Life path - 56 in Gujarati Motivational Stories by Rakesh Thakkar books and stories PDF | જીવન પથ ભાગ-56

Featured Books
  • That Woman

    That Woman [Short Story]A woman who had married a few years...

  • Coralhaven - 1

    Season 1 — The Glow Beyond the Reef Deep beneath the rolling...

  • Unexpected Meeting - 1

    Hey everyone  I'm new to this platform and would like sh...

  • The Inner Conflict Of The Soul

    𝗧𝗵𝗲 𝗜𝗻𝗻𝗲𝗿 𝗖𝗼𝗻𝗳𝗹𝗶𝗰𝘁 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗦𝗼𝘂𝗹𝘓𝘪𝘧𝘦 𝘪𝘴, 𝘪𝘯𝘥𝘦𝘦𝘥, 𝘢 𝘱𝘦𝘤𝘶𝘭𝘪𝘢𝘳 𝘵𝘩...

  • The Disturbed Ecosystems

    Chapter 1 – The Silent Warning The town of Dharvati rested q...

Categories
Share

જીવન પથ ભાગ-56

જીવન પથ
-રાકેશ ઠક્કર
ભાગ-૫૬
 
        (ગતાંકથી આગળ)
        આર્યને નવાઈ પામીને પૂછ્યું, ‘પાંચ વર્ષ સુધી કશું જ નહીં? તો પછી તેને કેમ પાંચ વર્ષ પાણી પાવું?’
        દાદાએ ગંભીરતાથી કહ્યું, ‘કારણ કે પાંચ વર્ષ સુધી તે જમીનની અંદર પોતાના મૂળ મજબૂત કરતો હોય છે. તે ઊંડે ને ઊંડે સુધી ફેલાતો હોય છે. અને સાંભળ, જેવું પાંચમું વર્ષ પૂરું થાય અને તેની એક નાની કૂંપળ બહાર આવે ત્યારે માત્ર છ અઠવાડિયામાં, માત્ર ૪૫ દિવસમાં તે વાંસ ૯૦ ફૂટ ઊંચો થઈ જાય છે! હવે તું મને કહે, તે વાંસ છ અઠવાડિયામાં મોટો થયો કે પાંચ વર્ષમાં?’
        આર્યન સ્તબ્ધ થઈ ગયો. દાદાએ આગળ કહ્યું, ‘જો તે પાંચ વર્ષ દરમિયાન ખેડૂતે ધીરજ ગુમાવી હોત અને પાણી પાવાનું છોડી દીધું હોત તો તે વાંસ જમીનની અંદર જ મરી ગયો હોત. તારી સફળતા પણ આ વાંસ જેવી જ છે. તું જે મહેનત કરે છે તે તારા 'મૂળ' મજબૂત કરી રહી છે. અત્યારે તને પરિણામ નથી દેખાતું. તેનો અર્થ એ નથી કે પ્રગતિ નથી થઈ રહી. તું વારંવાર બીજ બદલે છે, એટલે તારા મૂળ ક્યારેય મજબૂત થતા જ નથી.’
        આર્યનને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેને સમજાયું કે અત્યાર સુધી તે માત્ર 'ઉપરની ઊંચાઈ' જોતો હતો પણ એ ઊંચાઈને ટેકો આપવા માટે નીચે કેટલા વર્ષોની ધીરજ અને મહેનત જોઈએ તેનો તેને અંદાજ નહોતો. તે ઘરે પાછો આવ્યો અને આ વખતે તેણે નવો ધંધો શરૂ કરવાને બદલે પોતાના અધૂરા છોડેલા કામને ફરીથી હાથમાં લીધું અને પૂરી ધીરજથી તેમાં મચી પડ્યો. પાંચ વર્ષ પછી આર્યનનું એ સ્ટાર્ટઅપ શહેરની સૌથી સફળ કંપનીઓમાંની એક હતું.
            આજના જીવનમાં આપણે બધા 'આર્યન' જેવા છીએ. આપણે જીમમાં બે દિવસ જઈએ અને અરીસામાં જોવા લાગીએ કે બોડી બની કે નહીં! આપણે બે દિવસ ધ્યાન કરીએ અને પૂછીએ કે મન શાંત થયું કે નહીં! ‘ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય, માલી સીંચે સૌ ઘડા, ઋતુ આયે ફલ હોય.’ આ સંત કબીરની પંક્તિ આજના અધીરા માનવી માટે સૌથી મોટી સલાહ છે. તમે ભલે સો ઘડા પાણી રેડો પણ કેરી તો ઉનાળામાં જ આવશે. સમય પહેલાં અને ભાગ્યથી વધુ કશું મળતું નથી. એ સમય સુધી ટકી રહેવા માટે જે હિંમત જોઈએ તેનું નામ ધીરજ છે.
        કહેવાય છે કે ‘ધીરજ એ સફળતાનો ચોકીદાર છે.’ જો તમારી પાસે ધીરજ છે, તો સફળતા તમારા દરવાજે જરૂર આવશે. આજની હાઈ-સ્પીડ લાઈફમાં ક્યારેક થોભી જવું, ઊંડો શ્વાસ લેવો અને કુદરતની ગતિ સાથે તાલ મિલાવવો એ જ સાચું સુખ છે. યાદ રાખજો, જે વસ્તુ મેળવવામાં જેટલી વધુ ધીરજ રાખવી પડે છે તેને મેળવવાનો આનંદ અને તે ટકવાનો સમય પણ તેટલો જ લાંબો હોય છે. ઉતાવળે જે મળે છે તે ઉતાવળે જ જતું પણ રહે છે.
        તમારા મન પરની આ 'ઉતાવળની ધૂળ' ને સાફ કરો અને પોતાની જાતને એક વચન આપો કે હું માત્ર દોડીશ નહીં. મારા 'મૂળ' ને મજબૂત કરવા માટે યોગ્ય સમય પણ આપીશ. કારણ કે દુનિયા એના જ ગુણગાન ગાય છે જે તોફાનમાં પણ અડગ રહીને ફળ આવવાની પ્રતીક્ષા કરી શકે છે.

        ધીરજ એટલે હાથ જોડીને બેસી રહેવાની લાચારી નહીં પણ સખત મહેનત કર્યા પછી ઈશ્વરના ન્યાય પર ભરોસો રાખીને ઉભા રહેવાની ખુમારી છે. આજના 'ઇન્સ્ટન્ટ' યુગમાં જ્યાં દુનિયા બે મિનિટના નૂડલ્સ અને પાંચ સેકન્ડના વીડિયો પાછળ પાગલ છે ત્યાં જે માણસ શાંતિથી પ્રતીક્ષા કરી શકે છે તે જ અસલી 'બાજીગર' છે. યાદ રાખજો કે જે ઇમારતના પાયા ચણવામાં જેટલો વધુ સમય લાગે છે, એ ઇમારત તેટલી જ ઊંચી અને મજબૂત બને છે. ઉતાવળ એ મનની નબળાઈ છે જ્યારે ધીરજ એ આત્માની સ્થિરતા છે. જેમ લોખંડ અગ્નિમાં તપીને જ લોખંડી બને છે તેમ માણસ પણ પ્રતીક્ષાના તાપમાં તપીને જ મહાન બને છે. જ્યારે દુનિયા 'શોર્ટકટ' શોધીને થાકી જશે ત્યારે તમારી ધીરજની મક્કમતા તમને ઇતિહાસના પાને અમર કરી દેશે. એટલે જ જ્યારે ધાર્યું પરિણામ મોડું મળે ત્યારે ગભરાવાને બદલે હસતાં રહેજો. કારણ કે સિંહ જ્યારે બે ડગલાં પાછળ હટે છે ત્યારે એ ડરી નથી ગયો હોતો પણ એક લાંબી અને શક્તિશાળી છલાંગ મારવાની તૈયારી કરતો હોય છે!