Sanatan Dharmni Vaato - 9 in Gujarati Mythological Stories by Siddharth Maniyar books and stories PDF | સનાતન ધર્મની વાતો - ભાગ 9 - હિન્દુ ધર્મના અકલ્પનીય રહસ્યો

Featured Books
Categories
Share

સનાતન ધર્મની વાતો - ભાગ 9 - હિન્દુ ધર્મના અકલ્પનીય રહસ્યો

ખજુરાહોનું દર વર્ષે વધતું શિવલિંગ, શેતપાલ ગામમાં દરેક ઘરમાં રહે છે સાપ

સૃષ્ટિનું નિયંત્રણ કરતી 'શક્તિ' અને અનંત સમયચક્રનું ગહન તત્ત્વદર્શન

પ્રસિદ્ધ લેખક અક્ષત ગુપ્તાએ હિન્દુ ધર્મના એવા રહસ્યો પર પ્રકાશ પાડ્યો છે, જે આધુનિક વિજ્ઞાનને પણ પડકાર આપે છે. આ લેખમાં ચમત્કારિક મંદિરો, મહાદેવના પરિવારમાં પ્રાણીઓ વચ્ચેની અકલ્પનીય શાંતિ, 'શક્તિ'નું સર્વોચ્ચ સ્થાન, ચાર યુગોનું ચક્ર અને મોક્ષ મેળવવાના પાંચ અંતિમ તબક્કાઓનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

પ્રસિદ્ધ લેખક, કવિ અને પટકથા લેખક અક્ષત ગુપ્તા, જેમને તેમની નવલકથા 'ધ હિડન હિન્દુ' માટે ઓળખવામાં આવે છે, તેમણે તાજેતરમાં એક પોડકાસ્ટમાં હિન્દુ ધર્મ સાથે જોડાયેલી કેટલીક એવી અવિશ્વસનીય અને આશ્ચર્યજનક કથાઓ પર પ્રકાશ પાડ્યો, જે આપણી આસ્થાને મજબૂત કરે છે અને સાથે જ ભારતીય સંસ્કૃતિના ઊંડા તત્ત્વજ્ઞાનનો પરિચય કરાવે છે. તેમણે ધાર્મિક ચમત્કારોથી લઈને આધ્યાત્મિક વિજ્ઞાન સુધીના અનેક ગહન વિષયોનું વિશ્લેષણ કર્યું છે.

પોડકાસ્ટમાં અક્ષત ગુપ્તાએ ભારતમાં સ્થિત એવા બે મંદિરોની વાત કરી, જ્યાં બિરાજમાન દેવતાની મૂર્તિઓ કે પ્રતીકો આજે પણ સમય સાથે વધી રહ્યાં છે, જે આધુનિક યુગના લોકોને આશ્ચર્ય પમાડે છે.

અક્ષત ગુપ્તાએ જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં સ્થિત ખજુરાહો મંદિરોને મોટાભાગના લોકો માત્ર કામસૂત્ર સંબંધિત શિલ્પો માટે જ ઓળખે છે. જોકે, ત્યાં બિરાજમાન મહામંતેશ્વર મહાદેવનું શિવલિંગ અકલ્પનીય છે. આ શિવલિંગ દર બેથી ત્રણ વર્ષે એક ઇંચ જેટલું વધી જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે આ શિવલિંગ લગભગ સાતથી આઠ ફૂટ જેટલું ઊંચું છે. જે ઝડપે તે વધી રહ્યું છે, તેના કારણે આવનારા ૫૦-૧૦૦ વર્ષમાં તે મંદિરની છતને સ્પર્શી જશે, જે તેની અલૌકિકતાનો જીવંત પુરાવો છે.

બીજા મંદિરની વાત કરતા તેમણે કહ્યું હતું કે, છત્તીસગઢના અંબિકાપુરના એક સામાન્ય ખેડૂતને સપનામાં વારંવાર હનુમાનજી આવીને તેમને બહાર કાઢવાનું કહેતા હતા. ખેડૂતે જ્યારે ચોક્કસ સ્થળે એક મોટા વૃક્ષને કાપ્યું, ત્યારે તેમાંથી હનુમાનજીની મૂર્તિ નીકળી. જ્યારે તે મૂર્તિ મળી, ત્યારે તે માત્ર બેથી અઢી ફૂટની હતી, પરંતુ આજે તે મૂર્તિ આઠથી નવ ફૂટ જેટલી વધી ગઈ છે. આ મૂર્તિ માત્ર ઊંચાઈમાં જ નહીં, પણ પહોળાઈમાં પણ વધી રહી છે.

અક્ષત ગુપ્તાએ હિન્દુ ધર્મના તત્ત્વજ્ઞાનને સમજાવવા માટે ભગવાન શિવના પરિવારનું ઉદાહરણ આપ્યું, જે અકલ્પનીય રીતે શાંતિ અને સહઅસ્તિત્વનો સંદેશ આપે છે. તેમણે જણાવ્યું હતું કે, જો ભગવાન શિવજી, તેમના પુત્ર કાર્તિકેય અને ગણેશજી પારિવારિક ભોજન માટે એક ટેબલ પર બેઠા હોય, તો તેમના વાહનો (અને શિવજીનો આભૂષણ) પણ આસપાસ હોય. શિવજીના ગળામાં નાગ છે, કાર્તિકેયનું વાહન મોર છે અને ગણેશજીનું વાહન ઉંદર છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે જીવ શ્રુષ્ટિમાં સાપ ઉંદરને ખાઈ જાય છે અને મોર સાપને મારી શકે છે. પરંતુ અહી સહઅસ્તિત્વનો સિદ્ધાંત લાગુ પડે છે. આ વિરોધી તત્ત્વોના વાહનો એકબીજાની આસપાસ હોવા છતાં, કોઈ કોઈને નુકસાન પહોંચાડતું નથી. આ પરિવારમાં શાંતિ જળવાઈ રહે છે, જે હિન્દુ ધર્મનો મૂળભૂત સંદેશ છે, તમામ વિરોધી તત્ત્વો વચ્ચે પણ સહઅસ્તિત્વ શક્ય છે.

માતા પાર્વતીની વાત કરતા તેમણે કહ્યું હતું કે, જ્યારે માતા પાર્વતી, જેમનું વાહન સિંહ એટલે કે જંગલનો રાજા છે, તે ટેબલ પર જોડાય છે, ત્યારે આ પરિવાર પૂર્ણ થાય છે. આ પ્રતીક દર્શાવે છેકે, સૃષ્ટિના સર્જન અને સંચાલનમાં સ્ત્રી શક્તિ (ગૌરી, લક્ષ્મી, સીતા)નું સ્થાન પુરુષ (શંકર, નારાયણ, રામ) કરતાં પહેલાં અને સર્વોચ્ચ છે.

ભારતને આદ્યાત્મિકતા અને વિજ્ઞાનનું કેન્દ્ર શા માટે માનવામાં આવે છે, તે સમજાવતા લેખકે સમય અને જ્ઞાનના મૂળની વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, પશ્ચિમી સંસ્કૃતિ સમયને રેખીય (લીનીયર) માને છે, જ્યારે ભારતીય સંસ્કૃતિ તેને ચક્રીય (સાઈક્લીકલ) માને છે. ચાર યુગ - સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ - એક પછી એક આવતા રહે છે, જે ડમરુ જેવો આકાર બનાવે છે, અને તેનું પુનરાવર્તન અનંતતાનું પ્રતીક છે.

તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે કલયુગ સમાપ્ત થાય છે અને બધું નષ્ટ થાય છે, ત્યારે જે એકમાત્ર નાગ શેષ એટલે કે બાકી રહે છે, તે જ શેષ નાગ છે. તે અનંત છે; તેની ન કોઈ શરૂઆત છે, ન અંત. તે ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલો છે, જેમણે ત્રેતાયુગમાં રામ અને દ્વાપરયુગમાં કૃષ્ણ તરીકે અવતાર લીધો હતો. રામ સાથે લક્ષ્મણ અને કૃષ્ણ સાથે બલરામ તરીકે શેષ નાગે અવતાર લીધો.

ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતે જ વિશ્વને શૂન્ય આપ્યું, કારણ કે ભારતીય ઋષિઓએ અનંતતાની શોધ કરી. અનંતતાનો માર્ગ હંમેશા શૂન્યમાંથી પસાર થાય છે. મોક્ષ એટલે કે સર્વોચ્ચ અધ્યાત્મએ અનંતતા છે, અને તેને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ શૂન્ય બનવું પડે છે.

મોક્ષનો માર્ગ એટલે કે નાગા સાધુ અને ત્યાગની પરાકાષ્ઠા વિષે પણ તેમણે સમજણ આપી હતી. આધ્યાત્મિકતાના સર્વોચ્ચ શિખર સુધી પહોંચવા માટેના પાંચ તબક્કાઓ અક્ષત ગુપ્તાએ સમજાવ્યા હતા. જેમાં તેમણે કહ્યું છે કે, નાગા સાધુ બનેલો વ્યક્તિ સૌપ્રથમ જીવિત અવસ્થામાં જ પોતાનો પિંડ દાન (અંતિમ સંસ્કાર) કરે છે. તેઓ તેમના મૃત પૂર્વજો અને જીવિત માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની, બાળકો સહિત બધાનો અંતિમ સંસ્કાર કરે છે. આ કર્મ પાછળનો હેતુ સાંસારિક મોહ-માયાના બંધનોમાંથી મુક્ત થવાનો છે. અનંતતા (મોક્ષ) પ્રાપ્ત કરવા માટે ઋષિઓ પાંચ વસ્તુઓનો ત્યાગ કરે છે. જેમાં ઘરનો ત્યાગ (સંસારિક જીવન છોડવું), કપડાંનો ત્યાગ (શરીર પ્રત્યેનો મોહ છોડવો), ભોજન અને પાણીનો ત્યાગ (શરીરની આવશ્યકતાઓ પર કાબૂ મેળવવો), શ્વાસ અને શરીરનો ત્યાગ (પ્રાણ પર નિયંત્રણ મેળવીને જ્યારે જોઈએ ત્યારે શરીર છોડવું અથવા એસ્ટ્રલ ફોર્મમાં ફરવું) અને દેહનો ત્યાગ (જ્યારે ઇચ્છા થાય ત્યારે શરીરને છોડી દેવું, 'આઇ વૉન્ટ નથીંગ'ની ભાવના સાથે)નો સમાવેશ થાય છે.

વધુ માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે, અઘોરીઓનો વ્યવહાર અઘરો અને વિવાદાસ્પદ લાગે છે, પરંતુ તેમનો ઉદ્દેશ્ય સારા-ખરાબના સંસારિક ભેદભાવને સમાપ્ત કરીને, બાળક જેવી નિષ્કપટ અવસ્થા પ્રાપ્ત કરવાનો છે, જ્યાં કોઈ વસ્તુ 'છી છી' કે ખરાબ નથી. આ એક એવી શ્રેણી છે જ્યાં વ્યક્તિ ભગવાનને પ્રાપ્ત કરવા માટે અંતિમ ત્યાગના માર્ગે ચાલે છે.

લેખકે એક રસપ્રદ વિરોધાભાસ પર પણ પ્રકાશ પાડ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ભગવાન શિવ પોતે ભૂત, પ્રેત અને પિશાચો દ્વારા પૂજાય છે અને તેમને પ્રિય છે. તેમ છતાં, ભૂત-પ્રેત અને દુષ્ટ આત્માઓ હનુમાનજીથી ડરે છે અને તેમનાથી દૂર રહે છે. હનુમાન ચાલીસામાં પણ કહેવામાં આવ્યું છેકે, ભૂત પિશાચ નિકટ નહીં આવે., મહાવીર જબ નામ સુનાવે.  આનું કારણ એછેકે, હનુમાનજી ભગવાન શ્રી રામના પરમ ભક્ત છે અને ચિરંજીવી હોવાને કારણે તેઓ પૃથ્વી પર જ મોજૂદ છે. તેઓ સ્વભાવે ખૂબ જ સરળ છે, સરળતાથી પ્રસન્ન થઈ જાય છે, અને જે ભક્ત તેમને પ્રેમથી બોલાવે છે, તેઓ જલ્દીથી તેની મદદ માટે દોડી આવે છે. તેથી, ભક્તોને ડરાવવા આવતી નકારાત્મક શક્તિઓ માટે હનુમાનજીનું જલ્દીથી આવી જવું એ સૌથી મોટો ડર છે.

વધુમાં, અક્ષત ગુપ્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે સંસ્કૃત ભાષાને પાછળ છોડી દીધી છે, જ્યારે જર્મની જેવા દેશના વૈજ્ઞાનિકોએ અન્ય ગ્રહો પર સંદેશા મોકલવા માટે સંસ્કૃતને સૌથી શુદ્ધ અને શ્રેષ્ઠ ભાષા ગણીને તેની પસંદગી કરી છે. આ બધું દર્શાવે છે કે, ભારત માત્ર એક ભૌગોલિક સ્થળ નથી, પરંતુ આધ્યાત્મિક વિજ્ઞાન અને જ્ઞાનનું વૈશ્વિક કેન્દ્રબિંદુ છે.