Love at first sight - 18 in Gujarati Love Stories by Sanjay Sheth books and stories PDF | સ્નેહ ની ઝલક - 18

Featured Books
Categories
Share

સ્નેહ ની ઝલક - 18

મારી દુનિયા

વરસાદ પછીની એક મીઠી સાંજ હતી. અમદાવાદની ગલીઓ ભીની હતી અને દીવાઓની રોશની પાણીમાં ઝળહળી રહી હતી. સહજ વાંચનાલય ના લાકડાના બારણાં ધીમેથી ખૂલ્યા. અંદર શાંતિ હતી, જૂના પુસ્તકોની સુગંધ અને પાનાંઓની સરસરાટ વચ્ચે એક અનોખી શાંતિ છવાઈ હતી.

આરવ હંમેશાની જેમ કવિતાની શેલ્ફ સામે ઊભો હતો. એનો સ્વભાવ જ એવો હતો કે લોકો કરતાં શબ્દો સાથે વધારે નજીક હતો. જીવનમાં બધું હતું, સારો વ્યવસાય, ઓળખાણ, મિત્રો, પરંતુ અંદર ક્યાંક એક ખાલીપો હતો. જાણે હૃદય કોઈ અજાણી રાહ જોઈ રહ્યું હોય.

બારણું ફરી ખૂલ્યું.

પવન સાથે સફેદ દુપટ્ટો અંદર સરક્યો. આરવે નજર ઉઠાવી અને એ ક્ષણે સમય ધીમો થઈ ગયો.

એ હતી મિરા.

ભીના વાળ ખભા પર ઢળી રહ્યા હતા. આંખોમાં અજબ શાંતિ અને અંદર ક્યાંક ઊંડો સાગર. એ સીધી કાઉન્ટર પાસે ગઈ અને હળવેથી બોલી, મને આધુનિક ગુજરાતી કવિતાની કોઈ સારી પુસ્તક જોઈએ.

લાઇબ્રેરીયને શેલ્ફ તરફ ઈશારો કર્યો. મિરા એ જ શેલ્ફ પાસે આવી જ્યાં આરવ ઊભો હતો.

થોડી ક્ષણ મૌન રહ્યું. પછી મિરાએ એક પુસ્તક હાથમાં લઈને પૂછ્યું, આ સારું છે?

આરવે પુસ્તક જોયું અને કહ્યું, જો તમે શબ્દોમાં લાગણીઓ શોધતા હો તો હા.

મિરા હળવેથી સ્મિતી. લાગણીઓ શબ્દોમાં નથી મળતી. શબ્દો તો ફક્ત રસ્તો છે.

આરવ થોડી ક્ષણ માટે એની આંખોમાં જોઈ રહ્યો. તો લાગણીઓ ક્યાં મળે?

ક્યારેક કોઈની નજરમાં, મિરાએ જવાબ આપ્યો.

એ ક્ષણે આરવને અંદર કંઈક બદલાતું અનુભવાયું. જાણે એ જ નજર માટે એ વર્ષોથી રાહ જોતો હતો.

આગળના દિવસોમાં મિરા નિયમિત આવવા લાગી. ક્યારેક કવિતા વાંચતી, ક્યારેક પોતાની નાની ડાયરીમાં કંઈક લખતી. એક સાંજે આરવે હિંમત કરીને પૂછ્યું, તમે હંમેશા શું લખો છો?

મિરાએ ડાયરી બંધ કરી અને કહ્યું, જે મનમાં અટકી જાય એ. અને તમે?

હું પણ લખું છું, આરવ બોલ્યો, પણ બતાવવાનું ડર લાગે છે.

ડર કેમ?

કારણ કે જે લખું છું એમાં હું ખુદ ખુલ્લો પડી જાઉં છું.

મિરાએ પોતાની ડાયરી એની સામે મૂકી. પછી આ વાંચો. કદાચ તમે મને સમજી શકો.

આરવે પાનું ખોલ્યું. તેમાં લખેલું હતું કે પ્રેમ કોઈ સોદો નથી. પ્રેમ તો અંતરમાં થતી આરાધના છે.

એણે માથું ઉઠાવ્યું. આ તમે લખ્યું છે?

હા, મિરાએ કહ્યું. મને હંમેશા લાગ્યું છે કે સાચો પ્રેમ મળે તો એ પ્રાર્થના બની જાય.

અને જો ન મળે?

તો એ પ્રતીક્ષા બની રહે.

આ શબ્દો આરવના હૃદયમાં ઊંડે ઉતરી ગયા. જ્યારેથી એણે મિરાની ઝલક જોઈ હતી ત્યારથી એની દરેક પ્રાર્થના મિરાનું નામ બની ગઈ હતી. શ્વાસોમાં વસંત આવી ગઈ હતી અને જીવન અચાનક ગાન બની ગયું હતું.

એક સાંજ બંને નદીકિનારે બેઠા હતા. આકાશમાં સૂર્ય ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો હતો.

આરવ, મિરાએ ધીમેથી પૂછ્યું, તને ક્યારેય લાગ્યું છે કે કોઈ આવી જશે અને તારી આખી દુનિયા બદલી નાખશે?

આરવે એની આંખોમાં જોઈને કહ્યું, હા. અને કદાચ એ ક્ષણ આવી ગઈ છે.

મિરા થોડું ગભરાઈ ગઈ. એનો અર્થ?

જ્યારે થી તારી ઝલક આંખે ઉતરી છે, મારી દરેક પ્રાર્થના તારો નામ બની ગઈ છે.

મિરાની પાંપણો નમી ગઈ. મને ડર લાગે છે, એણે સ્વીકાર્યું.

કેમ?

કોઈને દિલથી સ્વીકારી લેવાનો અને પછી એ ગુમ થઈ જવાનો.

આરવે ધીમેથી કહ્યું, પ્રેમમાં ખાતરી નથી હોતી, પરંતુ વિશ્વાસ હોય છે. જો વિશ્વાસ સાચો હોય તો અંતર પણ હારી જાય.

મિરાએ ધીમેથી હાથ આગળ વધાર્યો. બંનેના હાથ મળ્યા. એ સ્પર્શમાં કોઈ ઉતાવળ નહોતી, ફક્ત શાંતિ અને એક નિર્ભય સ્વીકાર હતો.

સમયે એક નવી કસોટી મૂકી. આરવને મુંબઈમાં મોટો પ્રોજેક્ટ મળ્યો. એક વર્ષ માટે ત્યાં જવું જરૂરી હતું.

જ્યારે એણે મિરાને કહ્યું ત્યારે મિરા થોડા સમય માટે ચૂપ રહી. પછી એણે પૂછ્યું, અંતર સહન કરી શકીશું?

આરવે જવાબ આપ્યો, હાથમાં હાથ નહીં હોવા છતાં હૃદયથી હૃદયનો મિલન અવિરત રહી શકે છે.

વચન? મિરાએ પૂછ્યું.

વચન, આરવે કહ્યું.

મુંબઈમાં દિવસો વ્યસ્ત હતા, પરંતુ દરેક રાતે આરવ બાલ્કનીમાં ઊભો રહી મિરાની સાથે લાંબી વાતો કરતો.

આજે શું કર્યું? એ પૂછતો.

બાળકો સાથે વાર્તા કહી, મિરા હસતી બોલતી.

કઈ વાર્તા?

એક એવી છોકરીની જેને એક દિવસ પોતાની દુનિયા મળી ગઈ.

અને એ દુનિયા કોણ?

તું, મિરા ધીમેથી બોલતી.

આ શબ્દો સાંભળીને અંતર થોડું ઓગળી જતું.

પરંતુ જીવન હંમેશા સરળ નથી રહેતું. એક રાતે મિરાનો અવાજ કંપતો હતો. મમ્મી ફરી ગંભીર છે.

આરવ તરત અમદાવાદ આવ્યો. હોસ્પિટલની ગેલેરીમાં મિરા એકલી બેઠી હતી. આંખોમાં અવિશ્વાસ અને થાક.

હું આવી ગયો, આરવે કહ્યું.

મિરા ઊભી થઈ અને એની છાતી પર માથું રાખીને રડી પડી. હવે મને ડર નથી.

કેમ? આરવે પૂછ્યું.

કારણ કે હવે હું એકલી નથી.

તે રાતે બંને હોસ્પિટલની છત પર બેઠા.

આ કયો સંબંધ છે? મિરાએ પૂછ્યું.

શબ્દોથી પરે, આરવે કહ્યું.

દુનિયા એને પ્રેમ કહે છે, મિરાએ ધીમેથી કહ્યું.

પણ હું એને મારી દુનિયા કહું છું, આરવે જવાબ આપ્યો.

થોડા દિવસો પછી મિરાની મમ્મી શાંતિથી ચાલ્યા ગયા. મિરા તૂટી ગઈ.

હવે કોઈ નથી, એ રડી.

આરવે એને ગળે લગાવી કહ્યું, હું છું અને હંમેશા રહીશ.

તું પાછો મુંબઈ જશે? મિરાએ પૂછ્યું.

ના. હવે મારી દુનિયા અહીં છે.

થોડા મહિનાઓ પછી બંને ફરી એ જ લાઇબ્રેરીમાં ઊભા હતા.

યાદ છે પહેલી વાર અહીં મળ્યા હતા? મિરાએ પૂછ્યું.

હા. અને એ દિવસથી ઋતુઓ બદલાઈ ગઈ.

સૂકા દિવસોમાં સુગંધ ભળી ગઈ, મિરાએ હસીને કહ્યું.

આરવે એની હાથ પકડી. હવે શબ્દોની જરૂર નથી. ચાલ આ સંબંધને જીવન બનાવી દઈએ.

મિરાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. પ્રેમ ક્યારેય સોદો નહીં બને ને?

ક્યારેય નહીં. હંમેશા આરાધના રહેશે.

લગ્ન સાદાઈથી થયું. જીવનમાં મતભેદ પણ આવ્યા, મૌન પણ આવ્યું, પરંતુ એ મૌનમાં પણ અર્થ હતો.

એક રાતે મિરાએ પૂછ્યું, જો કાલે તું ન હોય તો?

આરવે એની કપાળ પર ચુંબન કર્યું. તો પણ હું તારા હૃદયમાં રહીશ. પ્રેમ શરીરથી નહીં, આત્માથી જોડાય છે.

મિરાએ એની ખભા પર માથું રાખ્યું. તું મારી પ્રાર્થનાનો ઉત્તર છે.

અને તું મારી દરેક ઈચ્છાની સાકાર છબી.

બહાર વરસાદ વરસી રહ્યો હતો. અંદર બે આત્માઓ એક જ શાંતિમાં ઓગળી રહી હતી.

જો આ લાગણીને નામ આપવું હોય તો શબ્દ ઓછા પડે અને અર્થ વધી જાય.

દુનિયા એને પ્રેમ કહે છે.

પણ તેઓ એને પોતાની દુનિયા કહેતા હતા.

અને એ દુનિયા ક્યારેય અધૂરી રહી નહીં.

એટલે જ કવિ કહે છે કે 

જ્યારેથી તારી ઝલક આંખે ઉતરી,
મારી દરેક પ્રાર્થના તારો નામ જ બની ગઈ.
શ્વાસોમાં વસંત ઉતરી આવી,
જીંદગી અચાનક ગાન બની ગઈ.

તુ સામે આવે ત્યારે સમય થંભી જાય,
ધડકન ધીમે ધીમે તારો જ સાદ ગાય.
તારી નમી પાંપણોના સાયામાં,
મારા સપનાઓને ઘર મળી જાય.

તું હસે તો સવાર ઉજળી પડે,
તું ચૂપ રહે તો પણ અર્થ મળે.
મારી દુનિયા હવે નાની નથી રહી,
તેમાં ફક્ત તારી જ દિશા ફેલાય છે.

આ કયો સંબંધ છે? જે છે શબ્દોથી પરે
આ કયું આકર્ષણ છે બંધનોથી ઉપર?
હાથમાં હાથ નહીં હોવા છતાં,
હ્રદયથી હ્રદયનો મિલન અવિરત રહે.

તારા આવવાથી ઋતુઓ બદલાઈ ગઈ,
સૂકા દિવસોમાં સુગંધ ભળી ગઈ.
મારી પ્રાર્થનાનો ઉત્તર તું જ તો,
મારી દરેક ઈચ્છાની સાકાર છબી તું જ તો.

પ્રેમ કોઈ સોદો નથી,
પ્રેમ તો અંતરમાં થતી આરાધના છે.
તું સાથે હોવાની અનુભૂતિ જ,
મારા જીવનની સાચી સાધના છે.

જો આ લાગણીને નામ આપવું હોય,
તો શબ્દ ઓછા પડે અર્થ વધી જાય.
કારણ કે તને જોઈને જે થાય છે,
તેને દુનિયા “પ્રેમ” કહે છે…
પણ હું તેને “મારી દુનિયા” કહું છું. ❤️