ઇન્દિરા ગાંધીએ જૂન, ૧૯૭૫માં
ઠોકી બેસાડેલી ઇમરજન્સી પછી માર્ચ, ૧૯૭૭ દરમ્યાનની
ચૂંટણી વખતે પ્રજાજનોએ તેમને લોકશાહી પર
બુલડોઝર ફેરવ્યા બદલ પાઠ ભણાવ્યો. ઇન્દિરાના
કોંગ્રેસ૨ાજને ફગાવી દીધું. મોરારજી દેસાઇનો
જનતા પક્ષ સત્તા પર આવ્યો. પાપડી ભેગી
ઇયળો પણ બફાઇ જાય તેમ ઘણાં ખરાં
રાજ્યોમાં પણ કોંગ્રેસ સરકારો પડી ભાંગી.
એક રાજ્ય પંજાબ હતું. પંજાબના
કોંગ્રેસી મુખ્ય પ્રધાન ઝૈલસિંહે બેવડો મા૨
વેઠ્યો. ચૂંટણીમાં તેઓ હાર્યા અને બરાબર એ
જ વખતે ગુરદિપાલસિંહ તપાસપંચે તેમને મુખ્ય
પ્રધાન તરીકેના કાર્યકાળ બદલ ગે૨૨ીતિઓ ચલાવ્યાના
મુદ્દે કસૂરવાર ઠરાવ્યા. પંચના અહેવાલ મુજબ સત્તાનો
દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હતો
એપ્રિલ ૧૩, ૧૯૭૮નો વૈશાખી
દિવસ પંજાબની તવારીખને અરાજકતા
તરફ પછી અલગતાવાદ તરફ અને સમય
જતાં આતંકવાદ તરફ મોડ આપવાનો
હતો. નિરંકા૨ી પંથના લોકોએ તે દિવસે
અમૃતસરમાં સરઘસ કાઢ્યું. બૈસાખીનો
ઉત્સવ તેઓ પણ મનાવી રહ્યા હતા.
ઇશ્વરને નિરાકાર માનતા અને ગુરુ
નાનકને મહત્ત્વ ન આપતા નિરંકારીઓ પોતાને શીખ તરીકે ઓળખાવતા, પરંતુ ધર્મપરસ્ત રૂઢિગત શીખ સમાજ તેમને શીખ ગણતો ન હતો. પાકિસ્તાનમાં વસતા અહમદિયા લોકો જેવી તેમની સ્થિતિ હતી. અહમદિયાઓ ઇસ્લામને જ અનુસરે,
છતાં પાકિસ્તાનનો બહુમતી સુન્ની મુસ્લિમ વર્ગ તેમને મુસ્લિમ ગણે નહિ.
નિરંકારી ‘શીખોએ’ અમૃતસરમાં સરઘસ કાઢ્યું તેના
થોડા કલાકો બાદ ગુરુ નાનકના અનુચર શીખો વિફર્યા. બે
પક્ષો વચ્ચે રમખાણ જામ્યું
અને તે લોહિયાળ નીવડ્યું.
હિંસાખોરીએ ૧૬ શીખોનો
ભોગ લીધો. પંજાબના મુખ્ય
પ્રધાન પ્રકાશસિંહ બાદલ એ
વખતે મુંબઇમાં હતા. ખબર
મળતાં જ તેઓ અમૃતસર
પહોંચ્યા. શીખોના ઘા પર
મલમ લગાડવા તેમણે કેટલાક
પુલિસ અધિકારીઓને બરતરફ
કર્યા. નિરંકારીઓના નેતા
ગુરબચનસિંહની ધ૨પકડ
કરાવી
શીખો આક્રોશમાં હતા. આથી પોતાની અલગ પિછાણ
ખડી કરવા તેમણે વૈશાખીના દિવસે જ ‘દલ ખાલસા’ સ્થાપ્યો.
વાસ્તવમાં પુનઃસ્થાપના કરી, કેમ કે પહેલી વાર અઢીસો વર્ષ અગાઉ સ્થાપવામાં આવ્યો હતો.
અકાલી સરકારને ઘોંચપરોણા કરવાની એકેય તક જતી ન કરનાર ઝૈલસિંહે દલ ખાલસાને પોતાની શુભેચ્છા પાઠવી એટલું જ નહિ, પણ ઉદ્ઘાટનના
પ્રસંગે થયેલા નાસ્તા-પાણીનું બિલ કોંગ્રેસે ચૂકવ્યું.
ઇમરજન્સી ઠોકી બેસાડ્યાના વાંકે ૧૯૭૭માં
સત્તા ગુમાવી બેઠેલાં ઇન્દિરા ગાંધી જાન્યુઆરી,
૧૯૮૦માં પાછાં સત્તાધારી બન્યાં, રાજ્યોની
બિનકોંગ્રેસી સરકારોને તેમણે બરતરફ કરી
નાખી. અકાલી પ્રકાશસિંહ બાદલના સ્થાને
કોંગ્રેસી દરબારાસિંહ પંજાબના મુખ્ય પ્રધાન
તરીકે નિમણૂક પામ્યા. ભિંડરાનવાલે ત્યાં સુધીમાં
પંજાબના ‘લોકપ્રતિનિધિ' બની ચૂક્યો હતો. ત્રીસેક વર્ષનો ભિંડરાનવાલે બૈસાખીના રોજ શીખોની હત્યાનું વેર લેવા તત્પર બન્યો.
એક દિવસ નિરંકારી ગુરુ બાબા ગુરબચનસિંહ પર
તેના માણસોએ સશસ્ત્ર હુમલો કર્યો, જે નિષ્ફળ રહ્યો. ઊલટું, બાબાના અનુયાયીઓ તથા અંગરક્ષકોએ ભિંડરાનવાલેના બાર માણસોને વીંધી નાખ્યા. બારેયને તેમણે સ્વબચાવમાં ઠાર કરાયા હોવાનું સ્વીકારી અદાલતે તેમને છોડી મૂક્યા. પરિણામે ભિંડરાનવાલેનો પિત્તો ગયો. અદાલતનો ન્યાય તેને મન અન્યાય હતો. ફરી વખત તેણે કાયદો હાથમાં લીધો. નિરંકારી બાબા
ગુરબચનસિંહને ખતમ કરવા તેણે પોતાના સાગરિતોને પાનો ચડાવ્યો. નિશાનબાજ સાગરિતોએ
દિલ્હીમાં એપ્રિલ ૨૪, ૧૯૮૦ ના દિવસે નિરંકારી બાબાની હત્યા કરી નાખી.
નિરંકારી બાબાની હત્યા બાદ ભિંડરાનવાલે પોતાને શીખ ધર્મનો રક્ષક માનવા લાગ્યો. ધર્મના નામે ઉપરાઉપરી કેટલાય અપરાધો તેણે કર્યા. ચોમેર પોતાની ધાક બેસાડી દીધી. બળતામાં ઘી પાછું એ વાતે હોમાયું કે
ભિંડરાનવાલેના ઉશ્કેરણીજનક વચનો સાંભળીને કેટલાક શીખ ચળવળકારોએ નિરંકારીઓ માટે જેમાં સ્થાન ન હોય એવા સ્વાયત્ત રાજ્ય ‘ખાલિસ્તાન'ની સ્થાપના
ક૨વા ઝુંબેશ શરૂ કરી દીધી, બ્રિટનમાં અને કેનેડામાં રહેતા ઘણા શીખોનો તેમને સાથ મળ્યો, એટલે ‘ખાલિસ્તાન’ શબ્દ તે દેશોનાં વર્તમાનપત્રોમાં પણ ચમકવા લાગ્યો.
આ સૂચિત રાજ્યના (કહો કે રાષ્ટ્રના) દલ ખાલસાએ
આંકેલા સીમાડા ઉત્તરે જમ્મુના, પશ્ચિમે રાજસ્થાનના અને દક્ષિણ-પૂર્વે હરિયાણાના બહુ વિશાળ દેશને આવરી લેતા હતા.
ભારતની અખંડિતતાને જોખમાવતી આવા રાજ્યની સ્થાપના માટે હરગીઝ અનુમતિ ન અપાય, છતાં પંજાબના ઘણા હિન્દુ પ્રજાજનોને મનમાં દહેશત જાગી કે અગાઉ બે વખત અકાલીઓ સામે નમી પડેલી કેન્દ્ર સરકારનો શો ભરોસો? નિરંકારી શીખોને પણ તે
પછી તેમના જાનમાલની સલામતી અંગે ચિંતા હતી.
ખાલિસ્તાનનાં બીજ આમ તો સપ્ટેમ્બર, ૧૯૮૧માં
રોપાયાં, જ્યારે પંજાબના અકાલી દળ પક્ષે આર્થિક, રાજકીય તથા ધાર્મિક એમ ત્રણ પ્રકા૨ની કુલ ૪૫ માગણીઓ તત્કાલીન વડા પ્રધાન સમક્ષ રજૂ કરી અને તેમનો સ્વીકાર ન થાય
તો આંદોલન ચલાવવાની ધમકી આપી. કેટલીક માગણીઓ ખરેખર સ્વીકારી ન શકાય તેવી હતી.
દા. ત. અકાલીઓ
સુવર્ણમંદિરના અમૃતસરને સત્તાવાર રીતે પવિત્ર શહેર ઘોષિત કરાવવા માગતા હતા. આ ગુરુદ્વારામાં જે કીર્તન થાય તેના રેડિઓ પ્રસારણ માટે તેમને ટ્રાન્સમીટર સ્થાપવું હતું.
શીખોને પ્લેનમાં કિરપાણ સાથે પ્રવાસ કરવાની છૂટ આપતો કાયદો ઘડાય એ
ત્રીજી માગણી હતી. પંજાબને વધુ સ્વાયત્તતા મળે એવો પણ અકાલી દળનો મક્કમ આગ્રહ હતો. આને લગતો ઠરાવ આનંદપુર સાહેબ ગુરુદ્વારા ખાતે મળેલી સભામાં પસાર કરાયો હતો.
દેખીતી વાત છે કે લોકશાહી દેશમાં આવી દરખાસ્તો મંજૂ૨ કરી શકાય નહિ. અમૃતસરને પવિત્ર શહેર જાહેર કરવામાં સરકાર પર ધાર્મિક પક્ષપાતનું આળ ચડે તેમ હતું. દેશનાં બીજાં મંદિરો-મસ્જિદો સુવર્ણમંદિરનો
વાદ કરે એ સંભાવના જોતાં રેડિઓ ટ્રાન્સમિશન માટે પરવાનગી આપવાનું શક્ય ન હતું.
ઇન્ડિયન એરલાઇન્સનાં પ્લેનમાં સફર કરતા શીખોને કિરપાણ અંગે છૂટછાટ મળી શકે, પરંતુ અકાલીઓ
તો ભારત સરકારના અધિકારક્ષેત્રમાં ન આવતી ઇન્ટરનેશનલ ફલાઇટ માટે પણ કિરપાણને લગતો આગ્રહ પકડીને બેઠા હતા. આ માગણી તદન ગેરવાજબી
હતી, કારણ કે ભારતનો કાયદો
પરદેશી એરલાઇન્સ માટે બંધનકર્તા ગણાય નહિ. પંજાબને વધુ સ્વાયત્તતા આપવાનો મતલબ એ થાય કે કેન્દ્ર સરકાર પોતાના હસ્તકની અમુક સત્તા તેને સોંપી દે. આમાં તો સરકારે ભારતના રાજ્યબંધારણનો ભંગ કરવો પડે એટલું જ નહિ, પરંતુ બીજાં રાજ્યો પંજાબનો દાખલો ટાંકી વધુ સ્વાયત્તતા માગે તો દેશ અખંડિત રહેવા ન પામે. આ ભયસ્થાનોને ધ્યાનમાં લેતાં સરકારે અકાલી દળના અવ્યવહારૂ પ્રસ્તાવો ફગાવી દીધા.
સમગ્ર દેશના કમનસીબે પંજાબ ખતરનાક મોડ પર આવ્યું.
ધાર્મિક ભેગો (અને ધાર્મિક કરતાં વધારે) રાજકીય સ્વાર્થ ધરાવતા અકાલી દળે લોકલાગણીનો ભડકો સળગાવવા રાજ્યવ્યાપી આંદોલન શરૂ કર્યું, જે ટૂંક સમય પછી તેના કાબૂ બહાર જતું રહ્યું. અંતિમવાદી જૂથો ફૂટી નીકળ્યાં, જેમના આગેવાનોએ ધર્મને
પોતાનો મુખ્ય અજેન્ડા બનાવ્યો. ઉગ્ર પ્રવચનો દ્વારા તેમણે શીખોને ઉશ્કેરવા માટે વ્યવસ્થિત ઝુંબેશ આરંભી. કેન્દ્રીય મુદ્દો એ કે ભારતમાં ૮૨% હિન્દુ અને
૧૩% મુસ્લિમ આબાદી સામે શીખોની
વસ્તી માંડ ૩.૫% હતી, એટલે ખાલસા
(pure/શુદ્ધ) કહેવાતો શીખ ધર્મ જોખમમાં હતો. ખાલસાનું
અલગ રાષ્ટ્ર સ્થપાય તો જ ધર્મ સુરક્ષિત રહે તેમ હતો. ભાવિ રાષ્ટ્રનું નામ ખાલિસ્તાન પણ આગેવાનોએ નક્કી કરી નાખ્યું.
પંજાબમાં કોમી તંગદિલી દિવસોદિવસ વધવા લાગી.
ખાસ તો ભિંડરાનવાલેનાં હિંસક કારસ્તાનોને લીધે વાતાવરણ કલૂષિત થતું હતું. જાલંધરથી પ્રગટ થતા ‘હિન્દ સમાચાર' દૈનિકે તેની વિરૂદ્ધ તંત્રીલેખો છાપ્યા ત્યારે ભિંડરાનવાલેએ દૈનિકના માલિક અને તંત્રી લાલા જગત નારાયણને (સપ્ટેમ્બર ૯, ૧૯૮૧ ના રોજ) શૂટ કરાવી દીધા.
દેશભરમાં ખળભળાટ મચ્યો. ભિંડરાનવાલેની ધરપકડ
કરવા માટે સમગ્ર દેશમાં માગણી ઊઠી. પંજાબના કોંગ્રેસી મુખ્ય મંત્રી દરબારાસિંહ પણ હવે તેને કાનૂનના હવાલે કરવા મક્કમ હતા. અમૃતસરથી ૪૦ કિલોમીટર છેટે મહેતા ચૉક ખાતેના ગુરુદ્વારામાં ભિંડરાનવાલેનો પડાવ હતો. મુખ્ય મંત્રીના આદેશ મુજબ પોલીસ ટુકડી વૉરન્ટ સાથે ત્યાં પહોંચી એ પહેલાં ભિંડરાનવાલેને રક્ષણ આપવા હજારો શીખો એકઠા થયા અને ગુરુદ્વારા તરફ જવાનો માર્ગ બંધ કરી દીધો. આ સોનેરી મોકો
ભિંડરાનવાલે કેમ ગુમાવે? વિશાળ શ્રોતાવર્ગ વણબોલાવ્યો હાજર થયો હતો, એટલે પહેલાં તો સૌને
ખુન્નસ ચડાવે તેવું ફાયરબ્રાન્ડ ભાષણ તેણે
સંભળાવ્યું અને પછી સૌને શાંતિ જાળવવા
અપીલ કરી પોલીસના તાબે થયો.
પરિસ્થિતિ અત્યંત ગંભીર બની હતી, પરંતુ
અકાલી દળના રાજકીય આગેવાનો માટે તે બહુ
અનુકૂળ હતી. કોંગ્રેસી મુખ્ય મંત્રી દરબારાસિંહ સામે
વિરોધના દેખાવો કરતા અને પંજાબના અર્થતંત્રને ખોરવતા આંદોલનકારોને તેમણે રોક્યા કે ટોક્યા નહિ.
દરબારાસિંહની સરકાર છેવટે પડી ભાંગે એમાં જ તેમને
રસ હતો. મતલબ એ કે ભિંડરાનવાલેને તેઓ પોતાના
રાજકીય મહોરા તરીકે વાપરી રહ્યા હતા.
માણસના પોલિટિકલ ઉપયોગ હવે જો
અકાલી દલ કરે તો કોંગ્રેસ કેમ તેનો અકાલીઓ કરતાં વધુ લાભ ન મેળવે? ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ સરકારના ગૃહપ્રધાન જ્ઞાની ઝૈલસિંહે ઑક્ટોબર ૧૪, ૧૯૮૧ ના રોજ સંસદમાં જાહેર કર્યું કે ભિંડરાનવાલે પરના આક્ષેપોનો ઠોસ પુરાવો ન મળવાને કા૨ણે તેને છોડી મૂકવાનો નિર્ણય લેવાયો હતો.
ભિંડરાનવાલેની મુક્તિનો હુકમ આપી ગૃહપ્રધાને હદ કરી
નાખી. આરોપી ગુનેગાર છે કે બેકસૂર તેનો ચુકાદો સરકારે આપવાનો હોય કે અદાલતે? પંજાબમાં શાંતિ પથરાય તે ગણતરીએ જો જ્ઞાની ઝૈલસિંહે આરોપીને છોડ્યો હોત તો જુદી વાત હતી, પરંતુ ગૃહપ્રધાનનો ઇરાદો રાજ્યમાં શાંતિ લાવવાનો ન હતો. આ વાતનો પુરાવો એ કે છૂટ્યા પછી
ભિંડરાનવાલેએ સદ્ગત લાલા જગત નારાયણના પુત્ર અને
પંજાબના નાયબ પોલીસ વડા સહિત કેટલાય જણાને ઠાર મરાવ્યા, છતાં કેન્દ્ર સરકારના ગૃહપ્રધાન ઝૈલસિંહે તેની પાછી ધરપકડ કરાવવાનું જરૂરી ન માન્યું. પરિણામે ભિંડરાનવાલે ઓર છકી જાય એ પણ સ્વાભાવિક હતું. કારતૂસોના જાડા કમરપટ્ટા, પિસ્તોલ અને રાયફલ સાથે તે પંજાબમાં ગામેગામ ફર્યો, જાહેર સભાઓ યોજી અને ‘ખાલિસ્તાન' માટે લડી છૂટવા લોકોને હાકલ કરી. આના કરતાં પણ સિરિયસ વાત એ કે અમૃતસરના સુવર્ણમંદિરની ગુરુ નાનક નિવાસ કહેવાતી
ઇમારતના રૂમ નં. ૪૯ માં તે રહેવા લાગ્યો.બીજા કેટલાક ઓરડા તેના સશસ્ત્ર અંગરક્ષકોએ
તથા અનુચરોએ રોકી લીધા. આ દુર્ભાગ્યપૂર્ણ તબક્કો હતો.
શિરોમણી ગુરુદ્વારા બંધક કમિટિએ આવવા જ ન દીધો હોત
તો ઠીક હતું.
ગુરુ નાનક નિવાસમાં
રહીને ભિંડરાનવાલેએ સમગ્ર પંજાબના સત્તાધીશ
તરીકે વર્તવાનું શરૂ કર્યું. રાજ્યભરના લોકો
પોતપોતાની યાચિકાઓ તથા ફરિયાદપત્રો
સરકારને બદલે તેની સમક્ષ રજૂ કરવા
લાગ્યા. જમીનને લગતો ઝઘડો હોય,
બિલ ન ભર્યાને કા૨ણે વીજળીનું જોડાણ
કપાયું હોય, દહેજનો મામલો હોય,
બેન્કમાં લોનઅરજી મંજૂર ન થતી હોય
અથવા તો બીજી ગમે તે સમસ્યા હોય,
પણ ભિંડરાનવાલે ગણતરીના કલાકોમાં
તેનો નિવેડો લાવી દે. આ ‘સત્તાધીશ’ના
ફરમાન પાસે સરકારના નિર્ણયો તેમજ
અદાલતોના ચૂકાદા પણ ફોક ઠરતા હતા. પંજાબનું રાજ્યતંત્ર હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાયું, એટલે ભિંડરાનવાલેને વહેલી તકે ગિરફ્તાર કરવા માટે દિલ્હીમાં પાર્લામેન્ટના સભ્યોએ જોરદાર માગણી પકડી.
જાલંધર ખાતે પ્રવાસી પાકિસ્તાની ટીમ
અને ભારતીય ઇલેવન વચ્ચે ખેલાયેલી મેચ જોવા પાકિસ્તાનથી આવેલા કેટલાક
‘પ્રેક્ષકો’અમૃતસરની પણ મુલાકાતે ગયા હતા અને ત્યાં સુવર્ણમંદિરમાં ભિંડરાનવાલેને મળ્યા હતા. ખાલિસ્તાન માટે લડતા આંદોલનકાર શીખ યુવાનો માટે કર્નલ ગદાફીના લિબિયામાં શસ્ત્રતાલીમનો બંદોબસ્ત કરી આપવાની તેમણે ભિંડરાનવાલે સમક્ષ ઑફર મૂકી હતી.
ઇન્દિરા ગાંધીએ છેવટે એપ્રિલ, ૧૯૮૪ માં જનરલ અરુણ વૈદ્યને ‘ઑપરેશન બ્લૂસ્ટાર' હેઠળ લશ્કરી કાર્યવાહી માટે
સૂચના આપ્યા વગર છૂટકો ન રહ્યો. નિર્ણય આકરો હતો અને તેના એક સારા ફળના સાટામાં અનેકગણાં વધુ માઠાં ફળ ભોગવવાનાં થાય એ પણ નિશ્ચિત હતું. અર્વાચીન ભારતની તવારીખનાં ત્યાર પછીનાં ઘણાં વર્ષો શાહીને બદલે લોહી વડે લખાવાનાં હતાં.
જનરલ વૈદ્યની સૂચનાથી મેજર-જનરલ કે. એસ. બ્રાર વહેલી બપોરે અમૃતસર પહોંચ્યા અને સ્થિતિનો જાયજો લીધો. ૧૯૭૧ માં બાંગલા દેશના મોરચે લેફ્ટનન્ટ-જનરલ
જગજિતસિંહ અરોરાની સરદારી નીચે લડેલા કે. એસ. બાર પણ શીખ હતા, પણ દાઢી રાખતા ન હતા. યુદ્ધ પછી તેમને ૯ મી ઇન્ફન્ટ્રી ડિવિઝનનો ચાર્જ સોંપાયો હતો. લશ્કરની બીજી ડિવિઝનો કરતાં તે ઘણે અંશે જુદી, કેમ કે તેના જવાનોને કમાન્ડો ઍટેકની ખાસ તાલીમ મળી હતી.
સુવર્ણમંદિરની આસપાસ મોડી સાંજે તંગદિલી વધવા
માંડી. ભિંડરાનવાલેના શસ્ત્રધારીઓ અને કેન્દ્રીય અનામત પોલીસ દળના જવાનો વચ્ચે સામસામા ગોળીબાર થયા અને બેઉ પક્ષે કુલ ૧૧ લાશો ઢળી.
બીજો દિવસ પણ મેજર-જનરલ કે. એસ. બ્રા૨ માટે ઘણા બધા પ્રશ્નાર્થો સાથે જ ઊગ્યો. ભિંડરાનવાલેના સશસ્ત્ર ટેકેદારો પાસે હથિયારો કેવાં પ્રકારનાં હતાં? કેટલાં હતાં? ટેકેદારોની સંખ્યા ૧,૫૦૦ જેટલી હોવાનું કહેવાતું, તો એ વાત સાચી.કે માત્ર અફવા? સુવર્ણમંદિરમાં ગયેલા દર્શાનાર્થી ભક્તોને સુરક્ષિત રખાયા હતા કે પછી ઑપરેશન બ્લૂસ્ટાર શરૂ થાય ત્યારે ભિંડરાનવાલે બ્લેક મેઇલિંગના ઇરાદે તેમને ઢાલ તરીકે વાપરવા માગતો હતો? આ બધા પ્રશ્નોનું સમાધાન ન થાય ત્યાં સુધી કમાન્ડો હુમલો કરવાનું વિચારી પણ શકાય નહિ.
પરિસ્થિતિ ગંભીર, નાજૂક અને દ્વિધાજનક
હતી. અકાલ તખ્ત પર, બુંગા કહેવાતા બે ઊંચા
મિનારાઓ પર, રેસ્ટ હાઉસ પાસે આવેલી
પાણીની ઑવરહેડ ટાંકી પર અને બીજે ઘણી
જગ્યાએ આડશ તથા રક્ષણ માટે રેતીની ગુણો
ખડકી ફાયરિંગ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યાં
હતાં. ભિંડરાનવાલેના કટ્ટરવાદીઓ ત્યાં
લાઇટ મશીનગન તેમજ ઑટોમેટિક રાયફલ
સાથે ગોઠવાયા હતા. કિલ્લેબંધીની વ્યવસ્થા
કરતાં મોટી સમસ્યા એ કે બીજે દિવસે (૩જી
જૂનના રોજ) ગુરુ અર્જન દેવના બલિદાનની
પુણ્યતિથિ હતી અને તે દિવસે અકાલી દલના
એલાન મુજબ હડતાલ, મોરચા તથા ‘રસ્તા
રોકો'ના રાજ્યવ્યાપી કાર્યક્રમો યોજાવાના
હતા. હિંસા પણ રાજ્યવ્યાપી ધોરણે ફાટી નીકળે એવી વકી હતી. ઇન્દિરા ગાંધીએ રાત્રે ૯:૧૫ વાગ્યે ટેલિવિઝન અને રેડિઓ પર રાષ્ટ્રને સંબોધી આંદોલનનો કાર્યક્રમ પડતો મૂકવા અકાલી દલને વિનંતી કરી. કાયદો અને વ્યવસ્થા જોખમાય તો સરકાર તમાશો જોતી નિષ્ક્રિય બેસી ન શકે એ વાતની પણ સ્પષ્ટતા તેમણે કરી નાખી.
બરાબર એ જ સમયે સૈન્યની અમૃતસરમાં ૧૨મી બિહાર બટાલિયનના જવાનો સુવર્ણમંદિરની દિશામાં આગળ વધી રહ્યા હતા. મંદિર તરફ જતા બધા માર્ગોને તેમણે સીલ કરી દેવાના હતા. આ કાર્યવાહી શરૂ થતા પહેલાં ભૂમિદળની
જાલંધર ખાતેની ૧૧મી કોરના સેનાપતિ લેફ્ટનન્ટ-જનરલ
કે. ગૌરીશંકરે રાજ્યમાં ભારત-પાક સરહદને પણ સીલ
કરવાનો હુકમ આપી દીધો હતો. દિલ્હીથી વધુ બે હુકમો
છૂટ્યાઃ લેફ્ટનન્ટ-જનરલ રણજિતસિંહ દયાલને તત્કાળ
પંજાબના ગવર્નરના સુરક્ષા સલાહકાર નીમવામાં આવ્યા.
રાજ્યના પોલીસદળને લશ્કરના નિયંત્રણ હેઠળ મૂકવામાં
આવ્યું.
સુવર્ણમંદિરને ૧૨મી બિહાર બટાલિયને ચોતરફ ઘેર્યું
હોવા છતાં ગુરુ અર્જુન દેવની પુણ્યતિથિ નિમિત્તે શહે૨માં કરફ્યુ ઊઠાવી લેવાયા પછી હજારો લોકો દર્શન માટે ઉમટ્યા. કેટલાક પત્રકારો પણ મંદિરમાં ગયા અને ભિંડરાનવાલેને મળ્યા. પત્રકારોએ કરેલા પ્રશ્નોના જવાબમાં તેણે કહ્યુ
લશ્કર જો મંદિરમાં દાખલ થશે તો હું તેને હંમેશ માટે
યાદ રહી જાય એવો પાઠ ભણાવીશ!
ભિંડરાનવાલેએ તે દિવસ અકાલ તખ્તના પહેલા માળે પોતાના સુરક્ષા સલાહકાર મેજર-જનરલ (સેવાનિવૃત્ત) શાબેગસિંહ સાથે વીતાવ્યો. અવારનવાર તે દૂરબીન વડે મંદિર ફરતેની લશ્કરી ગોઠવણનું અવલોકન કરી લેતો હતો.
સહુ સૂર્યાસ્ત બાદ દર્શનાર્થીઓ મંદિરની બહાર નીકળી ગયા, પણ આશરે પ૦૦ જણાએ મંદિરમાં રોકાવાનું પસંદ કર્યું. રાત્રે ૯:૦૦ વાગ્યે માત્ર અમૃતસરમાં નહિ, આખા પંજાબમાં પણ સળંગ ૩૬ કલાકનો કરફ્યુ લાદી દેવાયો. પંજાબને બાકીના ભારત સાથે જોડતી રેલ, વિમાની અને બસ સેવા પણ બંધ કરી દેવાઇ, એટલે રાજ્ય ભૌગોલિક સિવાય બીજી દરેક રીતે છૂટું પડી ગયું. નવ વાગ્યા પછી સમગ્ર રાજ્યના બધા ટેલિફોન ‘ડેડ’ હતાં.
સાંજે ૬:૦૦ વાગ્યે મજર-જનરલ કે. એસ. બ્રારે
તેમના ફૌજી અભિયાનમાં સામેલ થનાર જવાનોને તથા
અફસરોને સંબોધન કર્યુ. પરિસ્થિની ગંભીરતાનો ખ્યાલ આપતી વખતે ખાસ સ્પષ્ટતા કરી કે ‘ઑપરેશન બ્લૂસ્ટાર’ શીખ પ્રજા સામેની કે શીખ ધર્મ સામેની કાર્યવાહી ન હતી.
રાષ્ટ્રની અખંડિતતા જાળવવા માટે હાથ ધરાયેલું ત્રાસવાદ
સામેનું એ મિશન હતું. આમ છતાં જે અફસરો કે જવાનો તેમાં ભાગ લેવા ન માગતા હોય તેમને બાકાત રહેવાની છૂટ હતી અને તે પગલું તેમની હોદાકીય બઢતીમાં અગર તો કારિકર્દીમાં બાધા ખડી કરે એવો ડર પણ રાખવાની જરૂર ન હતી. જનરલ વૈદ્ય એ માટે વચન આપી ચૂક્યા હતા.
કોઇ જવાન અને કોઇ અફસર પીછેકદમ ન થયો. બિહારી
નહિ, મદ્રાસી નહિ અને શીખ પણ નિહ( મેજર- જનરલ કે. એસ. બ્રાર પોતે શીખ હતા, જેમનું આખું નામ કુલદીપસિંહ બ્રાર હતું. જોગાનુજોગે
ભિંડરાનવાલે પણ ‘બ્રાર’ જ્ઞાતિનો
શીખ હતો.) મેજર-જનરલે સૌને
બીજી તાકીદ કરી ‘હરમંદિર
સાહેબની પવિત્રતા તમે જાનના
ભોગે પણ જાળવજો.'
સાંજે ૭:૦૦ વાગ્યે . અંધકાર
ઘેરાયો ત્યારે ૧લી કમાન્ડો
ટુકડીનો, સ્પેશ્યલ
ફ્રન્ટિઅર
ફોર્સનો, ૯મી કુમાઉં રેજિમેન્ટનો,
૧૦મી ગાર્ડી ટુકડીનો, ૨૬મી
મદ્રાસ બટાલિયનનો અને ૩૫૦મી
બ્રિગેડનો શસ્ત્રસજ્જ
રસાલો સુવર્ણમંદિર તરફ આગળ વધ્યો. પ્રવાસનો મુખ્ય
રસ્તો જલિયાઁવાલા બાગની અડોઅડનો હતો, જ્યાં બરાબર ૬૫ વર્ષ અગાઉ જનરલ ડાયર નામના જલ્લાદે નિર્દોષ ભારતીયોને ઠાર મરાવ્યા હતા.
રાત્રે ૧૦:૩૦ વાગ્યે ‘ઑપરેશન બ્લૂસ્ટાર’નો આરંભ
થયો. ઉત્તર તરફનું મુખ્ય પ્રવેશદ્વાર ઓળંગીને ૧૦મી ગાર્ડ્ઝ ટુકડીના સ્પેશ્યલ જવાનો તથા અફસરો જેવા પરિક્રમા સુધી પહોંચ્યા કે બુલેટોની હેલી વરસી. પાંચ-સાત જણા ત્યાં જ શહીદ થયા. અનેક ઘાયલ થયા.
ઊંચાં સ્થાનો પર ગોઠવાયેલા
કટ્ટરપંથીઓ સરોવરની ફરતે પરિક્રમાના માર્ગ તરફ વિના
મુશ્કેલીએ ગોળીબાર કરી શકતા હતા, જ્યારે ચાર-પાંચ માળ જેટલા નીચેના લેવલે રહી જવાનોને તેમનું નિશાન તાકવાનું ફાવતું ન હતું. બ્લેકઆઉટને કારણે ચોમેર અંધકાર પણ હતો.
સૌથી કઠિન જવાબદારી ૧લી કમાન્ડો ટુકડીના ગોતાખોરોના શિરે હતી. સરોવરમાં ઝંપલાવી અને
હરમંદિર સાહેબ પહોંચી તેમણે એ જગ્યાનો કબજો
સંભાળી લેવા ઉપરાંત તેનું રક્ષણ કરવાનું હતું. આ ટુકડીએ ભારે ખુવારી વેઠવી પડી, કેમ કે પૂર્વના રસ્તે આવવા મથી ૨હેલી ૨૬મી મદ્રાસ બટાલિયનને ત્યાંનો અત્યંત મજબૂત પોલાદી દરવાજો નડ્યો અને ઝાઝું નુકસાન ન થાય એ રીતે
તેને તોડવામાં કિંમતી સમય
વેડફાતાં કમાન્ડો સૈનિકોને
મદ્રાસી જવાનોના ‘કવરિંગ
ફાયર'નો લાભ મળ્યો નહિ.
આમ છતાં કમાન્ડો ટુકડીના
કમાન્ડિંગ ઑફિસર લેફ્ટનન્ટ-
કર્નલ કે. સી. પાઢા તેમના ૩૦
બહાદુરો સાથે પરિક્રમા પર દોટ
મૂકી અકાલ તખ્તની દિશામાં
ધસી ગયા. અકાલ તખ્તમાં
ભિંડરાનવાલે સહિત લગભગ
૧૦૦ આતંકવાદીઓ ભરાયા
હતા, જેમની હજારો બુલેટો
સાથે મોત પણ વરસ્યું. કમાન્ડો ટુકડીની ખુવારીનો આંકઃ ૧૭.
આતંકખોરોનું પલ્લું ભારે રહેવાનું મુખ્ય કારણ તેમના
યુદ્ધનિષ્ણાત (રિટાયર્ડ) મેજર-જનરલ શાબેગસિંહનું
વ્યૂહાત્મક આયોજન હતું. ઉત્તરથી ૧૫મી કુમાઉં ડિવિઝનના તથા ૯મી ગઢવાલ રાયફલ્સના અને પૂર્વથી ૨૬મી મદ્રાસ બટાલિયનના જે સશસ્ત્ર જવાનો મંદિરમાં પ્રવેશ્યા તેમનો પણ આતંકખોરોએ સજ્જડ પ્રતિકાર કર્યો. મધરાત થતા સુધીમાં પચાસેક જવાનો માર્યા ગયા.
આ સંગ્રામ જેટલો લંબાય એટલી
ખુવારી તો જાણે વધે, પરંતુ હરમંદિર સાહેબને નુકસાન
પહોંચવાનું જોખમ વધે એ હરગીઝ પોસાય નહિ. મધરાત વીત્યા પછીયે બન્ને પક્ષે જાનહાનિ ચાલુ રહી ત્યારે મેજર- જનરલ બ્રારને ‘વિજયન્ત' રણગાડી વાપરવાનું જરૂરી લાગ્યું,
અકાલ તખ્ત સામે જ સીધો તોપમારો કરવાનો હતો. અલબત્ત, નિર્ણય લેવાની સત્તા તેમને ન હતી, લેફ્ટનન્ટ જનરલ સુંદરજીને કે જનરલ વૈદ્યને પણ ન હતી, વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને પરવાનગી માટે વસ્તુસ્થિતિના લેટેસ્ટ અહેવાલ સહિત મેસેજ પાઠવવામાં આવ્યો. વડા પ્રધાનનો જવાબ આવે તે પહેલાં વસ્તુસ્થિતિ ઔર ગંભીર બની, મંદિરમાં ગયેલી
સૈનિકવાહક બખ્તરિયા ગાડી પરિક્રમા લેતી અકાલ તખ્તની દિશામાં હંકારી એ વખતે અકાલ તખ્ત પરના એક ત્રાસવાદીએ ચીની બનાવટનો RPG-7 રોકેટ પ્રોપેલ્ડ એન્ટિ-ટેન્ક ગોળો તેના પર
ઝીંક્યો. બખ્તરિયા વાહનના ભુક્કા બોલી ગયા. નવ જવાનો મરણતોલ રીતે જખમી બન્યા. સમય ત્યારે પરોઢના ૪:૩૦ વાગ્યાનો હતો.
ઇન્દિરા ગાંધીનો મંજૂરીસંદેશો બરાબર ચાલીસ મિનિટ
પછી ૫:૧૦ વાગ્યે મેજર-જનરલ બ્રારને મળ્યો. ત્રણ
‘વિજયન્ત’ રણગાડીઓનાં તોપનાળચાં અકાલ તખ્ત સામે મંડાયાં, વારાફરતી તોપગોળા છૂટ્યા, અકાલ તખ્તમાં એ ગોળા ઉપરાંત કારતૂસો, હેન્ડ ગ્રેનેડ, રોકેટ પ્રોપેલ્ડ ગોળા વગેરે બારૂદભંડાર પણ ફાટ્યો અને સંભવિતપણે એ જ વિસ્ફોટમાં
ભિંડરાનવાલે તથા નિવૃત્ત મેજર-જનરલ શાબેગસિંહ અને
સંખ્યાબંધ ત્રાસવાદીઓ માર્યા ગયા. થોડા કલાક પછી તેમના મૃતદેહો ઇંટ, ચૂના અને કોન્ક્રિટના ભંગાર નીચે અડધી દટાયેલી હાલતે મળી આવવાના હતા. સૂર્યોદય થતા સુધીમાં પ્રતિકાર ઓસરવા લાગ્યો. મંદિરમાં રહ્યાસહ્યા આતંકખોરો
ત્યાર પછીના ૩.૭'' ના વ્યાસની તોપોના નિશાન બન્યા.
કેટલાક શરણે થયા. જૂન ૬, ૧૯૮૪ નાં પ્રથમ સૂર્યકિરણોએ જ્યારે હરમંદિ૨ સાહેબના મનોહર ગુંબજને સોનેરી ઝળકાટ
બક્ષ્યો ત્યારે હરમંદિ૨ની ચોતરફ સેંકડો મૃતદેહો લોહીતરબોળ પડ્યા હતા. માર્યા ગયેલાની કુલ સંખ્યા ૫૭૫ હતી, જેમાં શહીદ જવાનો ૮૩ હતા અને ભિંડરાનવાલે સહિતના આતંકવાદીઓ તેમજ નિર્દોષ ભક્તો ૪૯૨ હતા.
એક પ્રશ્ન થાય છેઃ આતંકવાદની વ્યાખ્યા શી? સત્તાના
લોભમાં રાજરમત ખેલતા રાજકારણીઓ જેમને એ રમતનાં મહોરાં બનાવે તેઓ ક્યારેક આતંકવાદ તરફ વળે છે.
ભિંડરાનવાલેનો જ દાખલો જોવા બેસો તો પહેલાં કોંગ્રેસે અને પછી અકાલી દળે પણ તેને મહોરા તરીકે વાપર્યો અને પછી છકી ગયેલો એ માણસ ન કોંગ્રેસના કે ન અકાલી દળના કહ્યામાં રહ્યો. સત્તાનો ચસકો આવા મહોરાને પણ વહેલોમોડો લાગ્યા વગર રહે ખરો?
બીજો પણ એક સવાલ થાય છેઃ ઇન્દિરા
ગાંધીએ અમૃતસરના સુવર્ણમંદિર પર જે ગોલંદાજી
અને ગોળીબારો કરાવ્યા એ કૃત્ય તેમણે દિલ્હીની
જુમ્મા મસ્જિદમાં આશરો લેનાર આતંકખોરોને ખદેડી
દેવા માટે કર્યું હોત ખરૂં? અહીં સરખામણી કરવાની
વાત નથી, છતાં વિચાર આવે છે કે શીખોની ‘વૉટ
બેન્ક' નાની હોય એ તેમનો વાંક? વિશેષ મહત્ત્વ
‘વૉટ બેન્ક’નું કે રાષ્ટ્રનિર્માણમાં શીખોએ આપેલા
બહુમૂલ્ય યોગદાનનું? નિર્માણની વાત જવા દો.
રાષ્ટ્રની સ્થાપનામાં શીખોનો ફાળો દર્શાવતા કેટલાક
આંકડા તપાસી લોઃ
ભારતની આઝાદી માટે ક્રાંતિકારી તરીકે
લડીને મરી ફીટેલા ૨,૧૮૫ શહીદોમાં ૧,૫૫૭
શીખ હતા. આંદામાનમાં કાળાપાણીની સજા વેઠનાર
સ્વાતંત્ર્યવીરોમાં ૨,૧૪૭ શીખ હતા. ભારતની અંગ્રેજ સરકારે અદાલતમાં કેસ ચલાવી જે ૧૨૭ સરફરોશોને ફાંસીના માંચડે લટકાવ્યા તેમાં ૯૨ શીખ હતા. જલિયાંવાલા બાગના હત્યાકાંડ પહેલાં, હત્યાકાંડ દરમ્યાન અને હત્યાકાંડ પછી સમગ્ર પંજાબમાં જે ૧,૨૦૨ ભારતીયોને ગોળીએ દેવાયા
તેમાં ૭૯૯ શીખ હતા. પાકિસ્તાન સામેનાં ચાર અને ચીન સામેના એક યુદ્ધમાં શીખોના બલિદાનોની તો લાંબી કહાણી છે, જે અનેક લોકો ભૂલી ગયા છે.