાં ડૉક્ટર ઝડપથી આવ્યા અને એ પણ આટલા ખુશ, અચમ્બા સાથે જોઇ રહી. બોલવા પ્રયાસ કર્યો ત્યારે જ ખ્યાલ અવ્યોકે હાથમાં, મોંમા , બઘેજ નળીઓ લગાડી હતી. અને માથામાં સબાકા પણ આવતા હતા. ડૉક્ટર બળવંતરાય સાથે હાથ મીલાવતા અભિનંદન પાઠવતા હતા. અને આઠમી અજાયબી તો એ હતી કે બળવંતરાય રડી રહ્યા હતા ત્યાં એમનું આશ્ચર્ય બેવડાયૂ.


તરત ઘૂઘવતી નદીની જેમ હેતલ આવી પહોચી. સાથે ઓહો, માની ન શકાયુ. વર્ષો પછી પોતાની બહેન સીમા. અર્રે પણ એ આટલી વારમાં ક્યાંથી પહોંચી ગઇ!

ત્યાં બળવંતરાય આવ્યા અને તેમનો હાથ પકડી આંસુ ભર્યા ચહેરે હસી રહ્યાં. મીના આભી બનીને જોઇ રહી.બધાની વચ્ચે સ્પર્શે. આવુ તો બને જ નહી અને એને થયુ આ કેમ સુકાઈ ગયેલ લાગે છે. ત્યાં સીમા એને કપાળે. ગાલે હાથ ફેરવવા લાગી અને "મીનુ ", "મીનુ" કરતી રડી પડી. ઉપર જોયુ તો હેતલ, મીરા, જયેશ, ધર્મેશ બધાની આંખમા આંસુ. એને ધ્રાસકો પડયો," કૈક અઘટિત તો નથી બની ગયુ ને!?"

બોલવાની કોશિષ નકામી જતી હતી, અને કોઈ બોલતુ જ નહોતુ...અંતે બળવંતરાય મૌન તોડતા બોલ્યા. "આવી ગઇ ને મારી મીનુ પાછી"..ઓહ, આ મીનુ શબ્દ એમના મોઢે કેટલો મીઠો લાગ્યો. હંમેશા જયેશના મમ્મી એવુ સાંભળવા ટેવાયેલી હતીને.
ત્યાં હેતલ બોલી પડી "મમ્મી ખબર છે આ ચૌદ દિવસ અમે કેમ કાઢ્યા છે, ડૉક્ટર તો કહેતા હતા કે અમે તમને ગુમાવી દીધા! " શુ, ??? ચૌદ દીવસ! તો પોતે ચૌદ દિવસથી અહિયા પથારીમાં પડી છે! ઓહ નો."

ધીમે ધીમે બધુ સ્પષ્ટ થયુ, તે સવારે એમ્બ્યુલંસ બોલાવીને પોતાને અહિયા લાવેલા. કોમામાં જતી રહી હતી. ડોક્ટરે બહુ આશા નહોતી બતાવી અને એક અઠવાડિયા પછીતો કહી દીધેલું કે કોઈ અંગત હોય તો એમને બોલાવી લો અને આમ સીમા ઉડીને આવી પહોંચી હતી.

ધીરે ધીરે મીનામાં શક્તિ આવતી ગઇ, નળીઓ ઘટતી ગઇ, અને મોઢેથી પ્રવાહી લેતી થઇ. ચાલો સારુ થયુ, પણ કાંઇક મનમાં ખૂચ્યું. ફરીથી એ ઘરે જવાનુ? અહિયા કેટલી શાંતિ લાગતી હતી. ના સુવા ઉઠવાનો સમય, ના સવારની ચા સાચવવાની ચિંતા. એ ચાની રામાયણમાં તો પોતે અહિયા આવી પહોંચી હતીને, કદાચ ભગવાન પાસે પણ પહોંચી જાત. મનમાં હસવું આવ્યુ ભગવાન પાસે જવાની કલ્પનાથી.

સ્ટ્રેચર આવ્યુ. પણ ખબર નહી કેમ એણે એણે ના પાડી અને કહ્યુ કે "હુ બહાર સુધી ચાલીશ." થોડો ડર લાગ્યો. કે હમણા બળવંતરાય બોલી ઉઠશે કે ચુપ ચાપ સુઈ જા સ્ટ્રેચરમાં. પણ ના, એવુ કૈં બન્યુ નહીં. એને બદલે એમને એક હાથ પકડીને ઊભી કરી અને સીમાને ઈશારો કર્યો બીજો હાથ પકડવા.

ઘરે પહોંચીને તે હતપ્રભ બની ગઇ, દરવાજે આરતીની થાળી લઇને મીરા ઊભી હતીને જેવી ઘરમાં પ્રવેશી કે હેતલ ફૂલો વરસાવવા માંડી. એને લાગ્યું કે આ બધો હેતલ અને સીમાનો પ્લાન હોવો જોઈએ. શણગારેલા રૂમ ને જોઇ રહી આતો મારો પ્રિય આસમાની રંગ...અરે આ વિન્ડ ચાઇમ તો એને બજારમાં કેટલુ ગમ્યુ હતુ. આ બધુ કોણે, ક્યારે કર્યું બળવંત રાય ને તો સફેદ દિવાલો ગમતી અને એ ઉંઘ માં સરી પડી.

સવાર ના 6.30 થયા હતા અને ઉંઘ ઊડી. ઘરમાં શાંતિ વર્તાતી હતી. અચાનક ઝાટકો લાગ્યો પતિની ચા... ધીમે ધીમે ઊભી થઇને રસોઈ માં ગઇ, જૂનો ડર ફરીથી ઘેરી વળ્યો કે હમણા બરાડો પાડશે, પણ આ શુ પાછળથી બળવંતરાય આવ્યા અને પાછળથી બન્ને હાથે એને પકડી લીધી, કહેવા લાગ્યા કે "રહેવા દે મીનુ, મેં ચા છોડી દીધી છે." આઠમી અજાયબી સામે હોય તેમ તે જોઇ રહી.

ત્યાં સીમા આવી અને કહેવા લાગી, "મીનુ, જીજુનુ આ સ્વરુપ તો તે અમારાથી છુપાવી રાખ્યું હતુ. તારી ફિકરમાં ખાવા પીવાનુ ભૂલી ગયા, તારી તંદુરસ્તી માટે ચા જીંદગી ભર છોડી દેવાની માનતા માની, અને સતત હોસ્પિટલ માં તારી પાસે પ્રાર્થના કરતા બેસી રહેતા હતાં. નસીબદાર છે તુ તો"


ત્યાં મીરા ને હેતલ આવ્યાં. "ખરેખર મમ્મી અમને તમારી ઈર્ષા આવે છે, આવો અને આટલો પ્રેમ પપ્પાજી તમને કરે છે ભાગ્યશાળી હો. અમે તો ખાલી ખોટા એમને ગુસ્સા વાળા, ગુસ્સા વાળા કહીને ડરતા હતાં". ત્યાં બળવંતરાય બોલ્યા "મીનુ હવે જો તે આરામ નથી કર્યોને તો હુ ગુસ્સો કરીશ હો"!