Sanatan Dharmni Vaato - 30 in Gujarati Mythological Stories by Siddharth Maniyar books and stories PDF | સનાતન ધર્મની વાતો - ભાગ 30 - કલ્કિ અવતારનું આગમન

Featured Books
Categories
Share

સનાતન ધર્મની વાતો - ભાગ 30 - કલ્કિ અવતારનું આગમન

આધ્યાત્મિક રહસ્યલોક : કલ્કિ અવતારનું આગમન અને હિમાલયના ગુપ્ત યોગી

શું ૨૦૩૨માં સતયુગની શરૂઆત થશે?

યોગીરાજજીના ગહન અનુભવો દ્વારા જાણો કલ્કિ અવતારના જન્મનું સત્ય, હિમાલયની રહસ્યમય સીડીઓ અને 'રત્નમારુ' શસ્ત્રનું વિજ્ઞાન

ભારતીય સંસ્કૃતિમાં કલ્કિ અવતાર એ માત્ર એક આસ્થા નથી, પણ એક એવી આશા છે જે અધર્મના અંત અને સત્યના વિજયનું પ્રતીક છે. શાસ્ત્રો કહે છેકે, જ્યારે પાપ તેની ચરમસીમાએ હશે ત્યારે ભગવાન વિષ્ણુ સફેદ ઘોડા પર સવાર થઈને આવશે. પરંતુ, શું આ બધું માત્ર વાર્તા છેકે, ભવિષ્યનું સત્ય? તાજેતરમાં સુપરટોક્સ પોડકાસ્ટમાં હિમાલયના અત્યંત રહસ્યમય અને સિદ્ધ યોગી યોગીરાજજી એ કલ્કિ અવતાર અને હિમાલય વિશે જે વાતો કરી છે, તેણે સમગ્ર આધ્યાત્મિક જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. યોગીરાજજી પોતે ૨૨ વર્ષની ઉંમરે હિમાલયના ઊંડાણોમાં ગયા હતા અને ત્યાં તેમણે મહાવતાર બાબાજીનો સાક્ષાત્કાર કર્યો હતો. આ લેખમાં આપણે તેમના તે ગહન સંવાદના અર્કને સમજીશું.

કલ્કિ અવતાર: જન્મ થઈ ચૂક્યો છે અને તેઓ અત્યારે ક્યાં છે?

ભગવાન વિષ્ણુના દસમા અવતાર કલ્કિ વિશે અત્યાર સુધી આપણે માત્ર પુરાણોમાં વાંચ્યું છે, પરંતુ યોગીરાજજીએ આ વિષય પર વર્તમાન સ્થિતિને આધારે કેટલીક અત્યંત મહત્વની વાતો કહી છે. કલ્કિ અવતારના જન્મ વિષે યોગીરાજજીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કલ્કિ અવતારે પૃથ્વી પર જન્મ લઈ લીધો છે. તેઓ કોઈ કલ્પના નથી પણ જીવંત હકીકત છે. હાલમાં તેઓ કિશોરાવસ્થામાં છે એટલે કે આશરે ૧૪-૧૫ વર્ષની ઉંમરના છે અને ૨૦૩૨ સુધીમાં તેઓ ૨૨થી ૨૫ વર્ષની ઉંમરે પૂર્ણ સ્વરૂપે વિશ્વ સમક્ષ પ્રગટ થશે.

કલ્કિ અવતારની વર્તમાન લોકેશન અને કાર્યક્ષેત્રવિષે તેમણે જણાવ્યું હતું કે, કલ્કિ અવતાર અત્યારે ઓડિશાના સંબલપુરમાં છે. ત્યાંથી તેઓ ભવિષ્યમાં ઉત્તર પ્રદેશના સંબલ વિસ્તારમાં જશે. યોગીરાજજીએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં ગંગા નદીના કિનારે આવેલું સંબલ જ તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર બનશે, જ્યાં અત્યારે પણ પ્રાચીન કલ્કિ મંદિરના અવશેષો મોજૂદ છે. પૃથ્વી પર સતયુગના શંખનાદ અંગે યોગીરાજજીએ ભવિષ્યવાણી કરી છે કે, ૨૦૩૨માં સતયુગની વિધિવત શરૂઆત થશે. ૨૦૨૫થી ૨૦૩૨ સુધીના આ ૭ વર્ષો પરિવર્તન કાળ છે. આ સમયગાળામાં વિશ્વમાં મહાયુદ્ધ જેવી સ્થિતિ, કુદરતી આફતો અને ભારે ઉથલપાથલ જોવા મળશે. આ ૭ વર્ષમાં જ કલ્કિ અવતાર અધર્મનો નાશ કરી નવા યુગનો પાયો નાખશે.

પરશુરામજી દ્વારા ગુપ્ત તાલીમ અંગે તેમણે જણાવ્યું હતું કે, પૌરાણિક માન્યતા મુજબ ભગવાન પરશુરામ કલ્કિના ગુરુ બનશે. યોગીરાજજીએ વાતની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, અત્યારે હિમાલયના અત્યંત ગુપ્ત એવા ભવિષ્ય બદ્રી નામના સ્થળે પરશુરામજી કલ્કિ અવતારને શસ્ત્ર વિદ્યા શીખવી રહ્યા છે. આ તાલીમ ભૌતિક સ્તર પર નહીં પણ એસ્ટ્રલ બોડી એટલે કે સૂક્ષ્મ શરીરના સ્તર પર ચાલી રહી છે.

કલ્કિ અવતારના દિવ્ય શસ્ત્ર રત્નમારુ વિષે તેમણે જણાવ્યું હતું કે, કલ્કિ અવતાર પાસે જે દિવ્ય શસ્ત્ર હશે તેનું નામ રત્નમારુ છે. આ કોઈ સામાન્ય લોખંડની તલવાર નથી, પણ એક પ્રચંડ ઉર્જા અને કુંડલિની શક્તિ છે. જ્યારે પાપ સીમા વટાવશે, ત્યારે આ શક્તિ વીજળી, ધરતીકંપ કે આકાશી પ્રહારના સ્વરૂપે દુષ્ટ શક્તિઓનો સંહાર કરશે. કલ્કિ અવતારની ઓળખ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીનોમિના વિષે તેમણે જણાવ્યું હતું કે, કલ્કિ અવતારને કેવી રીતે ઓળખવા? તે પ્રશ્ન બધાને જ થઈ રહ્યો છે. જેનો વૈજ્ઞાનિક જવાબ છેકે, જ્યારે તમે કલ્કિ અવતારની સન્મુખ હશો, ત્યારે તેમના ચહેરા પરથી નીકળતું તેજ તમને પાછળ ધકેલશે, પરંતુ તેમના હૃદયમાંથી નીકળતી ચુંબકીય શક્તિ તમને પોતાની તરફ ખેંચશે. આ એક આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક અનુભૂતિ હશે જે માત્ર શુદ્ધ અંતઃકરણ ધરાવતી વ્યક્તિ જ કરી શકશે.

કલ્કિ અવતાર આધુનિક અવતાર હશે. જે અંગે તેમણે જણાવ્યું હતું કે, લોકો એવી અપેક્ષા રાખે છેકે, ભગવાન સફેદ ઘોડા પર આવશે, પણ અવતાર સમય અને સંજોગો પ્રમાણે ચાલે છે. મહત્વ ઘોડાનું નથી પણ તેમના સફેદ (શુદ્ધ) તેજનું છે. તેઓ કદાચ સફેદ લક્ઝરી કારમાં પણ સફર કરી શકે છે. તેમનું કાર્ય ૨૭૦૦ની સાલ સુધી ચાલશે અને તેઓ માનવતાને નવી ઊંચાઈએ લઈ જશે.

સામૂહિક ચેતના અંગે તેમણે જણાવ્યું હતું કે, કલ્કિ અવતાર માત્ર એક વ્યક્તિ તરીકે નહીં, પણ એક સામૂહિક ચેતના તરીકે પણ કાર્ય કરી રહ્યા છે. જે લોકો અત્યારે વિશ્વ શાંતિ, મેડિટેશન અને સત્યના માર્ગે ચાલી રહ્યા છે, તેઓ જાણતા-અજાણતા કલ્કિના મિશનનો જ ભાગ છે.

હિમાલયનું સ્વર્ગદ્વાર અને અલકાપુરીનું રહસ્ય

યોગીરાજજીએ હિમાલયના ઊંડાણમાં અનુભવેલી ઘટનાઓ વિજ્ઞાનના તર્કને પણ ટૂંકા પાડે તેવી છે. તેમણે અલકાપુરી વિસ્તારના એવા દુર્લભ ફોટા બતાવ્યા જે ભારત-ચીન સરહદની અત્યંત નજીક છે. બરફની રહસ્યમય સીડીઓ વિષે તેમણે જણાવ્યું હતું કે, હિમાલયમાં બરફની એવી સીડીઓ છે જે છેક વાદળોમાં ઉપર સુધી જાય છે. પૌરાણિક માન્યતા છેકે, પાંચ પાંડવો આ જ સીડીઓ દ્વારા સ્વર્ગારોહણ કરી રહ્યા હતા. યોગીરાજજીએ ત્યાં પોતે ગંધર્વો અને દૈવી શક્તિઓની હાજરીનો અહેસાસ કર્યો હતો. વધુમાં તેમણે પોર્ટલ્સ વિષે વાત કરતાં જણાવ્યું હતું કે, હિમાલય એ પૃથ્વી પરનું એક એવું બિંદુ છે જ્યાંથી અન્ય લોક કે પરિમાણોમાં પ્રવેશ કરી શકાય છે. ત્યાં સમય અને અવકાશના નિયમો બદલાઈ જાય છે, જેને યોગીઓ એસ્ટ્રલ ટ્રાવેલ દ્વારા અનુભવી શકે છે.

હનુમાનજીનું વાસ્તવિક સત્ય: વન-નર

યોગીરાજજીએ હનુમાનજી વિશેની સદીઓ જૂની ગેરસમજ દૂર કરી છે. તેમણે વાલ્મીકિ રામાયણના સંદર્ભ સાથે જણાવ્યું કે, હનુમાનજી વાનર (વાંદરા) નહોતા, પણ વનમાં રહેનારા નર હતા. જેને બીજા શબ્દોમાં બુદ્ધિશાળી વનવાસી માનવ પણ કહેવામાં આવે છે. તે સમયે યોદ્ધાઓ શત્રુઓને ડરાવવા માટે સિંહ કે વાંદરાના મુખૌટા પહેરતા હતા. યોગીરાજજીએ દાવો કર્યો હતો કે, તેમને હનુમાનજીના સાક્ષાત્ દર્શન થયા છે અને તેમણે પોતાના ખભા પર હનુમાનજીના દૂત બેઠેલા હોય તેવો એક અસલી ફોટો પણ રજૂ કર્યો, જે કોઈ પણ તર્કવાદીને વિચારતા કરી દે તેવો છે.

મહાવતાર બાબાજી: સાક્ષાત્ શિવ ગોરક્ષનાથ

જેમની ચર્ચા સુપરસ્ટાર રજનીકાંત અને વિરાટ કોહલી કરે છે, તે મહાવતાર બાબાજી ખરેખર કોણ છે? યોગીરાજજીએ ખુલાસો કર્યો હતો કે, બાબાજી વાસ્તવમાં શિવ ગોરક્ષનાથ જ છે. તેઓ અજર-અમર છે અને છેલ્લા ૧.૮ કરોડ વર્ષોથી માનવજાતની ઉત્ક્રાંતિ પર દેખરેખ રાખી રહ્યા છે. તેમણે જ લહેરી મહાશય અને પરમહંસ યોગાનંદજી દ્વારા ક્રિયા યોગને પુનઃ જીવિત કર્યો છે. બાબાજી કોઈ મર્યાદિત ઉંમરના માણસ નથી, પણ તે સાક્ષાત્ શિવનું જ એક સ્વરૂપ છે જે હજી પણ હિમાલયની ગુફાઓમાં સાધકોને માર્ગદર્શન આપે છે.

આત્માની સફર અને મૃત્યુ પછીનું સત્ય

યોગીરાજજીએ એક ગહન વાત કીધી કે સંતો અને સિદ્ધ પુરુષો સિવાય લગભગ દરેક સામાન્ય માણસ મૃત્યુ પછી અમુક સમય માટે ભૂત જેવી સ્થિતિમાં રહે છે. અહીં ભૂત એટલે કોઈ ડરામણી ફિલ્મી વસ્તુ નહીં, પણ માણસની અતૃપ્ત ઈચ્છાઓ, અહંકાર અને મોહ-માયાની ગઠરી. જ્યાં સુધી આ ઈચ્છાઓ પૂરી ન થાય ત્યાં સુધી આત્મા ભટકતો રહે છે. જે વ્યક્તિ જીવતા જીવ જ નિર્વિકલ્પ સમાધિ દ્વારા પોતાની ભીતર રહેલા પરમાત્માને ઓળખી લે છે, તેને જ સાચી મુક્તિ મળે છે.

નિષ્કર્ષ: શાંતિમાં જ ઈશ્વર છે

આ પોડકાસ્ટના અંતે યોગીરાજજીએ લાખો દર્શકોને લાઈવ ‘સમાધિ’ ની અનુભૂતિ કરાવી હતી. તેમણે જીવનનો સૌથી મોટો પાઠ આપતા કહ્યું, શાંતિ જ ઈશ્વર છે. કલ્કિ અવતારને ઓળખવા માટે કોઈ મોટા જ્ઞાનની જરૂર નથી, પણ હૃદયમાં શુદ્ધતા અને મનમાં શાંતિ હોવી જરૂરી છે. જગતગુરુ કે અવતાર એ કોઈ જાદુગર નથી, પણ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી છે જે આપણા હૃદયના ધબકારા અને આત્મા સાથે જોડાયેલી છે. યોગીરાજજીનો આ સંવાદ આપણને એક જ સંદેશ આપે છે, આવનારો સમય મોટા પરિવર્તનોનો છે. જો આપણે આપણી ભીતરની શાંતિ અને માનવતા જાળવી રાખીશું, તો જ આપણે આવનારા સતયુગના સાક્ષી બની શકીશું.