Sanatan Dharmni Vaato - 23 in Gujarati Mythological Stories by Siddharth Maniyar books and stories PDF | સનાતન ધર્મની વાતો - ભાગ 23 - આધ્યાત્મિક વિજ્ઞાન

Featured Books
Categories
Share

સનાતન ધર્મની વાતો - ભાગ 23 - આધ્યાત્મિક વિજ્ઞાન

સંસ્કૃત અને વેદોમાં છુપાયેલું આધુનિક જીવનનું વિજ્ઞાન

જાણો કેવી રીતે મંત્રોના સ્પંદનો માનસિક રોગો મટાડે છે?

ભારતની નાસ્તિકો પ્રત્યેની ઉદારતા અને સંસ્કૃત ભાષાની અજાયબીઓ

ભારતવર્ષ હજારો વર્ષો સુધી વિશ્વગુરુ તરીકે સ્થાપિત રહ્યું છે. આ કોઈ ભાવનાત્મક વાક્ય નથી, પણ એક કઠોર વાસ્તવિકતા છે. એવો સમય હતો જ્યારે વિદેશીઓ દરિયો અને રણ ખેડીને જીવના જોખમે માત્ર જ્ઞાન મેળવવા ભારત આવતા. જ્ઞાનની તૃપ્તિ ભારતને ક્યારેય થઈ નથી, અને ભારત હંમેશા સંશોધનની પવિત્ર ભૂમિ રહ્યું છે. તાજેતરમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન અને આધુનિક યુગના ભાષ્યકાર પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ એક વિશેષ પોડકાસ્ટમાં ભારતીય સંસ્કૃતિના એવા રહસ્યો ખોલ્યા છે, જે દરેક ભારતીય માટે ગૌરવ અને જ્ઞાનનું ભાથું પૂરું પાડે છે. ચાલો, આ ગહન સંવાદની તમામ વિગતોને વિસ્તારપૂર્વક સમજીએ.

ભારત : શિક્ષા અને સંશોધનનો સનાતન ટાપુ

સ્વામીજીએ ભારતને લેન્ડ ઓફ એજ્યુકેશન તરીકે ઓળખાવતા એક અદભૂત પ્રસંગ ટાંક્યો. છાંદોગ્ય ઉપનિષદમાં ઉલ્લેખ છેકે, નારદજી જ્યારે સનતકુમાર પાસે ભણવા જાય છે, ત્યારે તેઓ ૨૨ જેટલી વિદ્યાઓ શીખવતા હતા. જેમાં નક્ષત્ર વિદ્યા, સર્પ વિદ્યા અને દેવ વિદ્યાનો સમાવેશ થાય છે. તેના જાણકાર હોવા છતાં કહે છેકે, હું આટલું ભણ્યો છું છતાં મારા અંતરમાં શોક છે, મને શાંતિ આપો. સ્વામીજી સમજાવે છેકે, ભારત એવો દેશ છે જ્યાં ભણેલા લોકો પણ ભણવા જાય છે. અહીં શિક્ષણનો હેતુ માત્ર ડિગ્રી મેળવવાનો નથી, પણ દુઃખ મુક્તિ અને ભૂમા એટલે કે અનંત સુખની પ્રાપ્તિ છે. જે જ્ઞાન શાંતિ ન આપે તે માત્ર માહિતી છે, વિદ્યા નથી.

નાસ્તિકોનો સ્વીકાર : ભારતની લોકશાહી અને ઉદારતા

સ્વામીજીએ ભારતની પવિત્રતા અને ઉદારતા વિશે અત્યંત મહત્વની વાત કરી. તેમણે જણાવ્યું હતું કે, ભારત જ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેણે નાસ્તિકો એટલે કે જે ભગવાનમાં નથી માનતા તેનો ક્યારેય સંહાર નથી કર્યો, પણ તેમનો સ્વીકાર કર્યો છે. આપણા શાસ્ત્રોમાં નાસ્તિકોના વિચારોને પણ એક પક્ષ તરીકે સ્થાન અપાયું છે. વાદ એટલે કે તંદુરસ્ત ચર્ચાની પરંપરા ભારતની ઓળખ છે. શાસ્ત્રાર્થ એ કોઈને હરાવવા માટે નહીં, પણ સત્યને વધુ તેજસ્વી બનાવવા માટેની પ્રક્રિયા છે. ભારતીય જ્ઞાન ન્યાય પ્રક્રિયા આજે પણ વિશ્વના ન્યાયાલયો માટે આદર્શ છે.

વેદોની સાચવણી : ઈન્સ્ટેઈનનું સૂત્ર અને શ્રુતિ પરંપરા

વેદો કેવી રીતે સચવાયા તે સમજાવતા સ્વામીજીએ વિજ્ઞાનનો સહારો લીધો. તેમણે કહ્યું હતું કે, જેમ આઈન્સ્ટાઈનના ઉર્જાના સૂત્ર E=mc² માં જો સીનો વર્ગ એટલે કે સ્ક્વેર ભૂલી જવાય તો આખું સૂત્ર ખોટું પડે, તેમ વેદના મંત્રોમાં સ્વર અને ઉચ્ચારણનું ગણિત અત્યંત સચોટ છે. હજારો વર્ષો સુધી જ્યારે લખવાની પ્રથા નહોતી, ત્યારે ઋષિઓએ શ્રુતિ પરંપરા દ્વારા આ જ્ઞાન સાચવ્યું. કાશ્મીરનો બ્રાહ્મણ અને કન્યાકુમારીનો વિદ્વાન જો એક જ વેદની શાખાના મંત્રો બોલે, તો બંનેનો લય અને સમય એક સેકન્ડના પણ તફાવત વગર સરખો હોય છે. આ એક અકલ્પનીય એન્જિનિયરિંગ છે.

મંત્ર વિજ્ઞાન : સ્પંદનોથી સ્મરણ શક્તિનો વિકાસ

મંત્રો માત્ર શબ્દો નથી, પણ તે ચોક્કસ આવર્તન એટલે કે ફ્રિકવન્સી પર કામ કરતા સ્પંદનો છે. સ્વામીજીએ જણાવ્યું હતું કે, સંસ્કૃતના શ્લોકોના ઉચ્ચારણથી જે વાઈબ્રેશન પેદા થાય છે તે આપણા શરીરના સાત ચક્રો અને મગજના કોષો પર સીધી અસર કરે છે. જો કોઈ બાળકને યાદ રાખવામાં મુશ્કેલી પડતી હોય, તો તેને ચોક્કસ મંત્રોનો જપ કરાવવામાં આવે તો તેની એકાગ્રતા અને સ્મરણ શક્તિમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ઓમનો ઉચ્ચાર એ માત્ર અવાજ નથી, પણ તે સાર્થક ધ્વનિ છે જે મુક્તિનો માર્ગ ખોલે છે.

ઈમોશન્સ વિરુદ્ધ સ્કિલ્સ : આધુનિક જીવનનો પડકાર

આજના યુવાનો માટે સ્વામીજીએ ગીતાનો સૌથી મોટો પાઠ આપ્યો. અર્જુન વિશ્વનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર હતો, તેની પાસે અદભૂત સ્કિલ્સ હતી. પરંતુ યુદ્ધના રણમેદાનમાં તેના ઈમોશન્સ કાબૂમાં ન રહ્યા એટલે તેના હાથમાંથી ગાંડીવ ધનુષ પડી ગયું. સ્વામીજી કહે છેકે, આજના યુગમાં પણ આપણી પાસે ટેકનોલોજી અને ડિગ્રીઓ તો ઘણી છે, પણ જો આપણે મન પર કાબૂ નહીં મેળવીએ તો ગંભીર પરિસ્થિતિમાં આપણું ધનુષ પણ પડી જશે. ગીતા એ લાઈફ મેનેજમેન્ટનું મેન્યુઅલ છે જે આપણને વિષાદમાંથી પ્રસાદ તરફ લઈ જાય છે.

પૂજ્ય સ્વામીનું ભગીરથ કાર્ય અને પૂરનો પ્રસંગ

સ્વામીજીએ આધુનિક ઇતિહાસમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે. તેમણે ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્ર પર સ્વામિનારાયણ ભાષ્ય લખ્યું છે. ૨૦૦૭માં સારંગપુરમાં આવેલા ભયાનક પૂરનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, મારી ૧૨ વર્ષની મહેનત અને સાડા સાત હજાર પાનાની હાથે લખેલી નોટ્સ પાણીમાં વહી ગઈ હતી. હું જ્યારે નિરાશ હતો, ત્યારે પ્રમુખસ્વામી મહારાજે માત્ર એક ફોન કોલ દ્વારા મને હિંમત આપી હતી. તેમણે મને કહ્યું હતું કે, જે નહોતું લખવાનું એ ડૂબી ગયું, હવે ભગવાનને યાદ કરીને લખવા માંડ. અને તે શરણાગતિના બળે મને કોઈ પણ સંદર્ભ વગર ફરીથી આખું ભાષ્ય લખી કાઢ્યું.

શ્રદ્ધા : જીવનની અનિવાર્યતા

ઘણા લોકો તર્ક વગર કંઈ સ્વીકારતા નથી. સ્વામીજીએ સુંદર રીતે સમજાવ્યું હતું કે, આપણું આખું જીવન શ્રદ્ધા પર ટકેલું છે. જો આપણે હોટલમાં જમતી વખતે એવો તર્ક કરીએ કે રસોઈયાએ ઝેર નાખ્યું હશે તો? જો આપણે રસ્તા પર ચાલતી વખતે એવો તર્ક કરીએ કે સામેની ગાડી ઠોકર મારશે જ તો? આપણે વિશ્વાસથી જીવીએ છીએ. તેવી જ રીતે આપણા ઋષિમુનિઓ જેઓ મહાન વૈજ્ઞાનિકો હતા, તેમણે આપેલી જીવનશૈલી અને ૧૬ સંસ્કારો પર શ્રદ્ધા રાખવી એ આપણા જ હિતમાં છે.

સંસ્કૃત : બગાડી શકાય પણ સુધારી ન શકાય તેવી ભાષા

સંસ્કૃતની પૂર્ણતા વિશે સ્વામીજીએ ચોંકાવનારી વાત કરી. તેમણે કહ્યું હતું કે, સંસ્કૃત એટલી પરફેક્ટ ભાષા છે કે તેને તમે સુધારી ન શકો, માત્ર બગાડી શકો. જેમ કે કૃષ્ણએ શુદ્ધ અને અંતિમ ઉચ્ચાર છે, તેને બગાડીને આપણે કર્શન કહી શકીએ પણ કૃષ્ણથી વધુ શુદ્ધ ઉચ્ચાર બીજો કોઈ હોઈ શકે નહીં. આજે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના ૧૫,૦૦૦થી વધુ બાળકો જેમાં ૨-૩ વર્ષના બાળકો પણ છે, તેઓ સંસ્કૃતના શ્લોકો અસ્ખલિત રીતે બોલી શકે છે. આ સાબિત કરે છેકે, સંસ્કૃત એ મૃત ભાષા નથી, પણ તે આપણા જનીનોમાં વસેલી અમર ભાષા છે.

નિષ્કર્ષ : જાગૃત ભારતનો શંખનાદ

સ્વામીજીએ અંતે સંદેશ આપ્યો છેકે, આપણે ભારતને માત્ર જમીનનો ટુકડો ન સમજવો જોઈએ. અહીંની નદીઓ, પર્વતો અને વૃક્ષોમાં પણ દિવ્યતા જોવાની આપણી સંસ્કૃતિ છે. ઈશા વાસ્યમ ઇદમ સર્વમ - સમગ્ર સૃષ્ટિમાં પરમાત્માનો વાસ છે. આજના યુગમાં યુવાનોએ સંસ્કૃત શીખવું જોઈએ કારણ કે તે આપણા ભવ્ય વારસાની ચાવી છે. જો આપણે આપણા મૂળિયાં સાથે જોડાયેલા રહીશું, તો જ આપણી સંસ્કૃતિ અને આપણું અસ્તિત્વ સુરક્ષિત રહેશે.