Dairy na pane thi sarkela kissa in Gujarati Short Stories by Ayesha Yusuf books and stories PDF | ડાયરીના પાનેથી સરકેલા કિસ્સા

Featured Books
Categories
Share

ડાયરીના પાનેથી સરકેલા કિસ્સા

( 1 )

"સોરી.. મને જવું પડશે.. એ રાહ જોતો હશે..પ્રેમ પહેલો"-મે મારા બેસ્ટ ફ્રેન્ડ ને કહ્યું.

"ઓકે.. કોઈ નહી હોય ત્યારે હું તો હોઈશ જ..

"આજના બ્રેકિંગ ન્યૂઝ માં મારો કિસ્સો પાને પાને હતો. પળેપળ નો માનસિક બળાત્કાર...

મે એને ફોન કર્યો..

"આજ પછી ભૂલથી પણ મને ફોન ન કરતી"-મારી યાતના ની આ પરાકાષ્ઠા હતી.કાલ રાત થી વણથંભ્યા અશ્રુઓ હવે મારા કહ્યાંમા પણ ન રહ્યાં.પાછળ થી કોઈ એ રૂમાલ ધર્યો અને એ જ ચિરપરિચીત અવાજ.

"કોઈ નહિ હોય ત્યારે હું તો હોઈશ જ..પ્રેમ પહેલો."..

અમારી પહેલી વેડિંગ એનિવર્સરી પર મે આપેલી ગીફટમાંનો પત્ર વાંચી એ ભીની આંખે મારા સામે જોઈ રહ્યો.જેમાથી એનો પ્રેમ વહી રહ્યો હતો.-

( 2 )

"આજ પછી અમારા સાથે ના તારા બધાજ સંબંધો પૂરા.તારા નામ નું અમે નાહી નાંખ્યું"-પપ્પા એ ઘરનો દરવાજો બંધ કરતા કહી દીધું.અંદર થી મમ્મી ના રડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો.

"એ જ એનું ઘર છે.સ્રી ના ભાગ્યમાં જ સહન કરવું લખેલુ હોય. ડૉકટર પતિ સાથે શું વાંધો પડે છે?આદત છે આની ફરિયાદ કરવાની.આમ આવી જશે તો લોકો શું કહેશે?સમાજ માં ઈજજત નહી રહે"-પપ્પાની ત્રાડ થી એક લખલખુ મારા શરીર માંથી પસાર થઇ ગયું.હું પાછી ફરી.

"કોના જોડે રખડતી હતી તું"-સ્વાગત જ એક થપ્પડ સાથે થયું.દારૂ ની વાસ થી મને ઊબકો આવી ગયો. આ રોજ નો ક્રમ હતો.

બંધ રૂમ માં થતા ખેલ ની નિશાની એ મારા પીઠ પર ના ચકામા માં એક વધારો કર્યો.બીજા દિવસે સન્માન સમારોહ માં બુકે સ્વીકાર કરવા મારૂ નામ બોલાયું

"શહેર ના સૌથી મોટા ડૉકટર અને ખૂબ માયાળુ સ્વભાવ ના ઉદાર માનવી ના ધર્મપત્નિ નુ અમે સ્વાગત કરીએ છીએ"-આખો હોલ તાળીઓના ગડગડાટ થી ગૂંજી ઊઠયો. મારી નજર ગર્વથી તાળી વગાડતા પપ્પા પર પડી.આંખ ના ખૂણે ધસી આવેલા આંસુને લૂછી હું રૂપકડા સ્મિત વાળો ચહેરો ચોંટાડી સન્માન સ્વીકારવા આગળ વધી...

( 3 )

હું માત્ર બે મહિના ની હતી જયારે મને તમારા ખોળા માં મૂકવામાં આવેલી.ત્યાર થી તમારી દુનિયા નું હું કેન્દ્ર હતી. આ ઘરનું પણ..આ ઘર એ મને ખુલ્લા હાથે અપનાવેલી.હું સૌથી નાની હતી.. સૌથી વધુ લાડલી પણ.. મારા પ્રત્યેક ધબકારા થી તમે વાકેફ રહેતા. શાયદ બાળપણ માં માલિશ કરવાના કારણે જ તમે મારા પગ ની ભાષા થી પરિચીત છો.જયારે હું કોઈથી ઝગડી ને કે રિસાઈને ઘર માં આવતી ત્યારે એ મૌન પગલા નો અવાજ તમને સાદ દેતો અને તમે બધું જ કામ પડતું મૂકી મને બાથમા લઈ લેતા અને જાતે જમાડતા. તમારી એ ઓઢણી ની મહેંક થી મને સૂકુનવાળી ઊંઘ આવતી. જયારે મને તમારા થી અલગ કરવામાં આવી ત્યારે મારા ધમપછાડા એ ટોળું એકઠું કરેલું.એ હકીકત થી તમે વાકેફ હતા કે તમે તમારા જ કોઈ અંગને કાપીને ફેંકી રહ્યા છો."

"પણ તું કોણ છે?"-એને મને પૂછયુ.એની આંખો માં હજાર સવાલ હતા.મને આ સવાલ સાંભળી મારા ભીતર કશું તુટીને છિન્ન ભિન્ન થયાનું મહેસુસ થયું.

"તમારી દીકરી"-છલકાયેલા આંસુ ને ખાળતા હું માત્ર આટલુ બોલીને આઇ.સી.યૂ.ની બહાર નીકળી ગઈ.

જેનુ જીવન મારી આસપાસ ભમતું એના જીવન માંથી હું જ ભૂંસાઈ ગયેલી. એક ભૂલ ની જેમ. એમની યાદશકિત ચાલી ગઈ હતી.જાણે કોઈ એ મને જડસોટી ઊખાડી ને ફેંકી દીધી .

( 4 )

રોજ ની જેમ આજે પણ મારી આંખ એ બન્ને ના પ્રેમાલાપ સાંભળીને ખુલી. એ બન્ને ના લવ મેરેજ હતા. બન્ને એકબીજા સાથે વાત કરવાનો બહાનો શોધતા. લગ્ન ના પચ્ચીસ વર્ષ પછી પણ એમનો પ્રેમ અકબંધ હતો.

"તારા માં અક્કલ હોત તો શું જોઈતુ હતુ?ખબર ન પડે તો મોઢું બંધ રાખ"

"હા..તમારા માં જ અકકલ ભરેલી છે નહિં?પ્રોબ્લેમ શુ છે તમારી?"

"તુ છે મારી પ્રોબ્લેમ. મહિના ના વીસ હજાર રૂપિયા ઉડાવીને પણ ધરાતી નથી તુ"

"આખુ ઘર હુ ચલાવુ છુ.તમે એક પૈસા ની જવાબદારી ઉપાડી છે ખરા?કમાઉ છું તો પણ આમ હડધૂત કરીને રાખો છો. હાઉસ વાઈફ હોત તો શું કરતા?ભૂખે મારતા?"

"હાથ પકડી ને ઘર ની બહાર રવાના કરી દેતો"

મે એક ઊંડો શ્વાસ લીધો અને તૈયાર થઈ ને એન્ટિ ડિપ્રેશન ની ગોળી લઈને શાળા એ જવા ઉપડયો. હું આજના દિવસે મોડો પડવા ન હતો માંગતો. આજે દસમા ધોરણ મા મારો પ્રથમ દિવસ હતો. પ્રાર્થના બાદ બધા વર્ગમાં ભેગા થયા. પરિચય વિધિ ચાલુ થઈ. મે મારો પરિચય આપ્યો. ટીચર મારા સામે અહોભાવ ભરી નજરે જોઈ રહ્યા.

"તુ તો એમનો જ છોકરો છેને જેમને આ વર્ષે જ બેસ્ટ કપલ ઑફ ધ યર નો ખિતાબ જીતેલો?"

"યસ મેડમ."-હું મારા ચોપડા માં લખેલા નામ પાછળ ની અટક છેકતા બોલ્યો.

( 5 )

જયારે મે એને પહેલી વાર જોઈ ત્યારે ખબર નહિ કેમ પણ ન ઈચ્છવા છતા મારી નજરે એનો પીછો કર્યો.એ સૌથી અલગ હતી. ટોળા માં પણ નોખી તરી આવે કંઈક એવી. એ કંઈ રૂપ રૂપ નો અંબાર કે અપ્સરા ને કોમ્પિટશન આપે એવી બિલકુલ પણ ન હતી. શ્યામ વર્ણ,કમર સુધી ઝુલતા કાળા રેશમી વાળ,અને એની આંખો...હા..આ આંખો માં જ કંઈક હતુ. હું પાર્કિંગ માં મારી સેના જોડે બેસીને ન્યુકમર સ્ટુડન્ટસ નો સભ્ય ભાષા માં ઈન્ટરો લેતો હતો. એનો વારો આવ્યો. મે એને ધ્યાન થી જોઈ. ડર ના મારે એને એના દુપટ્ટા નો છેડો હાથમાં દબાવી રાખેલો. નીચી નજરે એ બરોબર મારા સામે ઊભી હતી.

"નામ શું છે?"

"કૃષ્ણા"

"નીચે ધૂળ માં લખ્યું છે નામ?"

અને એને નજર ઊઠાવીને જોયું. હ્દય નો એક ધબકારો ચોકકસ આડોઅવળો થઈ ગયો.એની આંખ માં ગાઢ ઊંડાણ હતું.એક પ્રકાર નો જાણે જામ ન હોય. અને કૉલેજ નો મોસ્ટ પોપ્યુલર બોય ઘડી ના છઠ્ઠા ભાગ માંજ એ ઊંડાણ માં જ ડૂબી ગયો.

"નામ જેવું જ રૂપ છે"-આજુબાજુ ઊભેલા લોકો માથી કોઈ બોલ્યું.એ હજુ મારા સામે જ જોતી હતી. કત્લ કરવાનુ જાણે નકકી કરીને આવી હોય.

"અને નામ જેવા જ ગૂણ છે.ઘેલા કરવાનો ગૂણ"-સન્નાટો છવાઈ ગયો. એને નજર ઢાળી દીધી.એ કલાસ રૂમ તરફ જવા લાગી. જતે જતે પાછું વળીને જોયું એને અને સ્મિત કર્યું.બાકી રહેલી જાન પેલા ખંજન લઈ ગયા.સૌ કોઈ ને હું મૂરખ લાગી રહયો હતો. માત્ર હું જ જાણતો હતો એની ખુબસૂરતી.કહેવાય છે ને કે ખુબસૂરતી જોનાર ની આંખમાં હોય છે....

( 6 )

"મે માસીને કહી દીધું છે.એ સવારે આવીને જોઈ જશે."-સાગરે તારા ના વાળ માં હાથ ફેરવતા કહ્યું

"બટ એ ડૉકટર થોડી છે?અને મને આ જરૂરી નથી લાગતું"

"એ જોઈને કહી દેશે.જે કામ ડૉકટર ન કરી શકે તે કામ એમના માટે ખેલ છે."

"મને કોઈ તપાસ નથી કરાવવી.હું એકદમ સ્વસ્થ છું"

"મને એક વાર બસ જાણવુ છે.એ કહેશે પછી મને ટેન્શન નથી. મારા માટે તારા થી વિશેષ કાંઈ નથી.લે હવે જલદી દૂધ પી"

"આવા દેવ જેવા પતિ આપવા બદલ આપનો આભાર હુ કયાં શબ્દો મા માનુ?-ધન્યતા અનુભવી રહેલી તારા એ ભગવાન ની છબી તરફ જોતા દૂધ નો ગ્લાસ ગટગટાવ્યો.

"તારા હજુ ઊંઘે છે.ફુલ હશે તો આજે તમારી દિવાળી નકકી...અને જો ધૂળ હોય તો તમે જાણો જ છો શું કરવું"-સવારે સાગર માસી ને સુચના આપી રૂમ ની બહાર ઊભો રહ્યો. અડધો કલાક બાદ માસી બહાર આવ્યા.

"સાહેબ કાઢો પાવો પડશે.હુ બનાવી ને આવું"-સાગરે તારા તરફ તિરસ્કૃત નજરે જોયું. માસી એ આવીને તારા ને ચમચી વડે કાઢો પિવડાવ્યો.

"હું જઉ છું.મને મોડું થાય છે."

"કયાં જાય છે પણ. તારા ને તને હવે સાચવવી પડશે"-માઁ એ કહયું.

"એક શાળામાં 'બેટી બચાવો' કાર્યક્રમ ના ઉદ્દઘાટન માં મુખ્ય મહેમાન તરીકે જવાનુ છે.અને માસી આ તમારી ફી"-સાગરે દાયણ ના હાથ માં રૂપિયા આપ્યાં.

પ્રસિધ્ધ સામાજિક કાર્યકર સાગર ગાડી માં બેસી રવાના થયો.જયારે તારા ની આંખ ખુલશે અને પેલુ હજુ પાંગરવાની પગલી માંડતુ ફુલ ખરી ગયેલુ જાણશે ત્યારે ગત રાત્રિ ની દેવ જેવા પતિ તરફ ની ધન્યતા ધિકકાર મા ફેરવાઈ જશે...

( 7 )

મે એને પહેલી વાર મારી બહેનના મેરેજમાં જોયેલા.એને જોઈને મારી ધડકન વધી હોય અને હું જાણે પલકારો મારવાનુ ભુલી ગઈ હોય એવુ સહેજ પણ ન'તુ થયુ.એને જોઈને હુ ડરેલી.હા બરોબર કીધુ મે.એને મને પહેલી મુલાકાતમાં જ ડરાવી દીધેલી.જો કે એમા એનો કોઈ જ વાંક ન હતો.એની એક સૈનિક ને છાજે એવી કાયા જોઈને શાયદ હુ ડરેલી.અમે બીજી વાર શિયાળા ની વહેલી સવારે એના જ ઘર ની બહાર આકસ્મિક સંજોગોમા મળેલા.બદતમીઝ ની જેમ એને મારી પરમિશન વિના મારી એકટીવા ચલાવેલી.એમને ધકકો મારીને ઊતારી લેવાનુ મને મન થયેલુ.ગુલાબી ઠંડીમા મારા ગુસ્સાથી લાલચોળ થયેલા ચહેરા તરફ એને તદ્દન દુર્લભ સેવેલુ.એની પાછળ ત્રીસ મિનીટ સુધી એને સ્પર્શયા વિના હુ નાઈટડ્રેસમા થથરેલી.એક વર્ષ બાદ એ મને ફરી મળ્યાં.અમે એક ઑફિસમાં સાથે કામ કરતા.એ મારા સાથે એ રીતે જ વર્તતા જાણે અમે અનજાન હોય.એની બીક હજુ મનમા હતી.એ આસપાસ હોય ત્યારે મને મારા જ ધબકારા સંભળાતા.એક પ્રોજેકટમા અમે એક ટીમમા હતા.અને ત્રણ મહિના બાદ પહેલી વાર સ્મિત ની આપ-લે થયેલી.એ પછી જયારે મળતા ત્યારે અચૂક એ સ્મિત આપતા.ખબર નહી કેમ પણ મને એ સ્મિત હંમેશા અધુરૂ લાગતુ.એક દિવસ હિંમત કરીને મે પૂછી જ દીધેલુ અને જવાબમા મૌન મળેલુ.પછી તો રોજ અમે કલાકો ચેટિંગ કરતા.હુ એમના તરફ આકર્ષાયેલી.હજુ પણ એમને આસપાસ જોઈને મને મારા ધબકારા સંભળાતા.અલબત્ત સાથે એમનુ નામ પણ..હા.હુ એમના પ્રેમમા હતી.એક દિવસ અમે પ્રોજેકટના કામે બહાર ગયેલા.એમના બાજુ માં બેસીને મારા પેટમા જે પતંગિયાઓનું આખેઆખુ ટોળુ ઉડાઉડ કરતુ હતુ ને એ હુ વર્ણવી નથી શકતી.લંચ દરમિયાન જયારે મારા અળવીતરા મને ફરી એકવાર પેલો પ્રશ્ર્ન પૂછેલો અને મારી ચંચળ જીભથી એ લપસેલો ત્યારે મે જોયેલા એમના મનોભાવ હજુ મારા મન પર અંકિત છે.પરત ફરતી વખતે એમને મને વિસ્તાર થી એમના સાથે સહધર્મચારીણી ધ્વારા ખેલવામા આવેલ ખેલ અને લગ્નજીવન નો કરૂણ અંજામ વિશે કહેલુ.મે એક ચટ્ટાન સરીખા પુરૂષ ની આંખમા પહેલી વાર જોયેલુ જેમા મને એક મોતી તગતગી રહેલુ દેખાયેલુ.મે એમને મારા આલિંગનમા સમાવી દીધેલા.એક પથ્થર માંથી વહી રહેલુ ખારૂ ઝરણુ મારી ડાબી બાજુએ ભીતરમા પાંગરી રહેલા ફુલને જાણે સીંચી રહ્યુ હતુ.એમને મારા હોઠ પર એક નિશાની છોડી.અમારી પહેલી કીસ.અમે એકબીજાને પૂરા કરતા હતા. એકમેકનુ અજવાળુ હતા.અમે ઘણા સમય બાદ મળ્યા હતા. એને મારો હાથ પકડી રાખેલો અને મારા કાનમા ધીમેથી કહેલુ,"મારા સાથે ફેરા ફરીશ?તારો સાથ મને કબુલ છે.બસ તારી રજા જોઈએ."હુ ધ્રુસકે ધ્રુસકે રડેલી.એ સમયે શાયદ ઈશ્ર્વર પણ મારી મજબુરી જોઈને પસ્તાયો હશે.હુ ચાહવા છતાં એને હા ન કહી શકી. એક દિવસ મે એમના માટે એક નિર્ણય લીધો. મે એમના થી વાત કરવાનુ બંધ કરી નાંખ્યું.એમને ઊખાડીને મારા માંથી બહાર ફેંકી દીધા.અમે એકબીજા થી વિપરીત હતા.કહેવાય છે કે બે અસમાન વચ્ચે આકર્ષણ થાય.અમારામા બધુજ ભિન્ન હતુ.સ્વભાવ,ઊંમર,પસંદગી,શોખ અને અમારા મસ્તક નમતા એ દેવ પણ.મે એને અન્ય છોકરી સાથે લગ્ન કરવા મજબૂર કર્યા.હુ જાણતી હતી કે હું એમના સાથે રહીશ તો એ કોઈના સાથે નહી જોડાય.હુ એમનાથી જાતે જ દુર થઈ ગઈ.એમની અન્ય સાથે સગાઈ થઈ ગઈ. એ રાત આખી જિંદગી ની સૌથી ખરાબ રાત હતી.એક એક પળ શ્ર્વાસ લેવુ મારા માટે મુશ્કેલ બની ગયેલુ.એમના વિના ની જિંદગી બળબળતી ગરમીમા અફાટ રણ ની પગપાળા સફર થી વિશેષ ન હતી. ઘણી વખત થતુ કે એને જઈને વળગી પડુ અને કહી દઉ કે તારા વિના હું બિલકુલ અધુરી છું.મને સમાવી લે તારામાં.મે મન ને રોકી રાખ્યું.એને ખુશ જોઈને હું ખુશ થઈ જતી.મને આ જ તો જોઈતુ હતુ.એમની ખુશી.કાલે એમના લગ્ન છે.એ હંમેશા માટે કોઈ બીજાના થઈ જશે.પણ હું ખુબ જ ખુશ છું. હા.હું ઘણી જ ખુશ છું... હેરી એ ડાયરી ના છેલ્લા પાના પર હાથ ફેરવ્યો.ખારાશ થી ચિરપરિચીત એવા પાના પર ફરી એકવાર એ મોતી ટપક્યા.આઈસીયુ ના ગોળ કાચમાંથી હેરી એ ઑકિસજન માસ્ક પહેરેલી અને શ્ર્વાસ સાથે સંઘર્ષ કરી રહેલી એની સના ને જોઈ.આજે સવારે જ ટ્રક સાથે અથડાયેલી સના ના સમાચાર હેરી ને મળેલા.એને આજે સમજાયું.સના બેવફા ન હતી.આજે ફરી એકવાર ધર્મના આંધળા રાક્ષસે એક માળા ને બંધાતા પહેલા જ વિખેરી નાંખેલો...

( 8 )

સટ્ટાક....એ થપ્પડ ગાલ પર નહી પણ દિલ પર વાગેલી.સેવન બીએચકે ના આલિશાન બંગલાના સન્નાટામાં એનો પડઘો પરિસ્થિતીને જાણે વધુ ડરામણી બનાવી રહ્યો હતો.

"તું લાયક જ નથી આ એશોઆરામના.આટલો બેજવાબદાર તું કઈ રીતે બની શકે?તું માધવ નો દિકરો છે.મારા નામ વિશે તો વિચાર.આ વૈભવ વારસામાં નથી મળ્યો.તનતોડ મહેનત કરી છે મે.નકામો છે એકદમ કચરાની જેમ"

દસ વર્ષ નો સ્મિત લાચાર ઊભો હતો. એને આશાભરી નજરે નેઈલ પેઈન્ટ માં બીઝી મમ્મી તરફ જોયું.એને વિશ્ર્વાસ હતો કે મમ્મી જરૂર બચાવશે.

"તે તો મને કોઈને મોંઢુ બતાવવા લાયક નથી છોડી.જયારે કલબમાં મિસિસ મહેતા અને મિસિસ પારેખ એમના દિકરાનુ રિઝલ્ટ ગર્વથી એનાઉન્સ કરશે ત્યારે તને આઈડિયા છે હું શું કહીશ?જસ્ટ 85%?ડિસ્ગસ્ટીંગ.નામ પ્રમાણે એકે ગુણ છે તારામાં?ઘણુ મોડું થઈ ગયું છે."

સ્મિતના મોં પરથી સ્મિત ઉડી ગયેલું.એ નીચી નજરે ડુસકા ભરતો પોતાની જાતને ધિકકારતો ઊભો રહ્યો.

"આજથી પેઈન્ટીંગ બંધ. બ્રશ ના લસરકાથી જીવન નહી બદલાય.માધવ નો દિકરો માત્ર 95%માટેજ હોય.આટલી મોંઘી સ્કૂલ,ત્રણ ત્રણ ટયુશન કલાસીસ અને ઘરે તારા માટે સ્પેશ્યલ રાખેલા ટયુટર...આનાથી વધારે શું જોઈએ તને?લોકો માટે સપનુ છે માધવ ની લાઈફ.."

શબ્દોથી વિંધાયેલ હ્દય માંથી ઊદ્દભવી રહેલા એક એક ડુસકામાં સ્મિત ના અંદર તડફડીયા મારી રહેલુ બાળપણ જોવા શાયદ માધવ અને દેવકી ની આંખોને પૈસા અને દેખાવના ચશ્મા નડી રહ્યા હતા.

"સોરી મમ્મી.સોરી પપ્પા.ભુલ નહી થાય હવે."સ્મિત રૂમમાં ચાલ્યો ગયો. એ બારી પાસે ઊભા રહીને આકાશમાં જોવા લાગ્યો.એનામા અને આકાશમા એક સામ્યતા હતી.લાખો તારાઓ છતાં ખાલીખમ.એ લખી રહ્યો હતો કાંઈક. સાથે પેલા કાગળ પર ખારાશવાળા ટીપાની નિશાની છોડી રહ્યો હતો.જેમાં તેને લખેલુ,"ડિયર મમ્મીપપ્પા...તમારામાં તમારા નામ પ્રમાણે ના ગુણ છે?દાદી તો રોજ કહે છે કે ક્રિષ્ણા એટલે બધાને પ્રેમ થી જોતો અને સંભાળતો દોસ્ત.તો આ ક્રિષ્ણા કેમ દોસ્ત નથી?આટલો નિર્દય તો નથી માધવ"બીજા દિવસના અખબારના પ્રથમ પાને હેડલાઈન હતી

"મશહુર શિક્ષણવિદ્દ દેવકીના દસ વર્ષ ના પુત્રનુ હાર્ટ એટેકથી મોત."એના બરોબર નીચે દેવકીનો સન્માન સ્વીકારતો ફોટૉ હતો અને હેડલાઈન હતી-ગુણ હરિફાઈના વિરોધી એવા દેવકીના બાળકો માટે બનાવેલા સ્કીલ ડેવલપમેન્ટ પ્રોજેકટ ને મુખ્યમંત્રીએ વખાણયું.બંનેને ભુલ સમજાઈ પણ ઘણુ મોડું થઈ ગયેલું.તારો ચમકયા પહેલા જ તુટી ગયેલો.શાયદ તોડી નાંખવામાં આવેલો...