Sambandh name Ajvalu - 24 in Gujarati Moral Stories by Raam Mori books and stories PDF | સંબંધ નામે અજવાળું - 24

Featured Books
Categories
Share

સંબંધ નામે અજવાળું - 24

સંબંધ નામે અજવાળું

(24)

પારુલદે મરશિયાં ગાય રે

મર્યો રે હાય... ઉમળકો !

રામ મોરી

ઉંમરમાં અને ઘરના ઉંબરમાં દીકરાનું વીસમું વર્ષ બેઠું હતું. ઓણસાલ તો પટેલે દીકરાના લગન કરી નાખવાનું નક્કી કરેલું. ઈ હરખમાં અને હરખમાં પટલાણીએ મેડીવાળા મકાનની પશીતને ત્રણવાર ગાર્ય અને ચૂનાથી ધોળેલી. નીસરણીના છેલ્લા ઉપરના ભાગ સુધી પહોંચીને પટલાણીએ હાથ લાંબો થાય ત્યાં સુધી હાથ લાંબો કરી કરીને ગાર્યમાં પાંચ આંગળીયુંના ભાતની અંકોળીયો કરેલી. મેડાવાળા ઉપરના ઓરડામાંથી વધારાનો સામાન ડેલીમાં નીચેના ઓરડીમાં ફેરવાઈ ગયો હતો. પટલાણી મેડીએ ચડીને આભની છાતીએ હડીયું કાઢતા કાળા ડિબાંગ વાદળાઓને જોતા અને મનમાં હરખાતા. બસ, આ ચાર મહિના મારો મહારાજ મન મુકીને વરસી જાય અને શિયાળે તુળશીવિવાહ થાય કે મારી ડેલીએ લાલાના લગનના ઢોલ વાગશે. રાત્રે વાળું કરતા પટેલને રોટલા પર માખણનો પીંડો ચોપડી દેતા દેતા પટલાણી કટંબના મોંગા મચકોડતા ભાયું હારે સમાધાન કરી લેવા સમજાવતા રહે છે. શું છે કે લગનના ટાણે રીહાઈને નાતમાં ભૂડું લગાડે એવા ભાયું કરતા ભાણે બેસીને સાડલાની ખોયમાં લાડુ ચોરી જતી બાયું વધારે સારી. ગામની રબારણું અને કણબણ્યું ચાની અડાળી પીતી જાય અને ઓણસાલ તો તમારે વોવ આવી જાહે પશી શાંતિ એવા ટચાકા ફોડતી જાય. રાતે પિયરથી કરિયાવરમાં લાવેલી પેટીમાંથી ઘરચોળું કાઢીને પટલાણી કબાટના અરીસામાં ત્રણ વાર જોઈને મલકાઈ જાય. આજકાલ તો પટલાણીને સપનાય ઓખણ પોંખણના આવે. વાવણીનો

ટાઈમ થયો. બારે મેઘ ખાંગા થયા. ગામના ખેડૂ સવારે બળદ જોડવાના શુકન લેતા હતા અને ગામમાં દેકારો થઈ ગયો. મેડીવાળા પટેલનો વીસમાં વર્ષની આંબા ડાળે બેસેલો દીકરો ઓલવાઈ ગયો. રાતે ગામના ચોરે બેસવા ગયેલો ને વળતા અંધારામાં કાળોતરો આભડી ગ્યો. વાવણી ઘી તાવણી. વરસતા વરસાદમાં દીકરાને જલદી જલદી અગ્નિદાહ દઈને પાછા જલદી જલદી બળદ જોડવા પડશે નહીંતર વાવણી ગઈ તો આખું વરસ ટલ્લે ચડશે. ઈ વરસતા વરસાદમાં ધોળી પછેડીઓ ઓઢીની લાંબા સાદે રોતા પટેલને જોઈને ભલભલાની આંખ્યું ભીની થઈ જાય. ભીંત હારે માથા પછાડતી પટલાણીને જોઈને બાયુંની છાતીના પાટિયા બેસી ગ્યા. વખત વધારે હતો નહીં અને દીકરાની નનામી ઘરની બહાર નીકળી ગઈ. જેના ઓંખણ પોંખણ કરવાના હતા એના મોઢે અગ્નિદાહ અપાઈ ગયો.

સ્મશાન સુધી બાયુંને જાવા નો મળે ઈ રિવાજને કાળા સાડલામાં બાંધીને સાડલા છેડાને એકબાજુથી ખુલ્લો મુકે અને છાતી સમાણા ઘુંઘટા કાઢી અઢારે વરણની બાયુ ગોળાકારે ઉભી રહે. જેનો સાદ લાંબો અને તીણો હોય ઈ બાય મરશિયાં ગાતી જાય અને બાકીની બાયું તાલબધ્ધ લય સાથે છાતી પર બે હાથની હથેળીઓ પછાડે અને ઝીલતા જાય કે હાય વીરલા હાય હાય....હાય મારા ઓરતા હાય હાય હાય. જો મરનારી વ્યક્તિ સ્ત્રી હોય તો ઝીલનારી બાયુનું ઝીલણ હોય કે હાય બેનડી હાય હાય...હાય મારી સૈયર હાય હાય. એવું કહેવાય છે કે આ મરશિયાં સાંભળીને જેને રોવું ન આવતું હોય એય છાતી ચીરાઈ જાય એવા સાદે રોઈ પડે. મરશિયાં ગુજરાતી ભાષાનું હીર છે. મોટાભાગે દરેક ભાષામાં આવા મૃત્યુગીતો અવેલેબલ છે. મરશિયાંના શબ્દો એટલા ધારદાર હોય કે સાંભળનારને એ ડિસ્ટર્બ કરી દે. અરે, આપણા ગામડાઓમાં તો આજે પણ મરશિયાં મરણ સિવાય ગાવા એને અપશુકન માનવામાં આવે છે.

અહિંયા મારો હરખ છે ગુજરાતી ભાષાની કવિતાનું એક નોખું નામ પારુલ ખખ્ખર. મૂળે અમરેલીના નિવાસી કવિયત્રી પારુલ ખખ્ખર એક ગૌરવવંતા ગૃહીણી છે. એમની રચનાઓમાં શબ્દ તાલ અને લયની જે ગુંથણી છે એ વાચકોને તરત પોતાના કરી લેવાની ક્ષમતા ધરાવે છે. તાજેતરમાં કવિયત્રી પારુલ ખખ્ખરનો પ્રથમ કાવ્ય સંગ્રહ ‘’ કલમને ડાળખી ફૂટી’’ પ્રકાશિત થયો છે જેને વાચકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે.મૂળે તો મરશિયાં એક પ્રકારે લોકગીતોની જેમ લોકોના સમૂહ દ્વારા, પીડિતાઓના પોકારનો પ્રતાપ છે પણ જ્યારે એક સર્જક આ મરશિયાંનું આલેખન કરે ત્યારે જાણ્યે અજાણ્યે એની સીધા સરખામણી પરંપરાગત મરશિયાં સાથે થઈ જ જવાની. પારુલ ખખ્ખરે લખેલું મરશિયું વાંચીએ તો સૌથી પહેલાં તો મન મગજને તમ્મર ચડી જશે, ઘેરા વિષાદમાં ધોળાઈ જવાશે...

કાળની તલવાર્યુ વિંઝાય ...મર્યો રે હાય... ઉમળકો

પારુલદે મરશિયાં ગાય ...મર્યો રે હાય... ઉમળકો

રાત દિ' વિનવું અલ્લા પીર ...ખમ્મા

ઉમળકો રે'જો રણમાં સ્થિર ...ખમ્મા

ઉમળકે ઝીલ્યા તાતા તીર ...ખમ્મા

ઉમળકો તો ય મર્યો ભડવીર ...ખમ્મા

ઓરતા રહ રહ રોતા જાય ... મર્યો રે હાય ... ઉમળકો

પારુલદે મરશિયાં ગાય ...મર્યો રે હાય... ઉમળકો

હતો એ લોંઠકો ને ધીર ...જીવલા

હતો એ જગ આખ્ખાનો મીર ...જીવલા

હતો એ નરબંકો શૂરવીર ...જીવલા

ઘવાયો તેમ છતાં ગંભીર ...જીવલા

કાગડા ઠોલી ઠોલી ખાય ...મર્યો રે હાય ...ઉમળકો

પારુલદે મરશિયાં ગાય ...મર્યો રે હાય... ઉમળકો

લઈ જા આંખલડીનું હીર ...ગીધડા

લઈ જા મેલુંઘેલું લીર ...ગીધડા

લઈ જા શીરો પૂરી ખીર ...ગીધડા

લઈ જા ઠામુકું મંદિર ...ગીધડા

ચોકમાં ગીતાજી વંચાય ...મર્યો રે હાય...ઉમળકો

પારુલદે મરશિયાં ગાય ...મર્યો રે હાય... ઉમળકો

- પારુલ ખખ્ખર

એવું લાગે જાણે આ મરશિયું વાંચ્યા પછી કાનમાં એક લાંબુ સુન્નનનનન સંભળાતું રહે છે કોઈ ધાક જેવું. જે લોકો પરંપરાગત મરશિયાંથી પરિચિત હશે એ લોકોને પારુલ ખખ્ખરના મરશિયાંને વાંચ્યા પછી પ્રસ્તુત મરશિયાંના કવિ કર્મ પર ખરેખર માન થઈ આવશે. અહીં આ મરશિયામાં મૃત્યુ સાથે જોડાયેલી વિધિઓ અને ક્રિયાકરમની વિગતો કવિયત્રીએ કૂનેહથી જોડી આપી છે. સ્વજનના મૃત્યુથી આંખનું હણાતું હીર હોય છે, બારમાં દિવસે વંચાતા ગરુડપુરાણ અને ગીતાજી ખમતીધીર હોય કે ત્રણ વર્ષ પછી શ્રાધ્ધમાં ભેળવીને ખવાતી પૂરી ખીર હોય. જનારા સ્વજનનો સથવારો રોનારાઓ માટે કેટલો અગત્યનો હતો, કેટલા ખપનો હતો એ વાતો અહીં પંક્તિમાં વણાઈ છે. સનાન ( સ્નાન) ક્રિયા પતાવ્યા પછી માથાબોળ બાયુના ટોળા શિવ મંદિરે કડવા લીમડાના પાન લઈને દર્શને જાય ત્યારે રડનારા માને છે કે અમારું મંદિર તો કાયમ જતું રહ્યું મસાણમાં પછી આ કોને મંદિર મેલું લીર થઈને આળોટવાનું ! આપણે ત્યાં દરેક સંબંધના મરશિયાં છે પણ પારુલબેને અહીં કોઈ સંબંધ નહીં બધા જ સંબંધને આવરી લેતા ઉમળકાનું મરશિયું લખ્યું છે. ઉમળકો દીકરાને પરણાવીને ઘરમાં નવી વહુ લાવવાનો હોઈ શકે, ઉમળકો પરણીને સાસરે ગયેલી દીકરીને મોંઘેરું જિયાણું કરવાનો પણ હોઈ શકે, ઉમળકો આખી જીંદગી એકમેકની આંખ્યુના અજવાળા પીઈને લાંબુ પ્રસન્ન લગ્નજીવન જીવવાનો પણ હોઈ શકે, ઉમળકો બહેનને ભાઈના જવતલનો હોઈ શકે, ઉમળકો ભાઈને બહેનના મામેરાનો હોઈ શકે, ઉમળકો દીકરીને દાદાનો હોઈ શકે, ઉમળકો દિયરને ભાભી લાડનો હોઈ શકે, ઉમળકો એક ભેરુને બીજા ભેરુના હાંકલા હોંકારાનો હોઈ શકે, ઉમળકો ઘુંઘટની મરજાદ સાચવીને મૂંગા મૂંગા ડંકીએ પાણી ભરવા જતી વેળાએ જેની પાસે રોઈ શકાતું હતું એવી બહેનપણીનો પણ હોઈ શકે, ઉમળકો કાચા કુંવારા પાંચીકાનો પણ હોઈ શકે, ઉમળકો ચૂલે ચડીને ઘી સાથે પીરસાવવા અધીરી લાપસીનો હોઈ શકે, ઉમળકો મોતીદાણો ભરત ભરાયેલા ચોળાયેલા ઓછાડનો હોઈ શકે, ઉમળકો દી આથમે હાથમાં મુકાતા લોટો પાણીનો પણ હોઈ શકે, ઉમળકો લીલાવાંસના માંડવે મલકાતા આંબા પાનનો પણ હોઈ શકે ને ઉમળકો પાણિયારે હરખાતી ગાગરને ભીનાશનો પણ હોઈ શકે. આ બધા ઉમળકા જ્યારે નંદવાઈ જાય ત્યારે કરચો છાતીમાં આયખાની ભીંતને જે રીતે લોહીલુહાણ કરે કે કોઈ શબ્દ, કોઈ સાંત્વના કે કોઈ પડખું એ ધ્રાસકાને સંભાળવા પૂરતો નથી. એવા ટાણે આ મરશિયાં પાલવ પાથરીને કહેતા હોય છે કે ઓ મારી બેની...જનારા તો જતા રહ્યા પણ હવે તારા ભરોસે ભાખોડિયા ભરે એની સામું તો જો...અને એ મરશિયાં મીણની જેમ માણસના દુ:ખને પીગળાવે. પારુલ ખખ્ખરનું આ મરશિયું વાચકની છાતીમાં વર્ષોના વર્ષો સુધી ગંઠાયેલા કોઈ મીણને શબ્દોને વિષાદનો ઘેરો દાહ આપી પીગળાવવાનું કામ કરે છે.

ગુજરાતી ભાષાના પોતને આવી રચનાઓ વધુને વધુ સમૃદ્ધ બનાવે છે. મરશિયાંની સીધી અસર વાચકને અનુભવાય છે એમાં જ કવિયત્રી સીધા સફળ છે. કવિયત્રી પારુલ ખખ્ખરને માનવ મનના ઓરતાના આંધણે મુકાયેલા દેગડાં અને લાગણીને ઠોરતા કાળના કાગડા બંનેને એક સાથે ગુંથવાની જે કુદરતી આશિષ મળ્યા છે એને જોઈને વારંવાર હરખાઈ જવાય છે. આપણે ઈચ્છીએ કે બસ, પારુલદે આમ જ મરશિયાં ગાતા રહે !

***