Li. Pramanik Fankodi in Gujarati Short Stories by Kandarp Patel books and stories PDF | લિ. પ્રમાણિક ફાંકોડી

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

લિ. પ્રમાણિક ફાંકોડી

લિ. પ્રમાણિક ફાંકોડી

કંદર્પ પટેલ

: અનુક્રમણિકા :

  • બાળકની નિર્દોષતામાં છૂપાયેલ સંવેદનાનું તત્ત્વ
  • અમદાવાદ : રિવરફ્રન્ટ : ઈશ્કિયાના પાકટ ઈશ્ક
  • દરેક ચહેરો કોઈ વાર્તા કહી જાય છે
  • સ્માઈલ તો ‘ઓટો મોડ’ પર જ રહેવાની છે

  • *બાળકની નિર્દોષતામાં છૂપાયેલ સંવેદનાનું તત્ત્વ*

    સોસાયટીમાં નાના છોકરાઓ વેકેશનમાં કિલ્લોલ કરી રહ્યા છે. કોઈ ફૂટી ગયેલ ફટાકડાના ખોખામાં રેતી ભરીને તેને માટીની ઢગલીમાં સીધું ઉભું રાખવાનો પ્રયત્ન કરે છે. અમુક બાળકોનું ટોળું ગયા વર્ષની જૂની ફિરકીમાં વધેલી દોરી હાથમાં વીંટાળીને લંગર-લૂડી રમે છે. દરેક મસાલાના પ્લાસ્ટીકના કાગળમાં પથ્થર મુકીને તેને દોરીના છેડા વડે બાંધીને લંગર બનાવે છે. ઇંગ્લિશ મિડીયમ સ્કુલમાં ભણતી નાની છોકરીઓ સ્કૂલરિક્ષાની રાહ જોઈ રહી છે. 'હજુ તો વાર છે, મમ્મી. રમવા દે ને!' કહીને ફૂલ-રેકેટ રમવાનું શરુ કરે છે. નાના છોકરાઓ લખોટી વડે 'ટીચવા 'દા રમે છે. ત્યાં જ એક ખમણની લારી લઈને એક ભાઈ સોસાયટીમાં પ્રવેશે છે. છોકરાઓ ખમણ સ્કુલે નાસ્તામાં લેવડાવવાની જીદ ન કરે એટલા માટે અમુક મમ્મીઓ તેને ગેટથી જ બહાર નીકળવાનું કહે છે. સવારનું કામ પૂરું કરીને માથું ઓળવા માટે કાંસકો હાથમાં લઈને ગેલેરી કે ઓટલા પર ગૃહિણીઓ બેસે છે.

    ત્યાં જ એ ચાર વર્ષનો છોકરો સારી એવી લખોટી જીતીને ખમણ લેવા માટે એ કાકાની લારી પાસે જાય છે.

    કાકાને જઈને કહ્યું, "આ નાસ્તાનાં ડબ્બામાં ખમણ આપો ને..!"

    કાકાએ ડબ્બો ભરી આપ્યો અને સાથે બે ચોસલા એ છોકરાના હાથમાં આપ્યા. ડબ્બાના નાના ખાનામાં ચટણી ભરી આપી. હજુ કાકા પૈસા માંગે તે પહેલા પેલા બાળકે હાથ લાંબો કર્યો, લખોટીથી ભરેલો.

    કાકાએ પૂછ્યું,"શું કરું હું આનું બેટા?"

    પેલા બાળકે બહુ નાદાન અને નિર્દોષ ભાવે જવાબ આપ્યો, "ખમણ તમે આપ્યા ને..!"

    પેલા કાકા હસ્યા. એ છોકરાની મુઠ્ઠી બંધ કરીને કહ્યું, "જા રમ. તારા મમ્મીએ પૈસા આપી દીધા છે."

    એટલામાં જ એ છોકરાની મમ્મી આવી અને ખિજાઈ, "મને પૂછ્યા વિના શું લઇ આવ્યો?" અને પેલા કાકાને પૂછ્યું, "કેટલા રૂપિયા થયા?"

    ખમણવાળા કાકાએ કહ્યું, "કઈ જ નહિ. જયારે તેને સમજણ આવશે ત્યારે આ પ્રસંગ યાદ કરશે. વિચારશે કે, કોઈક એ મને લખોટીના બદલે ખમણ આપ્યા હતા. જો હું અત્યારે તેની પાસે પૈસા માંગીને ખમણ આપવાની ના કહું તો આવતી કાલે તે મોટો થઈને બીજા સાથે પણ એવું જ કરશે. નિર્દોષ લોકોને દુઃખ આપીને શું મળવાનું છે બહેન?"

    ફરી એ બાળકના માથા પર હાથ મુકીને એ કાકા ચાલતા થયા. હું એ પ્રસંગનો લાઈવ સાક્ષી બનીને ઉભો રહી ગયો. સંવેદના એ જગાડવાનો વિષય નથી, એ તો ઇન-બિલ્ટ સોફ્ટવેર છે. ક્યારેક પ્રોગ્રામ રન કરવો પડે..!

    *અમદાવાદ : રિવરફ્રન્ટ : ઈશ્કિયાના પાકટ ઈશ્ક*

    રીવરફ્રન્ટ પર સાબરમતીને અડીને બેઠો છું. શહેરનો કોલાહલ નદીના વહેતા પાણીમાં શમીને શાંત થયો છે. ધ્વનિના તરંગો પ્રકૃતિના સ્પર્શ માત્રથી વિખેરાયો છે. શહેરની વચ્ચેથી નીકળતી પાણીની ધારાને અડકીને કેટલીયે ઘટનાઓ આકાર લઇ રહી છે.

    'કસમ કી કસમ હૈ કસમ સે...હમકો પ્યાર હૈ સિર્ફ તુમ સે..!'ના ધીરે-ધીરે વાગતા ગીત સાથે ઢળતી સાંજ વધુ સૂફિયાના બનતી જાય છે. હવામાં ઈશ્કિયાના સૂર રેલાઈ રહ્યો છે. માત્ર ચાર-પાંચ કપલ એકબીજાની સોડમાં છુપાઈને બેઠા છે. ધીરે-ધીરે સૂર્ય પોતાનું દમન શમી રહ્યો છે. બીજી દિશામાંથી આવતો ઠંડો પવન જોડકાને એકબીજાને વધુ નજીક લાવવામાં મદદરૂપ થઇ રહ્યો છે.

    એટલામાં જ ચાર બ્યુટીફૂલ કળીઓ ખીલતી-ખીલતી આવી રીવરફ્રન્ટના દાદર ઉતરી રહી છે. ઉપરથી બે છોકરાઓ તેમને જોઈ રહ્યા છે. વળી, બંનેનું ડેસ્ટીનેશન એ ચાર પાંખડીઓ જ છે તે એકબીજાને ખબર પડતાની સાથે જ હસી પડ્યા. તે ચારેય રસ્તામાં જ બેસીને સેલ્ફીની મોજમાં ખોવાઈ ગઈ. અનેક ચહેરાઓ સાથેની સેલ્ફી લીધા પછી જયારે કોઈ પણ ફેસ-મૂડ સ્વિંગ બાકી ન રહ્યો ત્યારે ફરી પાછા ઉભા થઈને આગળ ચાલવા લાગ્યા.

    બીજી તરફ (બ્યુટી+જેન્ટલ)નું કોમ્બો પેક પોતાની વાતોમાં ખોવાયેલું છે. ક્યારેક પ્રેમથી કપાળ પર મૃદુ ચુંબન થતું. ક્યારેક આંખ બંધ કરીને તે ઈવ પોતાના આદમની છાતી પર કાન રાખીને હાર્ટબીટ ગણતી હતી. લેમ્પ-સ્ટેન્ડ પર બેઠેલ ત્રણ કાગડાઓ તે બંનેના પ્રેમના સાક્ષી બન્યા છે. બગડી ગયેલ એ લેમ્પની નીચે બેઠેલ બંને જાણે પડછાયામાં પ્રેમ કરી રહ્યા છે તેમ જણાઈ રહ્યું છે. તે શાંત વાતાવરણમાં તેમનો પ્રેમ વ્યાખ્યાયિત થઇ રહ્યો હતો.

    દાદા-દાદી કેસરી રંગની ઓપન કારમાં એકબીજાનો હાથ પકડીને બેઠા છે. દાદા આજે લાકડી ભૂલી ગયા છે. દાદીનું માથું દાદાના ખભા પર છે. રીવરફ્રન્ટ પરથી નદીને 'હાઈ' કહેવા માટે બંને રાઈડ પર નીકળી પડ્યા છે. ગાડીમાં વાગતી 'સાથી તેરા બન જાઉં..!'ની ટયૂન પર યંગ હાર્ટ દાદા દુનિયા ભૂલીને એ દાદીના ફોરહેડ પર સાથે વોર્મ કિસ કરે છે. તેનો દીકરો પોતાના પેરેન્ટ્સને ખુશ જોઇને પોતાની વાઈફ સામે હસીને જુએ છે. આ ક્લિક પોતાના ફોનમાં કેપ્ચર કરીને પપ્પા પોતાના દીકરાને તેના ગ્રાન્ડ-પેરેન્ટ્સનો ઇશ્ક મોબાઈલ પર બતાવે છે.

    આઈસ્ક્રીમ પાર્લર પર અમેરિકન ડ્રાયફ્રુટની મજા લેવાઈ રહી છે. કાનમાં પિંક હેડફોન્સ નાખીને સ્થૂળ સાથળ ધરાવતો ખટારો શરીર ઘટાડવા ચાલી રહ્યો છે. સેલ્ફીની સાથે કોફીની મજા લેવાઈ રહી છે. એક નાનું બચ્ચું એકીટશે નદી પર વહેતા જતા શાંત પાણીને જોઈ રહ્યું છે. બોટિંગ માટે પ્રવાસીઓની રાહ જોતા છોકરાના ચહેરા પર કમાણીની ભૂખ દેખાય છે. એકબીજાનો હાથ પકડીને એક કપલ એકબીજાના ચહેરા પર નાની શી સ્માઈલ આપીને ચાલ્યા જાય છે. એક પપ્પા પોતાના દીકરાના ચહેરા પરની સ્માઈલને કેમેરામાં કેદ કરવાની કોશિશ કરી રહ્યા છે. પોતાની પત્ની સાથે આવેલ પતિ સાંજે ચાલવા નીકળ્યા છે. સૂર્ય ડૂબવાની તૈયારી કરી રહ્યો છે. ગરમીની દુકાન આવતી કાલે ખોલવા આજે તે સંકેલી રહ્યો છે.

    હા, દરેક ખુશ છે. પ્રસન્ન છે. શાંત છે. ચિંતાના વમળો વિખેરીને ન્યુટ્રલ બન્યા છે. ખડખડાટ હાસ્ય વાતાવરણમાં ભળતું જાય છે. બસ, ભળતું જાય છે. હવે, આંગળીઓ લેપટોપના કી-બોર્ડ પર ફરતી અટકી છે. લાઈવ ન્યૂઝ ફ્રોમ સેન્ટર.

    *દરેક ચહેરો કોઈ વાર્તા કહી જાય છે*

    આજે સવારે કંપનીમાં એક ઓપરેટર ઘણા બધા લેડિઝ ડ્રેસ લઈને આવ્યો. ગામડાના લોકો માટે દિવાળીની ખરીદી શરુ થઇ ગઈ. (બોનસ + સેલરી)નો કોમ્બો પેક દિવાળીના મહિનામાં દરેક વર્કરને મળ્યું જ છે. કેટલાક ઉછીના-પાછીના કામો પતાવીને જે બચ્યા હોય તેમાંથી દિવાળીની ઉજાણી કરવાની હોય. છોકરાઓને બબ્બે જોડી નવા કપડા અને વાઈફ માટે સાડી, દીકરી માટે ડ્રેસ અને પોતાના માટે જે કઈ વધે તેમાંથી અમુક ખરીદી. આ દરેક ઘરમાં ઘર ચલાવવા માટે ઘરની બહાર રહીને મહેનત કરતા પપ્પાનો ક્રમ હોય છે. સારું-નરસું હોય છતાં પોતાના કુટુંબ માટે સદાય ઋણી રહેનાર બાપ હંમેશા પોતાના સંતાનો માટે સુપરહીરો જ હોય છે. આવતા મહિનાની ડિમાન્ડનો અંદાજ બાપ ચાલુ મહીને જ તાકી દે છે.

    દરેક ઓપરેટરો પોતાની દીકરી અને પત્નીઓ માટે ડ્રેસ જોઈ રહ્યા હતા. સવારમાં બે કલાક સુધી કંપનીનો કોઈ સ્ટાફ હોય નહિ એટલે આરામથી ડ્રેસ ખોલીને જોઈ રહ્યા હતા. દરેક ઓપરેટરની આંખો અને ડ્રેસની વચ્ચે પોતાની પ્રિયતમા અથવા પોતાની દીકરીનો ચહેરો તરવરતો હતો. ડ્રેસ હાથમાં લેતાની સાથે જ બાપની નજર સમક્ષ દીકરી આવીને ઉભી રહી ગઈ હોય તેવું તેમના ચહેરા પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું.

    "અલ્યા, ચંઈ હરખો ડ્રેસ બતાવને મારી નાની બેબલી માટે, અલ્યા..!"

    "કેવો લાગશે મારી બેબલીને? આમ તો મારા જેવું જ પાતળું શરીર છે." ફરી પાછો પોતાની દીકરીને એ ડ્રેસ મનની આંખોથી પહેરાવીને ડ્રેસ કેવો લાગશે તેનો તાગ મેળવી લે છે.

    "ઓય, આખી બોંયનો બતાવ..! ગોમડામાં ટૂંકી બોંયનો ડ્રેસ બેબલીને પહેરાવતા જીવ નૈ ચાલતો. ઈ શે'રમાં કોલેજ કરવા જોહે ત્યોરે ભલે'ન પે'રતી."

    એમના ચહેરા પર ખુશી હતી. પોતાની દીકરીને આજે સરપ્રાઈઝ આપીને તેના ચહેરાની માત્ર ખુશી જોવા માટે બાપનો ચહેરો અત્યારથી જ ખીલી ઉઠ્યો હતો. ચહેરા પરનું ધીમું-ધીમું સ્મિત હૃદયમાં અનેક ઉત્સવ પહેલાના ઉત્સાહની ઉજાણીના અનેક રંગો પૂરી રહ્યું હતું.

    એટલામાં વળી, બીજો કોઈ બોલ્યો. "મારું બૈરું, ક્યોરનું કે'ય છે કે મારે ડ્રેસ લેવો છે. હવ, આપણી જોડે પૈસ્યા આખું વરહ ચ્યો આવવાના હોય? બોનસ આવ, એટલે ખરીદી કરી લઈએ થોડી..!"

    નાઈટમાં ડ્રેસ પહેરવા ચાલે ને..! દિવસે તો સાડી પહેરવાની હોય ગોમડામાં. નાઈટ મોં ચાલે. છેલ્લે એક ઓપરેટર બોલ્યો એ વાત ખરેખર ગળે ઉતરી ગઈ.

    "અમારું બૈરું ક્યોરેય એમ ના બોલે કે મારે પિયર જાવું હ..! કોઈ 'દિ ફરિયાદ ના હોય. આપણે ભૂરા, ખર્ચો જ એટલો કરીએ ને..! શું હંગાથ આવાનું છે આખી જિંદગી મોં? તમ'તમારે ખર્ચા થાય એટલા બૈરા પર કરવાના. એ ખુશ એટલે આખું કુટુંબ ખુશ. આ દિવાળીનું આખું બોનસ એને હોંપી આલ્યું, ને કહ્યું 'તારે જે લેવું હોય તે લઇ લે. ફાયદો એ થયો કે મે સામે ચાલીને બોનસ આપ્યું, તો એ મારા માટેય નવા વર્ષના દા'ડે પહેરવા મસ્ત જીન્સ-ટી શર્ટ લઇ આવી."

    એમની નાની-નાની ખુશી જોઇને મારા દિલને ફરી કિક વાગી. આટલું બધું ભગવાને આપ્યું હોવા છતાં, 'હજુ કંઇક બાકી રહી ગયું' એવી ફીલિંગ કેમ આવ્યા જ કરે છે? બાપના ચહેરા પર જે ખુશી છલકાતી હતી તે માત્ર તે જ અનુભવી શકે..! પોતાની પત્નીને માટે લીધેલ ડ્રેસની ગીફ્ટ માટે જલ્દીથી પોતાની શિફ્ટ પૂરી થાય તેની રાહ જોવાતી હતી. તેથી જ કદાચ, સંતોષની લાગણીનો જન્મ હંમેશા અભાવમાં જ થાય છે.

    જેની પાસે કશું જ નથી તેને માત્ર વસ્તુનો 'ભાવ' નડે છે, જેની પાસે થોડું છે તેને 'અભાવ' નડે છે અને જેની પાસે બધું જ છે તેને પોતાના જ વ્યક્તિત્વનો જ 'સ્વભાવ' નડે છે.

    *સ્માઈલ તો ‘ઓટો મોડ’ પર જ રહેવાની છે*

    ...અચાનક લાઈટ ગઈ. મશીનોની સ્વરપેટી શાંત થઇ. કંપનીનો કોલાહલ બંધ થયો. અદ્ભુત શાંતિ. ઘણા દિવસો પછી ધમધમતી ફેક્ટરી આજે થાકીને ઊંડો શ્વાસ લઇ રહી હતી. ચોતરફ અંધકાર. પ્રશાંત મૌનના બે છેડાની વચ્ચે સજીવ સૃષ્ટિ કલરવ કરી રહી હતી. ફેક્ટરીનું હૃદય બંધ પડ્યું. ચંદ્રની સફેદ ચાંદની હેઠળ પ્રકાશના પરાવર્તનનો નિયમ સમજાયો. વિશાળ આકાશી ફલક નીચે ખુલ્લા મેદાનમાં અડીખમ ઉભેલું એક કોન્ક્રીટનું બંને તરફ ઢળેલ શેડ ધરાવતું મકાન જાણે પૃથ્વીનું સ્તન હોય તેવું લાગતું હતું. દૂર ઉભેલું એક મોટું વડનું વૃક્ષનું થડ કોઈ કમસીન પતલી કમર ધરાવતી માનુની જેવું લાગતું હતું. વડવાઈઓ એ કામિનીના કેશની પ્રતીતિ કરાવતી હતી. નાના છોડવાઓ પવનની ઠંડી લહેરખીમાં જાણે નૃત્ય ન કરી રહ્યા હોય! કંપનીના મકાનની આજુબાજુની જમીન પર ઉગી નીકળેલ ઘાસના તૃણ પર ઢોળાયેલ પાણીની બૂંદ ચંદ્રના તેજમાં ચમકીને હસી રહી હતી. કોઈના પગરવથી દેડકો ડરીને પાછો એ લીલોતરીમાં અલિપ્ત થઇ ગયો. શેડમાં નિરાંતે પાર્કિંગમાં ઉભેલી ગાડીના સાઈલેન્સર પર ઉડીને આવેલું એક ચીમળાયેલ પર્ણ આરામ કરી રહ્યું હતું. પેઈન્ટના ડબ્બા પર બેઠેલ જમાદારની લાકડીનો છેડો એક પથ્થર પર ટેકવેલ હતો જે અંધકારમાં પણ ચોરને ડરાવવા માટે સક્ષમ હતો. મશિન ઓપરેટરો એકસાથે વર્તુળમાં બેસીને એકબીજાના સુખદુઃખમાં ભાગીદાર બની રહ્યા હતા.
    તેટલામાં ગેટ-સિક્યુરિટી ઓફિસર ટોર્ચ લઈને આવ્યો. આવા માહોલમાં એક ટોર્ચ સમગ્ર વાતાવરણ ડહોળી રહી હતી. તરત જ દરેક એ જોરથી બૂમ નાખીને ટોર્ચ બંધ કરવા કહ્યું. કોઈ વર્કરના ઘરે દીકરીનો થોડા દિવસ પહેલા જ જન્મ થયો હતો. તેની ખુશીમાં દરેક વર્કર ભાગ લઇ રહ્યા હતા. કંપનીના એક છેડે રહેલી એકમાત્ર સોલાર લાઈટ લબક-ઝબક થઇ રહી હતી. તેના કોનિકલ પ્રકાશમાં કેટલીયે જીવાતો ફેરફૂદરડી લઇ રહી હતી. આજે આકાશના તારાઓની ગોઠવણી નવરાત્રીમાં ઘરે રોશની આપતી એલ.ઈ.ડી સીરીઝની માફક સુશોભિત હતી. આ શાંતતામાં સજીવ સૃષ્ટિનો કલરવ કર્ણપટલ પર અથડાઈને કાનમાં મધ રેડી રહ્યો હતો. ચકલી પણ ખુશ હતી, કારણ કે તેનો અવાજ સાંભળવા માટે આજે ઘણા સમયે કોઈ શ્રોતા મળ્યો હતો.

    એક બિલ્ડીંગના દસમાં ફ્લોર પરની ગેલેરીમાં બેઠો છું. ઠંડા પવનની મીઠી થપાટો મહેસૂસ કરું છું. આંખ બંધ કરું ’ને એ લહેરખીમાં કોઈને યાદ કરવાની મીઠી મૂંઝવણ ઉભી થઇ રહી છે. સામે એક વિશાલ જંગલ ઉભું છે, સિમેન્ટ-કોન્ક્રીટના મકાનોનું સ્તો વળી...! એકબીજાને ધોબીપછાડ આપવાની લ્હાયમાં નેટવર્ક કંપનીઓના પોલ્સ સમગ્ર દુનિયાને ડિજીટલ બનાવીને હસી રહ્યા છે. સામેના મકાનના ટેરેસ પર ઉનાળા જેવી ગરમીથી બચવા એક છોકરો સફેદો લગાવી રહ્યો છે. એક ખાટ પર દાદા ધાર્મિક પુસ્તક પોથી-સ્ટેન્ડ પર મુકીને વાંચી રહ્યા છે. સામેના ગાર્ડનમાં અનેક લોકો કસરત કરીને શરીરને તકલીફ આપી રહ્યા છે. પેલો ખૂણામાં ઉભેલો સૌથી મોટો ટાવર જાને આકાશમાં છીંડું પાડવા જઈ રહ્યો હોય તેવું ભાસે છે. ઘરના ટેરેસની દીવાલ સાથે મોઢા ફાડીને બ્રેકફાસ્ટ માટે રાહ જોઈ રહેલી વિડીયોકોન, ડીશ ટીવી અને ટાટા સ્કાયની ડીશો ભૂખે ચીસો નાખી રહી છે. દૂર-દૂર સુધી ઝાકળનું આ જંગલરાજ પર આધિપત્ય છવાયેલું છે.

    એ ખૂણામાંથી સૂર્ય નીકળ્યો....! સામેની બિલ્ડીંગની કિનારી પરથી થોડો તેજસ્વી અને લાલાશ પડતો સૂર્ય ઉગી નીકળ્યો, જાણે સજીવ-સૃષ્ટિ સજીવન થઇ. કબૂતરની અસ્તવ્યસ્ત હારમાળા આકાશ સાથે સંતાકૂકડી રમવા લાગી. એ સૂર્યના કિરણો સૌ પ્રથમ ગેલરી પર પડ્યા. ઝાકળનું રાજ હાથમાંથી ગયું. જંગલમાંથી થોડા વૃક્ષો ડોકિયા કરી રહ્યા છે. એ કહે છે, મારે પણ આકાશ સુધી ઉંચે ઉઠવું છે. ત્યાં જ પેલો બ્રિજ બોલ્યો, “તારે કપાવું પડશે, બાકી મારો જન્મ કેમ થશે?” એ ચર્ચામાં ભંગ પાડવા ચકલીઓનું રેટ્રો મ્યુઝિક સવાર-સવારમાં શરુ થયું. વર્તુળમય ગતિ નિર્ધારિત કરીને પક્ષીઓ ચકરાવે ચડ્યા. લોકોનું પેટ બોલ્યું અને પથારી છોડીને ફરી ચિંતાની કાળી જાજમ કપાળ પર લગાવીને ફરી અણગમતું કામ કરવા માટે ઉઠ્યા. કંપનીઓની સફેદ બસો દોડવા લાગી. શાંત વાતાવરણમાં અવાજોની દુનિયાએ સ્થાન લીધું. થોડી હલચલ થઇ અને પ્રકૃતિએ આળસ મરડી.

    સામેના એપાર્ટમેન્ટના બિલ્ડીંગના નવમાં ફ્લોરની ગેલેરીમાં એક જુવાન છોકરી એક પાણી ભરેલી બકેટ લઈને આવી. પર્પલ ટોપ વિથ ગ્રીન લેગિન્સ. વળી, ડાર્ક કોફી સ્પેક્સ ફ્રેમમાં તે પરી લાગતી હતી. એ બકેટમાં હાથ નાખીને વોશ કરેલા અમુક ક્લોથ્સ હાથમાં લીધા. એકને હાથમાં લઈને તેણે નીચોવ્યું. બાકીના બીજા થોડા ક્લોથ્સને પોતાના એક ખભા પર મુક્યા. એ ભીના ક્લોથ્સને લીધે તેનું પર્પલ ટોપ હવે અહીથી ડાર્ક બ્લેક જેવું દેખાઈ રહ્યું હતું. વળી, તેની પાછળ ઉભેલો સૂર્ય પણ તેણે જોઇને હાઉક..લી..કરતો હતો. એટલામાં જ, ઉડતું-ઉડતું એક કબૂતર ગેલેરીની ધાર પર આવીને બેઠું. સવારના બ્રેકફાસ્ટ માટે જગ્યા કરવા માટે ગેલેરીની કિનારી પર તેણે લેટ્રિન કર્યું. એટલામાં જ બીજું એક તેનું સાથીદાર આવ્યું. બંન્ને, અવાજોની દુનિયામાં ખોવાઈને રમવા લાગ્યા. એ બંનેની રમત ફોકસમાં આવતા પાછળની બેકગ્રાઉન્ડમાં રહેલી છોકરી બ્લર થઇ ગઈ.

    અને, હું ફરીથી રૂમમાં ગયો. બસ, આજુબાજુની દુનિયા જીવી લઈએ. સ્માઈલ તો ‘ઓટો મોડ’ પર જ રહેવાની છે.