Sanatan Dharmni Vaato - 12 in Gujarati Mythological Stories by Siddharth Maniyar books and stories PDF | સનાતન ધર્મની વાતો - ભાગ 12 - કૈલાસ-માનસરોવરનું રહસ્ય

Featured Books
Categories
Share

સનાતન ધર્મની વાતો - ભાગ 12 - કૈલાસ-માનસરોવરનું રહસ્ય

તિબેટના લામાઓની સાધના અને સ્વામી યોના અદ્ભુત અનુભવો

હિમાલયની પર્વતમાળાઓ, તિબેટના અજાણ્યા પ્રદેશો અને મહાવતાર બાબાજીની ભૂમિ જ્ઞાન ગંજના રહસ્યો પર પ્રકાશ પાડતો આ પોડકાસ્ટ એક સામાન્ય મુસાફરીની વાત નથી, પરંતુ આધ્યાત્મિક વિશ્વની એક મિસ્ટિકલ યાત્રા છે. સ્વામી યોએ તેમના પોતાના અંગત અનુભવોના આધારે એવા સત્યો પર વાત કરી છે, જેને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને આસ્થાના સમન્વયથી જ સમજી શકાય.

સ્વામી યોના મતે, હિમાલય એ હજારો વર્ષોથી ઋષિ-મુનિઓની તપસ્યાનું કેન્દ્ર રહ્યું છે. તેઓ આ સ્થળના આધ્યાત્મિક મહત્વને સમજાવવા માટે એક રસપ્રદ તર્ક આપે છે. તેમને જણાવ્યું હતું કે, જેમ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે આઈસીયુ દર્દીને ઝડપથી સાજા થવામાં મદદ કરે છે, તેમ હિમાલયનું વાતાવરણ તપસ્યા માટે આદર્શ છે. જેમ આઈસીયુમાં પિન ડ્રોપ સાયલન્સ અને કૂલિંગ ઇફેક્ટ હોય છે, તે જ રીતે પ્રાચીન સમયમાં ઋષિઓ ગરમી ઉત્પન્ન કરતી તીવ્ર સાધનાઓ એટલે કે મંત્રોની શક્તિથી થતી હીટિંગ પ્રોસેસ માટે ઠંડા ઉત્તર ભારતના ઉત્તરાખંડ, હિમાચલ, હિમાલયને પસંદ કરતા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હિમાલય પર કોઈ મંદિર કે મૂર્તિ ન હોવા છતાં, મનને એકાગ્ર કરવું ખૂબ જ સરળ છે. આ સ્થળ હજારો વર્ષોની ઋષિ-મુનિઓની ઊર્જાના કારણે પવિત્ર અને ધ્યાન માટે પ્રેરક છે. સ્વામી યો શાસ્ત્રોનો ઉલ્લેખ કરીને તિબેટનું રહસ્ય ખોલે છે. તિબેટને શાસ્ત્રોમાં ત્રિપુ તરીકે ઓળખવામાં આવે છે. પંડિત સાતવળેકરજી જેવા મહાન વિદ્વાનોએ સાયન્ટિફિક રીતે લખ્યું છેકે, ત્રિપુ એ દેવતાઓનું સ્વર્ગ છે. દેવતાઓ એટલે એવા શક્તિશાળી રાજાઓ જે પૃથ્વીના રાજાઓ દ્વારા અનાજ, મધ, અને ઘીનો શુલ્ક મેળવતા હતા, કારણ કે તિબેટમાં ખેતી શક્ય નથી. મહાભારતમાં અર્જુન સ-દેહ (શરીર સાથે) સ્વર્ગમાં ગયા હોવાનો જે ઉલ્લેખ છે, તેનો સાયન્ટિફિક અર્થ એછેકે, તેઓ સ્વર્ગના નિવાસસ્થાન ત્રિપુ (તિબેટના ઊંચા પહાડી પ્રદેશો) માં ગયા હતા.

તેમણે ઉમેર્યું હતું કે, કૈલાસ તિબેટમાં આવેલું છે, અને મહાદેવનું વાહન નંદી નહીં પણ યાક છે. કૈલાસની યાત્રામાં યાકનો ઉપયોગ થાય છે અને મંદિરોમાં વપરાતો ચમર પણ યાકની પૂંછડીમાંથી બને છે. તિબેટમાં સાધના કરવાની સ્વામી યોની ઈચ્છા હતી. તેઓ માને છેકે, તેઓ ત્યાં ગયા નહોતા, પરંતુ તેમને બોલાવવામાં આવ્યા હતા. મોનેસ્ટ્રીના લામાઓએ સ્વામીજીને કહ્યું હતું કે, તેઓ ખાવા માટે નહીં, પણ તપસ્યા માટે જીવે છે. તેમનો આહાર બહુ જ વિશિષ્ટ હતો. જેમાં ગરમ પાણી, મીઠું, યાકના દૂધમાંથી બનેલું ઘી, અને ગ્રીન ટીનો સમાવેશ થાય છે. લામાઓના ખોરાકમાં યાકનું માંસ પણ હતું, જેને તેઓ પ્રોટીન માટે, શરીરને ટકાવી રાખવા માટે, અને પ્રસાદ સમજીને ગ્રહણ કરતા હતા.

લામાઓ સાથેના તેમના અનુભવ અંગે તેમણે વધુ માહિતી આપી હતી. સ્વામી યોને શરૂઆતના બે દિવસ ખૂબ મુશ્કેલ લાગ્યા, કારણ કે યાકના ઘીની વાસથી ઊબકા આવતા હતા અને તેમણે ક્યારેય મીઠાવાળી ચા પીધી નહોતી. તેમને મીઠાઈઓ પ્રિય હતી, પરંતુ ત્યાં મીઠાઈનો સદંતર અભાવ હતો. લામાઓએ તેમને શીખવ્યું હતું કે, મન પર કાબૂ કરો. આ નાની-નાની બાબતો (ડુંગળી, લસણ, સ્વાદ) પર ન અટકો. મોટા લક્ષ્યો રાખો.

લામાઓ સાથેના અનુભવ અંગે તેમણે જણાવ્યું હતું કે, ત્રણ દિવસના સંઘર્ષ પછી, મને જે આનંદ અને અનુભૂતિ મેળવી તેને શબ્દોમાં વ્યક્ત કરવી અશક્ય છે. ત્યાંના સૂર્યોદય, સૂર્યાસ્ત, વાદળોના રંગ અને રાતના પહરની શાંતિની એક પણ ફ્રેમ તેમના જીવનમાં ફરી રિપીટ થઈ નહોતી. એક ક્ષણ માટે આંખ બંધ કરીને ધ્યાન કર્યું તો તે એક ક્ષણ વર્ષોના આનંદ સમાન લાગી.

લામાઓએ મને શીખવ્યું હતું કે, સાધના માટે કોઈ નિયમો, પેન-પેપર કે ઇન્ટેલેક્ચ્યુઅલ વસ્તુઓ ન રાખો. પ્રકૃતિના સંગીત સાથે તાલ મિલાવો. અઘોર બનો, એટલે કે જે અસહજ છે (ગોર-ઘનઘોર) તેને હટાવીને સહજ થઈ જાવ.

હિમાલયની પર્વતમાળાઓમાં સાધનાનું એટલું બળ છે કે અહીં રહસ્યમય અનુભવો થવા સામાન્ય છે. સ્વામી યોએ ઉદાહરણ આપ્યું હતું કે, કુંભમાં એક મહાત્માનું કમંડળ દિલ્હીમાં રહી ગયું હતું. તેઓ ધ્યાન પર બેઠા અને સૂક્ષ્મ શરીરની ગતિથી દિલ્હી ગયા, કમંડળ લાવ્યા અને પાછા પ્રયાગરાજમાં તે કમંડળ પ્રગટ થયું હતું.

દલાઈ લામા અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, આ ઇતિહાસનું એક મોટું સત્ય છેકે, જ્યારે દલાઈ લામા તિબેટમાંથી બહાર નીકળી રહ્યા હતા અને ચાઇનીઝ આર્મી પીછો કરી રહી હતી, ત્યારે તેમના ઉપર એક ચોક્કસ સ્તરના વાદળો છવાઈ ગયા, જેના કારણે આર્મી તેમને જોઈ શકી નહીં અને તેઓ સુરક્ષિત ભારતમાં આવી શક્યા. ઓશોએ પણ આ સત્યનો સ્વીકાર કર્યો હતો.

તેમણે ધુમા જણાવ્યું હતું કે, યક્ષ, કિન્નર, ગંધર્વ, ચારણ, વિદ્યાધર, નાગ જેવી યોનીઓનું અસ્તિત્વ છે. સ્વામી યોએ પોતે ત્રણ-ચાર પરિસ્થિતિઓનો અનુભવ કર્યો છે અને તેમને વિશ્વાસ છે કે આ શક્તિઓ હાજર છે. જેમ દહીંમાં બેક્ટેરિયા જોવા માટે માઇક્રોસ્કોપ જોઈએ, તેમ સત્યને અને ધર્મના સાર તત્ત્વને સમજવા માટે સૂક્ષ્મ દ્રષ્ટિ અને અહંકારની સૂક્ષ્મતા જરૂરી છે. મા આનંદમયી માતા અને બ્રહ્માનંદજી જેવા સંતોએ ભીડમાં પણ હનુમાનજીના દર્શન કર્યા હોવાના દાખલા સ્વામીજી આપે છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાના પુસ્તકોમાં છપાતા એક ફોટાની કહાની સ્વામીજીએ જણાવી હતી. તે ફોટો ભૂલથી એક કંકાલ જેવા તપસ્વીનો માનવામાં આવ્યો, પણ તેની વાસ્તવિકતા એ હતી કે પૂનાના ટ્રેકર્સના કેમેરામાં શૂટિંગ સ્ટારનો ફોટો લેતી વખતે એક મહાઋષિ પાછળ ઊભા હતા, જે કેમેરામાં કેદ થઈ ગયા હતા, પણ જોનારા તેમને જોઈ શક્યા નહોતા.

સેટેલાઇટથી અદ્રશ્ય નગરીની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જ્ઞાન ગંજ એક એવી રહસ્યમય નગરી છે, જેને આજ સુધી સેટેલાઇટ પણ પકડી શક્યા નથી. ઓશો રજનીશ પણ જ્ઞાન ગંજની વાસ્તવિકતાનો સ્વીકાર કરતા હતા. સ્વામી યો મહાવતાર બાબાજીને ઋષિ વશિષ્ઠના પ્રતિનિધિ માને છે, જે આધ્યાત્મિક જગતમાં નીચલા સ્તરની વ્યવસ્થા (ગવર્નન્સ) માટે મોટો રોલ અદા કરે છે. બાબાજીની ભૂમિના અનુભવને શબ્દોમાં વર્ણવવો અશક્ય છે. તે એક એવી ચાંદનીની રોશની, એવી સુગંધ અને એવું વાતાવરણ હતું, જેનો અમુક અંશ જ વર્ણવી શકાય.

સ્વામી યો અંતે આધ્યાત્મિક યાત્રાના મૂળભૂત સત્યને સમજાવે છે. તેમણે જણાવ્યું હતું કે, સ્પિરિચ્યુઆલિટી એ ચમત્કાર નથી. ચમત્કારો (સિદ્ધિઓ) એ માત્ર માઇલસ્ટોન છે. જેમ દિલ્હી જતા રસ્તા પર મુંબઈથી દિલ્હીનું અંતર દર્શાવતા પથ્થરો મળે છે, તેમ આધ્યાત્મિક પ્રગતિમાં આ અનુભવો માત્ર ઇન્ડિકેશન છે કે તમે યોગ્ય માર્ગ પર છો. આ અનુભવોમાં (સિદ્ધિઓમાં) અટકી કે લલચાઈ ન જવું, પરંતુ તેનાથી આગળ વધીને પરમાત્માના પૂર્ણ સ્વરૂપને પામવું એ જ અંતિમ ધ્યેય છે.

તેમણે જણાવ્યું હતું કે, સનાતન ધર્મના ગ્રંથો, ખાસ કરીને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું વાંચન શરૂ કરવું. વસ્તુઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જાણો, યોગ્ય ગુરુના આશીર્વાદ લો અને પ્રગતિ કરતા રહો, કારણ કે, આ જનમમાં નહિ તો બીજા જનમમાં, સાધના તો કરવી જ પડશે. પરમાત્મા સત્ય છે, અને તે પરમાત્માના પૂર્ણ સ્વરૂપને પામવું, તેમાં એકાગ્ર અને એકાત્મ થઈ જવું, એ જ મનુષ્ય જીવનની યાત્રાનો સર્વોચ્ચ હેતુ છે.

આમ, સ્વામી યો દ્વારા હિમાલયની ભૌગોલિક અને આધ્યાત્મિક વાસ્તવિકતાઓ, તિબેટના લામાઓના અઘરા તપ અને અલૌકિક સિદ્ધિઓની સાથે-સાથે, એક સાધકે જીવનમાં કયા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેનું ગહન માર્ગદર્શન આપવામાં આવ્યું છે.