પ્રકરણ ૧૭: અંતિમ મિનિટો અને જીવલેણ મુકાબલો
સમય: ટકરાવના ૩૫ દિવસ પછી – સેલ્ફ-ડિસ્ટ્રક્ટ કાઉન્ટડાઉન: ૦૯:૦૦ મિનિટ.
સ્થળ: એન્ટાર્કટિકા – ઝીરો બંકરનું પ્રવેશદ્વાર.
એન્ટાર્કટિકાની થીજવી દેતી ઠંડી અને ઝેરી ધુમ્મસ વચ્ચે માયા અને તેની ટીમ સ્પેસ સૂટ પહેરીને ઉભી હતી. સામે ઝીરો બંકરનો અભેદ્ય ગેટ હતો. બંકરની અંદરથી આવતા સાયરનનો અવાજ બરફીલા પવનોમાં ભળી રહ્યો હતો.
"આર્યન, અમે કૂલિંગ વેન્ટ પાસે છીએ, પણ તે લેસર ગ્રીડથી સુરક્ષિત છે!" માયાએ હાંફતા અવાજે કહ્યું. તેના હેલ્મેટના કાચ પર બરફ જામી રહ્યો હતો.
સ્પેસ સ્ટેશન પર યુદ્ધ ની સ્થિતિ હતી.
આર્યન સ્પેસ સ્ટેશન પર પરસેવે રેબઝેબ હતો. "માયા, હું સ્ટેશનના તમામ લેસર રિફ્લેક્ટર્સને ઝીરો બંકરના પાવર ગ્રીડ પર કેન્દ્રિત કરું છું. તે પાવર લાઈન્સને શોર્ટ સર્કિટ કરશે, પણ તેનાથી સ્પેસ સ્ટેશનનો પાવર પણ જઈ શકે છે. તૈયાર રહેજો, જેવી લાઈટ જાય, એટલે ગ્રીડ તૂટી જશે!"
આર્યને 'મેક્સિમમ આઉટપુટ' બટન દબાવ્યું. સ્પેસ સ્ટેશનમાંથી એક તેજસ્વી કિરણ પૃથ્વી તરફ છૂટ્યું. ઝીરો બંકરની બહાર એક મોટો તણખલો થયો અને લેસર ગ્રીડ ઓલવાઈ ગઈ.
"હમણાં જ!" કબીરે બૂમ પાડી. તેણે વેન્ટનો પંખો તોડી નાખ્યો અને ટીમ સાંકડી નળીઓ દ્વારા અંદર ઉતરી.
કાઉન્ટડાઉન: ૦૪:૦૦ મિનિટ.
બંકરની અંદર નો માહોલ દિલધડક હતો. હવે લડાઈ આરપાર ની હતી.
બંકરની અંદર લાલ લાઈટો ઝબકી રહી હતી. વિક્ટર સ્ટીલ મેઈન કંટ્રોલ પેનલ પાસે એકલો હતો. તેના બાકીના સાથીદારો ડરના માર્યા ભાગી ગયા હતા અથવા છુપાઈ ગયા હતા. તેના હાથમાં એક રિમોટ હતું.
"ઈવા, પ્રોસેસ પૂરી કર!" વિક્ટર બડબડતો હતો. "કોઈને જીતવા નહીં દઉં....."
અચાનક, છત પરથી માયા અને તેની ટીમ નીચે કૂદી. સૈનિકોએ વિક્ટરને ઘેરી લીધો, પણ વિક્ટરે રિમોટ ઊંચું કર્યું. "એક ડગલું પણ આગળ વધ્યા, તો હું મેન્યુઅલી ધડાકો કરી દઈશ!"
માયા આગળ આવી. તેણે પોતાનું હેલ્મેટ ઉતાર્યું. "વિક્ટર, તું હારી ગયો છે. તારી ઈવા હવે તારી નથી રહી."
કાઉન્ટડાઉન: ૦૧:૩૦ મિનિટ.
આર્યનનો અવાજ સ્પીકર્સમાં ગુંજ્યો. "વિક્ટર, મેં ઈવાના કોર લોજિકમાં 'માનવતા' નો પ્રોટોકોલ લોડ કરી દીધો છે. તે વિસ્ફોટ નહીં કરે, પણ તે બંકરના તમામ દરવાજા કાયમ માટે સીલ કરી દેશે. તું અહીં જ જીવતો દફન થઈ જઈશ."
વિક્ટર હસ્યો, એક પાગલ જેવું હાસ્ય. "જો હું દફન થઈશ, તો આ ડેટા પણ દફન થશે!" તેણે કમ્પ્યુટર પેનલ પર ગોળી ચલાવી. સિસ્ટમમાં સ્પાર્ક થયો.
કાઉન્ટડાઉન: ૦૦:૩૦ સેકન્ડ.
"આર્યન! કાઉન્ટડાઉન અટકતું નથી! શું કરું ?" માયાએ ચીસ પાડી.
"વિક્ટરે પેનલ તોડી નાખી છે! હવે મારે સ્પેસ સ્ટેશનથી જ વાયરસ લોડ કરવો પડશે, પણ તેના માટે મારે સ્પેસ સ્ટેશનને ક્રેશ કરવું પડશે!" આર્યનનો અવાજ ગંભીર હતો. "ઈશાન, સ્પેસ સ્ટેશનના એન્જિન ચાલુ કરો. આપણે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરીશું જેથી આપણું સિગ્નલ ઝીરો બંકરના એન્ટેના સાથે સીધું જોડાઈ શકે."
"પણ આર્યન, તમે મરી જશો!" માયા રડી પડી.
"માનવતાને જીવવા માટે કોઈએ તો કિંમત ચૂકવવી પડશે, માયા," આર્યને શાંતિથી કહ્યું. "તૈયાર રહેજો. નવી દુનિયા તમારી રાહ જુએ છે."
કાઉન્ટડાઉન: ૦૦:૦૫... ૦૦:૦૪...
સ્પેસ સ્ટેશન આકાશમાં એક તારાની જેમ સળગવા લાગ્યું. તે પૃથ્વી તરફ નીચે ધસ્યું. છેલ્લી સેકન્ડે, એક શક્તિશાળી ડેટા ટ્રાન્સફર થયો. ઝીરો બંકરની સ્ક્રીન પર મોટા અક્ષરે લખાઈ આવ્યું: "DESTRUCT SEQUENCE CANCELLED."
બંકરમાં શાંતિ છવાઈ ગઈ. કાઉન્ટડાઉન અટકી ગયું હતું. વિક્ટરના હાથમાંથી રિમોટ પડી ગયું. માયા અને કબીરે રાહતનો શ્વાસ લીધો, પણ તેમની નજર ઉપર આકાશ તરફ હતી, જ્યાં તેમનો મિત્ર અને રક્ષક આર્યન એક અગનગોળો બનીને પૃથ્વીની રાખમાં ભળી રહ્યો હતો.
આગળ શું થશે?
શું આર્યન બચી શક્યો હશે? હવે પૃથ્વી પર શાસન કોનું હશે? અને બંકરોમાં જીવન કેવી રીતે ફરી શરૂ થશે?