Driver Mankoda? in Gujarati Adventure Stories by Gautam Patel books and stories PDF | ડ્રાઇવર મંકોડા ?

Featured Books
Categories
Share

ડ્રાઇવર મંકોડા ?

વીસમી સદીના આરંભનો
સમય હતો. દક્ષિણ આફ્રિકા પર
સંપૂર્ણ રીતે પગદંડો જમાવવા માટે
સામ્રાજ્યવાદી બ્રિટન તથા નેધરલેન્ડ
વચ્ચે વર્ષોથી ગજગ્રાહ ચાલતો હતો.
આમ તો એ બન્ને મહાસત્તાઓએ છેક
૧૭મી સદીથી દક્ષિણ આફ્રિકાના કેટલાક
પ્રદેશમાં પોતાની હકૂમત સ્થાપી રાખી
હતી અને વધુ પ્રદેશ કબજે મેળવવા બેઉ
દેશોના લશ્કર વચ્ચે ઘણી વખત નાનાં-
મોટાં છમકલાં થયાં કરતાં હતાં. પરંતુ
૨૦મી સદીના આરંભે દક્ષિણ આફ્રિકામાં
હીરાના કુદરતી ભંડારો પહેલી વાર મળી
આવ્યા ત્યારે તેમના પર હક્કદાવો
જમાવવા માટે બન્ને દેશો વચ્ચે અત્યંત
લોહિયાળ સંઘર્ષ ફાટી નીકળ્યો.
ઇતિહાસમાં બૂર વોર તરીકે જાણીતું બનેલું
યુદ્ધ લાગલગાટ ત્રણ વર્ષ સુધી ચાલ્યું,
જેમાં અંગ્રેજો જીત્યા અને મૂળ હબસી
લોકોના દેશને તેમણે
પોતાની માલિકીનો
જાહેર કર્યો.
દક્ષિણ આફ્રિકા
સોનાનો અને હીરાનો
કુદરતી ભંડાર હતો.
ગોરી સરકારે હબસી
લોકોને જ ખાણોમાં
મજૂરીના કામે લગાડી
દીધા. ખાણોનાં
મૂલ્યવાન ખનિજો હવે
ગોરી સરકારની
માલિકીનાં ગણાય,
એટલે તે ખજાનો ભરીને
ઘોડાગાડીઓ રોજેરોજ
કેપ ટાઉન નગર તરફ
રવાના થતી હતી અને ત્યાં સરકારી
બેન્કને ખજાનો સોંપી દેવાતો હતો. આ
કામ થોડો વખત તો નિર્વિઘ્ન ચાલ્યું, પરંતુ
ત્યાર પછી અધરસ્તે ભેંકાર પ્રદેશમાં
ઘોડાગાડીઓ લૂંટાવા માંડી. બ્રિટિશ
સૈન્યના બે સૈનિકોને કોણ જાણે શું સૂઝ્યું
તે સૈન્ય છોડીને તેઓ બહારવટે ચડ્યા
અને ઘણો ખજાનો તેમણે લૂંટ્યો. સરકારે
દરેક ઘોડાગાડી સાથે દસ-બાર શસ્ત્રસજ્જ
અફસરોને મોકલવાનું શરૂ કર્યું ત્યારે એ
બન્ને ગોરા બહારવટિયાઓ નાના-મોટા
ગામોને લૂંટવા લાગ્યા. બન્ને જણા કમ્મરે
પિસ્તોલ ખોસીને નીકળી પડે, એકાદ
ગામ પર ઝનૂનપૂર્વક ત્રાટકે અને બધી
કિંમતી માલમત્તા આંચકી લે.
આ જાતના બહારવટાનું કામ પણ
તેમના માટે થોડો વખત બરાબર ચાલ્યું,
પણ તે પછી સરકારે તેમને જીવતા કે
મૂએલા પકડવા ઇનામ જાહેર કર્યું. ઇનામ
બહુ મોટું હતું, એટલે દેશભરની
પુલિસફોજ તેમના સગડ શોધવા કામે
લાગી ગઇ. ઊંચા ઘાસના બીડપ્રદેશમાં,
ડુંગરોમાં અને ખાસ તો ઠેરઠેર નદી-નાળાં 
પથરાયેલાં હોય એવા મુલકમાં એ
બદમાશોનો પત્તો લગાવવાનું મુશ્કેલ હતું. વળી કોઇ ગામ પર તેમણે છાપો માર્યાના સમાચાર પુલિસને મળે એ પહેલાં તેઓ
મારતે ઘોડે નાસી છૂટતા હતા.
બહારવટિયાઓ ઘણાં વર્ષ સુધી
પુલિસને હંફાવતા રહ્યા. એકવાર
ટ્રાન્સવાલ પ્રાંતમાં આકસ્મિક રીતે જ
પુલિસને તેમનો ભેટો થયો. બન્ને ગોરા
બદમાશો એ જ ગામ પર ત્રાટક્યા કે
જ્યાં પુલિસ ટુકડીએ રાતભર પડાવ
નાખ્યો હતો. સામસામી ગોળીઓ છૂટી.
ખાસ્સી ધમાચકડી મચી, પરંતુ ખંધા
બહારવટિયાઓ હાથ ન આવ્યા. બેઉ
જણા અંધારામાં જીવ બચાવતા ભાગી
છૂટ્યા. પરંતુ નસીબ જરા વાંકું, એટલે
જતાં જતાં પણ એક બહારવટિયાને
પગમાં ગોળી વાગી. ઊંડો જખમ થયો
અને લોહી વહેવા લાગ્યું. મિત્રની સાથે
તેણે પોતાનોય ઘોડો જો કે દોડાવ્યે રાખ્યો.
સવાર થાય એ પહેલાં શક્ય એટલા દૂર
નીકળી જવું પડે તેમ હતું, કેમ કે પુલિસ
ટુકડી તેમને શોધવા માટે આખો પ્રદેશ
ખૂંદી વળે તે નક્કી વાત હતી.
બન્ને ગોરા બહારવટિયાઓ દૂરના
જંગલમાં પહોંચ્યા. અહીં તેમણે ઘોડા
 રોક્યા. જખમી બહારવટિયાના મિત્રે તેને
નીચે ઉતાર્યો. પગમાંથી હજી ધીમે ધીમે
 લોહી વહેતું હતું. સવારે અજવાળામાં
તેનો પગ તપાસતાં ખબર પડી કે જખમ
બહુ ઊંડો હતો અને તાત્કાલિક દવા ન
થાય તો જખમ પાકીને તેમાં સડો થાય
તેમ હતો. આ માટે એન્ટિસેપ્ટિક દવાની
જરૂર હતી, પરંતુ જંગલમાં દવા મળે
ક્યાંથી ? એ તો ગામના જ એકાદ ડોક્ટર
પાસે મળે--અને વીસમી સદીના એ સમયે
આફ્રિકાના ગામમાં ડોક્ટર મળે કે કેમ તે
એક સવાલ હતો. અલબત્ત, જંગલની
બીજી તરફ ગામો તો ઘણાં હતાં, જ્યાં
ગોરા લોકો પણ વસતા હતા.
મિત્રે ઘાયલ જોડીદારને કહ્યું : ‘તું
ચિંતા કરીશ નહિ. અહીંથી થોડે દૂર એક
છીછરી નદી છે. નદીની વચ્ચે એક ટાપુ
છે. મારા ખ્યાલ પ્રમાણે ટાપુ પર
જરીપુરાણી ઝૂંપડી છે, જેમાં કોઇ રહેતું
નથી. હું દવા લાવું ત્યાં સુધી તું એ
ઝૂંપડીમાં આરામ કરજે.’
‘ના, મને એકલો મૂકીને તું ક્યાંય
ના જતો. મારે જંગલમાં એકલા રહેવું
નથી.’ એમ કહી ઘાયલ મિત્રએ તેને
રોક્યો. જખમની વેદના અસહ્ય હતી. હવે
લોહી જરા અટક્યું હતું, પણ આખા
પગમાં સબાકા બોલતા હતા. મિત્રએ જો
કે તેને હિંમત આપી.
બેઉ જણા ઘોડા પર બેસીને જ
સાંકડી તથા છીછરી નદી ઓળંગી ગયા અને ટાપુ પરની ઝૂંપડીમાં પહોંચ્યા.
ઘાયલ મિત્રને તેમાં અઢેલીને
બેસાડી બીજો ગોરો બહારવટિયો
નજીકના કોઇ ગામમાં દવા લેવા ઉપડ્યો.
દક્ષિણ આફ્રિકામાં ડોક્ટરનો ભેટો
થવો આમેય મુશ્કેલ--અને તેમાં વળી
બહારવટિયાએ પુલિસની નજર
ચૂકાવવાની હતી. પરિણામે સામાન્ય
એન્ટિ-સેપ્ટિક દવા શોધવા માટે પણ તેણે
ખૂબ ભટકવું પડ્યું. કલાકો પછી માંડ એક
ગામમાં દવા મળી અને ત્યાર બાદ ટાપુ
તરફ પાછા જવામાં એટલા બધા કલાકો
નીકળી ગયા કે બીજે દિવસે પરોઢિયે જ
તે પહોંચ્યો. રાતભર પ્રવાસ ખેડીને તેનો
થાક્યોપાક્યો ઘોડો પેલી છીછરી નદીના
કાંઠા પાસે આવ્યો.
બહારવટિયાની નજર અચાનક જ
નીચે જમીન પર પડી અને ફાટી આંખે
તે જોતો જ રહી ગયો. ઘેરા
લાલ રંગના લાખો મંકોડાનું
લશ્કર ઘોડાના પગ નજીકથી
પસાર થતું હતું. નદીને પાર
કરી તે પાછું આવતું હતું.
બહારવટિયાના પેટમાં
ધ્રાસ્કો પડ્યો અને હૃદયના
ધબકારા વધી ગયા. આ
મંકોડા સામાન્ય પ્રકારના ન
હતા. સૌથી મારકણા,
લોહીતરસ્યા અને ભયંકર
એવા ડ્રાઇવર મંકોડા હતા.
આખું લશ્કર નદીના સામે
પારથી આવી રહ્યું હતું--
અને સામે પાર તો ટાપુ
હતો, જ્યાં તેણે પોતાના
જખમી મિત્રને બેસાડ્યો
હતો. આ મંકોડા સામે પાર
કેમ ગયા હતા ?
દક્ષિણ આફ્રિકામાં
વર્ષો સુધી હાક ફેલાવનાર
રીઢો ગુનેગાર આજે પહેલી
જ વખત ડર્યો. ઘાયલ 
દોસ્તને તેણે મોટા અવાજે સાદ દીધો,
 ઝૂંપડી પરંતુ સામો જવાબ મળ્યો નહિ. ફરી
વખત તેણે બૂમ પાડી, પરંતુ તેનોય જવાબ
ન મળ્યો. ગભરાઇને ઝટપટ તેણે ઘોડો
પાણીમાં ઉતાર્યો. નદી એકદમ છીછરી
અને સાંકડી હતી, એટલે સામે કાંઠે
પહોંચી જતાં તેને વધારે સમય ન લાગ્યો.
ટાપુ પર જોયું તો તેની બીક સાચી
હતી. ઝૂંપડીમાંથી જ ડ્રાઇવર મંકોડાનું
સૈન્ય બહાર આવી રહ્યું હતું. ઘોડાને તેણે
ઊભો રાખ્યો અને પોતે નીચે ઊતરીને
ઝૂંપડી તરફ દોડ્યો. અંદર ડોકિયું કરતાં
જ ગભરાટનો માર્યો તે ચીસ પાડી ઊઠ્યો.
ઓહો, કેવો ભયંકર દેખાવ ! ચોવીસ
કલાક પહેલાં સવારે તેણે ઘાયલ મિત્રને
જે પોઝમાં બેસાડ્યો હતો એ જ સ્થિતિમાં
અત્યારે તેનું ખાલી હાડપિંજર બેઠું હતું.
 હાથ-પગનાં નાં હાડકાં, છાતીનાં
પાટિયાં અને બિહામણી દેખાતી ખોપરી
સિવાય કશું જ ન હતું. લોહીનું એકાદ
ટીપું કે માંસનો એકાદ ટુકડો સુદ્ધાં નહિ.
લાખો ડ્રાઇવર મંકોડાએ ભેગા મળી
બહારવટિયાના ઘાયલ મિત્રને પૂરેપૂરો
ફોલી ખાધો હતો. પગમાં ગોળી વાગવાને
કારણે એ બિચારો ભાગી પણ શક્યો ન
હતો. મંકોડા તેના લોહીની ગંધ પારખીને
જ અહીં સુધી આવ્યા હતા. ટાપુ ફરતે
વહેતી નદી પણ તેમના આક્રમણને રોકી
શકી ન હતી.
આ ભયાનક દેખાવ જોતાવેંત
બહારવટિયાએ દવાની શીશી પડતી મૂકી
અને બેય હાથે આંખો દાબી પાછો વળી
ગયો. વર્ષો સુધી જેણે આખા દેશને
કંપાવ્યો એ મિત્ર છેવટે મંકોડાની ફોજ
સામે હારી ગયો. હવે તેના વગર એકલે
હાથે શું બહારવટું ખેલવું ? ગોરા
બહારવટિયાએ ઘોડો પાછો
વાળ્યો અને સીધો ગયો
નજીકના પુલિસ મથકે, જ્યાં
તેણે સામે ચાલી ધરપકડ વહોરી
લીધી. મિત્રને ગોળી વાગ્યા
પછી શું બન્યું એ બધું જ તેણે
સાચેસાચું કહી સંભળાવ્યું ત્યારે
પુલિસના અમલદારોને પણ
કમકમાં છૂટી ગયાં.
દક્ષિણ આફ્રિકામાં જેઓ
આજે પણ બહારવટિયાના
લગભગ સોએક વર્ષ જૂના
પ્રસંગને યાદ કરે છે ત્યારે તેમને
અરેરાટી થયા વગર રહેતી
નથી, કેમ કે ડ્રાઇવર મંકોડાના
આતંકનો તે અજોડ બનાવ છે.
આ બનાવ તો જાણે એ સમયનાં
વર્તમાનપત્રોમાં ચર્ચાયો-
ખૂબ એટલે જાણીતો થયો, પણ
આવો હિંસક આતંકવાદ
ચલાવવો એ ડ્રાઇવર મંકોડાના
લોહીતરસ્યા સૈન્ય માટે ખરું
જોતાં રોજનું કામ છે. જગતમાં
લગભગ ૮,૮૦૦ જાતના
મંકોડા થાય છે, જેમાંના મોટા
ભાગના મંકોડા નિરુપદ્રવી કે
નિર્દોષ છે. ક્યારેક ચટકો ભરે
ખરા, પરંતુ સ્વભાવે તેઓ
હિંસક અને હુમલાખોર નથી.
બીજી તરફ ડ્રાઇવર મંકોડાને તો
કુદરતે જાણે બનાવ્યા છે જ
પ્રાણઘાતક આક્રમણ કરવા
માટે, એટલે તેમનું શૂરાતન,
શરીરરચના, શિસ્ત વગેરે બધું
આક્રમક લશ્કર જેવું છે. આ
મંકોડા હંમેશાં છ-સાત લાખનુ
અને ક્યારેક દસ-બાર લાખનુ
મોટું લશ્કર રચીને જ રહે છે.
દિવસે સખત તાપ પડતો હોય
એ વખતે તેઓ ક્યાંય નજરે
ચડે નહિ. કોઇક ઝાડના પોલા
થડમાં તેમનું લશ્કર છાવણી
નાખીને ચૂપચાપ પડ્યું હોય છે.
લશ્કરના કેટલાક જાસૂસો જ
ત્યારે ખોરાક શોધવા નીકળે છે
અને ક્યાંક ખોરાક મળે તો
સાંજે બખોલમાં પાછા ફરી
બાતમી આપે છે. એ પછી રાત્રે ડ્રાઇવર મંક
આખું લશ્કર ખોરાક તરફ દોરવણી આપે
રવાના થાય છે. અંધારામાં તેમને કશું
દેખાતું નથી. શ્રમિકો (વર્કર્સ) કહેવાતા
ડ્રાઇવર મંકોડા તો પાછા જન્મજાત
આંધળા હોય છે. આંખોની તેમને જરૂર
પણ નથી, કેમ કે ખોરાકને તેઓ ગંધ વડે
શોધે છે એટલું જ નહિ, પરંતુ દિવસે
ખોરાકનો પત્તો લગાવવા ગયેલા જાસૂસો
આખા રસ્તે પોતાની ગંધ મૂકતા ગયા
હોય છે—એટલે સાંજ પડ્યે આખું લશ્કર
એ જ ગંધને પારખતા રહી કૂચબંધ
આગળ વધે છે.
અંતે જે ખોરાક મળે તે કેવા
પ્રકારનો હોય એ કલ્પી શકો છો 
એક મધ્ય આફ્રિકી દેશમાં
ક્યૂલા નામનાં પંખીડાએ એક જ વૃક્ષ
પર લગભગ પોણો સો માળા બાંધ્યા હતા.
દરેક માળામાં બચ્ચાં હતાં. જાસૂસી
બાતમી મળ્યા પછી ડ્રાઇવર મંકોડાનું
સૈન્ય એ વૃક્ષ પર રાત્રે ચડી ગયું. સવારે
ત્યાં દરેક માળામાં ફક્ત કુમળાં
હાડપિંજરો અને પીછાં બાકી રહ્યાં હતાં.
એ જ રીતે ૧૯૭૬માં એક જંગલ
અધિકારીએ મોડી સાંજે કેડી પર ડ્રાઇવર
મંકોડાની ફોજને પસાર થતી દીઠી ત્યારે
તે ફોજની સમાંતર ચાલતો ગીચ ઝાડીમાં
ગયો. થોડાક ફર્લીંગ ચાલ્યા પછી જોયું
તો આખેઆખા હરણને ગળી જનાર એક
રાક્ષસી અગજરને ડ્રાઇવર મંકોડા ફોલી
 રહ્યા હતા. પેટ ઠાંસોઠાંસ ભરેલું હોવાને
કારણે અજગર ભાગી શક્યો ન હતો.
ત્રીજો દાખલો જોઇએ. આફ્રિકાના
કેન્યા દેશને સ્વતંત્રતા મળી તે પહેલાં
ત્યાં એક જાણીતો અંગ્રેજ
સાહસિક જિરાફ, ગેંડા, ચિત્તા,
શાહમૃગ, ઝેબ્રા વગેરે
પ્રાણી-પંખીને જીવતાં પકડી
જગતનાં પ્રાણીસંગ્રહાલયમાં
મોકલવાનો ધંધો કરતો હતો.
એકવાર તેણે દીપડાને પકડ્યો
અને પાંજરામાં કેદ પૂર્યો.
વિમાનમાર્ગે એ દીપડાને બીજે
દિવસે અમેરિકા મોકલી
દેવાનો હતો. સાહિસકે રાત્રે
તેના પાંજરામાં ભોજન મૂક્યું
અને પોતાના ઓરડામાં ચાલ્યો
ગયો. થોડા કલાકો પછી
દીપડાના બૂમબરાડા
જોરશોરમાં સંભળાવા લાગ્યા.
સાહસિકને થયું કે દીપડો
પાંજરે પૂરાયો હોવાને કારણે
દેખીતી રીતે છૂટવાનાં ફાંફાં
મારતો હોય અને ધમપછાડા
કરતો હોય--એટલે તેણે કશું
ધ્યાન ન આપ્યું. થોડો સમય
વીત્યો ત્યાં બૂમબરાડાનો
અવાજ શમી ગયો. શા માટે
શમી ગયો તેનું કારણ જો કે
સવારે છાવણીના પગીએ
ખબર આપ્યા ત્યારે જ જાણવા મળ્યું.
હવે પાંજરામાં દીપડો ન હતો, પણ તેના
અવશેષો હતા. આ પ્રાણીને અપાયેલા
માંસની ગંધ પારખી ડ્રાઇવર મંકોડાની
સેનાએ પાંજરા તરફ ક્વિક-માર્ચ કરી
હતી અને દીપડાને રીબાવી રીબાવીને
કોતરી ખાધો હતો. ચોતરફથી કેદ એવો
દીપડો ભાગે પણ શી રીતે ?
ડ્રાઇવર મંકોડાની ક્વિક-માર્ચ
ખરેખર અજબ હોય છે. આ મંકોડા અમુક
સ્થળે પડાવ નાખ્યા પછી ત્યાં લાંબો સમય
રહેતા નથી. થોડા થોડા સમયે તેઓ
પોતાનું મુકામ બદલે છે. કૂચ શરૂ કરતી
વખતે પાંચ-છ મંકોડા અડોઅડ ગોઠવાય
છે, જેમની પાછળ બીજા પાંચ-છ મંકોડા
પોતાનું સ્થાન લે છે. આ પ્રમાણે શિસ્તબદ્ધ
રીતે કતાર બનાવ્યા પછી જ તેઓ ક્વિક
માર્ચ શરૂ કરે છે. ખૂબીની વાત તો એ કે
ચંગીઝખાનનું લશ્કર આગળ વધતું હોય
ત્યારે સરદારો જેમ બન્ને તરફ રહી
સૈનિકોને તારમાં રહેવા દોરવણી આપે
તેમ કેટલાક મોટા કદના ‘સરદાર’ મંકોડા
ડાબી-જમણી બાજુ ખડે પગે રહી સૈન્યને
વ્યવસ્થિત રાખવાની ફરજ બજાવે છે.
આમ તો બધા મંકોડા જાતે જ
તાલબદ્ધ ચાલે, કારણ કે મોખરાના
‘સેનાપતિ’એ મૂકેલી ગંધને જ તેમણે
અનુસરવાનું હોય છે. આમાં તેઓ પોતાનું
કશું ડહાપણ વાપરતા નથી, માટે ક્યાંક
શોર્ટ-કટ રસ્તો હોય તો પણ એ રસ્તે
જવાનું નહિ. ઉદાહરણ તરીકે જમીન પર
સૂકી ડાળખી પડી હોય અને તેના સહેજ
ઊંચકાયેલા ભાગ પર ઇયળ બેઠી હોય
તો મોખરાના ડ્રાઇવર મંકોડા ‘ગોવિંદા
આલા’ની જેમ એકબીજાના ટેકે પિરામિડ
રચે છે. ઊંચે ચડી તેઓ ઇયળને જીવતી
જ કોતરી ખાવા માંડે છે. ઇયળ હોય
સાવ નાની, એટલે માંડ સો-પોણોસો
મંકોડાનું પેટ ભરાય છે. આ ભોજન
સફાચટ થયા બાદ પાછળ આવતા લશ્કરે
ડાળખીના ઊંચકાયેલા ભાગ પર ચડવાનો
અર્થ રહેતો નથી--અને છતાં પાછળના
લાખો મંકોડા વારાફરતી પિરામિડ બનાવે
છે તથા ડાળખી પર ચડીને જ સામી
તરફ જાય છે. નીચેથી પસાર થવા માટે
ખાસ્સી મોકળી જગ્યા હોવા છતાં સહેલો
 માર્ગ તેઓ અપનાવતા નથી.
સૂકી ડાળખી તો જાણે સામાન્ય
વસ્તુ છે. ડ્રાઇવર મંકોડા તેના કરતાં અનેક
ગણી મોટી અડચણને પાર કરી જાય છે.
એકવાર મંકોડાનું સૈન્ય લગભગ સીધી
લીટીમાં માર્ચિંગ શરૂ કરે એટલે પછી તેનું
ઝનૂન એવું હોય કે કશી જ અડચણ તેને
રોકી શકે નહિ. આફ્રિકામાં પેલા ગોરા
બહારવટિયાને ભરખી જનાર સૈન્ય
નદીને પણ ઓળંગી ગયું, તો બીજી કઇ
નાકાબંધી તેમને નડે ? નદીના સામા કાંઠે
જવા માટે તેઓ એકમેકને (પગ પકડીને)
એ રીતે વળગે છે કે સરવાળે આશરે ૧’’
જાડા દોરડાનો આકાર બને. સૌથી
આગળના મંકોડા પરસ્પર વળગીને દોરડું
બનાવતા જાય છે અને નદીમાં તણાતો
આગલો છેડો જ્યારે સામા કાંઠાને અડકે
ત્યારે મોખરાના તે મંકોડા કાંઠા પર
પોતાના પગ વડે પક્કડ જમાવે છે. આ
રીતે મંકોડાના જ ‘દોરડા’નો જે પુલ તૈયાર
થાય તેના પર આખું સૈન્ય ચાલીને
નદીપાર જતું રહે છે.
એકસાથે લાખો ડ્રાઇવર મંકોડા
ઝનૂનપૂર્વક અને ઝૂંડભેર હુમલો લાવ્યા
હોય એ સમયે તેમનો મુકાબલો કરવા
માટે પિસ્તોલ, રિવોલ્વર કે પછી બીજું
કોઇ પણ શસ્ત્ર નકામું ઠરે છે. દક્ષિણ તથા
પશ્ચિમ આફ્રિકાનાં ગામો પર તેમનું
આક્રમણ વારંવાર થાય છે--અને ત્યારે
ગામલોકો માટે આફતનો પાર રહેતો
નથી. આ યમદૂતોને આદત છે કે સરેરાશ
૬ સેકન્ડમાં એક ફીટના વેગે પ્રવાસ
ખેડતી વખતે તેઓ સાંકડી અને લાંબી
કતારમાં ચાલે, પણ જેવો ખોરાક દેખાય
કે તરત કતાર તોડીને ડાબે-જમણે ફેલાવા
કરે લાગે. ખોરાકરૂપી શિકારને ચોતરફથી
નો ઘેરી લે. બચવા માટે કઇ દિશામાં ત્યાર
ના પછી ભાગવું તે ગામલોકો નક્કી કરી
વેશકતા નથી. જાન બચાવવાનો સવાલ
હોય ત્યાં બીજું શું સાથે લેવું અને શું ન
લેવું તે પણ નક્કી કરી શકતા નથી. પહેલું કામ તેઓ ધોડિયામાં સૂતેલાં પોતપોતાનાં
બાળકોને તેડી લેવાનું કરે છે. એ પછી
વયોવૃદ્ધોને, બિમારોને તેમજ અશક્તોને
ઝોળીમાં નાખી તેમની ડોલી કરીને ભાગી
નીકળે છે, કેમ કે પગ મૂકતાં જ અનેક
મંકોડા જ્યાં માંસના અનેક કણો ખેંચી
કાઢતા હોય ત્યાં લાંબો સમય રોકાવાય
નહિ. બીજે દિવસે ગામલોકો ઊચક જીવે
પાછા ફરે ત્યારે તેમના ઘરોમાં આટલી
ચીજો ગાયબ હોય છે : વાડામાં પૂરેલાં
મરઘાં-બતકાં, ખીલે બાંધેલા ઢોર અને
ઝૂંપડામાં સંઘરેલું અનાજ. ગુજરાન
ચલાવવા માટે કશું જ બાકી રહેતું નથી.
આશ્વાસન ફક્ત એ વાતનું કે ડ્રાઇવર
મંકોડા દરેક ઝૂંપડામાં ઉપદ્રવ ફેલાવનાર
વાંદા, કાનખજૂરા, ઉંદરો તથા બીજી
જીવાતોને પણ આરોગી ગયા હોય છે.
આ રીતે જમણવાર પતાવ્યા બાદ
ડ્રાઇવર મંકોડાનું
લશ્કર પાછું એક
જગ્યાએ એકઠું
થાય છે. બાકીની
રાત ગુજારવા માટે
તે કોહવાયેલા
ઝાડની બખોલ કે
તૂટી પડેલી ડાળ
નીચેનું પોલાણ
શોધીને ત્યાં અડ્ડો
જમાવે છે. ઊનનો
દોરો વીંટીને જાણે
દડો બનાવતા હોય
તેમ આખી કતાર એક છેડે વીંટળાય છે.
બધા મંકોડા એકબીજાના પગ સાથે પગ
ભીડીને રીતસર દડો બનાવે છે. આ રીતે
બનતા દડાનો વ્યાસ એકાદ મીટરથી
ઓછો હોય નહિ. દડાની વચ્ચોવચ
રાણીને તેઓ સુરક્ષિત રાખે છે. ડ્રાઇવરના
સૈન્યમાં રાણી વી.આઇ.પી. ગણાય છે,
એટલે મંકોડા તેની પૂરેપૂરી સંભાળ લે
છે. શિકારરૂપી ખોરાક શોધવા માટે આમ
તો રાણી પણ સૈન્ય જોડે ચાલે, પડાવ
વખતે દડામાં રહે અને ટૂંક સમય બાદ
નવા શિકાર માટે ફરી સૈન્ય જોડે કૂચ
આગળ ચલાવે. ઇંડાં મૂકવાનાં થાય ત્યારે
જ તેણે દિવસો સુધી અમુક ઠેકાણે રોકાવું
પડે છે. રાણી એક જ સમયે લગભગ
૩,૦૦,૦૦૦ ઇંડાં મૂકે છે, જેમાંથી સૈનિક
(સોલ્જર્સ) અને શ્રમિક (વર્કર્સ) એમ બે
જાતના મંકોડા પેદા થાય છે. કેટલીક નવી
રાણીઓ પણ જન્મે છે.
મધમાખીની જેમ ડ્રાઇવર
મંકોડામાં પણ કાયદો છે કે દરેક સૈન્યદીઠ
એક જ રાણી હોય, એટલે હવે જૂની-
નવી રાણીઓ વચ્ચે સૈન્યના ભાગલા પડે
છે. અમુક મંકોડા જૂની રાણી સાથે રહે
છે. બીજી તરફ નવી રાણીઓ એકને
બદલે અનેક હોય, તો બાકીના મંકોડાએ
કોની સાથે જવું ? દરેક રાણી પોતપોતાનું
અલગ સૈન્ય રચે એમાં કશો ભલીવાર ન
વળે, કેમ કે ઘણા બધા ભાગલા પડવાને
લીધે દરેકનું સૈન્ય નાનું બને. નાના કદનું
સૈન્ય મોટા શિકારને મહાત કરી શકે નહિ.
આથી ડ્રાઇવર મંકોડા પરસ્પર સંપીને
ફક્ત એક નવી રાણીને બહાર જવા દે
છે. બાકીની દરેક નવી રાણીને તેઓ
પકડી રાખે છે. સહેજ પણ ચસકવા દેતા
નથી. હવે બહાર જતી રાણી પાછળ જ
સૈન્યના પચાસેક ટકા મંકોડા રવાના થાય
છે, જેનો અર્થ એ કે સૈન્ય ફક્ત બે ભાગે
વહેંચાયું. એક નવું અને બીજું જૂનું--અને
જૂનું સૈન્ય પણ જ્યારે કતાર રચીને ફરી
શિકાર કરવા નીકળે ત્યારે પેલી રોકી
પાડવામાં આવેલી રાણીઓને બખોલમાં
જ તજી દે છે. આ રાણીઓ છેવટે મૃત્યુ
પામે છે.
ભારતીય ખુશ્કીદળમાં, ચીનના
લાલ સૈન્યમાં કે અમેરિકા, બ્રિટન અથવા
ફ્રાન્સ જેવા પણ એકેય દેશના લશ્કરમાં
પણ આટલી ડિસિપ્લિન હોય નહિ.
માણસોની ફોજ કરતાં મંકોડાની ફોજ
ખરેખર અનેક ગણી શિસ્તબદ્ધ અને
આપસી તાલમેળવાળી છે--અને માટે જ
ગમે તેટલા સશક્ત તેમજ મોટા શિકારને
મહાત કરી શકે છે.
https://www.facebook.com/share/p/185b835UMp/