Li pramanik fankodi in Gujarati Short Stories by Kandarp Patel books and stories PDF | લિ. પ્રમાણિક ફાંકોડી

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

લિ. પ્રમાણિક ફાંકોડી

લિ. પ્રમાણિક ફાંકોડી

કંદર્પ પટેલ

અનુક્રમણિકા

  • શ્રી સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ ટ્રસ્ટની વાડીમાં બેઠેલું એક હરિજન કુંટુંબ
  • પ્રજાસત્તાકદિન
  • ઋતુસંહાર, કાલિદાસ અને હેમંત-શિશિર
  • શરીર : જીવનનું સંગીતમય વાયોલિન
  • *શ્રી સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ ટ્રસ્ટની વાડીમાં બેઠેલું એક હરિજન કુંટુંબ*

    2 ડિસેમ્બર, '16. જુવાનનાં જીવનનો ટ્રાંસફોર્મેંશન ફેઝ. લગ્નનો દિવસ.

    યજમાન ડૉ. તુલસીભાઈ પટેલનાં આંગણે પહેલો વિવાહવેદીનો પ્રસંગ હતો. તેમની બાજુમાં એક એવું યુગલ બેઠું હતું જે દરેક માટે થોડું અછડ્તું જણાતું હતુ. આ યુગલને પુછાતો પ્રશ્ન એકસરખો હતો.

    "છેક, વાવથી આંય શેટ હું લેવા આવ્યાં ?"
    "લગનમાં તંઈ ઠેઠથી હુરત લગણ આયવા, ઝબરું કૈ'વાય હોં !"

    બીજી તરફ લગ્નવિધિ ચાલુ હોવાથી આ વાત ફેલાઇ નહીં. લગ્નનાં બીજે દિવસે બપોરના સમયે લગભગ બેએક વાગ્યે આ યુગલ ઘરે આવ્યું.

    ડૉ. તુલસીભાઈ તેમનાં માતુશ્રી અને પત્ની સાથે બેઠા હતાં. પરસેવે રેબઝેબ તેઓ ઘરનો દાદર ચડ્યા. વર્ષો સુધી ગામડે રહેવાને લીધે શહેરી ઍટિકેટસ તેમનામાં નહોતા, જે સહજ હતું. થોડો અવાજ કરતાં-કરતાં તેઓ જરા-તરા માટીવાળા પગ સાથે આંખમાં શરમ લઇને ડ્રોઈંગરૂમમાં આવ્યાં.

    ઘરમાં આવતાંની સાથે જ તુલસીભાઈનાં માતા જમના બા ને નમસ્કાર કર્યા. વર્ષો સુધી આ યુગલે તેમની ખેતર ખેડીને જમીન સાચવી અને જાળવી રાખી છે.

    "આવ, વેલા ! લગનમાં ટાણે પોગ્યો હોં કે !" બા એ પુછ્યું.
    "હા, માડી ! ટાણે તો પોગ્યાં પણ ગામને બઉ ખટક્યું." વેલજીભાઈ એ કશુંક કહેવાનો મુદ્દો મુક્યો.

    "ઘર મળી ગ્યું ને વેલાભાઈ ?" તુલસીભાઈ એ સહજ પુછ્યું.

    "હા. ટેશનથી હાલીને આયવા ઇટલે ઘર ઝડવામાં સે'ઝ મોડું થયું. એમાંય ખાલી ટેશન લગણ આવવાનાં રિક્ષાવાળાએ 100 રૂપિયા બઠ્ઠાવી માર્યા. આંય કોને ખબર, કેટલુંક અંતરુ થાતું હોય ઇ ! પણ હશે, આપણે ક્યાં રોઝ-રોઝ આંય આવવું સે !" વેલાભાઈનાં પત્ની બોલ્યા.

    "હારું, હારું ! મળી ગ્યું ને ભાઈ, ઇ કામનું !"

    "અરે માડી, હું વાત શું માંડું ? કાલ લગનમાં અમી આયવા તો કેટલાય લોકોએ પુસ્યુ, કે ઠેઠ વાવેથી આંય હુધી હું લેવાને આવ્યાં ?
    અમુકે તો એવું કીધું કે, વેલો પૈસા માંગવા આયવો હશે."

    બા અને તુલસીભાઈ વાત માંડીને સાંભળતા હતાં. વર્ષોથી ભાગિયા તરીકે કામ કરતાં અને તેમની પાણી વિનાની જમીન પર દર વર્ષે પાક લઇને જમીન ફળદ્રુપ રાખતાં એ કિસાનની જુબાન અંદરનાં વિશ્વાસ સાથે બોલી રહી હતી.

    "વેલા, એ તો હંધાય કીધા રાખે. આપણે હામ્ભળ્યું, નો હામ્ભળ્યું કરવાનું."

    "અરે માડી, પાનશે-હજારની નૉટ્યું જે 'દિ બંધ થઈ એન આગલે 'દિ ઝ મેં દોઢશે મણ કપાહ વેચ્યોં. બધાં પૈસા ઇ જ નૉટ્યુંમાં હતાં. બીજે 'દિ ઠેઠ સોનગઢ મારો સોકરો ગ્યો 'ને બધુંય કટકે-કટકે ભરી આવ્યો. ઘરમાં એકેય રૂપિયો નહોતો. કેટલાંય દાડે ATM મશીન શરુ થ્યા. એ ય સોનગઢ લગણ જાવું પડે. આંય લગનમાં આવવા અઠવાડિયાથી પૈસા ભેગા કરતાં 'તાં. મારો નાનો તો પૈસા કાઢવા હારું સોનગઢ એનાં દોસ્તારને ન્યાં હુઈ જાતો. 2000ની નોટ નીકળે, એમાં કોઈ ટિકિટનાં છુટ્ટા પૈસા યે નો આપે. આડું-અવળું કરીને થોડાંક પૈસા ભેગા કર્યા. ઉપરથી, કપાહ ઘરમાં પડ્યો રહે એનું ટેન્શન. અને, માડી ! એ કપાહ તો શાયબનો જ છે ને વળી. અને, તમારે ઘરમાં પેલું લગન હોય તો છોકરાંવને પોગાય એટલાં પૈસા આપવાની હોંશ તો અમને ય ચડે જ ને માડી !" એકીશ્વાસે નીચું જોઈને વેલજીભાઈ બોલી ગયાં.

    "અને, આ હંધુય હું લેવાને કરવું પડે ખબર સે ને માડી ? તમાર દિકરા સુરતથી ગામડે કંકોતરીયું આપવા આવ્યાં ત્યારે આપણે ઘેર આવેલા. ગારનાં મકાનમાં બેય માણહ નીચે બેહી ગ્યાં તાં ! જઈ દેહમાં આવે તયારે અમાર ઘરે આવે ને હંધુય ખાય. અમારાં જેવા હરિજનને ન્યાં ડૉક્ટર નીચે બેહીને એનાં સોકરાનાં લગનની કંકોત્રી આપી જાય તો અમારે નો આવવું પડે માડી ?"

    "માણહ ભાવ ઝૉવે હામેવાળાનો ! દર ફેરી ભાડું નો જોવાનું હોય. માણહનાં સંબંધ અલગ-અલગ હોય ! જાત-પાત તો એની જગ્યાએ છે."

    તુલસીભાઈનાં પત્નીએ વેલજીભાઈનાં પત્નીને એક સાડી આપી. જે સાડી પોતાના કુટુંબીજનો માટે લીધેલી તેવી જ સાડી તેમને ભેટ આપી. તેઓ ગળગળા થઈ ગયા. તેઓએ બહુ પ્રેમપૂર્વક વિદાય લીધી. 101નો ચાંદલો કરાવ્યો અને ફરી એસ.ટી. બસમાં બેસીને ઘરે પાછા ફર્યા.

    બીજી તરફ કેટલાયે પોતાને પાટીદાર કહેતાં ઉચ્ચ વર્ણનાં લોકો હતાં, જેમણે 500 અને 1000ની અમાન્ય નોટો ચાંદલા સ્વરૂપે પધરાવી.

    પ્રશ્ન એ થાય કે ઉચ્ચ વર્ણ કોને ગણવો ? અઠવાડિયા સુધી બાજુના ગામનાં ATM માંથી પૈસા ઉપાડીને છેક ગામડેથી સુરત લગ્નમાં આવેલ એ હરિજન યુગલને કે પછી મારા નામની પાછળ લખાયેલ અટક બહુ ગર્વથી લેવાય છે તે પ્રજાતિને ?


    *પ્રજાસત્તાકદિન*

    કાનમાં ગુંજે છે એ ‘લેઝિમ’ અને ‘ડમ્બેલ્સ’ના અવાજ. પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળામાંથી યોજાતા ફંક્શનમાં ૧૦ દિવસ અગાઉથી મહેનત શરુ થઇ જતી. એ વખતે દેશપ્રેમ શું કહેવાય એ ખ્યાલ નહોતો. પરંતુ, દેશ માટે દિલ ચોખ્ખી સરગમથી ધડકતા હતા. સવારે મમ્મી વાળ ઓળીને સ્કૂલે મોકલતી. એકદમ સરસ પાથી પડેલી હોય અને શર્ટના ખિસ્સા પર ભારતના ‘ઝંડા’નો ‘બિલ્લો’ લાગતા જ દિલ દેશ માટે ધડકવા લાગતા. એ ‘બિલ્લો‘ બહુ મોટી વાત હતી, જે માત્ર ફંક્શનમાં પરફોર્મ કરનાર વ્યક્તિને જ મળતો. તે સ્પેશિયલ ‘બિલ્લા’ને થોડા-થોડા સમયે જોઇને ખુશ થઇ જતા અને તેના પર એક હાથ ફેરવી લેતા. ધ્વજવંદનમાં એટલી મજા નહોતી જેટલી તેના પછીના ફંક્શનમાં પરફોર્મન્સ આપવાની હતી. છતાં, જયારે હાથ કપાળ પર લઈ સલામી પડે અને નજર ઉંચે ચડે ત્યારે ફરફરતો ‘ઝંડો’ આજેય મગજમાં એ જ સ્વરૂપે ફરકે છે, એ દેશપ્રેમ નહિ પણ ગૌરવની લાગણીનું રસપાન જરૂરથી કરાવતું. જન-ગણ-મન અમે જોર-જોરથી ગળું ફાડીને બોલતા, જે ખરેખર દેશપ્રેમ હૃદય ફાડીને બહાર નીકળતો હતો. ઇનોસન્ટ બનીને, નિર્દોષતાથી જ. જયારે ખ્યાલ ન હોય કે જે દિલથી કરીએ છીએ તેનું તાત્પર્ય શું છે, તે જ તો સાચો પ્રેમ છે, દેશપ્રેમ છે. તેના પછી ‘લેઝિમ’ અને ‘ડમ્બેલ્સ’ના દાવ કરતી વખતેે ઓડિયન્સમાં બેઠેલ લોકો સામે જોયા કરીએ. જયારે એ લોકો તાળીઓ પડે ત્યારે અદભુત પ્રકારનો નિજાનંદ મળતો. ત્યારે ખિસ્સા પર લગાડેલ ‘બિલ્લો’ જરા ગજ-ગજ ફૂલાયેલ છાતીને લીધે બહાર નીકળી આવતો. એક ચોકલેટ લઈને ઘરે આવતા અને પછી શહીદ ભગતસિંહ’, ‘બોર્ડર’, અને ‘LOC’માંથી કોઈ એક ફિલ્મ આખા દિવસમાં જોવાનું. આગલા દિવસથી એ ઇન્તેઝારી હોય, કે ક્યારે એ ફિલ્મ જોઈશું? રિમોટ કોઈ અન્યના હાથમાં આપ્યા વિના બાળક બનીને જ ટગર-ટગર ફિલ્મ જોઈ લેતા. એ ફિલ્મોની અસર ઘણા સમય સુધી રહેતી. સ્કુલમાં એ ફિલ્મોના ડાયલોગ્સ અને સોંગ્સને રિસેસમાં મમળાવતા.

    સાર્વભૌમત્વ, બિનસાંપ્રદાયિકતા, અરાજકતા, અસહિષ્ણુતા અને સ્વતંત્રતાની સ્વીકૃતિ સાધતો સુસંસ્કૃત સમાજ ખરેખર પ્રજાસત્તાક છે ખરો? કારણ કે, બાળક હતા ત્યારે મુસ્લિમનો છોકરો મારી બેંચ પર બેસતો. ખ્રિસ્ત સાથે લંચ કરતો. પારસીની છોકરી ગમતી, કોણ શું કહેશે તેની ચિંતા વિના જ...! સ્કૂલના બારણેથી મળેલ આ વારસો વર્ષો સુધી જળવાઈ રહે છે, સ્કૂલના બારણે જ મૂકીને બહાર નીકળી જવાય છે.


    *ઋતુસંહાર, કાલિદાસ અને હેમંત-શિશિર*

    શિયાળાની ઠંડીનો મીઠો ચમકારો અનુભવાય છે, ત્યારે કવિ કાલિદાસ તેમના અદ્વિતીય,અદભુત અને અલૌકિક ગ્રંથ એવા ‘ઋતુસંહાર’માં દરેક ઋતુનું બેજોડ વર્ણન કરે છે. દરેક ઋતુમાં પશુ, પક્ષી, પુષ્પ, લતાઓ, વૃક્ષો, ધરતી, વાયુ, આકાશ તેમ જ મનુષ્ય જેવી કેટલીયે સુક્ષ્મથી સુક્ષ્મ વિશેષતાઓનું વર્ણન કર્યું છે.

    “ફળથી લાદેલા પાંદડા વગરના વૃક્ષો જાણે ઠુંઠવાઇ રહ્યા છે, કમળ તેની કોમળ પાંખડીઓને પાણી પર રમાડે છે, ત્યારે ઠંડા પવનમાં અને લાલીત્યપૂર્ણ વાતાવરણમાં પ્રેમી પોતાની પ્રિયતમાના મુખને નિહાળી રહ્યો છે, ત્યારે હંસોનું એક યુગલ તળાવમાં મધુર ધ્વનિ કરીને સહવાસના આનદમાં મસ્ત છે, ચંચલ માછલીઓ રમત કરી રહી છે.”

    काञ्चिगुणै: कञ्चन रत्नचित्रैर्नो भूषयन्ति प्रमदा नितम्बन् |

    न नुपुरेहेसृतं भजदिभ् पदंबुजन्यम्बुज्कान्तिभञ्चि ||

    “હેમંતમાં ‘વિલાસીની’-(કામોત્સુક સ્ત્રી) ઠંડીને કારણે ધાતુના બાજુબંધ ધારણ નથી કરી શકતી, સ્તનને ઓપ આપતી રેશમી સાડીઓ નથી ધારણ કરી શકતી. શરીરને ગરમી આપવા માટે તાંબુલના રસ અને કસ્તુરીના લેપનું સેવન કરે છે, મદિરા અને અગરબત્તીની સુવાસથી આખા શય્યાગૃહને સજાવીને પ્રણયક્રીડા માટે પોતાના પ્રિયની રાહ જોતી બેઠી છે.”

    બહાર ફળિયામાં ખુલ્લાં રહી ગયેલા પાણીનું ટીપું પણ અચાનક પગ કે ગાલ પર પડે તો દાઝી જવાય એનું નામ શિયાળો ! જેમાં શ્વાસ ફેફસાંને બદલે પાંસળીઓમાં પહોંચે અને હાડકાની વચ્ચેના પોલાણમાં હિમ જામે ! સહવાસ અને પ્રણયમાં રચવાનું મન થાય. ધાબળાની અંદર ઈજીપ્તની ‘મમી’ની જેમ પડેલા હોઈએ અને શ્વાસની સરસરાહાટ ‘ઇલેક્ટ્રોસ્ટેટિક શીલ્ડીંગ’ની માફક ‘લક્સ ઇન્ફરનોવેર’ જેવી પરિસ્થિતિ રચે. ઉઠીને ટી-શર્ટ કાઢતી વખતે થતું તડ-તડ અને ઠંડીની લહેરખી આવતાકની સાથે જ શરીર પરની રુવાંટી જાણે સજીવન થઇ હોય એવું લાગે. ટૂંટિયું વાળીને રસ્તો ય સૂતેલો હોય એવા ઠિઠુરાઈ ગયેલા ભેંકાર વાતાવરણના કાળી શાલ લઈને શિયાળાની સાંજ આવે. જાણે જગત મૂવીંગ એચ.ડી. વિડિયોમાંથી સ્ટેન્ડસ્ટિલ ફોટોફ્રેમ બની જાય છે. આપણા જ પગલાનો અવાજ જાણે પારકો હોય તેમ સંભળાય છે. ઉપર જામેલા બરફ નીચે યુરોપમાં નદીઓનું પાણી પડ્યું રહે, એમ થથરી ગયેલી ટાઢીબોળ ચામડી નીચે ગરમ કહેવાતું લોહી સુન્ન પડી જાય છે.

    અને આ હૂહૂકારની વચ્ચે જે ગ્લૂમી, બોઝિલ સાંજ આવે ત્યારે સૂર્યના અસ્તની સાથે એકલતાનો ઉદય થતો હોય છે. શરીર ફરતે કસીને ભીંસેલી ધાબળી કે ચપોચપ ફિટ થતા જેકેટ સિવાય બીજો કોઈ સ્પર્શ સાંપડી શકે તેમ ન હોય, ત્યારે બહાર બરફ જામવાનો શરૂ થાય, ત્યારે અંદર યાદોનો બરફ ઓગળવાનો શરૂ થતો હોય છે ! શિયાળાની શાંતિ, મૌન મહોલ્લો અને પડઘાતા પીગળતા પોકારો ! અને રતિક્રીડામાં મસ્ત નવયુગલોના સહવાસનો તણખો વાતાવરણને સજીવન કરી મુકે. એ પ્રેમના પ્રસ્વેદની પરખ કૈક નવું જ જોશ આજુબાજુની હવામાં ભરી દે. ત્યારે અંદરની બાજુએ જામી ગયેલું લોહી ઓગળે, જાણે અખા શરીરમાં ધબકારા વધ્યા હોય એમ શ્વાસ મેરેથોનની જેમ દોડે, અધુરી ખ્વાહીશ વર્ષોની પૂરી થઇ હોય તેમ લાગણીઓના ઘોડાપુર આવે, યુગલની સ્મૃતિઓ તીક્ષ્ણ નખથી છાતીમાં ન્હોરિયા ભરશે.

    *શરીર : જીવનનું સંગીતમય વાયોલિન*

    શરીર એ માત્ર હાડકા અને સ્નાયુનું સંયોજન નથી. એ એક વાયોલિન છે. પોતાના કુટુંબ માટે હંમેશા ધબકતું રહે છે. સાંજના સાડા આઠ વાગ્યાની આ ભીડમાં દરેક સાંસારિક પક્ષીઓ પોતાના ખિસ્સામાં થોડા દાણા ભરીને પોતાના બાળકો અને પત્ની માટે લઇ જતા હશે. છેલ્લા ઘણા સમયથી હું એક રસ્તાના ડિવાઈડર વચ્ચે ઉભો છું. દરેકની ગાડીની ઝડપ એ ઘરે પહોચીને પોતાના આપ્તજનનો ચહેરો જોવાના સ્નેહ જેટલી હોય છે. ત્યાંથી હું તરત નીકળ્યો. રસ્તામાં ચાલતા-ચાલતા મારી પરિસ્થિતિ વિષે વિચારતો હતો. હું પણ કદાચ, એ જ ભીડમાં હતો. મનમાં ઘણા વિચારો એકસાથે દોડી રહ્યા હતા.

    અંદરથી ઝંકાર થયો. ક્ષિતિજની ધારે સળગી ઉઠેલા સંધ્યાના લાલ રંગની સાક્ષીએ કોઈએ એક દિવસ કહ્યું હતું, “જા, જલસા કર. મારે બે વર્ષ સુધી તારી કમાણીનો એક પણ રૂપિયો નથી જોઈતો. તને જ્યાં મજા આવે તે કર. બસ, તું નિર્ણય લેવાયોગ્ય છે જ. તારી રીતે, તને જે તારા માટે યોગ્ય લાગે તે કર. એક વાર નિર્ણય લઇ લીધા પછી ક્યારેય પસ્તાવો કરતો નહિ. દરેક ક્ષણે ક્ષેમકુશળ જોડાયેલું રહે.” બસ, તે દિવસ છે અને આજનો દિવસ છે. આ વાત હંમેશા ખોટો ખર્ચ કરતી વખતે પહેલા મન પાસે જાય છે, અને બુદ્ધિ તેની નિર્ણય આપે છે.

    રોજની સ્વ:શોધને અંતે હું પાછો ફરું. એ દિવસની વાત લખું. આ મારા માટે સાધના બની ચુકી છે. આંગળીઓ અચાનક જ કી-બોર્ડ પર ફરવા લાગે છે. કોઈ દોસ્ત સાથે વાત થાય છે. કોઈને કહેવું છે, ‘તું મારી ગર્લફ્રેન્ડ છો’..! પરંતુ, ઘણી વાર એ કહેવું છૂટી ગયું છે, જાય છે અને જશે. એક અલગ જ સંવેદનાનો ટંકારવ રોજ થાય છે. આંખ સુધી ડૂમો ભરાય છે, આંસુના રૂપમાં વહે એ પહેલા રોકી લઉં છું. હંમેશા એ દબદબો આજ દિન સુધી મળેલા પ્રેમને લીધે જ છે. દુનિયાના સૌથી સારા માતા-પિતા મળવા એ જીવનની સફળતાનો એક તૃતિયાંશ ભાગ છે. એમને લીધે બાળક સારું ભણતર પ્રાપ્ત કરે તે પણ સરખો હિસ્સો ધરાવે છે. છેલ્લું રહે છે, પાછલા જન્મનું ફળ. જે કદાચ મારે ભોગવવાનું રહી ગયું હોય એવું લાગે છે, જેથી આજે ય હું મોજમાં જ છું.

    જીવનની સઘળી તીવ્ર, કોમળ અનુભૂતિઓને છેલ્લી વાર પોતાના હૃદયરૂપી કોથળામાં સમેટીને માત્ર પ્રેમનો રાગ લઈને ઘરે જતો એ બાપ ખરેખર આદરને પાત્ર છે. ભલે એ તેમનું કર્મ છે, પરંતુ તેને સારી રીતે માત્ર ને માત્ર પોતાના જીવન સાથે જોડાયેલ બે-ચાર ધબકતા હૈયા માટે કરે છે. એ બાપને પોતાની ઇચ્છાઓ ઘણી છે, પરંતુ દરેક ઈચ્છાને બીજાની અપેક્ષાઓ પૂરી કરવાના હેતુસર જેમ પહાડીની ઉંચાઈએથી ધસમસતા ઝરણાને મળેલ ઉદ્દામ વેગને લીધે ઝરણું બન્યા હોવા છતાં, તે મહામરુસ્થલમાં જ વિલીન થાય છે. આ જીવનસંગીતનો સૂર અને લય માત્ર મોહ પમાડે છે. એ દરેકનો ચહેરો જાણે અનંત સ્વપ્નોના સારતત્વ જેવો જણાય છે. દુનિયામાં જોયેલા બીજા હજારો ચહેરાને તો આડે આવરણ હતા, પરંતુ આમાં કંઇક નિ:સ્વાર્થતા ટપકતી હતી.

    ક્યારેક હૃદયમાં ધરતીકંપ થાય, મૂળિયાં હચમચી ઉઠે અને સમતોલન પોતાની સમતુલિતતા ગુમાવે. પરંતુ, તે સાહજિક છે. જે સાબિત કરે છે માણસ નોર્મલ છે. સૂફિયાણી અને મોટીવેશનલ વાતો નહિ, વર્તમાનને વળગવું જરૂરી છે. ભૂતકાળ ભવ્ય જ છે, જે વર્તમાનને સીધી અસર કરે છે. જે ભવિષ્યની સીધી જ પ્રસ્તુતિ આપે છે. હાસ્તો, સુખને પણ દુઃખની જેમ સહન કરવું પડે છે. બીજાને આપની રજમાત્ર પણ પડી નથી હોતી. આજે, મોજની દુનિયા છું તેનું કારણ તકલીફ મને આજ સુધી સમજી નથી. આનંદના શ્વેત-સોનેરી રંગ પર મોજની ચાંદની પથરાતી રહે છે. બસ, પીવું છે. ભવિષ્યના ભય અને ભૂતકાળની પીડાઓને. વર્તમાનની વર્તણૂંક ઓળખીને તેને વળગી રહેવું છે. ભગવાન, કદી પણ અભિમાનનો છાંટો ના ઉડે...! હંમેશા જે લાગણી વહી શકતી નથી તેને ઢળવા માટે પાત્ર રાખવું પડે છે. ક્રિએટીવ પાત્ર. સંગીત, લેખન, ચિત્ર, વિજ્ઞાનનું. જે મને માત્ર ‘કલમ’ અને ‘કેમેરા’માં જ મળે છે.

    ***

    ....રાત્રિના પોણા બે વાગ્યા છે. ચારે બાજુ લપેટાયેલી શાંતિ સૂતી છે. વૃક્ષો ટૂંટિયું વળીને પડખા ફેરવી રહ્યા છે. કઠોર પથ્થરોમાં જીવન ધબકી રહ્યા છે. કાળા ભૂખરા રંગના મકાનોમાં આદમ અને ઈવ સંવેદનીય ઉષ્માના રંગો ભરી રહ્યા છે. દૂર દેખાઈ રહેલા પૂર્ણચંદ્રની ચાંદનીમાં પથરાતી સાંજ, ઠંડીમાં થથરતા જંગલો અને રસ્તાના ઢોળાવ પર અવાજ કર્યા વિના લસરી રહેલ એકાંતની ક્ષણમાં ચીમળાઈને પીળા પડી ગયેલા પર્ણોનું સૂરમયી સંગીત રેલાઈ રહ્યું છે. આકાશ તેની ચાદર ફેલાવીને સમગ્ર માનવજાતને પ્રેમથી સૂવાડી રભ્યો છે. દુનિયાના સઘળા દુઃખોને પૃથ્વી પરથી પોતાનામાં સમાવી આનંદના વાદળો ચંદ્રની સાથે સંતાકૂકડી રમવા લાગ્યા. ખેતરમાં ઉગી નીકળેલ ઘાસનું ધણી કોણ થશે? ત્યાં જ ઝાકળ એ તેનું ઋણાનુબંધન સ્વીકારીને પોતાના બાહુપાશમાં સમાવી લીધું. સીમાહીન રિક્તતા. અવકાશને કોઈ વગાડી રહ્યું છે અને તેના સ્વરો પૃથ્વીને સૂરીલા હાલરડાં ગાઈને શાંત પાડી રહ્યું છે.

    ***

    હું હાઈવેની વચ્ચેના ડિવાઈડર પર એક લેમ્પસ્ટેન્ડની નીચે ચાલી રહ્યો હતો. પોતાના જ પડછાયાને લાંબો-ટૂંકો થતો જોઇને જિંદગી કાર્ડિયોગ્રામની માફક ફ્લ્કચુએટિંગ છે તેની પ્રતીતિ તો થઇ જ રહી હતી. આંખમાં ઘણા સપનાઓ જીવી રહ્યા હતા. ત્યાં જ, એક ફોર-વ્હિલર નીકળી. ગાડીના પૈંડા નીચે સઘળો ભૂતકાળ ઘસડાતો ચાલ્યો. એ ભવ્ય ભૂતકાળ આંખ સામે આવતા જ અસ્તિત્વ મહોરી ઉઠ્યું. મારો ચહેરો એ બોઝિલ ઠંડીમાં ઓગળી ગયો. જોબ માટે ઘરથી બહાર પગ કાઢ્યા પછી બહારની દુનિયા સાથે સંઘર્ષમાં ટકી શકાતું હતું, પણ ભીતરનો સંઘર્ષ ઘણી વાર હારી જતો હતો. પણ જિંદગી સામે કોઈ ફરિયાદ નહોતી. એ તો ઉજાણી હતી, વિતાવેલા છેલ્લા ત્રણ મહિનાની. કોઈ ફરકતું નહોતું, કોઈ મારું ધ્યાન રાખવા માટે નહોતું. હું એકલો અને મારી દુનિયા. સ્વેટર નહોતું એટલે બ્રિઝી ઠંડી નસ-નસમાં ચડી ચૂકી હતી. પરંતુ, આળસ ખંખેરીને શરીરમાં ફરી ક્યાંકથી ગરમી ભરી લેતો હતો. આજ એકલા જીવવું હતું. ગીત ગણગણવાનું મન થયું. સંગીત હોઠે ચડાવ્યું. હસવાનું મન થયું અને પોતાની જ મજાક ઉડાવી હસતો થયો. રસ્તાની સામે છેડે એક ખાબોચિયું હતું. ત્યાં જઈને તેમાં ચહેરો જોયો. કેટલાયે સંસ્મરણો મારી આંખો સામેથી પસાર થયા. ઘરની યાદ આવી. ત્યાં જ એક આંસુ આંખની કિનારીએ આવીને ઉભું રહી ગયું. મેં બહુ રોકવાની કોશિશ ન કરી. હૃદયનો એક છેડો ખાલી થઇ ગયો.

    ***

    ફરી પાછો એ લેમ્પસ્ટેન્ડનો પ્રકાશ જોઇને એપાર્ટમેન્ટ તરફ ચાલતો થયો.

    છેલ્લા ત્રણ મહિનામાં ખૂબ શીખ્યો છું, સ્થિર થયો છું અને થોડો પાગલ બન્યો છું. પૂર્ણ ગાંડો ક્યારે થઈશ એ પળની રાહ જોઈ રહ્યો છું. આ દુનિયાના ચહેરાઓ અને રંગોમાં ક્યારે ઓળઘોળ થઈશ તેની બેકરારી છે. ફિક્શન જિંદગી જીવવામાં મને જરાયે રસ નથી. તેથી લખીશ, ચોક્કસ લખીશ. નવું નહિ, અવનવું લખીશ. હંમેશા સાચું લખીશ. અનુભવેલું લખીશ. મારું અને તમારું લખીશ. કારણ કે, લખવું એ મારા માટે મેડીટેશન છે. હું સંવેદનાઓમાં ખોવાઈ જાઉં છું. વ્યક્તિ છું તેનું ભાન ભૂલું છું. લાગણીઓમાં ઓગળું છું.

    (૨૫ નવેમ્બર, ૨૦૧૫ - રાત્રિના ૩:૪૫ )