Li. Pramanik Fankodi in Gujarati Short Stories by Kandarp Patel books and stories PDF | લિ. પ્રમાણિક ફાંકોડી

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

લિ. પ્રમાણિક ફાંકોડી

લિ. પ્રમાણિક ફાંકોડી

કંદર્પ પટેલ

: અનુક્રમણિકા :

  • માણસો એક્સ્ટ્રા- ‘ઓર્ડિનરી’ જ હોય છે
  • મંદિર (ઈશ્વરીય મૂર્તિ) કે મનમંદિર (સજીવઘર)?*
  • *અપેક્ષાઓ ના સમપ્રમાણમાં જ મોંઘવારી નડે...!*
  • Celebrate every single day
  • *માણસો એક્સ્ટ્રા- ‘ઓર્ડિનરી’ જ હોય છે*

    ‘ટૂંકી વાર્તા એટલે તણખો – ઊર્મિ અને વિચારનો.’ – ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. (ધૂમકેતુ)


    ગ્રામજીવન, સમાજના નીચલા સ્તરના અવગણાયેલ માનવીઓને તેમની વાર્તાઓમાં સ્થાન મળ્યું તે એક કલા સર્જકની આંતરિક જરૂરિયાત અને પીડિતશોષિત લોકો પ્રત્યેના હમદર્દીભર્યા વલણમાંથી પ્રાપ્ત થયેલ છે. મારા માટે જે વાર્તા કાલ્પનિક હોય તે વિશ્વના કોઈ ખૂણે બેઠેલ અન્ય વ્યક્તિ માટે કદાચ પોતાના જીવનનો ચિતાર પણ હોઈ શકે.
    એક વાર્તા મળી, કોઈના જીવનની ! શેરડીના રસની લારી પરથી !

    ***


    નારણપુરા ચાર રસ્તાની નજીક ઓસિયા હાયપર-માર્ટ નજીક બે છોકરાઓ રોજ શેરડીના રસની લારી લઈને ઉભા રહે. રોજ રાત્રે જમીને એ ઠંડા રસની મજા લેવાની. મારા મનમાં કશુંક ચાલી રહ્યું હતું. મેં તેના તરફ જોયા વિના માલિકીભાવ સાથે કહ્યું, “એક બનાવજે જરા !”
    “હા, શેઠ. બેસો ને ! અબે લલ્લુ, વો પલાસ્ટિક પે સે ખડા હો ! સેઠ કો બૈઠને દે.”
    ત્યાં હું બેઠો. “નિકાલના પડેગા કિ પડા હુઆ હૈ?”
    “અરે, સેઠ ! આરામ સે બૈઠો. ઠંડી-ઠંડી પવન કા મઝા લો. અભિ આપકે પૈટ મૈ કોલ્ડ-રસ ડાલ કે ફ્રીઝર બના દેતા હૂં.”

    પૈસા કમાવાના અન્ય રસ્તાઓ (પાર્ટ ટાઈમ મહેનત) એ ‘રસ્તા’ પરના ફૂટપાથ પર વિચારી રહ્યો હતો. ૨૦૧૭ની શરૂઆતના મહિનાઓમાં કદાચ કોઈ ફ્લેટ ભાડે લઉં તો, અમદાવાદમાં રહેવા મહિને કેટલા જોઈએ અને કેટલા કમાઈ રહ્યો છું એનો હિસાબ ચાલી રહ્યો હતો. એ મથામણમાં પાંચ મિનીટ ક્યાં જતી રહી એ ખ્યાલ ન રહ્યો. એ આંખની સામે રસનો ગ્લાસ ધરીને ઉભો રહ્યો અને હું ઝબક્યો.

    “લો, સર જી ! ઠંડા-ઠંડા કૂલ-કૂલ. પીઓ ઔર મઝે કરો.”
    હું વિચારું કે, આ છોકરો એક તો બહારથી આવ્યો હશે. તેનું ઘર ક્યાં હશે? છતાં, મોજથી બધાને રસ પાઈ રહ્યો છે. જો કે, એ સમયે હું એકલો જ ગ્રાહક હતો. એટલે તેને મેં પૂછ્યું,
    “અરે, આઓ ભાઈ ! બૈઠો. અભિ મૈ અકેલા હૂં આપકા કસ્ટમર.”
    “કિસકો પતા, કબ બડી ગાડીવાલા આ કે ખડા હો જાયે, ઔર ફટાફટ સે ઉસકે લિયે ભિ રસ નિકાલના પડ જાયે !”
    “અચ્છા, કહાં સે હો તુમ દોનો?”

    હેલિકલ ગિઅર વચ્ચે શેરડીના સાંઠાના ટુકડા કરીને રસને તપેલીમાં એકઠો કરી રહ્યો હતો. એ દંડાને ધક્કો મારતો ગયો અને મારા પ્રશ્નોના જવાબ આપ્યે જતો હતો.

    “અકોલા ડિસ્ટ્રીક્ટ ! મહારાષ્ટ્ર.”
    “વો કહાં પે પડતા હૈ?”
    “એ અપના, ભુસાવલ જો આતા હૈ ના ! ઉસકે નઝદિક.”
    “અચ્છા, તો યહાં કૈસે આના હુઆ?”
    “બસ, એ સિઝન મૈ કુછ પૈસે કમાં કે અપના ગુઝારા હો સકે તો ક્યાં હૈ કી ... અપને બૂઢે મા-બાપ કો ટેન્સન ના રહે ! કોઈ ના કોઈ મજદૂરી કરને કે વાસ્તે યહાં બુલા લેતા હૈ ! યહાં એ’મદાબાદ મૈ જો ભિ અપને ગાંવ કી ઔર સે પૈસેવાલા હો વો હમ સબ લડકો કો બુલા લેતા હૈ !”
    “અચ્છા. તો ફિર ગાંવ મૈ ઝમીન વગૈરાહ હોગા?”
    “હા, હૈ ના ! સેઠ લોગો કિ હૈ ! અપની હોતી તો ભી કુછ હોનેવાલા હૈ નહિ. વિદર્ભ ઇલાકે મૈ પડતા હૈ હમારા અકોલા સિટી. ઔર, વિદર્ભ કા નામ તો આપને સુના હી હોગા. ફેમસ હૈ કિસાનો કી આત્મ-હત્યા સે !”

    એ છોકરો માથું નીચું કરીને બેસી ગયો.

    “ઘર પે લોગ હૈરાન કરે ઉસસે અચ્છા હૈ કિ ઘર સે દૂર હિ રહેં ! એક તો મેરે મા-બાપ કિ ઉતની કપાસિટી તો હૈ નહિ, કિ હમકો પઢા સકે ! ઔર, અગર પઢ ભિ લિયા તો કૉલેજ વગૈરાહ તો ઇન નેતા-લોગ કી હૈ. મહારાષ્ટ્ર મૈ સિર્ફ એક ઔર પૈસે કી બારિશ હૈ, દૂજી ઔર અકાલ પડા હુઆ હૈ ! સાલા, પતા નહિ ચલતા કિ નસીબ ખરાબ હૈ યા ફિર પિછલે જન્મો કાં અભિ ભિ ચૂકા રહે હૈ !”

    હું હજુ કઈ બોલવા જાઉં એ પહેલા જ ફરી તેણે વાતની શરૂઆત કરી.

    “સાલા, પિછલી કિતની સારી પિઢીયોં સે હમ મજદૂરી કર રહે હૈ. અપના અચ્છા વક્ત કબ શુરુ હોગા? યા ફિર, એ ડંડા હિલાતે હિલાતે ઐસે હી મર જાયેંગે ! દૂસરે સિટી મૈ, અંજાન લોગોં કે બિચ. કોઈ પહચાનને વાલા ભિ નહિ હોગા. જબ ભિ કોઈ આપકે જૈસા હાલ-ચાલ પૂછ લેતા હૈ તો દિલ ખાલી હો જાતા હૈ ! બાકી, હમ લોગ આપસ મૈ તો રોઝ એક-દૂસરે કિ ખ્વાહિશો કો હવા દેતે રહતે હૈ ! કુછ હમ ભિ કરના ચાહતે હૈ ! બસ, નામ કે મરાઠા ! સિર્ફ સુન કે અચ્છા લગતા હૈ.”

    એ જુવાનના ટી-શર્ટમાંથી આવતી સખત પરસેવાની ગંધ નહોતી આવી રહી. તેના ચહેરા તરફ જોઈ રહ્યો. સુખ કે દુઃખ નહોતું લાગી રહ્યું. કોઈ મગજમાં ‘કર્મ’ (ડિડ) વાળી વાત મગજમાં નહોતી આવતી. બસ, એક જ દૃશ્ય દેખાઈ રહ્યું હતું.
    ત્યાં તોલ્સતોયની ખિત્રોવની બજારો હતી અને ત્યાંના મજૂરો હતા. અહી, હજુ એ જ છે. છેલ્લી, વાત તેની ખરેખર વિચારવા લાયક હતી. શું તેને આમ જ મજૂરી કરીને જ ખોવાઈ જવાનું?
    વાત બધી જ સાચી, ‘કરવું હોય તો બધું થાય. ત્રેવડ હોય તો કશું અઘરું નથી. લાઈફની ડિક્ષનરીમાંથી ‘ઈમ્પોસિબલ’ જેવો શબ્દ કાઢી નાખવો જોઈએ.' સાહસ – હિંમત આ બધું બોલવામાં સારું લાગે. આવતી કાલથી આવું બોલનારા દરેક મોટીવેશનલ ગુરુઓના લેક્ચર્સ બંધ થઇ જાય ત્યારે તેણે પોતે જ કહેલી સારી-સારી વાતોને પોસિબીલીટીઝમાં કન્વર્ટ કરી શકશે ખરા? બકબક બોલ્યા કરે, એનામાં આવું ધકધક ન જ થાય.

    માણસો એક્સ્ટ્રા- ‘ઓર્ડિનરી’ જ હોય છે. (વધુ પડતા સામાન્ય)

    Boredom: the desire for desires. (Count Lev Nikolayevich Tolstoy)

    (૨૭ એપ્રિલ, રાત્રે ૧૧ વાગ્યે)


    *મંદિર (ઈશ્વરીય મૂર્તિ) કે મનમંદિર (સજીવઘર)?*

    (એક દોસ્તની વાત પરથી મગજમાં ઉપડેલું ભડભડિયું)

    “બેટા, પહેલી સેલરી આવે એટલે આપણે મંદિરે જઈને ભગવાનને ૨૦૦૦ રૂપિયા ચડાવવાના છે.”
    “અરે, ના મમ્મી ! મને એવું નથી લાગતું કે આવી રીતે પૈસા ચડાવવા જોઈએ. પહેલી સેલરીમાંથી બહેન માટે કે તારે જે લેવું હોઈ એ કંઇક લઈએ. એવું પણ ન કરવું હોય તો ફેમિલીમાં જરૂરિયાતની વસ્તુ લઈએ.”
    “જો, તારે આ બધી વાતમાં બહુ બોલવાનું નહિ. મારી માનતા છે. એ તારે પૂરી કરવી જ પડશે.”

    “અરે પણ મમ્મી ! આ જ પૈસા જરૂરિયાતમંદ લોકોને આપીએ તો? પૈસા ચડાવવામાં મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ, હું એવું ઈચ્છું છું કે આટલા જ રૂપિયા આપણે બીજે ઉપયોગ કરીએ. મંદિરમાં તેનું શું થવાનું છે? એ કોઈને ખબર નથી. સૌથી મોટા બિઝનેસ આજે આ મંદિરો ચલાવે છે. આપણે મહેનત કરી-કરીને મંદિરમાં જ મૂકવાના?”
    “ક્યારેક વડીલોનું માનતા શીખો. દર વખતે ઝઘડો જ કરે.”
    “પણ મમ્મી, દરેક પૂજા અમુક સમયે થવી જરૂરી છે? આ બધું કરવું જરૂરી છે?”

    અહી પ્રશ્ન અને જવાબ બંને અટકી જાય છે. અંતે, વડીલોની વાતને માન આપીને ન ગમતી પ્રવૃત્તિ કરવી પડે છે. શ્રદ્ધા અને વિશ્વાસની વચ્ચે ઝૂલા લેતી વડીલોની વાત સામે એક સ્ટેપ આગળનું વિચારતી આજની પેઢી છે. હા, આજના નવલોહિયા જુવાનને અમુક વાતો પર વિશ્વાસ નહિ હોય. પરંતુ, મમ્મી ને એવું છે કે વર્ષોથી જે માનતાઓ અને પ્રાર્થનાઓ ભગવાનના ગર્ભગૃહમાં પોતાને ગર્ભ હતો ત્યારથી કરતી આવી છે તેથી જ આજે સુખ અને સમૃદ્ધિ છે. પોતાના વ્હાલા લોકોની સુખાકારી એ પ્રાર્થનાઓની ગુંજમાં તે પોતે સાચવતી આવી છે. હજુ મંદિરમાં તે પગ મુકે ત્યારે પોતાના પોતાના પતિ અને દીકરાની તકલીફોની રિહાઈ માંગે છે. આ શ્રદ્ધા અને ઈશ્વર પરનો વિશ્વાસ તેના અમુક દૃષ્ટિકોણ સામે આંધળો પટ્ટો બાંધી દે છે.

    બંને વ્યક્તિ પોત-પોતાની વાત પર સાચા છે. મમ્મીને રૂપિયા મૂકાય ત્યાં સુધી જ પ્રશ્ન છે. અને, દીકરાને એ પૈસા મુકાયા પછીના તેના ઉપયોગની ચિંતા છે. જ્યાં એકને જવાબ મળે છે, ત્યાંથી બીજાનો પ્રશ્ન શરુ થાય છે. મંદિરો પર પણ ટેક્સ લાગવા જોઈએ. તગડા ભાવો જો ભગવાનને આડે રાખીને વસૂલાતા હોય તો તેની પીઠ પાછળ તો શું થતું હશે તેનો અંદાજ પણ લગાવી ન શકાય. આ પ્રશ્ન સુધી કદાચ હજુ દરેક નથી પહોંચ્યા. આજ સુધી જે આસ્થા અને શ્રદ્ધાથી કામ થતું હતું તે આજે પણ દીકરાની જોબ લાગવાથી થયું છે તેવું મમ્મીનું માનવું છે. દીકરો પણ એવું જ માને છે કે, ભગવાનની કૃપાથી જ સારી જોબ મળી હશે.

    મમ્મી એવું સમજે છે કે, ઈશ્વરે જ સારી નોકરી અપાવી છે તો તેને કૃતજ્ઞતા અર્પણ કરવી જ જોઈએ. દીકરો એવું માને છે કે, લેવા-દેવાની સિસ્ટમ માત્ર માણસોમાં જ છે. ભગવાન સુધી હજુ એ સિસ્ટમ નથી પહોંચી. એક હાથે આપીને બીજો હાથ લાંબો કરવાની ‘ખેવના’ માણસમાત્રમાં જ છે. પરંતુ, ઈશ્વર તો એક હાથે આપીને ચાલ્યું જવું એ ‘ભાવના’ સાથે આપે છે.
    ખરેખર, સમગ્ર દુનિયાનું અન-બેલેન્સ આના લીધે જ છે. જેને જરૂરિયાત છે એ તેનાથી વંચિત રહી જાય છે. ખરી જરૂરિયાત મંદિરના ઓટલે બેઠેલ રોજના રેગ્યુલર કસ્ટમર એવા ‘ભિખારી’ઓને નથી. કારણ કે, તેમને તો ખબર જ છે કે રોજ બપોર પછી કોઈકને કોઈ ડરપોક વ્યક્તિ ભગવાનથી ડરીને મારું પેટ ભરવા પહોંચી જ જશે ! એક રૂમ-રસોડાના ભાડાના ઘરમાં રહેતા મધ્યમ વર્ગીય લોકોને છે. બાળકોની ફી ભરવા માટે દર મહિને સેલરીની રાહે બેઠેલ પપ્પાને છે. મહિનાના છેલ્લા પાંચ દિવસમાં શાકભાજી લાવવાને બદલે કઠોળનું શાક કરતી મમ્મીને છે. ઘરમાં પરિસ્થિતિ સારી નથી અને ભણવાની ધગશ હોઈ તેવા હોશિયાર દીકરા-દીકરીઓને છે.

    ચાન્સ હંમેશા લેવો જોઈએ. ઈશ-વિશ્વાસ પર, નહિ કે ધર્મ પર. પારકી આશા નહિ, પરંતુ સ્વ-વિશ્વાસ પર. આશા આગમાં ચાલવાનું શીખવે છે. વિશ્વાસ તેને વટાવીને આગળ લઇ જાય છે.

    ભગવાને પોતાના આલિશાન મકાનો પોતાના ભગવા ભક્તો માટે બનાવ્યા જ છે. હા, ટુરિસ્ટ પ્લેસ સુધી બરાબર છે. બાકી, છાતીમાં ડાબી બાજુ મિનીટમાં બોતેર વખત ભગવાન જ ધબકતો હોય તો મંદિરના ‘ઓટલે’ કે મૂર્તિના ‘પાટલે’ એકેય આનો મૂકવાની જરૂર નથી. ખાલી હૃદયે, વિના માંગણી એ મંદિરે જઈને ઉભા રહીશું તો ભગવાન પણ કોઈ હસતા-ખેલતા બાળકની જેમ અપનાવી લેશે. હાથ જોડીને માંગણની જેમ નહિ, ‘શેક હેન્ડ’ કરીને ઈશ્વરનો થવા જવાનું હોય દોસ્ત !

    *અપેક્ષાઓ ના સમપ્રમાણમાં જ મોંઘવારી નડે...!*

    “૨૪૫ રૂપિયા મહિનાનો પગાર હતો મારે...! આ પગારમાં કોણ છોકરી આપે?”
    ’૭૫ની સાલમાં આ પગારમાંથી પાછું ફંડ કપાય એ વધારાનું. રિટાયરમેન્ટને દોઢ વર્ષ રહ્યું છે. આજે ૧૯ હજાર થયો છે. એ પણ, બે-ત્રણ વર્ષ પહેલા એકસાથે ૮ હજાર વધ્યા ત્યારે આટલો આંકડો પહોંચ્યો. એક સાંધો ‘ને તેર તૂટે, એ પરિસ્થિતિ અમારે છેલ્લા ચાલીસ વર્ષથી છે. ભગવાનની દયાથી બૈરું સારું મળ્યું.
    હાંક્યે જાય છે એ અમારી ગાડી. છોકરા ભણીને મોટા થઇ ગયા. હવે એમના પણ લગ્ન કરાવી દીધા છે. તેમના માટે એક ફ્લેટ લેવાઈ ગયો છે. હપ્તા ભરાઈ રહે અને તેનું ઘર ચાલી જાય એટલું છોકરો કમાઈ લે છે અને વહુ પણ સારા મળ્યા છે. બીજું તો શું જોઈએ આપણે?
    ભાઈ, દુઃખના દિવસો અમારે આમ તો ચાલીસ વર્ષથી ચાલે જ છે. પરંતુ, અમે તેને સ્વીકારી લીધું છે. આ સમય ક્યાં જતો રહ્યો એ સરવાળો કરવા બેસું તો ખાલી ખિસ્સું જ હાથમાં આવે છે.
    લોકો કહે છે, મોંઘવારી વધી છે. પણ મારું ઘર ચાલીસ વર્ષથી એકદમ ચકાચક ચાલે છે. આજ સુધી કોઈ મહેમાન ભૂખ્યો નહિ ગયો હોય ઘરેથી...! અપેક્ષાઓ નહોતી અમારી.
    અપેક્ષાઓ માત્ર છોકરાઓને સારી જગ્યાએ ભણાવી-ગણાવીને સ્થાયી થતા જોવાની હતી. જે પૂરી થઇ ગઈ.”

    આ વાર્તાલાપમાં ઘણી વાર યાદોને વાગોળતા એ વ્યક્તિની આંખોમાં ચમક આવી. ક્યારેક, આંખ આડે અંધારા આવ્યા. કોઈ વાર હાસ્યાસ્પદ બાબત યાદ કરીને ખડખડાટ હસ્યા.
    આ સાંભળીને મને પણ કંઇક સમજાયું.

    આ સામાન્ય જીંદગી લગભગ મોટાભાગના દરેક વ્યક્તિની હોય છે. દરેક વ્યક્તિ કલાકાર કે કલાપ્રેમી નથી હોતો. દરેક રિયાલીટી શો માટે નથી બન્યો હોતો. બધા જ સ્ટાર બનવા નથી માંગતા. ઘણા એવા જીવડા ઓ પણ હોય છે, જે ચૂપચાપ પૃથ્વી નામના એપાર્ટમેન્ટમાં ભાડાનું મકાન રાખીને અમુક સમય ત્યાં રહીને તે ખાલી કરીને પાછા ચાલ્યા જાય છે. દરેક માતા-પિતા આજે પોતાના દીકરા-દીકરીઓને કલાકાર જ બનાવવા માંગે છે. વેકેશનમાં પણ જાત-જાતના કલાસિસ બંધાવી આપે છે.

    ક્યારેક એમને, વિડીયો ગેમ્સ – લખોટી – ભમરડો – ફૂલરેકેટ – ગલીક્રિકેટ જેવું કંઇક મજા આવે એવું રમવા દો યાર...! ફોર્સફૂલી કળા ન શીખવી શકાય. ઉધામા કર્યા વિના વર્ષો સુધી એક જ ઓફિસમાં કામ કરવાની મજા લેવા માટે પણ કેટલાક જન્મ ન લઇ શકે? અને, એ પણ એક સિદ્ધિ જ છે ને...! ભલે ‘મોટીવેશનની ભંગાર મોટરો’ ક્રિએટીવ બનવાની પિપૂડી બજાવ્યા કરે...! પરંતુ, એમને કોણ સમજાવે કે ભાઈ તું પણ વર્ષોથી રોજ સવારે ઉઠીને ગામની મેથી મારવાનું જ કામ કરે છે. તેના કરતા સામાન્ય વ્યક્તિ પોતાના ઘરની ‘મેથી’ની ભાજી માટેના પૈસા ખોટી ખટપટ વિના જ કમાઈને ઘરે આવતો હોય તો એ વધુ સારો માણસ કહી શકાય.

    ચાલી જાય ભૂરા, ઘર ચાલી જ જાય. ‘મુફ્તી’ના શર્ટ ન લઇ શકીએ પણ શનિવારીમાંથી ‘મફત’ના ભાવે વિદેશી શર્ટ તો લઇ જ શકાય ને...!

    અપેક્ષાઓ ના સમપ્રમાણમાં જ મોંઘવારી નડે...!
    (આજે સવારની ૧૦ મિનીટ)

    (૧૫ ફેબ્રુઆરી, ’૧૬.)

    *Celebrate every single day*

    બારીની ફાંટ વચ્ચેથી નજર ફરી દૂર સુધી પહોંચી. ધૂળ ચડેલ કાચમાંથી દૂરની વસ્તુ થોડી અસ્પષ્ટ જણાઈ રહી છે. એપાર્ટમેન્ટ બાંધકામ ચાલુ હોવાના કારણે બધા મજૂરો તંબૂ બાંધીને પડ્યા છે. ગરીબ પુરુષ વાદળી રંગના તંબુમાંથી ઉભો થાય છે. ફાટેલ કામળાને શરીર ફરતે વીંટાળે છે. હાથમાં દાતણ અને કાટ લાગેલ પતરાના ડબ્બામાં પાણી લઈને જઈ રહ્યો છે. તંબુની આજુબાજુ ઘણા બધા લેમ્પ લગાવેલા છે. તેનું કારણ કદાચ તેમાંથી નીકળતા પ્રકાશને લીધે મળતી ગરમી જ હશે! ધુમ્મસ શહેરના મકાનો સાથે રમી રહ્યું છે. ઇલેક્ટ્રિક વાયરો પર પારેવાની શિસ્તબદ્ધ હાર છે. પોપટ મકાનની દિવાલમાં બનાવેલ માળામાં ઉડાઉડ કરી રહ્યા છે. ગાર્ડનમાં લીલી ઝાકળ સાથે મસ્તી કરવા હજુ પ્રકાશનું કિરણ પડ્યું નથી. આ ઠંડીમાં હજુ કોઈ જોગિંગ પર નીકળ્યું નથી. એપાર્ટમેન્ટની નીચે ઉતરતા મજાના દ્રશ્યો જોવા મળ્યા.

    પૌંઆની રેંકડી પર વધુ લાઈન છે. વઘારેલ પૌંઆ, ગાંઠિયા, બીટ, કાંદા અને લીંબુની જુગલબંધી સવારમાં ગમે તેનું મન ડોલાવી શકે. ગાંઠિયા રથના ફાફડા અને ફાફડીનો લોકો પપૈયા, લસણની ચટણી સાથે લિજ્જત ઉડાવી રહ્યા છે. ફાફડાને મોં માં મુકતાની સાથે જ ઘણાની બખોલમાંથી લાળરસ ‘ઓવરફલો’ થઈને બહાર નીકળી રહ્યો છે. આ ‘ફલો’ને પોતાના સ્વેટરની બાહેંથી જ લૂછીને ફરીથી ગરમાગરમ કઢીમાં ઝબોળીને ફાફડીને જઠર સુધી પહોંચાડાઇ રહી છે. સવાર-સવારમાં ફૂલ બનવા તરફ જઈ રહેલી કળીઓ આટલી સુંદર કેમ જણાતી હશે? પ્રાત:કાલે રૂપાતિત્ય માનુનીને જોયા પછી મનમાં આનંદોર્મિ જન્મે એ સ્વાભાવિક છે. તે ફરીથી જોવા મળે તેવી અભિલાષા ઉત્પન્ન થાય છે. અને, સૂર્યમાંથી થોડો પ્રકાશ ઢોળાયો.

    કિરણના સ્પર્શની સંવેદનાએ કૂણા ઘાસ પર કામુક અવસ્થામાં સૂતેલ ઝાકળને ઉઠાડી. ઝાકળ અને કિરણ વચ્ચે સમ-ભોગની અવસ્થા એ જન્મ લીધો. બંને સરખા ભાગે એકબીજાને સાથ આપી રહ્યા છે. ઝાકળ પર પડતા કિરણની તીવ્ર પરંતુ મીઠી વેદના હતી. ઝાકળનું શરીર વિલીન થવા લાગ્યું. આવતીકાલે ફરી અનંગ ક્રીડાનો આનંદ માણવા આજે ખોવાયું. સંપૂર્ણ નિર્દોષતાથી તે બિંદુ કિરણને વશ થયું. માટીએ ઊંડો શ્વાસ લીધો. સૂતેલા કૂણાં ઘાસે આળસ મરડી. એ પ્રકાશ જાણે સંજીવની બુટ્ટી લઈને આવ્યો.

    હવે લોકો દોડતા થયા. હાથમાં દૂધનું માસિક બીલ લઈને મમ્મીઓ નીચે ઉતરી આવી. દરેક ફ્લેટની ગેલેરીમાં ન્યુઝપેપર પડવા લાગ્યા. ગંજીધારી ફાંદ અને લૂંગીધારી ધડ ધરાવતા મૂછાળા લોકો બ્રશ લઈને ચાવતા જોવા મળ્યા. ગાર્ડનમાં ‘દાદા પબ્લિક’ શ્વાસ અંદર-બહાર કરી રહી છે. ઘણી સ્કૂલમાં આજે ક્રિસમસ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવાનો હોવાથી બાળકો ‘સાન્તા ક્લોઝ’ના ડ્રેસમાં નીચે ઉતરી રહ્યા છે. ગળામાં વોટરબેગ અને રંગબેરંગી સ્વેટર સાથે બાળકો શોભે છે. ગળા પાસે દોરીની ગાંઠ લગાવીને મમ્મી માથું ઢંકાય તે રીતે ટોપી બાંધી રહી છે. બાળકોને માટે સ્કૂલ-રિક્ષાઓ આવી પહોંચી. ટાટા-બાય બાય કરીને મમ્મીની નજર રિક્ષા એપાર્ટમેન્ટના વળાંક સુધી ઠરી રહી.

    Celebrate every single day. (૨૪ ડિસેમ્બર, સવારના ૭:૪૫)