Sambandh name Ajvalu - 4 in Gujarati Moral Stories by Raam Mori books and stories PDF | સંબંધ નામે અજવાળું - 4

Featured Books
Categories
Share

સંબંધ નામે અજવાળું - 4

સંબંધ નામે અજવાળું

(4)

કન્યા પધરાવો સાવધાન !

રામ મોરી

‘બેટી બચાવો’, ‘બેટી પઢાઓ’, ‘અમારા ઘરની વહુ અમારી દીકરી છે’, ‘અમે તો દીકરો અને દીકરી વચ્ચે કોઈ ભેદભાવ રાખતા જ નથી.’ આ બધા સૂત્રો, નારાઓ અને પોરસાતા પોંખાતા વાક્યો અને વાતો વચ્ચે આઠમી માર્ચ આવીને જતી રહે છે. તુરંત મોટા મોટા હોર્ડિંગ્સ લાગી જાય અને ઉતરીય જાય, કોકટેલ પાર્ટીઓ ગોઠવાય અને ઓવર ડ્રીંકીંગ થઈ ઉલટીમાં સાફ થઈ જાય, મહિલાઓના ઉત્થાનની વાતો થાય અને બગાસામાં ખવાઈ જાય, મોંઘી મોંઘી સિલ્કની સાડીઓ પહેરેલી, રેડવાઈનની સીપ લેતી સમાજસેવિકાઓ પોતાના લાખો રૂપિયાના ડાયમંડ નેકલેસને ગળામાં એડજસ્ટ કરતી કરતી કહેતી રહે છે, ‘’ વ્હોટ આઈ ફીલ કે આ વુમનલોગોએ સેલ્ફ વિશે વિચારવું જોઈએ..બધી રીસ્પોન્સીબીલીટ ટેકલ કરતા કરતા પોતાની ચોઈસ લોસ્ટ કરી બેસે છે...એક્સક્યૂઝમી વેઈટર...વન મોર ગ્લાસ પ્લીઝ....’’ સરવાળે યાદ રહેશે કે કોણે કેવી સાડી પહેરી અને કોણે કયો ડાયમંડ લીધો, ન્યુઝ પેપર અને ટીવીમાં મહિલાસશક્તિકરણના નામે બૂમો પડાઈ, જાણીતી સ્ત્રીઓના, સેલિબ્રિટીસ વુમન બધા લોકો ડિબેટમાં બેસીને નેઈલપોલીશના કલર બતાવતા બતાવતા સ્ત્રીઓની શક્તિની વાતો બતાવતી ગઈ, મહિલાપ્રધાન ફિલ્મો આખો દિવસ ચાલી અને રાતના અંધારામાં બધું ખોવાઈ ગયું. આજે મારે સ્ત્રીઓ પર કેટકેટલા અત્યાચારો થયેલા છે અને પૂરાણકાળમાં સ્ત્રીઓ પર કેવા જૂલ્મ થયા અને અત્યારે સ્ત્રીઓ ક્યાં છે એ કોઈ વિશે વાત નથી કરવી. મારે વાત કરવી છે આજની પેઢીની વીસી કે ત્રીસી સૂધી પહોંચેલી છોકરીઓની ! આયખાની અટારીએ જે પોંખાઈ ચૂક્યો છે એવો નહીં પણ હવે જે પોંખાવવાનો છે એવા સમૂહની આજે વાત કરવી છે.

આજની કન્યાઓ પાસે નવી નવી ચેલેન્જ છે, નવા નવા પ્રશ્નો છે, એમણે જાત્તે શોધેલા નિરાકરણ છે અને એ નિરાકરણમાં પણ એમનો પોતાનો મૂંઝારો છે. પરંતુ અત્યારની દરેક છોકરીને સૌથી મોટો કોઈ પ્રશ્ન સતાવતો હોય કે મૂંઝવણ હોય તો એ બાબત છે લગ્ન, લગ્ન પછીનું જીવન, બદલાઈ જતી ઓળખ અને એ બધાની વચ્ચે પોતાને ટકાવી શકવાની મથામણ.આજે હવે જ્યારે લગ્નની ઉંમર થાય છે ત્યારે છોકરીઓ જે પ્રશ્નોનો સામનો કરે છે એ પ્રશ્નો છોકરો બનીને નહીં સમજી શકાય.

  • રસોઈ આવડે છે ? ગુજરાતી જ આવડે કે બીજુ બધું પણ ફાવે ?
  • લગ્ન પછી પણ જીન્સ જ પહેરશો કે ડ્રેસ ફાવશે ?
  • કોઈ લવ અફેર ખરું ?
  • સોશીયલ મીડીયા પર બહુ એક્ટિવ દેખાઓ છો...બહું ગમે ?
  • ડાન્સ સરસ કરો છો..ડાન્સ માટેના તમારા પ્રેમનો આદર કરું છું, પણ સોશિયલ મીડીયા પર વાઈરલ ન કરો તો ન ચાલે ?
  • લગ્ન પછી પણ નોકરી કરશો ?
  • બેઝિક મેડીકલ ટ્રીટમેન્ટ તો આવડે છે ને ? યુ સી અમારા ઘરથી હોસ્પિટલ થોડી દૂર છે. કોઈને કશું થયું હોય તો તમે....
  • અચ્છા આમ તો અત્યારની ગર્લ્સને ન જ આવડતું હોય તો પણ પૂછી લઉં કે તમને લાપસી, સુખડી અને અથાણું બનાવતા આવડે છે ? મારા ફેવરીટ છે.
  • ખૂબ સામાન્ય લાગતા આ પ્રશ્નો કોઈપણ છોકરી માટે યક્ષ પ્રશ્નો છે, આમ તો ખરેખર આ એવા પ્રશ્નો છે જેનો એક જ બેઠકે એક કોફી કે ચાયના કપ સાથે સ્માઈલીંગ ફેસ રાખીને જવાબ આપવા મહામુશ્કેલ છે. તો પણ એ બધા પ્રશ્નોના જવાબો છોકરીઓ આપે છે. સાડી પહેરતા નથી આવડતું અને એ પહેરીને ચાલતા નથી ફાવતું પણ ઘરના લોકોનો એવો ધરાર આગ્રહ છે કે છોકરાવાળા જોવા આવે તો સાડી જ પહેરવાની. રણબીર કપૂર કે સિદ્ધાર્થ મલ્હોત્રાના સપના જોતી કન્યાઓને એના માબાપ એમ કહી દે કે ‘’આગળ પાછળનો બધો વિચાર કરવો પડે, પૈસા છે, ઘરનું ઘર છે, કોઈ બહેન પણ નથી અને ભાઈ પણ નહીં, આખી પ્રોપર્ટીમાં તું એકલી રાજ કરીશ ! તું સારા ઘરમાં હોઈશ તો તારા નાના ભાઈ બહેનને પણ કંઈક સારું ઘર મળશે’’ અને પછી એને પરણાવી દેવાય છે, પોતાને બિલકૂલ ન ગમતા છોકરા સાથે. જો ભ્રુણહત્યા પાપ હોય તો મનહત્યા પણ પાપ જ છે. ઓનર કીલીગની ચર્ચા કરનારા આપણે ચોઈસકીલીંગની ચર્ચા તો ક્યારેય નથી કરતા.

    દાદીમા અને મમ્મી આ બે પેઢીની વિચારધારા વચ્ચે અથડાતી કૂટાતી આજની છોકરીઓ માટે દરેક પગલે પોતાના ‘મનની વાત’ અને ‘પોતાની ઈચ્છા’ એ વસ્તુને સાચવવી મહામુશ્કેલ છે. દરેક તબક્કે એને એક્ઝામ્પલ આપવામાં આવે છે, ‘’જો તારી મમ્મીને જો. આખો દિવસ આખા ઘરને સંભાળે છે તો પણ ક્યારેય ચૂં કે ચાં કરી નથી.’’, ‘’ કામ તો અમે પણ અમારા જમાનામાં બહુ કર્યું છે પણ આ રીતે તું ફરે છે એમ કારણ વગર જ્યાં ત્યાં ભાટકવાની અમને છૂટ નહોતી.’’, ‘’ ઘર સંભાળતા શીખ છોકરી, આ જો બાજુવાળાની છોકરીને લગ્નના છ મહિના ન થયા અને છૂટાછેડાની વાતો સંભળાય છે.’’,’’હોંશિયાર તો તારી મોટી બહેન પણ હતી જ ને, કેવી સમયસર પરણનીને ઠરી ઠામ થઈ ગઈ, આજે બે બાળકોની મા પણ બની ગઈ. બધું સમયસર સારું.’’ વીસી કે ત્રીસીના ઉંબરે ઉભેલી આ છોકરીઓને બીજા લોકો જે રીતે જીવી ગયા એમ જ જીવવાનું છે એવી ફરજ પાડવામાં આવે છે. વળી, વધારે ઉંચી ડીગ્રીવાળું તો ભણાતું નથી કેમકે તો પાછો નાતમાં આટલું ભણેલો છોકરો નહીં મળે.

    કમાતી છોકરી વહુ બનીને જાય તો બહુ જલ્દી સાસરિયામાં કંકાસ ઉભો થાય જ એવી દ્રઢ માન્યતા સાથે માબાપ આજની છોકરીઓના ભણતર બદલાવી નાખે છે. અચ્છા સૌથી મોટી કરૂણતા તો એ છે કે માબાપ એટલા માટે દીકરીઓને નથી ભણાવતા કે એ સરસ મજાની નોકરી કરે પણ એટલા માટે ભણાવે છે કે એને સારો છોકરો મળે. ‘’અમારી વહુ ગ્રેજ્યુએટ છે, અમારી વહુ માસ્ટર ગ્રેજ્યુએટ છે, અમારી વહુ તો ડોક્ટરેટ થયેલી છે.’’ સાસરિયેથી આવા વાક્યો જ્યારે ગર્વથી બોલાતા હોય ત્યારે વહુના ભાગ્યે તો રસોડામાં દૂધી પર ચપ્પુ ચલાવવાનું જ હોય છે. પોતાના ઘરની વહુ સમજદાર અને ભણેલી છે એ સ્ટેટસ ગણાય છે. સોશિયલ મીડીયા પર આખો દિવસ બીઝી રહે છે, કોઈ કામ ધંધો નથી. આવું વાક્ય આજની પેઢીની છોકરીઓ માટે સંભળાય છે પણ આવું બોલનારને એ ખબર નથી હોતી કે સોશિયલ મીડીયા પર એ છોકરી એટલે બીઝી રહે છે કેમકે અહીં એને કોઈ સાંભળનાર નથી. આ પેઢીની છોકરીઓ ડાર્ક લીપસ્ટીક કરીને માત્ર પાઉટ પોઝ આપી જાણે છે એવું નથી...સમય આવે પ્રાઉડ પણ અપાવી જાણે છે. એને જરૂર છે એક સથવારાની, કોઈ સાંભળનારની. આજની છોકરીઓ માટે લગ્ન કરવા કે બાળકો મોટા કરવા એ ‘સેટલ થવું’ નથી. સમય બદલાયો છે તો જરૂરિયાતો પણ બદલાઈ છે. ભૌતિક સુખોની પાછળની આંધળી દોડમાં માણસ આંતરિક સુખ ખોઈ બેઠો છે. બદલાતા સમયમાં જે પ્રકારે આપણી સામાજિક વ્યવસ્થા છે એ મુજબ પુરુષ વધારેને બીઝી થતો જાય છે અને સ્ત્રી વધુને વધુ એકલી પડતી જાય છે. આજની છોકરીઓએ દાદા દાદીના ઝઘડા જોયા છે, કલાકોની કલાકો રાહ જોતી મમ્મી અને વ્યસ્ત રહેતા પપ્પાને જોયા છે, કજોડાની જેમ પરણેલા ભાઈભાભીના નિશબ્દ ઝઘડાઓ અને મનભેદ જોયા છે, ભણીગણીને સમજદાર થઈ સાસરિયે ગયેલી મોટી બહેનના લગ્નજીવનના કંકાસ જોયા છે, પોતાની મોટી ઉંમરની અને વહેલા સાસરિયે ગયેલી બહેનપણીના એ આંસુ જોયા છે જેમાં એના વરના વાક્યો તરત દેખાય કે, ‘’ તારામાં એવી કોઈ વાત નથી જે મને રોજ સાંજે ઘરે જલ્દી પાછા આવવા માટે ઉતાવળ કરાવે.’’ આ બધી વાતો, ઘટનાઓ, નજરે જોયેલું અત્યાર સુધીનું જીવન એ આજની છોકરીઓને અકળાવે છે, ડરાવે છે, પોતાની જીંદગી પણ આવી તો નહીં થઈ જાય ને એ ફફડાટ અપાવે છે. અત્યારે બહુ જ સામાન્ય લાગતી આ વાતો બહુ મોટા અસામાન્ય ફેરફારો જીંદગીમાં લાવે છે.

    લગ્ન એ જીવનની બહુ સુંદર ઘટના છે. એ ક્ષણથી જીવનમાં સુખદુખ, પીડા,અભાવો જેવી દરેક લાગણીમાં સરખો ભાગીદાર તમારી સાથે ઉભો હોય છે. બેટરહાફ એ ત્યારે ‘બેટરહાફ’ ગણાય જ્યારે તમારા ‘હાફ’ને વધારે ‘બેટર’ એ જાણી સમજી શકતો હોય. કશું નક્કર કરવા ધારતા હો તો સૌથી પહેલા તમારા ઘરમાં, કુટુંબમાં જે વહુ બનીને આવી છે એ છોકરીના અધૂરા રહી ગયેલા સપનાઓને ઢંઢોળો એને હૂંફ આપો. બની શકે કે તમારા આ પગલાની સુખદ અસર તમારા ઘર કુટુંબમા ઉછરી રહેલી તમારી દીકરીઓ પર થશે. લગ્ન પછીની દરેક ઘટના એને પણ જવાબદારી કે ભાર નહીં અધિકાર અને સુખ લાગશે. તમારા ઘરની વહુ એ એક એવો દીવો છે કે એની સારસંભાળ તમે રાખશો તો બીજા અનેક ઘરમાં અજવાળા પથરાશે.

    ***